હસવું મરજિયાત છે – ડૉ. નલિની ગણાત્રા

[‘હસવું મરજિયાત છે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો: +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ફરજિયાત છે, એમ લખું તો ટણીવાળા હસે નહીં અને આમે ય કોઈ કામ ફરજિયાત કરવાનું આવે તો ખટકે જ. જેમ કે પત્ની માટે સાડી લાવવી એ ફરજિયાત છે અને પ્રેમિકા માટે લાવવી મરજિયાત છે. કહો, કયું ગમે ? માણસે હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂક્યું છે અને ટેન્શન ને કરન્ટ ખાતામાં ! ઉપાડમાં જફા તો નહીં ! પાછું પોતાના ટેન્શનના ટાઈમટેબલમાંથી ફ્રી પિરિયડ મળે, તો કોકનું ઉછીનું ય લે એવા ઉદાર ! હાસ્યના ‘ઈન્દિરા વિકાસપત્રો’ લે ! 20 વર્ષે 16 ગણું હસે, મેન્ટલ હૉસ્પિટલમાં !

અત્યારની સસ્તી મોંઘવારીમાં સસ્તામાં સસ્તું મોંઘું જો કાંઈ હોય તો એ હાસ્ય જ છે. અમુક વ્યક્તિઓ તો રીતસર મોબાઈલ શોકસભાના આજીવન સભ્ય જેવી લાગે ! આપણને પૂછવાની ઈચ્છા થઈ આવે કે, છેલ્લું ક્યારે હસ્યા’તા ? અને બોર્નવિટા ક્વીઝ કરતાંય વધુ ઝડપથી જવાબ આપે – ભાદરવો, નાઈન્ટીન એઈટી ટુ ! પાછો આપણી પાસે એ અંગેનો અફસોસ પણ કરે, કે સા….લ્લું ત્યારે છોકરો ગલીપચી કરી ગયેલો અને હું કંટ્રોલ નહીં કરી શકેલો.

આમ હસવાનું તો ઘણાની તબિયતને અનુકૂળ જ ન આવે. હસાઈ જાય તો સૉરી કહી દે. કેટલાંક વળી એટલા બધા સ્ટ્રેઈટ ફોરવર્ડ હોય કે હસવાની ઝંઝટમાં જ ન પડે અને કેટલાંક સફારીશૂટને હસવાથી ચહેરા કે સ્ટેટસ પર કરચલી પડવાનો ય ભય હોય છે. આવી બ્રાન્ડોને તો લેખનું શીર્ષક રાહતફાળા જેવું જ લાગે ને ! આવા સૂરણના પિંડાઓને હસાવી દયો, તો તમારા એકાઉન્ટમાં છે ઈ બધ્ધા પૈસા તમારા બૉસ, જાવ ! આવા મરેલા જીવો માટે દયાળુઓએ ‘હસના મત’ સિરિયલ બનાવી, તો પોતાના જ વ્યક્તિત્વ પર આધારિત શીર્ષકની અદબ જાળવવા સિરિયલ જોતી વખતે શીર્ષકને જ વફાદાર રહ્યા. હા, સોગિયાઓ લખી ગયા હોય કે ‘હંસતે રહો’, ‘હસે એનું ઘર વસે’ એટલે જ્યાં ત્યાં, જ્યારે ત્યારે હસ હસ કરવું જરૂરી નથી. કોઈ વીસ વર્ષ જૂની જોક કહે અને વળી એનો અનુવાદ પણ કરે ત્યારે ન હસાય અને એસ.ટી.ડી. કોલ આપણે કર્યો હોય ત્યારે ફોનમાં ન હસાય. પણ…. ‘દેખવું ય નહીં ને દાઝવું ય નહિ’ની નીતિવાળા મોતિયો શું લેવા ઉતરાવતા હશે ?’ એવી એક લીટીની જોકમાં ન હસો તો બુદ્ધિનું બાકોરું છતું થઈ જાય અને ઈન્સ્ટન્ટ હસો તો મૅડમ, તમારા સ્ટેટસને ઈસ્ત્રીના ચાર ઘસરકા લાગી જાય ! આ હાંફતા યુગમાં ‘અનારોગ્ય’ એ સળગતી સમસ્યા છે અને એના મૂળ રૂપ ટેન્શન-ચિંતાને હોલવવા ‘હાસ્ય’ ઉત્તમ ફાયર બ્રિગેડ છે.

