બૂટ – ગુણવંત વ્યાસ

[ જે વસ્તુની માણસે તીવ્ર ઈચ્છા સેવી હોય, એ જો એને વર્ષો પછી મળે ત્યારે તેને એ વસ્તુ પ્રત્યે અપાર લગાવ થઈ જાય છે. એ વસ્તુ એની સર્વસ્વ બની જાય છે. ચોવીસેય કલાક એનું મન એમાં જ લાગેલું રહે છે. સામાન્ય માનવીના મનનું આ દર્શન છે. પ્રસ્તુત વાર્તામાં કંઈક એવી જ વાત બની છે. દીકરાએ આપેલા બૂટનું એના પિતાને એટલું આકર્ષણ છે કે તેનું સમગ્ર અસ્તિત્વ બૂટને સાચવવામાં કેન્દ્રિત બની જાય છે. ચરમસીમા તો ત્યારે આવે છે કે જ્યારે પોતાના પરમ મિત્ર કરતાં પણ બૂટ એની માટે સર્વસ્વ બની જાય છે. આ વાત માત્ર બૂટની જ નથી. જુદા જુદા માનવીઓનો જુદી જુદી વસ્તુ પ્રત્યે આવો અભિગમ હોઈ શકે છે. આ માણસમાં ઊંડે ઊંડે રહેલી વૃત્તિઓનું ચિત્રણ છે. – તંત્રી.]

બૂટમાં પગ નાખ્યા કે થયું, પોચું રૂ જેવું તે આને કહેતા હશે ? પાછું થયું; ના, આ તો રૂથી યે પોચું ! મુલાયમ શબ્દ એણે ક્યાંક સાંભળેલો. લાગ્યું કે મુલાયમ તે આ જ હશે ! દીકરો દેવ જેવો લાગ્યો. મૂળજીએ થોડીવાર એમ જ પગને બૂટમાં રહેવા દીધા. ગમ્યું. કંઈક વિચાર આવતાં ઊભો થઈ થોડું ચાલ્યો. ઓસરીમાંથી ફળિયામાં આવવા કરતો હતો કે છેલ્લે પગથિયેથી જ ફળિયામાં મુકાતા પગને પાછો ખેંચી લીધો. ‘કારણ વગરના ધૂળવાળા થાહે !’ એમ વિચારી, ઓસરીમાં જ બે આંટા માર્યા; ને થોડો સંતોષ થતાં ખાટલે બેસી, હળવેથી દોરી છોડી, બૂટને પગથી અળગા કર્યા. બૂટ પર સહેજ રજ લાગેલી જોતાં જ કપડું ખોળવા આજુબાજુ નજર દોડાવી. પાણિયારે કપડું પડેલું જોયું. ઊભો થઈ લેતાં ખ્યાલ આવ્યો કે આ તો મસોતું ! ભીનું ને મેલું ! બૂટનેય બગાડશે. મસોતાને એમ જ નીચે ફેંકી ફરી નજર ઘુમાવી. સવારે નાહેલો તે ટુવાલ ફળીની દોરીએ સુકાતો જોઈ ઉઘાડા પગે જ ધસ્યો. તડકામાં પગ દાઝ્યા હોય તેવું થયું; તેની પરવા કર્યા વિના ટુવાલ લઈ આવી બૂટ લૂછ્યા. ચળકતા બૂટને ખોખામાં મૂકી માળિયે ચડાવ્યા ને ફરી ખાટલે બેસી પગ પર હાથ ફેરવવા લાગ્યો.

