સુગંધનું સરોવર – ધૂની માંડલિયા

[ ‘સુગંધનું સરોવર’ પુસ્તકમાંથી સાભાર. આપ શ્રી ધૂનીભાઈ માંડલિયાનો આ નંબર પર +91 9879509017 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] વાજબી અને વ્યાવહારિકપણું

આપણું દુઃખ મોટે ભાગે આપણે સર્જેલું હોય છે. ઘણી વાર આવી પડેલા દુઃખની પ્રોડક્ટ પર બીજી કંપનીનો સિક્કો દેખાતો હોય છે, પણ એ કંપનીએ આપણા માટે દુઃખની જે પ્રોડક્ટ બનાવી એ માટેનો કાચો માલ તો આપણે જ પૂરો પાડ્યો હશે. દુઃખ આવે છે ત્યારે એ વાત આપણે ભૂલી ગયા હોઈએ છીએ. તમને કોઈ અન્ય સુખી કે દુઃખી ન કરી શકે. તમારા સુખ કે દુઃખ માટે માત્ર ને માત્ર તમે જ જવાબદાર છો. નિમિત્તોને ઉપાદાન ન મનાય.

બધું જ મળવું જોઈએ, સતત મળતું રહેવું જોઈએ. જે મળે તે જતું કે છીનવાઈ જવું ન જોઈએ એવી લાલસા અને ભય જ તમારા દુઃખનું બિયારણ છે. કશું જ કાયમી નથી. બધું જ પરિવર્તનમય છે એ સમજતાં વાર લાગે છે અને ક્યારેક આખી જિંદગી નીકળી જાય છે. પૈસા આજે છે ને કાલે ન પણ હોય એવી શક્યતા વિશે સમજીએ છીએ, પણ એવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એને સ્વીકારી શકતા નથી, જેમ પૈસો કાલે નહોતો ને આજે આવ્યો એ પરિસ્થિતિને આપણે ઉમળકાભેર સ્વીકારી લીધી. એવા પરિવર્તનને અપનાવી લીધું એમ એ આજે હોય ને કાલે ન હોય એ પરિસ્થિતિ પણ પરિવર્તનનો જ એક પ્રકાર થયો. પૈસા જેવું જ પ્રસિદ્ધિનું અને પ્રસિદ્ધિ જેવું જ સંબંધોનું આજે છે, કાલે ન પણ હોય. બસ આટલી વાત પાકી થઈ જાય તો સાવ દુઃખ મુક્ત નહિ તો ઘણાં બધાં દુઃખોને તમારા ઘરના બારણે જ પાછાં વાળી શકશો. એને ધક્કો મારવાનીય જરૂર નહિ પડે. દુઃખ પોતે જ પાછું ફરી જશે. ઘણી વાર વાજબી વાત કે વ્યાવહારિક વાતના આગ્રહોમાંથી જ દુઃખ જન્મતું હોય છે. આપણી વાજબી વાતને જરૂર વળગી રહીએ, પણ આપણો વળગાડ જીદ કે હઠાગ્રહ સુધી ન જવો જોઈએ. આપણને દેખાતું વાજબીપણું આપણા ટૂંકા સ્વાર્થના રસ્તે તો આપણા સુધી નથી પહોંચ્યું ને એની જાત-તપાસ પણ કરતા રહેવાની હોય છે. દરેક સ્તરે બાંધછોડની નીતિ રાખવી પડતી હોય છે. આપણું વાજબીપણું વાતને વધુ ગૂંચવે તેટલી હદે બેઠું હોય તો લાભ કરતાં નુકશાનની વધુ શક્યતા છે.

