ઘંટી, ખીંટી અને વળગણી – ભગીરથ બ્રહ્મભટ્ટ

[‘જલારામદીપ’ સામાયિક જૂન-2011માંથી સાભાર.]

એક વખત હતો, ઘરમાં ઘડિયાળ ન હોય, પણ ઘંટી ઍલાર્મ બનીને અમને ઉઠાડતી. વહેલી પરોઢે સાંભળતા હોય ઘમ્મર ઘંટુડીના નાદ. મારી મા ઘંટીએ બેસીને અનાજ દળે કે પ્રભાતિયાં ગાય, તેની ખબર જ ન પડે. અર્ધા ઊંઘમાં હોઈએ. ક્યાંક પ્રભાતિયાંના શબ્દો કાને પડે તો એ મિશ્રલય કાન ઝીલે. એમાંથી સૂઝ પ્રમાણે શબ્દની ધારણા કરાય, બેસાડાય. એ અભ્યાસથી પ્રભાતિયાં કંઠસ્થ થઈ જતાં. શિક્ષણ પામવાની એ પણ કેવી ગજબની પદ્ધતિ !

ઘરમાં ઓરડો. ઓરડાના એક ખૂણે ઘંટી. આસપાસ અંધારું. આખા ઘરના માણસોના પેટ જેનાથી ઠરે એ ઘંટી અંધારે કેમ રખાતી હશે ? એ વાત મને આજ સુધી નહોતી સમજાઈ. હવે મનમાં બેસે છે કે જાત સાથે વાત કરવા અજવાળાં કરતાં અંધારાં વધારે અનુકૂળ આવતાં હોય છે. ‘ઘમ્મર ઘમ્મર થાય રે, મારાં ઘરડાં માની ઘંટુડી’ જેવી કાવ્યપંક્તિઓ મનમાં વસી ગઈ છે. સુંદરમની ‘ત્રણ પડોશી’ રચના વાંચું છું ને મને માકોર ડોશીમાં મારી મા દેખાય છે. એમનો પણ આધાર એકમાત્ર ઘંટી. ઘંટીના આધારે એ ટકી ગયેલાં. અને ઘંટીના આશ્રયે અમે મોટા થયા. વિધવાઓના જીવનમાં તો સીધો સંઘર્ષ ઘંટીના જેવો જ હોય છે. બે પથ્થર વચ્ચે પિસાતા અનાજની જેમ જ સામાજિક વિષમતાઓ વચ્ચે જેમનું જીવતર પિસાતું હોય એવા વર્ગને આપણે ઘંટીમાં પિસાતો સમૂહ કહીએ છીએ. જીવનનો ઘાટ પણ ઘંટીથી સહેજેય જુદો નથી. દળાઈને બીજાને ઉપયોગી થવું એ કલ્પના જ શ્રેયસ્કર છે.

ઘંટીનો આકાર ગોળ-ચક્રાકાર. મૂળ તો બે ખરબચડા પથ્થર વચ્ચે જડેલી ખીલી હોય, એમાં એકબીજા પર પથ્થર ગોઠવાયા હોય. ઉપરના પથ્થર પર માંકડી હોય, જે પકડીને ઘંટી ફેરવાય એ હાથો. જેનાથી ઘંટીનું લેવલ ગોઠવાય એવું લાકડું છેક નીચે હોય. ઉપરનીચે જેને પડવાસિયું-પાટલી કહેવાય. જ્યાં ઘંટીનો લોટ ભેગો થાય તે જગ્યા આરો, થાળું પણ કહેવાય. ઘંટી નાની પણ હોય, મોટી પણ હોય. એક જણ દળે. ક્યારેક બે જણ સામસામે બેસીને પણ દળે. ફરાળી અનાજ દળવા માટે નાની ઘંટી વપરાતી. આજે તો યાંત્રિકતાને કારણે ઘંટીઓ બદલાઈ છે. લોટ તો તેમાંથી પણ પડે છે, પણ હાથે દળેલી ઘંટીના લોટનો રોટલો તો સાવ જુદો જ. હજીય ગામડામાં એવી ઘણી વ્યક્તિઓ છે કે જેમને ચક્કીનો લોટ ફાવતો નથી. ઘંટી એ તો જૂનામાં જૂનું પ્રતીક છે. આમ તો પ્રત્યેક જીવનું પેટ એક ઘંટી છે. એમાં નાખ્યા કરો, રાંધેલું-કાચું અનાજ ઓર્યા કરો, ઘંટી ગળ્યા કરે. ખાલી થતી જાય ઘંટી….ઘંટી ક્યારેય ધરાતી નથી. ઘંટી આમ તો રાત-દિવસનું ચક્ર છે. સૃષ્ટિ જે રીતે ગતિ કરે છે એ ઘંટીની ગતિ છે. રાત-દિવસ, શિયાળો-ઉનાળો, વસંત-પાનખર, તડકો-છાંયો, આત્મા-પરમાત્મા જેવા બધા દ્વન્દ્વ ઘંટીની જેમ ગતિમાં છે. ચક્રની જેમ પૃથ્વી પર ફર્યા જ કરે છે. આ ચક્રાકાર ગતિ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં અર્થફેરે-શબ્દફેરે ઘંટી જ છે. ઘંટીમાં પિસાયેલું ધાન્ય કેવું ખાવાલાયક બને છે ! કેવું રેશમ જેવું સુંવાળું થાય છે ! સંસારની ઘંટીમાં દળાયેલી વ્યક્તિઓમાં પણ અનુભવને આધારે જે કુમાશ-નમ્રતા આવે છે તે ઘંટીને આભારી છે.

