- ReadGujarati.com - http://www.readgujarati.com -

ભારતીય ચેતના – એ.પી.જે. અબ્દુલ કલામ

[ દેશભરના શાળા, કૉલેજ કે વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને પુછાયેલા ખૂબ રસપ્રદ અને રોચક પ્રશ્નોનું સંકલન તાજેતરમાં ‘ભારતીય ચેતના’ પુસ્તકરૂપે પ્રકાશિત થયું છે. આ પ્રશ્નો યુવાનોનાં સ્વપ્નો, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓનાં પ્રતિબિંબ પ્રગટ કરે છે અને ડૉ. કલામના જવાબો પણ સશક્ત, સંગઠિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો રાહ દેખાડે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] અમારી વિનંતી છે કે આપ અમને બધાને કશોક પ્રેરણાત્મક સંદેશો આપો. (જ્યોતિ, ડી.એ.વી. સ્કૂલ, ચંદીગઢ.)

મારા પાસે આપણા દેશના યુવાનોને આપવાનો સંદેશ છે – બધા જ યુવાનો પાસે અદમ્ય ચેતના હોવી જોઈએ. આ અદમ્ય ચેતનાનાં બે પાસાં છે. એક, તમારા પાસે ધ્યેય હોવું જોઈએ અને પછી તેના માટે સખત કામ કરવાનું છે. બીજું, કામ કરતા હો, ત્યારે તમારે કેટલાક પ્રશ્નોનો જરૂર સામનો કરવો પડશે. આવા સંયોગોમાં, આ પ્રશ્નોને તમારા માલિક બનવા ન દેશો. તેને બદલે તમે જ તેના માલિક બનજો, તેને પરાજિત કરજો અને સફળ થજો. સદનસીબે, આપણા દેશ પાસે યુવાધન બહોળું છે. યુવાનોનાં પ્રજ્જ્વલિત મગજો બીજાં કોઈ પણ સંસાધન કરતાં વધારે મહાન સંસાધન છે. જ્યારે આ પ્રજ્જ્વલિત મગજો કામ કરે છે, અને અદમ્ય ચેતના સાથે, તો સમૃદ્ધ સુખી અને સલામત ભારત થવાની ખાતરી છે.

[2] હું એક અગિયાર વર્ષની છોકરી છું. રાષ્ટ્રની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં હું શું ફાળો આપી શકું ? (રતાક્ષી, ડી.પી.એસ. ઈબ્તિદા શિક્ષા કેન્દ્ર.)

તારું પહેલું કામ તો સરસ રીતે ભણવાનું છે અને અભ્યાસમાં ઉત્તમ બનવાનું છે. જો તારી પાસે વૅકેશનમાં સમય હોય, તો તું જેઓ વાંચી-લખી નથી શકતા તેવા બે લોકોને ભણાવી શકે. તું તારા પડોશમાં કે શાળામાં બે વૃક્ષ વાવી શકે અને ઉછેરી શકે. તું પાણી અને ઊર્જાનો બગાડ અટકાવી શકે. આસપાસના પર્યાવરણને સ્વચ્છ અને લીલું રાખવામાં તું તારાં કુટુંબીજનોને મદદ કરી શકે.

[3] આખરે આ ‘જીવન’ છે શું ? તેનો સાર શું છે ? માણસ સુખથી જીવી શકે માટે તેણે જીવનનો કયો અર્થ સ્વીકારવો જોઈએ ? (વરુણ યાદવ, ઓસ્માનિયા મેડિકલ કૉલેજ, હૈદ્રાબાદ)

જીવનનો સાર છે પ્રેમ અને બધા સાથે કોઈ પણ ભેદભાવ વિના પ્રેમથી વર્તન કરવું. આ જ નિશ્ચિત કરશે કે માનવજીવનમાં સુખ છે. કલ્પના કરો કે સામાન્ય રીતે માનવજીવન લગભગ 27,000 દિવસોનું છે. દરેક દિવસ આપણા જીવનનો એક નાનકડો હિસ્સો જ છે. દરેક દિવસને એક કીમતી મોતી ગણી 27,000 દિવસનો એક હાર બનાવો. એનો અર્થ એ કે તમારે દરેક દિવસનો સમાજને ઉપયોગી થવાના હેતુ સાથે ઉપયોગ કરવો પડશે. તેમ જોશો કે આપવાથી જ સુખ આપોઆપ તમારી પાસે આવશે.