શ્રી દસ્તુરે આ તથ્યને સ્પષ્ટ કરતો એક પ્રસંગ ટાંક્યો છે તે સમજવા જેવો છે. લખે છે : ‘એક દુકાન છે – ઝેરોક્સની. સાથે એસ.ટી.ડી. બૂથ પણ છે. પાંચેક વર્ષ પહેલાં પહેલી વાર એ દુકાનમાં ગયો હતો. એક સરકારી દસ્તાવેજની બે કોપી કાઢવાની હતી. બે રૂપિયા માગ્યા હતા. એ આપ્યા હતા. આ વર્ષે ગયો ત્યારે મારા લેખોની ઝેરોક્સ કાઢવાની હતી. એક ચોપડીનું મેન્યુસ્ક્રિપ્ટ હતું તેની ફોટો કોપી કાઢવાની હતી. આશરે 500 પાનાં હતાં. મેં પેજ દીઠ સાઠ પૈસાની ઓફર કરી અને દુકાનદાર પંચોતેર પૈસા પકડી બેઠો હતો. દુકાન સાવ ખાલી હતી. સોગંદ ખાવા પૂરતોય બીજો ગ્રાહક નહોતો. મેં પૂછ્યું, ‘નોકરી કરે છે કે માલિક છે ?’ છોકરો હશે અઠ્ઠાવીસનો.
‘માલિક છું.’
‘સાઠ પૈસામાં કેમ ના પાડી ?’
‘સાઠ પૈસામાં મળે શું ?’
‘બીજા બધાને સાઠ પૈસામાં જે મળે તે તને મળે. ગામમાં સાઠનો જ ભાવ છે.’
‘મને પરવડતું નથી. મશીન, કાગળ, મહેનત – મને ન પોસાય.’
‘તારી પાસે અત્યારે કોઈ ગ્રાહક નથી. નાનો નફો તો તને મળે જ છે.’

એ માન્યો નહિ.
આ વાત મેં મારા દોસ્તોને કરી તો દોસ્તોએ એ છોકરાની ઝિંદાદિલીને દાદ આપી. તમારો શો મત છે ? એને દુકાન ઝિંદાદિલી બતાવવા ખોલેલી કે કાવડિયા રળવા ? રૂ. 100 કમાવવા એ રૂ. 75 છોડવા રાજી ન થયો. અને એને અંતે મશીને આરામ ફરમાવ્યો. વાજબી અને વ્યાવહારિકપણાની આવી જીદ પોતાને અને પછી પરિવારને પાયમાલ કરે છે. આપણે જીવનભર કેટલું વાજબી જીવ્યા કે આપ-લેના પ્રસંગોમાં કેટલું વ્યાવહારિક રીતે વર્ત્યા એનો હિસાબ ભગવાન માગે અને તેના પરથી કોઈ સજા આપવાનું નક્કી કરે તો એવી સજામાંથી કોઈ પણ બચી શકે ખરો ? ભગવાન ઘણી બાંધછોડ કરતો જ રહે છે. એટલે તો આપણું ગાડું ગબડ્યે જાય છે.
.

[2] જીવન સ્થગિતતાનું નામ નથી

જીવન સ્થગિતતાનું નામ નથી. સતત ખળખળ વહેતાં ઝરણાં જીવનનું યશોગાન છે. વિવેકપૂર્ણ ગતિ તેનું નામ જીવન. વિવેકશૂન્ય રુકાવટ એનું નામ મૃત્યુ. જીવન સતત ‘આગે બઢો’નો લલકાર છે, પડકાર છે. સમગ્ર માનવજીવન કાર્યકારણના નિયમોને આધીન છે. જીવનમાં કે વિશ્વમાં કશુંય અકસ્માત બનતું નથી. આપણાં સમગ્ર દુઃખો માટે અન્ય કોઈ નહિ, આપણે જ સીધા જવાબદાર છીએ. નસીબ અને ભાગ્યના હવાલે સમગ્ર જાતને ગોઠવી દેવાથી મૂળ સત્ય કદાચ ઢંકાઈ જશે, પણ મરી જતું નથી. સંજોગ એ પણ અકસ્માત નથી, ક્યાંક આપણો જ પુરુષાર્થ ટૂંકો પડ્યાનું એ પરિણામ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આત્મનિરીક્ષણ કરી, હૃદયવ્યાપાર અને મનોવ્યાપારમાં ઉચિત ફેરફારો દ્વારા સમગ્ર જીવનના સંજોગો અને વિષમ પરિસ્થિતિને પલટાવવાં શક્ય છે. મન અને મક્કમતા વચ્ચે એકતા સધાય છે ત્યારે જીવન હળવાશના માર્ગે આગળ ધપે છે. આ હળવાશ એટલે જ સુખ. આ સહજતા એટલે જ નિરુપાધિક જીવનમાર્ગ.

