વિદાય – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.]

પપ્પાને અકસ્માત થયાના સમાચાર મળતાં જ બંને ભાઈઓ હૉસ્પિટલમાં દોડી ગયા. બેંગલોરની હોસ્પિટલમાં ફરજ બજાવતા નાના ભાઈ મનીષને સમાચાર આપવા કે ન આપવા એ અંગે બંને ભાઈઓમાં દ્વિધા હતી એટલે બાને પૂછ્યું. હૉસ્પિટલના વિઝિટર્સ રૂમના સોફા પર બેઠેલાં દેવીબહેને અંતરને ઢંઢોળ્યું અને પછી કોઈ એવી સ્ફૂરણાથી બોલ્યાં : ‘મનીષને બોલાવી લો તો સારું. આમેય એ ડૉક્ટર છે તો સલાહ-સૂચના માટે કામ લાગે….’ અને પછી વિચારમાં ડૂબી ગયાં. ક્યાંય સુધી વિચાર કર્યા પછી અધૂરું વાક્ય પૂરું કર્યું, ‘જોકે હમણાંહમણાં જ ડૉક્ટર થયો છે એટલે એની કેટલી સલાહ ઉપયોગી થાય ? અહીં તો આપણે શહેરના પ્રખ્યાત ડૉક્ટરોને કામે લગાડી દીધા છે. હવે પછી તમારી મરજી.’

બંને ભાઈઓએ ચર્ચા કર્યા પછી નક્કી કર્યું કે મનીષને બોલાવી લીધો સારો. પપ્પાના આ અકસ્માતે બા ઢીલાં થઈ ગયાં છે. એના મનમાં કંઈ ગડમથલ ચાલી રહી છે પણ આપણને કહેતાં નથી. આવે વખતે આપણે બંને ભાઈઓ હાજર છીએ, બહેન પણ બાની બાજુમાં બેસી રહી છે. એક નાનો દીકરો જ હાજર નથી. એની હાજરીથી ફેર પડી જાય ખરો. બાને બહુ સારું લાગશે.

બંને ભાઈઓએ મનીષને ફોન કર્યો અને પપ્પાને નડેલા અકસ્માતની વાત કરી. વાત સાંભળી મનીષે પૂછ્યું :
‘કેવી રીતે અકસ્માત થયો ?’
‘આપણી ફેક્ટરીના મોટા ખુલ્લા કંપાઉન્ડમાં આપણે એક બીજી ફેક્ટરી ઊભી કરી રહ્યા છીએ. તું તો પપ્પાનો સ્વભાવ જાણે છે. બધી બાબતોમાં ચોકસાઈ કરતા જ રહે. ફેક્ટરીની ઊંચી છતમાં લોખંડના ગર્ડલ્સનું વેલ્ડીંગકામ ચાલતું હતું ત્યારે પપ્પા એ કામગીરી જોવા ગયા. એ વખતે ક્રેન વડે એક ગર્ડલ ઉપર ચડાવાતો હતો ત્યારે એ ઊંટડામાંથી સરક્યો અને પપ્પા પર પડ્યો….’
‘ઓહ માય ગુડનેસ’ મનીષ બોલ્યો, ‘માથા પર ઈજા થઈ છે ?’
‘હા. ખોપરીમાં સખત વાગ્યું છે. પપ્પા બેભાન છે….’
‘હું આવું છું. જે પહેલું પ્લેન મળ્યું તે પકડી લઉં છું. મને હૉસ્પિટલનું નામ આપો.’
‘ડૉ. ગરીબાની હૉસ્પિટલ. આપણા ઘરની બાજુમાં.’
‘ખ્યાલ છે. હું ડૉ. ગરીબાને ઓળખું છું. ઘણા સિનિયર સર્જન છે. તમે એને કહેજો કે હેડ-સ્કેન કરાવી લે. જોકે એ તો એણે કર્યું જ હોય. ચાલો, હું નીકળી જઉં છું.’