[4] શું વધારે જરૂરી છે, નસીબથી મળેલ સદભાગ્ય કે સખત શ્રમ ? (જોશી ભૂમિ, કોટક કન્યા વિનય મંદિર, રાજકોટ.)

સખત મહેનત પ્રથમ આવે. જો તમે સખત કામ કરવામાં સાતત્ય જાળવશો, તો નસીબ તમારી તરફેણ કરશે. એક જાણીતું વાક્ય છે : ‘જેઓ પોતાને મદદ કરે છે, તેમને જ ઈશ્વર મદદ કરે છે.’

[5] આપ અમને ‘સમય સંચાલન’ વિશે થોડા ઉપાયો બતાવશો ? (માસ્ટર મહમદ, ગાઝી, એસ.ટી.એસ. હાઈસ્કૂલ, અલીગઢ)

તમે બધા જ જાણો છો કે પૃથ્વી રોજ પોતાની ધરી પર એક વાર ફરે છે. એટલે કે દિવસમાં એક વાર અથવા તો 1440 મિનિટોમાં અથવા તો 86400 સેકન્ડોમાં. એ જ રીતે પૃથ્વી સૂર્યની આસપાસ પણ ઘૂમે છે અને તે ચક્કર લેતાં તેને એક વર્ષ લાગે છે. સૂર્ય આસપાસ પૃથ્વીનો એક આંટો પૂરો થતાં તમારી ઉંમર એક વર્ષ વધે છે. સેકન્ડો, મિનિટો, કલાકો, દિવસો અને વર્ષો દોડ્યાં જાય છે અને આપણું તેના પર જરા પણ નિયંત્રણ નથી. સમય દોડ્યો જતો હોય ત્યારે આપણે તો માત્ર એટલું કરી શકીએ કે આપણે આ સમયનો સદઉપયોગ કરી શકીએ. યાદ રાખો : ‘તમારા દિવસો જરા પણ વેડફાવા ન જોઈએ.’

[6] મહાન લોકોને સાંભળવા ખરેખર પ્રેરણાદાયી હોય છે. પણ મોટા ભાગના મહાન લોકો સામાન્ય લોકો માટે પહોંચની બહાર હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઈ માર્ગ છે ખરો ? (મંજિમા સાઈકીયા, કમલા નહેરુ કૉલેજ, ન્યુ દિલ્હી.)

આ મહાન લોકો તથા તેમના વિચારો વિશે તમે તેમનાં પુસ્તકો વાંચીને, ઈન્ટરનેટ દ્વારા કે તમારા શિક્ષકોને તેમના વિશે પૂછી જાણી શકો.

[7] આજના જગતમાં જ્યાં માર્કસ જ આપણા વિકાસ અને ચારિત્ર્યનો અરીસો મનાય છે, ત્યાં સિદ્ધાંતનિષ્ઠ વ્યક્તિનું શું સ્થાન હોઈ શકે ? (વિશ્વનાથન સંગીતા એસ. સેંટ મેરી સ્કૂલ, રાજકોટ)

માર્કસ તો એક ચોક્કસ વિષયમાં મેળવેલ જ્ઞાનના માત્ર સૂચક છે. તે કંઈ ચારિત્ર્યના માપદંડ નથી. એક જવાબદાર નાગરિક તરીકે તમારા વિકાસ માટે સારા માર્કસ સાથે સારાં નૈતિક મૂલ્યો અને વર્તનને પણ જોડવાનાં છે.

[8] આપ રૉકેટ ઉડ્ડયન અને આકાશવિજય સાથે નજીકથી સંકળાયેલા છો. આપ શેને વધારે સાર્થક માનો છો – આકાશ પર વિજય મેળવવાનું કે મન પર વિજય મેળવવાનું ? (અભિલાષ કે, મુંબઈ)

મારી અભિલાષા ક્યારે પણ આકાશ કે મન જીતવાની રહી નથી. મારો હેતુ તો હંમેશાં એક માનવના બળનો અને તેનાં મનની શક્તિનો દેશની પ્રગતિ માટે કેમ ઉપયોગ કરવો તે રહ્યો છે.