ભૌતિક દષ્ટિએ વિચારીએ તો માનવજાતની પ્રગતિનો ઈતિહાસ ‘જીવનકૂચ’ના મંત્રનું યશોગાન છે. જંગલનાં વૃક્ષો ઉપર કે પર્વતની ગુફામાં વસતો માનવી આજે ચંદ્રની ભૂગોળ જાણવા સમર્થ બન્યો છે. ગુફાઓ ભવ્ય ઈમારતોમાં ફેરવાઈ છે. નગરજીવન વધુ સુસંસ્કૃત બન્યું છે. જીવનકૂચનું આ પરિણામ છે. સમાજના દરેક સ્તરના વિવિધ વ્યવસાયોમાં રહેલા માણસો પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધવા પ્રયાસ કરતા જ હોય છે. શિક્ષકનું લક્ષ્ય ‘જીવનકૂચ’નો જો ખરા અર્થમાં આદર્શ નહિ સમાયો હોય તો આવી તૃષ્ણાઓ વ્યક્તિને દોટ ભણી દોરી જશે. જીવનમાં દોટ મૂકવાની નથી. કૂચ કરવાની છે. દોટ નિરર્થક છે, કૂચ કીમતી છે.

ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્વસ્થ ને સમતોલ રહેવું એ સફળતા પ્રાપ્ત કરવાની પહેલી અને અનિવાર્ય શરત છે, પણ ભૌતિક સફળતા કદાચ ના પણ મળી તો પણ વિપરીત સંયોગો વચ્ચે સ્વચ્છ અને સમતોલ રહી શકાય છે. વધારે પગાર, વધારે આવક, ઉચ્ચ હોદ્દો, અમાપ સત્તા એ માનવીની પ્રગતિની પારાશીશી નથી. જીવનકૂચમાં માનવીઓએ લૌકિક અને અલૌકિક એમ બેઉ સીમાડે આગળ વધવાનું હોય છે. સાચી પ્રગતિ પશુ મટી માણસ બનવામાં છે. વિવેક એ સાચા-ખોટાની પરખ છે અને એના અજવાળે જીવનકૂચ આરંભાય તો ઠોકરોનો ભય ઓછો છે. આ કંચન છે અને આ કથીર છે, એટલું જાણવું જ માત્ર બસ નથી, પણ કંચનને સંઘરતા અને કથીરથી છેટા રહેતાંય આવડવું જોઈએ. આ કામનું છે અને આ નકામું છે, આ કાયમી મહત્વનું છે અને આ ક્ષણિક મોજશોખનું છે એવી સમજ જીવનકૂચનું સાચું પીઠબળ છે.

આત્મખોજ કરનાર માણસ એક વાત તરત સમજી જશે કે માણસ એટલે એનો દેહ નહિ, પણ એનું ચૈતન્ય. દેહ જ જો માણસ હોત તો ચૈતન્ય ચાલ્યા ગયા પછી આપણે એનો નાશ કરતા ના હોત અને દેહ એ મનુષ્ય નથી એમ સમજનાર બીજા જ પગથિયે એ હકીકત પણ સ્વીકારશે કે આત્મા માલિક છે અને દેહ તેનો ગુલામ છે. આપણે દેહને માલિક માનીએ છીએ. પરિણામે આપણી કૂચ કેવળ દેહકૂચ બને છે. જ્ઞાનીઓ આત્માને માલિક માને છે. પરિણામે તેમની કૂચ આત્મકૂચ બનીને અટકે છે. અટકવું બન્નેમાં દેખાય છે, પણ જીવન અટકવાનું નામ નથી અને એટલે આપણે જીવનને જીવનના જ ચરિતાર્થમાં સ્વીકારીને ચાલીએ તો જીવનકૂચ બને છે. આ કૂચ ક્યાંય અટકતી નથી.