ઘંટી ગોખલાની જેમ કેવળ સાચવણીનું કામ કરતી નથી. ઘંટી તો જે કંઈ આવે એનું હૃદય જાણી લે છે. એના ભીતરને ઉકેલે છે. નાનામાં નાનો બાજરીનો કણ પણ ઘંટી આગળ પોતાની જાત સમર્પિત કરે છે. અથવા એ કણના ભીતરને ઘંટી ઓળખે છે, જે ભીતર સાથે ભાવથી જોડાય છે, એ આત્મીય બને છે. ઘંટી એ રીતે આત્મીય કહેવાય. ઘંટીનાં ગીત આપણા સાહિત્યમાં સાંભળવા મળે છે. કહેવતો અને રૂઢિપ્રયોગો પણ છે…
[1] ‘મારા શ્રીનાથજીની સોનાની ઘંટી….’
[2] ‘ઝીણું દળું તો ઊડી ઊડી જાય,
જાડું દળું તો કોઈ ના ખાય….’
[3] ‘ઘમ્મર ઘમ્મર થાય રે મારાં ઘરડાં માની ઘંટુડી…’
કહેવતમાં ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’ તો વળી ‘ઘોડે ચડેલો બાપ મરજો પણ ઘંટી દળતી મા ન મરજો….’ જેવી ઉક્તિઓમાં ઘંટીના ઉલ્લેખો છે. ઘંટી એ બાપડી, બિચારી છે. ગરીબોનો આધાર છે. આપણો મધ્યમવર્ગ, દલિતો વગેરે ઘંટીની જેમ પિસાતા હોય છે. એને માટેના રૂઢિપ્રયોગો પણ ક્યાં નથી ? ‘ઘમ્મર ઘંટી’ જેવા પ્રયોગ છે. ‘ઘંટી તળે હાથ આવવા’ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ જવા બદલ વપરાતો રૂઢિપ્રયોગ છે. ‘ઘંટી ચાટવી’ એ ખાવા માટે ફાંફાં મારવા માટે, ‘ઘંટીનું પડ’ ખૂબ જ મુશ્કેલ કાર્ય માટે વપરાતા લોકપ્રયોગો છે.

ઘણી ઘંટીઓના લોટ ખાનારા માણસ, બાવા, સાધુ વગેરે પાકા થઈ ગયા હોય છે. ‘ઘંટી ખીલડા’ની એક રમત પણ છે. ઘંટી ટાંકનારો ટંકારો કહેવાય છે. ચાલાક ચોર માટે ‘ઘંટી ચોર’ પ્રયોગ પણ ખૂબ જ જાણીતો છે. ઘંટી માટે વહાલભર્યો શબ્દ ઘંટુડી છે. મારાં બા એમની ઘંટીને ઘંટુડી જ કહેતાં. એમને જાતે દળીને, રોટલો ઘડી, ખાવામાં જે આનંદ આવતો એ આનંદ મારે ત્યાં પકવાનમાંથી પણ મને મળી શક્યો નથી. ઘંટીને વરસે બે વરસે ટંકાવવી પડે, છીણી-હથોડી વડે એને ખરબચડી કરવી પડે તો એમાં ઝીણું દળાય. અનાજ દળવા માટે પથ્થરને પણ પલોટવો પડે ! ઘંટીમાં ઊંજણ પણ જરૂરી બને છે. એ બધાનું ધ્યાન ન રખાય તો ઘંટી ભારે ફરે. જીવન પણ ભારેખમ ન બની જાય તે માટે થોડે થોડે અંતરે વારતહેવારની પ્રજા ઉજવણી કરતી હોય છે. એ ઊંજણ જ છે. ઘંટીની સાથે પ્રભાતિયાં અવિનાભાવે જોડાયેલાં છે :
– જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
તુ જ વિના ધેનુમાં કોણ જાશે ?
– રાત રહે જ્યારે પાછલી ઘટ ઘડી,
સાધુ પુરુષે સૂઈ ના રહેવું !
– જે ગમે જગતગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો.
– પઢો રે પોપટ રાજા રામના
સતી સીતા પઢાવે
– પાસે બાંધી રુડું પાંજરું
મુખે રામ જપાવે.
– સુખ-દુઃખ મનમાં ન આણીએ
ઘટ સાથે રે ઘડિયાં,
ટળ્યાં તે કોઈના નવ ટળે
રઘુનાથનાં જડિયા.

