લહેરખીનો હાથ હું ઝાલું…. – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર.]

સરરર…. અવાજ સાથે બારીનો કાચ બંધ થઈ જાય છે. હમણાં-હમણાંથી આ કાચ બંધ જ રહે છે. કોઈક ને કોઈક વ્યક્તિ, કોઈ ને કોઈ બહાને એને બંધ કરી જાય છે. પહેલા બિલાડી આવી દૂધ પી જશે-નું બહાનું હતું અને હવે ઠંડીનું. ખાલી સવારે જ થોડીવાર અનિવાર્યપણે બારી ખૂલે છે – તેય જરાક જ. એટલી અમથી જગ્યામાંથી બહારનું આકાશ અંદર-બારીની અંદર, ઘરની અંદર અથવા કશાકની પણ અંદર ડોકિયું કરી શકતું નથી. એ બિચારું ગુપચુપ ઠૂંઠવાતું મૂંગું-મૂંગું બહાર જ ઊભું રહે છે. કામ પૂરું થઈ ગયા પછી બારી તો અચૂક બંધ થઈ જ જાય છે. કેમકે, બહાર ખૂબ ઠંડો પવન નીકળ્યો છે. બારીના કાચની આરપાર ઠંડક ફેલાવે એવો.

ઘરની બધી બારીઓના કાચ તથા બંને બારણાં બંધ કરવાથી ઠંડીનું પ્રમાણ બપોરે તો ઘટતું જ નથી. ઊલટું બહાર તડકાને કારણે હૂંફાળી બનેલી હવા ઘરમાં પ્રવેશી શકતી નથી અને ઘરને હૂંફાળો શ્વાસ આપી શકતી નથી. આખી બપોર ઘરની લાદીઓ ઠંડી અને ઠંડીગાર બનતી જાય છે. મારાં આખા શરીર અને મન ઉપર પણ જાણે બરફના એક પછી એક થર પથરાતાં જાય છે. હું પેલી લાદીઓ જેવી જ ઠરતી જાઉં છું. ગોદડું સંકોર્યાં કરું છું અને અંદર ને અંદર ટૂંટિયું વાળ્યા જ કરું છું. ટૂંટિયાની અંદર ટૂંટિયું ને એની અંદર ટૂંટિયું. ને પછી એક પછી એક ટૂંટિયાં ઉખેળતાં-ઉખેળતાં ફરી થાકીને ટૂંટિયું વાળી જાઉં છું. પણ, હાથ લંબાવી પેલો કાચ ખોલી નથી શકતી.

રાતની વાત જુદી છે. રાતે તો બારી ચસોચસ બંધ કર્યા વિના છૂટકો જ નથી. આખી રાત બારી ઠંડા પવનથી ખડ-ખડ થયા જ કરે છે. જાણે અંધારામાં એનું આખું શરીર ધ્રુજતું હોય. નવાઈની વાત છે કે રાત કરતાં બપોરે જ મને ઓરડો વધુ ઠંડોગાર બની ગયેલો લાગે છે. પણ આજે તો હું બારીનો કાચ ખોલી જ નાખું છું. વાડાની તડકાળું હવા સૂંઘું છું. ખંડની અંદરની હવા અને બહારની હવા વચ્ચે સ્પષ્ટ ભેદરેખા છે. હું વાંચવામાં તલ્લીન થઈ જાઉં છું. કંઈ કેટલીયે વેળા વીતી જાય છે. બારીમાંથી પક્ષીના ટહુકા નાચતા-ગાતા અંદર આવતા રહે છે ને હું પંપાળું પહેલાં તો સરી જાય છે. હું મારા કામમાં મગ્ન છું. કાચ ખુલ્લો છે એ વીસરી જાઉં છું. બપોર ક્યારનીયે તડકાનો પાતળો ડગલો પહેરી સાંજની દિશામાં ડગલાં ભરી રહી છે. છાપરે-છાપરે, અગાસીએ-અગાસીએ એનો ડગલો ઓગળતો જાય છે. ત્યાં જ અચાનક સરર…..ખટ્ અવાજ થાય છે. કોઈ ટેવવશ કાચ બંધ કરી જાય છે. હું અને આકાશ અંદર-બહાર એકસરખાં સ્તબ્ધ !

