કૃતાર્થ – પ્રફુલ ત્રિવેદી

[ ‘કૃતાર્થ’ વાર્તાસંગ્રહમાંથી સાભાર. રીડગુજરાતીને આ સંગ્રહ મોકલવા માટે શ્રી પ્રફુલભાઈનો (લીંબડી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 8980868247 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાઓના અંતે આપવામાં આવી છે.]

[1] જોઈએ છે એક પેટાભાડૂત

‘કહું છું આ મોટાનો પત્ર આવ્યો છે, વાંચ્યો ?’ સવારમાં બજારનું કામ પતાવી ઘરમાં આવું છું ત્યાં જ શ્રીમતીજીએ આ સમાચાર આપી મને ચોંકાવ્યો. સવારે બહાર જવા નીકળ્યો ત્યારથી જ હતું કે આજે કાંઈક નવીન સાંભળવા મળશે. ઘણી વખત મને મારી સિક્સ સેન્સ દ્વારા આગમચેતી મળતી જ રહે છે પણ હું તેને એક આકસ્મિક સમાચારમાં ખપાવી દઉં છું. એટલે વાતને વધુ પ્રાધાન્ય ન આપતા હું કવરમાંથી પત્ર કાઢી વાંચવા બેઠો. સમાચાર કાંઈક આવા હતા કે, ‘અમે આ વૅકેશનમાં આવી શકીએ તેમ નથી કારણ કે અમે ઘર, એક ‘પેટા ભાડૂત’ને રહેવા આપ્યું છે. જો તમને અનુકૂળતા હોય તો આ વખતે આપણે અહીંયાં સૌ સાથે રહીએ. તો તમે આવો. નાનાભાઈને પણ અહીંયાં બોલાવી લેશું ને બધા સાથે મળી મજા કરીશું.

વાત વૅકેશનમાં સાથે રહેવાની હતી, પણ અમારા શ્રીમતીજીની આદત મુજબ તે પત્રની વાતને લઈને ખૂબ ચિંતિત હતા. મોટો ખૂબ ભોળો છે. જોયા જાણ્યા વગર ‘પેટા ભાડૂત’ ને રહેવા શું કામ આપવું જોઈએ ? તે લોકો કેવા હશે કે વૅકેશનમાં આપણને બોલાવવા પડે છે ? એવા ભાડાના પૈસાની શું જરૂર પડી કે ‘પેટા ભાડૂત’ રાખવા પડ્યા ? વગેરે વગેરે…. હવે મારે વચ્ચેથી તેમની વાત કાપવી પડી, ‘તમે પૂરું જાણ્યા વગર ખોટા ઘોડા દોડાવવાનું બંધ કરો તો સારું…. હવે બંને બાળકો મોટાં થઈ ગયાં છે અને પરણાવેલ છે. કાલ સવારે તે પણ પિતા બની જશે…. માટે વધુ વિચારવાનું હાલ પૂરતું મુલતવી રાખો…. અને આપણે ત્યાં જવાની તૈયારી કરો, આમેય ઘણા સમયથી બહારગામ ગયા નથી તો થોડો ચેઈન્જ મળશે.’

મને-કમને, વાતે ત્યાં જ વિરામ લીધો અને અમે બે દિવસમાં ત્યાં જવા માટે સહમત થયા. વૅકેશન દરમિયાન ત્યાં રહેવાનું વિચારી અહીંના ઘરમાં ઢાંકો-ઢૂબો કરી લેવા બે દિવસ ઘણા લાગ્યા, આદત મુજબ પાડોશીને ઘરની ભલામણ કરી દીધી. દૂધવાળાને અને કામ કરતા બહેનની પણ, વૅકેશનની રજા જાહેર કરી દીધી. છાપાવાળાને યાદ કરી મારે જાતે જ કહેવા જવું પડ્યું કે ‘ભાઈ, અમે વૅકેશનમાં બહારગામ જવાનાં છીએ માટે છાપું નાખવાનું હમણાં બંધ રાખજો. પણ છાપાની કુપનો સાચવીને રાખજો હું આવીશ ત્યારે તે બધી લઈ જઈશ.’ ભગવાનની પૂજા સાથે લઈ જવાની હતી તેથી ફૂલવાળાને પણ ના કહેવી પડી. મને આ બે દિવસમાં આ ઢાંકો-ઢૂંબોની ખબર પડી ગઈ. રસ્તામાં નાસ્તા માટે પણ પાકી તૈયારી ઘરેથી જ કરી રાખેલી, જેથી ઘરનું ખાવાથી સ્વાઈનફ્લૂથી દૂર રહી શકીએ. આમ અમારો સંઘ મોટાના ઘરે જવા નીકળ્યો.