હકીકતે આપણી આસપાસ બનતી સામાન્ય બાબતો કે વાતચીતમાં ય એટલી રમૂજ ભરેલી હોય છે કે ભારે થવા માટે સમય જ ન મળે. છતાંય પ્રસંગ તો ઠીક, પણ જોક કહીએ તોય મૂળચંદ બાવીસ મિનિટ વિચાર કરે કે હસું કે નહીં ? અને વિચારના અંતે ય રાખે તો મુલતવી જ. આવા સોગિયાઓ પાંત્રીસે પહોંચતાં પહેલાં તો કોઈ એક ડૉક્ટરની આજીવન પ્રેક્ટિસ એના પર જ ચાલે એવી છપ્પન એપિસોડ જેવી લાંબી બીમારીની સિરિયલનો પ્રોડ્યુસર થઈ જાય ! લેબોરેટરીમાં કોઈપણ ટેસ્ટ કરાવો, બધા જ વાયરસ અને બેક્ટેરીઆ એમાં મોજૂદ ! કારણ કે ચિંતાએ ‘ખોખું’ ખાલી કરી નાંખ્યું હોય. પછી સૂક્ષ્મ જીવો એમાં ટેનામેન્ટ બાંધે જ ને ?

બહેનોને તો બધી સીઝનમાં ટેન્શનનું ‘સેલ’ જ હોય. શું ચાલે છે ? એટલું જ પૂછવાની ભૂલ કરવાની !
‘આ જુઓ ને ! ચોમાસામાં નકરો ભેજ ભેજ ! ન કંઈ સુકાય, ન ઘરમાં ગમે, ન બહાર નીકળાય….! આ ભેજ ઉનાળામાં થતો હોય તો શાંતિ બાપા ! ઉનાળામાં તડકો તો હોય !’ 45 મિનિટ સુધી ભેજ પર ભાષણ ભાંડે. વરસાદી ભેજ ઉપર તો સૂર્યનારાયણની કૃપા થાય. પણ આ બારમાસી ભેજનો કોઈ ઉપાય ખરો ? શિયાળામાં ઠંડીની ઠોકે, ઉનાળામાં ઉકળાટનો ઉકાળો અને ચોમાસામાં ભેજની ભાંજગડ ! એના માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ચોથી ‘હાસ્યઋતુ’ ઊભી કરો તો હસી હસીને હોઠે ‘વા’ થઈ ગયાની ફરિયાદ કરે !

આજનો ‘બિગડે દિલ’ યુવાન પણ એક માત્ર પ્રેમપંથના પનારે પડીપડીને હાસ્યમૂઓ થતો જાય છે. અગાઉ વડીલો કહી ગયા હોય કે – ‘ઈક હંસી ઔર આંસુ હ…જાર’ આ ખોટનો ધંધો છે. ‘તોય ડરના મર્દકો શોભા નહીં દેતા’ એવું કહીને ધુબાક કરતો ઝંપલાવે. પછી ઘાટ ઉપર ધોબી દ્વારા ધોવાતા કપડાંની જેમ પછડાટો ખાઈખાઈને ધોબીના જ પોટલાની જેમ ખૂણામાં ધકેલાઈને ગાશે…. ‘કહ દો કોઈ ના કરે યહાં પ્યા….ર !’ પ્રેમિકાની પાછળ પૈસાથી એવો પતી ગયો હોય કે દાઢીના ખોદકામ માટે ય પૈસા ન બચ્યા હોય, પાછો શૉ એવો કરે કે દેવદાસ કટ રાખી છે !

લોકો કારણ વગર કેવું સીધું સાદું અને ભારેખમ જીવ્યા કરે છે એનો દાખલો આપું. એક સ્નેહી બહેન છે. એને હું છ મહિને ફોન કરું કે છ વર્ષે, વાર્તાલાપ આવો જ હોય…
‘હેલો…. હું નલિની.’
‘હા, બોલ !’
‘શું ચાલે છે ?’
‘શાંતિ, બોલ !’
‘કાંઈ નવા જૂની ?’
‘ના, બોલ !’
‘પાછળ કૂતરાં પડ્યા છે ?’
‘ના રે, બોલ !’
‘સામે બોસ બેઠા છે ?’
‘ના, ભઈ ના, બોલ !’
કશો ઉત્સાહ, ઉમંગ, ઉમળકો કે આશ્ચર્ય જ નહીં ! બસ બોલ ! વગર ચોમાસાએ આપણું તો બોલવાનું હવાઈ જાય કે ની ?