મારું માથું હું ફરી કાગળોમાં ખૂંપાવી દઉં છું. ત્યાં જ થોડીવારમાં ઝીણું-ઝીણું ટક-ટક થાય છે. હું માથું ઊચું કરું છું. કોઈ નથી. ફરી થોડી ક્ષણો વીતે છે અને ટક ટક ટક ! આ કોણ છે ? હું આજુબાજુ જોઉં છું. કોઈ તો નથી. ફરી માથું ખૂંપાવું ને ફરી ટક ટક. હવે હું બારીના કાચ તરફ જોઉં છું. અરે ! આ તો બારીના કાચની તિરાડમાંથી ઝીણી અમથી લહેરખી કરે છે ટક ટક ટકોરા ! બારીનો કાચ બંધ છે. તેથી જ બારી અંધ છે. કાચ કેવળ કાચ છે, છતાં એમાંથી લહેરખી જોઈ શકતી નથી. બારીના કાચની બહાર આકાશ સ્થિર અને થીજેલું છે. બારી આકાશને ઉઘાડી શકતી હોય છે. આકાશ બારીને ઉઘાડી શકતું નથી. કેમકે બારીને તો ઘર હોય છે. ઘરમાં હાથ હોય છે. એ હાથ કદી ખૂલે છે, તો કદી બંધ હોય છે. કદી હાલે છે, તો કદી જડ બને છે. હાથને જો કૂંપળ ઊગે તો એ શ્વાસ લેવા બારી ખોલે. નહીં તો ઠૂંઠું વૃક્ષ અને બંધ બારી ભેટ્યાં કરતાં હોય છે.

બહાર સમી સાંજ ઊતરી આવી છે. રોજની જેમ આજે ય આકાશ પેલી બારીને નાની-શી લહેરખી મોકલાવી ટક ટક ટકોરા કરે છે. બારીના કાન ઉપર તો કાચ છે, બારી સાંભળતી નથી. લહેરખી ઝાંખા-પાંખા અજવાળા જેવું મૂંઝાઈ એકલી-અટૂલી ઊભી છે. ટાઢમાં સહેજ થરથરી જતાં લહેરખીને એક બંધાઈ રહેલા મકાન બહાર ચેતવેલો ચૂલો દેખાય છે. લાવ, જરા તાપી લઉં એમ વિચારી લહેરખી ત્યાં જાય છે. ધુમાડા વચ્ચેથી આમ-તેમ થઈ બહાર નીકળતાં-નીકળતાં લહેરખીને રોટલાની મીઠી સોડમ આવે છે. લહેરખીના પાતળા શરીરમાં એકાએક શ્રમજીવીનું પેટ પ્રવેશી જાય છે. પણ લહેરખીથી આમ અધવચ્ચ થોભાય એમ ક્યાં છે ? થાળી જેવડા ગોળ રોટલા ફરતે નાની ચક્કરડી-ફુદરડી ફરી મેલાઘેલા બાળકના ઓઘરાળા ગાલ ઉપર ટપલી મારી લહેરખી ત્યાંથી આગળ જાય છે. લહેરખી ખબર નહિ, દૂર-દૂરના કયા ક્યા પ્રદેશની હવાના ઝીણાં-ઝીણાં વસ્ત્ર પહેરીને અહીં સુધી આવી છે ? લહેરખી કાળી માટીની ગંધમાં ઝબોળાઈ છે. ડૂંડામાંના દાણાની જેમ લહેરખીમાં ખેતરની લીલપ ફાટ-ફાટ થાય છે. ખેતરમાં ઊભો પાક લહેરાતો હોય ત્યારે પેલા ચાડિયાની નજર ચૂકવીને ડૂંડા પર પાતળી જીભ ફેરવી લેવાની લહેરખીની હામ નથી. એ તો આંબા તળે સૂતેલા ખેડૂતના પરસેવાવાળા કપાળ ઉપર હળવેથી હાથ ફેરવી દે છે અથવા માથે બળબળતી બપોરનું ભાથું લઈને આવતી વહુવારુંની લટને ઝીણી આંગળીથી રમાડી જાય છે.