લકઝરી બસમાંથી જ મારા શ્રીમતીજીનો લડાયક મિજાજ મેં જાણી લીધો હતો એટલે શરૂથી જ હું તેમને શાંતિના પાઠ સમજાવતો આવતો હતો. વચ્ચે વચ્ચે પૂ. બાપુની અહિંસક વાતો કરતો માતૃભૂમિ માટેની તેમની લડતના કિસ્સા સંભળાવતો હતો. ‘મૌન રહેવાનો મહિમા’ અને પૂ.બાપુના વિચારોનાં ઘણાં દષ્ટાંતો આપી મેં તેમને શાંત કર્યા. બસ સ્ટેન્ડથી ઘરે પહોંચવાનો સમય સ્વાઈનફ્લૂના નિદાનના સમય કરતાં પણ વધુ વસમો લાગ્યો. ઘરે પહોંચતાં જ ‘પેટા ભાડૂત’ની વાત જાણવાની ઉત્કંઠા અમે રોકી ન શક્યા અને જ્યારે ખબર પડી કે તે ‘પેટાભાડૂત’ શાંતિદૂત એક કપલ કબૂતર છે ત્યારે હસતાં હસતાં અમારી આંખો ભરાઈ આવી.

વાત જાણે એમ હતી કે મોટાના ઘરમાં એક કબૂતર કપલે માળો બાંધેલો અને તેમાં બે નાનાં નાનાં બચ્ચાં હતાં. ઘરમાં આ પહેલાં પણ ચકલાનું એક કપલ ત્યાં જ રહેતું હતું. જે સમય જતાં બચ્ચાં મોટાં થયાં અને ઘર ખાલી કરી જતું રહેલું. તે પછી આ શાંતિદૂત રહેવા આવેલા. પણ એક ‘કાળી બિલાડી’ની અવરજવર હમણાંથી વધી ગઈ હતી તેથી ઘર રેઢું મુકાય તેમ ન હતું. અમે જેટલો સમય રહ્યા તે દરમિયાન તે બચ્ચા ધીરે ધીરે માળામાંથી નીચે ઊતરતા થયાં…… મારા શ્રીમતીજી તેને રોજ ખોળામાં લઈ ખૂબ રમાડે, માળામાં કબૂતરની ચણની વાટકી અને પાણી પણ જાતે જ યાદ કરી મૂકે. આમ અવિરત પ્રેમનું પ્રદાન નિયમિત કરતા. બચ્ચા ધીરે ધીરે મોટા થયા. થોડું થોડું ઊડતા શીખ્યા અને એક દિવસ તે બંને ગયા… તે ગયા… હજુ પણ પાછા ફર્યાં નથી. પણ તે પછીથી મારા શ્રીમતીજી બે ટાઈમ પૂરું જમતા નથી. બંને બાળકોની જેમ જ તેમની પણ તેટલી જ ચિંતા કર્યા કરે છે. માળો સાવ ખાલી થઈ ગયો છે. હવે અમને આવા જ બીજા ‘પેટા ભાડૂત’ની જરૂર છે. જો કોઈ ધ્યાનમાં હોય તો બતાવશો !!!!

