વીણેલાં ફૂલ (ટૂંકીવાર્તાઓ) – હરિશ્ચંદ્ર

[ પુસ્તક ‘વીણેલાં ફૂલ’ ભાગ-9 માંથી સાભાર.]

[1] બીકણ સસલી

નીલુ બીકણ છે. સસલીનું કાળજું લઈને જ જાણે જન્મી છે. નીલુનો પતિ, નીલુની સાથી શિક્ષિકાઓ, બધાં જ એવું કહે છે. આજના જમાનામાં આવા તે પોચા રહેવાતું હશે ? આજે તો વહેવારુ થવું પડે, કઠોર થવું પડે, ચામડી જાડી રાખવી પડે. પરંતુ નીલુ પોતે શિક્ષિકા હોવા છતાં વહેવારુતા અને કઠોરતાનું આ ગણિત કદી ઉકેલી શકતી નથી.

એક દિવસ નીલુ ને રમાબહેન વિદ્યાર્થીઓની નોટબુકો તપાસતાં હતાં. નીલુએ માત્ર સાત નોટ તપાસી, જ્યારે એટલી જ વારમાં રમાબહેને સિત્તેર પૂરી કરી.
‘રમા, તું તો જાણે રાજધાની એક્સપ્રેસ !’
‘અરે, નીલુબહેન અમારાં ગોકળગાય !’
‘પણ ઘર-લેસનના માર્ક વાર્ષિક પરીક્ષામાં ઉમેરવાના હોય છે. આટલી ઉતાવળે તપાસવાથી છોકરાંવને અન્યાય ન થાય ?’
‘ગાંડી રી ગાંડી ! આ તે ઘરના ચોખા થોડા વીણવાના છે ? મને તો થાય છે એ એક લાકડી લઉં, તેના પર આ નોટબુક કે પેપર મૂકું અને જમણી બાજુ પડે તે પાસ ડાબી બાજુ પડે તે નાપાસ !’
નીલુંનાં તો રૂવાડાં ઊભા થઈ ગયાં, ‘હજી તેં આ પ્રયોગ કર્યો નથી ને ?’

એક દિવસ નરેશ ઘર-લેસન કરીને નહોતો આવ્યો. નીલુ વઢવા જતી હતી, ત્યાં પેલો દયામણું મોઢું કરીને કહે, ‘બહેન, મારો અંગૂઠો બહુ દુઃખે છે. બારણાની ચપટમાં આવી ગયેલો.’ એના મોઢા પર દુઃખ-દર્દના આબેહૂબ ભાવો જોઈ નીલુને દયા આવી ગઈ. તુરત આયોડિન મંગાવીને લગાવી આપ્યું. પણ આયોડિન વાળા હાથ જોઈ રમાએ લાગલું જ કહ્યું, ‘નરેશના અંગૂઠે આ આયોડિન લગાડ્યું હશે, નહીં ? જ્યારે ઘર-લેસન ન કર્યું હોય ત્યારે અચૂક તેનો અંગૂઠો બારણામાં આવી જતો હોય છે.’
‘હેં ! તનેય આવો અનુભવ થયેલો ?’
‘અરે ! શ્રેષ્ઠ અભિનયનું ઈનામ એને આપવું જોઈએ.’

એક વાર વર્ગની ટ્રીપમાં ગયેલાં. છેલ્લે દસ રૂપિયા વધ્યા. નીલુએ તેમાં પોતાના પાંચ રૂપિયા ઉમેરી બધાંને શેરડીનો રસ પાઈ દીધો. તો બીજી એક શિક્ષિકા કહે, ‘બીજી વાર આવું કરશો નહીં, નહીં તો અમે લોકો વિદ્યાર્થીઓની આંખમાં આવી જઈશું.’
‘ના, રે…. ! આ કાંઈ હરીફાઈ થોડી છે ?’
‘એમ નહીં. તમે વધારીને રસાહાર કરાવ્યો, મેં ખોટ બતાવીને વધારાની માગણી મૂકી. ટ્રીપમાં આખો દિવસ આપીએ, તો કમ સે કમ એકાદ બ્લાઉઝ પીસ તો નીકળવો જોઈએ.’ પણ ખડખડાટ હાસ્ય સાથે એણે લંબાવેલા હાથ પર નીલુ તાળી દઈ શકી નહીં. બલ્કે મનમાં બબડી, ‘બળ્યું તમારું જીવન !’

