ઘણા વખતથી એનો પત્ર નહોતો. એના સમાચાર પણ નહોતા. થોડી નવાઈ હતી ને દુઃખ પણ હતું. જોકે હૃદય એ રીતે ટેવાઈ ગયું છે. ઘણા યુવાનો નજીક આવે, ઘણા વિદ્યાર્થીઓ વર્ગમાં બેસે, ઓળખાણ થાય, પ્રેમ થાય – પણ પછી એ આગળ નીકળી જાય, દૂર જાય, ભૂલી જાય ને ફરીથી મળતા નથી, લખતા નથી. દીકરો મોટો થાય, પરણે, અમેરિકા જાય અને માબાપને એનો વિયોગ સહન કરવો પડે એવો થોડોક અનુભવ શિક્ષકને થાય જ.
તોય એ જૂના વિદ્યાર્થીની બાબતમાં વિશ્વાસ હતો કે એ તો લખશે ને લખતો રહેશે. એના કૉલેજકાળ દરમિયાન સારી આત્મીયતા જામી હતી. ઘણી વખત ઘણી વાતો સાથે કરી હતી, દિલની વાતો કરી હતી એટલે વિશ્વાસ હતો કે કૉલેજ છોડીને જશે ત્યારે પણ એ કોઈ કોઈ વાર મળતો રહેશે. કંઈ નહિ તો લખતો રહેશે. ને શરૂઆતમાં એણે એમ કર્યું હતું પણ ખરું. વિશેષ કરીને એના લગ્નનો પ્રસંગ આવ્યો ને તેની સાથે અમુક પ્રશ્નો ઊભા થયા ને અમુક મૂંઝવણ થઈ હતી ત્યારે એ ચર્ચા કરવા આવ્યો હતો ને પછી આમંત્રણ આપવા આવ્યો હતો ને એ શુભ પ્રસંગે અમે જરૂર મળ્યા હતા. પણ એ વાતને તો હવે ચાર વર્ષ પૂરાં થવા આવ્યાં હતાં. ને તે પ્રસંગ પછી એનો પત્ર નહિ, એની મુલાકાત નહિ. ને તેનો સ્વભાવ તો મળતાવડો હતો. એટલે એની યાદ આવતાં મને થયું કે એ હવે મળતો નથી, લખતો નથી એનું કાંઈ કારણ હોવું જોઈએ.
કારણ હતું.
એની પાસેથી નહિ પણ એના એક મિત્રની પાસેથી એક દિવસ જાણવા મળ્યું કે એણે હમણાં છૂટાછેડા લીધા હતા. એટલે એ શા માટે મળતો નહોતો, લખતો નહોતો એ એકદમ સમજાયું. લખે કે મળે તો એ વાત નીકળે. અને એ વાત નીકળે એ કોને ગમે ?
છૂટાછેડાના સમાચાર સાંભળતાં એક વાત તરત યાદ આવી. પોતાના લગ્ન પહેલાં એ ચર્ચા કરવા આવ્યો હતો ત્યારે જે પ્રશ્ન ને મૂંઝવણની ચર્ચા કરવા આવ્યો હતો એની યાદ આવી. એને છોકરી પસંદ નહોતી એ વાત હતી. માબાપની પસંદગી હતી, પોતાની નહિ. એટલું જ નહિ પણ કોઈ વાર – કદાચ ઘણી વાર – પોતાની પસંદગી ન હોય પણ માબાપની હોય તોપણ ફાવી જાય, ગમી જાય ને સાચો પ્રેમ થાય ને સુખી જીવન જિવાય, એમ થાય છે તે અહીં બન્યું નહોતું. કન્યાને જોતાં ને થોડી વાતો કરતાં ને કુટુંબની ભૂમિકા જાણતાં એ છોકરાએ ચોખ્ખું જોયું હતું અને કહ્યું હતું કે આની સાથે તો નહિ ફાવે. ભણતરમાં ફેર, સ્વભાવમાં ફેર, સંસ્કારમાં ફેર અન તે સિવાય હૃદયનો એ અકળ પણ અચૂક ફેંસલો કે આની સાથે લાગણી નહિ જામે. જેમ કોઈ વખત પહેલી નજરે આકર્ષણ થાય તેમ કોઈ વાર સૂગ થાય. અને આમાં એમ જ થયું હતું. એટલે પાકી ખાતરી હતી કે ફાવશે જ નહિ. અને પ્રયત્ન કર્યા છતાં ફાવ્યું નહિ. ફાવશે નહિ એની ખાતરી હતી માટે એની સાથે લગ્ન કરવં જ ના જોઈએ એ સલાહ આપવી પડી. પણ એમાં એ છોકરાના દિલમાં બીજા ભાવ ઊઠ્યા. મા-બાપની પસંદગી હતી. માબાપની આજ્ઞા હતી. એમની ઈચ્છા વિરુદ્ધ કેમ જવાય ? એમને આટલું દુઃખ કેમ અપાય ? માટે ફરજ સમજીને, ધર્મ સમજીને એણે નમતું મૂક્યું. હા પાડી. ને એ રીતે લગ્ન થયાં – ને ચાર વરસ પછી છૂટાછેડા થયા.
