મરજીવા – વીનેશ અંતાણી

[‘મરજીવા’ પુસ્તકમાંથી સાભાર. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] કૂથલી કુદરતનો ટેલિફોન છે

એક વાર એક માણસ દોડતો દોડતો મહાન વિચારક સૉક્રેટિસ પાસે આવ્યો અને ઉત્તેજનાભર્યા અવાજે કહ્યું : ‘હું તમારા પ્રિય શિષ્ય વિશે તમને એક વાત કહેવા માગું છું.’ સૉક્રેટિસે કહ્યું : ‘એક મિનિટ… તમે મને મારા પ્રિય શિષ્ય વિશે વાત કહો એ પહેલાં તમારે ત્રણ પ્રશ્નોના જવાબ આપવા પડશે. પહેલો પ્રશ્ન છે – તમે એના વિશે જે વાત મને કહેવા માગો છો એ વાત સાવ સાચી છે ?’ એ ભાઈ માથું ખંજવાળવા લાગ્યા, ‘ના, હું એ વિશે હજી તપાસ કરી શક્યો નથી, મેં પણ હમણાં જ સાંભળી છે….’ સૉક્રેટિસે કહ્યું : ‘સારું…. હવે તમે મને એ કહો કે એ વાત સારી છે કે ખરાબ ?’ એ માણસે જવાબ આપ્યો : ‘એ એના વિશેની ખરાબ વાત છે.’ સૉક્રેટિસે સ્મિત કર્યું, ‘કંઈ વાંધો નહીં, જો તમે મારા છેલ્લા અને ત્રીજા સવાલનો પણ યોગ્ય જવાબ આપી શકશો તો હું તમારી વાત સાંભળીશ. તમે મારા પ્રિય શિષ્ય વિશે જે વાત કહેવા માગો છો એ કોઈ પણ રીતે મને ઉપયોગી છે ?’ જવાબ મળ્યો : ‘ના.’ સૉક્રેટિસે કહ્યું : ‘જો એ વાત સાચી છે કે કેમ તેની ખાતરી નથી, એ વાત સારી નથી અને મને ઉપયોગી નથી તો મારે તમારી વાત શા માટે સાંભળવી જોઈએ ?’

એ તો સૉક્રેટિસ હતા, જે કૂથલી સાંભળવા તૈયાર નહોતા. બાકી કોઈ પણ માણસને કૂથલી કરવામાં અને સાંભળવામાં રસ પડે છે. એ માનવસ્વભાવ છે. યુગોથી, કદાચ એક માણસે બીજા માણસ સાથે વાત કરવાની કળા શીખી હશે ત્યારથી કૂથલીની શરૂઆત થઈ જશે. નવરા માણસો દ્વારા કરવામાં આવતી પાયા વિનાની, અફવા જેવી, બિનાધાર, ક્ષુલ્લક વાતો માટે અંગ્રેજીમાં ‘ગોસિપ’ શબ્દ છે. એ શબ્દ કેવી રીતે આવ્યો એના વિશે એક સરસ વાત છે. જૂના જમાનામાં રાજકર્તાઓ એમના જાસૂસોને દારૂના પીઠામાં જઈ ત્યાં બેઠેલા સામાન્ય પ્રજાજનો શું વાતો કરે છે એ સાંભળવાનું ફરમાન કરતા. જાસૂસોને સૂચના આપવામાં આવતી કે ‘પીઠા’માં જાઓ. (Go-ગો), બીઅરની ‘ચૂસકી’ લો (Sip-સિપ) અને વાતો સાંભળો. આમ ‘ગો’ અને ‘સિપ’ એ બે શબ્દો મળીને ‘ગોસિપ’ શબ્દ બન્યો.

નિંદારસ દારૂના નશા જેવો છે, નિંદા કરનાર અને નિંદા સાંભળનાર બંને માટે. રાજકારણી નેતાઓ, ફિલ્મી અભિનેતા-અભિનેત્રીઓ જેવી પ્રખ્યાત વ્યક્તિઓ વિશેની કૂથલીથી માંડીને આપણી સાથે કામ કરતી વ્યક્તિનો કે પડોસીઓ વિશે કૂથલી ચાલતી જ રહે છે. ગામડામાં ચોરે બેસીને કે શેરીના ઓટલે ગોઠવાઈને એકબીજાના કાનમાં વાતો કરતાં સ્ત્રી-પુરુષોનાં કેટલાંક દશ્યો આપણે બધાંએ જોયાં હશે. આધુનિક સમયમાં બીજું ઘણું બદલાયું છે, પણ કૂથલી કરવાની આદત બદલાઈ નથી. હવે ટેલિફોન, સેલફોન, એસ.એમ.એસ. કે ઈન્ટરનેટ પર ચેટિંગ દ્વારા વ્યાપક પ્રમાણમાં કૂથલી કરવાની સગવડો વધી છે. ટેલિવિઝનની ન્યૂઝ ચેનલો પર પણ એ પરંપરા આગળ વધી છે.