ચીનુભાઈની હાલત ખૂબ જ નાજુક હતી. એને ઈન્ટેન્સિવ કેર યુનિટમાં રાખેલા. અત્યારે નાના કાકી એમની બાજુમાં બેઠેલાં એટલે ડૉક્ટરની પ્રાઈવેટ હૉસ્પિટલના વિઝિટર્સ રૂમમાં એમના સગાંવહાલાં વિલાયેલાં ચહેરે બેઠાં હતાં. આમ જોઈએ તો બાંસઠ વર્ષના ચીનુભાઈ એમની ફેક્ટરી જેટલા જ મજબૂત હતા. એમને જોયા પછી કોઈ ન કહે કે એ સાઠી વટાવી ગયા હશે. સદાય તાજામાજા, ચુસ્ત અને સ્ફૂર્તિલા લાગતા ચીનુભાઈની ઉંમરનો અંદાજ કાઢવાનું કોઈને કહે તો એ અચકાતા અચકાતા બાવન-ત્રેપન વર્ષ કહે અને પછી ઉંમરેય ખરા કે કદાચ એથી બે-ત્રણ વર્ષ નાના પણ હોય. એમની વય કરતાં દસ વર્ષ નાના દેખાતા ચીનુભાઈની તંદુરસ્તીનું રહસ્ય એમનાં પત્ની દેવીબહેનને આભારી હતું. દેવીબહેનને થવું હતું ડૉક્ટર પણ પોતાના શહેરની મેડીકલ કૉલેજમાં એડમિશન ન મળતાં એમણે નર્સિંગ કૉલેજનો ડિપ્લોમા કર્યો. એમના કુટુંબની સ્થિતિ એમને બહારગામ અભ્યાસ કરવાના ખર્ચ ઉપાડવા જેટલી સદ્ધર નહોતી. મેડીકલ લાઈનની અદમ્ય ઈચ્છાએ છેવટે એમને એ જ ક્ષેત્રમાં અભ્યાસ કરવા પ્રેરી.

નર્સિંગનો અભ્યાસ પૂરો કરી એ એક હૉસ્પિટલમાં નર્સ તરીકે જોડાયાં ત્યાં જ એમને માટે ચીનુભાઈનું માગું આવ્યું. એ વખતે ચીનુભાઈ કૉલેજનો અભ્યાસ પૂરો કરી પિતાની હાર્ડવેરની દુકાને બેસી ગયા હતા. બંને કુટુંબો મધ્યમ સ્થિતિનાં. આમ જોઈએ તો બંને કુટુંબો સામાન્ય અને સમોવડિયાં કહેવાય પણ દેવીબહેનનો ગૌર વાન અને ચમકાવતી આંખોના કામણ ચીનુભાઈ પર જાદુ જમાવી ગયા એટલે પહેલી નજરના પ્રેમને આખરી ગણી ચીનુભાઈએ દેવીબહેન જોડે લગ્ન કરી સંસારનું પગથિયું ચડી લીધું. ઘરમાં નર્સ-પત્ની આવી એટલે ચીનુભાઈ તો ઠીક, ઘરમાં સૌની ખોરાક અંગેની ટેવો બદલાવા માંડી. ભલભલા ભીમસેનની તબિયતના ચૂથાં ઉડાડી દે એવા મસાલાભર્યા, આચરકૂચર પદાર્થો થાળીમાંથી અદશ્ય થવા લાગ્યા. સીધો, સાદો, સાત્વિક ખોરાક શરીરના માંસ-મેદની રક્ષા કરતા થઈ ગયા. એમનાં બાળકો પણ આ જ રીતે ઊછર્યાં. આવા, શરીરે સમૃદ્ધ એવા ચીનુભાઈ આ અકસ્માતને જીરવી જશે એવું સૌએ અનુમાન કર્યું હતું પણ સાંજે સાત વાગ્યે મનીષ આવ્યો ત્યારે ડૉક્ટર પુત્ર અને નર્સ માતાએ ચીનુભાઈના રિપોર્ટ તપાસ્યા, લંબાણપૂર્વક ચર્ચા કરી, ડૉક્ટરને મળ્યા અને એ પછી એમના ચહેરા પર જે ગંભીરતા છવાઈ હતી એનાથી સૌને ચિંતા થઈ. ઈલેક્ટ્રોએન્સિફેલોગ્રામ ફલેટ હતા. રેસ્પિરેટર પર ચીનુભાઈનું હૃદય ધબકતું હતું. હાથ-પગના મસલ્સ પર બંધાયેલી પ્લાસ્ટિકની નળીઓ વારેવારે ઊંચીનીચી થતી રહેતી. ચીનુભાઈની ખુલ્લી છાતીઓ પર ગોઠવાયેલી અને એધેસિવ ટેપથી બંધાયેલી ઑક્સિજનની નળીઓ ચીનુભાઈને જીવતા રાખવાનો પ્રયત્ન કરતી હતી.

