મોડું મોડું…પણ સમજાયું ખરું ! – કલ્પના જિતેન્દ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર. આપ લેખિકાનો આ નંબર પર +91 9427714120 સંપર્ક કરી શકો છો.]

‘અરે ! તું આવી નહિ ? કેટલી રાહ જોઈ તારી !’
‘મમ્મી સાથે ઘરેણાંની ખરીદી કરવા ગઈ હતી.’
‘મારે સૂટનું કાપડ લેવાનું હતું ને એય તારી પસંદગીનું ! આપણે નક્કી કર્યું હતું. ભૂલી ગઈ કે શું ?’
‘ના ! ભૂલી નહોતી ગઈ, પણ મમ્મી કહે કે મારી સાથે ચાલ, આજે પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદાય તો સારું.’
‘હા, ભલે, પણ હું અહીં રાહ જોતો હોઈશ એવો વિચાર ન આવ્યો તને ? કમસે કમ ફોન તો કરી શકાય ને ?’
‘તારો ફોન એંગેજ આવતો હતો.’
‘હશે કદાચ, તો થોડી વાર પછી ફરીથી કરાય અથવા મોબાઈલ ?… એ પણ એંગેજ આવતો હોય તો મેસેજ તો મોકલી શકાત !…. ગમે તેમ તારે મને જણાવવું તો જોઈએ ને ? હું અહીં રાહ જોતો રહ્યો !’

વિશ્વના સ્વરમાં નારાજગી ને માઠું લાગ્યાનો ભાવ હતો. ખરેખર તો એને ગુસ્સો આવતો હતો. અગાઉથી નક્કી થયેલો આ કાર્યક્રમ હતો અને એ પણ કૃપાની અનુકૂળતા મુજબ જ ગોઠવાયો હતો. ને છતાંય ?? ચાલો, અચાનક મમ્મી સાથે જવું પડ્યું એનોય રંજ નથી. સૂટનું કાપડ લેવા ફરી વાર જવાશે…. પણ ફોન કરવાનો વિવેક થશે કે નહીં ? વિશ્વ મનમાં ધૂંધવાયો. એ સાચો હતો. ગુસ્સે થવાનો અધિકાર હતો. થઈ શક્યો હોત !…. પણ એ તો એના સ્વભાવમાં જ નથી ને ! શાંત ને સૌમ્ય, સમાધાનવૃત્તિ વાળો છે. બને ત્યાં સુધી ઝઘડો કે ઉગ્ર ચર્ચા ટાળતો….. જોકે, એને માઠું તો લાગ્યું જ ! મનમાં થયું હમણાં જ કૃપા પહેલાંની જેમ ‘સૉરી ! બાબા સૉરી !’ કહેશે, પોતે રિસાવાનો ડોળ કરશે ને કૃપા ગળે વળગી આંખમાં આંખ પરોવી પરાણે મનાવી લેશે…

પણ કૃપાએ તો અત્યંત ઠંડકથી કહી દીધું, ‘ચાલ, હવે વાત પતી ગયા પછી શું ? તું સૂટનું કાપડ તો લઈ આવ્યો ને ?’
‘ના ! નથી લાવ્યો. તારી પસંદગીનું લેવાનું હતું અને એ પણ તેં જ કહ્યું હતું…. પછી હું ક્યાંથી…..?’
‘લઈ લેવું’તું ને ? વચ્ચેથી વાત કાપી તદ્દન નિર્લેપભાવે કૃપાએ કહ્યું. ખલાસ ! વિશ્વ પાસે રિસાવાનું કોઈ બહાનું ન રહ્યું. એના મનોભાવ પર ઠંડું પાણી રેડાઈ ગયું. આંચકો લાગ્યો એને ! કૃપા હમણાં હમણાં કેમ આવું કરે છે ? લગ્ન નજીક આવતાં જાય છે ને એ જાણે દૂર જતી જાય છે !

