આવી બાબતોમાં પશ્ચિમ તો હજી બચ્ચું છે ! – વિનોબા ભાવે

[ વિનોબાજીનાં એક પ્રવચનો, વક્તવ્યો અને લેખો પરથી સંકલિત-સંપાદિત કરીને ગત વર્ષે પ્રકાશિત થયેલા પુસ્તક ‘લફંગા પૈસાનું અનર્થકારણ’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકનું સંપાદન શ્રી કાન્તિભાઈ શાહે કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

પશ્ચિમમાં વિજ્ઞાનનો વિકાસ થયો છે, પણ સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરેનો એટલો વિકાસ નથી થયો. હું તો જોઉં છું કે આ બાબતમાં એમના કેટલાક વિચાર આપણી સામે સાવ બચ્ચાં જેવા લાગે છે ! આજકાલ આર્થિક ને સામાજિક ક્ષેત્રે ત્યાં સુધારા કરવાની જે બધી વાતો ચાલે છે, તે પણ હજી પ્રાથમિક અવસ્થામાં જ છે. તેમાં જોઈએ તેટલું ઊંડાણ નથી, પરિપક્વતા નથી. તે જાણે સદવિચારનો આરંભમાત્ર છે.

જ્યારે આપણે ત્યાં ઘણું ઊંડાણથી ચિંતન કરવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે ત્યાં એવો એક જીવન-વિચાર વરસોથી ઘૂંટાતો આવ્યો છે કે જે કાંઈ સંપત્તિ છે, તે બધી ઈશ્વરી વસ્તુ છે. ‘ઈશાવાસ્યં ઈદં સર્વં યત કિં ચ જગત્યાં જગત’ – આ જગતમાં જે કાંઈ છે, તે બધામાં ઈશ્વરનો વાસ છે, તે બધું ઈશ્વરનું વસાવેલું છે, તે બધું ઈશ્વરમય છે. અર્થાત્ જેમ ઈશ્વર મંગલ છે, તેમ આ બધું પણ મંગલ છે. વળી, આગળ કહ્યું, ‘તેન ત્યકતેન ભુંજીથાઃ’ સમસ્ત જગત ઈશ્વરમય છે એટલે સમર્પણ કરીને જ પ્રસાદના રૂપમાં તેનો ઉપભોગ કરવો રહ્યો. તું એના નામે ત્યાગ કરીને ભોગવ. આનાથી ચઢિયાતો જીવન સંદેશ બીજો કયો હોય !

ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરી લીધો કે માણસનું ‘સ્વામિત્વ’ સહજ જ જતું રહ્યું, પછી માલિકીની ભાવના રહી નહીં. વળી, આમ ઈશ્વરની સત્તા ઓળખીને ત્યાગવૃત્તિનો સ્વીકાર કરી લીધો, એટલે પછી બીજાઓની ભોગવૃત્તિ પ્રત્યે પણ ઈર્ષા કરવાનું કોઈ કારણ નથી રહેતું. આ જ વાત ‘મા ગૃધઃ કસ્ય સ્વિદ ધનમ’ કહીને સ્પષ્ટ કરી દીધી છે. ગૃધઃ ‘ગૃધ’ ધાતુનું રૂપ છે. અંગ્રેજીનો ‘ગ્રીડ’ શબ્દ આના પરથી જ બન્યો છે. ‘ગૃધ’ ધાતુ પરથી ‘ગૃધ્ર’ યાને ગીધ શબ્દ બન્યો છે. બીજાના ધનને હડપવાની વૃત્તિને ‘ગીધવૃત્તિ’ એવું યથાર્થ નામ આપ્યું છે, એટલે કે બીજાના ધન ઉપર ગીધ જેવી નજર ન રખાય. જો કે શંકરાચાર્યે તો આનું અદ્દભુત ભાષ્ય કરતાં કહ્યું કે બીજાના જ નહીં, પોતાના ધનની પણ કામના ન રાખ. એ ખ્યાલ જ ખોટો છે કે આ ધન મારું છે કે બીજાનું કોઈનું છે. બધું જ ધન જો ઈશ્વરનું છે તો તે મારું પણ શી રીતે હોય ? એટલે બધું ધન ઈશ્વરનું છે એમ જાણીને તેને સમાજની સેવામાં લગાડ અને તેમાંથી પ્રસાદ રૂપે લઈને સમર્પણ કરીને જીવ. આ જ ગાંધીની ટ્રસ્ટીશિપ થઈ ને ! આમ, આખાયે માનવધર્મનો, માનવ-કર્તવ્યનો સાર આ એક મંત્રમાં આવી જાય છે : (1) ઈશ્વરી સત્તાનો સ્વીકાર. તેથી (2) પોતે ત્યાગવૃત્તિથી જીવન જીવવું. અને એટલે જ (3) બીજાની ભોગવૃત્તિની ઈર્ષા ન કરવી. આવો ત્રેવડો માનવધર્મ છે. આમાં સ્વ-આત્મા, પર-આત્મા અને પરમ-આત્મા પ્રત્યેનાં માણસનાં કર્તવ્યો બાબત પૂરતો ખુલાસો થઈ જાય છે.

