ભારત મારી ભીતર… – અવંતિકા ગુણવંત

[ ‘અખંડ આનંદ’ જૂન-2011માંથી સાભાર. આપ અવંતિકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26612505 પર સંપર્ક કરી શકો છો.]

અનાર પચીસ વર્ષની થઈ ત્યાં સુધી કદીય એની માતૃભૂમિ ભારતમાં આવી જ ન હતી. અનારના પપ્પા સુશીલભાઈનાં બધાં સગાં અમેરિકામાં સ્થાયી થયાં હતાં. તેથી ભારતમાં આવવાનો કોઈ પ્રસંગ ઉપસ્થિત થયો ન હતો. લગ્નપ્રસંગ પણ અમેરિકામાં ઉજવાતો.

જ્યારે જ્યારે વેકેશન પડે ત્યારે સુશીલભાઈ દુનિયાના બીજા દેશોમાં જવાનું ગોઠવતા. અનારની મમ્મી બેલા ભારત જવાની વાત ઉચ્ચારે ત્યારે તરત સુશીલભાઈ બોલતા, ‘શું દાટ્યું છે એ ધૂળિયા ગરમ દેશમાં ? જ્યાં નજર કરો ત્યાં ગરીબાઈ અને ગંદકી જ નજરે પડે. ક્યાંક ને ક્યાંક હડતાળ, આંદોલન, ભાંગફોડ, સરઘસ ચાલતાં જ હોય. એવા ઘોંઘાટિયા-ગરબડિયા દેશથી માંડ છૂટ્યાં છીએ, હજી શું બાકી રહ્યું છે કે એ સર્વશ્રેષ્ઠ માતૃભોમકા યાદ આવે છે ?’

સુશીલભાઈની તીખી વાણી સાંભળીને બેલા કોઈ દલીલ ન કરતી; પરંતુ અનાર કૉલેજમાં ગઈ અને વિભિન્ન દેશોની સંસ્કૃતિઓ વિશે માહિતી મેળવતી ગઈ ત્યારે એણે વાંચ્યું કે ભારતીય સંસ્કૃતિ સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે, એની સમકાલીન સંસ્કૃતિઓ નાશ પામી છે પણ ભારત દેશની સંસ્કૃતિ પરિવર્તન પામતી ગઈ છે. એનામાં કંઈક ઉમેરાયું છે, કંઈક બાદ થયું છે પણ એ જીવંત છે. આવી પ્રાણવાન સંસ્કૃતિની પોતે વારસદાર છે એ વાતે અનારે ગૌરવ અનુભવ્યું અને ભારતમાં આવવાની એને પ્રબળ ઝંખના જાગી. અનારે ઘરમાં વાત કરી ત્યારે એના પપ્પા બોલ્યા, ‘જઈશું કોઈ પ્રસંગ આવે.’ અનાર જરાય હતોત્સાહ થયા વિના બોલી, ‘ડેડી, પ્રસંગની રાહ જોઈને બેસી ના રહેવાય, આપણે જઈએ એ જ પ્રસંગ, મોટો પ્રસંગ.’ અને અનાર ભારત આવી, એની મમ્મીને પણ ભારત આવવાનું હતું પણ પતિને નારાજ કરવાની એનામાં હિંમત ન હતી તેથી તે આવી શકી નહીં.

અનારે ભારતમાં પગ મૂક્યો ને એના મોસાળિયાઓ તથા બીજાં સગાં સ્નેહીઓનો પ્રેમ જોઈને કોઈ નવા ભાવવિશ્વમાં વિહરવા માંડી. એ વિચારે છે કે મારા ડેડીનાં બધાં સગાં અમે અવારનવાર મળીએ છીએ, ખૂબ મઝા કરીએ છીએ, પણ ભારતની વાત તો અલગ જ છે. અહીં સ્નેહભરી કેટલી કાળજી ! કેટલી આત્મીયતા ! અગાઉ જણાવ્યા વગર એમના ઘેર જઈ પહોંચીએ તોય ભરપૂર પ્રેમભર્યો આવકાર મળે. આપણને મનગમતી વાનગી ખવડાવે અને આપણું બાદશાહી સ્વાગત કરે. હું બેલાની દીકરી છું, એવું જાણીને બેલા ઉપરનું એમનું બધું વહાલ મારી પર વરસાવે. હેતથી ભેટે અને કહે, ‘તું બરાબર બેલા જેટલી જ ઊંચી છે.’ કોઈ કહે, ‘તારું કપાળ બરાબર તારી માસી જેવું છે અને વાન તારી નાનીમા જેવો છે.’ મારું શું કોના જેવું છે એ સાંભળવાનું મને ગમે છે. એનાથી મને કોઈ સ્ટેટ્સ મળતું હોય એવું લાગે છે. કોઈ મને ‘મારી દીકરી’ કહે છે, કોઈ બહેન કે દીદી કહે છે, કોઈ માસી કહે છે, આવા સંબોધનમાં ગાઢ સ્નેહનો અનુભવ થાય છે.

