- ReadGujarati.com - http://www.readgujarati.com -

સાહિત્ય સંચય – સંકલિત

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]

[1] નવી શરૂઆત – હરીશ મહુવાકર

પપ્પાને હું ઘણી વખત સમજાવતોઃ બધું બહારનું હોય એ ખરાબ જ ન હોય. ઘણી જગ્યાએ ક્વોલિટીને પ્રાયોરિટી હોય છે ડેડી. પણ પપ્પા માને નહીં. ‘અરે મારા ભાઈ, આ ફર્ટિલાઈઝરવાળાં શાકભાજી ને ભેળસેળિયું અનાજ. ચોખ્ખાઈ મળે નહિ જરાય.’ રવિવાર, કોઈ ફંકશન કે કોઈ પાર્ટી હોય ત્યારે પપ્પા માટે અમો રસોઈ બનાવીને જતા. ખાસ્સા સાદગીભર્યા છે પપ્પા. કોઈ જીદ નહિ, કોઈ પસંદગી નહિ. જે આપો તે પ્રેમથી જમી લે. ઘણી વખત કોઈ રીતે ચલાવી પણ લે. અમારોય ખ્યાલ રાખે. તેમના મોં પર ન કોઈ અણગમો હોય કે ન હોય કોઈ નિરાશા.

અમારા બહાર જવાથી પપ્પા એકલવાયા પડી જતા. મમ્મી ગઈ તેને પાંચ વરસ થયાં હતાં. મનમાં બધું રાખે. કદી કશો અભાવ વરતાવા ન દે. પણ અમે બધું સમજીએને ! મમ્મીના હાથ સિવાયની કોઈ હોટલની રસોઈ ફરજિયાતપણા સિવાય શોખથી કદી પસંદ ન કરે. પપ્પાને એમના આ વલણમાંથી બહાર લાવવાનો અમો પ્રયત્ન કરતા પણ પપ્પા તો પપ્પા જ. અમારું કંઈ ચાલે નહિ.

એક સાંજે મને કહે : ‘જ્વેલ્સ સર્કલ પાસે લોકો કંઈ બહુ જાય છે.’
‘કેમ ડેડી ?’
‘કંઈ નહીં પણ અમારા સોલ્ટ એસોસિયેશનના પેન્શનરોની મીટિંગમાં….’ પછી અટકી પડ્યા. હું એમની વાતમાં ધ્યાન આપતો નહોતો એ પપ્પા નોંધતા હતા. મેં કહ્યું, ‘ડેડી, સાંજે મળીએ. કામ વધારે છે. જઉં છું.’ હું ગયો પણ સાંજે રોજ કરતાં વહેલો આવેલો જોઈ મને કહે : ‘કાં ભાઈ ?’
મેં કહ્યું : ‘ચાલો…. બેસો ગાડીમાં.’
‘અરે, કાં પણ…..?’
‘એ પછી વાત. પહેલાં બેસી જાવ.’
અમે જ્વેલ્સ સર્કલ પહોંચ્યા. પહેલાં કશું સમજાયું નહિ પણ પછી એમનો ચહેરો તેજવાળો બન્યો. મારા હોઠ પર હળવું સ્મિત રમી રહ્યું એ જોઈને મને કહે : ‘ઉસ્તાદ છો હોં દીકરા’, ને એ હસી પડ્યા.
મેં પણ કહ્યું : ‘હું દીકરોય ઉસ્તાદનો જ છું ને !’ એ રાત્રે ડેડી સાથે લીધેલું ઓળા-રોટલાનું ભોજન જિંદગીનું સૌથી શ્રેષ્ઠ ભોજન હતું.
.

