- ReadGujarati.com - http://www.readgujarati.com -

રીડગુજરાતી : સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી

વ્હાલા વાચકમિત્રો,

રીડગુજરાતી સાથેની સાહિત્યયાત્રામાં વધુ એક વર્ષ ઉમેરાયા બાદ જ્યારે હું આ લેખ લખવાની શરૂઆત કરું છું ત્યારે મનમાં આખાયે વર્ષની કેટકેટલી ઘટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કંઈક વાત કરું તે પહેલાં આજના આ મંગલ પ્રભાતે આપ સૌને મારા પ્રણામ.

રોજ સવારે અખબારના પાનાં ફેરવતાં ચોરી, હિંસા, ખૂન વગેરે સમાચારો વાંચવા મળે છે. છાપાના આ બાર પાનાં વાંચીને સમાજનો બૌદ્ધિકવર્ગ એમ માનતો થઈ જાય છે કે જમાનો બહુ બગડી ગયો છે ! આ બાબતમાં મારી માન્યતા જરા જુદી છે. હું એમ માનું છું કે અખબારના બાર પાન વાંચીને આપણે એમ સમજવું જોઈએ કે આપણી આસપાસમાં માત્ર આટલી જ ઘટનાઓ અયોગ્ય બને છે, એ સિવાય જગતમાં બધું સારું જ બને છે ! કારણ કે જે કંઈ સારું બને છે એની દુર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોંચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, રીડગુજરાતી સાથેની યાત્રામાંનો પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે.

આજે આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ કે આપણા જીવનનું સઘળું મૂલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજિક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી. માત્ર તમે આર્થિક રીતે કેટલા સદ્ધર છો એ જ જોવાય છે. સાહિત્યકાર કે સંગીતકાર પણ પોતાની કલા પ્રસ્તુત કરીને કેટલા પૈસા કમાય છે ? – એ જ રીતે એને જોવામાં આવે છે. જેઓ પોતાની નોકરી કે ધંધામાં ખૂબ પરિશ્રમ કરી રહ્યાં હોય, તે છતાં તેમને જો યોગ્ય પગાર ન મળતો હોય તો સ્વાભાવિક રીતે કોઈ પૂછી બેસે છે કે ‘આટલી મોંઘવારીમાં તમે આટલા ટૂંકા પગારમાં ઘર કેવી રીતે ચલાવો છો ?’ આટલી વિકટ અને જટિલ પરિસ્થિતિ વચ્ચે આધુનિકતાના ધસમસતા પ્રવાહમાં જો કોઈ એમ કહે કે : ‘કલાના ખોળે રહીને પણ જીવન જીવી શકાય છે….’ – તો આ વાત જગતના લોકો માટે સૌથી હાસ્યાસ્પદ થઈ પડે. તનતોડ મહેનત બાદ આવક-જાવકના બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી અનુભવતા લોકો એ વાત કેવી રીતે સ્વીકારી શકે કે સાહિત્યના સહારે સર્વસ્વ પામી શકાય છે ? પરંતુ હા, જીવી શકાય છે…ચોક્કસ જ જીવી શકાય છે. હું આ વાતનો સાક્ષી છું; એ પણ એક-બે મહિનાથી નહીં, પૂરેપૂરા છ વર્ષથી !