જીવનના તત્વજ્ઞાન બાબત આટલું બધું ઊંડું ખેડાણ આપણે ત્યાં થયેલું છે. માનવધર્મનો અને સમાજધર્મનો કેવડો મોટો આદર્શ આ એક જ મંત્રમાં આપણી સામે મૂકી દેવાયો છે ! આ આદર્શ આજકાલ સામ્યવાદની અને સમાજવાદની જે આટલી બધી ચર્ચા થાય છે તેનાથી કોઈ રીતે ઓછો નથી, બલ્કે તેનાથી ક્યાંય આગળ છે. સામ્યવાદમાંયે આ ભાવના જોઈ શકાય છે. પણ તે હજી ઓછી અને અધૂરી છે. તેઓ ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતા, એટલે ઈશ્વરને સમર્પણ નથી કરતા. એ પણ એક કમી છે. રાજનીતિશાસ્ત્રમાંયે આપણે યુરોપ કરતાં ઘણા આગળ છીએ. આ અભિમાનની વાત નથી, સમજવાની વાત છે. યુરોપમાં તમે જુઓ તો એક-એક ભાષાનું એક-એક રાષ્ટ્ર બન્યું છે. એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે ત્યાં પાસપોર્ટ-વીસાની જરૂર પડે છે. યુરોપની ભાષાઓ બધી મોટે ભાગે એક જ લિપિમાં લખાય છે, અને બધા દેશોમાં લગભગ એક જ ધર્મ ચાલે છે – મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ. ભાષાઓમાંયે કાંઈ ઝાઝો ફરક નથી. એક ભાષા જાણનારો ત્યાંના બીજા દેશની ભાષા પંદરેક દિવસમાં શીખી લઈ શકે છે. આટલી બધી એકતા ને સામ્ય હોવા છતાં યુરોપ એક દેશ નથી ગણાતો, એક ખંડ ગણાય છે. જ્યારે આટલી બધી અનેકતા – વિવિધ ભાષા, વિવિધ કોમ, વિવિધ ધર્મ વગેરે હોવા છતાં આપણો એક દેશ છે. હજારો વરસથી આપણા ઋષિ-મુનિઓ અને સંત-મહાત્માઓએ સમજણપૂર્વક અથાક પ્રયત્ન કર્યા છે, તેનું આ ફળ છે. મેં જોયું કે ઠેઠ વેદમાં કહ્યું છે કે આ પ્રદેશમાં દ્વાવિમૌ વાતૌ વાતઃ આ સિંધોઃ આ પરાવતઃ – અર્થાત્ અહીં બે વાયુ વહે છે. એક વાયુ છે પરાવતથી સિંધુ તરફ અને બીજો સમુદ્રથી પરાવત તરફ. સિંધુ એટલે દક્ષિણ મહાસાગર અને પરાવત એટલે હિમાલયની ગુફા. બધા જાણે છે કે સમુદ્ર તરફથી ચોમાસાની હવાઓ વહે છે, અને હિમાલય તરફથી પૂર્વ તરફ હવાઓ વહે છે. આ રીતે ઋગવેદમાં સુદ્ધાં સિંધુથી પરાવત સુધીનો પ્રદેશ એક માન્યો. આટલી વિવિધતાવાળા પ્રદેશને આવી રીતે એક માનવો, એ સંસ્કૃતિની નિશાની છે.