[2] સત્યની શોધ અને સાધના – અનુ. મીતા દવે

એક માણસ સત્યની શોધમાં નીકળી પડ્યો. રસ્તામાં સૌથી પહેલાં એને જે સાધુ મળ્યા એ એના જ ગામના પાદરે એક ઝાડ નીચે બેઠા હતા. પાસે જઈને એણે કહ્યું : ‘હું સાચા ગુરુની શોધમાં છું પણ મને ખબર નથી કે હું એમને કેવી રીતે ઓળખી શકું ?’ સાધુએ સહજથી વર્ણન કર્યું, ‘અમુક વૃક્ષની નીચે આવા આસનમાં બેઠેલા અને આવી રીતે હાથ હલાવીને વાત કરતા જુએ તો નિઃશંકપણે માની લેજે કે આ જ સદગુરુની તને શોધ છે.’ એ જ ઘડીએ તે સાચા ગુરુની શોધમાં નીકળી પડ્યો.

કહે છે કે એણે આખીય પૃથ્વી ફેંકી કાઢી. ત્રીસ વર્ષ સુધી રઝળપાટ કરી, એક એક સ્થળે ભટક્યા પછી પણ એને એના ગુરુનો ભેટો ન થયો. આ રઝળપાટમાં એને ઘણા જ્ઞાની ગુરુઓ તો મળ્યા પણ એની સદગુરુની શોધ તો અપૂર્ણ જ રહી. આખરે થાકી-હારીને એ પોતાને ગામ પાછો ફર્યો. આશ્ચર્યચકિત એણે જોયું કે આટલાં વર્ષો પછી પણ પેલા સાધુ હજુ એ જ જગ્યાએ, એ જ ઝાડની નીચે, એ જ આસનમાં બેઠેલા હતા એટલું જ નહીં, પણ સાધુએ જે પ્રકારનું વૃક્ષ, આસન અને જે હસ્તમુદ્રા કહ્યાં હતાં બરાબર તે જ પ્રકારે બેઠા હતા. પોતાની સગી આંખો પર વિશ્વાસ જ ન’તો બેસતો. સીધો જ જઈને સાધુના પગમાં પડી ગયો અને ગળગળા સાદે કહેવા લાગ્યો :
‘તમે એ જ વખતે મને આ કેમ ન કહ્યું ?! શા માટે ત્રીસ ત્રીસ વર્ષ સુધી આમ ભટકાવ્યો ?! ત્યારે જ કેમ ન કહી દીધું કે હું જ તારો સાચો ગુરુ છું ?!’
એ સાધુપુરુષે કહ્યું : ‘મેં તો તને કહ્યું જ હતું પણ તું બીજું કશું સાંભળવા જ ક્યાં માગતો હતો ? તું તો શોધનું અભિયાન આદરીને બેઠો હતો. રઝળપાટ માટે તું બરોબર તૈયાર થઈને બેઠો હતો. હજારો દ્વાર ખટખટાવ્યા પછી જ તારા ઘરે આવવાનું તેં નક્કી કરી લીધું હતું. નહિતર મેં તો તને રજેરજ માહિતી આપી હતી. મેં જ્યારે વૃક્ષ કહ્યું હતું ત્યારે બરોબર આ જ ઝાડનું વર્ણન કર્યું હતું; એ જ આસન અને મુદ્રામાં હું બેઠો હતો, પણ તું ખૂબ ઉતાવળમાં હતો, એટલે મારા શબ્દો તારા સુધી પહોંચી ન શક્યા. સદગુરુની શોધમાં સત્ય પાછળ રહી ગયું. આખરે તું આવી જ પહોંચ્યો – અહીં જ આવવાનું હતું ! વરસો સુધી તારા માટે જ અહીં આ સ્થિતિમાં બેસી રહીને હું થાકી ગયો છું. ત્રીસ વર્ષની તારી રઝળપાટથી તું વ્યથિત છે પણ આ ઝાડ નીચે ત્રીસ વર્ષથી બેસી રહેલા મારો વિચાર કર; તું પાછો આવીશ એ મારી શ્રદ્ધા હતી પણ તારા આવતા સુધીમાં મારો જ જીવનદીપ જો બુઝાઈ ગયો હોત તો ? ત્રીસ વર્ષથી મારી શોધમાં તું જે ભટક્યો એ તારી ભૂલ છે, મેં તો તારી અનંત રાહ જોઈ. ગુરુ તો તારા માટે અહીં હતો જ.’

