ગીત – મધુમતી મહેતા

મનડું વાળે વેર ઓધાજી મનડું વાળે વેર
ટપકાં જેવું લાગે પણ પડછાયો છે ગજ તેર
ઓધાજી મનડું વાળે વેર

ભૂખ્યું હો તો ધાન પીરસીએ તરસ્યું હો તો પાણી
કાન ધરી સાંભળીએ બોલે જો સમજાતી વાણી
અડફેટે લઈ આડેધડ વરતાવે કાળો કેર
ઓધાજી મનડું વાળે વેર

આમ ગણો તો સાવ જ અંગત આમ ગણો તો વેરી
દોડે ડાંફું ભરતું એ તો પલકારાને પ્હેરી
પાશેરાની પૂણી એ, ને સમજે સવ્વા શેર
ઓધાજી મનડું વાળે વેર

કેવડિયાનો કાંટો હો તો કાઢું એને કળથી
ઝળઝળિયાનાં જળને જુદાં કરશું કેમ નયનથી
મંથનથી મોતી ના નીકળે, મળે હળાહળ ઝેર
ઓધાજી મનડું વાળે વેર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ગીત – મધુમતી મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.