વળી, માત્ર એક માન્યો એટલું જ નહીં, તેની ભાવાત્મક એકતા કેળવવા માટે યુક્તિ પણ શોધી. ‘ભારતવર્ષ મોટી પુણ્યભૂમિ છે’ એમ કહીને લોકોને આ પ્રદેશના એક છેડેથી બીજા છેડા સુધી યાત્રા કરવા માટેયે પ્રેર્યા. તે દિવસોમાં વાહનવ્યવહારમાં કોઈ ઝડપી સાધન હજી હતાં નહીં. યાત્રા કરવાનું યે ભારે કષ્ટદાયક હતું. તેમ છતાં કાશીમાં ગંગા-કાંઠે રહેનારાને થયા કરતું કે ક્યારે હું ગંગા-જળ લઈ જઈને રામેશ્વરને ચઢાવું ! અને રામેશ્વરમાં રહેનારાને થયા કરતું કે મહાસાગરનું જળ લઈ જઈને ક્યારે હું કાશી-વિશ્વેશ્વરને ચઢાવું ! કાશી ને રામેશ્વર જાણે એના ઘરના આંગણા ને પછવાડેનો વાડો ન હોય ! વાસ્તવમાં બંને વચ્ચે પંદરસો માઈલનું અંતર છે. છતાં આપણા શ્રેષ્ઠ ઋષિઓ આપણને એવો વૈભવ આપી ગયા છે કે આપણો પરિસર આવડો મોટો પંદરસો માઈલનો છે ! આ એક અત્યંત વ્યાપક ભાવના છે, પવિત્ર ભાવના છે. હિમાલયપુત્રી ગિરિજાને ઠેઠ દક્ષિણમાં કન્યાકુમારીમાં બેસાડવી અને કેરલના શંકરાચાર્યને શ્રીનગરમાં ‘શંકરાચાર્ય પહાડ’ ઉપર બેસાડવા – આ ભારતીય સંસ્કૃતિ છે. આવો વિશાળ પ્રદેશ એક દેશ છે. પણ તે એમનેમ એક નથી બની ગયો. તેની પાછળ મહાન સાંસ્કૃતિક દષ્ટિ છે અને હજારો વરસની એકધારી તપસ્યા છે. અનેક ભેદો હોવા છતાં આપણા પૂર્વજોએ ભારે પુરુષાર્થથી આવી ભાવાત્મક એકતા સિદ્ધ કરી છે. યુરોપના કેટલાક દેશો તો આપણા એક પ્રાંત કરતાંયે નાના છે. છતાં તે દરેક પોતાને અલગ-અલગ રાષ્ટ્ર માને છે; કેમ કે આપણે ત્યાં સમાજશાસ્ત્રનું અને રાજનીતિશાસ્ત્રનું જેટલું ખેડાણ થયું છે તેટલું ત્યાં નથી થયું.