એક તરફ ઘંટીનો અવાજ ક્યાંકથી આવે, ક્યાંકથી વલોણાંનો અવાજ આવે અને કોઈના કંઠથી નીકળતાં હોય પ્રભાતિયાં. આ ત્રણેય નાદનું મિશ્રણ એક વિશિષ્ટ પ્રકારનો નાદલય ઊભો કરે છે…. એમાંથી કંઠસ્થ થઈ જતી કવિતા. શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે જે ચક્ર એટલે કે પરંપરાને ચાલુ રાખતો નથી તે આતતાયી છે. એટલે આજે પ્રકારાન્તરે ઘંટીનું સ્થાન પ્રજાજીવનમાં છે જ, પણ એનો મહિમા કરવામાં નથી આવતો. વડતાલમાં શ્રીજીબાપાની ઘંટી જ્ઞાનબાગમાં પ્રદર્શનરૂપે આજે પણ છે. ઘરઘંટી પ્રવેશતાં, યાંત્રિકતા આવતાં પેલી હાથે દળવાની ઘંટીઓ ‘એન્ટિક પીસ’ થતી જાય છે.

ખૂંટી શબ્દ પણ હમણાં હમણાં નવો લાગે છે. ખીંટી કહીએ તો સમજ પડે. બંને એક જ છે. ‘ખૂંટી’ એ બોલચાલનો પ્રયોગ છે. આમ તો કપડાં ભરાવવા માટે ભીંતમાં જડેલું લાકડાનું ટંકાણ, એના ઉપર કપડાં લટકે. જેમ પરમાત્માની ખીંટીએ લાળથી લટકી રહ્યા છે જીવો ! ‘ખીંટીએ પોતિયું હોવું’ જેવો પ્રયોગ જવાબદારીમાંથી મુક્ત હોવાનું સૂચવે છે. ખીંટી એક પ્રકારની મેખ છે. ઘણા વચનબદ્ધ માણસોના શબ્દો ખૂંટ જેવા હોય છે. કૃષિજીવનમાં ખાસ ટોપલી, ટોપલાં, ચારિયાં, રાશ, લૂગડાં ભરાવવાના ઉપયોગમાં ખીંટીઓ આવતી.

વળગણી એટલે બે છેડેથી દોરી બાંધેલી, જુદી જુદી દિશામાં ટાંગેલી, ખીલી ઉપર લટકાવેલી એક આડી લાકડી, જે વાંસની હોય. એ વળગણી ઉપર ઘરનાંનો દૈહિક અસબાબ લટકે – જેમ પરમાત્મા નામની વળગણીએ સંસાર લટકી રહ્યો છે. વળગણીનું કામ તો મૂળે કબાટોના અભાવ અને ઉંદરોના ત્રાસથી મુક્તિ અપાવવાનું હશે. પણ એ કેટલી નિર્લેપ ! એની ઉપર બાપાનું નવું નકોર ધોતિયું હોય કે બાનો જિર્ણ સાડલો ! એને તો બધું સરખું. મારી ચડ્ડી અને બહેનનું પોલકું બેય ભેગાં થઈ વળગણીએ ઝૂલે. ઘરમાં જેમ પરિવારજનો એકમેકથી ગૂંથાયેલા હોય એમ વળગણી ઉપર વસ્ત્રોની ગજબની સંવાદિતા ! વળગણીઓ પણ ઉઘાડા મનવાળી. એના મનમાં ય કોઈ વેરો-આંતરો નહીં, પાપ નહીં. મન દેવતાના વ્રત વખતે બહેનો વળગણીનો ઉલ્લેખ કરે છે. વળગણી ઉપર વસ્ત્રોની સમૃદ્ધિ એ માણસની સમૃદ્ધિની નિશાની છે.