દીકરો દેશમાં આવ્યે અઠવાડિયું થયું હતું. એટલે કે બૂટ આવ્યેય અઠવાડિયું થયું હતું. પણ આજકાલ કરતાં પહેરાયા જ નહોતા. આજે અવકાશ મળ્યો; ને અવસર લાધ્યો હોય તેમ મૂળજીએ પગને બૂટનો યોગ કરાવ્યો. સવારથી જ સંકલ્પ કર્યો હતો : આજે બુધવાર. બળુકો દિ’ ! જે કરીએ ઈ બેવડાય ! બૂટ આજે જ પે’રવા ! એકના બે થશે એવું વિચારતાં સવારે ઘસી-ઘસીને તે નાહ્યો. નહાતાં-નહાતાં થયું યે ખરું કે આજે પંચક હોત તો કામ થઈ જાત ! તો ય બુધવારથી સંતોષ માન્યો. પગને ઠીકરેથી ઘસીને ઊજળા કર્યા. તળિયાને રાજુલાના પથ્થર પર ખાસ્સાં એવાં ઘસ્યાં. વર્ષોનો મેલ આજે નીકળતો હોય એવું લાગ્યું. ક્યાંક ક્યાંક તો લોહીના ટશિયા ફૂટી નીકળ્યા. પણ મૂળજીએ એની ખાસ નોંધ ન લીધી. ચામડું કૂણું પડેલું લાગ્યું ત્યારે નાહીને તે ઊઠ્યો. ફળીથી ઓસરીમાં આવતાં પગે ચોંટેલી રેતીને પાણિયારે આવીને ધોઈ. પગ ફરીથી લૂછ્યા ને રોજ જોવાતા બૂટને આજે પહેરવા હાથમાં લીધા.

‘બૂટ તો લાવ્યો, પણ મોજા ભૂલી ગયો.’ એવું જ્યારે દીકરાએ કહ્યું ત્યારે બેફિકરાઈથી જ મૂળજીએ જવાબ આપેલો : ‘શું જરૂર છે, મોજાંની ? પણ અત્યારે તેને લાગ્યું કે મોજાં હોત તો બૂટ ઓછા બગડત ! પગનો પરસેવો મોજાં જ ચૂસી લેત ! હશે ! કહી તેણે કચવાતે મને બૂટમાં પગ નાખ્યા કે જાણે પોતે બદલાઈ રહ્યો હોય, બદલાઈ ગયો હોય તેમ લાગવા માંડ્યું. વર્ષોની ઈચ્છા આજે પૂરી થતી લાગી. મૂળજીને આજે પોતે મૂળજીભાઈ બની ગયો હોય તેવો ભાવ જન્મ્યો. બૂટ પહેરીને ચાલતાં તેને એમ પણ થતું કે રાતોરાત પોતે બે આંગળ વધી ગયો છે ! દીકરા પ્રત્યે માન થઈ આવ્યું. ગામમાં નીકળેલા મૂળજીને બૂટ પહેર્યાનો રોમાંચ હજુ શમ્યો ન હતો. બૂટ તો ખોખામાં, માળિયે સુરક્ષિત મૂકી દીધા હતા, પણ રોમાંચને તે સાથે લઈને નીકળ્યો હતો. જોનારાએ જોયું પણ ખરું કે મૂળજી આજ મૂળથી બદલાયેલો લાગે છે. પણ એનું કારણ કોઈ કળી ન શક્યું. મૂળજીને અત્યારે જણાવવું જરૂરી પણ ન લાગ્યું. પૂછનારે પૂછ્યું, પણ મૂળજી તો, ‘બસ, એમ જ !’ કહી રહસ્યને ઘૂંટતો રહ્યો. રસ્તે આવતા મહાદેવને પગે લાગ્યો. ડોલમાંથી કળશ્યો ભરી લિંગ પર રેડ્યો ને ચૉરા બા’ર આદમવારીનાં ખાસડાં ઉતારી, રામજીને માથું ટેકવ્યું. ઓટલે બેસી પત્તાં ચીપતા ભેરુબંધો-વાલજી, કાનોભાઈ અને કાળુભા વચ્ચે ગોઠવાઈ રમી રમતા મૂળજીની ચપળતા આજે સૌને આશ્ચર્યમાં નાખતી રહી.

