આજે આપણે ક્યાં છીએ ? – રવિશંકર મહારાજ

[‘ગ્રામ સંસ્કૃતિ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન શ્રી શિવાભાઈ ગો. પટેલે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

આજે નાનાં બાળકોથી માંડી વૃદ્ધ સુધીનાં તમામ સ્ત્રી-પુરુષોના જીવન જોઈએ, તો મોટે ભાગે શરીર તરફ મોં રાખીને જ તેઓ જીવનારાં માલૂમ પડશે. પહેલાંના જમાનાની જરૂરિયાતો ઓછી હતી અને આજે વધુ થઈ છે એમ કહેવાય છે; પણ ‘જરૂરિયાતો’ કોને કહેવી, એ જ એક સવાલ છે. જેનાથી સારી રીતે જીવી શકીએ, તે જરૂરિયાત.

પહેલાં બધા એકબીજાના સહકાર વડે જીવતા હતા. અને મહેનત એ જીવવાનું સાધન હતું. એ મહેનત પણ એવી કે કોઈને નુકશાન ન કરે. બધા નવું ઉત્પન્ન કરીને ભોગવતા હતા. કોઈનું પડાવી લેવાની વૃત્તિ ન હતી. પહેલાંના જમાનામાં ઓછી જરૂરિયાત હતી, એટલે શું ? તેઓને પૂરતું અનાજ મળતું ન હતું ? શું તેમને ઘી-દૂધ મળતાં જ ન હતાં ? શું તેઓની તંદુરસ્તી ખરાબ હતી ? તેઓ ઓછું ખાતા હતા ? શું તેઓને ટાઢે મરવું પડતું હતું ? ના, એ બધું તો પૂરતા પ્રમાણમાં હતું; એટલે તે વખતે ઓછી જરૂરિયાત હતી એમ નહિ, પણ સરસ રીતે જીવી શકે એવી જરૂરિયાતો હતી, તે વખતે ઉદ્વેગ અને ચિંતા સિવાય સારી રીતે બધા વ્યવહાર કરતા હતા. તે વખતે નવું ઉત્પન્ન કરવામાં કોઈને દુઃખ ન પડે, એની ચિંતા રહેતી. એનો અર્થ એમ નહિ કે, બધા જ્ઞાની હતા; પણ જીવવાની રીત જ એવી હતી કે તેને ખોટું કરતાં આંચકો લાગતો અને તે અટકતો.

આજે જરૂરિયાતો વધી, એટલે કે જે જરૂરિયાતોમાં જીવનને નભાવવાની શક્તિ નથી અને જે વાપરવા જેવી પણ નથી, તે આપણે વાપરતા થયા. આજે આપણું લક્ષ્ય આત્મા તરફ રહ્યું નથી, પણ શરીર તરફ ગયું છે. જેમ રૂપિયા તરફ મોં રાખનારો મરી જશે, પણ રૂપિયો તેનાથી નહિ છૂટે, શરીરને કષ્ટ પડશે, તો દવા માટેય રૂપિયો ખરચતાં તેને ટાઢ ચઢશે. એ પરથી કહેવત પડી છે : ‘ચમડી તૂટે, પણ દમડી ન છૂટે.’ એમ શરીર તરફ મોં રાખનારો આત્માને મારી નાખશે, પણ શરીર સાચવવા પ્રયત્ન કરશે. તે પૈસા સાચવવા પ્રયત્ન કરશે. લખ ચોરાશી જે કહે છે, તે આ છે. ચોરાશી એટલે શરીર. આપણું શરીર પોતાનાં 84 આંગળ એટલે સાડાત્રણ હાથ લાબું છે. એ લખ ચોરાશી ક્યારે છૂટે ? જ્યારે આપણું મોં આત્મા તરફ જાય ત્યારે. આજે તો શરીર સુંવાળું અને છેલછબીલું કેમ દેખાય, એનો જ વિચાર કરીએ છીએ અને એ રીતે જ આપણે ખાઈએ-પીએ છીએ, બેસીએ-ઊઠીએ છીએ અને ભણીએ છીએ. આજે તો કપડાં રક્ષણ માટે પહેરવામાં નથી આવતા, પણ દેખાવ માટે પહેરાય છે.