જુઓ ને ! આપણે ત્યાં અંગ્રેજો આવ્યા, એમણે જ્યાં જ્યાં રમ્ય સ્થાન (બ્યૂટી સ્પૉટ) જોયાં, ત્યાં હિલ સ્ટેશન બનાવ્યાં, પર્યટકો માટેનાં હરવા-ફરવાનાં ને મોજમજાનાં સ્થાન બનાવ્યાં; જ્યારે આપણે એવી જગ્યાઓએ તીર્થસ્થાનો ઊભાં કર્યાં અને તીર્થયાત્રાનો મહિમા કર્યો. આ પાયાનો ભેદ છે. રમ્ય સ્થાન – બ્યૂટી સ્પૉટ એ પશ્ચિમનો શબ્દ છે, આપણા દેશનો નહીં. આપણે ત્યાં તો આને ‘પવિત્ર સ્થાન’ કહે છે. એ ગિરિશિખર હોય કે નદીનો સંગમ હોય; સૌંદર્યનો મહિમા આપણે ત્યાં પણ અવશ્ય છે પણ સાથે સાથે પવિત્રતાનો પણ. આવાં સ્થાને સૌંદર્ય છે, તેમ પવિત્રતા પણ છે. આપણે સત્ય, શિવ અને સુંદરને એક જ માનીએ છીએ. પરંતુ પશ્ચિમમાં એક હવા ચાલી છે અને સૌંદર્યને ભોગની વસ્તુ બનાવી દેવાઈ છે. એટલે જ અંગ્રેજોએ અહીં આવીને તીર્થધામોને બદલે ભોગધામો ઊભાં કરી દીધાં. તેથી જ એ બધાં ‘બ્યૂટી સ્પૉટ’ ને બદલે ‘ડર્ટી સ્પૉટ’ બની ગયાં ! આ સાંસ્કૃતિક અધૂરપની કે વિકૃતિની નિશાની છે. તેથી હું કહું છું કે સમાજશાસ્ત્ર વગેરેમાં પશ્ચિમ હજી બચ્ચું છે. આપણે ત્યાં તેનું ઘણું ઊંડું ખેડાણ થયું છે.

મૂળમાં સમજવાની વાત એ છે માનવ-મનને તેમ જ માનવ-હૃદયને કેળવવાની જેટલી કોશિશ કરવી જોઈએ તેટલી યુરોપે ન કરી. તેને બદલે તેણે વધારે ધ્યાન સ્થૂળ સમાજરચના ઊભી કરવા ઉપર આપ્યું. એમનું ધ્યાન મનુષ્યના અંતર તરફ એટલું ન ગયું. પરિણામે, સમાજમાં અશાંતિ ને અસમાધાન કાયમ રહ્યાં. આના ઉપરથી એમ લાગે છે કે માણસની અંતઃશુદ્ધિ અને બહારની રચના, બંને પર પૂરું ધ્યાન અપાશે, ત્યારે જ સ્વસ્થ અને ખરા અર્થમાં સમૃદ્ધ એવો સમાજ બનશે. આ દષ્ટિએ આપણી સંસ્કૃતિનાં કેટલાંક મહત્વનાં તત્વો જળવાઈ રહે, તે તરફ આપણે પૂરતું ધ્યાન આપવું પડશે. પશ્ચિમની આંધળી નકલ કરવા ન બેસવું જોઈએ. પશ્ચિમના કેટલાક રાજકીય વિચારો આપણે જેમના તેમ સ્વીકારી લીધા છે, તે ઠીક નથી થયું. તે રાજકીય વિચારો બિલકુલ ખોટા પાયા ઉપર ઊભા છે. તેને કારણે સમાજમાં ઝઘડા ને સંઘર્ષ લગભગ કાયમના થઈ ગયા છે. આપણે લોકશાહીનો વિચાર પશ્ચિમ પાસેથી ઉધાર લઈ લીધો, અને તેને જેવો ને તેવો લાગુ પાડી દીધો. આ મોટી ભૂલ થઈ છે. આપણી પરિસ્થિતિ જુદી છે. એટલે પશ્ચિમની લોકશાહીના માળખામાં જરૂરી સુધારા-વધારા કરીને તેને આપણી પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની તાતી જરૂર છે. આ સુધારા-વધારા વિશે સર્વોદય આંદોલને ઘણી વિગતવાર ચર્ચા કરી છે, પણ તે તરફ ઉચિત ધ્યાન નથી અપાયું.