બૂટ આવ્યાને આઠ દિવસ થયા હતા, પણ આજની વાત કંઈ ઑર જ હતી. આવ્યા ત્યારે આનંદથી ઊભરાતા મૂળજીએ તેને ફેરવી ફેરવીને જોયા હતા. એના રૂપ, રંગ, આકાર, અરે ગંધ સુદ્ધાં મૂળજીને મોહિત કરી ગયાં હતાં. દીકરાએ થાય છે કે નહીં ચકાસવા પહેરી જોવા કહ્યું હતું પણ ગોબરા પગને તે આવા બૂટમાં ઘલાતા હશે ? એમ વિચારી, ‘માપના જ હોય ને ! જોતાં જ ખ્યાલ આવી જાય છે !’ કહેતાં બૂટને રૂપાળા ખોખામાં ગોઠવી દીધા હતા. ખેતરની દોડધામ ને મુરતની મોકાણે બૂટ પહેરવાની ‘શુભ’ ઘડી ઠેલાતી જ જતી હતી. પણ આજ સવારે નક્કી જ કરી નાખ્યું કે બુધવાર ને બીજ છે, ને વળી ખેતરે પણ ખાસ કામ નથી તો મૂરત આજે જ કરવું ! એ ય ને બૂટ પહેરી ટહેલશું દિ’ આખો ! પણ બૂટ પહેરીને બજાર જતાં મૂળજીનો જીવ ન ચાલ્યો. આવા મોંઘા બૂટ મોંઘા અવસરે જ પહેરાયને ! આડે દિવસે અળવીતરા લાગીએ ! ને મોંઘા અવસરની ક્યાં રાહ જોવી પડે તેમ હતી ? નવરાત્રિ હમણાં ગઈ, રાતે તો કોણ જુએ પણ ત્યારે આવ્યા હોત તો દશેરાના મેળે તો પહેર્યા જ હોત ! એક દિવસ મોડા આવ્યા ! કંઈ નહીં, બેસતું વરસ તો આપણું જ ને ! નવા વરસે નવા બૂટ ! પણ જીવ ઝાલ્યો રહે ?! વચ્ચે એકવાર પહેરી જોવાનું મન થઈ આવ્યું, તે બુધવારે ને બીજે બોણી કરી જ નાખી !

મૂળજીને યાદ આવ્યું : છોંત્તેરમાં પરણેલો ત્યારે આવા બૂટ પહેરેલા. જો કે, થોડા જુદા હતા એ, લાલ, ફૂમકાવાળા ! વટ પડેલો ત્યારે ! પરણીને પહેલીવાર સાસરે ગયેલો ત્યારે સાસરિયું ગામ આખું બૂટ જોવા આવેલું ! હતા ય એવા, જોતાં જ ગમી જાય ! વાર-તહેવારે પહેરતો. પછી ટૂંકા પડવા લાગ્યા. તો યે બે-ત્રણ વાર પહેરેલા. પગે ડંખ પડી ગયેલો ત્યારે ! નવું જોડું કઠે એ તો જાણ્યું પણ જૂનું જોડું ડંખે એવું પહેલીવાર લાગ્યું. કોઈને દેતાં ને ફેંકતાં જીવ નહોતો ચાલતો; તે માળિયે ચડાવી દીધેલા. રમલો મોટો થયો ત્યારે પહેરવા ઉતારેલા, પણ ચીમળાઈને લાકડું થઈ ગયેલા ! બે દિવસ પાણીમાં પલાળી રાખ્યા. તેલ પણ લગાડ્યું, પણ કૂણા ન જ પડ્યા. છેવટે કંટાળીને જીવીએ દિવાળીની સાફસૂફીમાં કચરા ભેગા કાઢી નાખ્યા.