‘મા, એક વખત મોનિટરનો અભ્યાસ કરી લઈએ તો ?’
‘હું હમણાં જ જઈ આવી. છતાંય તું સાથે છે તો….તો… ચાલ.’ મેટ્રેનની રજા લઈ બંને મોનિટર બેન્કની ડેસ્ક પર ગયાં. ચીનુભાઈની નાજુક હાલતનો ક્યાસ કાઢી લીધો. હાર્ટરે-152, બ્લડપ્રેશર-85 અનુભવી શકાય એવું. શરીરની ચામડી શ્વેદયુક્ત, ભીની, ભૂરા રંગના ટપકાંવાળી, ચામડીનો રંગ ભૂરો, આંખની કીકીઓ ખૂબ જ પહોળી થઈ ગયેલી, નિર્જિવ પારદર્શક. મનીષે ક્લિપ-બોર્ડ પરનો ચાર્ટ જોયો. ડૉક્ટરે ગોળીઓ લખી આપી હતી. ‘મા’, મનીષ માતાને માનું સંબોધન કરતો, ‘તેં મેડિસિનનો અભ્યાસ કર્યો છે. આ દવા ક્યારે અપાય તેની તને ખબર હશે.’
‘દીકરા’ માએ પુત્રના ખભા પર હાથ મૂકતાં કહ્યું, ‘છેલ્લા બાર કલાકથી હું અહીં છું. દર કલાકે હું દવાની અસરનો અભ્યાસ કરતી રહી છું. લાઈફ સેવિંગ્સ ડ્રગ્સ છ કલાકે પણ અસર ન કરે ત્યારે દર્દીની હાલત કેવી હોય એ તું કલ્પી શકે છે. હવે તો પરમાત્મા જે કરે તે ખરું. તેં ટેમ્પરેચર ચાર્ટ જોયો ?’
‘હા. બહુ સારો નથી.’
‘જ્યારે શરીરનું તાપમાન વધતું રહે ત્યારે જિંદગી પર જોખમ વધી જાય. તારા પપ્પાનું ટેમ્પરેચર અત્યારે 105 ડિગ્રી કરતાંય વધી ગયું છે. આ સારી નિશાની તો નથી જ.’ પુત્ર અને માતા અત્યારે મેડીકલ સાયન્સનાં તારણો કાઢી રહ્યાં હતાં.

એકાદ કલાક પછી ડૉક્ટર ગરીબાએ માતા-પુત્રને પોતાની ચેમ્બરમાં બોલાવ્યાં અને ચિંતાજનક સ્વરમાં બોલ્યા :
‘તમારે કોઈ તજજ્ઞને બતાવવું છે ?’
‘ડૉ. તલાટી અને ડૉ. દસ્તુર જેવા નિષ્ણાત ન્યૂરોસર્જન આપણી પડખે છે એટલે બીજા કોઈને બતાવવાની જરૂર ખરી ?’
‘હું તો નથી માનતો પરંતુ પોતાના સ્વજનની ટ્રીટમેન્ટમાં ક્યાંય ઊણપ ન રહી જાય અને પાછળથી વસવસો ન થાય એ ખાતર મેં સૂચન કર્યું.’
‘તમે પપ્પાને વેન્ટિલેટર પર રાખ્યા છે એટલે…..’
‘ડૉ. દસ્તુરનું સૂચન હતું. હેડ-સ્કેનમાં મેસિવ સેરેબ્રલ હેમરેજ આવ્યું છે. પેશન્ટને મગજ પર વધુ પીડા ન થાય એટલા માટે આમ કરવું પડ્યું છે…. વેલ, મેં તમને એટલા માટે બોલાવ્યાં છે કે….કે….. આઈ એમ બીટ વરીડ અબાઉટ યોર ફાધર્સ કન્ડિશન…..’
‘યસ ડૉક્ટર, વી નો ઈટ.’ દેવીબહેને ડૉક્ટરને આશ્વાસન આપતાં કહ્યું, ‘મારો પુત્ર હમણાં હમણાં ડૉક્ટર થયો છે એટલે દર્દીને આ હાલતમાં શું થઈ શકે એ અંગે થોડુંઘણું જાણે છે, પણ વર્ષો પહેલાં મેં નર્સિંગનો ડિપ્લોમા કરેલો હતો. અહીંની એક હોસ્પિટલમાં દોઢેક વર્ષ નર્સ તરીકે પણ કામ કરેલું….’
‘રીઅલી ?’
‘હા, જોકે, અમારા વખતે મેડીકલ સાયન્સે આટલી પ્રગતિ કરી નહોતી તેમ છતાંય હું આ વ્યવસાયના સંપર્કમાં થોડીઘણી રહું છું એટલે મારા વરની હાલત અંગે હું સજાગ છું. તમારે જે કહેવું હોય તે સ્પષ્ટ કહી દેશો.’
‘થેન્ક યુ. તમે મારી મૂંઝવણ દૂર કરી દીધી. આવા કેસોમાં દર્દીનાં સગાંવહાલાંને દર્દીની હાલત અંગે કઈ રીતે વાકેફ કરવા એની અમને મૂંઝવણ થતી જ હોય છે. મારે તમને એટલું જ કહેવાનું છે કે હું આ કેસ અંગે બહુ આશાસ્પદ નથી, તેમ છતાંય અમારા સઘળા પ્રયત્નો ચાલુ જ છે. આવતા બાર કલાક વધુ ક્રિટિકલ છે. લેટ્સ પ્રે ઓલમાઈટી ગોડ. ઈશ્વરને પ્રાર્થના કરવાથી મનને સારું લાગશે. જેણે જીવન આપ્યું છે એની પાસેથી જ જીવનની યાચના કરીએ.’