અનારને પાણીપૂરી અને ભેળપૂરી બહુ ભાવે, એમાંય જો કોઈ એને સ્કૂટર કે બાઈક પર બહાર ખાવા લઈ જાય તો ખુશ ખુશ. તાપ-તડકાની પરવા કર્યા વિના રખડે. આવી રખડપટ્ટીના લીધે એને તાવ આવી ગયો, પથારીમાં પડી. સગાંઓએ જાણ્યું કે તરત તેઓ દોડી આવ્યાં. અંજુમામીએ આવીને રેકી આપી, તો ભરતમાસાએ પ્રાણિક હીલિંગથી સારવાર આપી. મધુકાંતમાસાએ આયુર્વેદિક ઉપચાર સૂચવ્યા. જો કે અનારનાં નાનાજીએ ડૉક્ટરને તરત વિઝિટે બોલાવ્યા હતા પણ સગાંઓને ક્યાં ધરપત રહે એવું હતું ? નાનીમાએ તો મોટરમાં નહિ પણ ચાલતા મહુડી જવાની બાધા રાખી હતી, તો મમ્મીની ફ્રેન્ડ સુધામાસીએ પદ્માવતીને ચૂંદડી ઓઢાડવાની બાધા રાખી. અનાર તો હરખાય છે કે વાહ હું તો મોટી રાજકુંવરી હોઉં એવા લાડ મને મળે છે, તેઓ બધા ચિંતા કરે છે છતાં મને કહે છે, ‘બેટી, ચિંતા ના કરીશ, આવું તો થાય. એકાદ બે દિવસમાં મટી જશે.’ અનાર હસીને કહે, ‘અરે મને આવાં લાડ મળ્યાં, હું તો ખુશ થાઉં છું, ખૂબ ખુશ.’ રુચિ માસી તો અનારની પાસે બેસીને એને એકધારું પંપાળ્યા કરે છે. અનાર કહે, ‘માસી વાતો કરો ને.’ તો રુચિમાસી કહે, ‘હમણાં હું તારા માટે પ્રાર્થના કરું છું, તાવને વિનંતી કરું છું કે પ્લીઝ તું વિદાય થઈ જા.’ વૈશાલીમામી કહે, ‘મેં એકવીસ સામાયિક કરવાની બાધા રાખી છે, અનાર કાલ સુધીમાં તું પહેલાં જેવી થઈ જઈશ.’

સ્વજનોનું આવું અઢળક હેત પામીને અનાર તાજુબ થઈ ગઈ. એ વિચારે છે, મેં આ બધાંને શું આપ્યું છે ? કશું નહીં. થોડા દિવસમાં હું અમેરિકા ચાલી જઈશ, પછી ક્યારે મળીશું કોણ જાણે ? પણ તેઓ એવું ક્યાં વિચારે છે ? મારી પાસેથી કંઈ મેળવવાની એમને અપેક્ષા નથી. મારામાં એવી કોઈ વિશેષતા નથી કે તેઓ મને આટલું બધું હેત કરે. કેટલી સ્વાભાવિકતાથી તેઓ સતત મારા વિશે જ વિચારે છે. અમેરિકામાં હું ઘણી વાર માંદી પડી છું, અશક્તિ લાગે અને પથારીમાં પડી રહેવું પડે ત્યારે મોમ કે ડેડી ડૉક્ટર પાસે લઈ જાય, દવા લઈ આવીએ એટલે વાત ખતમ. મોમ ડેડીએ કદી આવી ચિંતા નથી કરી. આવાં લાડની તો મને કદી કલ્પના જ નથી આવી. અનાર પથારીમાં પડી પડી પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિની તુલના કરે છે. એને લાગે છે કે અમેરિકામાં અમે ચીજવસ્તુઓને પ્રેમ કરીએ છીએ પણ વ્યક્તિને નહીં. અમે બધું ડૉલરથી માપીએ છીએ. અમારે મન ભૌતિક ચીજવસ્તુઓ અને ભૌતિક વિકાસનું મૂલ્ય છે, અમે સ્વકેન્દ્રી છીએ. બીજાને આવો નિરપેક્ષ, નિઃસ્વાર્થ હેત ના કરી શકીએ. પોતાના માનસનું પૃથક્કરણ કરતાં અનારને ખ્યાલ આવે છે કે અમેરિકામાં હતી ત્યારે પોતાની પાસે શું શું નથી એની યાદી બનાવ્યા કરતી, અને જે ન હતું એના માટે અજંપો ભોગવતી. જ્યારે અહીં ભારતમાં આવ્યા પછી શું શું નથી એનો બળાપો ક્યાંય ઊડી ગયો. અહીંના હેતપ્રેમે એને સમૃદ્ધિથી છલકાવી દીધી. અનાર વિચારે છે, હવે તો હું વારંવાર ભારત આવીશ. અહીંથી જતાં પહેલા અહીંના બધાંના ફોટા પાડીને અમેરિકામાં મારા રૂમની ભીંતો પર લટકાવીશ.