બે વર્ષ પહેલાં પરિચય, નજીક આવ્યો ને કૃપાના વડીલોએ સંમતિ આપી. વિશ્વને તો કોઈની સંમતિ લેવાની હતી નહીં. નાનકડું ગ્રુપ એનું. એક અંગત મિત્ર, એક મિત્ર દંપતી ને વડીલમાં કૉલેજના અધ્યાપક ગુરુ તથા એમનાં પત્ની. બસ, આટલો જ એનો પરિવાર. સૌની સાથે કૃપાનો પરિચય કરાવ્યો. એમની સંમતિ તો હોય જ. બસ, મહિના પછી લગ્નનું મૂરત છે ને બન્ને પક્ષે તૈયારી ચાલે છે. પણ હમણાં હમણાં વિશ્વ દ્વિધામાં છે. કૃપાનું વર્તન એને સમજાતું નથી. ખૂંચે છે. અત્યારની કૃપા જાણે પહેલાંની કૃપા જ નથી ! પહેલાંની ઓળઘોળ કૃપા હવે બેપરવા ને ઉદ્દંડ ને તદ્દન નિસ્પૃહ થઈ ગઈ છે. પહેલાં તો વિશ્વની આગળપાછળ ઘૂમ્યા કરતી ! અત્યંત ચાહતી ને એકદમ મુગ્ધ !…. પછી થોડી ઠરેલ થઈ.
વિશ્વ કહેતો : ‘….તું હવે જરાક ડાહી થઈ.’
‘એ…ટ…લે ? પહેલાં હું પાગલ હતી ?’ કૃપાએ આંખ કાઢી.
‘હા અને ના ! પાગલ તો તું હતી જ….. મારી પાછળ…. પણ લોકો જેને પાગલ માને છે એવી તો તું જરાય ન હતી…. અને હોય તોય મારાથી કહેવાય ખરું ?’
‘એટલે ? શું કહેવા માગે છે તું ? મારા હાથનો માર ખાઈશ હોં….’ કૃપાએ મુક્કો ઉગામ્યો.
‘ના !…. ના ! માર ખાવાની બિલકુલ ઈચ્છા નથી. રહેવા દે. હવે તો તારા હાથનાં ભાવતાં ભોજન જમવાં છે, પણ સાચું કહું ? તું હવે વ્યવહારુ બની છે. થોડુંક ઠરેલપણું પણ આવ્યું છે.’
‘….તો….ઠીક !’

આ….. ‘તો….ઠીક’ બહુ લાંબું ન ચાલ્યું. વિશ્વના મતે ડાહી ને ઠરેલ થતી જતી કૃપા ખરેખર તો તદ્દન નિસ્પૃહ થઈ ગઈ છે ! પહેલાં તો કહેતી, ‘વિશ્વ મારો અને મારું વિશ્વ પણ એ જ ! તું મારો, મારું વિશ્વ પણ તું જ !’ વિશ્વને જરાકેય શરદી થતાં હાંફળી ફાંફળી દોડી આવતી કૃપા હમણાં એને ટાઈફૉઈડ થયો તો આવતી તો ખરી, પણ માત્ર મોઢું બતાવવા ! વિશ્વ ઈચ્છતો કે કૃપા એની પાસે ઘડીક બેસે. એની દવા-મોસંબીનો રસ વગેરેનું ધ્યાન રાખે !….. પણ ના ! એ તો એના મિત્રવૃંદમાં જ મસ્ત રહેતી. આવતી તોય વિશ્વની કાળજી કરવાને બદલે પોતાનાં જ બણગા ફૂંકતી. કાં તો મિત્રોની અથવા માતા-પિતાની વાતો ! હવે તો વિશ્વને ચોખ્ખું સમજાઈ ગયું છે કે કૃપાનો ઉદ્દેશ માત્ર એને મેળવવાનો હતો ! લગ્ન નજીક છે એટલે એણે માની લીધું કે વિશ્વ તો મારી મુઠ્ઠીમાં છે….. હવે ક્યાં જવાનો ? ઉચ્ચ અભ્યાસ, હોદ્દો, ફલૅટ, ગાડી, સાસુ-સસરા, નણંદ, કોઈ સગાંવહાલાં નહીં, કોઈની કટકટ, કોઈ જવાબદારી નહિ. તદ્દન એકલો એવો છોકરો મારી મુઠ્ઠીમાં આવી ગયો !… હવે શું ચિંતા ? એટલે સુધી કે હમણાં હમણાં નાની નાની વાતમાં પણ ચર્ચામાં ઊતરી જતી ! વિશ્વ શાંત રહે તોય મેણાંટોણાં માર્યા કરતી ! અરે ! મેણું તો એવું માર્યું !….. વિશ્વને હાડોહાડ લાગી ગયું ! વિશ્વને કલ્પના પણ નહોતી કે કૃપા આવું વિચારી પણ શકે ! અને પાછું માથામાં મારે ?….?

