- ReadGujarati.com - http://www.readgujarati.com -

લોકવારતાઓ – સં. જયંતીલાલ દવે

[ ઉત્તર ગુજરાતની આ લોકવારતાઓ નું સંકલન ગુજરાતી સાહિત્ય અકાદમીએ કરીને તેનું એક પુસ્તક ‘લોકવારતાની લહેર, ઉત્તર ગુજરાતે’ નામથી પ્રકાશિત કર્યું છે. આ વારતાઓ મેળવવા માટે ખૂબ અંતરિયાળ નાના-નાના ગામડાઓની સફર કરીને ત્યાંના શ્રમજીવીઓ, વૃદ્ધો, સ્ત્રીઓ, કડિયા, કારીગરો, ખેડૂતોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે કહેલી વાર્તાઓ ટેપ કરવામાં આવી છે. એમ કરતાં તેમની પાસેથી આ લોકવારતાનું ધન પ્રાપ્ત થયું છે. જેમનું ભણતર કરતાં ગણતર વધારે છે એવા ગ્રામ્યજનો પાસેથી મળેલો આ ખજાનો ખરેખર ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય વારસો છે. (અત્રે નોંધ લેવી કે વારતાઓની ભાષા ગ્રામ્ય ઢબે છે.) (આ વાર્તાઓ પુનઃપ્રકાશિત કરવામાં આવી છે.)]

[1] કરમ ને લસ્મી – કરસનભાઈ પ્રજાપતિ

[લેખક પરિચય : ભાઈશ્રી કરસન માધાભાઈ પ્રજાપતિ મુખેથી આ વારતા સાંભળીને ટેપ કરી. ટેપ કર્યા તારીખ 20-ડિસેમ્બર-1980 શ્રી કરસનભાઈ લાડોલ ગામ ખાતે ખેતમજૂરી માટે આવેલ છે. કેમ કે ગામ લાડોલમાં પિયતની સગવડ છે. જમીન ફળદ્રૂપ છે, ખેતીવાડી વિકસેલ છે, તેથી કરસનભાઈ કુટુંબને બારેય માસ સારી રીતે કામ મળે છે. વળી ક્યાંક ભાગે ખેતી કરવાની તક પણ મળે છે. કરસનભાઈ એક પીઢ અને શાંત વ્યક્તિ છે. ઓછાંબોલા અને હસમુખા છે. વારતા કહેવાની કળામાં નિષ્ણાત છે. તેઓ એક જ વાક્યમાં શ્રોતાઓમાં હાસ્યની લહર લાવી શકે છે. ઉંમર આશરે : 45 વર્ષ તેમનું મૂળ ગામ : કલાણા તા. સમી. જિલ્લો : પાટણ]

કરમને લસ્મી એક આંબા હેઠળ બેઠાં સે, વાદ વદે સે. કરમ કે ‘હું મોટો’ ને લસ્મી કે ‘હું મોટી !’ તાણે એક કઠિયારો આયો. કરમ કે ‘હે લસ્મી, આ બાપડાને હેંડવાની હાલત નથી, તાણે એનું ભલું કરો.’ આ લસ્મીએ તો જેડુ રતન કાઢીને આલ્યું. આ તો સવા લાખનું રતન. જેડુ રતન ખીસ્સામાં ઘાલીને હેંડતા થ્યા. વચમાં તેલાવ તલાવ આયું. કઠિયારો પાણી પીવા જ્યો, તે રતન પડી જ્યું. માછલી ગળી ગઈ.

કઠિયારે તો ઘેર જઈને વાત કરે કે, ‘મને તો જેડુ રતન આલ્યું તું પણ પાણી પીવા જ્યો તે પડી જ્યું.’
કઠિયારણ કે, ‘હોવે તને રતન આલતાં હશે ! જા છાનો માનો, એંધાણાની ભારી કરી લાય !’