માબાપને દુઃખ આપવું નહોતું. સારી ભાવના હતી. પણ અધૂરો વિચાર હતો. લગ્નને પ્રસંગે માબાપને દુઃખ ન આપ્યું. પણ એ ન આપ્યું એટલે છૂટાછેડાને પ્રસંગે વધારે દુઃખ આપવું પડ્યું. કુટુંબની આબરૂ સાચવી, પણ ચાર વરસ પછી એને ધૂળભેગી કરી. એટલે એ આજ્ઞા પાળવામાં કલ્યાણ નહોતું. એ ધર્મમાં અધર્મ જ હતો. માબાપને એ પહેલું તાત્કાલિક દુઃખ ન આપ્યું. પણ એ જ વખતે મનને ખાતરી હતી કે આગળ ઉપર વધારે મોટું દુઃખ આપવું પડશે. લગ્ન સફળ નહિ થાય એનું દુઃખ હશે, પોતે દુઃખી રહેશે એનું દુઃખ હશે. અને વહેલામોડા છૂટા થવું પડશે એનું દુઃખ હશે. તોય હિંમત ન ચાલી, શક્તિ ન આવી અને ધર્મને નામે, ‘આજ્ઞાંકિત’ હોવાનું પુણ્ય મેળવવાના બહાને એ તાબે થયો અને લગ્નગ્રંથિએ બંધાયો. એટલે કે ભારે દુઃખની હાથે કરીને તૈયારી કરી.
અને દુઃખ હવે ફક્ત માબાપનું નહિ, પોતાના કુટુંબનું જ નહિ, પણ બીજા કુટુંબનું પણ છે, બીજી વ્યક્તિનું પણ છે. જેને માટે પણ એને ફરજ હતી, ધર્મ હતો; જેને લઈને એને એક નવું કુટુંબ રચવાનું હતું અને એ કુટુંબ સારું, સુખી, સુસંપી રહે એ પહેલેથી જ જોવાની એની જવાબદારી હતી – એ વ્યક્તિનું દુઃખ પણ આજે ઉમેરાય છે. માબાપને દુઃખ ન અપાય. પણ શું, એ નિર્દોષ કન્યાને અપાય ? એની સાથે ફાવશે નહિ, એને સંતોષ આપી શકાશે નહિ, પ્રેમ થશે નહિ, દાંપત્યધર્મ સચવાશે નહિ એની ખાતરી હતી, પછી એની સાથે લગ્ન કરાય ? છૂટાં થવું પડશે એ ખાતરીથી સાથે ભેગાં થવાય ? એનો હાથ છોડવો પડશે એ બીકની સાથે એના હાથમાં હાથ મુકાય ને સાથે બંધાય ? અને એ ધર્મને નામે ? આજ્ઞા પાળવાને નામે ?
