શિક્ષકનો ઘાંટો – ગિજુભાઈ બધેકા

[‘બાલમૂર્તિ’ સામાયિક મે-2011માંથી સાભાર.]

આપણે શાળાઓમાં જઈને જોઈશું તો શિક્ષકો મોટો અવાજ કાઢી ભણાવતા જોવામાં આવશે. આનાં કારણોમાં એક કારણ શિક્ષકની પોતાની તાણીને બોલવાની ટેવ હોય છે. આ ટેવ આપણામાં એટલી રૂઢ છે, કે તે છે કે નહિ તેની આપણને ખબર જ નથી પડતી. આપણો આખો સમાજ આ કુટેવમાં છે એટલે એ સહજ લાગે છે. આપણી આ ટેવનાં પ્રદર્શનસ્થળો સર્વત્ર છે. આપણી નાતો, આપણાં બજારો, આપણાં ઘરો એના ખાસ નમૂનાઓ છે.

બીજું કારણ આપણી શાળામાં વર્ગો બેસાડવાની આપણી રીતિ છે. આપણે એક જ હૉલમાં બે-ત્રણ વર્ગો ને ગામડામાં એક જ ઓરડામાં આખી નિશાળ બેસાડીએ છીએ. ઘણી વાર ખંડો હોય છે તો તે લાકડાના હોય છે. આથી દરેક વર્ગનો અવાજ બીજા વર્ગને ને બીજાનો ત્રીજાને મળે છે; ને પરિણામે દરેક વર્ગનો કુલ અવાજ વધતો જ ચાલે છે. આથી શાળાના ઘોંઘાટમાં કામ કરતા શિક્ષકને મોટેથી બોલીને ભણાવ્યા વિના છૂટકો જ નથી. ત્રીજું કારણ શિક્ષકને ધીમેથી ભણાવવાની કળા કે આવડત નથી. અર્થાત શિક્ષક મોટેથી ભણાવે છે, ને ઘાંટો કાઢે છે ત્યારે જ વ્યવસ્થા સચવાય છે ને, નહિ તો નથી સચવાતી એવી તેની માન્યતા અને અનુભવ બંને છે. એક એવો ખોટો વહેમ પણ છે કે મોટો ઘાંટો રૂઆબસૂચક છે ને તેથી વ્યવસ્થાપ્રેરક છે.

આ કારણોથી શિક્ષક ઘાંટો કાઢીને બોલે છે ને ભણાવે છે. પાંચ કલાક સુધી મોટે અવાજે બોલવું એ ઘણો જબરો શ્રમ છે. એ ગળાનો કે ફેફસાંનો વ્યાયામ નથી, પરંતુ અતિ વ્યાયામ અર્થાત પરિશ્રમ છે. શિક્ષકો સાંજે થાકી જાય છે તેનું મુખ્ય કારણ બોલવું, ને તે ઘાંટો કાઢીને બોલવું તે છે. શિક્ષકોનું મ્હોં થાકે એ તો ઠીક, પણ તેમનું માથું પાકે છે. માથું પાકવું એટલે જ્ઞાનતંતુઓને તાણ પડવી, ને તેથી તેમનું ઉશ્કેરાવું; ને પરિણામે નબળાઈ આવવી. બધામાં આ છેલ્લું નુકશાન ભારે છે. દોડીને શરીરને ચડેલો થાક પડ્યા રહેવાથી વળે પણ જ્ઞાનતંતુનો થાક એમ ઝટ ઊતરતો નથી; ને ગરીબ બિચારા શિક્ષકની પાસે એટલા પૈસા ક્યાં છે કે ચડેલો થાક સારી વિશ્રાંતિ લઈને કે પાછળથી પુષ્કળ મોજમજા ને ગમ્મત સેવીને તે ઉતારે ? તેનો થાક તો વધતો જ જાય છે ને પરિણામે તેની શક્તિ ઘટે છે. શિક્ષકો ઝટ મગજ ખોઈ નાખે છે તેનું કારણ તેમની જ્ઞાનતંતુઓની નબળાઈ છે. ધીમે ધીમે તેમને ભણાવવા તરફ અરુચિ આવે છે તેનું કારણ પણ તે જ છે.

ઘાંટો પાડીને બોલવું શિક્ષકને નુકશાન કરે છે તેની સાથે જ તે સાંભળનારને પણ નુકશાન કરે છે. કાનના જ્ઞાનતંતુઓને નકામો અવાજનો બોજો ઉઠાવવો પડે છે. આથી સાંભળનાર છોકરાઓના માથામાં શિક્ષણ કરતાં શિક્ષકનો અવાજ વધારે જાય છે; શિક્ષણને બદલે તેમને અવાજનો લાભ મળે છે. પરિણામે છોકરાઓમાં પણ જ્ઞાનતંતુઓની નબળાઈ આવવાનો ભય પેદા થાય છે.

