માતા-મહાતીર્થ – રમણલાલ સોની

[મહાપુરુષોના માતા વિશે તેમજ કેટલાક સાહિત્યકારોએ લખેલા માતૃવંદનાના ઉત્તમ લેખોનું પુસ્તક છે ‘માતા-મહાતીર્થ’. તેનું લેખન અને સંપાદન શ્રી રમણલાલ સોનીએ કર્યું છે. અત્યાર સુધીમાં આ પુસ્તકથી છથી વધુ આવૃત્તિઓ થઈ ગઈ છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. શ્રીરામભાઈ સોનીનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] રમણ મહર્ષિનાં માતા

ભગવાન રમણ મહર્ષિ ભારતના એક મહાન સંત ગણાય છે. દક્ષિણ ભારતમાં તિરુવન્નમલાઈ ખાતે તેમનો આશ્રમ છે. રમણ મહર્ષિનું મૂળ નામ વેંક્ટરમણ. હજી તો તેઓ હાઈસ્કૂલમાં ભણતા હતા, માત્ર સત્તર વર્ષના હતા, ત્યાં ઘર છોડી અરુણાચલ પહાડ પર તપસ્યા કરવા ચાલી ગયા હતા. ઈ.સ. 1896. ત્રણચાર વર્ષ પછી માતા અળગમ્માને ખબર પડી કે પુત્ર અરુણાચલમાં છે, એટલે તેઓ પુત્રને સમજાવીને ઘેર પાછો લઈ જવા આવ્યાં. મહર્ષિએ તે વખતે મૌન ધારણ કરેલું હતું. માતા રડ્યા કરે, પણ મહર્ષિ કંઈ બોલે કરે નહિ. છેવટે મહર્ષિએ એક કાગળની ચબરખીમાં લખ્યું : ‘દરેકના પ્રારબ્ધકર્મ પ્રમાણે ભગવાન એનું ભાવિ ઘડે છે. જે નથી થવાનું તે કોટિ ઉપાયે પણ નથી જ થવાનું અને જે થવાનું છે તે તેને રોકવાના કોટિ ઉપાયે પણ થવાનું જ છે. માટે મૂગા રહેવામાં ડહાપણ છે.’

માતા હતાશ થઈને પાછાં ફર્યાં.
વળી વર્ષો વહી ગયાં. સને 1914ની સાલ આવી. માતાજી તીર્થયાત્રાએ નીકળ્યાં હતાં. યાત્રાએથી પાછા વળતાં તેઓ પુત્રને મળવા આશ્રમમાં આવ્યાં. ત્યાં અચાનક ખૂબ બીમાર પડી ગયાં. બચવાની કોઈ આશા નહોતી. આ વખતે મહર્ષિએ એમની ખૂબ સેવાચાકરી કરી. એટલું જ નહિ, તેમણે માતાજીને સાજાં કરવા ભગવાનને પ્રાર્થના કરી. આવી પ્રાર્થના તેમણે આ પહેલાં કે આ પછી કદી કોઈના પણ માટે કરી નથી. તેમણે કહ્યું : ‘હે ભગવાન અરુણાચલ, તું ભવનો રોગ મટાડનારો મારી માતાને સાજી કર ! હે મૃત્યુંજય ભગવાન, મારી જન્મદાત્રી માતા તારા ચરણકમળનો આશ્રય લઈ શકે એ માટે એના હૃદયકમળમાં તારા ચરણકમળનું પ્રાગટ્ય કર અને મૃત્યુથી એનું રક્ષણ કર ! હે જ્ઞાનજ્યોતિ સ્વરૂપ અરુણાચલ, મારી માતાને તારા પ્રકાશમાં લપેટી લે અને એને તારામય કરી દે ! હે મોહમાયા વિદારક અરુણાચલ, મારી માતાની મોહજાળ કાપવામાં તું વિલંબ ન કર ! તું શરણાગતની માતા છે, તારા સિવાય બાળકનું રક્ષણ કરે એવું બીજું કોણ છે ? તારા સિવાય કર્મની પકડમાંથી બચાવે એવું કોણ છે ?’