કદાચ આપના મનમાં પ્રશ્ન થશે કે ‘ચાલો, એમ માની લઈએ કે કલાના ખોળે જીવન સમર્પિત કરવાથી દાળ-ચોખા નીકળી શકે છે; પરંતુ શું આજના સમયમાં ફક્ત દાળ-ચોખાની વ્યવસ્થાથી જ બધું કામ ચાલી જાય છે ? માત્ર એટલું જ આયોજન પૂરતું છે ?’ – સાચી વાત, માણસનું જીવન હવે ફક્ત પેટની ભૂખ સુધી સીમિત નથી રહ્યું. માણસને ટેકનોલોજી અને આધુનિકતાના પ્રવાહો સાથે તાલ મિલાવવા જરૂરી સાધનો વસાવવાં પડે છે. પરંતુ તે છતાં આ બાબતમાં પણ હું એમ મક્કમતાપૂર્વક કહી શકું છું કે સાહિત્ય ખરેખર પર્યાપ્ત છે ! કોઈ પણ કલાની સાચી ઉપાસના માણસના જીવનની આંતરિક જરૂરિયાતોની સાથે સાથે તેની ભૌતિક જરૂરિયાતોને પૂરી કરવા સક્ષમ છે. વૃત્તિ અને સાધન શુદ્ધ હોય તો આ જગતમાં શું અશક્ય છે ? આ બધી બાબતો મારે ફક્ત સિદ્ધાંતો રૂપે નહીં પરંતુ મારા પ્રત્યક્ષ અનુભવ દ્વારા આપની સામે મૂકવી છે. તેથી, આ વિશે હું આપને મારા બે અનુભવોની વાતો અહીં કહેવા માગું છું. ગત ઓક્ટોબર માસમાં અચાનક મારું લેપટોપ ચોરાઈ ગયું. ખબર નહીં કેવી રીતે, પરંતુ એ દિવસોમાં આસપાસના વિસ્તારોમાંથી ઘણા લેપટોપ ગયાં. સ્વાભાવિક છે કે અચાનક આવી ઘટના બનવાથી અસ્વસ્થ થઈ જવાય. શું કરવું એ સમજ ન પડે. જે કંઈ માહિતી હતી એ તો બધી સચવાયેલી હતી, જેથી ડેટાનું નુકશાન ઓછું થયું, પરંતુ સાધનનું શું ? એના વગર કામ શી રીતે થઈ શકે ? એ દિવસે મેં આ વાત એક નાની નોંધ રૂપે સાઈટ પર મૂકી હતી. મારા આશ્ચર્ય વચ્ચે બે જ કલાકમાં ચારેબાજુથી એટલી બધી મદદ પ્રાપ્ત થઈ કે મારે સૌને ઈ-મેઈલ કરવો પડ્યો કે કૃપયા હવે તમારું વધુ યોગદાન ન મોકલશો. એ જ દિવસે બીજું લેપટોપ લેવાનું શક્ય બન્યું, એ આ સાહિત્યની દેન નહીં તો બીજું શું છે ? કહેવાનો અર્થ એ છે કે સાહિત્ય કંઈ બિચારા-બાપડા અને લાચાર લોકોની દુનિયા નથી. સાહિત્યમાં માંડ-માંડ ગાડું ગબડે એવી વાત નથી. એ તો તમને પાંખો પણ આપે છે.

હવે આ અનુસંધાનમાં એક બીજો પ્રસંગ જોઈએ. મને ખબર નથી કે આપ મારી આ વાત સાચી માનશો કે નહિ પરંતુ સાહિત્યએ મને જે આપ્યું છે એ તો મારે કહેવું જ પડશે. આ વાત છે થોડા મહિનાઓ પૂર્વેની. એક દિવસ અમેરિકાથી એક વાચકબેનનો ફોન આવ્યો કે તેઓ ભારતની મુલાકાતે આવવાના છે અને રીડગુજરાતીને કંઈક યોગદાન આપવા ઈચ્છે છે. એમની વિશેષ ઈચ્છા એવી હતી કે થોડુંક વધુ યોગદાન આપી શકું તો રીડગુજરાતીના અન્ય ખર્ચાઓ માટે મદદરૂપ થઈ શકું. એમણે મને પૂછ્યું કે હાલમાં તમારી શું જરૂરિયાત છે ? મેં એમને સંકોચપૂર્વક જણાવ્યું કે ‘મારે તો એક કારની જરૂરિયાત છે !’ સાથે મેં એમને કહ્યું કે આપને મારી વાત અતિશયોક્તિભરી લાગે અને કદાચ એમ પણ થાય કે કાર તો લકઝરીમાં ગણાય, એ જરૂરિયાતની વસ્તુ શી રીતે હોઈ શકે ? પરંતુ એ મારા માટે જરૂરિયાતની વસ્તુ છે એ પણ એટલું જ સાચું છે. કઈ રીતે ? વાતનો ખુલાસો કરતાં મેં કહ્યું કે ‘બને છે એવું કે રીડગુજરાતીને કારણે મારે ત્યાં અનેક સાહિત્યકારોની અવરજવર વર્ષ દરમ્યાન સતત ચાલતી રહે છે. મોટા ભાગનાં સાહિત્યકારો વડીલ હોય અને ઘણીવાર તેઓ ટ્રેન દ્વારા મુસાફરી કરીને દૂરથી આવતાં હોય. કોઈ પોતાના પુસ્તક વિમોચનનું નિમંત્રણ પાઠવવા આવ્યાં હોય તો કોઈ અંગત વાર્તાલાપ માટે સમય લઈને પધાર્યા હોય. આ સૌ વિદ્વાનો માટે આપણે બીજું તો શું કરી શકીએ ? પરંતુ તેમની લેવા-મૂકવાની સગવડ સાચવી શકાય તોય ઘણું – એમ મારા મનમાં થયા કરે. એ સિવાય જ્યારે ખૂબ અંતરિયાળ ગામડાઓમાં કામ કરતી સંસ્થાઓની મુલાકાત લેવાનું થાય ત્યારે એવા વિસ્તારોમાં બસની સુવિધા ન હોવાથી ભારે અગવડ પડે અને પરિણામે સુંદર કાર્યો કરતી સંસ્થાઓ સુધી પહોંચવાનું અઘરું થઈ પડે. વળી, ઘણીવાર જે સાહિત્યકારોએ રીડગુજરાતીને પોતાના લેખ મોકલ્યા હોય તેમને ત્યાં જવાનું થાય ત્યારે સ્વાભાવિક એવી ઈચ્છા થઈ આવે કે તમને લૅપટૉપની મદદથી લેખ પર પ્રાપ્ત થયેલા પ્રતિભાવો બતાવી શકાય તો ઘણું સારું. આ બધા માટે પોતાનું એક સાધન હોય તો કદાચ વધુ અનુકૂળતા રહે.

