બાળકનું બોલવું – ઈશ્વર પરમાર

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

હસવું આવે તેવો એક ટૂચકો : એક નિઃસંતાન ગુજરાતી દંપતીએ છ માસનું બાળક દત્તક લીધું. બાલાશ્રમમાંથી જાણવા મળેલું કે તે બાળકના માતા-પિતા બંગાળી હતા. જરૂરી કાનૂની વિધિ પછી એ બાળકને પેલું દંપતી ઉમંગભેર પોતાને ઘેર લાવ્યું. તે સાંજે જ એમણે પોતાના મિત્ર દ્વારા ‘બંગાલી શિક્ષક’ નામનું પુસ્તક મંગાવી લીધું. એ લાવી આપનાર મિત્રને એમણે કહેલું કે છ-આઠ મહિના પછી બાળક તો બંગાળી ભાષામાં જ બોલવાનું ને સમજવાનું. એ વખતે અમે એની ભાષા જાણતા ન હોઈએ તે કેમ ચાલે ? પાણી પહેલાં પાળ તો બાંધવી જ રહી !

પાળ તો અવશ્ય બાંધવી જોઈએ પણ એ સમજપૂર્વક યથાસમયે ને યથાસ્થળે બંધાયેલી હોવી જોઈએ. હકીકતે, બાળક અનેક સંભાવનાઓની જેમ ચોક્કસ ભાષા-પ્રાવીણ્યની સંભાવનાથી સજ્જ થઈને અવતરતું હોતું નથી. બાળકને કોઈ ભાષા આવડવી તે વારસાગત બાબત નથી. એ તો વાતાવરણને આધીન બાબત છે. બાળકને પરિવારજનો વચ્ચે થતી વાતો સતત સાંભળવા મળે છે. આથી ધીમે ધીમે બાળક તે ભાષા સમજતું થાય છે. અનુકરણ કરવામાં ઉત્સાહી અને કુશળ બાળક પોતાની ઈચ્છા, રાજીપો, નારાજગી ને સંતોષ જેવા ભાવો પરિવારમાં બોલાતી અને સાંભળવા મળતી ભાષામાં બોલીને દર્શાવતું થાય છે.

બાળકનું પહેલવહેલું રડવું મોટેરાંને કેવું રોમાંચક લાગતું હોય છે ! હલકભર ગવાતાં હાલરડાંનો સૂરો સાંભળતાં બાળકને પણ કેવો મધુર રોમાંચ થતો હોય છે ! બાળક આલાપ અને ગોટાળિયા ઘૂઘવાટા દ્વારા પોતાની ખુશી અને ખેદનો ખ્યાલ આપવા મથતું હોય છે. વરસેક પછી પ-ફ-બ-ભ-મ જેવા અવાજવાળા શબ્દો બોલતું થાય છે. કેટલીક વાર બાળક ભળતા શબ્દોનો ઉપયોગ કરી બેસે છે : ‘પપ્પા પડી ગયા’ ને બદલે ‘પપ્પા ઢોળાઈ ગયા’ ! બાળક ઢંગધડા વગરનું બોલે તો પણ મોટેરાં મલકાતાં મલકાતાં એનો આશય સમજી જતા હોય છે. પરિવારના ભાષીય-વાતાવરણની અસરમાં બાળકનો શબ્દભંડોળ વધતો જાય છે. એ સાદી ને પછી સંયુક્ત વાક્યરચના કરતું થાય છે; ને છેવટે એ સફળ વક્તા બને તેવું ભાષાપ્રભુત્વ હાંસલ કરી શકે છે. બાળકને સાંભળવા મળતી ભાષા એ બાળકને બોલવા માટે અનુસરવાનું ઉદાહરણ છે. આથી જ મોટેરાંઓએ બોલતી વખતે પૂરતી કાળજી રાખવી જોઈએ. પોતાનાં ભાષા-વ્યવહારમાં જરૂરી સુધારા અપનાવવા જોઈએ. ઝડપથી બોલવું, ગાવા જેવું બોલવું, અશુદ્ધ ઉચ્ચારે બોલવું, તોછડાઈથી બોલવું : આ બરાબર નહીં. તોતડી અને ક્યારેક અર્થહીન વાણી કરવી એ બાળક માટે સહજ છે; પણ તેના બોલવાની ઢબછબ પરિવારની રાષ્ટ્રભાષા બની જાય એ કેવું ! બાળક તો તોતડું ને શબ્દકોશમાં ન હોય તેવા શબ્દોવાળું બોલે; મોટેરાં પણ એની સાથે ‘ભૂ’ ને ‘મમમમ’ જેવું બોલે !

