આવી બાબતોમાં પશ્ચિમ તો હજી બચ્ચું છે ! – વિનોબા ભાવે

[ વિનોબાજીનાં એક પ્રવચનો, વક્તવ્યો અને લેખો પરથી સંકલિત-સંપાદિત કરીને ગત વર્ષે પ્રકાશિત થયેલા પુસ્તક ‘લફંગા પૈસાનું અનર્થકારણ’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકનું સંપાદન શ્રી કાન્તિભાઈ શાહે કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

પશ્ચિમમાં વિજ્ઞાનનો વિકાસ થયો છે, પણ સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરેનો એટલો વિકાસ નથી થયો. હું તો જોઉં છું કે આ બાબતમાં એમના કેટલાક વિચાર આપણી સામે સાવ બચ્ચાં જેવા લાગે છે ! આજકાલ આર્થિક ને સામાજિક ક્ષેત્રે ત્યાં સુધારા કરવાની જે બધી વાતો ચાલે છે, તે પણ હજી પ્રાથમિક અવસ્થામાં જ છે. તેમાં જોઈએ તેટલું ઊંડાણ નથી, પરિપક્વતા નથી. તે જાણે સદવિચારનો આરંભમાત્ર છે.

જ્યારે આપણે ત્યાં ઘણું ઊંડાણથી ચિંતન કરવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે ત્યાં એવો એક જીવન-વિચાર વરસોથી ઘૂંટાતો આવ્યો છે કે જે કાંઈ સંપત્તિ છે, તે બધી ઈશ્વરી વસ્તુ છે. ‘ઈશાવાસ્યં ઈદં સર્વં યત કિં ચ જગત્યાં જગત’ – આ જગતમાં જે કાંઈ છે, તે બધામાં ઈશ્વરનો વાસ છે, તે બધું ઈશ્વરનું વસાવેલું છે, તે બધું ઈશ્વરમય છે. અર્થાત્ જેમ ઈશ્વર મંગલ છે, તેમ આ બધું પણ મંગલ છે. વળી, આગળ કહ્યું, ‘તેન ત્યકતેન ભુંજીથાઃ’ સમસ્ત જગત ઈશ્વરમય છે એટલે સમર્પણ કરીને જ પ્રસાદના રૂપમાં તેનો ઉપભોગ કરવો રહ્યો. તું એના નામે ત્યાગ કરીને ભોગવ. આનાથી ચઢિયાતો જીવન સંદેશ બીજો કયો હોય !

ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરી લીધો કે માણસનું ‘સ્વામિત્વ’ સહજ જ જતું રહ્યું, પછી માલિકીની ભાવના રહી નહીં. વળી, આમ ઈશ્વરની સત્તા ઓળખીને ત્યાગવૃત્તિનો સ્વીકાર કરી લીધો, એટલે પછી બીજાઓની ભોગવૃત્તિ પ્રત્યે પણ ઈર્ષા કરવાનું કોઈ કારણ નથી રહેતું. આ જ વાત ‘મા ગૃધઃ કસ્ય સ્વિદ ધનમ’ કહીને સ્પષ્ટ કરી દીધી છે. ગૃધઃ ‘ગૃધ’ ધાતુનું રૂપ છે. અંગ્રેજીનો ‘ગ્રીડ’ શબ્દ આના પરથી જ બન્યો છે. ‘ગૃધ’ ધાતુ પરથી ‘ગૃધ્ર’ યાને ગીધ શબ્દ બન્યો છે. બીજાના ધનને હડપવાની વૃત્તિને ‘ગીધવૃત્તિ’ એવું યથાર્થ નામ આપ્યું છે, એટલે કે બીજાના ધન ઉપર ગીધ જેવી નજર ન રખાય. જો કે શંકરાચાર્યે તો આનું અદ્દભુત ભાષ્ય કરતાં કહ્યું કે બીજાના જ નહીં, પોતાના ધનની પણ કામના ન રાખ. એ ખ્યાલ જ ખોટો છે કે આ ધન મારું છે કે બીજાનું કોઈનું છે. બધું જ ધન જો ઈશ્વરનું છે તો તે મારું પણ શી રીતે હોય ? એટલે બધું ધન ઈશ્વરનું છે એમ જાણીને તેને સમાજની સેવામાં લગાડ અને તેમાંથી પ્રસાદ રૂપે લઈને સમર્પણ કરીને જીવ. આ જ ગાંધીની ટ્રસ્ટીશિપ થઈ ને ! આમ, આખાયે માનવધર્મનો, માનવ-કર્તવ્યનો સાર આ એક મંત્રમાં આવી જાય છે : (1) ઈશ્વરી સત્તાનો સ્વીકાર. તેથી (2) પોતે ત્યાગવૃત્તિથી જીવન જીવવું. અને એટલે જ (3) બીજાની ભોગવૃત્તિની ઈર્ષા ન કરવી. આવો ત્રેવડો માનવધર્મ છે. આમાં સ્વ-આત્મા, પર-આત્મા અને પરમ-આત્મા પ્રત્યેનાં માણસનાં કર્તવ્યો બાબત પૂરતો ખુલાસો થઈ જાય છે.