ઈશ્વરે મરચું આપ્યું છે તો મીઠાઈ પણ આપી છે. ‘આપ આયે બહાર આયી’ જેવા હસમુખલાલો ય અહીં જ ઊગ્યા છે, જેને તમે સાવ સાદા સવાલ પૂછો તોય રમૂજી જવાબ આપી વાતાવરણ ને વ્યક્તિને હળવા બનાવી દે. પ્રશ્નોત્તરી :

-‘તમે કેવા ?’
‘અમે સારા.’
-‘આમ તમે ક્યાંના ?’
‘ભારતના.’
-‘તમને ગુસ્સો આવે તો શું કરો ?’
‘ગુસ્સો.’
-‘તમે લપસ્યા કેવી રીતે ?’
‘શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે.’
-‘તમને કોઈ લાખ રૂપિયા આપે તો શું કરો ?’
‘લઈ લઉં.’
-‘તમે સન-સિલ્ક શેમ્પુથી માથું ધુઓ છો ?’
‘હા, આખ્ખું માથું એનાથી જ ધોઉં છું.’
-‘શેરડીના રસવાળો ભૈયાજી પૂછે કે – ભાઈસાબ, રસ બરફવાલા બનાઉં કે બિના બરફકા ?’
‘બરફવાલા, લેકિન ભૈયાજી, ઠંડા બરફ ડાલના.’
-‘આટલા બધા મોડા કેમ આવ્યા ?’
‘બેય ચંપલ પહેરવા રહ્યો એમાં મોડું થયું ?’
-‘ઑફિસમાં તમને ઊંઘ ન આવે તો શું કરો ?’
‘તો કામ કરું.’

આમ જવાબ તો રમૂજી આપે પણ સવાલ પણ ઉટપટાંગ પૂછી હસાવે. જેમ કે –
-‘તમારી ચપ્પલ તળિયેથી જ કેમ બગડેલી હોય છે ?’
-‘તમને રાત્રે ય ઊંઘ આવે ?’
-‘તમારે બે જ પગ છે ?’
-‘કેમ શાંતિથી બેઠા છો ? કાંઈ તકલીફ છે ?’
-‘કહો, રિક્ષાને કેમ ત્રણ પૈડાં હોય છે ?’
આવા હસમુખલાલો સર્વત્ર આવકાર્ય બની રહે એમાં શું નવાઈ ?

મિત્રો, હાસ્ય તો હાથવગું, હોઠવગું, સસ્તું અને સ્વાસ્થ્યપ્રદ છે. છતાં ચહેરા પર ચપટીક ચમકાવવામાં રેશનીંગ ચાલે છે. અને એટલે…. એટલે જ પ્રાચીનકાળમાં જેનો ઈજારો માત્ર વૃદ્ધોનો જ હતો એવા સંધિવા, કટિવા, કંપવા જેવા ‘વા’ના રોગો હવે કાચી ઉંમરનાને પણ હાઈજેક કરી રહ્યા છે. આ બધા ‘વા’થી બચવા ‘હસવા’નું સેવન કરો.

‘ના જાને કૌનસા પલ મૌતકી અમાનત હો
હરેક પલકી ખુશીકો ગલે લગાકે જીઓ.’

આ પંક્તિનો બાટલો લોહીમાં ચઢાવ્યો હોય તો કેવું ?
અમિતાભ બચ્ચન જેવું ભર્યુંભાદર્યું ન હસી શકો, માની લીધું. પણ…. મોનાલીસાની જેમ 0.0001 મિલીમીટર જેટલા હોઠ તો આઘાપાછા કરો… ઓ…ઓ… ! તમે બધા જન્મે ન્યૂઝરીડર થોડા જ છો ? તો પ્લીઝ…. બાર બાર મુસ્કરાઓ… આહાહા….. આહાહા… આહાહા… આ લીટીને લિપસ્ટિક બનાવો… આહાહા… આહાહા… આહાહા….

[કુલ પાન : 118. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર સામે, ગાંધીરોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

40 thoughts on “હસવું મરજિયાત છે – ડૉ. નલિની ગણાત્રા”

Copy Protected by Chetan's WP-Copyprotect.