આડીવાળી સોનલ વાડી
ત્યાં બેઠા છે કોનકુંવારી
કોનકુંવારી તો શું કરે ?
મન દેવતાનાં વ્રત કરે
વ્રત કરે શા ઘરમાં શાં પુણ્ય ?
કોઠીએ જાર, હાલ્લે ઘેંશ
વળગણીએ ચીર
પારણે પુત્તર
ઢેચણ કચરો
કેડસમી હાવરણી
જે મનદેવતા સ્વામી.

વળગણી પાસે મોકળાશ છે, ભાર ઝીલવાની ક્ષમતા છે. વળગણીએ ક્યારેય હાઉસફૂલનું પાટિયું માર્યું નથી. એ તો ગમે તેવી ભરચક હોય તો પણ તેનામાં સમાવતી જાય છે. આમ સમાવેશ કરવાનો સદગુણ વળગણી પાસેથી પામવા જેવો છે. જે વળગે છે એને એ છોડતી નથી. એવો ઘણો મોટો સંદેશ એ પદાર્થમાં પડ્યો છે. તમે પરમતત્વને વળગી જુઓ. વળગ્યા પછી વેગળું થવું દોહ્યલું છે. વળગણ મહત્વનું છે, પરંતુ જેમ એ ઈષ્ટ પ્રકારનું તેમ તમારી ઉન્નતિનો નકશો મંડાય છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ભારત મારી ભીતર… – અવંતિકા ગુણવંત
શ્રેષ્ઠ કલા – રમેશ સંડેરી Next »   

6 પ્રતિભાવો : ઘંટી, ખીંટી અને વળગણી – ભગીરથ બ્રહ્મભટ્ટ

 1. Piyush Patel says:

  + અને જો ખોટા કામ કર્યા તો જેલ મા જઈને ચક્કિ પિસવિ પડશે. આ એ જ ઘંટિ…….

 2. Dr Dilip patel (Bharodiya) says:

  ખુબ સરસ લેખ, જુની વસ્તુઓ ના સંભારણામાંથ જુનું ગામ, ઈતિહાસ, રૂઢીઓ, પ્રસંગો, લોકગીતો, નાની લાગતી ચીજોમાંથી મોટો સંદેશ વગેરે ઘણુ બધુ મળ્યુ આ લેખમાં.

  લેખક અને મૃગેશભાઈ બ્ંને નો ખુબ આભાર આવા સરસ લેખ બદલ.

 3. Nirav says:

  ખુબ જ સરસ મને મારિ બા નિ યાદ આઇ ગઇ

 4. P.P. MANKAD says:

  Very good and informative article. The article took me some 55 years back when my grand mother used to run ‘Ghanti’. I also used to wake up when she started using it early morning. Many thanks for such lucid style.

 5. Kalidas V. Patel { Vagosana } says:

  ભગીરથભાઈ,
  ઘંટી , ખૂંટી અને વળગણીની અસલ ઓળખ કરાવતો, તેમનાં કામ સમજાવીને અધ્યાત્મ તરફ દોરી જતો આપનો આ સચોટ લેખ ખૂબ જ ગમ્યો. અભિનંદન.
  હવે આ ત્રણેય શબ્દો શોકેશમાં મૂકવાના શબ્દો બનવા માંડ્યા છે તે દુઃખદ નથી ?
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 6. Arvind Patel says:

  જુના જમાના ના આઇકન સમાન વસ્તુઓ વાંચીને આનંદ થયો. ઘંટી, ખીંટી, અને વળગણી. સાચી વાત છે. ગામડાઓ માં દરેક ઘર માં આટલું તો હોય જ. સાથે સાથે જુના જમાના ના માણસો ના વિશાલ હૃદય પણ હતા. મનની વિશાળતા. તે તો સ્વીકારવી જ રહી.
  જો કે સમયે સમયે પરિવર્તન એ તો કુદરત નો ક્રમ છે. કશું જ સ્થાઈ રહેતું નથી. પરિવર્તન સ્વીકારવું એ ડહાપણ ની વાત છે. આજ ના જમાના માં ઘણું બદલાયું છે. ઘણા પરિવર્તનો સારા છે અને અમુક સારા નથી પણ. દરેક વસ્તુ ને સ્વીકારવી સારી. જૂની વાતો ને વાગોળવા થી કયારેક સારું લાગે પણ સમય મુજબ ભૂલવું સારું.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.