જીવનના તત્વજ્ઞાન બાબત આટલું બધું ઊંડું ખેડાણ આપણે ત્યાં થયેલું છે. માનવધર્મનો અને સમાજધર્મનો કેવડો મોટો આદર્શ આ એક જ મંત્રમાં આપણી સામે મૂકી દેવાયો છે ! આ આદર્શ આજકાલ સામ્યવાદની અને સમાજવાદની જે આટલી બધી ચર્ચા થાય છે તેનાથી કોઈ રીતે ઓછો નથી, બલ્કે તેનાથી ક્યાંય આગળ છે. સામ્યવાદમાંયે આ ભાવના જોઈ શકાય છે. પણ તે હજી ઓછી અને અધૂરી છે. તેઓ ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતા, એટલે ઈશ્વરને સમર્પણ નથી કરતા. એ પણ એક કમી છે. રાજનીતિશાસ્ત્રમાંયે આપણે યુરોપ કરતાં ઘણા આગળ છીએ. આ અભિમાનની વાત નથી, સમજવાની વાત છે. યુરોપમાં તમે જુઓ તો એક-એક ભાષાનું એક-એક રાષ્ટ્ર બન્યું છે. એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે ત્યાં પાસપોર્ટ-વીસાની જરૂર પડે છે. યુરોપની ભાષાઓ બધી મોટે ભાગે એક જ લિપિમાં લખાય છે, અને બધા દેશોમાં લગભગ એક જ ધર્મ ચાલે છે – મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ. ભાષાઓમાંયે કાંઈ ઝાઝો ફરક નથી. એક ભાષા જાણનારો ત્યાંના બીજા દેશની ભાષા પંદરેક દિવસમાં શીખી લઈ શકે છે. આટલી બધી એકતા ને સામ્ય હોવા છતાં યુરોપ એક દેશ નથી ગણાતો, એક ખંડ ગણાય છે. જ્યારે આટલી બધી અનેકતા – વિવિધ ભાષા, વિવિધ કોમ, વિવિધ ધર્મ વગેરે હોવા છતાં આપણો એક દેશ છે. હજારો વરસથી આપણા ઋષિ-મુનિઓ અને સંત-મહાત્માઓએ સમજણપૂર્વક અથાક પ્રયત્ન કર્યા છે, તેનું આ ફળ છે. મેં જોયું કે ઠેઠ વેદમાં કહ્યું છે કે આ પ્રદેશમાં દ્વાવિમૌ વાતૌ વાતઃ આ સિંધોઃ આ પરાવતઃ – અર્થાત્ અહીં બે વાયુ વહે છે. એક વાયુ છે પરાવતથી સિંધુ તરફ અને બીજો સમુદ્રથી પરાવત તરફ. સિંધુ એટલે દક્ષિણ મહાસાગર અને પરાવત એટલે હિમાલયની ગુફા. બધા જાણે છે કે સમુદ્ર તરફથી ચોમાસાની હવાઓ વહે છે, અને હિમાલય તરફથી પૂર્વ તરફ હવાઓ વહે છે. આ રીતે ઋગવેદમાં સુદ્ધાં સિંધુથી પરાવત સુધીનો પ્રદેશ એક માન્યો. આટલી વિવિધતાવાળા પ્રદેશને આવી રીતે એક માનવો, એ સંસ્કૃતિની નિશાની છે.

