- ReadGujarati.com - http://www.readgujarati.com -

સમાજ ચિંતન …. – દિનેશ પાંચાલ

[‘રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે શ્રી દિનેશભાઈ પાંચાલનો (નવસારી) ખૂબ ખૂબ આભાર. હાલમાં તેઓ પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આપ તેમનો આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો.]

[1] તમારે ત્યાં ફેવિકોલ છે ?

એક પરિચિત કોલેજ કન્યાના લગ્નની વાત ચાલતી હતી. મેં એને પૂછ્યું, ‘તારો સ્વભાવ બહુ રમૂજી છે. તને રમૂજીને બદલે કોઈ મૂજી મળી ગયો તો શું કરીશ ?’ એણે જરા ગંભીર બની કહ્યું, ‘હું તેને મારી અપેક્ષા મુજબનો આકાર આપવાની કોશિશ કરીશ. પણ સફળ ન થઈ શકી તો એડજેસ્ટ થઈ જઈશ !’ છોકરીનો જવાબ ગમ્યો. એમાં સ્ત્રી સહજ વ્યવહારુતા હતી. એને શોષણ ગણો કે અન્યાય પણ સંસારમાં બહુધા સ્ત્રીઓના ભાગે જ અનુકૂળ થવાનું આવતું હોય છે.

સાસરે ગયેલો જમાઈ ભોજન બાદ હાથ ધોવા ઊઠે ત્યારે સાળો યા સસરો તેની તહેનાતમાં ટુવાલ લઈને ઊભો રહે છે. પણ સાસરે ગયેલી પુત્રવધૂ જમીને વોશ બેઝીનમાં હાથ ધોતી હોય ત્યારે તેની સાસુ ટુવાલ લઈને બાજુમાં ઊભી હોય એવા દ્રશ્યની કલ્પના થઈ શકે ખરી ? આપણા પુરુષપ્રધાન સમાજના માન, સન્માન કે સુવિધાઓ સર્વ પુરુષલક્ષી હોય છે.

ઓફિસમાં એક મહિલા કર્મચારીની બદલી થતાં અમારા એક મિત્રે તેમને પૂછ્યું, ‘દશ વર્ષ સુધી અહીં નોકરી કર્યા પછી હવે બીજી ઓફિસમાં એડજેસ્ટ થવાનું બહુ આકરું લાગશે નહીં ?’ બહેને કહેલું, ‘બિલકુલ નહીં. આ તો ફક્ત દશ વર્ષની વાત છે, અમે સ્ત્રીઓ બાવીશ તેવીશ વર્ષનો પિયરનો ગાઢ સંબંધ છોડી સાસરે જઈએ ત્યારથી જ એડજેસ્ટ થવાનું શીખી લઈએ છીએ ! સાસરામાં નવા માણસો, નવું ઘર, નવું વાતાવરણ….. બધું જ નવું હોય છે. એ બધાંને અનુકૂળ થઈ જવા સિવાય છૂટકો હોતો નથી. હું પરણીને આવી ત્યારે મારા સાસરે ખોરાકમાં મરચાનું પ્રમાણ એટલું વધારે હતું કે જમતી વેળા મારી આંખમાં આંસુ આવી જતા. આજે અડધો શેર કાચા મરચા ચાવી જઈ શકું એટલી ટેવાઈ ગઈ છું !’