આ તો હેંડ્યા. કરમ કે ‘લસ્મી, તારું આલેલું રતન તો આણે પાડી દીધું. એની દશા તો એ જ રહી !’ લસ્મી કે’સે, ‘હશે, બાપડો અભાગિયો’ લસ્મીએ તો બીજું રતન આલ્યું. આણે આ ફેરે તો બરાબર કેડે બાંધ્યું. પાણી પીધું ને ઘેર હેંડ્યો. આણે તો કઠિયારણને વાતે ય કરી. રતન કુલડીમાં મેલી, કોડિયું ઢાંક્યું. કઠિયારો તો લાકડાની ભારી નાખવા જ્યો, ને ઉંદરડાએ કુલડી ઊંધી પાડી, રતન તાણી જ્યો. એ વખતે લાભુ શા વાણિયો કઠિયારાને ત્યાં ઉઘરાણી કરવા આયો. પણ ઘેર કોઈ હોય, તો ઉઘરાણી થાય ને ! કઠિયારણ પાણી ભરવા જઈ’તી. કઠિયારો ભારી નાખવા.

લાભુ શા કે, ‘પૈસા મારા બાકી સે. ઘેર તો કોઈ નથી.’ પણ ઉદેડે મેલી દીધેલું જેડૂ રતન ફળિયામાં પડેલું જોયું. ઝટ લઈને ખીસ્સામાં ઘાલીને રવાના થૈ જ્યો.
કઠિયારે કઠિયારણને કીધું : ‘જો, રતન જેડૂ લાયો સુ !’
કઠિયારણ કે’સે, ‘ચ્યોં સે જેડૂ રતન ? જા. બીજી ભારી કરી લાય !’

કઠિયારો તો બાપડો હેંડ્યો જાય સે. તાણે કરમે લસ્મીને કીધું : ‘હજી આ બાપડો ગરીબ સે. ઈની ભૂખ કાંઈ ગઈ નથી.’
લસ્મીએ કીધું : ‘હવે તમારો વારો સે !’
કરમે કીધું : ‘મારી જોડે તો કાંઈ નથી, પણ એક આ દાહકું (દશ પૈસા) સે ઈ આલો !’
લસ્મીએ તો આ વખતે કઠિયારાને દાહકું આલ્યું. દાહકું લઈને જ્યો, તાણે રસ્તામાં એક માછીમાર મલ્યો.

કઠિયારો કે’સે, ‘ભઈ, દહકાની માછલી આલો ને !’
માછીમાર કે, ‘દહકાની માછલી ના આવે !’
કઠિયારો કે, ‘ભઈ, જેવી આવે એવી, ગમે એવી આલશો, તો ય ચાલશે !’
તાણે આ માછીમારે, ફેંકી દેવા જેવી માછલી આલી. એ લઈને કઠિયારો ઘેર જ્યો.

કઠિયારણને કે, ‘જો, હું માછલી લાયો છું. અચ્છી તરેંથી ભાજી બનાવો.’ આ માછલી તે જેડૂ રતનવાળી હતી. ચીરવા બેઠાં, રતન જેડૂ નેકળ્યું. કરમે કર્યું – દહકાના કરમે કર્યું. ઈ લસ્મી ના કરી હકી. કઠિયારો તો રાજી થૈ જ્યો. અને બોલવા માંડ્યો : ‘લાભ્યા, ભઈ લાભ્યા !’ હવે લાભુ શા શેઠ મેડી માથે બેઠો’તો એણે સાંભળ્યું. એણે વિચાર કર્યો, ‘મારું બેટું, આ કઠિયારો જાણી ગ્યો. ગામમાં મારી આબરું રે’શે નૈ, જઈને આપી આવું.’
આ લાભુ શાએ તો રતન જેડૂ આલ્યું સે, કે કોઈને વાત કરીશ મત.
કઠિયારો ધનવાન બની જ્યો.
કરમે કીધું. ‘કેમ લસ્મી, મોટું તું કે મું ?’

કરમ વગર કોડી પણ નથી.