અગાઉ બન્યું હતું એમ જ કૃપા વિશ્વ સાથે બહાર જવાનું ગોઠવીને મમ્મી સાથે જતી રહી. વિશ્વ ધૂંધવાયો….. બંને વચ્ચે થોડી ટપાટપી થઈ અને વિશ્વ ખીજવાયો !
‘તારે માટે મમ્મી પહેલાં કે હું ?’
એ મૌન રહી.
વિશ્વએ ફરી પૂછ્યું : ‘તારી મમ્મી મારાથી વધારે છે ?’
‘હા, છે ! તારાથીય વધારે !’ અત્યંત ઠંડકથી એણે કહી દીધું. વિશ્વ ઝંખવાઈ ગયો. અત્યંત આઘાતથી એ માત્ર ‘એમ ?….’ એટલું જ બોલી શક્યો.
‘હા એમ !’ કૃપાએ હોઠ ભીડીને કહી દીધું. માત્ર એટલું કહી શાંત રહી હોત તો વાંધો નહોતો…. એણે તો માથામાં ફટકાયું, ‘તું શું જાણે મમ્મીનો પ્રેમ ? માનું વહાલ તેં ક્યાં અનુભવ્યું છે ? મા એટલે કઈ ચીજ, એ તું શું જાણે ?’ ખલાસ ! વિશ્વને માથે આખુંય વિશ્વ તૂટી પડ્યું ! ભગ્ન હૃદયે ત્યાંથી નીકળી ગયો.

બે દિવસ દ્વિધામાં રહ્યો. મિત્રો સાથે ચર્ચા કરી ને અંતે પ્રતીક્ષા સાથે લગ્નનું નક્કી કર્યું. કૃપા દોડી આવી.
‘આ હું શું સાંભળું છું ? તું પ્રતીક્ષાને પરણવાનો છે ?’
‘હા, સાચી વાત છે.’ અત્યંત ઠંડકથી કહ્યું એણે.
‘તું જાણે છે ને એ આપણી સાથે કૉલેજમાં હતી. એ ભલે અભ્યાસ ને ઈતર પ્રવૃત્તિમાં હોશિયાર છે…. પણ એનું બેકગ્રાઉન્ડ તું જાણે છે ? એ અનાથ છે. તે આશ્રમમાં જ ઊછરી છે !’ ગુસ્સાથી અવાજ ધ્રૂજતો હતો.
વિશ્વએ એટલી જ શાંતિથી કહ્યું : ‘હા, હું જાણું છું. હું પણ અનાથ છું અને આશ્રમમાં જ મોટો થયો છું. એ તો તું પણ સારી રીતે જાણે જ છે ! તારા પરિચય પહેલાં પ્રતીક્ષા પ્રત્યે મને લગાવ હતો. પણ તું નજીક આવી…. ને મને થયું કે તારી સાથે તારો પરિવાર પણ મને મળશે. આખી જિંદગી જેનો અભાવ સાલ્યો એવા કુટુંબની સાથે મને હૂંફ મળશે….. પણ ખેર ! મારી ધારણા ખોટી ઠરી ! ખરેખર તો હું ને પ્રતીક્ષા, અમે બન્ને સમકક્ષ છીએ, એકબીજાને સારી રીતે સમજી શકીશું. હકીકતમાં તો મારે તારો અંતઃકરણપૂર્વક આભાર માનવાનો છે ! તેં મને સાચો રસ્તો બતાવ્યો !!… તેં મને સણસણતો તમાચો ન માર્યો હોત તો મને પ્રતીક્ષા મળત ખરી ? મોડે મોડે પણ સમજાય છે કે હું પ્રતીક્ષાની જ પ્રતીક્ષામાં હતો.’

Leave a Reply to શુચિતા જોશિ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

33 thoughts on “મોડું મોડું…પણ સમજાયું ખરું ! – કલ્પના જિતેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.