- ReadGujarati.com - http://www.readgujarati.com -

એક પતિની વ્યથા-કથા – ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધી

[‘જન્મભૂમિ પ્રવાસી’ મધૂવનપૂર્તિમાંથી સાભાર.]

દુનિયામાં લોકોને જાતજાતનાં દુઃખ હોય, આર્થિક તકલીફ હોય, સાંસારિક-કૌટુંબિક પ્રશ્નો હોય, શારીરિક સમસ્યા હોય વિ. વિ., તો કોઈક પતિને ગમાર, અણઘડ, અરસિક કે કર્કશા પત્ની મળી હોય. મારે આવી કોઈ જ તકલીફ નથી, છતાંય એક તકલીફ તો છે, જે કહેવાય તો સાવ મામૂલી, પણ તેના લીધે મને જીવનમાં ક્યાંય શાંતિ નથી.

આમ તો મારી પત્ની હોશિયાર, ઘરરખ્ખુ અને સુશીલ છે, પિયર-સાસરામાં બધાં સાથે તેને સારાસારી છે તેમ જ કુશળતાથી ઘર, બાળકો અને વ્યવહાર સાચવે છે, પણ તેને એક જ વળગણ છે – ચોખ્ખાઈ અને સુઘડતાનું. ઘરમાં ક્યાંય ડાઘ ન પડવો જોઈએ, છાપાંની ઘડી બરાબર થવી જોઈએ. બાથરૂમમાંથી બહાર આવતાં પગલૂછણિયા પર પગ લૂછીને જ બહાર આવવું જોઈએ વિ. વિ. એમાં જો જરાક પણ ભૂલ થઈ તો આવી જ બન્યું સમજો.

આજે તો સવાર સવારમાં જ હું વાંકમાં આવી ગયો. નાહીને નીકળ્યો ત્યાં ફોનની ઘંટડી વાગી ને હું દોડ્યો ભીના પગે ફોન લેવા કે તરત લપસી પડ્યો અને ટિપૉયનો ખૂણો પગમાં વાગી ગયો અને હું પગ પકડીને બેસી પડ્યો. ત્યાં તો શ્રીમતીજીએ લેકચર આપવા માંડ્યું, ‘એમ દોડવાની શી જરૂર હતી ? ફોન જેનો પણ હોય તે ફરીથી કરત ને ? હવે આ દોડવાની ઉંમર છે ? કેટલી વાર કહ્યું કે પગ બરાબર લૂછીને જ બહાર આવવું, પણ આ બધું યાદ કોણ રાખે ? લાવો આયોડેક્સ લગાડી દઉં અને પછી થોડી વાર ત્યાં જ બેસી રહેજો.’ હજી તો કલાક થયો હશે ત્યાં મને યાદ આવ્યું કે લાવ જરા બે-ત્રણ ફોન કરી લઉં. મારા મોબાઈલમાં વાત ચાલુ હતી ત્યાં લેન્ડલાઈનનો ફોન રણક્યો. મારી સાળીનો ફોન હતો. મેં એને કહ્યું કે શ્રીમતીજીને બોલાવું છું. મેં શ્રીમતીને બૂમ પાડીને કહ્યું પણ ખરું કે ‘તારો ફોન છે…..’ અને હું પાછો મારા મોબાઈલ પર વાતોમાં વ્યસ્ત થઈ ગયો. અડધા કલાકે શ્રીમતીજી રૂમમાં આવ્યાં ને જોયું કે રિસિવર નીચે મૂક્યું છે એટલે પૂછ્યું કે રિસિવર કેમ નીચે મૂક્યું છે ? મેં કહ્યું કે, ‘લે ! તારી બેનનો ફોન હતો તે તેં લીધો નહીં ?’ અને ખલાસ…. મારા પર વરસી પડ્યા. કહે કે ‘મેં આવું કર્યું હોત તો ? મેં એકવાર બૂમ ન સાંભળી તો બીજી વાર ન કહેવાય ? નહીં તો ઊભા થઈને રસોડામાં આવીને ન કહેવાય ? એવો તે ક્યા ગવર્નરનો ફોન હતો – તે વચ્ચે ‘ડિસ્ટર્બ’ ન થાય ?

હવે શું કહેવું મારે એને ? કોઈક વાર આવું થાય પણ ખરું, એમાં કાંઈ મોટો ગુનો થઈ ગયો ? એનાથી તો જાણે કંઈ ભૂલ થતી જ નહીં હોય ! ગુસ્સામાં મનોમન બબડતાં લાઈટનું બિલ ભરવા નીકળ્યો. ત્યાં જોયું કે બિલ સાથેનો ચેક તો નથી ! એ ક્યાં ગયો ? મેં ઘરે ફોન કર્યો કે ચેક ઘરે તો નથી રહી ગયો ને ? ત્યાં તો અપેક્ષા મુજબ જ સાંભળવા મળ્યું, ‘મને હતું જ કે કંઈક તો ગરબડ થશે જ. આવી રીતે ક્યાં ચેક પાડી આવ્યા ? હવે કરો બૅન્ક સાથે સ્ટૉપ પેમેન્ટની માથાકૂટ અને ઘરે આવીને બીજો ચેક લઈ જાવ. અડધા અડધા કામ કરે ને મગજમારી થાય તે જુદી.’ સવારથી માથું પાકી ગયું હતું. ભરતડકે ઘરે આવી, બીજો ચેક લખી બિલ ભર્યું અને બૅન્કમાં જઈ જરૂરી કાર્યવાહી કરી અને પાછો ફર્યો તો ઘર પાસે કૂંડામાં ચેક ઊડીને પડેલો તે મળ્યો. મને તો હસવું કે રડવું તે જ સમજ ન પડી.