[2] દલા શેઠની ઊઘરાણી – બેચરકાકા

[વારતા કહેનાર બેચરકાકા – મુ. અડાલજ. બેચરકાકા ઠાકોર જ્ઞાતિના છે. સ્વભાવે હસમુખા અને મળતાવડા છે. ધંધો : ખેતી. ઉંમર 60 વર્ષ. વારતા સાંભળી તા. 20- ડિસેમ્બર-1980 ]

એક ગામમાં એક દલીચંદ શેઠ રહે. આ શેઠ ગામમાં નાની એવી હાટડી ચલાવે. ગામમાં ધીરધાર કરે, ઘેર જમીન, ગાયો, ભેંસો, બળદ બધો ઠાઠ. એક વખત આ દલીચંદ શેઠ ઊઘરાણીએ નીકળ્યા. એક ઠાકોરભાઈ પાસે પૈસા માગતા હશે, તે સવારમાં એ તો ઠાકોરવાસમાં પહોંચી જ્યા. આ ઠાકોરભાઈને ત્યાં ગયા તો ખરા પણ ઘેર કોઈ નહિ. એકલી છોડી ગંગા ઘેર હતી. શેઠે પૂછ્યું, ‘છોડી, મંગાજી ચ્યોં જ્યા સે ?’ છોડીએ જવાબ આલ્યો : ‘શેઠ, એ તો એકના બે કરવા જ્યા !’
‘અને તારો કાકો ડાયાજી ચ્યમ આજ નહિ દેખાતા ?’
ગંગા બોલી : ‘મારો કાકો તો બાર મહિનાનું પોણી બંધ કરવા જ્યા સે !’
‘અને તારો ભઈ મફલો ?’
ગંગા કહે : ‘મફો તો દહ રૂપિયા લઈને ગોમની ગાળ્યો ખાવા જ્યો સે !’

આ ગંગાના જવાબથી શેઠને કંટાળો આયો.
દલીચંદ શેઠ કે’ છે, ‘છોડી, કાં’ક સમજાય એવું તો બોલ !’
ત્યારે ગંગા બોલી, ‘ચ્યમ શેઠ, સમજાય એવું તો બોલી છું. આથી વળી ચેવું બોલાતું હશે ?’
દલીચંદ શેઠ કહે : ‘ગંગા, મને બરાબર સમજણ પાડ.’
તાણે ગંગા કહે, ‘તમે ઊઘરાણી માંડીવાળો તો સમજણ પાડું.’
દલીચંદ કહે, ‘જો ગંગા, તારા જવાબ મને બરાબર લાગશે, તો મું ઊઘરાણી માંડી વાળીશ. પણ આજ તો મારે સમજીને જ જવું છે !’

તાણે ગંગા બોલી, ‘શેઠ, મારા બાપા જાર વાવવા જ્યા સે. એ ઊગે અને પાકે એટલે એક ના બે થાય કે ના થાય ?’
દલીચંદ શેઠ કે’ છે, ‘બરાબર છે છોડી, તારી આ વાત તો સાચી. પણ તારો કાકો ક્યાં ગ્યા છે, એ તો ના કીધું.’
ગંગા કહે : ‘જુઓ શેઠ, મારો કાકો જ્યા સે બાર મહિનાનું પોણી બંધ કરવા. એટલે નળિયા ચાળવા !
(નળિયા ગોઠવવા જેથી ઘરમાં પાણી ના ટપકે)’
દલીચંદ શેઠ કે’ છે, ‘એ વાતે ય ખરી ! પણ તારો ભઈ મફલો ?’
ગંગા કે’ છે, ‘મફલો દહ રૂપિયા લઈને ગામની ગાળો ખાવા જ્યો સે. એ દહ રૂપિયા લઈને દારૂ પીવા જ્યો સે, એટલે એ જ થયું ને ?’
શેઠ બોલ્યા, ‘કબૂલ છોડી, કબૂલ. નાની ઉંમરે તારામાં ઘણું ડા’પણ છે. જા, આજ સુધીની બધી ઊઘરાણી મીં માંડી વાળી.’

શેઠે ઊઘરાણી જતી કરી. ગંગાએ આ વાત ઈના બાપને કરી. ખાધું પીધું ને મજા કરી.