તેમાંની એક મુખ્ય વાત એટલે પશ્ચિમથી આપણે ત્યાં પેસી ગયેલા એક ભૂતને હાંકી કાઢવું. આ ભૂત કયું ? એ છે – ‘ત્રણ બોલે પરમેશ્વર, ચાર બોલે પરમેશ્વર.’ આ ભૂત ભારે ખતરનાક છે. આપણે ત્યાં તો ‘પાંચ બોલે પરમેશ્વર’ની પ્રથા વરસોની જહેમત બાદ સમાજમાં રૂઢ થઈ હતી. પાંચ જણ બેસે અને પાંચેય એકીમતે જે ફેંસલો આપે, તે પરમેશ્વરનો શબ્દ છે, એમ માનીને આપણે માથે ચઢાવતા. પરંતુ આજે આ મેજોરિટી-માયનોરિટી વાળું ભૂત આપણા માથે ચઢી બેઠું છે અને તે આજે આખી દુનિયાને પરેશાન કરી રહ્યું છે. આમાંથી કેમ છૂટવું, તે ગંભીરતાથી વિચારવા જેવું છે. હું ફરી કહું છું કે સમાજશાસ્ત્ર વગેરે કેટલીક બાબતોમાં પશ્ચિમ હજી તો બચ્ચું છે. તેની આપણે આંધળી નકલ કરવાની ન હોય. તેને બદલે આપણે ત્યાં જે ખેડાણ થયું છે, તેનો અભ્યાસ કરીને, તેને પરિશુદ્ધ ને પરિપૂર્ણ કરીને આપણે દુનિયાને નવો રસ્તો બતાવવાનો છે. તેને બદલે જે કેટલુંક પાગલપણું પશ્ચિમમાં આજે ચાલી રહ્યું છે, તેનું અનુકરણ કરવા જઈશું, તો આપણે પશ્ચિમના ગુલામ જ બની રહીશું અને આપણી અસલિયત ખોઈ બેસીશું.

[કુલ પાન : 94. કિંમત રૂ. 30. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન, હિંગલાજમાતાની વાડી, હુજરાતપાગા. વડોદરા-390001. ફોન : +91 265 2437957.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સમાજ ચિંતન …. – દિનેશ પાંચાલ
વિદાય – ગિરીશ ગણાત્રા Next »   

12 પ્રતિભાવો : આવી બાબતોમાં પશ્ચિમ તો હજી બચ્ચું છે ! – વિનોબા ભાવે

 1. abcd says:

  excellent… !!! new generation plz read this…

 2. Vijay says:

  પશ્ચિમમાં આજે ચાલી રહ્યું છે, તેનું અનુકરણ કરવા જઈશું, તો આપણે પશ્ચિમના ગુલામ જ બની રહીશું અને આપણી અસલિયત ખોઈ બેસીશું.

  >> Who cares? We are short sighted and selfish.