બાહ્ય દષ્ટિએ આ પ્રાર્થના માતાને માંદગીમાંથી બચાવવાની લાગે છે, પણ ખરેખર તો એ માતાને ભવરોગમાંથી મુક્ત કરવાની પ્રાર્થના છે. માતા આ માંદગીમાંથી બચીને ઘેર ગઈ. તે પછી કેટલાક એવા બનાવો બન્યા કે માતાનું મન સંસાર પરથી ઊઠી ગયું. તેઓ આશ્રમમાં મહર્ષિની પાસે આવીને રહ્યાં. અહીં એમની કઠોર તપશ્ચર્યા શરૂ થઈ. ઘણી વાર મહર્ષિ એમના સામું પણ જુએ નહિ, તેઓ કંઈ પૂછે તો જવાબ પણ આપે નહિ. માતાજી ફરિયાદ કરે તો મહર્ષિ કહે : ‘તું એકલી મારી માતા નથી, બધી જ સ્ત્રીઓ મારી માતા છે.’ આવું સાંભળી શરૂઆતમાં તો માતાજી અકળાતાં ને રડતાં, પણ પછી ધીરે ધીરે ‘મહર્ષિની માતા’ હોવાનો એમનો અહંકાર ગળતો ગયો. મહર્ષિનાં માતા રૂઢિચુસ્ત બ્રાહ્મણકુટુંબમાં ઊછરેલાં હતાં. એમના સાડલાનો છેડો પણ કોઈ અબ્રાહ્મણને અડી જાય તો અભડાઈ જવાય એવા એમના સંસ્કાર હતા. આશ્રમમાં કોઈ વાર એવું બનતું ખરું. ત્યારે મહર્ષિ હાહાકારના સૂરે બોલી ઊઠતા : ‘હાય, અભડાઈ ગઈ ! ધરમ ગયો !’ આશ્રમમાં બધું નિરામિષ હતું, પણ માતાજી તો લસણ-ડુંગળીને ય અડકતાં નહિ. ત્યારે મહર્ષિ મજાક કરતા : ‘છેટાં રહેજો, અહીં ડુંગળી છે ! અડકી જશો તો મોક્ષની ગાડી ચૂકી જવાશે !’ મહર્ષિના આવા ઉદ્દગારોમાં પણ માતાજી પ્રત્યેનો એમનો ભાવ જ છલકાતો હતો.

છતાં માતાજીમાં હજી મહર્ષિ પ્રત્યે પુત્ર ભાવ હતો. એ કેવી રીતે દૂર થયો તેની એક ઘટના છે. એક વાર માતાજી મહર્ષિની સામે બેઠાં હતાં, ત્યાં અચાનક મહર્ષિ દેખાતા બંધ થઈ ગયા અને તેમની જગાએ તેમને એક જ્યોતિર્મય શિવલિંગનાં દર્શન થયાં. માતાજી ભયભીત થઈ ગયાં કે મહર્ષિએ દેહત્યાગ કર્યો કે શું ! થોડી વાર પછી શિવલિંગ અદશ્ય થઈ ગયું અને મહર્ષિ પ્રગટ થયા. માતાજીને ખાતરી થઈ ગઈ કે હું આને પુત્ર પુત્ર કરું છું, પણ એ તો સ્વયં શિવ છે.

