[‘ટૉલ્સ્ટૉયની 23 વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનો અનુવાદ શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈએ કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]
એક ગરીબ ખેડૂત વહેલી સવારે ખેડ કરવા માટે તેના ખેતરે જવા નીકળ્યો. બપોરના ભાથા માટે તેણે તેની સાથે લૂખોસૂકો રોટલો લઈ લીધો. ખેતરે પહોંચી તેણે હળ જોડ્યું અને સાથે આણેલ રોટલાને ફાળિયામાં વીંટી ઝાડીમાં મૂકી દીધો. બપોર થતાં સુધીમાં તે અને તેના ઘોડા થાક્યા. તેણે ઘોડાને ચરવા છોડી મૂક્યા અને તે ભાથાનો રોટલો લેવા પેલી ઝાડી પાસે ગયો.
તેણે ઝાડીમાંથી ફાળિયું ઉપાડ્યું ત્યારે તે હલકું હલકું લાગ્યું. તેમાં વીંટીને મૂકી રાખેલો લૂખોસૂકો રોટલો કોઈ ચોરી ગયું હતું. તેણે ઝાડીમાં જ્યાં ફાળિયું મૂક્યું હતું ત્યાં રોટલો પડી તો નથી ગયો ને તે જોઈ લીધું પણ ત્યાંય રોટલો હતો નહીં. ફાળિયું બરાબર ખંખેરી જોયું તોય રોટલો મળ્યો નહીં. ત્યાં ખેતરમાં એના સિવાય કોઈ આવ્યું સુદ્ધાં નહોતું, છતાં આમ રોટલો કોણ ચોરી ગયું તે એને સમજાયું નહીં. ‘આ ખરું ! અહીં કોઈ માણસ આવ્યો નથી અને સાથે સાથે મારો રોટલો કોઈ ચોરી ગયું છે એ પણ હકીકત છે.’ તે બબડ્યો. ખેડૂત જ્યારે ખેડ કરતો હતો ત્યારે શેતાનના સાગરીતે તેનો રોટલો ગુમ કરી દીધો હતો. રોટલો ગુમ થતાં ખેડૂત શેતાનને ગાળ દેશે એમ માની તે ઝાડીની પાછળ સંતાઈ રહી ખેડૂત શેતાનને ગાળ દે તેની રાહ જોતો બેસી રહ્યો હતો.
પોતાનો લૂખોસૂકો રોટલો પણ કોઈ ચોરી ગયું તેથી ખેડૂતને દુઃખ તો થયું પણ, ‘હશે…. એનો હવે કોઈ ઉપાય નથી. હું કાંઈ રોટલા વગર ભૂખે મરી જવાનો નથી. વળી જેણે રોટલો લઈ લીધો તેને તેની જરૂર હશે તો જ લીધો હશે એ તો શંકા વગરની વાત છે,’ એમ વિચારી તેણે કહ્યું, ‘એ રોટલો જેણે લીધો હશે તેનું તો એ પેટ ભરશે ને !’ આમ વિચારી તે કૂવા પર ગયો, પાણી પીધું અને આરામ કરી પાછી ખેડ શરૂ કરી દીધી.
શેતાનનો સાગરીત ખેડૂત પાસે શેતાનને ગાળ ન દેવડાવી શક્યો તેથી નાહિંમત થઈ ગયો અને નીચી મૂડીએ તેના માલિક શેતાન પાસે જઈને ઊભો રહ્યો. તેણે ખેડૂતનો રોટલો સંતાડી દીધો તોપણ ખેડૂતે શેતાનનું બૂરું ન ઈચ્છતાં ‘એ રોટલો જેણે ચોર્યો હશે તેનું તો એ પેટ ભરશે ને !’ એમ કહ્યું ને તે આખી વાત તેણે શેતાનને કહી સંભળાવી. આ સાંભળી શેતાન ગુસ્સે થઈ ગયો અને કહ્યું, ‘જો માણસ તારાથી ચડી જાય તો તેમાં વાંક તારો છે – તારું કામ તને આવડતું નથી. જો ખેડૂત અને તેની સ્ત્રીઓ આ રીતે વર્ત્યાં કરશે તો આપણી આખી બાજી ધૂળમાં મળી જશે. આ વાતને આમ પડતી મૂકવા જેવી નથી. અત્યારે ને અત્યારે પાછો જા અને બાજી સુધારી લે. જો ત્રણ વરસમાં તું ખેડૂતને તારી જાળમાં ફસાવી નહીં લે તો મારે તને ફાંસીએ લટકાવી મારી નાખવો પડશે.’ શેતાનનો સાગરીત ગભરાયો. પોતાની ભૂલ શી રીતે સુધારી લેવી તેનો વિચાર કરતો કરતો તે પૃથ્વી પર પાછો ફર્યો. તેણે ખૂબ વિચાર કર્યો અને આખરે ખેડૂતને પોતાની જાળમાં ફસાવવાની યોજના ઘડી કાઢી.