એક દિવસ નીલુનો પતિ બહુ ખુશખુશાલ. તેને રજા હતી. એટલે આજે કાગડાની જેમ નહાવાનું નહોતું ને ચકલીની જેમ ખાવાનું નહોતું ને કૂતરાની જેમ દોડવાનું નહોતું. રોજ ગુલામ દેખાતો માણસ રજાને દિ’ રાજા હોય છે.
‘ખાસ્સા નવ થયા, મહારાજ ! હવે નહાવા ઊઠો !’
‘અરે ! આજે ઘડિયાળનો કાંટો બંધ કરી દે ને !’
‘સાંભળો ! પારસી તહેવારની રજા આપે એવી અમારી શાળા કાંઈ સરકારી કચેરી નથી. મારે તો સ્કૂલે જવાનું છે.’
‘ની…લુ….! જો, આજે તારે રજા પાડવાની. આજે બસ, મોજ ! હું બપોરના શોની ટિકિટ પણ લઈ આવ્યો છું. રજાચિઠ્ઠિ પર સહી કરી આપ, હું તારી નિશાળે આપી આવું.’ નીલુને આવી ખોટી રજા પાડવાનું ન ગમે. પણ પતિએ પટાવી લીધી. રજાચિઠ્ઠી આપી આવીને ડંફાસ મારી, ‘તારાં આચાર્યા તો પાણી પાણી. છોકરું માંદું હોય પછી માથી કેમ અવાય ?’
‘હેં ! તમે મારા છોકરાને ખોટો માંદો પાડી નાંખ્યો ?’
‘અને તેં છોકરાના બાપને ગયા વરસે મારી નાખ્યો હતો તેનું કાંઈ નહીં ?’
‘નાટકમાં વિધવાની ભૂમિકા કરી એટલે મારી નાખ્યો ? એ તો અભિનય હતો.’
‘તો આ પણ અભિ…..’ પરંતુ એ સાંભળવાયે રોકાયા વિના નીલુ તો નિશાળે જવા તૈયાર થવા લાગી, ‘ના મારાથી એને ખોટો માંદો નહીં પડાય. હું એની મા છું.’
પતિ ટિકિટના ટુકડા કરતાં બબડ્યો : ‘બીકણ સસલી !’

(શ્રી યોગિની જોગળેકરની મરાઠી વાર્તાને આધારે.)

[2] ગમાર માણસો

કલ્યાણી ગાઢ નિંદરમાં હતી અને ઘંટડી વાગી. એને એવી તો ચીડ ચડી ! કાલે બપોરે પણ એ ભર ઊંઘમાં હતી અને આવી જ રીતે ઘંટડી વાગેલી. ઊઠીને જોયું તો તારવાળો. એના પતિના ગામેથી તાર હતો કે પિતાજી બહુ બીમાર છે. ત્યારે પણ એને એટલી ચીડ ચડેલી કે આ ખબર તુરત ફોનથી પતિને આપવાનો તેને ખ્યાલ ન રહ્યો. આમેય એના મનમાં ગુણવંતનાં માબાપ માટે અભાવો હતો જ. ગુણવંત સાંજે ઘરે આવ્યો ત્યારે એને ખોટું તો લાગ્યું, પણ એ કાંઈ બોલ્યો નહીં અને ઝટ ઝટ તૈયાર થઈ ખાધાપીધા વિના જ ગામ જવા નીકળી ગયો. કલ્યાણીએ ન પતિનું ગામ જોયેલું, ન પતિનાં માબાપ કે ન અન્ય કોઈ સગાંવહાલાં. એમનું પ્રેમલગ્ન હતું. ગુણવંતનાં માબાપનો સખત વિરોધ. નાત બહાર પરણાય જ શી રીતે ? કલ્યાણીને થતું, આ ગમાર માણસો હજી કયા જમાનામાં જીવે છે ! એમણે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધેલાં. લગ્નને બે વરસ થયાં, દીકરો થયો, દરમ્યાન એ લોકો સાથે કશો સંપર્ક નહોતો રહ્યો. કલ્યાણી મુંબઈ જેવા શહેરમાં ઊછરેલી, ભણેલી. ગામડું કદી એણે જોયેલું નહીં અને જોવાની ઈચ્છાયે નહીં. જેમણે દુનિયા જોઈ નથી એવા ગમાર માણસો જ ત્યાં વસતા હશે !