તેમણે મારી વાત સાંભળીને તુરંત સંમતિ દર્શાવી અને પોતાની તરફથી અમુક રકમ નિશ્ચિતપણે આપવાનું જણાવ્યું. એ સાથે તેમણે એમ કહ્યું કે ‘જે સાધનનો લોકો મોજશોખ માટે ઉપયોગ કરતાં હોય છે એ સાધનનો આવો સદુપયોગ થતો હોય તો એમાં કશું જ ખોટું નથી, માટે તમે આ વિચાર તમારા કેટલાક નજીકના વાચકમિત્રો સુધી વિના સંકોચે પહોંચાડો, તેઓ જરૂર યોગદાન કરશે જ.’ છેવટે બન્યું પણ એમ જ. સૌએ આ વિચારને વધાવી લીધો અને જોતજોતામાં ઘણી મોટી (લગભગ 70%) રકમ ભેગી થઈ ગઈ. એમાં મેં પણ મારા તરફથી યથાશક્તિ ઉમેરો કર્યો અને પરિણામે એક નવી કાર (ALTO LXI) લેવાનું શક્ય બન્યું. હું તો આને એક અનન્ય ઘટના ગણું છું. સાહિત્ય શું નથી આપતું ? આ ઘટના તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. કોઈ પણ કલાના ક્ષેત્રમાં જે કોઈ નિષ્ઠાપૂર્વક કામ કરે છે તેને અસ્તિત્વ જરૂરી સાધનો પહોંચાડતું જ રહે છે. મારે આજે આ બધી વાતોની સ્પષ્ટતા એટલા માટે કરવી પડે છે કે સમાજના મનમાં એક ગ્રંથિ ઘર કરી ગઈ છે કે ‘સાહિત્ય તો નવરા લોકોનું કામ….સાહિત્યમાં તો ભૂખે મરવું પડે…. સાહિત્યમાં તો ખભે બગલથેલો લટકાવીને ઘસાયેલાં ચંપલ પહેરીને ફરવું પડે…..’ આ છાપને હવે ભૂંસી નાખવી પડશે. કવિ અને લેખક સામે લોકો દયામણી નજરે જોતા હોય છે. એ હવે બંધ થવું જોઈએ. સમાજમાં કલાને યોગ્ય આદર મળવો જોઈએ. કલાના સંવર્ધન માટે જેઓ આવું યોગદાન કરતાં હોય તેમની સમાજે નોંધ લેવી જોઈએ. શુભ ઘટનાઓ આપણી આસપાસ આજે પણ બને છે. બસ, એને જોવા માટે દષ્ટિ કેળવવી જોઈશે.