આપણે પણ મોટા ભાગે સ્વપ્નોની શોધમાં આપણા વાસ્તવને વિસારે નથી પાડી દેતા ? દૂરના સ્વરની મધુરતા અધીર કરી દે ત્યારે અંતરના જંતરને સાંભળવું વીસરાઈ જાય છે. કબીર કહે છે : ‘મોકો કહાં ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ રે…..’ (ઈન્ટરનેટ પરથી અનુવાદિત)
.

[3] મરમ ગહરા – સં. રાજુ દવે

ગ્રીષ્મના તાપથી ઉત્તંક ઋષિ તૃષાતુર બની વેદના અનુભવતા હતા. ત્યારે તેમને સ્મરણ થયું કે મહાભારતના યુદ્ધ પછી ભગવાન શ્રીકૃષ્ણ તેમના આશ્રમમાં પધાર્યા હતા ને કહ્યું હતું કે ‘ઋષિવર, જ્યારે કંઈ કષ્ટ અનુભવો તો મારું સ્મરણ કરજો. હું તરત કષ્ટ દૂર કરીશ.’ ઉત્તંક ઋષિએ કૃષ્ણનું સ્મરણ કર્યું. કૃષ્ણએ ઈન્દ્રને એ તપોનિષ્ઠ મુનિ માટે જળને બદલે અમૃત મોકલવાની આજ્ઞા કરી. ઈન્દ્રએ અમૃત તો મોકલ્યું, પરંતુ તે ચાંડાલ મારફત ચામડાની મશકમાં મોકલ્યું. ઉત્તંક ઋષિ જે મરુભૂમિમાં તપ કરતા હતા ત્યાં ચાંડાલ અમૃતની મશક લઈ પહોંચ્યો. પરંપરાગત અને પ્રચલિત ધર્મને અનુસરનારા ઋષિએ એક ચાંડાલને મશક સાથે આશ્રમમાં પ્રવેશેલો જોઈ તેને કાઢી મૂક્યો.

ઘણા સમય પછી ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તંક ઋષિના આશ્રમે આવ્યા. ક્ષેમકુશળ પુછાયા. ઋષિએ જળ વિના પોતે તરફડ્યા તે વિશે કૃષ્ણને ફરિયાદ કરી. કૃષ્ણએ કહ્યું : ‘ઋષિરાજ, મેં તો ઈન્દ્ર દ્વારા જળને બદલે આપની પાસે અમૃત મોકલાવેલું. આપે જ તેમનો અસ્વીકાર કર્યો. ચામડાની એ મશકમાં ચાંડાલ અમૃત લાવ્યો હતો.’ ભગવાનની વાત સાંભળી ઋષિને ખૂબ જ પસ્તાવો અને દુઃખ થયાં, પણ હવે શું થાય ? જેમની દષ્ટિ સંકુચિત અને સીમિત હોય, જે નિયત ધર્મના પરંપરાગત માળખામાં પુરાયેલા હોય, કાલાતીત ધર્મને અંગીકાર કરવાની જેમનામાં ક્ષમતા ન હોય તે અમૃત ગુમાવે છે.
.