ને એ માબાપને થોડી વાત. દીકરાના હિત માટે એમ કર્યું હતું એમ તમે કહો છો. પસંદગી યોગ્ય રીતે કરી છે, છોકરી સારી છે, અમે જોઈ છે, ને શરૂઆતમાં ન ફાવે તોય બધાંનું થાય છે તેમ આગળ જતાં ફાવી જશે, ફવરાવી લેશે. એને શું જોઈએ છે એ એના કરતાં અમે સારી રીતે જાણીએ છીએ ને ! ને અમે જે જે કરીએ છીએ તે એના ભલા ને એના કલ્યાણ માટે કરીએ છીએ. બીજું અમારે શું જોઈએ ? – સાચે જ એના હિત માટે એ કર્યું હતું ? એના કલ્યાણ માટે એ કર્યું હતું ? કે તમારા પોતાના કલ્યાણ માટે – એટલે કે તમારા સ્વાર્થ માટે કર્યું હતું ? અમારે જોઈએ એ કુટુંબમાં એનાં લગ્ન થાય, અમને ગમે એ છોકરી સાથે એ પરણે, પાડોશીના બીજા છોકરાઓએ કર્યું છે તેમ એ ગમે તે છોકરીની સાથે પોતાની મેળે લગ્ન કરી ન નાખે, લગ્ન એને માટે અમે જ ગોઠવ્યું છે એ બધા જુએ ને જાણે, અમારી પસંદગીની વહુ ઘેર આવે ને દીકરો પણ માની જાય એટલે બંને હવે અમારે ઘેર રહેશે ને અમારી સેવા કરશે એની ખાતરી થાય – શું એવા કોઈ વિચારો એ નિર્ણય લેતી વખતે તમારા મનમાં ન હતા ? અને હતા તો એ નિર્ણય ખરેખર એના હિત માટે લેવાયો કે તમારા અંગત લાભ માટે લેવાયો એ વિશે શું કહીશું ?
કન્યાને તમે પસંદ કરી એમાં કશો વાંધો નથી. પણ યોગ્ય રીતે પસંદ કરો. અને યોગ્ય રીતમાં એ શરત આવે છે કે એ કન્યા તમારા દીકરાને પસંદ પડવી જોઈએ. સાચા ને પૂરા દિલથી. પણ ઓળખાણ પછી જો એ ના પાડે, પરિચય પછી જો એ ના પાડે, પરિચય પછી જો લાચારી બતાવે તો એને ખોટી ફરજ ન પાડો. દીકરાની ચોખ્ખી ના છતાં અને દીકરાનો સ્પષ્ટ વિરોધ છતાં એને પરણાવી દેવો એ અન્યાય છે, અને તેનાં ફળ કડવાં આવશે. એવાં લગ્ન ફક્ત છૂટાછેડાની તૈયારી જ છે.
એ છોકરો શા માટે આવતો નથી એ હવે સમજાય છે. દુઃખની વાતો કરવા કોણ આવે ? આપેલી ચેતવણી સાચી પડી એનો એકરાર કરવા કોણ આવે ? જોકે આવશે તો દિલને ગમશે, અને કંઈ નહિ તો એના દુઃખમાં ભાગ લેવાનું આશ્વાસન મળશે. બીજું હવે શું થાય ?
14 thoughts on “દુઃખની તૈયારી – ફાધર વાલેસ”
Good writing. Father ના સામાજિક પ્રશ્નોને લગતા નિબ્ંધો, વાડીલાલ ડ્ગલીના કુદરતી સૌંદર્યોના નિબ્ંધો જેવા લયપૂર્ણ અને અર્થપૂર્ણ હોય છે.
સાવ સાચી વાત. આમ બને ત્યારે સૌ જોડાયેલ વ્યક્તિ ઓ ની જીંદગી દોજખ બની જાય છે
સારો લેખ છૈ.
પોતાની પસંદગીની છોકરી સાથે પુત્રને લગ્ન કરવાના દુરાગ્રહ પાછળ ઘણું ખરું મા-બાપનો કોઈ અંગત સ્વાર્થ નથી હોતો. આવા દુરાગ્રહનું કારણ હોય છે અહંકાર. અહંકારના દુષ્પરિણામનું આ દ્રષ્ટાંત છે એમ શું નથી લાગતું?