નવા બૂટનું સપનું તો ક્યારનું હતું ! કહો કે પહેલા ડંખવાના શરૂ થયા ત્યારનું ! પણ એક પછી એક નબળાં વરસ આવે એમાં ઘર માંડ ચાલે, ત્યાં બૂટની બલા ક્યાં ઊભી કરવી ? પણ આ તો રમલો સૂરત ગયો ને કમાતો થયો તે બે પાંદડે થતાં લાગ્યાં. ખબર નહીં કે ક્યારે એની આગળ બૂટ વિશે વાત થઈ હશે, પણ આ વખતે આવ્યો તો બૂટ લઈને જ આવ્યો. રાજી થઈ જવાયું. ગયા વરસે કપડાં ગમેલાં, પણ આટલાં નહીં ! કપડાં તો ગામનો દરજી પણ સીવતો જ તો ને, ગામ આખાનાં ! પણ આવા બૂટ કોની પાસે હોવાના ! હા, ક્યારેક મુખી પહેરતા, માસ્તર પણ આવા કાળા ને કૂણા બૂટ પહેરતા ક્યારેક, બાકી મોટાભાગના પાસે તો પેલા દેશી જોડાં જ, આદમવારીના ! વાગે તો લોહી કાઢે ! અહીં એ જ તો એક પગરખાં છે, મેપા ચમારે સીવેલાં ! જાડાં ને બરડ ! એ જ આપણાં જોડાં ને એ જ આપણા બૂટ ! તો ય અફસોસ તો ક્યારેક થઈ આવતો, જ્યારે કોના પગમાં નવા બૂટ દેખાતા. દિવાળીએ તો ખાસ, જ્યારે શહેરથી આવેલા છોકરાઓથી બજાર ઉભરાતી. બધાના પગમાં રંગબેરંગી બૂટ મનમાં ઈર્ષા જગાવતા. તે ગયાના ગયા વરસે રમલાને ય ખેતી છોડાવી, શહેરમાં ધકેલી દીધો, હીરા ઘસવા ! ઘરમાં તેજ પણ ત્યારથી આવ્યું ને ! ગયા વરસે એના પગમાં નવા ધોળા બૂટ જોઈ માહ્યલો મો’રી ઊઠેલો. હું નહીં તો મારું લોહી આ રીતે નવા બૂટમાં હરતું-ફરતું હોય તો હરખાઈ જ ઊઠું ને ! ખબર નહોતી કે બીજા જ વરસે એવા બૂટ મને ય ફળશે. ફળ્યા, જ્યારે દીકરાએ નવા બૂટનું ખોખું હાથમાં મૂકી કહેલું, ‘આ તમારા !’ ‘દુઆ ફળી કે શું, કોઈની ?’ એવું લાગવા લાગેલું બે ઘડી. મોજમાં આવી જવાયું’તું ત્યારે. આજે બૂટ પહેરતાં એ મોજ રુંવે રુંવે પ્રગટી હતી ને એ મોજ જ, રમી રમતાં ચૉરાપાના ચારે ય જણાને પરાસ્ત કરી, આશ્ચર્યમાં મૂકી દીધા હતા. દિવાળી ગઈ ને બેસતું વર્ષ આવ્યું. મૂળજીએ નવરાશની પળે પગને ઘસી ઘસીને ધોયા પછી બૂટ પહેરી ઓસરીમાં જ આંટા મારતાં પખવાડિયું માંડ પસાર કર્યું હતું. સપરમે દા’ડે દરજીએ સીવેલાં નવાં કપડાં પહેરી નીચે બૂટ પહેરતાં તો કપડાં ઝાંખાં પડતાં લાગ્યાં. પહેરતાં પહેલાં ને પહેર્યા પછી પણ બૂટને લૂછતાં મૂળજીને આજે વહેલી તકે ગામમાં નીકળવાની તાલાવેલી લાગી હતી. ગામ આજે પોતાના નવા બૂટ જોઈ ઈર્ષ્યા કરશે. મુખી તો મનમાં ને મનમાં બળશે એવું વિચારતો મૂળજી શક્ય એટલી વહેલી તકે ઘર બહાર નીકળવા ક્યારનો ઉતાવળો થતો હતો. પણ આડોશ-પાડોશમાંથી ‘રામ રામ’ કહેતાં ‘સાલ મુબારક’ કરવા આવ્યે રાખતા કોઈ ને કોઈ પરિચિત સ્વજનમાંથી તે છટકી ન શક્યો. દરેકના શરીર પર નવો દરવેશ ને પગમાં અવનવાં પગરખાંને નીરખતા મૂળજીના નવા બૂટની જાણે કે કોઈએ નોંધ જ ન લીધી. મૂળજીને આથી જ, ઉતાવળે બહાર જઈ, દુનિયાને દેખાડી દેવાની ઈચ્છા થઈ આવી. ખોબો ભરાય એટલા આવનારાની સામે ઓટલા ઊભરાય એટલા ઈતરજનોમાંથી એના બૂટની નોંધ લેનારા કોઈક તો નીકળશે જ એવા વિશ્વાસે નવેક વાગ્યે બહાર નીકળતા મૂળજીએ ફરી એકવાર બૂટને લૂછ્યા.