આંખો ચોળતી તે ઊઠી અને બારણું ખોલ્યું, તો ફરી તારવાળો. તાર હતો – ‘પિતાજીની છેલ્લી ઘડીઓ ગણાય છે. પત્નીને લઈને તુરત આવ !’ કલ્યાણી બે ઘડી વિચારમાં પડી. એકાએક એને થયું કે જવું જોઈએ. ઝટ ઝટ તૈયાર થઈ દીકરાને લઈને એ નીકળી. ટ્રેન તુરત મળી ગઈ. કલ્યાણી માત્ર ગામનું નામ જાણે, ક્યા સ્ટેશને ઊતરવું તે જાણે, બાકી કેમ, કેવી રીતે ત્યાં પહોંચવું તે કશું જાણે નહીં. પરંતુ ટ્રેનમાં એ બાજુ જનારા એક આધેડ વયના ભાઈ મળી ગયા. એમણે બહુ મદદ કરી. કલ્યાણીના હાથમાં છોકરું, એટલે ભાઈએ એની બૅગ ઉપાડી લીધી. કલ્યાણીએ ઉઠાંતરી કરી જનારા ઘણા કિસ્સા છાપામાં વાંચેલા. એટલે એના મનમાં શંકાયે ઊઠતી રહી. પણ એ ભાઈએ તો એની એટલી કાળજી લીધી કે એમના માટે શંકા સેવવા બદલ કલ્યાણીને ભારે શરમ આવી. એક બસમાંથી ઊતરીને બીજી બસ પકડવાની હતી. પેલા ભાઈને ત્યાં જ ઊતરી જવાનું હતું. પણ એ સાથે આવીને કલ્યાણીને બીજી બસમાં મૂકી ગયા. ત્યાંના એક ભાઈની ઓળખાણ આપી. બસમાં એક ભાઈને ભલામણ કરી દીધી કે કલ્યાણીને એ ભાઈને ત્યાં પહોંચાડી આવે. કલ્યાણીને તો એટલી બધી નવાઈ લાગી !

એ મુકામેથી હજી ગામ તો પાંચેક કિલોમીટર દૂર હતું. ત્યાં જવા કોઈ બસ નહોતી. ઘરવાળા કહે, અમે પહોંચાડી જઈશું, તમે પહેલાં નહાઈ-ધોઈને ખાઈ લો. ઘરની ગૃહિણીએ પાસે બેસી પ્રેમથી આગ્રહ કરી-કરીને ખવડાવ્યું. ‘અતિથિ તો દેવ કહેવાય !’ કલ્યાણીને માન્યામાં ન આવે – પોતે સપનામાં છે કે જાગૃતિમાં ? જમી પરવારી કે ભાઈએ ટ્રેકટર કાઢ્યું. એમને જવાનું તો હતું શહેરમાં, પણ કહે, ‘ચાલો, પહેલાં તમને તમારે ગામ મૂકી આવું.’ કલ્યાણીએ ટ્રેક્ટર ચિત્રમાં જોયેલું, નજરોનજર પહેલી વાર જોયું. ‘નાના છોકરા સાથે તમને ટ્રેક્ટરમાં બેસવું ફાવશે નહીં’ – કહી ભાઈએ બાળકને સાચવવા એક છોકરીને સાથે લીધી. જમી પરવારી કે ભાઈએ ટ્રેકટર કાઢ્યું. એમને જવાનું તો હતું શહેરમાં, પણ કહે, ‘ચાલો, પહેલાં તમને તમારે ગામ મૂકી આવું.’ કલ્યાણીએ ટ્રેક્ટર ચિત્રમાં જોયેલું, નજરોનજર પહેલી વાર જોયું. ‘નાના છોકરા સાથે તમને ટ્રેક્ટરમાં બેસવું ફાવશે નહીં’ – કહી ભાઈએ બાળકને સાચવવા એક છોકરીને સાથે લીધી. ફિલ્મમાં વિલનનાં જાતજાતનાં કારસ્તાનો જોઈ શંકાશીલ બની ગયેલા કલ્યાણીના મનમાં જરીક કીડો સળવળ્યો, કાંઈક દાળમાં કાળું તો નહીં હોય ને ! મંગળસૂત્ર ને હાથની સોનાની બંગડી ઘરે કાઢીને આવવું જોઈતું હતું. પણ પછી એણે આવા કુ-વિચાર બદલ એવી તો ભોંઠપ અનુભવી !