વળી, માત્ર એક માન્યો એટલું જ નહીં, તેની ભાવાત્મક એકતા કેળવવા માટે યુક્તિ પણ શોધી. ‘ભારતવર્ષ મોટી પુણ્યભૂમિ છે’ એમ કહીને લોકોને આ પ્રદેશના એક છેડેથી બીજા છેડા સુધી યાત્રા કરવા માટેયે પ્રેર્યા. તે દિવસોમાં વાહનવ્યવહારમાં કોઈ ઝડપી સાધન હજી હતાં નહીં. યાત્રા કરવાનું યે ભારે કષ્ટદાયક હતું. તેમ છતાં કાશીમાં ગંગા-કાંઠે રહેનારાને થયા કરતું કે ક્યારે હું ગંગા-જળ લઈ જઈને રામેશ્વરને ચઢાવું ! અને રામેશ્વરમાં રહેનારાને થયા કરતું કે મહાસાગરનું જળ લઈ જઈને ક્યારે હું કાશી-વિશ્વેશ્વરને ચઢાવું ! કાશી ને રામેશ્વર જાણે એના ઘરના આંગણા ને પછવાડેનો વાડો ન હોય ! વાસ્તવમાં બંને વચ્ચે પંદરસો માઈલનું અંતર છે. છતાં આપણા શ્રેષ્ઠ ઋષિઓ આપણને એવો વૈભવ આપી ગયા છે કે આપણો પરિસર આવડો મોટો પંદરસો માઈલનો છે ! આ એક અત્યંત વ્યાપક ભાવના છે, પવિત્ર ભાવના છે. હિમાલયપુત્રી ગિરિજાને ઠેઠ દક્ષિણમાં કન્યાકુમારીમાં બેસાડવી અને કેરલના શંકરાચાર્યને શ્રીનગરમાં ‘શંકરાચાર્ય પહાડ’ ઉપર બેસાડવા – આ ભારતીય સંસ્કૃતિ છે. આવો વિશાળ પ્રદેશ એક દેશ છે. પણ તે એમનેમ એક નથી બની ગયો. તેની પાછળ મહાન સાંસ્કૃતિક દષ્ટિ છે અને હજારો વરસની એકધારી તપસ્યા છે. અનેક ભેદો હોવા છતાં આપણા પૂર્વજોએ ભારે પુરુષાર્થથી આવી ભાવાત્મક એકતા સિદ્ધ કરી છે. યુરોપના કેટલાક દેશો તો આપણા એક પ્રાંત કરતાંયે નાના છે. છતાં તે દરેક પોતાને અલગ-અલગ રાષ્ટ્ર માને છે; કેમ કે આપણે ત્યાં સમાજશાસ્ત્રનું અને રાજનીતિશાસ્ત્રનું જેટલું ખેડાણ થયું છે તેટલું ત્યાં નથી થયું.

જુઓ ને ! આપણે ત્યાં અંગ્રેજો આવ્યા, એમણે જ્યાં જ્યાં રમ્ય સ્થાન (બ્યૂટી સ્પૉટ) જોયાં, ત્યાં હિલ સ્ટેશન બનાવ્યાં, પર્યટકો માટેનાં હરવા-ફરવાનાં ને મોજમજાનાં સ્થાન બનાવ્યાં; જ્યારે આપણે એવી જગ્યાઓએ તીર્થસ્થાનો ઊભાં કર્યાં અને તીર્થયાત્રાનો મહિમા કર્યો. આ પાયાનો ભેદ છે. રમ્ય સ્થાન – બ્યૂટી સ્પૉટ એ પશ્ચિમનો શબ્દ છે, આપણા દેશનો નહીં. આપણે ત્યાં તો આને ‘પવિત્ર સ્થાન’ કહે છે. એ ગિરિશિખર હોય કે નદીનો સંગમ હોય; સૌંદર્યનો મહિમા આપણે ત્યાં પણ અવશ્ય છે પણ સાથે સાથે પવિત્રતાનો પણ. આવાં સ્થાને સૌંદર્ય છે, તેમ પવિત્રતા પણ છે. આપણે સત્ય, શિવ અને સુંદરને એક જ માનીએ છીએ. પરંતુ પશ્ચિમમાં એક હવા ચાલી છે અને સૌંદર્યને ભોગની વસ્તુ બનાવી દેવાઈ છે. એટલે જ અંગ્રેજોએ અહીં આવીને તીર્થધામોને બદલે ભોગધામો ઊભાં કરી દીધાં. તેથી જ એ બધાં ‘બ્યૂટી સ્પૉટ’ ને બદલે ‘ડર્ટી સ્પૉટ’ બની ગયાં ! આ સાંસ્કૃતિક અધૂરપની કે વિકૃતિની નિશાની છે. તેથી હું કહું છું કે સમાજશાસ્ત્ર વગેરેમાં પશ્ચિમ હજી બચ્ચું છે. આપણે ત્યાં તેનું ઘણું ઊંડું ખેડાણ થયું છે.

