સમુલ્લાસ – સં. રમેશ સંઘવી

[‘એક ઘડી, આધી ઘડી…’ પુસ્તકમાંથી સાભાર.]

[1] એક ઉદ્યોગપતિએ પોતાના દિકરાને એક અત્યંત સફળ થયેલ વૃદ્ધ વ્યાપારી પાસે પૈસા બચાવવાનું રહસ્ય સમજવા મોકલ્યો. યુવાન જ્યારે ગયો ત્યારે રાત પડી હતી, અને જઈને તેણે પોતાના આગમનનું કારણ દર્શાવ્યું. ત્યારે એ વૃદ્ધ વ્યાપારીએ કહ્યું : ‘બેટા, સૌ પ્રથમ તો તું આ બત્તી બુઝાવી દે. આપણે વાતો તો અંધારામાં પણ કરી શકીશું.’ ઉદ્યોગપતિનો પેલો પુત્ર બત્તી બુઝાવવા ન જતાં સીધો પાછો ફરવા લાગ્યો એટલે એ વૃદ્ધ કહે : ‘દીકરા, પાછો કેમ જાય છે ? તારે પૈસા બચાવવાનું રહસ્ય નથી જાણવું ?’ યુવાન કહે : ‘હું રહસ્ય સમજી ગયો, દાદાજી !’

[2] ભગવાન બુદ્ધનો શિષ્ય જોરજોરથી ધર્મનો ઉપદેશ આપી લોકોની ભીડ એકત્ર કરતો હતો. બુદ્ધે તે ભિક્ષુને પૂછ્યું : ‘શું રસ્તા પર આવતી જતી ગાયોને ગણવાથી તે ગાયોનો માલિક બની શકે ?’ ભિક્ષુ કહે : ‘ના, ભન્તે ! તે તો ન બની શકે. માલિક તો ગાયોને સાચવે છે, તેનું જતન કરે છે.’ બુદ્ધ કહે : ‘વત્સ, એ જ રીતે કેવળ ધર્મ ધર્મની બૂમો પાડવાથી કોઈ પર પ્રભાવ નથી પડતો. ધર્મને જીવનમાં ઉતારો, તેને આત્મસાત કરો, ત્યારે તારો પ્રભાવ પડશે.’

[3] મહાન જૈન પંડિત ગોપાલદાસજી બરૈયા સત્યનિષ્ઠ પુરુષ હતા. એકવાર પોતાના વતન મધ્યપ્રદેશના મોરેના ગામથી તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈ જઈ રહ્યા હતા. ટ્રેન મુંબઈ તરફ રવાના થઈ અને વાતો કરતાં તેમનાં પત્નીએ કહ્યું : ‘આજે આપણા પુત્રને ત્રણ વર્ષ પૂરાં થયાં અને ચોથું બેઠું.’ એ વખતે ત્રણ વર્ષ પૂરાં થાય એટલે બાળકની અડધી ટિકિટ લેવી પડતી. જેવી ખબર પડી કે પુત્રને આજે ચોથું વર્ષ શરૂ થયું છે, ગોપાળદાસજીને અત્યંત દુઃખ થયું. મુંબઈ પહોંચી તુરત તેઓ ટિકિટબારી પર ગયા અને મોરેનાની અડધી ટિકિટ લઈ લીધી !

[4] પ્રખ્યાત લેખક એ. જે. ક્રોનિને પ્રથમ નવલકથા લખી અને તે પ્રકાશકોને મોકલી પણ અસ્વીકૃત થઈ પરત આવી. ક્રોનિન નિરાશ થઈ એક ગામડે ચાલ્યા ગયા. ત્યાં એક દિવસ ફરતાં ફરતાં એક માણસને ટેકરી ખોદી જમીન સરખી કરતાં જોયો. આ જોઈને એમને નવાઈ લાગી. ક્રોનિને પૂછ્યું : ‘તમે શું કરો છો ?’ પેલો માણસ કહે : ‘હું ખેડૂત છું. ટેકરી ખોદી, જમીન સમથળ કરી વાવવા લાયક બનાવું છું.’ ક્રોનિન કહે : ‘પણ આમ ખોદવાથી એ ક્યારે થશે ?’ પેલો ખેડૂત કહે : ‘જ્યારે થશે ત્યારે, પણ એ સિવાય બીજી કઈ રીતે થાય ? અહીં આ તમે સમથળ જમીન જુઓ છો તે આ રીતે ખોદીને જ બનાવી છે. આ પહેલાં મારા પિતા કરતાં, એથી પહેલાં દાદા. એટલે તો અમારી પાસે આટલી જમીન છે !’ ક્રોનિનને થયું ધીરજ, ખંત અને મહેનતથી કંઈ મુશ્કેલ નથી.