વાત ખોટી નથી. સ્ત્રીને કુદરતે સ્ટ્રેચેબલ પ્રકૃતિ આપી છે. તેમણે સંસારની ગમે તેવી તીવ્ર તીખાશ પચાવી જવી પડતી હોય છે. મરચાંવાળી રસોઈ શું આખેઆખા મરચાંછાપ પતિ જોડે પણ જીવન જીવી લેવું પડે છે. અનુકૂલન સ્ત્રીઓનો સૌથી મોટો સદગુણ હોય છે. એકવાર એક મિત્રે કહેલું, ‘મારી પત્નીને પારકા ઝઘડામાં ભારે રસ. બન્યું એવું કે એ પાડોશીને ત્યાં ઉછીની ખાંડ લેવા ગઈ તે જ ક્ષણે પાડોશીએ છૂટી ફૂલદાનીનો ઘા તેની પત્ની પર કર્યો. ફૂલદાની દીવાલ પર અફળાઈને બે ટૂકડા થઈ ગઈ. એ નિહાળી પત્ની એવી રીતે મારી પાસે દોડી આવી જાણે દશ લાખની લોટરી લાગી હોય ! હું તંદ્રામાં હતો, મને હચમચાવી નાખતાં કહ્યું, ‘આ તમને તો ઊંઘવા સિવાય બીજો ધંધો જ નથી. કાંઈ ખબર છે બાજુમાં શું ચાલી રહ્યું છે ? બેય વચ્ચે જબરી ઝામી ગઈ છે. સાંજે બેસવાને બહાને જઈશું. ફૂલદાનીના બે ફાડચા થઈ ગયા છે. હું નજરે જોઈને આવી છું !’ સાંજે અમે ગયા તો શું જોઈએ છીએ ? પતિ પત્ની એક સોફા પર અડોઅડ બેસી તેમની સાતમી મેરેજ ઍનીવરસરીમાં કોને કોને બોલાવવા તેનું લીસ્ટ બનાવી રહ્યા હતા. બન્નેએ હસીને અમને આવકાર્યા. દૂર દૂર સુધી તેમના ચહેરા પર પેલા ઝઘડાનું નામનિશાન નહોતું. મારી પત્નીનું મોઢું પડી ગયું. મેં ટેબલ પર પડેલી ફૂલદાની તરફ પત્નીનું ધ્યાન ઈશારાથી દોર્યું. ફૂલદાનીમાં સુંદર ફૂલો શોભતા હતા. બાજુમાં ફેવિકોલની નાની બોટલ પડી હતી. શોધવા નીકળીએ તો સંસારમાંથી આવી તૂટેલી ફૂલદાનીઓ લાખોની સંખ્યામાં મળી આવે… પણ તે સમજદારીના ફેવિકોલથી સુંદર રીતે સંધાયેલી હોય છે. તેનાથી કમરાની શોભા જરાય ઘટતી નથી.

સ્વ. પન્નાલાલ પટેલે તેમની કોઈ વાર્તામાં લખ્યું છે : ‘હું ગલ્લે પાન ખાવા જઈ રહ્યો હતો. ત્યાં મેં જોયું કે એક ઘરમાં પત્ની પોતાના પતિ પર છૂટી રકાબીઓ ફેંકી રહી હતી. થોડી વાર પછી હું પાછો ફર્યો ત્યારે મેં તીરછી નજરે જોયું તો બન્ને હસતા હસતા ફર્સ પર પડેલા રકાબીના ટૂકડા ભેગા કરી રહ્યાં હતાં !’ માણસ નાનો હોય કે મોટો, દરેકના જીવનમાં ઝઘડા થાય છે. જેમના ફેવિકોલમાં દમ હોતો નથી તેમના ઝઘડા લાંબા ચાલે છે. સંતો કહે છે : ‘જીવનમાં પ્રેમથી મહાન બીજું કાંઈ નથી !’ પણ દાંપત્ય જીવનમાં પ્રેમ કરતાં અનુકૂલનનું મહત્વ વધી જાય છે. અનુકૂલન હોય તો પ્રેમ વિના ય માણસો સુખથી જીવી શકે છે. એક ફિલ્મી ગીતમાં અનુકૂલનનો જીવનમંત્ર સુંદર રીતે વ્યક્ત થયો છે. ‘દો કદમ તુમ ભી ચલો દો કદમ હમ ભી ચલે…. મંઝિલે ફિર પ્યારકી આયેગી ચલતે ચલતે !’ બન્ને પક્ષ સમાધાનની દિશામાં બે બે ડગલા આગળ વધે તો સંસારની ફૂલદાની અવશ્ય મહેકી ઊઠે !