મનોહર પુષ્પ, પંખી, જ્યોત્સનાસ્નિગ્ધા સમુદ્રસૈક્ત વિધાતાએ જ સર્જ્યાં છે. એ બધાં પ્રાકૃતિક નિયમતંત્રનાં અમોઘ પરિણામ છે, પરંતુ સુંદર સમાજનું માળખું અથવા સુંદર વ્યક્તિ જીવનનો વિકાસ માણસની જ સ્વાધીન ઈચ્છાશક્તિ અને સર્જનશક્તિના યોગ્ય વિકાસ પર આધારિત છે. આપણે જ્યારે ‘નૈતિક જવાબદારી’ શબ્દ બોલીએ છીએ એ માણસને મળેલી સ્વાધીનતાનું સૂચક છે. જીવનકૂચના આ નૈતિક જવાબદારીના પંથ પર સતત જારી રહેશે તો આગળ કોઈ મુકામે ઈશ્વરનો ભેટો થવા પૂરેપૂરો સંભવ છે.

[કુલ પાન : 100. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દુઃખની તૈયારી – ફાધર વાલેસ
વાંચન વૈવિધ્ય – સંકલિત Next »   

5 પ્રતિભાવો : સુગંધનું સરોવર – ધૂની માંડલિયા

 1. Janak says:

  I will salute that boy who does not negotiate with customrers. Guys earning lot and they bargaining with small Xerox guys. I would like to favor that boy.

 2. ROHIT PRAJAPATI says:

  Your thoughts are very great I am pleased having read it.I also want to write something but I haven’t written professionally.If you help me I can provide you my thoughts .Thank you.

 3. P Shah says:

  ઝેરોક્ષ બોયને સલામ !
  શક્ય છે તેને 75 પૈસામાં 15 પૈસા મળતા હશે.
  ગ્રાહકે પણ થોડી બાંધછોડ કરી 70 પૈસા આપવાની તૈયારી બતાવી હોત
  તો કદાચ છોકરો માની જાત. શાકભાજી કે ફળ વાળા સાથે આપણે આમ જ કરીએ છીએ ને !
  આપણે આપણો જ ભાવ પકડી રાખીએ છીએ.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   જનકભાઈ અને P Shah saaheb,
   માફ કરશો, આપનો હઠાગ્રહ વ્યાપારમાં યોગ્ય ન ગણાય. તેમાં તો વિવેકબુધ્ધિની જ જરુર પડે. કામ વગર બેસી રહેવું તેના કરતાં ઓછા નફાએ વધુ કામ મળતું હોય તો તે સ્વીકારી લેવું એ ધંધા માટે યોગ્ય ગણાય. વળી, તે છોકરાએ ૭૦ પૈસાની માગણી {ભાવતાલ} પણ કરી નથી ! અને ગામમાં ૬૦ પૈસાનો ભાવ ચાલે છે {વધુ કોપી માટે} તેવું લેખકે જણાવેલ છે. આમ, ખોટા હઠાગ્રહમાં રહેવું નાના વ્યાપારીને ન પાલવે, ન શોભે. આ ઝિંદાદિલી ના ગણાય, કંઈક અંશે મૂર્ખામી ગણાય.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 4. ખુબ જ સુન્દર વીચારોનુ સન્કલન !
  ધન્ધામા કે વહેવારમા જરુરીયાત અને સજોગોનુસાર બાધછોડ કરનાર જીવનમા સફળતાને વરે છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.