કૂથલી કરવાના માનવસહજ સ્વભાવ વિશે એવું કહેવામાં આવે છે કે ‘ગોસિપ ઈઝ અ નેચર્સ ટેલિફોન’ – કૂથલી એ કુદરતનો ટેલિફોન છે. એક અજ્ઞાત વિચારકે કહ્યું છે : ‘અસામાન્ય બુદ્ધિપ્રતિભા ધરાવતા લોકો નવા-નવા વિચારો વિશે વાત કરે છે. સરેરાશ બુદ્ધિ ધરાવતા લોકો પ્રસંગો-હકીકતોનું બયાન કરે છે, જ્યારે તદ્દન સામાન્ય બુદ્ધિવાળા કે મૂર્ખ લોકો બીજા લોકોની કૂથલી કરવામાં જ રચ્યાપચ્યા રહે છે.’

કૂથલી એ સામાજિક રોગ છે. આપણે ઘણી વાર એક સલાહ સાંભળી છે કે તમે જે સાંભળો છો એ બધી વાતો સાચી માનો નહીં. તેમ છતાં આપણે એ વૃત્તિમાંથી બહાર નીકળી શકતા નથી. સામાન્ય રીતે કૂથલી કરવાની મનોવૃત્તિ પાછળ ઈર્ષ્યા મોટો ભાગ ભજવે છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે કૂથલીના વ્યસની લોકો બીજી વ્યક્તિઓ વિશે કાલ્પનિક વાતો ઉપજાવીને પોતાના મનમાં જે છુપાયેલું હોય છે એ જ કહે છે. ખરેખર તો એવા લોકો કૂથલી કરીને પોતાના દોષ, પોતાની અણઆવડત, પોતાની અધૂરપો અને પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયત્ન કરતા હોય છે. દરેક વ્યક્તિને એનો પોતાનો આગવો અભિપ્રાય હોઈ શકે છે. જરૂરી નથી કે તમારા વિશેની ટીકાત્મક વાતોને સાંભળનાર બીજા લોકો એને સાચી જ માને છે. તમારી કૂથલી થતી હોય તેનાથી તમારી પ્રતિભા જરા પણ ખંડિત થતી નથી. દરેક નિંદાત્મક વાતોના ખુલાસા કરવા જવાની પણ જરૂર નથી. રોઝ ડેઝરોચાસ નામની કટાર લેખિકાએ કહ્યું છે, ‘તમારી સફળતા, તમારી પ્રતિભાથી ઈર્ષ્યાભાવ અનુભવતા લોકોના નકારાત્મક અભિપ્રાયથી તમારે વ્યથિત થવાની જરૂર નથી. જો તમે એવું કરશો તો તમે કૂથલીકારોને તમારી જિંદગી ઉપર પકડ જમાવવા દો છો. તમને એવા લોકોની સ્વીકૃતિની જરૂર નથી. તમે જેને અપ્રિય છો એ લોકો તમારા વિશે વાતો કરવા પાછળ કેટલો બધો સમય બરબાદ કરે છે એ વાત જ રમૂજપ્રેરક નથી ?’

[2] જીવનની વિસંગતતાઓ વિશેની વાતો

માનવજીવન અનેક પ્રકારની વિસંગતાઓથી ભરેલું છે. આ સત્ય વિશે ધર્માચાર્યોએ એમની રીતે વાતો કહી છે. ફિલૉસૉફરની પદ્ધતિ જુદી હોય છે, કવિતા-વાર્તા-નાટક લખતા લેખકો અને અન્ય કળાના કળાકારો એમની કૃતિઓ દ્વારા આ વાતને પ્રગટ કરવાના પ્રયત્નો કરે છે અને સામાન્ય માણસ જીવનની વિસંગતતાઓ વિશે ઝાઝું કશું જ વિચાર્યા વિના જીવન જીવતો રહે છે. સામાન્ય માણસ પાસે ફિલસૂફીભર્યા વિચારોની અંધાધૂંધીમાં ફસાઈ જવાનો સમય જ હોતો નથી. તેમ છતાં સામાન્યથી ઉપરનું વિચારતાં લોકો જીવનની વિસંગતતાઓ વિશે કેવી રીતે વિચારે છે તે પણ જાણવા જેવું તો હોય જ છે.