ઘરે આવીને હજી હિંચકે બેઠો ન બેઠો ત્યાં ફરમાન છૂટ્યું, હમણાં કામવાળી બાઈ આવી જશે એટલે હાથ ધોઈને પહેલાં જમવા બેસો. પછી જે કરવું હોય તે કરજો. દલીલ કરવી વ્યર્થ હતી. આજે તો ન બોલવામાં જ સાર હતો એટલે ચૂપચાપ જમવા બેસી ગયો. સવારથી છાપામાંય નજર કરી નહોતી તેથી હાથમાં છાપું લઈને જમવા બેઠો. ત્યાં તો એ મને ટપારતાં કહે છે, ‘તમારું નવું શર્ટ છે તો બદલી કાઢો. ક્યાંક ડાઘા પડશે.’ મારુંય મગજ ગયું. મેં કહ્યું, ‘નહીં પડે ડાઘા…હવે પીરસને જલદી…’ હજી તો એકાદ પાનુંય નહીં વાંચ્યું હોય ત્યાં તો શ્રીમતીજી ઉગ્રસ્વરે ઠપકો આપતાં બોલ્યાં, ‘જોયું ને ! હું કહેતી’તી કે શર્ટ બદલીને જમવા બેસો. પાડ્યા ને દાળ શાકના ડાઘા ! મને ખબર જ હતી કે તમારાથી ડાઘ પડ્યા વગર ભાગ્યે જ રહે અને એમાંય છાપું વાંચતાં જમો ત્યારે તો ખાસ પડે. હવે કાઢો જલદી શર્ટ, પહેલાં ડાઘ સાફ કરી નાખું, નહિતર લૉન્ડ્રીમાં આપીશને તોય નહીં જાય. તમારું તો સાવ નાના છોકરા જેવું છે !’

જમીને માંડ આડો પડ્યો અને ગરમી બહુ લાગી એટલે ઍરકન્ડિશનર ચાલુ કર્યું અને થાક્યોપાક્યો હોવાથી મીઠીમજાની ઊંઘ આવી ગઈ. ત્યાં તો સંભળાયું, ‘અરરર ! કેવા માણસ છે ? એ.સી. ચાલુ કર્યું, પણ બારીય બંધ કરતા નથી. આવા તે કેવા સાવ છો ? આટલી બેદરકારી ?’ મારી મીઠીમજાની ઊંઘ ઉડાડી નાખી. હવે બારી ખુલ્લી રહી ગઈ હોય તો ચૂપચાપ બારી બંધ કરી ન દેવાય ? હું તો ચૂપચાપ પડી રહ્યો.

બપોરે ઊઠીને જોયું તો ‘એ’ હજી ઊંઘતી હતી. મને થયું ભલે આરામ કરે. આજે તો હું મારી જાતે જ ચા બનાવી લઉં. ચા ગૅસ પર મૂકી ત્યાં બેલ વાગી. જોયું તો કુરિયરવાળો. સહી કરીને કવર લીધું અને ખોલી વાંચ્યું ત્યાં તો અચાનક ચા યાદ આવી. જઈને જોયું તો ચા ઊભરાઈ ગઈ હતી. તપેલીય બળી ગઈ હતી. હું ચૂપચાપ સાફ કરવામાં પડ્યો ત્યાં તો બળવાની વાસથી શ્રીમતીજી જાગીને રસોડામાં આવ્યાં અને મોઢું ચડાવીને બોલ્યાં કે ‘આમ હોય ? આમ ને આમ કોઈક દિવસ ઘરમાં આગ લાગવાની છે !’ (કેમ જાણે શ્રીમતીજીથી તો કોઈ દિવસ ચા-દૂધ ઊભરાયાં જ ન હોય !) સાંજે મને થયું કે ચાલ, આજે દરિયાકિનારે ચાલવા જાઉં. ‘ફ્રેશ’ થઈ જઈશ. મારા મિત્રોને પણ ફોન કર્યા અને મિત્રો સાથે ફરવાની મજા પણ ખૂબ આવી. ઘરે આવીને આરામથી સોફા પર બેસી ટીવી ચાલુ કર્યું. ત્યાં તો શ્રીમતીજીનો ગુસ્સો સાતમા આસમાને ! ‘આવા રેતીવાળા બૂટ પહેરી આખા ઘરમાં ચાલ્યા ? કોઈ બાબતનું ધ્યાન જ નહીં રાખવાનું ? આ તે કઈ રીત છે ? હું તો કહી કહીને થાકી, પણ ઘરને ઘર જેવું રાખવા જ દેતા નથી ! હવે ઘરમાં ઝાડું કોણ કાઢશે ?’

આજે તો આખા દિવસની કઠણાઈ મારે લમણે લખાયેલી હતી તેથી મારે માટે તો ‘મૌનીબાબા’ બન્યા સિવાય ક્યાં કોઈ બીજો રસ્તો હતો ? મારું આ દુઃખ મારે કોને કહેવું ?