આ બાબતમાં યોગ્ય ઉપાયો થવા જ જોઈએ. આપણા સમાજની આ ટેવ માટે શિક્ષક પોતે શું કરી શકે ? એને એ વારસામાં મળી ને સમાજમાં એ પોષાઈ. સમાજમાં તેને સ્થાન પણ છે. પણ જો પોતાની ગરજ હોય તો શિક્ષક ચેતે ને ધીમે બોલવાની ટેવ પાડે. કેવળ નિરર્થક થતા પ્રાણવ્યયને રોકે. તેણે જરા હંમેશની કાળજી રાખવી પડશે. નવી ટેવ પાડતાં વારંવાર તે ભૂલ ખાશે પણ છતાં એ નવી ટેવ પાડી શકાશે જ; અને પોતે તો પોતાનું આયુષ્ય લંબાવશે જ. નવી ટેવ પાડતાં શરૂઆતમાં શિક્ષકને પોતાને તેમ જ અન્યને કૃત્રિમ લાગશે; તે તરી આવશે; પણ લાંબે વખતે તેને તેમ જ બીજાને તે સ્વભાવ થશે, ને બીજાઓ પણ તે સ્વભાવની કદર કરતા થશે ને તેના તરફ આકર્ષાશે. બીજું કારણ એક જ હૉલમાં વર્ગો બેસાડવાનું છે. પ્રત્યેક વર્ગ પોતે વધારેમાં વધારે ઘોંઘાટ કરી શકે ને બીજાને તે સંભળાય નહિ એટલા માટે દરેકને જુદો અને અવાજ બહાર જાય નહિ તેવો ઓરડો જોઈએ એમ કહેવાનું નથી. એવી રીતે વર્ગોને અવાજ જઈ ન શકે તેવાં ખાનાંઓમાં ગોઠવીએ, તો પણ શિક્ષક અને વિદ્યાર્થીઓ અવાજ કરવાની એટલે કે ઘાંટો કાઢીને બોલવાની ટેવમાંથી મુક્ત થાય નહિ. એકબીજા વર્ગોને એકબીજાના ઘાંટાઓથી માત્ર અટકાવીએ તો એકબીજા વર્ગોને નુકશાન ન પહોંચે, અને તે માટે વર્ગોને છૂટા પાડવા જોઈએ. આવી સ્થિતિ આજે હાઈસ્કૂલો અને કૉલેજના વર્ગો પરત્વે છે. પરંતુ તે નિરુપદ્રવિતા નિયમનની સખતાઈની શાંતિ જેવી છે. બહારથી શાળાનો અવાજ લાગતો નથી; પરંતુ અંદર ઓરડામાં શિક્ષકનો ઘાંટો પડી રહ્યો હોય છે.

આનો ખરો ઉપાય શિક્ષક પોતે છે. તેણે આગળ કહ્યું તેમ નવી ટેવ પાડવાની છે. ઉપરાંત શીખવવાની કળા કેળવવાની છે. વર્ગમાં શિક્ષકને ઘાંટો કાઢીને ભણાવવાનું કામ બને છે. છોકરાઓ મોટેથી વાતોચીતો કરતા હોય છે; તેમને પણ તેવી ટેવ છે. તેમને શિક્ષક ભણાવવા બેસે છે. ‘ચૂપ’ કહેતાંની સાથે એક વાર તો ‘શાંતિ’ ફેલાય છે, પણ પાછો ગણગણાટ શરૂ થાય છે. આ વખતે શિક્ષકે કામ કરવાનું હોય છે. શિક્ષક પોતે સંભળાવવાને માટે મોટો ઘાંટો કાઢીને બોલે છે. તે મોટા ઘાંટામાં નાના-નાના અવાજોને ચાલુ રહેવાની શક્યતા ઊભી થાય છે. બધા વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ હોતો નથી, હોય પણ નહિ. જે વખતે અમુક શિક્ષણનું કામ ચાલતું હોય તે વખતે બધાનાં મગજ એકસરખાં યંત્રો ન હોવાથી તેમાં સરખી રીતે રોકાતાં નથી. વળી શિક્ષણ એક ઉપદેશ કે પ્રવચન રૂપ કે ભાષણ રૂપ હોય ત્યારે તે ભલે સ્વતઃ સુંદર હોય; તો પણ જેને તેમાં મજા ન આવે તેને ગડબડ કરવાનું મન થાય તેમ બને છે. વળી શિક્ષક એકાદ વિદ્યાર્થીને ભણાવવા કે પૂછવા કે તેની સાથે ઝગડવા બેસી જાય છે, ત્યારે બીજાઓ સહેજે વાતચીત કે ગમ્મતમાં પડવા તરફ જાય છે. આથી ચણપણ ચણપણ અવાજ થતાં તે વધે છે, તે શિક્ષકને તો ભણાવવું હોય છે માટે તે ઘાંટો કાઢીને બોલે છે. જેમ અવાજ વધે તેમ ઘાંટો વધે છે; ને જેમ ઘાંટો વધે છે તેમ તેમાં વધારે અવાજને સમાઈ જવાની અનુકૂળતા મળે છે.