 3. Kaushali says:

  નમસ્તે, વિનોબાજી પ્રત્યે ઘણો આદર છે પણ આ લેખ મારા ગળે નથી ઉતરતો. અંગ્રેજો આવ્યા એ પહેલા દેશ માં બધુજ સારું હતું એમ તો નહોતું. “આ જગતમાં જે કાંઈ છે, તે બધામાં ઈશ્વરનો વાસ છે, તે બધું ઈશ્વરનું વસાવેલું છે, તે બધું ઈશ્વરમય છે. ” તો પછી આપના લોકો કેમ અમુક લોકો ને અડવા માં પણ પાપ સમજતા હતા? એ તો કંઈ અંગ્રેજો એ કહ્યું નહોતું? ધન સંગ્રહ પણ હતો જ પહેલા ના જમાના માં અંગ્રેજો આવ્યા પહેલા. જમીનદારો ના અત્યાચાર કોણ નથી જણાતું. બીજી વાત, “જ્યારે આટલી બધી અનેકતા – વિવિધ ભાષા, વિવિધ કોમ, વિવિધ ધર્મ વગેરે હોવા છતાં આપણો એક દેશ છે. ” મારા માનવા પ્રમાણે આટલી બધી વિવિધ ભાષા કેમ કરાવી પડી? હું નથી માનતી કે ભારત માં વિવિધ ભાષા ઓ છતાં એકતા હતી. નહીતો અંગ્રેજો ફાવત જ નહિ. દેશ ત્યારે પણ જ્ઞાતિ વાદ માં વિભાજીત હતો અને અત્યારે પણ ચીજ. એમાં એન્ગ્રેજ કે પશ્ચિમ ને કંઈ લેવા દેવા નથી. ઉપર થી મેં ક્યાય એવું નથી સાંભળ્યું કે પશ્ચિમ માં એક પ્રાંત ના લોકો બીજા પ્રાંત ના લોકો ને વખોડે. ત્રીજું કે “રમ્ય સ્થાન – બ્યૂટી સ્પૉટ એ પશ્ચિમનો શબ્દ છે, આપણા દેશનો નહીં. આપણે ત્યાં તો આને ‘પવિત્ર સ્થાન’ કહે છે.” આ વાત સાથે પણ સમાંત નથી. આપણે ભલે પવિત્ર સ્થાન કહીએ પણ શું પહેલા કે આજે પણ આપણે ખરેખર પ્વીત્રત્ર જાળવીએ છીએ? મંદિર ની બહાર જ ઉકરડો. અંગ્રેજો આવ્યા એ પહેલા પણ આપણે માનવ કે પશુ બલી માં માનતા હતા. હજુ એ ચાલે છે. ચાલો એ વાત બાજુ પર મુકીએ તો પણ જો જો શિવાલય ની આસપાસ કે માતાજી ના મંદિર ની આજુ બાજુ કે નદી માં રીવાજો ને નામે કેટલું પ્રદુષણ કર્યે છીએ? આને ખરેખર પવિત્ર કહેવાય? મારા માટે તો આ આંખ ને ગમતું દ્રશ્ય જ નથી. હા આ લેખ ની એક વાતે સહમત કે આપણે પશ્ચિમ નું આંધળું અનુકરણ કરવા ને બદલે મૂળ ભારતીય વ્યવસ્થા માં સુધારા કરવા પડશે. સામાન્ય રીતે મોટા ભાગ ના લોકો નવેસર થી વિચારવા ના બદલે જે સૌથી સરળ હોય અને કોઈકે અજમાવેલો હોય એ જ રસ્તો અપનાવે છે. અહિયાં મારો પ્રયાસ ભારત ના લોકો ખરાબ અને પશ્ચિમ ના લોકો સારા એમ કહેવા નો કોઈ જ પ્રયાસ નથી. મારો વિરોધ ફક્ત બધી બાબત માં પશ્ચિમ ને વખોડવા વિષે છે. સમાજ વ્યવસ્થા માં પૂર્વ કે પશ્ચિમ ના બદલે બદલાતા જતા માનવ સ્વભાવ ને ધ્યાન માં રાખી નવી વ્યવસ્થા ની રચના વિષે નું છે.

 4. જગત દવે says:

  આ લેખમાં ઈર્ષ્યાભાવ ડોકાય છે અને હારી ગયેલા સ્પર્ધક જેવો ભાવ છે. “આવી બાબતોમાં પશ્ચિમ તો હજી બચ્ચું છે !” શિર્ષકમાં જ પ્રછન્ન સ્વીકાર છે કે આપણે ધણી બાબતોમાં હજું પાછળ છીએ અને પશ્ચિમ આગળ નીકળી ગયુ છે. ઊપર લખેલ કૌશાલીબેનની વાતો અમુક લોકો ને ડંખશે પણ એ સત્ય ની કડવાશ છે.