બે દિવસમાં અનાર સાજી થઈ ગઈ. ઘરનાં બધાંને શાંતિ થઈ. એના મામાની દીકરી શ્વેતાએ કહ્યું :
‘અનાર, તને અહીં રહી જવાનું મન થાય છે ?’
‘મન તો થાય છે પણ….’
‘પણ શું…. અહીં રહી જાને, આપણે મઝા કરીશું. ત્યાં તું ઈન્ડિયા મીસ કરીશ.’
‘અરે, હવે આખું ઈન્ડિયા મારી અંદર જ ધબકે છે. હું જ્યાં જઈશ ત્યાં ઈન્ડિયા મારી અંદર સચવાયેલું જ રહેશે.’ અનાર છલકાતા હેતથી બોલી.
‘તને એવું થાય છે કે તું આ પહેલાં કદીય ઈન્ડિયા ન આવી તેથી તેં ઘણું બધું ગુમાવ્યું છે ?’ શ્વેતાએ પૂછ્યું.
‘શ્વેતા, અમેરિકામાં પણ હું ઘણું બધું પામી છું. મારી આ વિચારશક્તિ, આ નિર્ણયશક્તિ, ડર કે સંકોચ રાખ્યા વિના જ્યાં જવું હોય ત્યાં જવાની હિંમત મને અમેરિકાએ આપ્યાં છે. મારી મોમ ઈન્ડિયામાં જન્મી અને ઈન્ડિયામાં કેળવાઈ છે, તે સ્વતંત્રપણે કંઈ કરી શકતી નથી. તે સારું ખોટું, યોગ્ય અયોગ્ય સમજી શકે છે પણ તેને જે સાચું લાગે તે કરવાની હિંમત એનામાં નથી. તે નાની નાની વાતમાંય ડરે છે. એ પોતાને ગમે તે પ્રમાણે કરવાને બદલે ડેડીને ગમે એ પ્રમાણે કરે છે. એનામાં જે શક્તિ છે એનો વિકાસ થયો નથી. તે કદી ડેડીને સમજાવવાનો પ્રયત્ન નથી કરતી. મારી મોમ અઢારમી સદીમાં જીવે છે. એને ઘરમાં શાંતિ રહે, પપ્પા નારાજ ના થાય એટલે સુખ લાગે છે. હું મારી મોમ જેવી નથી. હું મારા મનને ગૂંગળાવી ન શકું, મારું શોષણ ન થવા દઉં. અમેરિકાના ઉછેરે સાચા અર્થમાં મને મુક્ત રાખી છે. હું કોઈ પરંપરા, પ્રથા કે રિવાજને આંખો મીંચીને અનુસરી ન શકું. મારાં જીવનમૂલ્યો મારી મમ્મીનાં મૂલ્યો કરતાં જુદાં છે. અમેરિકામાં મહેનત કરીને દરેક જણ પોતાનું જીવન બનાવે છે. ત્યાંના વાતાવરણે મને નીડર બનાવી છે. હું કોઈથી ગભરાતી નથી, સંજોગો વિપરીત હોય તો ય ચિંતા, મૂંઝવણ, ક્રોધ, લાચારી બધા પ્રકારની લાગણીને કંટ્રોલમાં રાખતાં મને આવડે છે. જીવનના સંઘર્ષમાં આ બધાની જરૂર પડે છે. હું લાચારી અનુભવીને મારી વાત છોડી નથી દેતી.

જો કે એક વાત સાચી છે, ઈન્ડિયાએ પણ મને ઘણું આપ્યું છે. મારી લડાઈ મારે કેવી રીતે લડવી એ અમેરિકાએ મને શીખવ્યું છે, તો જીવનની લડાઈમાં ક્યારેક જો હું નિષ્ફળ જાઉં તો કેવી રીતે જીવવું એ ઈન્ડિયાએ મને શીખવ્યું છે. સંયમ, સમતા, ઉદારતાનો અહીં આવીને મને અનુભવ થયો. જીવનમાં એ બધા ગુણો જરૂરી છે. આંતરિક તાકાતનો ખ્યાલ અહીં આવ્યા પછી મને વિશેષ રૂપે મળ્યો. મારા ઈન્ડિયા ઓરિજીનનું મને ગૌરવ છે. અને ખાસ તો બેઉ સંસ્કૃતિનો મને ફર્સ્ટહેન્ડ પરિચય થયો તેથી મારા વ્યક્તિત્વને જુદો જ નિખાર મળ્યો છે. શ્વેતા, ખરેખર હું ખૂબ નસીબદાર છું. બેઉ સંસ્કૃતિની હું વારસદાર છું. હું અવારનવાર ભારત ના આવી શકું તોય મારામાં ભારત જીવતું જ હશે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “ભારત મારી ભીતર… – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.