લહેરખી કદાચ દરિયાનાં મોજાં ઉપર નાચતી-તરતી, રેતાળ ખારાશમાં ડૂબકી મારી જળ-હિલ્લોળ ઉડાડતી, પગમાં જળની ઝીણી ઘૂઘરી બાંધી મત્સ્યકન્યાઓની લચીલી ચાલ ચાલતી આવે છે. વહાણોના સઢમાં ભરાતો પવન માછીમારને દૂર દૂર લઈ જાય છે. પાછળથી દબાતે પગલે સહિયરની જેમ આવી લહેરખી માછણના કાળા-તગતગતા ગાલ પરનાં ખારાં ટીપાં લૂછે છે. રેતીમાં પગલાં પાડતી પાડતી એ નદીને શોધવા પાછલા પગે જાય છે. નદી તો એને તરત મળી જાય છે. નદીના વમળ સાથે ગોળ-ગોળ ઘૂમતી લહેરખી સવાર-સાંજ ઊગતા અને આથમતા સૂર્યના આયના સાથે નાની ચકલીની જેમ વાતો કરે છે. નદી લહેરખીની પ્રિય સખી છે. દૂર-દૂરની, કિનારા પારની ભીનીછમ વાતો નદીના કાનમાં લહેરખી જ કરી જાય છે. ક્યારેક નદીને ન સમજાય એવાં ઝીણાં ગીત પણ ગાઈ જાય છે. નદી એ સાંભળીને જ ખળ-ખળ હસી ઊઠે છે. નદીને મળીને પાછા વળતાં લહેરખી કેટલીયે ટેકરીઓ પરથી ગોઠીમડાં ખાય છે અને પહાડો ઉપરથી ભૂસકા મારે છે. રાત પડ્યે વાદળ ભેગી ચાંદા સાથે સંતાકૂકડી રમતાં કેટલીયે ચાંદની ઘટ-ઘટ પી જાય છે. સવારે તો એ સૂર્યના કિરણોમાં નહાઈ કૂકડાની જેમ ઠુમ્મક-ઠુમ્મક ચાલે છે અને અહીં-તહીં ચણ ચણતી ઘુમરાયા કરે છે. બપોરે એની આંખોમાંયે ઘેન ચઢે છે. એક ઝાડ નીચે ગાય પાસે બેસી એય બપોરને વાગોળવા માંડે છે.

આંખ ઊઘડતાં જ એ શહેરમાં ફરવા નીકળી પડે છે. બજારની હાટડીઓ પર વિસ્ફારિત આંખો માંડતી એ માંડ-માંડ બહાર નીકળી છે. ડામરના રસ્તા અને ફૂટપાથ પર એને લસરી પડવા જેવું લાગે છે ને સામે એક બાગમાં બાળકોની ભીડ વચ્ચે ઘૂસી એ છાનીમાની લસરપટ્ટી ખાઈ લે છે. ઘાસમાં ઠેકતી-ગબડતી એ પાંખડીઓનો ઘૂંઘટ ખસેડી ફૂલોનાં મુખ ચૂમતી બહાર દોડી જાય છે. રસ્તા ઉપર રસ્તો નથી, કેવળ વાહનો છે. સાઈકલ આમતેમ કરી આગળ સરકી જતાં છોકરાના હોઠ ઉપર એ બેસી જાય છે. છોકરો સિસોટી વગાડે છે ને લહેરખી તાનમાં આવી નૃત્ય કરે છે. આકાશે ઊડતા પતંગ સાથે ઊડવા પણ જાય છે. સમી સાંજની વેળા છે. અહીં-તહીં, ગલી-ખૂંચી, સીમ-ખેતર, રણ-ધણ-ક્ષણ વચ્ચેથી આરપાર નીકળી સૌને હાથતાળી દેતી લહેરખી બંધ બારીના કાચ સાથે અથડાય છે.

