શબ્દ : મારું કુળદૈવત – ભગવતીકુમાર શર્મા

[‘નવનીત સમર્પણ’ સામાયિક મે-2011માંથી સાભાર.]

અમદાવાદ નજીકના દેહગામનાં હીરાબહેન આત્મારામ ત્રવાડી અને સુરતના હરગોવિન્દ શર્મા ઘેલાભાઈનું હું એકનું એક અને આખરી સંતાન ન હોત, સાત વર્ષની વય સુધી મારો ઉછેર સુરત, સોનીફળિયાની વાગીશ્વરી માતાની પોળમાં અને તે પછી આજ પર્યંત દેસાઈ પોળ, એની બેસન્ટ રોડ પર હું રહ્યો ન હોત તો હું બીજું કંઈ પણ અને અન્ય કંઈ પણ હોત, પરંતુ ભગવતીકુમાર શર્મા ન હોત એ વિશે મારા મનમાં કશી અવઢવ નથી. માતાની ઋજુતા, સંવેદનશીલતા અને વાચનરસિકતાનો તથા પિતાની વિદ્યાપ્રીતિ, નિઃસ્પૃહતા, સ્વમાનશીલતા અને નાટ્યસંગીતાભિરુચિનો વારસો મને મળ્યો છે અને તેને મેં જીવની પેઠે જાળવ્યો છે.

વાગીશ્વરી માતાની પોળમાં આવેલા વડીલોપાર્જિત મકાનના કાતરિયા જેવા એક ઓરડામાં આજથી બોતેર વર્ષ પહેલાં મારો જન્મ. હવે તો એ કાતરિયા જેવો ઓરડો રહ્યો નથી, પણ મને માનસિક રીતે તેનું એવું ફેસિનેશન છે કે છેલ્લાં પાંસઠ વર્ષથી હું જ્યાં વસેલો છું તે એક સદી કરતાં પુરાણા, ખડખડ પાંચમ જેવા, અગવડોથી ઊભરાતા મકાનને છોડીને ક્યાંક સુંદર સદનમાં રહેવા જવાની મને સમૂળગી ઈચ્છા જ થતી નથી, કેમ કે હું જે કાંઈ છું, જે કાંઈ બની શક્યો છું તેના સાદ્યંત સાક્ષીની ભૂમિકા મારા આધારે જ નિભાવી છે.

કેવું આ ઘર અને કેવું તેનું લોકેશન ! વચ્ચે બહુમાળી એપાર્ટમેન્ટ નહોતું નડતું ત્યારે હું મારા ઘરની બારીમાંથી ‘એની બેસન્ટ હોલ’ જોઈ શકતો અને ત્યાં ભજવાતાં નાટકોના સંવાદો, ગવાતાં ગીતો અને બોલાતી ગઝલોના ધ્વનિઓ હું ઘેરબેઠાં સાંભળી શકતો. આજથી પચાસ-પોણોસો વર્ષ પહેલાંના નાનકડા, રંક પણ સંસ્કારી સુરતનું એ એક સંસ્કારકેન્દ્ર હતું અને મારે માટે તે એક જીવંત પાઠશાળાથી લગીરેય ઊતરતું ન હતું કેમ કે ત્યાં જ મેં નાટક, ગીત-સંગીત અને મુશાયરાઓના આસ્વાદનાં હકડેઠઠ મંડાણ કર્યાં હતાં. એ ‘એની બેસન્ટ હોલ’થી માંડ પચાસેક કદમ છેટે ‘હિન્દુ મિલન મંદિર’ જ્યાં ગણેશોત્સવ વેળાએ ભજવાતાં નાટકો અને યોજાતાં કવિ-સંમેલનોનો હું આકંઠ રસિયો અને પછી 1953માં મેં મારા જીવનમાં પહેલી વાર કવિ તરીકે કવિ-સંમેલનમાં ભાગ લીધો તે પણ ત્યાં જ. હજી મને મારા ધ્રૂજતા હાથમાંની કવિતાની નોટબુકનો થરકાટ, પગોનું કંપન, શરીરે છૂટેલા પ્રસ્વેદવાળું બદન અને સકંપ અવાજનો પુનરનુભવ થાય છે.