આજે ખોરાક પણ શરીરને જરૂર છે, તે માટે લેવામાં નથી આવતો પણ સ્વાદિષ્ટ છે તેથી અને મોજશોખ માટે તે લેવાય છે. આજે વંચાય છે તે જ્ઞાન મેળવવા નહિ પણ વખત કાઢવા તથા વિષયો પોષવા. આમ બધું શરીર માટે કરવામાં આવે છે. તેથી અને મોજશોખ માટે તે લેવાય છે. આજે વંચાય છે તે જ્ઞાન મેળવવા નહિ પણ વખત કાઢવા તથા વિષયો પોષવા. આમ બધું શરીર માટે કરવામાં આવે છે. તેથી પરિણામ એ આવ્યું કે તે બીજાને કામ આવતો નથી, પણ બીજાને ભારરૂપ બને છે. ખરી રીતે તો ઓછામાં ઓછું લે અને વધુમાં વધુ આપે એ જ સારો.

ગાંધીજી કપડાંમાં જરૂર પૂરતું જ કપડું વાપરતા, અને ખોરાકમાંય ફક્ત પાંચ ચીજો લેતા. તે કહેતા કે આ પાંચ ચીજો શરીર ટકાવવા પૂરતી લઉં છું; તેથી બીજી બધી ચીજો મારાથી નિર્ભય બની ગઈ છે. આ પાંચ ચીજો લઈને શરીર ટકાવીને તેનો સદુપયોગ કરવો છે. દરેક વિચારે કે આ શરીર તો હિંસાનું પૂતળું છે, છતાં તે નાખી દેવું યોગ્ય નથી, તેથી તેને વીંઢાળું છું અને તેનો આત્માના કલ્યાણમાં ઉપયોગ કરું છું, જો આત્માનું કલ્યાણ સાધવામાં ન આવે, તો તે બોજારૂપ નીવડે; એટલે તે ઈશ્વરે આપણને આપેલું સંપેતરું છે, તેની મમતા શાને હોય ? મને જેવા ભાવથી ઈશ્વરે આપ્યું છે, તેવા ભાવથી મારે તેને સોંપવાનું છે. હરખ-શોક સિવાય માનપૂર્વક જેમ મળ્યું છે, તેમ પાછું સોંપવાનું છે. શરીર એ સાધન છે. આત્માના સુખ માટે તે વપરાવું જોઈએ અને તે માટે તેને ફેંકી પણ દઈએ. આવી કેળવણીને અભાવે ગામડાં આજે ફિક્કા પડી ગયા છે. આજે ઉડાઉપણું અને કંજૂસાઈ આવ્યા, પણ કરકસર એને ઠેકાણે ન રહી. એક રૂપિયાની જરૂર હોય તેને ઠેકાણે બે રૂપિયા વાપરવા, અર્ધોશેર અનાજની જરૂર હોય ત્યાં શેર ખરચવું; ડોલ પાણીની જરૂર હોય ત્યાં દશ ડોલ વાપરવું; આ ઉડાઉપણું છે. કંજૂસાઈ એ કે એક રૂપિયાની જરૂર હોય ત્યાં પોણો રૂપિયો વાપરે અને દોઢું નુકશાન કરે. શેર રાંધવાની જરૂર હોય, ત્યાં પોણોશેર રાંધે અને ખૂટે ત્યારે ફરી શેર રાંધે. ઓછો ચાલશે એમ માની થોડું લાવે અને પછી ખૂટે ત્યારે મેળ વગરનું વધુ લાવવું પડે. માણસ માંદો પડે ત્યારે શરૂઆતમાં પૈસો ન ખરચવાની ઈચ્છાએ દવા ન કરે અને પછી એ જ દવા માટે રૂપિયો ખરચે. આ કંજૂસપણું થયું. પણ કરકસર એ કે રૂપિયાની જરૂર હોય ત્યાં એક રૂપિયો જ વાપરે અને દોઢ રૂપિયો વાપર્યો હોય તેમ દેખાય; કેમ કે તેમાં જ્ઞાનપૂર્વક ગણતરી હોય છે. આજે આવી કરકસરની ટેવ ગઈ છે; તેથી થોડાક કંજૂસ થયા અને બાકીના ઉડાઉ બન્યા.