મુખ્ય વાત મારે એ કહેવાની હતી કે ભાષા-સાહિત્ય માટે લોકો આજે પણ આટલું યોગદાન કરે છે એ વાતની સૌને જાણ થવી જોઈએ. આપણે ત્યાં મોટે ભાગે બને છે એવું કે દાન લેનાર વ્યક્તિ પોતાને કેટલું દાન મળે છે તે જાહેર નથી કરતો. કદાચ એમાં એક ભય રહેલો હોય છે કે જાહેર કરવાથી લોકો આપતા બંધ તો નહીં થઈ જાય ને ? – પરંતુ આ ભય અસ્થાને છે. આપણને જે કંઈ મળતું હોય તેની વાત આપણે જાહેરમાં કરવી જોઈએ. આપણે આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે એમ નહીં કરીએ તો લોકોનો સાહિત્ય પરથી વિશ્વાસ ઊઠી જશે. ગુજરાતી ભાષા બચાવવા માટે ઠેર-ઠેર આંદોલનો થતાં રહે છે પરંતુ કેટલાક લોકો ગુજરાતી ભાષા માટે આ રીતે કંઈક આપતા હોય છે એવી વાતો તો ક્યાંય સંભળાતી નથી ! આપનારની ગરિમા સચવાય એ રીતે લેનારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે ‘હા, મને યથાયોગ્ય પ્રમાણમાં મળી રહે છે.’ હું તો ત્યાં સુધી કહેવા માગું છું કે રીડગુજરાતીની આ યાત્રામાં એવા ઘણાં વાચકમિત્રો છે જેમણે રીડગુજરાતીને એકવાર નહીં પરંતુ દસથીયે વધારે વખત યોગદાન કર્યું હોય. એ સૌ યોગદાન કરનારને મારી સ્પષ્ટ સૂચના હોય છે કે તમે આપેલાં યોગદાનનો હું રીડગુજરાતીની સાથે મારા જીવનનિર્વાહના ખર્ચ માટે પણ ઉપયોગ કરું છું, પરંતુ તેમ છતાં તેઓ દર વર્ષે આપ્યે જ જાય છે, આપ્યે જ જાય છે…. કોઈ પણ જાતના પ્રત્યક્ષ પરિચય વગર જે લોકો આપણામાં આટલો વિશ્વાસ મૂકે છે એમને આપણે કેમ ભૂલી શકીએ ?

રીડગુજરાતીને ક્યારે ક્યારે અને કેવા કેવા પ્રકારે ડોનેશન મળ્યું છે, એની જો હું યાદી બનાવું તો સ્તબ્ધ થઈ જાઉં છું. મને ખુદને વિશ્વાસ આવતો નથી કે શું જગતમાં આવું પણ બની શકે છે ? સતયુગને પણ શરમાવે એવી ઘટનાઓના સાક્ષી બનવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. ક્યારેક એવું બને છે કે કોઈક સવારે હું મારું બેંક ખાતું ઈન્ટરનેટ પર તપાસું ત્યારે કોઈ અજાણ્યા દાતાએ બે-ત્રણ હજાર રૂપિયા નામ વગર જમા કરાવી દીધા હોય ! પરદેશમાં ભણતી એક વિદ્યાર્થીનીએ રીડગુજરાતીના ઈન્ટરનેટ ખર્ચ માટે યથાશક્તિ આજીવન સહાય કરવાનું વચન આપ્યું છે. પોતાને ગમતાં સામાયિકોના લવાજમ વાચકો જાતે જ ભરી દે છે, અને એ સામાયિક મને મળે ત્યારે ખબર પડે છે કે આનું તો લવાજમ કોઈક વાચકે ભર્યું છે ! થોડા વર્ષ અગાઉ મુંબઈના કોઈ વડીલે પૂરાં બે વર્ષ સુધી ‘મુંબઈ સમાચાર-જન્મભૂમિ’ના લવાજમ ભરી દીધાં હતાં. પરદેશથી આવનાર વાચકમિત્રો જ્યારે મળવા આવે ત્યારે ચૂપચાપ મારા ટેબલ પર એક કવર મૂકી જાય છે. એ કવરમાંની રકમ સામાન્ય નથી હોતી. કેટલીકવાર તો જાહેરાત આપનાર પણ એમ કહે છે કે ‘આ તો એ બહાને અમે કંઈક મદદરૂપ થઈ શકીએ…!’ એકવાર એક ભાઈ મને એમ કહેતા હતા કે આજે અમારા પિતાજીની પુણ્યતિથિ છે, તેથી અમે અમુક રકમ તમારા ખાતામાં જમા કરાવી છે જે તમે રીડગુજરાતીના કામ માટે વાપરજો. વળી, જ્યારે સર્વરની તકલીફ થઈ હોય ત્યારે અનેક લોકોએ અનેક વખત સહાય કરી છે. આનો અર્થ એ નથી કે રીડગુજરાતીને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો ન કરવો પડ્યો હોય પરંતુ જે લોકો સાહિત્યની તાકાતને ઓછી આંકતા હોય તે સૌને મારા આ જવાબો છે. આ સત્યઘટનાઓ છે, કલ્પનાજગતની વાતો નથી.