પ્રખ્યાત લેખક આલ્બેર કામૂએ એમના પ્રખ્યાત નિબંધ ‘ધ મિથ ઑફ સિસિફસ’માં સરસ વાત કહી છે. સિસિફસ નામનો માણસ ઊંચા પહાડની તળેટીમાંથી એક મોટા પથ્થરને ધકેલતો-ધકેલતો પહાડની ટોચ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતો રહે છે. એને એવો શાપ મળ્યો છે કે પથ્થર જેવો ટોચ ઉપર પહોંચશે એ સાથે જ નીચે ગબડીને ફરીથી તળેટીમાં પહોંચી જશે. સિસિફસે ફરીથી પથ્થરને પહાડની ટોચ ઉપર પહોંચાડવાની મહેનત કરતા રહેવાનું છે. કરુણતા એ છે કે પોતે જે પથ્થરને મહામહેનતે પહાડ ઉપર ધકેલી રહ્યો છે એ પથ્થર ફરીથી તળેટીમાં ગબડવાનો છે એ વાતની સિસિફસને ખબર છે. એના બધા જ પ્રયત્નો સફળ થવાની ક્ષણે જ નિષ્ફળ જવાના છે એ વાત જાણતો હોવા છતાં સિસિફસના જીવનમાં તો પથ્થરને ઉપર ધકેલવાની મહેનત કરવાનું જ લખાયું છે.

ગુજરાતના જાણીતા સર્જક સુમન શાહે ‘ધજા’ નામની સરસ વાર્તા લખી છે. એમાં એક માણસ દિવસ-રાત ધજા ઉપાડીને ચાલતો રહે છે. એની એક જ ઈચ્છા છે – એ એની ધજા દૂર દેખાતા પહાડ ઉપર ફરકાવવા માંગે છે. એ ધજા બાંધેલો દંડ પોતાના ખભા ઉપર ઉપાડીને લગભગ દોડતો જ રહે છે. હમણાં પહાડ નજીક આવશે અને એ તેના ઉપર ચઢીને પોતાની ધજા ફરકાવી શકશે એવી આશા એના મનમાં છે, પરંતુ માણસ અને પહાડ વચ્ચેનું અંતર ઘટતું જ નથી. એનું કારણ એ છે કે પેલો માણસ જે પહાડ તરફ દોરે છે તે પહાડ પણ એનાથી દૂર ખસતો રહે છે, બંને વચ્ચેનું અંતર ઘટતું જ નથી. અહીં મૂકેલી વિગતો સુમનભાઈની વાર્તાનો એક અંશ જ છે. વાર્તામાં બીજું પણ ઘણું બને છે, પણ આપણા માટે અહીં જાણવા જેવી અને અકળાવે તેવી વાત એ છે કે માણસ ધજાના દંડ સાથે પહાડ સુધી પહોંચવા મથે અને તેની તથા પહાડ વચ્ચેનું અંતર ઓછું થાય જ નહીં.

આપણા એવા જ બીજા સમર્થ વાર્તાસર્જક શિરીષ પંચાલે ‘દિનેશ પરીખનું પુનરાગમન’ નામની વાર્તા લખી છે. એમાં દિનેશ પરીખ એક રાતે અગિયાર વાગે એના ઘરમાંથી ફરવા નીકળે છે. એ એના પરિચિત વિસ્તારમાં જ ફરવા નીકળ્યો હોવા છતાં અચાનક એવું બને છે કે એ કોઈ અજાણી જગ્યામાં પહોંચી જાય છે. એની આસપાસની બધી જ વાસ્તવિકતાઓ ગુમ થઈ જાય છે અને એ અજાણ્યા વિસ્તારની ભુલભુલામણીમાં ફસાઈ જાય છે. એ જેનાથી પરિચિત છે એ બધું જ અપરિચિત બની જાય છે. એટલું જ નહીં. બીજા લોકો પણ એ દિનેશ પરીખ છે તે વાત સ્વીકારવા તૈયાર થતા નથી અને દિનેશ પરીખને જોતાં જ એ દીપક શાહ છે એવી ઓળખાણ આપે છે. શિરીષભાઈની વાર્તામાં પણ બીજું ઘણું બને છે, પણ અહીં જે કહેવું છે તે એ જ કે આજના સમયમાં માણસની સાચી ઓળખાણ જ જાણે ખોવાઈ ગઈ છે.