સને 1922માં માતાજીની તબિયત લથડી. તા. 19-5-1922ના રોજ બહુલા નવમીનો ઉત્સવ હતો, પણ આખો દિવસ મહર્ષિ માતાની સેવામાં રહ્યા. સાંજે રસોઈ તૈયાર હતી, પણ કોઈ જમવા ગયા નહિ. માતાજીની પથારી આસપાસ વેદમંત્રોની અને રામનામની ધૂન ચાલી. મહર્ષિનો જમણો હાથ માતાજીના હૃદય ઉપર હતો અને ડાબો હાથ તેમના મસ્તક ઉપર હતો. અત્યારે પ્રશ્ન માતાજીને જિવાડવાનો નહોતો, પણ એમને મહામુક્તિ-મહાસમાધિ આપવાનો હતો. આઠ વાગે માતાજીએ દેહ છોડ્યો. મહર્ષિ પ્રસન્ન હતા. તેમણે કહ્યું : ‘ચાલો, હવે જમી લઈએ. કોઈ સૂતક નથી.’ પાછળથી મહર્ષિએ આ વિશે વાત કરતાં કહેલું : ‘માતા મરી નથી ગઈ, પરમાત્મામાં લીન થઈ ગઈ છે. પૃથ્વીનું ખેંચાણ ભારે હતું, પણ છેવટે બધાં વળગણો છૂટી ગયાં. માતાજી જન્મમરણની જંજાળમાંથી છૂટી ગયાં !’ મહર્ષિની આમાં મોટી મદદ હતી એ વિશે શંકા નહિ, પણ માતાજી અહંકાર અને આસક્તિથી મુક્ત થયાં, એને લીધે એ શક્ય બન્યું હતું. એ આખી રાત ભજનો ચાલ્યાં, મહર્ષિએ પણ એમાં ભાગ લીધો.

માતાજીના નશ્વર દેહને ભૂમિમાં સમાધિ આપવામાં આવી અને તેના ઉપર એક મંદિર ચણવામાં આવ્યું, મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી, અને તેને ‘માતૃભૂતેશ્વર’ નામ આપવામાં આવ્યું. ‘માતૃભૂતેશ્વર’ એટલે ઈશ્વર જ્યાં માતા રૂપે બિરાજે છે તે ! તેની સાથે દોઢ ચોરસફૂટ પાષાણમાં શ્રી ચક્ર કોતરીને તેની સ્થાપના કરવામાં આવી છે. રોજ સવાર-સાંજ આ મંદિરમાં પૂજાઆરતી થાય છે. માતાજી સશરીરે હતાં તેના કરતાં અત્યારે એમની હાજરી વધારે અનુભવાય છે. મહર્ષિએ જ એક વાર એવું કહ્યું છે કે માતાજી ક્યાં ગયાં છે ? અહીં જ છે ! આજનો રમણાશ્રમ આ માતૃ-મંદિરની આસપાસ ઊભો થયો છે.
.

[2] સંત વિનોબાજીનાં માતા

‘મારા જીવનમાં અનેક સત્પુરુષોની સત્સંગતિ મને પ્રાપ્ત થઈ છે. અનેક મહાપુરુષોના ગ્રંથ મારા વાંચવામાં આવ્યા છે, જે અનુભવથી ભરેલા છે. છતાં એ બધું હું એક પલ્લામાં રાખું અને મારી મા પાસેથી મને સાક્ષાત ભક્તિનું જે શિક્ષણ મળ્યું તે બીજા પલ્લામાં રાખું, તો તે બીજું પલ્લું જ ભારે થઈ જાય છે. મારા મન પર મારી માના એવા અનુપમ સંસ્કારો છે. આ શબ્દો છે મહાન સંત વિનોબા ભાવેના.