[9] આપ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે આપની ભાવનાઓ શું હતી અને તે પળે આપે કોને યાદ કર્યા ? (પાર્વતી, સિકંદરાબાદ)

લોકોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો તેણે મને ગદગદ કરી નાખ્યો. મને થયું કે મારાથી તેમને નિરાશ તો નહીં જ કરી શકાય, અને મેં મારી જાતને ભારતને વિકસિત દેશ બનાવવા માટેનાં દર્શનને સિદ્ધ કરવા ભારતીય બૌદ્ધિકોને એક કરવાનાં મારાં કામ માટે પુનઃ સમર્પિત કરી. મેં મને મારા જીવનના વિવિધ તબક્કાઓના મિશનમાં મારાં માતા, પિતા, શિક્ષકો અને જે બધાએ મદદ કરી હતી, તે બધાને યાદ કર્યા હતા.

[10] આપ તો વિજ્ઞાન અને ટૅકનોલોજીની પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા અને ભારતના રાષ્ટ્રપતિની ઑફિસની જે સન્માનજનક જગ્યા છે, તે જોતાં આપ રાષ્ટ્રપતિ તરીકે ખરેખર હળવાશ કે પોતીકાપણું અનુભવતા હતા ? હું આ એટલા માટે પૂછું છું, કારણ કે સંસદમાં જે લોકો છે, જેઓ પાસે ત્યાં પહોંચવા ગુનાખોરીનો જે રેકોર્ડ છે, એની સામે બીજી બાજુ આપ પર્યાવરણના વૈજ્ઞાનિક છો, આ વિરોધાભાસી બાબતે આપે ક્યારેક તો પરેશાની અનુભવી જ હશે. (વિનયદીપક એચ.એસ., ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગ્લોર.)

તમારા પ્રશ્નથી મને 2200 વર્ષ પહેલાં થયેલ સંત કવિ તિરુવલ્લુવરે કહેલ એક જાણીતી પંક્તિની યાદ આવે છે. તે કહે છે – નદી, ઝરણું કે તળાવનું જે કંઈ પણ ઊંડાણ હોય, પાણીની પણ જે સ્થિતિ હોય, કમળ તો હંમેશ પ્રગટે જ છે અને ખીલે જ છે. તે જ રીતે, જો ધ્યેય સિદ્ધ કરવા એક ચોક્કસ દઢતા હોય, ભલે તે સિદ્ધ કરવું અશક્ય પણ લાગતું હોય, છતાં તમે સફળ થશો જ.

[11] એક વિખ્યાત વિજ્ઞાની બનવા આપે ક્યાંથી પ્રેરણા મેળવી ? (સ્મૃતિ, કેન્દ્રિય વિદ્યાલય, આર.કે. પુરમ, ન્યુ દિલ્હી)

ત્રણ લોકોએ મને જીવનમાં પ્રેરણા આપી અને મને એક મિશન આપ્યું. પહેલા હતા રામેશ્વરમાં મારી શાળાના પાંચમા ધોરણના શિક્ષક. તેમનું નામ હતું શિવસુબ્રમણ્યમ ઐયર. તેમણે મને જીવનમાં ઉડ્ડયન વિશે બધું જ શીખવાનું મિશન આપ્યું. મારા જીવનમાં બીજી જે વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા પ્રો. સતીશ ધવન જેમણે સમસ્યાઓને આપણી માલિક કેમ ન બનવા દેવી તે અને ધ્યેય સિદ્ધ કરવા સખત કામ કરવાનું શીખવ્યું. ત્રીજી જે મહાન વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા ડૉ. વિક્રમ સારાભાઈ, જેમણે મને ધ્યેય સિદ્ધિનું મહત્વ શીખવ્યું.

[12] જો ઈશ્વર આપના સામે હાજર થાય, તો આપ તેના પાસેથી શું માગશો ? (એસ. અર્ન વેંક્ટ કૃષ્ણા, આલ્ફા ગ્રૂપ ઑફ સ્કૂલ્સ, ત્રિચી.)

હું સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તે મારા દેશને સખત કામ કરનારા અને જ્ઞાની લોકો મળે તેવા આશીર્વાદ આપે જે મારા દેશને આર્થિક રીતે વિકસિત બનાવે.

[13] આપ અમને આપના જીવનની એવી પળ વિશે કહી શકો જ્યારે આપે અનુભવ્યું હોય કે આપ નિષ્ફળ ગયા હતા, પણ પાછળથી આપને આપની શક્તિ વિશે અફસોસ થયો હોય ? (પ્રીન્સી, કે.વી. ફાઉન્ડેશન ડે ઑફ ઉરીવી વિક્રમ ચેરિટેબલ ટ્રસ્ટ, દિલ્હી)

એવું ત્યારે બન્યું જ્યારે હું ઈન્ડિયન એરફોર્સમાં ઈન્ટરવ્યૂ માટે ગયો. ત્યાં હું નવમો ઉમેદવાર હતો અને માત્ર આઠ લોકો જ પસંદ થયા. ત્યારે તો હું ખૂબ જ નિરાશ થઈ ગયો, પણ પછી જ્યારે હું દિલ્હી આવ્યો અને ડી.ટી.પી એન્ડ એ.ની ઑફર મારી રાહ જોતી હતી, ત્યારે જ હું મારી નિરાશામાંથી બહાર આવી શક્યો.