મારા ઘરથી થોડેક જ છેટે, તાપી નદીને તટે અને હોપપુલની પડખે વળી એક ‘નગીનચંદ હોલ’ની સંસ્કારગૃહ તરીકે ખ્યાતિ અને સંગીતમાર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુરની સંનિધિમાં વહેલી સવાર સુધી ચાલતા શાસ્ત્રીય સંગીતના જલસાઓથી માંડીને ગઝલસમ્રાટ શયદાની ઉપસ્થિતિ સહિતના મુશાયરાઓ મારાં રસ અને રુચિનાં પરમકેન્દ્રો ! અને વળી એ જ સભાગૃહને ભોંયતળિયે વિશાળ ઐતિહાસિક લાઈબ્રેરી જેના કંપાઉન્ડમાં એક કાળે પદવાંચ્છુ, વીર નર્મદ અજંપ બની ડાંફો ભરતો હતો ત્યારે એ જ સભાગૃહમાં ઠરેલ, ઠાવકા કવિ દલપતરામ કાવ્યપાઠ કરી રહ્યા હતા અને હું નર્મદનો નગરબંધુ અને દલપતરામનો જ્ઞાતિબંધુ એ જ સભાગૃહ, એ જ પુસ્તકાલય અને એ જ પ્રાંગણમાં. મારા અસ્તિત્વના સેંકડો પ્રહરો વિતાવવા નિર્માયો હતો ! હજી એ ભૂગોળ પાસે અટકવાનું મને મન નથી થતું. મારા નિવાસથી ગણીને બરાબર ત્રણસો ડગલાંને અંતરે ‘ગુજરાત મિત્ર’ દૈનિકનું કાર્યાલય – પહેલાં હેરિટેજ પ્રકારનું અને હવે નવનિર્મિત. ચાલીસના દાયકાના ઉત્તરાર્ધમાં સુરતમાં પાણીની ભારે તંગી હતી. સૂર્યપુત્રી તાપીના તોયે અમે તટનિકટવાસીઓ તરસ્યા ! મારી મા કેટલીયે વાર ‘ગુજરાત મિત્ર’ને નળેથી પાણીનું બેડું ભરી લાવતી અને એ જળથી મારા હાથ અને પિંડ એવા તો બંધાયા કે 1950ની આસપાસ મારી સર્વપ્રથમ રચના પ્રસિદ્ધ થઈ તે ‘ગુજરાત મિત્ર’ના પૃષ્ઠ પર જ, અને તે પછીનાં ચાર જ વર્ષમાં ‘ગુજરાત મિત્ર’ સાથે મારાં લટિયાં એવાં તો ગૂંથાયાં કે આજે બાવન વર્ષ પછીએ તે વીંખાવાનું નામ નથી લેતાં ! આ ‘ગુજરાત મિત્ર’ ને મેં અડધી સદી ઉપરાંતના સમયખંડમાં મારી યથાશક્તિ મતિ કંઈક આપ્યું છે તો ‘ગુજરાત મિત્રે’ પણ મારાં વ્યક્તિત્વ અને કૃતિત્વનું ઘડતર કરવામાં સિંહભાગ ભજવ્યો છે. મારું યત્કિંચિત ગદ્ય-ઘડતર તેની પણ દેન ખરી. ‘ગુજરાત મિત્ર’ વિના હું આઘે-અધૂરે જેવો જ ગણાઉં અને છું પણ ખરો.

એ જમાનામાં સ્ત્રીઓ માટે માસિકધર્મના ત્રણ-ચાર દિવસો કૌટુંબિક સંદર્ભમાં અતિ દુઃસ્સહ નીવડતા. મારી માની સ્થિતિ પણ તેમાં અપવાદરૂપ ન હતી. કંટકશય્યાનો અનુભવ કરાવે તેવી કંતાનની પથારી પર તે ઉપેક્ષિતા અને વંચિતાની જેમ પડી રહેતી, પણ હું જોતો કે એ દોહ્યલા દિવસોમાંયે તેનો મુખ્ય આધાર, કહો કે વિસામો કોણ જાણે ક્યાંથી મેળવેલાં પુસ્તકો જ હતાં ! મારી પુસ્તકપ્રીતિનો પ્રથમ સ્ત્રોત આ ! દસ-બાર વર્ષની વયે લગ્નની કોક જાનમાં પરગામ જવાનું થયેલું અને ત્યાં મને સખત શીતળા આવ્યા. શરીરમાં તાવ ધગધગે, પણ મન પુસ્તક અને ચોપાનિયામાં ! નડિયાદથી સુરતનું અંતર મંથરગતિની ટ્રેનમાં ગાળવાનું બન્યું ત્યારે તાજી જ પ્રગટ થયેલી ઈશ્વર પેટલીકરની નવલકથા ‘જનમટીપ’ મેં શીતળાથી ઘેરાવા લાગેલી આંખે ગાડીમાં જ પૂરી કરી હતી, એટલું જ નહીં, ઘરે પાછા ફર્યા પછી અંગેઅંગ શીતળાના દાણાથી ભરાઈ ગયું અને આંખ ઊંચી કરવાનુંય શક્ય નહોતું રહ્યું ત્યારે એ વાંચવાની તરસ એવી તીવ્ર કે પડોશમાંથી ‘ગુજરાતી’ની ભેટ પુસ્તકરૂપે અપાતી નવલકથાઓ મગાવી તે પિતાજીએ બા પાસે વંચાવી. મેં મારી વાચનભૂખ સંતોષવાનાં ઝાંવાં નાખ્યાં હતાં. પણ આવા વાચનવ્યાકુળ કિશોરને પક્ષે મર્માન્તક આઘાત. માત્ર આઠ-નવ વર્ષની વયે આંખો પર જાડા કાચનાં ચશ્માં આવ્યાં તે આવ્યાં જ. આજનો દહાડો અને કાલની ઘડી.