મા-દીકરો ડૉ. ગરીબાની ચેમ્બરમાંથી બહાર નીકળ્યાં. કેર-યુનિટના ઝાંખા પ્રકાશમાં દેવીબહેન પતિ પાસે બેસી રહ્યાં. એમના પગના તળિયે પોતાનો હાથ ઘસતાં, શરીર પરથી પરસેવો લૂછતાં અને ચીકણી બની જતી ચામડીને નેપકીનથી ઘસતાં એ સુશ્રુષા કરતાં રહ્યાં. વારંવાર એમની નજર મોનિટર પર ફરતી રહેતી. રાત્રિના નીરવ વાતાવરણમાં કેર-યુનિટની સ્તબધતામાં એ મનોમન નારાયણ કવચનો પાઠ કરતાં હતાં. પોતે એક વખત નર્સ હતાં એની જાણ અન્ય નર્સોને થતાં એ વારંવાર દેવીબહેન પાસે આવી જતાં અને દર્દીની તપાસ કરી લેતાં. અન્ય નર્સો જાણતી હતી કે દર્દીની ગંભીર સ્થિતિની ચર્ચા, નર્સિંગના અનુભવવાળી આ સ્ત્રી સાથે કરવાનો કોઈ હેતુ નથી. મૌનની ભાષા જ બધું કહી દેતી હોય છે. આ રાત બહુ કઠિન હતી, આકરી હતી, ધીરજની પરીક્ષા સમાન હતી. પથારીમાં એવું એક શરીર લંબાયેલું હતું, જે એમનું સર્વસ્વ હતું. સાડત્રીસ વર્ષના સાયુજ્યમાં એ એમના શ્વાસે જીવી હતી, એમની સાથે ડગલાં માંડતા ઘણા ઘણા વિકટ પંથ પાર પાડ્યા હતા, તો સુખના સાગરની છાલક પણ લીધી હતી. આજે એ શરીરને ઊછીના શ્વાસ જરૂર છે અને એ આપી શકે એમ નહોતા. આ શ્વાસ જો બંધ થાય તો ? દેવીબહેનનો હાથ અનાયાસે કપાળ તરફ વળ્યો. એક સેન્ટીમીટરની ગોળાઈવાળું પેલું લાલ શુભ ચિહ્ન પછી ક્યારેય કરવાનું નહિ રહે કે શું ?