રસ્તા પર પરિચિતોની ભીડ જામી હતી. દરેક પોતપોતાની મસ્તીમાં એકબીજાને ભેટતાં કે હાથ મિલાવતાં નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા હતા. બૂટ તો ઘણાના પગમાં હતા, એ પણ નવા જ ! મૂળજીને લાગ્યું કે સૂરતિયા ટોળાંએ હીરાની કમાણીને આ વખતે બૂટ પાછળ જ જૂના જૂતામાં, પણ પોણું ગામ આજે નવા બૂટથી ધરતી ધમરોળી રહ્યું હતું ! મૂળજીની નજર દરેકના પગ પર જઈને અટકતી, પણ ભાગ્યે જ કોઈએ મૂળજીના પગ પર નજર કરી હોય તેવું તેને લાગ્યું. બે ઘડી તેને થઈ આવ્યું કે આજ કરતાં આડે દિવસે બૂટ પહેર્યા હોત તો વટ પડી જાત ! દરેકને નોંધ લેવી પડત ! પણ અફસોસ ! મૂળજી મળતો રહ્યો મન વગર, જે કોઈ મળતું ગયું. પંદર દિવસનો ઉત્સાહ જાણે પળવારમાં શમી ગયો. વચ્ચે મહાદેવજીનું મંદિર આવ્યું. લોકોની આજે ભીડ હતી. મહાદેવજીને માથું ટેકવી, પગે લાગવા પડાપડી કરતા લોકોથી મંદિર આજે ઊભરાતું હતું. પાણીનો કળશ્યો ચડાવવા તે ય મંદિર તરફ વળ્યો. પગથારે બૂટની દોરી છોડવા વાંકા વળેલા મૂળજીને શું સૂઝ્યું કે છોડેલી દોરીને ફરી બાંધી દઈ ઊભો થયો. પગથારે નવા-જૂના બૂટની સેળભેળ થયેલા ઢગલા પર એક નજર નાંખી, આવન-જાવન કરતા લોકોને જોઈ રહ્યો. કોઈ કોઈ તો ઘેરથી જ ઉઘાડા પગે મહાદેવજીના આશીર્વાદ લેવા દોડી આવ્યા હતા ! ‘સાંજે વાત !’ કહેતા મૂળજીએ દૂરથી જ દેખાતા લિંગને બે હાથ જોડી, માથું નમાવ્યું, ને એમ જ સંતોષીમાના મંદિરના પરિસરમાંથી બહાર આવ્યો.

રસ્તામાં મળ્યા તેને મળતો જતો મૂળજી, વચ્ચે આવતાં કુટુંબીજનો-સ્વજનો-જ્ઞાતિજનોનાં ઘરે નવા વરસના રામ-રામ કરવા જતો રહ્યો. મળનાર દરેકને મુખે એમનો અંગત ઈતિહાસ છલકાતો હતો. ભાગ્યે જ કોઈની નજર મૂળજીના બૂટ પર જતી. તો પણ તે એની સરખામણીમાં પોતાની જ કોઈને કોઈ ખરીદીની સ્તુતિ કરતો મૂળજીને થકવતો ગયો. મૂળજી અંતે ખરેખર થાક્યો ત્યારે એણે ચૉરાની દિશા પકડી. ચૉરો એને માટે સમય પસાર કરવાનો સારો વિકલ્પ હતો ને રમી એને મન બીજી રમતોથી વધુ નિર્દોષ ! અગિયાર થવા આવ્યા હતા. રસ્તા પરની અવરજવર થોડી ઘટી હતી. ચૉરે પહોંચ્યો ત્યારે પત્તાં ચીપતી ભેરુબંધોની ગેરહાજરી એને કઠી. વાલજી, કાનોભાઈ, કાળુભા – આ બધા ભાંગ્યાના ભેરુ હતા. ભીડ પડે ભાગીને આવે એવા. એકલતાનો સહારો ને આફતનો આધાર. પણ અત્યારે એમાંનું કોઈ ન