છોગામાં આંખના દાક્તરે હૃદયતોડ ચીમકી આપી. આવતીકાલથી જ નિશાળેથી ઊઠી જવાનું અને જિંદગીમાં ક્યારેય પુસ્તકોને હાથ પણ નહીં લગાડવાનો ! મારા દાદા તેમના આયખાના અંતિમ ચરણમાં સંપૂર્ણ અંધ થઈ ગયા હતા. મારી માએ તેમની ઘણી સેવાચાકરી કરી હતી. માને ત્યારે બાળકો જન્મીને મરી જતાં હતાં. દાદાએ માને આશીર્વાદ આપ્યા હતા. ‘તને દીકરો જન્મશે, તે જીવશે અને આપણા કુળને ઉજાળશે.’ દાદાના મૃત્યુ પછી હું જન્મયો અને જીવ્યો. મેં કુળ ઉજાળ્યું કે કેમ તે તો કોણ જાણે, પણ મેં કુળ લજવ્યું નથી. દાદાની નબળી આંખોનો વારસો પિતાજી દ્વારા મને પણ મળ્યો. દાક્તરની કઠોર ચેતવણીને ઘોળીને પી જવાનું બળ મારા મીણશા હૈયામાં ક્યાંથી પ્રગટ્યું તે તો આજેય મારે મન કોયડો છે, પણ દાક્તરની વાત ધરાર અવગણીને હું વાંચતો રહ્યો, ખોડંગાઈને પણ ભણતો રહ્યો અને પછી તો લેખનનો એવો મહાનાદ લાગ્યો કે સિત્તેર પુસ્તકો ઉપરાંત અનુવાદો માટે શબ્દશઃ પચાસેક હજાર લેખો લખ્યા અને બીજી પત્રકારીય કામગીરી અલગ ! એકાકી હતો જ અને નબળી આંખોને કારણે હું શેરીઓ, મેદાનો અને મેદનીથી છેદાઈ ઘરને ખૂણે, એકાંત ઓરડીમાં અને નિર્જન અગાશીમાં એવો તો સીમિત થઈ ગયો કે તેને લીધે મારી અંતર્મુખતા ઘૂંટાતી રહી અને તે દ્વારા મારા સાહિત્યસર્જનની ધાર અનેક સ્વરૂપોમાં પ્રગટતી રહી. પહેલાં વાંસળી અને પુસ્તકો અને પછી નિતાંતપણે કલમ જ મારો જીવનાધાર બની રહી. કલમમાંથી નિઃસૃત થતા ખર્વ-નિખર્વ શબ્દોએ જ પ્રાણવાયુ બનીને મને આ ક્ષણ સુધી જિવાડ્યો છે એમ લગીરેય અતિશયોક્તિ વિના હું કહી શકું.