તેમના જ શબ્દોમાં આગળ સાંભળીએ. વિનોબાજી કહે છે : ‘મારી મા પરમ ભક્ત હતી. ઘરમાં બધાંને ખવડાવી-પિવડાવીને, ઘરનું બધું કામ આટોપીને, પોતે એક દાણોય મોંમાં નાખ્યા પહેલાં એ ભગવાન સામે બેસી જતી. આરતી કરતી, ફૂલ ચઢાવતી, ભક્તિભાવથી પ્રણામ કરતી અને પોતાના બંને કાન પકડીને બોલતી : ‘હે અનંતકોટિ બ્રહ્માંડના નાથ, મારા અપરાધો ક્ષમા કર !’ તે વખતે એની આંખોમાંથી આંસુની અવિરત ધારા વહેવા લાગતી. રોજ મેં આ જોયું છે. મારા હૃદયમાં માનાં જે સ્મરણ રહ્યાં છે, તેમાં આ સર્વશ્રેષ્ઠ સ્મરણ છે. મારી મા સામાન્ય ગૃહિણી હતી. દિવસ આખો કામમાં ડૂબેલી રહેતી. પણ એનું ચિત્ત નિરંતર ઈશ્વર ભાવનાથી ભાવિત રહેતું. એ સંસારમાં હતી, પણ એના ચિત્તમાં, એની વાણીમાં સંસાર નહોતો. એના મોઢેથી ક્યારેય કટુ શબ્દ મેં સાંભળ્યો નથી. સવારે ઊઠતાં વેંત એનું નામ-સ્મરણ શરૂ થઈ જતું. ઘંટી દળવા બેઠી કે ભજનો શરૂ થઈ જતાં. એક વાર મેં માને કહ્યું કે ‘મા, તું રોજ નવું ભજન ગા !’ તો છ મહિના લગી એણે મને રોજ નવું નવું ભજન સંભળાવ્યું ! એટલાં ભજન એને કંઠસ્થ હતાં !

અમારા ઘરમાં એક ફણસનું ઝાડ હતું. ફણસ તોડીને મા પહેલાં મને અડોશ-પડોશમાં વહેંચવા મોકલે, અને પછી અમને ખાવા દેતી. કહેતી કે પહેલાં દેવું, પછી જ ખાવું. જે દે તે દેવ અને રાખે તે રાક્ષસ. મા તરફથી મને આ શિક્ષણ ન મળ્યું હોત તો મને ભૂ-દાનયજ્ઞની પ્રેરણા ન મળત. અમારે ત્યાં રહીને એક ગરીબ વિદ્યાર્થી ભણતો. ઘરમાં કંઈક ઠંડું ખાવાનું વધ્યું હોય તો મા તે જાતે ખાય કે મને દે, પણ પેલા વિદ્યાર્થીને તો તાજું જ ખાવાનું આપે. એક દિવસ મેં કહ્યું : ‘મા, તારા મનમાં આવો ભેદભાવ કેમ છે ?’ તો મા કહે : ‘કારણ તારામાં મારી આસક્તિ છે, તારા માટે મને પક્ષપાત છે. આસક્તિને લીધે તું મને પુત્ર સ્વરૂપ દેખાય છે, જ્યારે એ છોકરો મને ભગવદસ્વરૂપ દેખાય છે. જે દિવસે તું મને ભગવદસ્વરૂપ દેખાવા લાગશે તે દિવસે આ ભેદભાવ ખતમ થઈ જશે.’

પારકા છોકરાને ભગવદસ્વરૂપે જોનારી આ માતા કેવી અદ્દભુત છે ! વિનોબાજીનાં માતાને ત્રણ પુત્રો અને ત્રણે બ્રહ્મચારી નીકળ્યા. માતા ઘણી વાર પુત્રોને કહેતી : ‘ગૃહસ્થાશ્રમનું સારી રીતે પાલન કરવાથી એક પેઢીનો ઉદ્ધાર થાય છે, પણ બ્રહ્મચર્યના ઉત્તમ પાલનથી બેતાલીસ પેઢીનો ઉદ્ધાર થાય છે.’ મેટ્રિકની પરીક્ષાનાં અને બીજાં સર્ટિફિકેટો માતાના દેખતાં, ચૂલામાં નાખી ‘જાઉં છું’ કહી વિનોબાએ ઘર છોડ્યું અને કાશી પહોંચી ગયા. આ સમાચાર બહાર ફેલાતાં એક પડોશણે રખુબાઈ આગળ બળાપો કાઢ્યો : ‘આજકાલનાં છોકરાંનું ભલું પૂછવું. દુઃખ વેઠી મોટાં કરીએ ને ભાગી જાય !’ માતા રખુબાઈ આ ટોણો સમજી ગયાં. તેમણે એનો સણસણતો જવાબ દીધો : ‘મારો દીકરો ભાગી ગયો નથી, એણે તો ભગવાન ભજવા ઘર છોડ્યું છે.’ પુત્રે ગૃહત્યાગ કર્યો એનું માતાને આવું ગૌરવ હતું.