ગામે પહોંચી, ત્યારે ગુણવંત હજી ત્યાં પહોંચ્યો નહોતો. ‘એની ટ્રેન મોડી થઈ હશે ? કે પોતાના જેવી સગવડ ને મદદ એને નહીં મળી હોય ?’ – કલ્યાણી હજી વિચારમાં હતી ત્યાં તો ઘણાં બધાં એને ઘેરી વળ્યાં. ‘ગુણાની વહુ આવી’, ‘ગુણાની લક્ષ્મી આવી’ – કહી સહુએ ઉમળકાભેર એને આવકારી. એને ઘરમાં લઈ ગયાં. ખાટલામાં સસરા આંખો મીંચીને પડ્યા હતા. સાસુએ એમના કાન પાસે મોઢું લઈ જઈ કહ્યું, ‘જુઓ, કોણ આવ્યું ! તમારી વહુ આવી, તમારો પોતરો આવ્યો.’
‘બહુ સારું કર્યું દીકરી, તું આવી ગઈ તે ! આમનો જીવ તમારામાં જ અટક્યો છે.’ કહી સાસુએ તેને આગળ કરી. ધીમેથી આંખો ખૂલી. આંખોમાં જરીક તેજ આવ્યું. તેમાં વહાલ ઊમટ્યું. એક ધ્રૂજતો હાથ વહુના ને પોતરાના માથે-મોઢે-વાંસે ફરી વળ્યો. નીચે વળેલી કલ્યાણીએ રોમાંચ અનુભવ્યો. પણ તેવામાં જ એ હાથ નીચે પટકાઈ પડ્યો. ‘ગુણ….’ – એવા અસ્ફુટ શબ્દ કાને પડ્યા. અને ત્યાં જ સાસુની મરણપોક સંભળાઈ. કલ્યાણી હેબતાઈ ગઈ. જોયું તો સસરાએ ડોકું નાખી દીધેલું. ઘરમાં રડારોળ શરૂ થઈ ગયેલી. સાસુ મોંફાટ રડતાં હતાં. કલ્યાણીથી ન રહેવાયું. એ પણ સાસુને વળગીને ચોધાર આંસુએ રડી પડી.

લોકો કહેતા હતા – ‘ડોસાના આત્માને કેટલી શાંતિ મળી ! ઘરની લક્ષ્મીને જોઈને ગયા.’ પરંતુ કલ્યાણી મનમાં ને મનમાં અપરાધી ભાવ અનુભવતી હતી. પોતે તારની ખબર વહેલી આપી હોત તો ગુણવંત પહોંચી શક્યો હોત ને બાપ-દીકરો મળી શક્યા હોત. દિવસભર થયેલ અનુભવોને યાદ કરીનેય એ પોતાની જાતને કોસતી હતી – આવા માણસોને હું ગમાર માનતી રહી ! સસરાના ધ્રુજતા હાથનો પ્રેમાળ સ્પર્શ ફરી-ફરી તેને યાદ આવતો રહ્યો.

(ડૉ. પ્રતિમા ઈંગોલેની મરાઠી વાર્તાને આધારે)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “વીણેલાં ફૂલ (ટૂંકીવાર્તાઓ) – હરિશ્ચંદ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.