સુવિચાર સંચય – સં. સુરેશ પ્રા. ભટ્ટ

[‘સુપ્રભાતમ્’ પુસ્તકમાંથી સાભાર.]

[1] બે હૃદય વચ્ચે અંતર ઓછું કરવા માટેનું હાથવગું સાધન તે ‘હાસ્ય’ છે. – રેમન્ડ હિચકોક

[2] બાળકને ‘ભણાવવું’ એ એટલું મહત્વનું નથી પણ એનામાં ‘જ્ઞાન’ પ્રાપ્તિની ઈચ્છા જાગૃત કરવી એ વધારે મહત્વનું છે. – જોન તબક

[3] કોઈ કોઈનું શત્રુ નથી હોતું, કોઈ કોઈનું મિત્ર નથી હોતું. શત્રુતા-મિત્રતા કેવળ ‘વ્યવહાર’માંથી જન્મે છે. – હિતોપદેશ

[4] જેમને આંતરિક શાંતિની પ્રાપ્તિ થઈ ગઈ છે એમને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે. – યોગવશિષ્ઠ

[5] ઉંમર, સમય, અનુભવ અને વાંચન સાથે જો તમારું જ્ઞાન ન વધે તો તમે ત્યાંના ત્યાં જ છો, ઘાંચીના બેલ – જેકસન બ્રાઉન

[6] સરળ – સાદગીભર્યું જીવન રાખવું, કોઈની ઈર્ષા કે ફરિયાદ ન કરવી, પોતાનાથી થાય તે તમામ કામ કરી સૌને મદદરૂપ થવું એ છે જિંદગી – ફિલ બોસમેન્ટ

[7] ભૌતિક વસ્તુનું મૂલ્ય થઈ શકે, પરંતુ પ્રેમ લાગણી, પરિશ્રમ અને પુરુષાર્થની કિંમત ક્યારેય ચૂકવી શકાય નહીં. – મોહમ્મદ માંકડ

[8] જિંદગી પાસે ઝાઝી અપેક્ષા રાખવી નહીં, જિંદગી એ વાવણીનો સમય છે, લણણીનો નહીં. – વિન્સેટ વાન

[9] અતિ સૌંદર્યથી સીતાનું હરણ થયું, અતિ અભિમાનથી રાવણનું પતન થયું, અતિ દાનથી બલિનું બંધન થયું. શાણો પુરુષ ‘અતિ’નો ત્યાગ કરે છે. – ભારવિ

[10] પ્રગતિ વિના સંસ્કૃતિ નહીં, વિચારો વિના પ્રગતિ નહીં, પુસ્તકો વિના વિચારો નહીં, પુસ્તક મારફતે જ માણસ બીજાના કોઈપણ અનુભવને પોતાનો કરી શકે છે, પોતાની પસંદગીના યુગમાં જીવી શકે છે. એક જિંદગીમાં અનેક અવતારો જીવી શકે છે. – નોર્મન કઝીન્સ

[11] જિંદગીની વાટે વગર વિચારે સરી જવાના બે રસ્તા છે, એક દરેક વસ્તુ માની લેવી, અથવા દરેક વિશે શંકા રાખવી. આ બેઉ આપણને વિચાર કરવામાંથી ઉગારે છે. – તોલ્સતોય

[12] જે ઊંડો સ્નેહ કરી જાણે છે તેવા માનવી કદી વૃદ્ધ થતા નથી. – કન્ફ્યુશિયસ

[13] જેની પાસે ધૈર્ય જેવું ધન નથી, એ ધનિક હોવા છતાં નિર્ધન જ છે. – શેક્સપિયર

[14] જીવનમાં સિદ્ધાંત રાખવા અને આદર્શની ઓળખ હોવી એ એક વાત છે અને એ મુજબ જીવન જીવવું એ અલગ વાત છે. – બેન્જામીન ફ્રેંકલીન

[15] મૂર્ખને ઓળખવાની છ નિશાની : કારણ વિના ગુસ્સો કરે, લાભ વિના બોલ બોલ કરે, પ્રગતિ વિના પરિવર્તન કરે, કારણ વિના પૂછપૂછ કરે, અજાણી વ્યક્તિમાં વિશ્વાસ મૂકે ને દુશ્મનને મિત્ર માને, પૂછ્યા વિના સલાહ આપે. – પંચતંત્ર

[16] આપણા દેશમાં ગંદકી કરે તે ખાનદાન અને ગંદકી સાફ કરે તે ‘નીચો’ ગણાય છે. – રવિશંકર મહારાજ

[17] શિક્ષણ એ શરીર અને આત્માના વિકાસની કળા છે, માણસને માણસ બનાવવાની કળા છે, ‘નિષ્ણાત’ બનાવવાની નહિ. – માઈકલ મોન્ટેઈન