મૂળમાં સમજવાની વાત એ છે માનવ-મનને તેમ જ માનવ-હૃદયને કેળવવાની જેટલી કોશિશ કરવી જોઈએ તેટલી યુરોપે ન કરી. તેને બદલે તેણે વધારે ધ્યાન સ્થૂળ સમાજરચના ઊભી કરવા ઉપર આપ્યું. એમનું ધ્યાન મનુષ્યના અંતર તરફ એટલું ન ગયું. પરિણામે, સમાજમાં અશાંતિ ને અસમાધાન કાયમ રહ્યાં. આના ઉપરથી એમ લાગે છે કે માણસની અંતઃશુદ્ધિ અને બહારની રચના, બંને પર પૂરું ધ્યાન અપાશે, ત્યારે જ સ્વસ્થ અને ખરા અર્થમાં સમૃદ્ધ એવો સમાજ બનશે. આ દષ્ટિએ આપણી સંસ્કૃતિનાં કેટલાંક મહત્વનાં તત્વો જળવાઈ રહે, તે તરફ આપણે પૂરતું ધ્યાન આપવું પડશે. પશ્ચિમની આંધળી નકલ કરવા ન બેસવું જોઈએ. પશ્ચિમના કેટલાક રાજકીય વિચારો આપણે જેમના તેમ સ્વીકારી લીધા છે, તે ઠીક નથી થયું. તે રાજકીય વિચારો બિલકુલ ખોટા પાયા ઉપર ઊભા છે. તેને કારણે સમાજમાં ઝઘડા ને સંઘર્ષ લગભગ કાયમના થઈ ગયા છે. આપણે લોકશાહીનો વિચાર પશ્ચિમ પાસેથી ઉધાર લઈ લીધો, અને તેને જેવો ને તેવો લાગુ પાડી દીધો. આ મોટી ભૂલ થઈ છે. આપણી પરિસ્થિતિ જુદી છે. એટલે પશ્ચિમની લોકશાહીના માળખામાં જરૂરી સુધારા-વધારા કરીને તેને આપણી પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની તાતી જરૂર છે. આ સુધારા-વધારા વિશે સર્વોદય આંદોલને ઘણી વિગતવાર ચર્ચા કરી છે, પણ તે તરફ ઉચિત ધ્યાન નથી અપાયું.

તેમાંની એક મુખ્ય વાત એટલે પશ્ચિમથી આપણે ત્યાં પેસી ગયેલા એક ભૂતને હાંકી કાઢવું. આ ભૂત કયું ? એ છે – ‘ત્રણ બોલે પરમેશ્વર, ચાર બોલે પરમેશ્વર.’ આ ભૂત ભારે ખતરનાક છે. આપણે ત્યાં તો ‘પાંચ બોલે પરમેશ્વર’ની પ્રથા વરસોની જહેમત બાદ સમાજમાં રૂઢ થઈ હતી. પાંચ જણ બેસે અને પાંચેય એકીમતે જે ફેંસલો આપે, તે પરમેશ્વરનો શબ્દ છે, એમ માનીને આપણે માથે ચઢાવતા. પરંતુ આજે આ મેજોરિટી-માયનોરિટી વાળું ભૂત આપણા માથે ચઢી બેઠું છે અને તે આજે આખી દુનિયાને પરેશાન કરી રહ્યું છે. આમાંથી કેમ છૂટવું, તે ગંભીરતાથી વિચારવા જેવું છે. હું ફરી કહું છું કે સમાજશાસ્ત્ર વગેરે કેટલીક બાબતોમાં પશ્ચિમ હજી તો બચ્ચું છે. તેની આપણે આંધળી નકલ કરવાની ન હોય. તેને બદલે આપણે ત્યાં જે ખેડાણ થયું છે, તેનો અભ્યાસ કરીને, તેને પરિશુદ્ધ ને પરિપૂર્ણ કરીને આપણે દુનિયાને નવો રસ્તો બતાવવાનો છે. તેને બદલે જે કેટલુંક પાગલપણું પશ્ચિમમાં આજે ચાલી રહ્યું છે, તેનું અનુકરણ કરવા જઈશું, તો આપણે પશ્ચિમના ગુલામ જ બની રહીશું અને આપણી અસલિયત ખોઈ બેસીશું.

[કુલ પાન : 94. કિંમત રૂ. 30. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન, હિંગલાજમાતાની વાડી, હુજરાતપાગા. વડોદરા-390001. ફોન : +91 265 2437957.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “આવી બાબતોમાં પશ્ચિમ તો હજી બચ્ચું છે ! – વિનોબા ભાવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.