કેળવણીનું પણ એવું છે. પહેલાં પ્રાથમિક કેળવણી બધાને મળતી. તેમાં પોતાના ધંધાનું સામાન્ય જ્ઞાન અને થોડું અક્ષરજ્ઞાન હતું. માધ્યમિક કેળવણીમાં માણસો ધંધાનું થોડું શાસ્ત્ર શીખતા; તેમાં સમાજમાં ભેગાં મળીને જીવવાની કેળવણી મળતી હતી. ઊંચી કેળવણીમાં સમાજથી પર જઈને આત્મા શું ? હું શા માટે જન્મ્યો ? મારી ફરજ શી ? હું ક્યાં જવાનો છું ? વગેરે જ્ઞાનનો સમાવેશ થતો હતો. જે આ ત્રણે પ્રકારમાંથી કોઈ પણ જાતની કેળવણી ન લે, તે અસંસ્કારી ગણાતો. જ્ઞાન લેવાની રીતો ત્રણ હતી: એક સેવા કરીને જ્ઞાન પ્રાપ્ત કરીને; બીજું પોતાનું જ્ઞાન આપીને-બીજા પાસેથી જ્ઞાન લઈને; ત્રીજું ધનને બદલે જ્ઞાન લઈને; આ ત્રીજી રીતે કનિષ્ઠ ગણાતી. વળી ઊંચી કેળવણી તો નિઃસ્વાર્થી પાસેથી મળી શકે. એવા ગુરુઓ પણ હતા કે, જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કહેવાતા. શ્રોત્રિય એટલે સાંભળેલું બરાબર કહી બતાવે; એટલે કે જે સમજ્યા છે, તે બરાબર રીતે બીજાને સમજાવી શકે, અને બ્રહ્મનિષ્ઠ એટલે જે જ્ઞાન સાથે ઈશ્વરમાં, આત્મામાં તલ્લીન થયો હોય. આવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસેથી ઉચ્ચ જ્ઞાન મેળવવા માટે શિષ્ય નમ્ર ભાવે હાથમાં સમિધ લઈને જતો. ગુરુ પવિત્ર જીવન જીવનારા હતા. અને તેમનામાં જ્ઞાન આપવાની આવડત પણ હતી.

બીજા વર્ગની કેળવણી-માધ્યમિક જ્ઞાન એટલે કે સેવા લે અને જ્ઞાન આપે. જેમ ઋતુપર્ણ રાજાને ત્યાં નળરાજા બાહુકવેશે રહ્યા હતાં. એક વખત ઋતુપર્ણને સ્વયંવરમાં જવાનું હતું અને અમુક સમયમાં જ પહોંચવાનું હતું, ત્યારે તેનો રથ હાંકનાર બાહુક સિવાય બીજો કોઈ ન હતો. બાહુક અશ્વવિદ્યામાં કુશળ છે, તેની રાજાને ખબર નહિ, પણ નિરુપાયે તેણે તેને લીધો. તેણે માંદલા ઘોડા લીધા. રાજા અકળાયો, પણ ઉપાય ન હતો. નળરાજાએ બાહોશીથી પવનવેગે રથ હાંક્યો; તેથી રાજા બહુ ખુશ થયો અને તેથી તેની અશ્વવિદ્યા વિષે તેને ખૂબ માન થયું. વચ્ચે એક ઠેકાણે તે વિસામો લેવા થોભે છે; ત્યાં રાજાએ નળને કહ્યું, ‘આ ઝાડ પર કેટલાં પાંદડાં હશે ? નળ કહે, એ કંઈ ગણી શકાય ખરાં ? રાજાએ પાન ગણીને કહ્યાં; એટલે નળને થયું કે, હું માનતો હતો કે, રાજાને કંઈ આવડતું નથી, પણ આ તો બહુ હોશિયાર છે. તેણે પૂછ્યું, કે તમે શી રીતે ગણ્યા તે મને શીખવો. રાજાએ કહ્યું કે આ માંદલા ઘોડાથી તેં રથ કેવી રીતે પવનવેગે હાંક્યો, તે મને શીખવ.’ આમ બન્ને અરસપરસ શીખવે છે. એવી રીતે જે પોતાનું જ્ઞાન બીજાઓને આપે અને બીજા પાસેનું જ્ઞાન પોતે મેળવે તે મધ્યમ પ્રકારનું જ્ઞાન થયું.