[5] ભરી સભામાં રાજા ભોજના હાથ પર એક મધમાખી બેઠી. પોતાના પગ અને માથું ઘસવા લાગી. ‘આ માખી, મને કંઈક કહેવા માગે છે, પણ શું કહે છે તે કેમ સમજવું ?’ છેવટે કવિ કાલિદાસ રાજાની મૂંઝવણનો જવાબ આપે છે. સર્જનહારની સૃષ્ટિનાં પશુ, પક્ષીઓ, વૃક્ષો, ચંદ્ર-સૂર્ય સઘળાં કંઈને કંઈ ઉપદેશ આપે છે. કાલિદાસ કહે : ‘હે રાજન, આ મધમાખી એમ કહે છે કે હે રાજા સારાં સારાં કાર્યોમાં તું પુષ્કળ ધન આપતો રહે. ધનને એકઠું કરવાની વાત કરીશ નહીં. નહીંતર એક દિવસ તારી સ્થિતિ મારા જેવી થશે. મેં લાંબા કાળથી ધન (મધ) એકઠું કર્યું હતું પણ મેં ન ખાધું ! અન્ય કોઈને પણ ખાવા ન આપ્યું. પરિણામે લૂંટનારા લૂંટી ગયા. આવા વિચારથી મધમાખી પગ-માથું ઘસે છે.’

[6] સ્વામી વિવેકાનંદ રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની પાસે બે અંગ્રેજ બેઠા હતા અને પરસ્પર વાત કરી રહ્યા હતા કે ‘આ ભગવાધારી સાધુઓ ભારે અહંકારી હોય છે અને પારકે પૈસે તાગડધીન્ના કરે છે. જુઓને, આ સાધુ બીજાની કમાણી પર પ્રથમ વર્ગમાં મુસાફરી કરી રહ્યો છે.’ આ અંગ્રેજોની વાત સ્વામીજી શાંતિથી સાંભળતા હતા અને મનમાં મુસ્કુરાતા હતા. અંગ્રેજોને એમ હતું કે આ સ્વામીજી અંગ્રેજી નથી જાણતા એટલે તેમણે તો પોતાની વાતો, ભારતીય સાધુઓ માટેના અપમાનજનક શબ્દો આ બધું ચાલુ જ રાખ્યું. એક સ્ટેશને ગાડી રોકાઈ અને ગાર્ડ સ્વામીજી પાસે આવ્યો અને સ્વામીજીએ તેની સાથે શુદ્ધ સુંદર અંગ્રેજીમાં વાત કરી ત્યારે પેલા બંને અંગ્રેજ તો જાણે કાપો તો લોહી ન નીકળે ! અને પછી તો ડબ્બા પાસે સ્વામીજીને લેવા અને સ્વાગત કરવા આવેલી ભીડ જોઈને તો તેઓ દિંગ જ થઈ ગયા ! એમને ખબર પડી કે આ તો સ્વામી વિવેકાનંદ છે ત્યારે માફી માગીને કહે : ‘સ્વામીજી, અમે ગમે તેમ બોલી ગયા તે માટે માફ કરજો, પણ આપે અમને વચ્ચે અટકાવ્યા હોત તો !’ સ્વામીજી હસતાં હસતાં કહે : ‘દોસ્તો, આપના જેવી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનો આ કંઈ મારો પ્રથમ અનુભવ નથી. અને આપ જેવા અપરિચિત વ્યક્તિઓ પર ક્રોધ કરીને મારી શક્તિ શા માટે બગાડું ?’

[7] કામ પ્રસંગે એકવાર અમારે આગ્રા જવાનું થયું. અમારો ડ્રાઈવર જૂનો અને ઘરના માણસ જેવો. મનમાં થયું, એને તાજમહાલ બતાવીએ. એને તાજમહાલ જોવા લઈ ગયા. આમતેમ ધારી ધારીને જોયા પછી એણે કહ્યું : ‘વાહ ! ખૂબ સરસ છે.’ પછી એણે પૂછ્યું, ‘આમાં કોણ રહે છે ?’ અમે તો સડક જ થઈ ગયા. મનમાં તો થયું કે ક્યાં આ ભેંસ આગળ ભાગવત માંડ્યું ! પણ એ હતો અમારો વહાલો ડ્રાઈવર. એટલે જવાબ તો આપ્યો કે ‘કોઈ નહીં.’ પછી એ પૂછે છે : ‘આ કૉલેજ છે ?’ ‘ના.’ ‘હોસ્પિટલ ?’ ‘ઊંહું.’ ‘ત્યારે તો હોટલ હશે, નહીં ?’ ‘ના, ભૈ ના.’ ‘ત્યારે છે શું ?’ ‘શાહજહાં નામના બાદશાહની બેગમની કબર છે.’ એટલે એ તો બોલી ઉઠ્યો : ‘અરે રે ! ત્યારે મને શું કામ આ સવારના પહોરમાં અહીં લાવ્યા ? અમસ્તા અપશકન થયાં ને ? તમે કહો છો તેમ દુનિયાની સુંદર ઈમારત હશે, પણ અંતે તો કબ્રસ્તાનને !’ આજે દુનિયા ખૂબ સાધનસંપન્ન બની છે. આ તાજમહાલ જેવી સુંદર પણ કદાચ એને બનાવી શકાય. પણ બીક એ છે કે આ સુંદર ઈમારત ક્યાંક માણસાઈનો મકબરો તો નહીં બની જાય ને ? (દાદા ધર્માધિકારી)