મને શબ્દનો તરાપો ન મળ્યો હોત તો હું નિઃસંદેહ રાન રાન અને પાન પાન થઈ ગયો હોત, અને એટલે જ હું પ્રતીતિપૂર્વક કહું છું કે જ્ઞાતિની દષ્ટિએ મારી કુળદેવી ભલે મહાલક્ષ્મી હોય, પરંતુ મારે માટે તો મારી કુળદેવી અશેષભાવે સરસ્વતી જ છે અને એ સરસ્વતીને હું શબ્દકુસુમો વડે પૂજતો-આરાધતો રહ્યો છું. તેથી જ કહું છું કે શબ્દ જ મારો કુળદેવતા છે, બલકે મરાઠી ભાષાની ઢબે કહું તો શબ્દ જ માઝા કુળદૈવત આહે. એ શબ્દ જેને મારા દાદાએ કર્મકાંડના શ્લોકોના સ્વરૂપે અને પિતાજીએ સામવેદના સાંગીતિક મંત્રઘોષરૂપે ઉપાસ્યો હતો એ શબ્દને હું છેલ્લાં અઠ્ઠાવન વર્ષથી ગદ્ય અને પદ્ય, ઉતાવળા અખબારી લેખન અને ધૃતિસભર સાહિત્યસર્જન એમ અનેકવિધ સ્વરૂપે ઉપાસતો રહ્યો છું- લિખિત શબ્દ અને ઉચ્ચરિત શબ્દ, અને સાત્વિક જીવનશૈલીથી રચાયેલો અને દુન્યવી રીતરસમોથી અલિપ્ત એવો નિર્વ્યાજ, નિશ્ચલ, નિર્વિકલ્પ શબ્દ. મારે માટે તે જીવનના એકમાત્ર પર્યાયથી લગીરેય કમ નથી. મેં કદી હાથ લાંબો કર્યો નથી- નાણાં કે સમ્માન માગીને. ક્યાંથી આવ્યું આ આછુંપાતળું મનોબળ ? ‘હું તમારો પુરોહિત છું, પટાવાળો નથી.’ પિતાજીએ સ્વમાનને મુદ્દે પોતાના ધનાઢ્ય યજમાનને આ શબ્દો બિનધાસ્તપણે સંભળાવ્યા હતા અને પછી પળવારમાં કલદાર ન્યાતગોરપદ કાયમ માટે છોડી દીધું હતું. મારી પારેવડાશી મા વારંવાર આ કહેવત ઉચ્ચારતી : ‘નીતિએ નારાયણ વસે અને અનીતિએ કૂતરાં ભસે.’ હજી થોડાક જ દિવસ પહેલાં એક હિન્દીભાષી મહિલા પત્રકારે મને પૂછ્યું : ‘આપ તો અતિ સાદગીભર્યું જીવન જીવો છો, પણ આપનાં પત્નીને કદી વૈભવસભર જીવન જીવવાની ઈચ્છા ન થઈ અને તેમણે તેમને તે માટે આગ્રહ ન કર્યો ?’ મેં સંક્ષેપમાં એટલું જ કહ્યું : ‘સંતોષ એ અમારા બંનેની જીવનશૈલીની મુખ્ય બાબત છે.’ એક વ્યક્તિની ટેક ટકાવવા માટે તેને કેટકેટલા આશીર્વાદ, કેવા તો સહકાર અને કેવું સાહચર્ય અનિવાર્ય બનતાં હોય છે ! જો કશોક સંસ્કારપિંડ બંધાતો હોય તો તે આ સર્વને પ્રતાપે.

જીવનના અંતિમ ચરણમાં હું પ્રવેશી ચૂક્યો છું. એ ચરણ દીર્ધ કે અલ્પ નીવડી શકે. મુંબઈના એક પ્રસિદ્ધ હસ્તરેખાશાસ્ત્રીએ બાણું વર્ષનું મારું આયુષ્ય ભાખેલું છે !!! હમણાં જ, ગયે ગુડી પડવે વહેલી સવારે મારા પ્રિય ગાયક સ્વર્ગીય મુકેશે સ્વપ્નમાં દેખા દઈ ચેતવણી આપી દીધી છે : ‘પહેલે આપ અપની તબિયત કા ખયાલ રખિયે.’ આંખો ઘણે અંશે દગો દઈ ચૂકી છે, પરંતુ શૈશવથી શરૂ થયેલું દષ્ટિ-દૌર્બલ્ય સામેનું મારું યુદ્ધ હજી અટક્યું નથી. ‘વન મેન આર્મી’ નહિ, પણ ‘વન પેન આર્મી’ એ મારી ઓળખ છે ! કેટલું નહિ, કેવું જીવી શકાયું એ મારી ખોજનો વિષય છે. ટોચના સાહિત્યકાર કે શીર્ષસ્થ પત્રકાર તરીકે નામના પામી છવાઈ જવાની નહિ, પણ ‘રીઝનેબલી ગુડ હ્યુમનબીઈંગ’ બનવાની ખેવના એ મારું વિનમ્ર ધ્યેય છે. શબ્દ તે માટેનું મારું પ્રથમ અને પરમ સાધન છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “શબ્દ : મારું કુળદૈવત – ભગવતીકુમાર શર્મા”

Copy Protected by Chetan's WP-Copyprotect.