હતું. નહીં તો એ તો નોંધ લેત જ ! હશે એના સ્વજનોમાં ખોવાયેલા ! આવશે, થોડીવારમાં અહીં જ ! કહેતો તે ઓટલે ન ચડતાં પગથિયાંની પાળીએ જ પગ લબડાવતો બેઠો. ચૉરે આવનારા લોકોની સંખ્યા પણ આજે ઓછી તો નહોતી જ. રામજી પાસે હાજરી પુરાવવી એ જ સૌને જરૂરી લાગતી હતી. આવતાં-જતાં દર્શનાર્થીઓને બૂટ-ચંપલ ઉતારતાં-પહેરતાં જોતો રહેતો મૂળજી એના બૂટને બીજાઓનાં પગરખાં સાથે સરખાવતો રહ્યો. નહાઈ-ધોઈને નવા ધોતિયામાં શોભતા કૈલાસગિરિએ મૂળજીને અંદર આવી પ્રસાદ લઈ જવા હાક મારી, પણ બૂટ કાઢીને ઓટલે ચડતાં મૂળજીનો જીવ ન ચાલ્યો. પ્રસાદ લઈ ઊતરતાં શાંતામાસીના હાથમાંથી સાકરિયાનો એક દાણો લઈ, ચાખી, ‘આવી ગયો, પરસાદ !’ કહેતાં તેણે પગથિયાં છોડ્યાં.

ભૂખ લાગી હતી. ઘરે પાછા ફરતા વિચારમગ્ન મૂળજીનો પગ ઓચિંતો જ રસ્તા પરના પોદળા પર જઈ પડ્યો. બૂટ બગડ્યા. મૂળજીનું મન ખાટું થઈ ગયું. ચોતરફ છાણથી છલકાતા આ રસ્તાઓ પ્રત્યે તેને પહેલીવાર અભાવો થઈ આવ્યો. ‘ઘરે જઈને સાફ કરવા જ પડશે !’ કહેતો તે સંભાળીને ચાલતો ઘરે પહોંચ્યો. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. મૂળજીની જ રાહ જોવાતી હતી. મૂળજીને જોતાં જ જીવી, ખાવા આવવા ખોંખારી. પણ મૂળજી તો ભૂખ ભૂલી જઈ, સીધો જ ડંકીએ પહોંચ્યો. એક હાથે હેન્ડલ ધમી, બીજા હાથે કપડું પલાળ્યું. ભીના કપડે બૂટને જાળવી-જાળવીને લૂછ્યા. સહેજ પણ છાણ ન રહે તેમ ઉપર-નીચે ઘસીઘસીને સાફ કર્યા પછી જ તે હાથ ધોઈ જમવા બેઠો.

બપોરે ક્યાંય ન નીકળેલો મૂળજી, રાતે મંદિરના પ્રાંગણમાં સંતવાણીનો કાર્યક્રમ હોઈ, ભજનના શોખે, ખાઈ-પરવારી, સીધો જ મંદિર પહોંચ્યો. લાઈટોના ઝળહળાટ ને ધ્વનિવર્ધક યંત્રોના ઘોંઘાટે એ ફરી મોજમાં આવ્યો. સંતો-ભજનિકો હજુ આવ્યા નહોતા. ભૂંગળામાંથી વહી આવતાં જૂની સંતવાણીનાં ભજનો ભક્તિનું વાતાવરણ જમાવતાં હતાં. કોઈ-કોઈ આવી ગયું હતું, કોઈ-કોઈ આવી રહ્યું હતું. આવનારા બધા ટીંડોળ-છોકરાંને દૂર હડસેલતાં આગળની બાજુએ પોતાની જગ્યા સુરક્ષિત કરી લેતા હતા. મૂળજીએ જોયું કે સંતોને સીધા જ જોઈ શકાય એવી જગ્યા આગળ ઘણી ખાલી છે, પણ બૂટનો વિચાર આવતાં જ એણે આગળ બેસવાનો વિચાર માંડી વાળ્યો. પાથરણાંને છેવાડે થાંભલીને ટેકે એણે આસન જમાવી, બૂટને પાથરણાંની નીચે દબાવ્યા. ‘ભજન તો અહીં બેહીને ય હાંભળી હકાય !’ એવું મન મનાવતો તે ભજનમાં ખોવાતા મનને વારે-વારે પાછું લાવી બૂટની નોંધ લેતો રહ્યો. ભજનમાં ભેગા થઈ ગયેલા ભેરુઓને બૂટ બતાવવાનું મન થઈ આવ્યું. પણ પાથરણાં નીચેથી કાઢીને બતાવવાનું ઠીક ન લાગ્યું. ‘કાલ ભેળા થાહે જ ને !’ કહેતા ફરીથી મન મનાવ્યું. વાલજી ને કાનોભાઈએ તો તેને ખેંચીને આગળ લઈ જવા ઘણું કર્યું પણ મૂળજી એકનો બે ન થયો. આજે એણે પાછળ બેસીને જ ભજન સાંભળવાની હઠ પકડી હતી. અંતે મૂળજીને મૂકીને વાલજી ને કાનોભાઈ આગળ ગોઠવાયા. સંતવાણીની સરવાણી વહેતી રહી. ભજનમાં હોંકારા ભણતા મૂળજીના, તબલાના તાલે ઊંચે થયે રાખતા જમણા હાથની સામે ડાબો હાથ વારેવારે, પાથરણા-નીચે ગોપવી રાખેલા બૂટની હાજરી અનુભવતો રહ્યો.

ભજન પૂરાં થયે બૂટને પગમાં સુરક્ષિત કરતો મૂળજી સંતના સુરીલા ગળાની વાહ વાહ વચ્ચેથી સરતો હજુ તો ઘરે પહોંચે એ પહેલાં જ ગામમાં ગોકીરો મચી ગયો. ભજન સાંભળી ઘેરે ગયેલા ભેરુને એરુ આભડ્યો હતો. ભાંભરતા બળદને નીરણ નાખવા વાલજીએ જેવો ઘાસનો પૂળો પકડ્યો કે સાપે ડંખ દીધો. ઘરે પહોંચ્યા ન પહોંચ્યા કે સૌ કોઈ વાલજીની ખબર જોવા ધસ્યા. મારતે પગલે મારગ બદલતો મૂળજી દોડવા જેવું ચાલતો ભેરુની વહારે ધાયો. ફળીમાં જામેલી ભીડને ચીરતો તે ઓસરીમાં પહોંચ્યો ને ચિંતામાં જ, બૂટને ફંગોળતો હાંફળો-ફાંફળો ઘરમાં ઘૂસ્યો. સવજી ભૂવો, વાલજીને સાજો કરવા કાળો દોરો ગૂંથતો કંઈક ગણગણી રહ્યો હતો. ‘લ્યા, કોઈ શે’રથી દાક્તરને બોલાવો’, કહેતો તે ફાળિયું છોડી વાલજીને હવા નાખવા લાગ્યો. બે જણા દોડ્યા. મોટર સાયકલવાળાને શોધી શહેર ભણી દોડાવ્યા. ‘કોઈ પાણી લાવો…’ કહેતા મૂળજીએ વાલજીના કેડિયાની કસીને બાંધેલી કસો છોડી. ચોરણીનું નાડું ઢીલું કર્યું ને પગના જોડાને દૂર કરવા જતાં જ તેને પોતાના બૂટ યાદ આવ્યા. રઘવાયો તે, વાલજીના સમાચારે દોડી આવી, બૂટને બહાર ફંગોળતો દોડી આવ્યો હતો તેનું તેને ભાન થયું. શરીરે પરસેવો વળી ગયો. વાલજીના પગનાં જોડાંને એમ જ રહેવા દઈ, તે ઊભો થયો. ચોતરફ ટોળે વળેલી ભીડને હડસેલતો, ઓસરીમાં જવા મથતો તે મારગ કરતાં બોલ્યો : ‘લ્યા, હટો આઘા ! જગા કરો, હવા આવવા દ્યો !’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “બૂટ – ગુણવંત વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.