શિક્ષક પોતે અત્યંત ધીમેથી શરૂ કરે. ચૂપ અને શાંતિના હુકમો બહાર ન પાડે. Drill પણ ઘણી વાર તો નકામી જ પડે છે. પોતે પોતાનું શિક્ષણ રસિક કરે. રસિક શિક્ષણ એટલે બાળકોને જોઈતું શિક્ષણ. રસિક શિક્ષણ એટલે સમજાય તેવી સહેલી સુંદર રીતે ધરેલ શિક્ષણ. રસિક શિક્ષણ એટલે યોગ્ય અને જોઈતાં જ ઉપકરણો સાથે રાખી અપાતું શિક્ષણ. રસિક શિક્ષણ એટલે જોઈતા અભિનય સાથેનું શિક્ષણ ને રસિક શિક્ષણ એટલે શિક્ષકની પ્રસન્નતા, એકાગ્રતા અને શાંતિ ભરેલું શિક્ષણ. આવું શિક્ષણ જો શિક્ષક આપવા ચાહે તો તેને વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ સાંભળશે. મુરલી સાંભળી નાગ ધ્યાનસ્થ થશે, પણ માટલીમાં કાંકરા નાખી ખખડાવીએ તો તે ઊભો પણ નહિ રહે. એમ શિક્ષણની સાચી મુરલી જેના ગળા અને હૃદયમાંથી નીકળશે તેને સૌ કોઈ કાન દઈ સાંભળશે જ. અને જેમ જેમ વિદ્યાર્થીઓ અભિમુખ થઈ એકાગ્ર થતા જશે, તેમ તેમ આખા વર્ગનું એક માનસ થશે; તેમ તેમ વર્ગની 100ની સંખ્યા પણ એક જ વિદ્યાર્થી જેટલી થશે. અને શિક્ષકને પાસે બેઠેલા એક જ વિદ્યાર્થી સમક્ષ બોલતાં જેટલો ઘાંટો કાઢવાની જરૂર હોય તેથી વધારે જરા પણ કાઢવો નહિ પડે. પોતાના કામની કળા માત્રથી શાંતિ ફેલાય છે. ને શાંતિમાં ધીમા અવાજે કામ કરવાની મજા છે એટલું જ નહિ, પણ તેમાં મધુરતા લાગે છે. પછી તો શાંતિ પોતે જ ઘાંટાની સામે લડશે.

ઘાંટો રૂઆબસૂચક નથી પણ નિર્બળતાસૂચક છે. અંતઃપ્રાણવાળો મનુષ્ય શાંતિના શસ્ત્રને બળવાનમાં બળવાન તરીકે જાણે છે. ખરા વીર્યવાન માણસોનું બળ શાંતિ છે. ખરા જ્ઞાતાઓની વાણી મૌન છે. શ્રેષ્ઠ સદગુરુઓ હંમેશ મૌન વ્યાખ્યાન આપી ગયેલા છે. પણ જ્યારે શક્તિમાં અવિશ્વાસ આવે છે, જાત ઉપર કાબૂ નથી હોતો, ત્યારે બહારનું શસ્ત્ર ઉઠાવવું પડે છે. ઘાંટો એક આવું શસ્ત્ર છે. તે રોફ છાંટી શકે પણ તેની પાછળ પોકળતા છે તેથી તે થોડા વખતમાં બહાર પડે છે. માટે ઘાંટાને રૂઆબ તરીકે સમજવાની ભૂલ શિક્ષકો ન કરે. છોકરાઓ ઘાંટા ઉપર ઘાંટા પડે છે ત્યાં સુધી શાંત રહે છે; ઘાંટો જરાક બંધ થયો કે ઘાંટાનાં પ્રતિબિંબ રૂપે પોતે ઘાંટા શરૂ કરે છે. ઘાંટો ઘોંઘાટને દાબે છે પણ શાંતિ કેળવતો નથી. શાંતિ જ માત્ર શાંતિને ઉત્પન્ન કરે છે. શિક્ષકો પોતાના ઘાંટા વિષે સારી પેઠે વિચાર કરે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “શિક્ષકનો ઘાંટો – ગિજુભાઈ બધેકા”

Copy Protected by Chetan's WP-Copyprotect.