[4] પ્રોફેસર પી.લાલને શ્રદ્ધાસુમન – યુનુસ ચીતલવાલા

પ્રોફેસર પી.લાલનું નિધન 81 વર્ષની વયે કલકત્તામાં નવેમ્બર,2010ની ત્રીજી તારીખે થયું. લાલ મૂળ પંજાબના વતની પણ તેમની કર્મભૂમિ તો કલકત્તા જ રહી. તેઓ 1953થી કલકત્તા સેંટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતા. હું 1965-68, ત્રણ વર્ષો સેંટ ઝેવિયર્સમાં છાત્ર હતો, અને પી. લાલની અંગ્રેજી સાહિત્ય શીખવવાની અસામાન્ય પ્રતિભાનો મને પણ લાભ મળેલો. તેઓ બર્નાર્ડ શોનું નાટક ‘ધી આર્મસ એન્ડ ધી મેન’ અંગે વ્યાખ્યાન આપતા જાણે બધાં જ પાત્રો કેપ્ટન બલુન્ચસ્લી, લુકા, મેજર પેટકોફ વગેરે આંખ સામે જ દશ્યમાન થઈ જતાં. વધુમાં અંગ્રેજ કવિઓ કીટ્સ, શેલી, વર્ડઝવર્થ, વોલ્ટર-દ-લા માર અને ટેનિસન જાણે પોતાની લાગણીઓનો ઊભરો ઠાલવતા હોય તેમ Spontaneous outpouring of powerful feelingsનો અનુભવ થયા વિના ન રહે. તેમની બોલવાની છટા એટલી તો અસરકારક હતી કે એક કલાકનું તેમનું વ્યાખ્યાન ક્યારે પૂરું થઈ ગયું તેની ખબર જ ન પડતી. અંગ્રેજીનાં તેમનાં સચોટ ઉચ્ચારણો, તેમનો મૃદુ અને સંતુલિત અવાજ અને હાવભાવથી વિષયને જીવંત બનાવી દેતા. અન્ય વિભાગોના વિદ્યાર્થીઓ તેમને સાંભળવા અમારા કલાસમાં આવતા.

પ્રોફેસર લાલનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી અને ચુંબકીય હતું. ઊંચો એકવડો બાંધો, વાંકડિયા આફ્રિકન આદમી જેવા ઊની વાળ, વાળમાં થોડી સફેદ લટોને કારણે તેમનું વ્યક્તિત્વ અત્યંત આકર્ષક ભાસતું. સાઉથ આફ્રિકાના બિશપ ડેસમન્ડ ટૂટૂને મળતો તેમનો ચહેરો હંમેશાં યાદ રહેશે. પોશાકમાં તેઓ બંધ ગળાની પૂરી બાંયની જર્સી, કડક કપડાંનું પેન્ટ અને પગમાં મોજડી રાબેતા મુજબ પહેરતા. આંખ પર લીલા કલરના રે-બાનનાં ગોગલ્સ અચૂક પહેરેલા હોય જેમાંથી તે કોઈ દૂરનાં દશ્યો જોઈ રહ્યા હોય તેવી લાગણી થતી. વ્યાખ્યાનમાં બદલાતા જતા આરોહ-અવરોહ પ્રમાણે તેમના મુખ પરનું હાસ્ય પણ બદલાતું રહેતું. થોડું હાસ્ય વેરી તેઓ ઘણું કહી શકતા. સેંટ ઝેવિયર્સ કૉલેજ કલકતાના પોશ વિસ્તાર પાર્ક સ્ટ્રીટમાં આવેલી છે. મારા વિદ્યાર્થીકાળ દરમિયાન પ્રથમ ફાધર બોનહોમ અને પછી ફાધર હુઆર્ટ પ્રિન્સિપાલ હતા. આરંભમાં લાલ સાઈડકાર સાથેના વેસ્પા સ્કૂટર પર સવાર થઈ તેમના લેક ગાર્ડનવાળા નિવાસેથી કોલેજ આવતા. પછી તેમણે ગ્રે કલરની સ્ટાન્ડર્ડ હેરાલ્ડ કાર ખરીદેલી અને તેમનાં પત્ની શ્યામશ્રી જોડે કારમાં બેઠેલા મેં તેમને જોયેલા. જાણે એ જોડું made for each other ન હોય.