[14] હું છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી છું. આપ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતા, ત્યારે કેવા હતા ? (સમરિધ સિંહ, દિલ્હી પબ્લિક સ્કૂલ, જોળડા.)

હું તારી ઉંમરનો હતો, ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. રામેશ્વરમમાં અમારા કુટુંબ માટે તે ખૂબ મુશ્કેલ સમય હતો. અનાજ અને કપડાં તથા ઘરની વસ્તુઓ લગભગ બધામાં તંગી જ હતી. અમારું મોટું સંયુક્ત કુટુંબ હતું. અમારા કુટુંબમાં પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓ હતાં જેમાં ત્રણનાં – જેમાં મારા પિતા અને તેમના નાના બે ભાઈઓનાં તો કુટુંબો હતાં. કોઈ પણ સમયે મારા ઘરમાં ત્રણ ઘોડિયાં ઝૂલતાં જ હોય. ઘરનું વાતાવરણ આનંદ અને તકલીફો વચ્ચે બદલાતું રહેતું. મારી દાદીમા અને માતા આ વિશાળ કાફલાને ગમે તેમ કરીને સંભાળતાં.

હું સવારે ચાર વાગ્યે ઊઠતો, સ્નાન કરતો અને મારા શિક્ષક શ્રી સ્વામીયાર પાસે ગણિત શીખવા જતો. તે એક વિશિષ્ટ શિક્ષક હતા અને વર્ષ દરમિયાન મફત ટ્યુશન માટે માત્ર પાંચ વિદ્યાર્થીઓ જ સ્વીકારતા. તેમની એક શરત રહેતી કે ટ્યૂશનમાં આવનાર વિદ્યાર્થીઓ સ્નાન કરે તો જ આવે. મારી મા મારા પહેલાં ઊઠી જતી, પછી મને જગાડતી, મને નહાવામાં અને ટ્યૂશને જવા તૈયાર કરવામાં મદદ કરતી. ટ્યૂશન પતાવી હું પાંચ વાગ્યે પાછો ફરતો. મારા પિતા નમાજે તેડી જવા અને એરેબિક સ્કૂલમાં કુરાને શરીફ શીખવા મને લઈ જવા મારી રાહ જોતા હોય. તે પછી હું ત્રણ કિલોમીટર દૂર આવેલ રામેશ્વર રોડ રેલવે સ્ટેશને છાપાં લેવા જતો. તે વખતે યુદ્ધનો સમય હોવાથી ધ મદ્રાસ ધનુષકોડી મેલ સ્ટેશને થોભતો નહીં અને ચાલતી ટ્રેને પ્લેટફૉર્મ પર છાપાં ફેંકવામાં આવતાં. હું તે છાપાં લઈ લેતો અને રામેશ્વર શહેરમાં તે વહેંચવા જતો. શહેરમાં છાપાં આપનાર હું પહેલો રહેતો. છાપાં વહેંચ્યા પછી હું આઠ વાગ્યે ઘેર આવતો અને મારી મા મને સાદો નાસ્તો આપતી. હું કામ અને અભ્યાસ બન્ને કરતો હોવાથી મને વધારાનો નાસ્તો મળતો. શાળા પૂરી થયા પછી હું સવારે શહેરના જે ગ્રાહકોને છાપાં આપ્યાં હોય તેમના પાસેથી તેના પૈસા લેવા જતો.

[15] જીવને આપને શું શીખવ્યું છે ? (રીમા હેલન, એલ.વી. પ્રસાદ આઈ ઈન્સ્ટિટ્યૂટ, ભુવનેશ્વર.)

જીવન તો એક વહેતો પ્રવાહ છે. દરેક દિવસ વિશિષ્ટ હોય છે અને દરેક પ્રવૃત્તિનો પોતાનો એક પડકાર હોય છે. આપણે આપણાં કામને ચાહતાં શીખવું જોઈએ અને તેની દરેક પળ માણવી જોઈએ.

[કુલ પાન : 176. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]