[2] ગરમ સ્વેટર

રોહિતભાઈ એટલે અમારા ગામનો એક ઊંચેરો માનવી !!! જેના નામથી ગામના નબળા વર્ગના વિદ્યાર્થી, ગરીબ ઘરના કે અનાથ બાળકોને યોગ્ય મદદ મળતી જ રહેતી. સાદગી, તેમના જીવનમાં વણાઈ ગયેલી. ઘરમાં પણ આદર્શવાદી જીવન જીવવા ટેવાયેલા. જાણે પ.પૂ. ગુરુવર ટાગોરનાં શાંતિનિકેતન આશ્રમનું શિક્ષણ તેમના લોહીમાં જ વહી રહ્યું ન હોય ? વહેલી સવારનું કાર્ય પતાવી નિત્ય ફરવા જવાનો તેમનો પ્રોગ્રામ. ઘરમાં બે જ વ્યક્તિ, એક પોતે અને બીજા તેમનાં ધર્મપત્ની વર્ષાબહેન. રોહિતભાઈના દરેક કાર્યમાં તેમના પત્ની વર્ષાબહેનની સહભાગીદારી રહેતી…. એવા રોહિતભાઈ, એક સવારમાં ફરવા જવાની તૈયારી કરતા હતા ત્યાં….

‘કહું છું… ભરત આવ્યો લાગે છે !!! જરા તપેલીમાં ગરણી રાખી દૂધ લઈ આવો તો…. પત્ની બાથરૂમમાં છે તેનો ખ્યાલ આવી ગયો. રોહિતભાઈ ગરણી, તપેલી લઈ બહાર ડેલી સુધી આવ્યા.
‘સાહેબ, આજે તમારે લેવા આવવું પડ્યું ? કેમ બહેનની તબિયત તો સારી છે ને ?’
‘ભાઈ, તારી બેન તો બરાબર છે…. પણ તું !!! આટલી ઠંડીમાં વહેલી સવારે દૂધ દેવા આવે છે, તો ગરમબરમ કાંઈક પહેરતો જા…. ભાઈ… ઠંડીમાં પકડાઈ જઈશ તો અમારે દૂધ વગર રહેવું પડશે….’ હળવી ભાષામાં મીઠો ઠપકો સાંભળી, ભરત સસ્મિત દૂધની બરણી ખાલી કરી રવાના થયો. વહેલી સવારે દૂધ આપવાનો તેનો નિત્યક્રમ ક્યારેય તૂટ્યો નો’તો. રોહિતભાઈ અને તેમનાં પત્ની વર્ષાબહેન સમય મળે ભરતનો દાખલો બધાને આપતા. નાની ઉંમર છે છતાં, દૂધ દેવાની જવાબદારીમાંથી ક્યારેય તેણે પાછીપાની કરી નથી. દૂધ દેવાનું કામ પતાવી, શાળાએ સમયસર પહોંચી જવાનું એ પણ એટલું જ સત્ય.

રોહિતભાઈને ત્યાં લંડનથી માસી ફરવા માટે આવ્યાં, તે પણ બે દિવસમાં ભરતથી પરિચિત થઈ ગયાં. અહીંની આ વખતની ઠંડી પણ ખૂબ સારી હતી. માસીને ભરત માટે લાગણી થઈ આવી. કાલે સવારે ભરત આવે એટલે તેને હું ‘ગરમ સ્વેટર’ પહેરાવીને જ પાછો મોકલીશ. તેવો નિશ્ચય માસીએ રોહિતભાઈને જણાવ્યો. માસીના માયાળુ સ્વભાવથી સૌ વાકેફ હતા જ. બીજા દિવસની સવાર ગઈ…. સમય પણ વહી ગયો…. પણ આજ ભરત ન દેખાયો. બે…બે… દિવસના વાણા વાઈ ગયા…. માસી ભરતની રોજ વહેલી સવારે રાહ જોતા. પણ… ચાર દિવસના અંતે ભરત દૂધ લઈને આવ્યો.