આ બધી જીવનની વિસંગતતાઓનો નિર્દેષ કરતી કાલ્પનિક કથાઓ છે, પણ એમાંથી સમજાતા અર્થો ક્યાંક ને ક્યાંક આજના માણસના જીવનની વાસ્તવિકતાને રજૂ કરે છે. જિંદગીભર અથાક પ્રયત્નો કરતા રહેવું અને નિષ્ફળ જવાની તૈયારી રાખવી, આપણી આસપાસ પોતાની ધજા ફરકાવવા મથતા કેટલાય લોકો અને માણસની ખોવાઈ ગયેલી મૂળ ઓળખ….. આ બધાં અર્થઘટનો સામાન્ય માણસને પણ એના જીવનને સમજવામાં ઉપકારક બને તેમ છે.

[કુલ પાન : 137. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વીણેલાં ફૂલ (ટૂંકીવાર્તાઓ) – હરિશ્ચંદ્ર
લહેરખીનો હાથ હું ઝાલું…. – રીના મહેતા Next »   

10 પ્રતિભાવો : મરજીવા – વીનેશ અંતાણી

 1. Divyesh says:

  ખુબ જ સુંદર કૃતિ છે.

 2. KARAN says:

  ‘અસામાન્ય બુદ્ધિપ્રતિભા ધરાવતા લોકો નવા-નવા વિચારો વિશે વાત કરે છે. સરેરાશ બુદ્ધિ ધરાવતા લોકો પ્રસંગો-હકીકતોનું બયાન કરે છે, જ્યારે તદ્દન સામાન્ય બુદ્ધિવાળા કે મૂર્ખ લોકો બીજા લોકોની કૂથલી કરવામાં જ રચ્યાપચ્યા રહે છે.’

  too good………………….

 3. Piyush S Shah says:

  કૂથલી – ‘જો એ વાત સાચી છે કે કેમ તેની ખાતરી નથી, એ વાત સારી નથી અને મને ઉપયોગી નથી તો મારે તમારી વાત શા માટે સાંભળવી જોઈએ ?’

  જીવનની વાસ્તવિકતા – જિંદગીભર અથાક પ્રયત્નો કરતા રહેવું અને નિષ્ફળ જવાની તૈયારી રાખવી

  ખુબ જ સુન્દર વિચાર

 4. Ankita says:

  જિંદગીભર અથાક પ્રયત્નો કરતા રહેવું અને નિષ્ફળ જવાની તૈયારી રાખવી, આપણી આસપાસ પોતાની ધજા ફરકાવવા મથતા કેટલાય લોકો અને માણસની ખોવાઈ ગયેલી મૂળ ઓળખ….. આ બધાં અર્થઘટનો સામાન્ય માણસને પણ એના જીવનને સમજવામાં ઉપકારક બને તેમ છે. saras

 5. માનવ સ્વભાવ્ ઉપરનુ તારણ્, સરસ રસપ્રદ, કુથલી (Go-Sip)લેખ્

 6. Hitesh Mehta says:

  કૂથલી એ સામાજિક રોગ છે,
  ‘તમારી સફળતા, તમારી પ્રતિભાથી ઈર્ષ્યાભાવ અનુભવતા લોકોના નકારાત્મક અભિપ્રાયથી તમારે વ્યથિત થવાની જરૂર નથી. જો તમે એવું કરશો તો તમે કૂથલીકારોને તમારી જિંદગી ઉપર પકડ જમાવવા દો.
  બન્ને વાતો ખુબ જ સરસ્……..

 7. dr sudhakar hathi says:

  નમસ્કર લો કર્લો વત દ્વઆ ફ્રેી નિન્દારશ મલે ચ્હે bsnl ni giftto all gujarati

 8. Hiren says:

  ‘અસામાન્ય બુદ્ધિપ્રતિભા ધરાવતા લોકો નવા-નવા વિચારો વિશે વાત કરે છે. સરેરાશ બુદ્ધિ ધરાવતા લોકો પ્રસંગો-હકીકતોનું બયાન કરે છે, જ્યારે તદ્દન સામાન્ય બુદ્ધિવાળા કે મૂર્ખ લોકો બીજા લોકોની કૂથલી કરવામાં જ રચ્યાપચ્યા રહે છે.’ – બહુ સરસ લૅખ

 9. devina says:

  very good article, truth revealed

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.