[8] બાળકો અનુકરણથી શીખે છે. એક ભાઈને વાતવાતમાં ‘સાલો’ શબ્દ વાપરવાની ટેવ. એક દિવસ એ ઘરમાં પોતાના મિત્ર વિશે વાત કરતા હતા અને કહેતા હતા કે – ‘સાલો ઘણા દિવસથી દેખાતો નથી.’ બાળકને આ નાનકડો શબ્દ ગમી ગયો. બે-ત્રણ દિવસ પછી પેલા મહેમાન આવ્યા ત્યારે બાળકે આંગણાંમાંથી જ બૂમ પાડીને કહ્યું, ‘મમ્મી, પેલા સાલાકાકા આવ્યા છે !’

[9] મુઆજને યમનના શાસક તરીકે નિયુક્ત કર્યા પછી મહમદ સાહેબે પૂછ્યું : ‘હવે તું યમનનો રાજા થયો છો. તારી સામે કોઈ પ્રશ્ન આવે તો કેવી રીતે ન્યાય કરીશ ?’ મુઆજ કહે : ‘અલ્લાહની પવિત્ર કિતાબ કુરાનના આધારે ન્યાય કરીશ.’ મહમદ સાહેબ કહે : ‘પણ કોઈ પ્રશ્નનો જવાબ તેમાંથી નહીં મળે તો શું કરીશ ?’ એ કહે : ‘તો હું પેગંબરોના નિર્ણયના આધારે નિર્ણય કરીશ.’ મહમદ સાહેબે ફરીથી પૂછ્યું : ‘સંભવ છે તેમાંથી પણ કોઈ માર્ગદર્શન, ઉકેલ ન મળે તો તું ન્યાય ક્યા આધારે કરીશ ?’ એટલે મુઆજ કહે : ‘તો પછી હું મારા વિવેકને આધારે ફેંસલો લાવીશ.’ વ્યક્તિનો વિવેક, તેનું જાગરણ જ મહત્વનું છે. તે જ મહત્વનો આધાર છે, વિવેક એ જ ધાર્મિક ચેતનાની જાગૃતિ છે.

[10] જાપાનના સમાજ સુધારક ટોયોહિકો કાગવા જાપાનના ગાંધી તરીકે પ્રસિદ્ધ હતા. એકવાર કોઈએ તેમને પૂછ્યું : ‘તમે ખૂબ શ્રમ કરી શકો છો તેનું રહસ્ય શું છે ?’ કાગાવાએ પોતાનું શૈશવ યાદ કરીને કહ્યું : ‘હું છ-સાત વરસનો હતો ત્યારે મારા પિતાજી સાથે જંગલમાં ફરવા ગયો હતો. ચાલતાં-ચાલતાં ખૂબ થાકી ગયો અને પિતાજીને કહ્યું : ‘મને તેડી લો, હું ખૂબ થાકી ગયો છું.’ પિતાજીએ કહ્યું : ‘હું યે થાકી ગયો છું.’ કાગાવા કહે છે : હું રડવા લાગ્યો ત્યારે પિતાજીએ ઝાડની એક ડાળખી તોડીને મને આપી અને કહ્યું : ‘લે આ ઘોડો, એના પર સવાર થઈ જા!’ મેં એવું જ કર્યું. થોડીવારમાં મારો બધો થાક ગાયબ થઈ ગયો. બસ, એ ઘટના મારા માટે ધ્રૂવતારક બની. થાક હોય કે કંટાળો, હવે હું હંમેશાં પુસ્તક, સંગીત, બાળરમતો કે મિત્રો વગેરેના ઘોડા પર સવાર થઈ જાઉં છું.