પ્રોફેસર લાલનું પ્રદાન અંગ્રેજી ભાષાના પરિપ્રેક્ષ્યમાં મૂલવવું એ જલ્દબાજી ગણાશે. તેઓ ફ્રેંચ અને વધુ તો સંસ્કૃત પર અસામાન્ય કાબૂ ધરાવતા. તેમણે ‘રાઈટર્સ વર્કશોપ’ના નામે અંગ્રેજી પુસ્તક પ્રકાશિત કરવાની કંપની સ્થાપેલી અને 3500 જેટલાં ટાઈટલ્સ પ્રકાશિત કરેલાં. ઊગતા લેખકો માટે પી. લાલ એક મોટા વરદાન સમાન હતા. વિક્રમ શેઠ, કમલા દાસ જેવાં લેખકોથી લઈને અદના કલમકશનાં પુસ્તકો પ્રકાશિત કરી તેમને તેઓ પ્રોત્સાહિત કરતા. વધુ તો તેઓએ શાકુંતલ, મહાભારત, મુનશી પ્રેમચંદની નવલ ‘ગોદાન’નું ભાષાંતર કે ભાવાનુવાદ કરેલો. મહાભારતના એક લાખ શ્લોકોનું 18 વોલ્યુમમાં ભાષાંતર કરી તેઓએ એ પ્રતિપાદિત કરેલું કે સહજ અને સહેલાઈથી સમજી શકાય તેવી ભાષા વધુ સુંદર અને દર્શનીય રીતે કથાવસ્તુને ઉજાગર કરી શકે છે. રાઈટર્સ વર્કશોપમાં તેઓ એકે હજારા જેવા હતા. મેન્યુસ્ક્રિપ્ટને તપાસી તેની ગુણવત્તા નક્કી કરવાથી લઈ પ્રૂફરીડિંગ, ટાઈપ સેટિંગ વગેરે કાર્યો તેઓ જાતે કરતા. મેનેજર, પ્રકાશક અને વિક્રેતા પણ પી. લાલ જ હતા. તેમના નિધનથી આપણે એક મહાન ઈન્સાનને ખોયા છે.
.

[5] શિક્ષણ – મનુભાઈ પંચોળી ‘દર્શક’

1948માં સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના થઈ ત્યાં સુધી અમારા અભ્યાસક્રમને કોઈએ સ્વીકૃતિ આપી નહોતી. અમને સમય, પિરિયડો, પરીક્ષા વગેરે જડબંધનો નહોતાં. વરસાદ શરૂ થાય એટલે બીડ-ડુંગરમાં નાહવા, ધોધમાં કૂદવા નીકળી પડીએ. નબળું વર્ષ હોય ત્યારે અનાજસમિતિમાં પણ વિદ્યાર્થીઓને જોતરીએ. રસોયો ભાગી જાય તો તરત રોટલાવર્ગ શરૂ થાય. સૌ રસોડામાં નાનાંમોટાં કામે લાગી જાય. રસોયાની સાડીબાર નહીં. અમે જોયું કે બધાની ભણવાની ભૂખ શિક્ષણશાસ્ત્રે નક્કી કરેલી ઉંમરે અને સમયે ઊઘડે જ છે એવું નથી. અમે કોઈની બૌદ્ધિક પ્રગતિ જોઈને તેને આગલો નંબર આપતા નહીં. જેની જે બાબતમાં આવડત તેને સૌ પાસે અમે ધરી દેતા. શિક્ષણમાં હોશિયારીનો આજનો ગજ એ એક ફિશિયારી જ છે તેમ અનુભવે હું કહી શકું છું.

એ કાળના આ રીતે ભણેલા સૌ વિદ્યાર્થીઓમાં મોટો ભાગ પોતાનો રસ્તો સ્વમાનભેર કાઢતાં શીખ્યા તે અમે જોયું. ખરી રીતે સવાલ માહિતી આપવાનો નથી, આત્મવિશ્વાસ અને સમજદારી આપવાનો છે.