હવે એથી એક ડગલું આગળ જોઈએ. રીડગુજરાતી સાથેની આ યાત્રામાં ખૂબ ફરવાનું થતું રહે છે એથી ઘણીવાર એવા લોકોને મળવાનું થાય છે કે જેમને પોતાના વિકાસ માટે કોઈ સાધનની જરૂર હોય. તેમની સ્થિતિ જોઈને મને એમ થાય કે આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને યોગ્ય સહાયતા મળવી જોઈએ. કોઈકવાર આ પ્રકારની માહિતી હું મારા વાચકમિત્રોને આપતો રહું છું અને મને એ વાતનો ગર્વ છે કે આટલા વર્ષોમાં એ રીતે કેટલાક વાચકમિત્રો સાથે જોડાઈને અમુક યોગ્ય વ્યક્તિઓને જરૂરી સાધનો આપવાની અમૂલ્ય તક અમને સૌને પ્રાપ્ત થઈ છે. એ અભાવગ્રસ્ત ચહેરા પર અપાર આનંદ છલકાતો જોયો ત્યારે અમને અનુભવાયું કે આપવામાં જ જગતનો સર્વોચ્ચ આનંદ સમાયેલો છે ! કોઈ વિદ્યાર્થીનીની ફી ભરવાની હોય કે કોઈ ઘરડાઘરને ફ્રિજની જરૂર હોય કે પછી કોઈને કોમ્પ્યુટરની આવશ્યકતા હોય અથવા કેટલાકને રોજગારી માટે સિલાઈના સંચાની જરૂર હોય, કોઈના કોલેજની ફી ભરવાની હોય…. – આ બધા જ પ્રસંગોમાં બધાએ ભેગાં થઈને મન મૂકીને સહાય કરી છે. હજી હમણાં ગત સપ્તાહે જ એક તેજસ્વી વિદ્યાર્થીનીને નવું લેપટોપ આપવાનું કાર્ય ગણતરીના દિવસોમાં જ સંપન્ન થયું. આ બધી વાતો અહીં લખીને રીડગુજરાતીની મહત્તા કે દાતાઓના વખાણ કરવાનો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ મુખ્ય બાબત એ છે કે આ બધી વાતો લોકો સુધી પહોંચવી જોઈએ જેથી સમાજમાં આ પ્રકારનાં કાર્યો કરવાની કોઈને પ્રેરણા મળે.

કહેવાનું તાત્પર્ય એ કે કલા બધું જ આપે છે પરંતુ આ બધી બાબતો દ્વારા મારો કહેવાનો હેતુ એવો જરા પણ નથી કે કલાના ક્ષેત્રમાં જગતની તમામ સુખસાહ્યબી છે. એમાં તો નિરંતર સંઘર્ષ છે. પોતાનું અસ્તિત્વ ટકાવવાથી માંડીને રોજગારી સુધીના અનેક પ્રશ્નો છે. તમામ ગણતરીઓ એક બાજુએ મૂકીને આ માર્ગે એકલા ચાલવાનું હોય છે. દુનિયાના લોકોનો ઉપહાસ સહન કરીને આપબળે આગળ વધવાનું હોય છે. તેમ છતાં આ બધું ખૂબ ગમે છે કારણ કે કલાની શીતળ છાંય એવી છે કે એ જગતના તાપનો અનુભવ થવા દેતી નથી. સાહિત્ય આ અર્થમાં એક પ્રચંડ શક્તિ છે. રીડગુજરાતી દ્વારા મારી ખોજ એવા ઊર્જાવાન સાહિત્યની રહી છે કે જે જીવનને પ્રકાશિત કરનારું છે. આપ સૌ જાણો છો કે અહીં મનોરંજનનો કોઈ હેતુ નથી. જે કંઈ શુભ છે, જીવનને સારા માર્ગે પ્રેરિત કરનારું છે તે સૌ લોકો સુધી પહોંચે તેવો એક પ્રયાસ છે. જીવનનું યોગ્ય ઘડતર કરી શકે તેવા શિષ્ટ વાંચનની આજે જરૂર છે. આ માટે રીડગુજરાતીના બધા જ લેખો કંઈ ઉત્તમ કક્ષાના હોય એવું નથી, પરંતુ જીવન વિકાસની દિશામાં એક નાનકડું ડગલું ભરી શકાય એવો પ્રયત્ન તો ચોક્કસ છે.