ત્રીજા પ્રકારનું એટલે કનિષ્ઠ પ્રકારનું જ્ઞાન એ કે દામ આપીને તે લે; પણ અંદરથી-હૃદયના ઊંડાણમાંથી પ્રેમનો ઊભરો આવે અને શિષ્યને તે વખતે ભણાવે, તેવું ભણતર મેળવનાર ભાગ્યશાળી ગણાય. આજે ઉચ્ચ કેળવણી તો ગઈ જ. મધ્યમ પ્રકારની કેળવણી પણ નહિ જેવી જ રહી છે; અને બધે કનિષ્ઠ પ્રકારની કેળવણી રહી ગઈ છે; એટલે સ્થૂળ કેળવણી રહી છે. જ્ઞાન મેળવવાનું ખરું સ્થાન હૃદયના ભાવ હોય છે. આજે એવા હૃદયના ભાવનું ભણતર ખોળ્યું મળતું નથી.

કૂવાનું પાણી હોય છે, તે કાઢ્યે ખૂટતું નથી. જેમ તેમાંથી પાણી કાઢો, તેમ વધુ નિર્મળ પાણી પૂરજોસથી બહાર આવે; કેમ કે તે પાણી પાતાળમાંથી આવે છે. પણ ટાંકુ ભરી રાખ્યું હોય, તેમાંથી પાણી ન વપરાય તો બગડી જાય અને વપરાય તો ખૂટી જાય. આજનું શિક્ષણ ટાંકાના પાણી જેવું છે. શિક્ષકો હડતાલ પાડે તો મા-બાપનું રૂંવાડું ય ફરકતું નથી કે મારો છોકરો જ્ઞાન વગરનો રહી જશે. આવી લાગણી કોઈને થતી નથી. ટાંકાની આવી કેળવણીને કારણે સદાચારી માણસોનો પાક અટકી ગયો. હિંદને એ બહુ ભારે નુકશાન થયું છે. સદાચારના જ્ઞાનથી વંચિત રહ્યા, તેની આપણને ભારે ખોટ પડી. આવી ઊંધી કેળવણી લેવા માટે પૈસા પણ ખૂબ વાપરવા પડે છે. અને જેની પાસે એટલા પૈસા ન હોય, તે એ ન લઈ શકે. એ રીતે બહુ જ થોડા એવી કેળવણી લઈ શકે છે.

આજે નિશાળમાં ગુરુ-શિષ્યના સંબંધો કેવા છે ? બન્ને જણ એકબીજાના હરીફો ન હોય, તેમ તેમની વચ્ચે કજિયા થાય છે. ગુરુ માટે શિષ્યને કંઈ માન નથી. શિષ્યના જીવન સાથે ગુરુને કંઈ સંબંધ નથી. તે પાંચ કલાક નિશાળમાં હાજર રહે એટલે કર્તવ્ય પૂરું થયું સમજે છે. એની નજર હંમેશ પગાર તરફ રહે છે. જ્યારે વિદ્યાર્થી ફી આપે છે, એટલે તે વર્ગમાં ગમે તેમ વર્તવાનો પરવાનો મેળવી લે છે. પહેલાં ગુરુને અને તેમના વિદ્યાર્થીઓને રાજા પણ માન આપતા. તેમના સ્વાગત માટે સામા જતા, આજે તો જ્ઞાન અંદર પેસી ન જાય એ માટે શિક્ષક લાકડી લઈ નિશાળને દરવાજે બેસતા ન હોય એવું લાગે છે ! આજે વિદ્યાર્થીનું જીવન તપાસીએ તો તેનું જીવન તેનાં મા-બાપના કે તેના ગુરુના જીવન સાથે સંબંધ વિનાનું થઈ ગયું છે.