[18] સૌથી વધારે દુઃખદાયક વાત એ છે કે જ્યારે દુનિયા છોડી જવાનો સમય આવે છે ત્યાં સુધી આપણે એ વાત શોધી નથી શકતા કે આપણે આ દુનિયામાં શા માટે આવ્યા હતા ? – બાલાસિંઘમ

[19] આપણે શું કરવું કે શું ન કરવું એ આપણો અંતરાત્મા સદાય કહેતો જ હોય છે, પણ આપણે કાન આડા હાથ કરી મનનું કહેવું માનીએ છીએ. – એસ. ભટાચાર્ય

[20] સંસારમાં માણસને હજારો માતા-પિતા, પત્નીઓ, પુત્રો સાથે સંબંધ થયો છે, થાય છે અને જન્મોજન્મ થતો રહેશે. – મહાભારત

[21] જેમ મહાસાગરમાં અચાનક મેળલાં બે લાકડાં મળે અને છૂટાં પડી જાય તેમ સ્ત્રી-પુત્ર-સગાં-સંબંધીઓ પણ સંસાર સાગર મળી જાય અને છૂટાં પડે છે. – વેદ વ્યાસ

[22] જ્યાં સુધી તમે જાતે પ્રયત્ન અને પુરુષાર્થ ન કરો ત્યાં સુધી સફળતાની ચાવી તમારા હાથમાં આવતી નથી. – લોકમાન્ય ટિળક.

[23] વાસનાઓ, ઈચ્છાઓ, આશાઓ અને અપેક્ષાઓનો ત્યાગ કરશો એટલે તમામ ચિંતાઓ તમારો પીછો સ્વયં જ છોડી દેશે. – મહાત્મા બુદ્ધ

[24] કેવળ પોતાને માટે જ જીવન જીવીને નહીં, પણ પોતાના સંપર્કમાં આવતા તમામનાં જીવન સાથે પોતાની જાતને એકરૂપ અનુભવીને માણસ દુનિયા સાથે આધ્યાત્મિક સંબંધ સ્થાપી શકે છે. – આલ્બર્ટ સ્વિત્ઝર

[25] જે મનુષ્ય જેટલો અંતરાભિમુખ, જેટલી તેની મનોવૃત્તિ સાત્વિક અને નિર્મળ એટલું એ ભવિષ્ય માટે વધારે સારી રીતે વિચારી શકશે. – બેરિંગ

[26] ધર્મ, એ અલગ-અલગ રંગના કાચના ટુકડાવાળા ફાનસ જેવો છે, અંદર રહેલી જ્યોતિ તો એક જ છે પણ જુદા જુદા ખૂણેથી જોનારને તે અલગ રંગી દેખાય છે. – મોહમ્મદ નગીબ

[27] જેનામાં પોતાનું પૌરુષત્વ હોતું નથી એ ભાગ્ય પર ભરોસો રાખે છે. – પ્રેમચંદ

[28] ધર્મ જીવનથી અલગ નથી. જીવન એ જ ધર્મ છે, ધર્મ વિનાનું જીવન, પશુ-જીવન છે. – ગાંધીજી

[29] તારે જો નિરંતર સુખી જીવન ગાળવું હોય તો, જગતના બધા વ્યવહાર તારી મરજી મુજબ ચાલે એવી ઈચ્છા કરીશ નહીં, પણ તું જ જગતના જેવો થા. – એવિકિટસ

[30] જે શિક્ષણમાં સમાજ અને રાષ્ટ્રના કલ્યાણની ચિંતાનું તત્વ નથી, તે ક્યારેય સાચું શિક્ષણ નથી. – રસ્કિન

[31] વાત્સલ્ય દોષોને ગળી જાય છે, સખ્ય દોષોને સહન કરે છે જ્યારે પ્રેમ તો દોષો તરફ દષ્ટિ જ કરતો નથી. – વિનોબા ભાવે

[32] સત્તાધીશોની સત્તા, તેમના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે, જ્યારે મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી જ શરૂ થાય છે. – સરદાર પટેલ

[33] વનસ્પતિને વિકાસ માટે જેટલી સૂર્યપ્રકાશની જરૂર છે, તેટલું જ હાસ્ય આપણા શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. – મેસિલીન

[34] કેટલાક મહાન જન્મે છે, કેટલાક મહાનતા હાંસલ કરે છે તો કેટલાક ઉપર મહાનતા ઠોકી બેસાડવામાં આવે છે. – શેક્સપિયર

[35] સુખી થવાનું મુહૂર્ત – આ જ ક્ષણ છે, સ્થળ પણ આ જ છે, સુખી થવાનો માર્ગ-બીજાને સુખ આપવું તે, સુખી થવાનું સાધન બુદ્ધિ છે. – સુભાષિત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “સુવિચાર સંચય – સં. સુરેશ પ્રા. ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.