[3] બધાંય બહેરિયાં – કરસનભાઈ પ્રજાપતિ

[લેખક પરિચય માટે જુઓ વારતા-1]

ચુમાહાનો દા’ડો હશે. એક ખેડૂત હતો, તે સેતરમાં (ખેતરમાં) રાંપડી કાઢતો હશે. આ ખેડૂતે સેતરમાં કપાહ વાવેલો. સેતરમાં થઈને શેઈડી (કેડી પગવાટ) જાય. સહુ આ ખેડૂતના સેતર વચ્ચોવચ થઈને હેંડે.

બે વટેમારગુ હશે, એ ય આ શેઈડીએ થઈને નેહર્યા.
ખેડૂતને બોલાઈને એક આદમીએ પૂછ્યું : ‘ભઈ, અમારે ગોઝારિયા ગામે જવું છે. ગોઝારિયાનો રસ્તો આ જ છે ને ?’
ખેડૂત બોલ્યો : ‘તમારે કાળિયો બળદ લેવો હોય તો આઠસો અને ધોળિયો બળદ લેવો હોય તો બારસો !’

વટેમારગુ સમજી જ્યા કે ‘ખેડૂતને કાનમાં ધબ (બહેરાશ) છે.’ એટલે એ તો વગર બોલ્યે હેંડવા માંડ્યા. બપોર થયાને ધણિયાણી ભાત લઈને આઈ. ખેડૂત તો બળદ છોડીને ઝાડતળે બેઠો ભાત ખાવા. રોટલાનું બટકું કઢીમાં બોળીને મોંમા મૂક્યું અને ખેડૂતને યાદ આયું.
ઘરવાળીને કે’ છે, ‘આજ તો બળદના ઘરાગ આયા’તા. મેં કીધું કાળિયાના આઠસો અને ધોળિયાના બારસો. પણ એ તો હેંડવા જ માંડ્યા. ઊભા જ ન રહ્યા. કોંઈ વોંધો નહિ. ઈમ કોંઈ મફત આલી દેવાના છે ?’

આ સાંભળ્યું ને ઘરવાળી તો હિચકારો કરવા માંડી. ‘કઢી કોંઈ મીં નહિ બનાઈ ! ડોશીએ બનાઈ છે. મને જ એકલીને ભાળી ગ્યા છો ? મા આગળ તો કોંઈ હેંડતું નહિ મું ભાત લઈને આઈ, એટલે કોંઈ ગૂનો કર્યો ?

ધણિયાળી પણ બહેરી જ હતી. આ ખેડૂત ભાત ખઈ રહ્યો એટલે ભતાયણું લઈને ઘરવાળી પાછી આઈ. તાણે ડોશી ઓટલે બેઠાં બેઠાં છોડીના માથામાં તેલ નાખતા’તા.

વહુ તો આવીને માંડ્યા બોલવા : ‘તમારા છોકરાને કઢી ખાટી લાગી. કઢી તમારે કરવાની ને ઠપકા ખાવાના અમારે ! એક તો અમારે ભાત લઈને જવાનું ને ઉપરથી ગાળ્યો સાંભળવાની. આટલા દા’ડા નહિ બોલી, પણ હવે કઈ દઉં છું, હું ભાત લઈને નહિ જવાની !’

વહુને બોલતી જોઈને ડોશી બોલ્ય, ‘તે તેલ કોંઈ તમારા પૈસાનું લાઈને આથા માથામાં નથી નાખતા. તેલ નાખીએ છીએ, તે તમારા પૈસાનું નાખીએ છીએ. ચ્યમ એટલો બધો હિચકારો કરો છો ? શું જોર આઈ જ્યું તમને ?’ – ડોશીને ય ક્યાં સંભળાતું’તું ?

હવે છોડીને એમ થ્યું કે, આ બધા ય મને કે’છે. એનું તો મોઢું લાલચોળ થૈ ગ્યું. ગાલે શરમના શેરડા પડવા માંડ્યા. હસું હસું થતા બોલી, ‘તે એમાં મને શું પૂછવાનું ? આપણે તો તમે જ્યાં વળાવશો, ત્યાં જઈશું !’