આજે ગામડામાં જઈને જોઈએ તો શું જણાશે ? ખરા કામની મોસમ હશે, મા-બાપ બધાં કામમાં રોકાઈ ગયાં હશે, ત્યારે ગામમાં ભણેલો છોકરો નવરો ફરતો જણાશે અથવા અખાડામાં દાવ ખેલતો હશે. તે ઘરના કશાય કામમાં નથી આવતો. તે બહારથી ભણીને આવે છે એટલે તેને ઘરનું ખાવાનુંય નથી ભાવતું; તેથી તે ઘેર રહેવાનું જ પસંદ નથી કરતો. ઘેર મા-બાપ પેટે પાટા બાંધી મહેનત કરી, કંઈક કમાણી કરે છે, તો છોકરો શહેરમાં જઈ ઉડાવે છે, ઘરની આવકથી પૂરું નથી થતું, તો ચોરી કરે છે; કોઈને છેતરે છે પણ તે પોતાના મોજશોખમાં ખામી આવવા દેતો નથી. આવો વિદ્યાર્થી બીજાનાં દુઃખનો શી રીતે વિચાર કરી શકે ? કેમ કે તે પોતાની જ જરૂરિયાતોનો ભૂખ્યો હોવાથી દુઃખી છે. પોતાનું સહેજ પણ જ્ઞાન તે મફત શી રીતે આપી શકે ? કોઈને રસ્તો બતાવવો હશે તોય જો તે અભણ હશે, તો પંદર વાત કરશે અને જરૂર હશે તો થોડે સુધી મૂકી પણ આવશે; અને ભણેલાને જો કોઈ પૂછશે, તો તે આંગળીથી બતાવશે કે પેલે રસ્તે જાઓ, આગળ પૂછજો. આગળ કોઈ મળે એમ છે કે નહિ, તેનો વિચારેય નહિ કરે, આજે તો સેવા કરવામાં પણ સામો નારાજ થાય, તો કહીએ કે ભાઈ, એ સેવા નહિ થાય, જવા દો એ સેવા. સામાને નારાજ શું કામ કરીએ ? સાધુ પણ કહે છે, હરિજનોને અડવામાં પાપ નથી, પણ यधपि शुद्धं लोकविरुद्धं न कर्तव्यम લોકોને પસંદ નથી, તો શું કામ આગ્રહ રાખવો ?

આજે તો મહેનત કરનારની કિંમત નથી અને લોકોને લૂંટવાની આવડતવાળો ડાહ્યો ગણાય છે. જો તક મળ્યે કોઈનો પૈસો પડાવી ન લીધો હોય, તો તે બાઘો ગણાય છે. યેન કેન પ્રકારેણ કમાઈ લાવે, તે ડાહ્યો ગણાય. ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ કમાય તે હોશિયાર ગણાય ! આજે આપણે ક્યાં છીએ ?

[કુલ પાન : 160. કિંમત રૂ. 30. (આવૃત્તિ : 2004 પ્રમાણે). પ્રાપ્તિસ્થાન : રવિશંકર મહારાજ સેવા ટ્રસ્ટ, 669, નાની બ્રહ્મપુરી પોળ, નવા દરવાજા રોડ, ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ-380001.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “આજે આપણે ક્યાં છીએ ? – રવિશંકર મહારાજ”

Copy Protected by Chetan's WP-Copyprotect.