વાત આટલે અટકતી નથી; બાળકની હાજરીમાં (ને ગેરહાજરીમાં પણ !) મોટેરાં આપસમાં પેલી રાષ્ટ્રભાષામાં વાતો કરતાં હોય છે ! અને, આથી જાણતાં-અજાણતાં બાલચિત્ત પર એવી છાપ પડે છે કે પોતે જે બોલે છે તે બરાબર બોલાય છે ! વડીલોની એવી માન્યતા કે સમર્થન બાળકને પ્રમાણભૂત ભાષાની આવડતથી દૂર રાખે છે. મોટેરાંએ તો બાળકને પ્રમાણભૂત ભાષા સાંભળવા મળે તે માટે ખબરદાર રહેવું જોઈએ. બાળક તો જેવું સાંભળવાનું તેવું બોલવાનું. ગાળ પણ ! જો બાળક સાંભળશે તો બોલેય ખરું. આથી ‘સાલ્લા’ ને ‘ગધના’ જેવા અભદ્ર શબ્દો વાતવાતમાં વદી નાખતા વાલીઓને શું કહેવું ? વળી, વાતચીતમાં ગાળો ગૂંથી લેતા ગામને મોઢે તો ગળણાં કેમ બંધાય ? ગ્રીક ફિલસૂફ ડાયોજિનસ માટે તો સાંભળ્યું છે કે કોઈ છોકરું ગાળ દેતાં શીખ્યું છે એમ જાણવાની સાથે એ છોકરાંનાં પિતાને મારતો ! એવો કોઈ ઉપાય નથી કે શેરીઓમાં ફરતું થયેલું બાળક અપશબ્દો સાંભળવા જ ન પામે. અપશબ્દો સાંભળીને ઘરમાં આવેલું બાળક કશા છોછ વગર તેનો પ્રયોગ કરી બેસે એવું બની શકે. બાળકના મોઢેથી નીકળેલી ગાળ સાંભળીને બાળસંસ્કાર અંગે સાવધ વડીલો ચમકી ઊઠે છે. અપશબ્દ બોલેલા બાળકને ઠપકા સાથે તમાચો ખાવો પડે છે; એમાંય જો મહેમાનની હાજરીમાં બાળક અપશબ્દ બોલ્યું હોય તો મોટેરાંનાં ક્ષોભનો પાર રહેતો નથી. આનું વડીલ-પક્ષે કારણ એ છે કે અપશબ્દના બીભત્સ સંદર્ભની એમને ખબર હોય છે; સામા પક્ષે, બિચારાં બાળકને અપશબ્દના સંદર્ભનું રજભાર ભાન હોતું નથી !

ખરેખર તો ભોળાં ભૂલકાનાં મોંની ગાળ ગંધાતી નથી. બાળક દ્વારા અપશબ્દ બોલવાની સામે વડીલોની થતી આક્રમક પ્રતિક્રિયા બાળકને એમ વિચારવા પ્રેરે છે કે જે બોલાયું છે તે વડીલોને ગમે તેવું નથી; આથી પોતાને ન ગમે તેવું વડીલો કરે તો તેને પેલા શબ્દ સંભળાવીને સીધા કરી શકાય ! આથી બાળક અપશબ્દ બોલી બેસે તો તે વખતે તરત તીખી પ્રતિક્રિયા આપવી તે ઠીક નહીં. બાળકને આ બાબતે સજા તો ન જ કરાય; હા, પછીથી એવું બોલીએ તો ભગવાનને ગમે નહીં, અમનેય ગમે નહીં, એવા મતલબની સમજ ધીમેથી ને ધીરજથી આપીએ તે ઉચિત છે. બાળક સાથે દિવસમાં કલાકેક તો ખાસ તેની સાથે વાતો કરવા માટે વડીલોએ ફાળવવો જોઈએ. તેને વારતા કહેવાનું વડીલોને વ્યસન હોવું જોઈએ. તેને વારતા કહેવાનું વડીલોને વ્યસન હોવું જોઈએ. તેને વારતા કહેવા માટે ઉત્સાહિત કરવું જોઈએ. બાળક સાથે વાતો કરતી વખતે વડીલ ધીમેથી, સરળ ભાષામાં ને સ્પષ્ટ તેમજ શુદ્ધ ઉચ્ચારે બોલે. બાળકને તેના અશુદ્ધ ઉચ્ચારણ બદલ શરમાવે કે ધમકાવે નહીં. ન તેની મશ્કરી કરે. તેના અશુદ્ધ ઉચ્ચારણને સુધરાવે. આવી બેઠકમાં ઉખાણાં-જોડકણાંની રમઝટ બોલે. બાળગીતો ગવાય. આવી બેઠકો થકી બાળક ઝડપથી શુદ્ધ અને સચોટ ઢબે બોલતાં શીખશે.