પતિને ભર શિયાળામાં ય ફૂલ પંખો જોઈતો હોય અને પત્નીને પંખો મુદ્દલે ના ફાવતો હોય ત્યારે અનુકૂલનની ખાસ જરૂર પડે છે. અમારા એક મિત્ર દંપતિને ત્યાં આવી સ્થિતિ છે. પત્નીને પંખો નથી ફાવતો એથી એ કાને સ્કાર્ફ બાંધી લઈ જાડો ચારસો ઓઢી લે છે. અને પતિ મહાશય પંખો પાંચને બદલે ત્રણ પર રાખી (થોડા ઓછા પવનથી) ચલાવી લે છે. કોઈકે સાચુ કહ્યું છે – ‘લાઈફ ઈઝ નથીંગ બટ એન આર્ટ ઓફ એડજેસ્ટમેન્ટ !’ પતિ પત્ની પોતાની જરૂરિયાતો કે ગમા અણગમાઓને થોડા ફ્લેક્સિબલ બનાવીને પરસ્પરને અનુકૂળ ન થઈ શકે તો દાંપત્ય જીવનમાં નિરંતર સંઘર્ષની શક્યતા રહે છે. સંઘર્ષ પ્રેમ રૂપી ફૂગ્ગા માટે ટાંકણીની ગરજ સારે છે. મનદુઃખ એ પ્રેમની કબર છે, અને સંઘર્ષ એટલે પ્રેમની પનોતી ! યાદ રહે સંસારમાં દરેક ફૂલદાની બ્રેકેબલ (તૂટવા પાત્ર) હોય છે. એથી પ્રત્યેક દંપતિએ ઘરમાં પ્રેમનો ફેવિકોલ રાખવો જરૂરી છે. દરેકની ફૂલદાની તો જરૂર તૂટે છે. પરંતુ એને ઠીક રીતે સાંધીને ફરી એમાં આનંદ ઉલ્લાસના પુષ્પો સજાવીએ એમાં દાંપત્ય જીવનની શોભા રહેલી છે.
.

[2] એલ્યુમિનિયમની કાણી થાળી

હમણાં એક મિત્રની ખબર કાઢવા હૉસ્પિટલ જવાનું બન્યું. ત્યાં 80 વર્ષના એક બીમાર વૃદ્ધે આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું, ‘મારે બબ્બે દીકરા હોવા છતાં મારી સેવાચાકરી નોકર કરે છે. આઝાદીની લડાઈમાં અંગ્રેજોની બેસુમાર લાઠીઓ ખાધા પછી હું અડીખમ રહ્યો હતો. પરંતુ મારા ખુદના લોહીએ જે મૂઢ માર માર્યો છે તેની વેદનાથી હું ભાંગી પડ્યો છું. આ ઉંમરે સમજાય છે કે, એકાદ શ્રવણ જેવો દીકરો હોય તો ઘડપણની લાજ રહે…. નહીંતર આવા દીકરાઓ તો દસ હોય તોય બાપની લાશ રઝળી જાય….!’

કમનસીબે આ વૃદ્ધની વેદના આજે ઘરઘરની કહાણી બની ગઈ છે. હમણાં એક દીકરાએ માબાપ જોડે લડીને ઘરમાં અલગ ચૂલો માંડ્યો. એના લગ્ન થયાને આઠેક મહિના થયા હતા. બધાંએ બહુ સમજાવ્યા, પણ દીકરો વહુ અલગ થઈને જ જંપ્યા. તેમના ઘરડા માબાપને વા, બ્લડપ્રેશર, સુગર, મોતિયો વગેરેની તકલીફ. પણ રડતા હૃદયે એમણે વહુદીકરાની જીદ સામે ઝૂકવું પડ્યું. આજે સ્થિતિ એવી છે કે કમરેથી વળી ન શકે એવી વૃદ્ધ માતાએ ચૂલામાં ફૂંક મારવી પડે છે. અને બાથરૂમ સુધી જવામાંય મુશ્કેલી પડે એવા વૃદ્ધે ડગુમગુ ચાલીને શાકભાજી માટે બજાર સુધી આવવું પડે છે. આવું નિહાળ્યા પછી સમજાય છે કે – ‘દીકરા સમા કોઈ દેવ નહીં, અને દીકરા સમા કોઈ દુશ્મન નહીં !’ આ પણ ભારતીય સંસ્કૃતિની જ એક તાસીર છે. નવી પેઢી વૃદ્ધોને તરછોડે છે એ નિર્વિવાદ હકીકત છે. ઘણીવાર એવું ય જોવા મળે છે કે, બે દીકરાઓ લડીને અલગ થઈ જાય અને ઘરવખરી ભેગી મા-બાપની ય વહેંચણી કરી લે. એક દીકરો મુંબઈ રહેતો હોય, બીજો અમદાવાદ. ઘડપણમાં દીકરાઓને વાંકે સારસ બેલડી જેવા વૃદ્ધો એકમેક વિના ઝૂરીઝૂરીને મરે ! દીકરા વહુને મૃત્યુપર્યંત માવતરના અસલી રોગની ખબરે ના પડે ! તેમને કોણ સમજાવે કે ઘરડી ઉંમરનો વિરહ કેન્સર કરતાંય વધુ ભયંકર હોય છે.