સવારના સાત વાગ્યે મોટી પુત્રવધૂ ચાનું થર્મોસ લઈને આવી. આંખનું મટકું માર્યા વિના પસાર કરેલી રાતને આવા બહારી અવલંબનની જરૂર ખરી. એણે મનીષને ઉઠાડી એની સાથે ચા પીધી. પુત્રે હૉસ્પિટલના સોફા પર જ રાત પસાર કરી હતી. સવારે નવ વાગ્યે ડૉ. ગરીબા યુનિટમાં આવ્યા. મોનિટર બેન્કના ડેસ્ક પર રાખેલા બધાં મોનિટર એમણે તપાસ્યા. ચાર નંબરનું મોનિટર કંઈક જુદા જ સંકેતો બતાવતું હતું. એ ચાર નંબરના યુનિટમાં ગયા. માતા અને પુત્ર ત્યાં બેઠાં હતાં. ડૉક્ટરે શરીરનું તાપમાન લીધું. થર્મોમીટર 92 ફેરનહીટ બતાવતું હતું. હાર્ટ-રેટ સીત્તેરથી નીચે જવા લાગ્યો હતો. બ્લડપ્રેશર ઘટીને 70-72 પર પહોંચી ગયું હતું. એમને ધીરેથી દેવીબહેનને કહ્યું : ‘પેશન્ટ ઈઝ સ્લોવલી સિંકિંગ ડાઉન.’
‘હા, હું જાણું છું. બહાર બેઠેલા બધા સંબંધીઓને વારાફરતી બોલાવી લઉં ?’
‘આવી પરિસ્થિતિમાં એ યોગ્ય ગણાશે.’ કહી ડોક્ટર ચાર નંબરના યુનિટમાંથી બહાર નીકળી ગયા. કોઈને સંદેહ ન પડે એ રીતે દેવીબહેને પુત્રો-પુત્રવધૂઓને અને બાળકોને યુનિટમાં બોલાવી લીધાં. બધાં પાંચ-સાત મિનિટ ગૂપચૂપ ઊભાં રહી બહાર નીકળી ગયાં.

દેવીબહેને મનીષ સામે જોયું. મનીષ ડૉક્ટરને બોલાવી લાવ્યો. ડૉક્ટરે નર્સને ઈંજેકશન તૈયાર કરવાનું કહ્યું.
‘ડૉક્ટર’ દેવીબહેને કહ્યું, ‘આ ઈંજેકશન કંઈ અસર કરી શકશે ? પ્લીઝ, તમે તમારો સ્પષ્ટ મત મને આપો.’
ડૉકટર ખચકાયા. નર્સ ઈન્જેકશન તૈયાર કરીને આવી.
‘પ્લીઝ ડૉક્ટર….’ દેવીબહેન કરગર્યાં.
આખરે ડોક્ટરને કહેવું પડ્યું : ‘બહેન, ઈન્જેકશન માત્ર આશ્વાસન છે.’
‘કોને માટે ?’
‘મારા માટે. મને એમ થાય કે મેં છેલ્લો પ્રયત્ન કરી લીધો હતો.’
‘એવા ખોટા આશ્વાસનથી મારા પતિના જીવવાના ચાન્સ નથી તો શા માટે એમના આ શરીરને એક નાનકડી સોયથી પણ દુઃખ આપવું ? મને અને મારા પુત્રને ખાતરી થઈ ગઈ છે કે હવે એમનું મગજ મૃત્યુ પામ્યું છે. માત્ર આ દવાઓ અને મશીનથી એમના ફેફસાં શ્વાસ લઈ રહ્યા છે. તમે શું કહો છો ?’
‘રાત્રે હું રાઉન્ડમાં આવ્યો ત્યારે જ મારે તમને કહેવું જોઈતું હતું કે પેશન્ટને મેડીકલી મૃત્યુ પામ્યા કહી શકાય. મગજના તમામ સેલ્સ જ્યારે ખલાસ થઈ ગયા હોય ત્યારે…. યુ નો, હું તમને શું કહેવા માગું છું ?’
‘યસ વી નો’ મનીષે કહ્યું, ‘મારા પિતા મૃત્યુ પામ્યા છે એની અમને વહેલી સવારથી જ ખાતરી થઈ ગઈ છે.’
‘ડૉક્ટર’ દેવીબહેને ધીરેથી કહ્યું, ‘હવે નર્સને કહો કે રેસ્પિરેટર બંધ કરી દે.’