ટૂંકમાં, સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે મારો કહેવાનો સાર એ હતો કે જગતમાં ઘણું શુભ બનતું હોય છે. માત્ર રોજબરોજના સમાચારોના આધારે આપણે જગતને મૂલવી શકીએ નહીં. આ છ વર્ષની યાત્રાના મારા આ બધા અંગત અનુભવો રહ્યાં છે. વર્ષમાં એક દિવસ આ મળે છે કે જ્યારે રીડગુજરાતીના પડદા પાછળ બની રહેલી ઘટનાઓ આપની સાથે વહેંચવાની આવી તક મળે છે. મને એ વાતનો આનંદ છે કે રીડગુજરાતીને આવા જાગૃત અને મૂલ્યનિષ્ઠ વાચકો મળ્યાં છે. દર વર્ષે અનેક વાચકો અને સાહિત્યકારો ઉમેરાતા જાય છે અને તેમાંથી ઘણાં લોકોને પ્રત્યક્ષ મળવાનું પણ બને છે. કેટલી બધી વ્યસ્તતા વચ્ચે આપ સૌ થોડો સમય લઈને દૂર દૂરથી મળવા આવો છો ! વડીલ સાહિત્યકારો અને મહાનુભાવો માટે તો શું કહેવું ? અહીં મને વિશેષરૂપે સ્મરણ કરવાનું મન થાય છે કે ચાલુ વર્ષે મારે ત્યાં પધારેલા કુન્દનિકાબેન કાપડિઆ, મીરાબેન ભટ્ટ, પૂ. મોરારિબાપુ તથા અન્ય સૌ વડીલોએ મને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમની સાથેના વિચાર વિનિમયથી મને લેખોની પસંદગી કરવામાં વધુ પ્રકાશ પ્રાપ્ત થયો છે. 4000 લેખોની આ યાત્રામાં સૌ સાહિત્યકારોને વંદન કરું એટલા ઓછા પડે. તેમનો અપાર સહયોગ સતત મળતો રહ્યો છે. ઉત્તમ પુસ્તકો રીડગુજરાતી સુધી પહોંચાડનાર સૌ પ્રકાશકોનો પણ એટલો જ આભાર. જેમના આશીર્વાદથી આ યાત્રા નિર્વિઘ્ને ચાલી રહી છે તે મારા સ્વ.માતા અને પિતાને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું તથા જેમની કૃપાથી સાહિત્યના ખોળે વિશ્રામ અને આનંદ મળ્યો તે પરમ તત્વનું પણ સ્મરણ કરી લઉં છું. રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાથી લઈને અન્ય તમામ ખર્ચ માટે સહાયતા કરનારા સૌ દાતાઓને મારા નમન. છેલ્લે, મારા કુટુંબીજનો જેવા વિશ્વના તમામ વાચકોને મારા ભાવપૂર્વક વંદન. રીડગુજરાતી આપણા સૌના જીવનપથને વધારે ને વધારે ઉજ્જ્વળ અને પ્રકાશિત કરવામાં નિમિત્ત બને તેવી પ્રાર્થના સાથે વીરમું છું.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી
+91 9898064256
shah_mrugesh@yahoo.com

(તા.ક. : રીડગુજરાતી પર રવિવાર તથા સોમવારે રજા રહેશે. તા. 12 જુલાઈની સવારે બે લેખો સાથે ફરી મળીશું. વાર્તા-સ્પર્ધાની 10 જુલાઈ છેલ્લી તારીખ છે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોની યાદી બે-ત્રણ દિવસમાં અહીં પ્રકાશિત કરવામાં આવશે.)