પરિવાર વચ્ચે થતી વાતોમાં ભલેને બાળક બોલે. એને બોલવા દઈએ. ‘એમાં તને શું ભાન પડે ?….. તારી વાતમાં ઠામેઠેકાણું નથી…. તું શું બોલે છે તે સમજાતું નથી….. હવે તારામાં બુદ્ધિ ઊભરાવા માંડી છે…’ – આવા અણીદાર ટોણાં બાળકના બોલવા માટેના ઉત્સાહ તેમ જ આત્મવિશ્વાસને મૂરઝાવે છે. ઘરમાં ટીવી કરતાં રેડિયોનાં પ્રસારણો ભાષાશિક્ષણની દષ્ટિએ વધુ વિશ્વસનીય માધ્યમ છે. ઘરમાં વસાવેલો સાર્થ જોડણીકોશ બાળકને નવા શબ્દોને સમજવામાં તરત સહાય કરે છે. દીવાલ પર ટીંગાડેલો બારાખડીનો નકશો જોતાં જોતાં બાળક અક્ષરજ્ઞાન મેળવીને વાંચતું થાય તો નવાઈ નહીં. ઘરમાં બાળકો માટેનાં પુસ્તકો વસાવી શકાય. બાળગીતોની કેસેટ્સ-સીડી હવે તો સુલભ છે.

બાળક અસરકારક ઢબે બોલે તે માટે તેને સાંભળવાની વધુ ને વધુ તકો મળવી ઘટે. સંયુક્ત પરિવારમાં આ તકો વધુ મળે તે સહજ છે, પરંતુ તેમાં કજિયા-કંકાસના પ્રસંગે થતો કટુ વાણીવ્યવહાર બાળકને અનિચ્છનીય પરિસ્થિતિમાં મૂકી દે છે. વિભક્ત પરિવારમાં, પતિ-પત્ની ધારે તો બાળકના ભાષાવિકાસ માટે પૂરતો સમય ફાળવી શકે. આમ તો ઈન-મીન ને તીનની પરિસ્થિતિમાં બાળકને સાંભળવાની તકો સીમિત રહે ને તેમાંય મમ્મી-પપ્પા વચ્ચે અબોલા હોય ત્યારે ઘરમાં ભયંકર શાંતિ અને બહુબોલા હોય ત્યારે ભયંકર અશાંતિ ! ગમે તે પ્રકારનો પરિવાર હોય, બાળકના ભાષાવિકાસ માટેની સજાગતા વડીલપક્ષે જરૂરી બને. જરૂરી છે બાળકને વડીલોનો હેતાળવો સ્પર્શ અને કંઈ ને કંઈ સાંભળવાનું મળ્યા કરે તેવો માહોલ ! સાંભળ્યું છે કે એક રાજાને એવું કઠોર કુતૂહલ થયું કે જો કોઈ જ ભાષા બાળકને શીખવવામાં ન આવે તો પછી એ કઈ ભાષામાં બોલે ? એણે સાતેક નવજાત બાળકોને એક સ્વતંત્ર ઓરડામાં રખાવ્યા. બાળકોને જરૂરી એવી બધી જ સુવિધાની જોગવાઈ કરી; પણ એ બાળકોને કોઈ સ્પર્શ ન કરે ને એની સામે કે સાથે કોઈ ન બોલે. પરિણામે, એક જ વરસમાં બધાં બાળકો મરણ પામ્યાં !

બાળકોની સાથે તેમ જ બાળકોની સામે શિષ્ટ અને શુદ્ધ ભાષામાં વાતચીત કરવાથી તેમ જ બાળક માટે ઈષ્ટ અને શિષ્ટ ઢબે બોલવાના સંજોગો સરજવાથી એના માનસિક-સામાજિક વિકાસના દરવાજા ખૂલવા માંડે છે; તો એ માટે વળી વિલંબ શાને ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “બાળકનું બોલવું – ઈશ્વર પરમાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.