Hu redgujarati no niymit vachak chu pan kyarey kai responsh aapvanu man nathi thayu khub saras father
very true but this happens mostly in woman’s life as her opinion and choice is mostly ignored by parents… many parents are accepting thier son’s decision on yes or no but very few consider their daughter’s no…hope things will change for future generations….
ફાધર વોલેસ જે વાત રજુ કરે તે વિવાદોથી દુર અને માત્ર ખરી હકીકત હોય છે. પસંદ ઉભય પક્ષે બને અને તે પણ દૂધમાં ભળેલી સાકર કે જે પૂર્ણ રીતે એકબીજામાં સમાય ગયેલ હોય, કોઈનું અલગ અસ્તિત્વ બની રહ્યું ન હોય અને જયારે પણ તે રજુ થાય ત્યારે યુગ્મ એકતા નઝરે આવતી હોય તોજ તે પરિપૂર્ણતાને આંબે છે અન્યથા ભલે તે બન્ને કદાચ છુટ્ટા ન પડ્યા હોય પણ તે સાથે પણ નથી એટલું ચોક્કસ છે.
મારી ઓફિસની બારી સામે, મકાનની બારીની પાળીએ કબુતરનું જોડું મરણોપરાંત મેં તેમને સાથે ને સાથે નિહાળેલું અને અન્ય કોઈ કબુતર તેના જીવન પ્રતિ દખલ કરવા માટે નોતા આવતા તે વાત હું અત્રે સાક્ષી ભાવે દર્શાવું છું. આપણે ત્યાં જીવન કોઈકે જીવવાનું હોય અને તેનો આધાર વળી કોઈ બીજાજ બનતા હોય …..!
ખેર કોઈ પણ ઉપલબ્ધી જો તે તેની પૂર્ણતાએ કોઈ પણ કારણસર ન પહોચી શકે તો તે અપૂર્ણતા સખ્ત બેચેની અને અકળામણથી વિશેષ કંઈ જ નથી હોતી. સમાય જવું અને સમાંવીલેવું સરખા ગુણોએ એકરસ બને તે ભાવ એકરૂપતા – અલગતાને ભગાડે છે અને અંતકાળે આજ ભાવ એકરૂપતા પરમ શાંતિ ને અંબાવે છે.
કિશોર વ. ઓઝા
This happens due to the fact that our society is still male dominated. Marriage is expected too early before the young persons are ready. When a person marries to please others only, neglecting his or her own instinct, the outcome is sad indeed!
ફાધર વાલેસ પરદેશી હોવા છતા આપણા સમાજના પ્રસ્નો પરદેશી ભાષા ગુજરાતીમા કેવી સુન્દર રીતે રજુ કરી શકૅ છૅ ઍ
આપણને માટૅ શીખવા જેવુ
આપણે ત્યાં આવી અસમંજસ સભર પરિસ્થિતીમાંથી લગભગ દરેક લગ્નોસ્તુક યુવાન અને યુવતીઓ એ પસાર થવું પડે છે. હું પણ થયો છુ. આપણી કુટુંબ વ્યવસ્થામાં યુવાનો ને લગ્ન પહેલાં અને મોટાભાગે લગ્ન પછી પણ “મુન્નો” જ બનાવી ને રખાય છે. પછી એ “મુન્નો” ક્યારેય મોટો થતો નથી અને તેની સ્વતંત્ર નિર્ણય શક્તિ ક્યારેય ખીલતી નથી. એ મુન્નો પછી જ્યારે ૫૦ વર્ષ નો થાય ત્યારે પણ મુન્નો જ રહે છે અને તેનાં જીવનનાં મહત્વનાં નિર્ણયો માં ગોથા ખાયા કરે છે. આ વ્યવસ્થાને પરિણામે આવા અસંખ્ય મુન્નાઓ આપણી આસપાસ જોવા મળે છે.
મર્જી વગર કરેલા લગ્ન લાંબા ટકતાં નથી અને તે બન્ને પક્ષો ને દુખ આપે જ છે.
All books written by Fr. Valesh is really good
સાચી વાત મર્જિ વિરુધ લગ્ન કરાવવા જોઇએ નહિ. આવુ પર આવુ જ બને
Very nice sir. I saw many person’s breakeup for this reason.