સોમાંથી સીત્તેર ઘરોમાં એવું થાય છે કે, ઘરમાં વહુ આવી નથી કે ચૂલા અલગ થયા નથી ! ચૂલા અલગ ન થાય તોય મન તો અલગ થઈ જ જાય છે. એથી ઉત્તમ તો એજ કે માવતરે દીકરા વહુનો પ્રેમ પામવો હોય તો લગ્ન પછી તેમને અલગ ઘર વસાવી લેવાનો સામેથી આગ્રહ કરવો. આખા ગામને જાણ થાય એ રીતે લડી-વઢીને છૂટા થવા કરતાં વિદેશોની જેમ પ્રથમથી જ વહુ દીકરાને અલગ સંસાર ફાળવી દેવો. દીકરો સજ્જન હશે તો અલગ રહ્યા પછીય માવતરની દેખભાળ રાખશે અને દુષ્ટ હશે તો જિંદગીભર સાથે રાખીનેય શાંતિથી બટકું રોટલો ખાવા નહીં દે. માવતરે પણ પરણિત દીકરાના જીવનમાં પોતાનું સ્થાન અને માન જળવાઈ રહે તે રીતે જીવવાની કુનેહ કેળવી લેવી જોઈએ. પહેલી નજરે ન સમજાય એવું સત્ય એ છે કે દીકરો પરણે પછી તેના પ્રારંભિક દાંપત્યજીવનમાં તેને સ્વાભાવિક જ માબાપના વાત્સલ્યપ્રેમ કરતાં પત્ની પાસેથી મળતા શૃંગારિક પ્રેમની વિશેષ તલબ રહેતી હોય છે. આ કુદરતી અવસ્થા છે. નવા સિપાઈને પોતાની બંદૂક વધારે વહાલી લાગે છે ! હું સમજદાર સાસુ તેને ગણું જે રોટલી વણતી વહુના હાથમાંથી વેલણ લઈ તેને પ્રેમથી કહે – ‘જા બેટા, તું આખો દિવસ ઘરમાં કંટાળી હોઈશ. રસોઈ હું સંભાળી લઈશ…. તું તારા પતિ જોડે બહાર ફરી આવ !’ વહુ તીખી હશે તોય તેને સાસુનું આવું વલણ ગમશે. લાંબે ગાળે એના સારા પરિણામ આવી શકશે.