કાચ એ કાચ છે એની લહેરખીને ખબર નથી. બારીને ખુલ્લી સમજી એ અંદર પ્રવેશવા જાય છે ત્યાં કાચ સાથે ધીરેથી અથડાય છે અને લહેરખીને ય ન સંભળાય એવો અવાજ થાય છે. અવાજ મને સંભળાય છે. કાચ મને દેખાય છે. હાથ મારો ઊંચો થાય છે. એક કૂંપળ ફૂટી જાય છે. પણ કાચની સાથોસાથ બધું જ બંધ છે. દીવાલ બંધ છે, છત બંધ છે, સમય બંધ છે, શરીર બંધ છે, મન બંધ છે, મને થાય છે કે લહેરખી પાસે બધાં બંધ તાળાંની કૂંચી છે. લહેરખી એક વળ ખાશે અને બધાં બંધ તાળાં ઊઘડી જશે. બધી દીવાલો ઊઘડી જશે. બધી છત આકાશ બની જશે. લહેરખીનો હાથ ઝાલી હું ક્યાંની ક્યાં પહોંચી જઈશ ? ઘનઘોર જંગલોમાં હરણના બચ્ચા પેઠે દોડ્યા કરીશ. નદીઓનાં જળમાં માછલીની જેમ તર્યાં કરીશ. પહાડોના પહાડો ચઢ્યાં કરીશ. ટેકરીના ઢોળાવો ઊતર્યાં કરીશ ! લહેરખીનો હાથ કેવો હશે ? બારીના કાચ સાથે અથડાયો તેવો ? રેશમના તાંતણા જેવો ? કરોળિયાના જાળાના તાર જેવો ? સૂર્યના પહેલા કિરણ જેવો ? ગર્ભમાં શિશુના પ્રથમ ફરકાટ જેવો ? પક્ષીના બચ્ચાની પાંખ જેવો ? કેવો ? કેવો ? કેવો ?

લહેરખીનો મને હાથ મળે – તો કૂંપળ મળે મને. કૂંપળ મળે તો વૃક્ષ મળે મને. વૃક્ષ મળે તો મૂળ મળે મને. મૂળ મળે તો આકાશ મળે મને. આકાશ મળે તો – લહેરખી મળે મને. સરરર…… કરતાં બારીનો કાચ હું ખોલી નાખું છું. લહેરખી મને વળગી પડે છે. એનો હાથ શોધીને હું ઝાલું એ પહેલાં જ એ મને આખેઆખી પીંછાની જેમ ઊંચકી ઊડી જાય છે દૂર દૂર, અવનવા, અગોચર પ્રદેશે….


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મરજીવા – વીનેશ અંતાણી
લોકવારતાઓ – સં. જયંતીલાલ દવે Next »   

7 પ્રતિભાવો : લહેરખીનો હાથ હું ઝાલું…. – રીના મહેતા

 1. kalpana desai says:

  લહેરખી તો લહેર કરાવી ગઈ………વાહ્!
  કલ્પના દેસાઈ

 2. ખુબ સુંદર….વાંચેલા નિબંધને પણ ફરી ફરી વાંચવા ગમે તેવા નિબંધ છે “ખરી પડે છે પીંછું” માં….

 3. P Shah says:

  ખરી પડે છે પીંછું- એ તો જીવનની નરી વાસ્તવિકતા છે.
  પ્રસ્તુત નિબંધમાં લેખિકાએ એક કવિની કલમે શબ્દો લહેરાવ્યા છે.
  અહીં કવિ જ્યારે કહે છે કે લહેરખીનો હાથ ઝાલું ત્યારે કવિની
  કલ્પનાશીલતા પર આફ્રિન થઇ જવાય છે.
  આખો નિબંધ સુંદર રહ્યો.
  અભિનંદન !

 4. P Shah says:

  એનો હાથ શોધીને હું ઝાલું એ પહેલાં જ એ મને આખેઆખી પીંછાની જેમ ઊંચકી ઊડી જાય છે દૂર દૂર, અવનવા, અગોચર પ્રદેશે….

  વાહ !

 5. Ankita says:

  khubj saras che, kadach kalpana nahot ne tatya hot, kharekhar sars nibandh, thanks

 6. Mrs Malkan says:

  અતિ સુંદર મન પણ અમારું લહેરખી બનીને આપના પ્રત્યેક શબ્દો સાથે લહેરાવવા લાગ્યું. આટલો સુંદર નિબંધ હોવા છતાં એક વાક્યની ગોઠવણી બરાબર ન લાગી.”સાઈકલ આમતેમ કરી આગળ સરકી જતાં છોકરાના હોઠ ઉપર એ બેસી જાય છે.”

  ” આવતી જતી સાઈકલોની વચ્ચેથી સરકી જઈ રસ્તાની સામે પાર ઉભેલા છોકરાના હોંઠ પર બેસી જાય છે. ” અથવા

  સાઈકલોની વચ્ચેથી સરકી જઈ રસ્તાની સામે પાર ઉભેલા છોકરાના હોંઠ પર હળવેથી બેસી જાય છે

 7. વંદના શાન્તુઇન્દુ says:

  ખુબ સરસ નિબન્ધ .પવન દીવની….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.