બ્લડપ્રેશર ચાળીસથી નીચે ચાલી ગયું હતું અને હૃદયના ધબકારા ત્રીસથી નીચે પહોંચી ગયા હતા. દેવીબહેને પતિના બે પગ વચ્ચે માથું મૂક્યું અને બોલ્યાં, ‘સુખેથી સિધાવો નાથ. સાડત્રીસ વર્ષ સુધી હું તમારા પગલે પગલે ચાલી છું. તમારા હૃદયના એકેએક ધબકારથી માહિત છું. આટલાં વર્ષોમાં, જાણ્યેઅજાણ્યે મેં તમને દુભવ્યા હોય તો માફ કરી દેશો. આપણે સાથે મળીને જે આ સંસાર-બાગ ખીલવ્યો છે એને હું ક્યારેય ઊજડવા નહિ દઉં એવી તમારા ચરણે પ્રતિજ્ઞા લઉં છું અને પ્રભુ પાસે તમારા આત્માની સુખ-શાંતિ માગું છું. સુખેથી સંચરો….’ લગભગ દોઢ-બે મિનિટ પતિના ચરણ પર માથું ટેકવી દેવીબહેન નમી રહ્યાં. એ પછી એમણે મસ્તક ઊંચું કર્યું. સાડલાથી આંસુ લૂછીને પુત્રને કહ્યું :
‘બેટા, પપ્પાના આત્માને શાંતિ વાંછો.’
મનીષ રડી પડ્યો. એણે પિતાના ચરણસ્પર્શ કર્યા.
ડૉક્ટરને બદલે હવે દેવીબહેને જ નર્સને કહ્યું : ‘સિસ્ટર રેસ્પિરેટર બંધ કરશો ?’ નર્સ ખચકાઈ. એણે ડૉક્ટર સામે જોયું. ડોક્ટરે આંખના ઈશારાથી અનુમતિ આપી. સિસ્ટરે વાલ્વને ફેરવ્યો. મોનિટરે એક નાનકડો અવાજ કરી એની રેખાઓને સપાટ કરી દીધી.

પતિના શરીર પર ચાદર ઓઢાડી પુત્રના ખભા પર હાથ મૂકી દેવીબહેન જ્યારે યુનિટમાંથી બહાર નીકળતાં હતાં ત્યારે એમણે પુત્રની સામે જોઈ કહ્યું :
‘ભાઈ, મેં કંઈ ખોટું નથી કર્યું ને ?’
‘ના, મા’ માતાનો ખભો પકડીને પુત્રે આશ્વાસન આપ્યું, ‘પપ્પા છેલ્લા બાર કલાકથી જે કષ્ટ ભોગવી રહ્યા હતા એ મેં નજરે જોયું છે. એમને વધુ દુઃખ થાય તે પહેલાં એમને તેં શાંતિથી વિદાય આપી એ મને ગમ્યું. મા, તું ખરેખર મહાન છો. પોતાના પતિને આ રીતે વિદાય આપવાનું કોઈ સ્ત્રીને ન ગમે. તેં જે આટલો વખત હિંમત રાખી એ જ મારે માટે મોટો પાઠ છે. મા, એક બીજી વિનંતી કરું ?’
‘બોલ બેટા.’
‘હવે સૌની સામે મોટે મોટેથી રડીને પપ્પાના આત્માને દુઃખ નહિ પહોંચાડે ને ?’
માતાએ પુત્ર સામે જોયું અને પછી સાડલાથી આંખના આંસુ લૂછી બોલી : ‘નહિ રડું બેટા. આ આઘાતને હું જીરવી જઈશ.’

દેવીબહેન અને મનીષ બહાર આવ્યાં ત્યારે એમનો ચહેરો જોઈ સૌ સમજી ગયા હતા. એમણે બંને પુત્રો-પુત્રવધૂઓને બાથમાં લઈ કહ્યું, ‘તમારા પપ્પાએ શાંતિથી વિદાય લઈ લીધી છે. આટલા નાનકડા આશ્વાસન સાથે એમના અંતિમસંસ્કારની વિધિની તૈયારી કરો.’ દેવીબહેને સાડલાથી મોં ઢાંકી દીધું. થોડી વાર પછી એમણે મોં લૂછ્યું ત્યારે કપાળ પરથી પેલું સૌભાગ્ય ચિહ્ન ભૂંસાઈ ગયું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

56 thoughts on “વિદાય – ગિરીશ ગણાત્રા”

Copy Protected by Chetan's WP-Copyprotect.