દરેક વહુ પોતાની સાસુને રિવાજ મુજબ મમ્મી કહેતી હોય છે પણ માનતી નથી હોતી. બલકે કેટલીક વહુઓને તો સાસુઓની એવી એલર્જી હોય છે કે ઘરમાંથી તેનો કાંટો કાઢીને જંપે છે. ક્યાંક એક વાર્તા વાંચવા મળી હતી. એક લડાયક સ્ત્રી પોતાના પતિની ઉપરવટ જઈને સાસુને ઘરડાઘરમાં મૂકવા જાય છે. પણ ત્યાં એ જુએ છે કે પોતાની માતાને લઈને એની ભાભી પણ ત્યાં ભરતી કરાવવા આવી હતી. તે નિહાળી એને હૈયે ચોટ પહોંચે છે. અને પોતાની ભૂલ સમજાય છે. એવી એક અન્ય વાર્તા ટીવી પર જોવા મળી હતી. પોતાની ઘરડી સાસુ પર જુલમ ગુજારતી એક માથાભારે વહુ રોજ ઍલ્યુમિનિયમની કાણી થાળીમાં સાસુને ખાવાનું આપતી હતી. વહુનો નાનો દીકરો રોજ એ જોતો. એક દિવસ દીકરાએ થાળી સંતાડી દીધી. વહુએ તે જોઈ પૂછ્યું. ‘બેટા, થાળી કેમ સંતાડે છે ?’ દીકરો જવાબ આપે છે – ‘મમ્મી, આ થાળી હું તારે માટે સાચવી રાખીશ. તું દાદી જેવી ઘરડી થશે ત્યારે હું પણ તને આજ થાળીમાં ખાવાનું આપીશ !’ સત્ય એ છે કે આજે આપણે વડીલો સાથે જે રીતે વર્તીશું તે રીતે આપણા સંતાનો આવતી કાલે આપણી સાથે વર્તશે. અજાણપણે તેમને આપણા વર્તનમાંથી એવા સંસ્કાર પ્રાપ્ત થાય છે. એથી ઘડપણમાં શીતળ છાંયડો ઈચ્છતા હો તો આંગણે આસોપાલવ રોપવો રહ્યો. બાવળ રોપીશું તો કાંટા જ પ્રાપ્ત થશે. આપણી ધર્મપ્રધાન સંસ્કૃતિમાં ભગવાનની લળીલળીને પૂજા કરાય છે. ભલે કરાતી….. પણ જેમને સેવાની સાચી જરૂર છે એવા વૃદ્ધોની અવહેલના ના થવી જોઈએ. ઘરડા બાપને પાંચ વારનું પોતિયું ન પહેરાવી શકતો દીકરો કૃષ્ણની મૂર્તિને જરકસી જામા અને પિતાંબર પહેરાવે છે. બાપને જીવતા જીવત પાશેર ખમણ ન ખવડાવી શકતો દીકરો તેના મૃત્યુ પછી નાતને મણના લાડુ જમાડે છે. આ બધું ત્યજવા જેવું છે. માવતરને જીવતા જીવત જે સુખો આપશો તે જ તેને મળશે. તેના મૃત્યુ બાદ ગાય કાગડાને શ્રાદ્ધનો વાસ નાખવાનો કોઈ ફાયદો નથી. સમજદાર દીકરાઓ માને છે, માબાપના મર્યા બાદ જ્ઞાતિને લાડુને દૂધપાક જમાડવાને બદલે આખી જિંદગી માબાપને જ મિષ્ઠાન્ન જમાડીશું તો શ્રાદ્ધની જરૂર જ ના રહે.

લોકો બે પાંચ હજાર રૂપિયાનું સાગ સિસમનું મંદિર ઘરમાં વસાવે છે. અને તેમાં ચોવીસ કલાક ઈલેક્ટ્રિક દીવડો જલતો રહે એવી વ્યવસ્થા કરીને ખુશ થાય છે. પરંતુ ચોવીસ કલાક માબાપનો જીવ જલતો રહે તેવી રીતે જીવવાનું બંધ નથી કરતા. જે ઘરમાં વડીલો રિબાતાં હોય તે ઘરમાં માણસોને મંદિરમાં પ્રવેશવાની સખત મનાઈ ફરમાવવી જોઈએ. મારું ચાલે તો એવી વ્યવસ્થા કરું, જ્યાં મંદિરમાં પ્રવેશતા પૂર્વે એવા માણસો પાસેથી તેમના વડીલોનું એન.ઓ.સી. (નો ઓબ્જેકશન સર્ટિફિકેટ) માંગવામાં આવે. એક દીકરાને હું ઓળખું છું. જે બીમાર બાપને કેપ્સ્યુલ ગળવા પાશેર દૂધ આપવામાં કંજુસાઈ કરે છે, પણ શિવલિંગ પર રોજ શેર દૂધનો અભિષેક કરે છે. (દેશમાં કોણ જાણે કેટલાંય શિવલિંગો એ રીતે અપવિત્ર બનતા હશે.) આવી ભક્તિથી કદી કોઈ ભગવાન રાજી ન થાય. આથમતી અવસ્થામાં વૃદ્ધોને પૈસા કરતાંય સંતાનોના સ્નેહ અને હૂંફની વિશેષ આવશ્યકતા રહેતી હોય છે એ વાત એંશીની ઉંમરે પહોંચ્યા બાદ, જાતે અનુભવ્યા પછી જ સ્વીકારીશું એવી જીદ ના પકડીએ ? સુસંસ્કારની જ્યોત આજે આપણા કુટુંબમાં જલાવીશું તો ભવિષ્યમાં આપણું ઘડપણ રળિયાત થશે. સીધો દેશી હિસાબ છે. આપણા સંતાનો આપણને ઍલ્યુમિનિયમની કાણી થાળીમાં ખાવાનું ન આપે એવું આપણે ઈચ્છતા હોઈએ તો આજે જ એ થાળી ફગાવી દઈએ. ન રહેગા બાંસ ન બજેગી બાંસૂરી…!