  મૂળભુત રીતે આપણા અને પશ્ચિમનાં ચિંતનમા જ ભેદ છે. આપણું ચિંતન દુઃખ નિવૃતિનું ચિંતન છે અને પશ્ચિમનું ચિંતન સુખ વૃધ્ધિનું ચિંતન છે. વેદએ આપણને ૧. ધર્મ ૨. અર્થ ૩. કામ અને ૪. મોક્ષ આ ક્રમમાં કર્મો ને ગોઠવી આપ્યા અને આપણે આ ક્રમ ને ઊલટાવી નાખ્યો અને આપણું ચિંતન એકાંગી બન્યું જેમાં ફક્ત મોક્ષને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું. કામ અને અર્થ ને દુઃખનું કારણ માનવામાં આવ્યા અને ધર્મને તો ટીલા-ટપકાં-ધૂપ-દિવા-દોરા-ઘાગામાં ગૂંગળાવી માર્યો. ધર્મના નામે બાહ્યાચારો ને એટલું પ્રાધાન્ય આપ્યું કે લગભગ દરેક ભારતીય દંભી અથવા બેવડું વ્યક્તિત્વ ઘરાવતો થઈ ગયો. જેનો સૌથી વધુ ફાયદો કહેવાતા ધાર્મિક આગેવાનો ને અને રાજકીય આગેવાનો એ લીધો અને આજે પણ લૂંટી રહ્યા છે.

  • vijay says:

   ધર્મના નામે બાહ્યાચારો ને એટલું પ્રાધાન્ય આપ્યું કે લગભગ દરેક ભારતીય દંભી અથવા બેવડું વ્યક્તિત્વ ઘરાવતો થઈ ગયો. જેનો સૌથી વધુ ફાયદો કહેવાતા ધાર્મિક આગેવાનો ને અને રાજકીય આગેવાનો એ લીધો અને આજે પણ લૂંટી રહ્યા છે.

   >> Till we accept, no one can exploit us.

 5. yogi pande says:

  There are only two opinions which shows that there is very poor response even in sharing for philosophy and culture –By living nice social and comfortable life and giving opinions is a fashion now a days –if you dare to live like vinoba bhave and then you write makes some sense !!! if you see the heading ‘લફંગા પૈસાનું અનર્થકારણ’–this clearly indicates that it is intended to write on corruption and money earned thorugh wrong means –then this will seem to be suitable —

 6. Ashish Dave, Sunnyvale, California says:

  Comments are more interesting than the article itself…

  Ashish Dave

 7. Jagruti Vaghela(USA) says:

  એ વાત સાચી કે આપણે ત્યાં પશ્ચિમનું અનુકરણ થાય છે પર્ંતુ ફક્ત આંધળુ અને અધુરા જ્ઞાન જેવુ અનુકરણ થાય છે. પશ્ચિમમાં રમ્ય સ્થળોએ હજારો લોકો ફરવા જતા હોય છે અને અમુક જગ્યાઓ જેવી કે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેવી જગ્યાએ કલાકો લાઈનમા વેઈટ કરવુ પડે છતાય કોઈ લાઈન તોડતુ નથી કે નહી કોઈ ધક્કમુક્કી કે ક્યાંય જરાય ગંદકી જોવા મળતી નથી. આપણે તો જ્યાંજ્યાં ટેકરા ભાળ્યા ત્યાં દેરીઓ અને મંદિરો બનાવી દીધા અને દર્શનના સમય લિમિટેડ રાખીને ટોળાઓને ધક્કમુક્કીમા લોકો પડી જાય ને ચગદાઈ જાય એવી વ્યવસ્થા. મારો પણ કહેવાનો અર્થ એવો નથી કે પશ્ચિમના લોકો સારા અને ભારતના ખરાબ. કૌશાલિબેને લખ્યુ છે તેમ સમાજ વ્યવસ્થા માં પૂર્વ કે પશ્ચિમ ના બદલે બદલાતા જતા માનવ સ્વભાવ ને ધ્યાન માં રાખી નવી વ્યવસ્થા ની રચના વિષે નું છે.

 8. બન્ને વિચ્રાર વા જેવા તોપિક ચે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.