સૌપ્રથમ તો વર્ષાબહેને ભાઈ ભરતનો ઊધડો લીધો…. ‘આમ મહેમાન હોય ત્યારે જ તારે દિવસ પાડવાના ? વળી અગાઉથી કે પછીથી જાણ કરવાની જ નહીં ? આવું કરતાં તું ક્યારથી શીખ્યો ?’
ત્યાં પાછળના રૂમમાંથી માસી એક સરસ મજાનું ‘ગરમ સ્વેટર’ હાથમાં લઈ ભરત તરફ આવતાં બોલ્યાં : ‘અરે ભાઈ, આવી ઠંડીમાં તને આપવા માટે આ ‘ગરમ સ્વેટર’ લઈ છેલ્લા ચાર દિવસથી તારી રાહ જોઈને બેઠી છું. પહેલાં ‘સ્વેટર’ પહેરી લે….’ ભરત…. આ ઉપરાઉપરી થતા અણધાર્યા આક્ષેપોનો શું જવાબ આપવો તેની ભાંજગડમાં આંખમાં દબાવી રાખેલાં આંસુ રોકી ના શક્યો. ગળામાં ભરાયેલા ડૂસકા…. અને ધ્રૂજતા હાથ પગ ઉપર માંડ માંડ નિયંત્રણ રાખી એટલું જ બોલ્યો… ‘માસી…. આ ‘સ્વેટર’ જો મને પાંચ દિવસ વહેલાં આપ્યું હોત તો, તમારા જેવી ‘મારી મા’ મેં ગુમાવી ન હોત !!!’

અને રોહિતભાઈનાં ધર્મપત્ની વર્ષાબહેનના હાથમાં રહેલી દૂધની તપેલી જમીન ઉપર પડી ગઈ… માસીના ચહેરા પરનું લોહી ઊડી ગયું. ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો. ભાવાવેશમાં માસી, ભ…ર..ત… એટલું જ બોલી શક્યાં !! અચાનક રોહિતભાઈ બહાર ફરવા જવા નીકળ્યા, જમીન ઉપર ઢોળાયેલું દૂધ અને તપેલી જોઈ અને માસીનો લોહીવિહોણો થઈ ગયેલો ચહેરો જોયો, અનુભવી રોહિતભાઈએ અશુભ બન્યાનો તાગ મેળવી લીધો. ભરતને અંદર ઘરમાં બેસાડી સાંત્વના આપી, સઘળી હકીકત જાણી લીધી. ભરતના ઘરમાં બસ એક તેની ‘મા’ જ હતી – તે પણ આ કારમી ઠંડીમાં અને ગરીબીની આગમાં ભગવાન પાસે ચાલી ગઈ !!!

આજે આ વાતને વર્ષો વીતી ગયાં છે. પણ વાત આજની જ લાગે છે. હવે રોહિતભાઈના કુટુંબમાં બે નહિ પણ ત્રણ વ્યક્તિ છે અને ભાઈ ભરત અમદાવાદની હૉસ્ટેલમાં રહી M.C.A. પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો છે.

[કુલ પાન: 137. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : શ્રી કુલદીપ ત્રિવેદી. ‘હરસિદ્ધિ’, ખોજાખાના શેરી, લીંબડી-363421. જિ. સુરેન્દ્રનગર. ફોન : +91 2753 260714.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ધરતીના સાદ – નાથાલાલ દવે
શરદી : જેને કોઈ ગંભીરતાથી લેતું નથી – વિનોદ ભટ્ટ Next »   

10 પ્રતિભાવો : કૃતાર્થ – પ્રફુલ ત્રિવેદી

 1. Harsh says:

  ખુબ સરસ….

 2. Manish R Shah says:

  બહુજ સરસ

 3. raj bhaskar says:

  અદભુત ……..વાર્તાનો પ્લોટ અને લખાણ બન્ને કાબિલેદાદ છે. પ્રફુલભાઈ ને ખુબ ખુબ અભિનદન

 4. PReeti says:

  Nice collection of stories.

 5. bhavna says:

  superbbbbbbbbbbbbbb story

 6. Nirav says:

  Both stories are very touchy. congrats to writer

 7. i.k.patel says:

  ખુબજ સરસ અને ભાવનાત્મક લેખ.

 8. mamta says:

  Both story are very nice

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.