એ પછી થોડા વખતમાં માતા રખુબાઈનું અવસાન થયું. અવસાન ભલે થયું, પણ માતા વિનોબાના જીવનમાં જીવંત હતાં. એ કેવળ માતા નહોતાં, ગુરુ પણ હતાં; અને ગુરુ કદી મરતો નથી, માતા કદી મરતી નથી. વચ્ચે પચાસ વર્ષ વીતી ગયાં. એવામાં – વિનોબાજીના મુખે જ આ સાંભળીએ : ‘એક દિવસ માતા આવીને મને કહે : ‘વિન્યા, અત્યારે દેશમાં ગાયો કપાઈ રહી છે. શું ગાયો કપાતી રહેશે ને તું જોયા કરશે ?’ આ તો માતાની આજ્ઞા ! – એ કેમ ઉવેખી શકાય ? દેશમાં ગોવધબંધી થાય નહિ ત્યાં સુધી ઉપવાસ કરવાનું વિનોબાજીએ જાહેર કર્યું. આખા દેશમાં ખળભળાટ થઈ રહ્યો. ભારત સરકારે (કેરળ તથા બંગાળ સિવાય) દેશમાં ગોવધબંધી જાહેર કરી. પરિણામે ઉપવાસ બંધ રહ્યા. તે પછી મુંબઈ પાસે દેવનારના કતલખાનાનો પ્રશ્ન આવ્યો. વિનોબાએ એની સામે સત્યાગ્રહ શરૂ કરાવ્યો, જેનો હજી અંત આવ્યો નથી. માતા એટલે શું અને માતાની આજ્ઞા એટલે શું તે આપણને વિનોબાજીનાં માતાના દષ્ટાન્ત પરથી સમજાય છે.

[કુલ પાન : 192.(પાકું પૂઠું). કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : ડૉ. રેણુકા શ્રીરામ સોની. સુતરીઆ હાઉસ, ત્રીજે માળ, ભાઈકાકાભવન પાસે, એલિસબ્રિજ, અમદાવાદ-380006. ફોન : +91 79 26460225.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આખરી પડદો – અનુ, મહેન્દ્ર મેઘાણી
દીકરી દાંપત્યનો દીવડો – દિનેશ પાંચાલ Next »   

5 પ્રતિભાવો : માતા-મહાતીર્થ – રમણલાલ સોની

 1. ખુબ સુદર્ !! જનનીની જોડ સખી નહી મળે રે લોલ્ ! ! !

 2. Harsh says:

  ખુબ સરસ

  મા તે મા બીજા વગડા ના વા……………

 3. Vijay says:

  This is the best :

  એક દિવસ મેં કહ્યું : ‘મા, તારા મનમાં આવો ભેદભાવ કેમ છે ?’ તો મા કહે : ‘કારણ તારામાં મારી આસક્તિ છે, તારા માટે મને પક્ષપાત છે. આસક્તિને લીધે તું મને પુત્ર સ્વરૂપ દેખાય છે, જ્યારે એ છોકરો મને ભગવદસ્વરૂપ દેખાય છે. જે દિવસે તું મને ભગવદસ્વરૂપ દેખાવા લાગશે તે દિવસે આ ભેદભાવ ખતમ થઈ જશે.’

  If we can see every living things like this………sky is the limit.

  Vijay

 4. Sudhir Mankodi says:

  મા તો હમેશા અમર રહે છે અને હર હમ્મેશ પોતાના બળકો ની પાસે જ હોય છે.

 5. Kalidas V. Patel says:

  Dariyo pan nano pade jyare … M me kano large ! Kalidas V. Patl Vagosana

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.