[11] ગાંધીજી લંડનમાં ભણતા હતા ત્યારની વાત છે. તેઓ મહાત્મા કે બાપુ નહોતા થયા. હતા કેવળ મોહનદાસ ગાંધી. ત્યારે દાદાભાઈ નવરોજી પણ ત્યાં રહેતા હતા. એક વખત દાદાભાઈએ વિચાર્યું કે નવા વર્ષ નિમિત્તે પાર્ટી રાખીએ. તેમણે મોહનદાસને પ્રમુખ થવા માટે વાત કરી. મોહનદાસ કહે : ‘હોટલમાં નહીં, ખર્ચાળ હોય તો નહીં, કોઈ શાંત જગ્યાએ રાખીએ અને બધું હાથે બનાવીએ.’ વાત મંજૂર થઈ. મોહનદાસને બહુ ઓછા ઓળખે. કોલેજ પૂરી કરી જ્યાં પાર્ટી રાખી હતી ત્યાં આવ્યા અને કોઈએ તેમને ચટણી વાટવા બેસાડ્યા. મોહનદાસ તો એ કામમાં બરાબર લાગી ગયા. થોડીવારે દાદાભાઈ આવ્યા અને મોહનદાસને ચટણી વાટતા જોઈને કહે : ‘આ શું ! આ મોહનદાસ તો આપણા આજના સમારંભના પ્રમુખ છે !’ મોહનદાસ કહે : ‘આ જ બરાબર છે. બધું કામ હાથે કરવું અને બધાંએ કરવું જોઈએ.’

[12] એક યુવાન, હતાશાથી ઘેરાઈ ગયો. સતત પોતાની વેદનાની વાત કર્યા કરે. અચાનક સંત મળી ગયા. પોતે કેટલો દુઃખી છે તેની વાત મીઠું-મરચું ભભરાવીને કરી. સંતે એને એક પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું કે એમાં એક મુઠ્ઠી મીઠું નાખ અને હલાવીને પી જા. યુવાને એ પ્રમાણે કર્યું. એકાદ બે ઘૂંટડા ભર્યા અને પાણી ખારું થઈ ગયું હોવાથી થૂંકી નાખ્યું. સંત પછી એને એક સરોવર પાસે લઈ ગયા. સંતે યુવાનને કહ્યું કે સરોવરમાં મીઠું નાખ. યુવાને તેમના કહ્યા મુજબ સરોવરમાં મીઠું નાખ્યું. પછી સંતે કહ્યું કે હવે સરોવરનું પાણી ચાખ. યુવાને પાણી ચાખ્યું. સંતે પૂછ્યું : ‘કેવું લાગ્યું ?’ યુવાન કહે : ‘સરસ’. સંતે યુવાનનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું : ‘જીવનમાં આ દુઃખ મીઠા જેવું છે. વેદના તો એની એ જ છે, પણ બધો આધાર તમે તેને ક્યા પાત્રમાં નાખો છો તેના પર છે. ગ્લાસમાં નાખશો તો ખારું લાગશે અને વિશાળ સરોવરમાં નાખશો તો વાંધો નહીં આવે. હવે તારે નક્કી કરવાનું છે કે તમારે ગ્લાસ થવું છે કે સરોવર !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પોથી પંડિત – રમણલાલ સોની
સાહિત્ય સંચય – સંકલિત Next »   

12 પ્રતિભાવો : સમુલ્લાસ – સં. રમેશ સંઘવી

 1. Nitin kanadia says:

  ખુબ સરસ લેખો….

 2. SANSKRUTI says:

  really nice
  specially i like last one.i do believe k DRASHANT MA THI JE UPDESH MALE CHE ASARKARAK HOY CHE

 3. abcd says:

  excellent thoughts !!!

 4. nayan panchal says:

  સુંદર પ્રેરણાદાયી દ્રષ્ટાંતો.

  આભાર,
  નયન

 5. Preeti Dave says:

  નાના પણ રાય ના દાણા……ટુકા પણ અસરકારક પ્રસગો…

 6. vraj dave says:

  સાવ સાચી વાત નાના પણ રાયના દાણા…..અરે શ્રી મૃગેશભાઈ આપને જન્મદિવસની ખુબખુબ શુભકામના.
  વ્રજ દવે

 7. hiren says:

  ખુબ સરસ પ્રસંગો

 8. Amee says:

  સુન્દર પ્રસન્ગો ….Its too good….

 9. praful patel says:

  બહુજ સરસ બોધ કથાઓ…જય સિયારામ્

 10. dinesh jethava says:

  adbhut lekho chhe…jyare time male chhe vachya j karu chhu…haju vadhare lekho mukata rahe tevi vinanti…jay jay garvi gujrat ane mithi mithi matrubhasha gujrati ne koti koti vandan…

 11. dinesh bhai bhatt. vapi says:

  શ્રી મૃગેશભાઈ ખુબખુબ શુભકામના સાહિત્યકાર : રમેશ ભાઇ સંઘવી ને પણ શુભકામના

  ખુબ સરસ લેખ આવા નાના દ્રષ્ટાંતો ઘણિ વખત બહુ મોટૂ કામ કરતા હોય છે

 12. Bachubhai Patel says:

  Very nice

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.