તેણે વેશપલટો કરી મજૂરનો વેશ ધારણ કરી લીધો અને પેલા ખેડૂતને ત્યાં મજૂર તરીકે જોડાઈ ગયો. પહેલે વર્ષે તેણે ખેડૂતને ખેતરના કાદવવાળા ભીના ભાગમાં વાવણી કરવાની સલાહ આપી. તે વરસે વરસાદ થયો નહીં અને બધા ખેડૂતોનો પાક પાણી વગર સૂરજના તાપમાં સુકાઈને ખલાસ થઈ ગયો. પણ પેલા ગરીબ ખેડૂતનો પાક ખૂબ સારો થયો. ખેતરના કાદવવાળા ભાગમાં રોપેલા છોડ ગીચ અને ઊંચા થાય તથા કંટીમાં પૂરા દાણા ભરાયા. તેને પોતાને આખું વરસ ચાલે તેટલા દાણા તો પાક્યા જ, અને વધારામાં સારો એવો દાણો તે બચાવી શક્યો. બીજે વરસે શેતાનના સાગરીતે ખેડૂતને ઢોળાવવાળા ભાગ પર વાવણી કરવાની સલાહ આપી. તે વરસે ખૂબ વરસાદ થયો. બીજા ખેડૂતોનો પાક ધોવાઈ ગયો, સડી ગયો. પણ પેલા ગરીબ ખેડૂતે ઢોળાવ પર કરેલી વાવણી સારી રીતે ખીલી. તેને ગઈ સાલ કરતાં પણ વધારે દાણો પાક્યો અને આ વરસે વધારાના દાણાનું શું કરવું એ તેને માટે પ્રશ્ન થઈ પડ્યો. એટલે શેતાનના સાગરીતે વધારાના અનાજને કોવડાવી, તે કોહી ગયેલા રગડામાંથી દારૂ કેમ બનાવવો, તે પેલા ખેડૂતને શીખવ્યું. આમ ખેડૂતે ખૂબ જ જલદ દારૂ બનાવી પીવા માંડ્યો અને તેના મિત્રોને પણ પાવા માંડ્યો. આટલું કામ પતાવી શેતાનનો સાગરીત માલિક પાસે ગયો અને પોતાની ભૂલ સુધારી લીધી છે તેની વાત બડાશ મારીને તેને કરી. શેતાને કહ્યું કે હું જાતતપાસ કરી પરિસ્થિતિ કેવી છે તે જોવા માગું છું.
શેતાન અને તેનો સાગરીત ખેડૂતને ત્યાં આવ્યા ત્યારે ખેડૂતે તેના પાડોશીઓને દારૂ પીવા માટે આમંત્રણ આપ્યું હતું. આખી મંડળી એક ટેબલની ફરતે ગોળાકારમાં બેઠી હતી અને ખેડૂતની સ્ત્રી બધાને દારૂની પ્યાલી આપી રહી હતી. મહેમાનોને દારૂની પ્યાલી આપતાં આપતાં તેના હાથમાંની થાળી ટેબલ સાથે અથડાઈ અને એક પ્યાલીમાંનો દારૂ છલકાઈને જમીન પર ઢોળાયો. આ જોઈ ખેડૂત ગુસ્સે થઈ ગયો અને પત્નીને વઢવા લાગ્યો, ‘બુદ્ધુ ! કંઈ ભાન છે કે નહીં ? જંગલી ! તારા મનમાં તો આ કૂવાનું પાણી હશે, જેથી ઢળે એટલે કંઈ વાંધો નહીં, ખરું ને !’
શેતાનના સાગરીતે શેતાનને કોણી અડાડી આ ઝઘડા તરફ ધ્યાન દોરી કહ્યું : ‘જુઓ, આ એ માણસ છે કે જે લૂખોસૂખો રોટલો જતો હોય તોય રોટલો લઈ જનારનું ભૂડું નહોતો ઈચ્છતો.’ પેલો ખેડૂત હજુ પત્ની પર ધૂંધવાયા કરતો હતો. તેણે પત્નીના હાથમાંથી દારૂની પ્યાલીઓ ભરેલી થાળી લઈ લીધી અને જાતે મહેમાનોને દારૂ આપવા માંડ્યો. તે બધાને દારૂ આપતો હતો તે વખતે એક ગરીબ ખેડૂત કામકાજથી પરવારી, કોઈ પણ જાતના આમંત્રણ વગર, ત્યાં આવી પહોંચ્યો અને મંડળીને રામરામ કરી ત્યાં બેઠો. તેણે જોયું કે બધા લિજ્જતથી કંઈ પી રહ્યા છે. આખો દિવસ કામ કરી કરીને તે થાકી ગયો હતો એટલે તેને પણ એકાદ પ્યાલી પીવા મળે તો ચડાવી લેવાની ઈચ્છા થઈ આવી. તે ત્યાં બેસી રહ્યો. તેનું મોં પાણી પાણી થઈ ગયું, પણ યજમાને તેને પ્યાલી ધરવાનો વિવેક સુદ્ધાં કર્યો નહીં. ઊલટાનું તેણે કહ્યું, ‘અહીં જે આવે તે બધાને માટે હું આ પીણું ક્યાંથી લાવું ?’
આ સાંભળી શેતાન રાજી થયો. તેના સાગરીતે તેની સામે જોઈ આંખ નચાવી અને કહ્યું, ‘માલિક, જરાક રાહ જુઓ. હજુ બીજું ઘણું જોવા મળશે.’ પેલા ખેડૂતે અને તેના મહેમાનોએ દારૂની એક પ્યાલી ચડાવી. બધા પીધેલી હાલતમાં એકબીજાને જૂઠ્ઠી અને લસપસતી વાતો કહેવા લાગ્યા. શેતાન આ બધું જોતો રહ્યો અને તેણે તેના સાગરીતને શાબાશી આપી.
‘જો આ પીણું તેમને આવા ભૂખ્યા શિયાળ જેવા બનાવી દે અને એકબીજાને છેતરતા કરી દે તો તે બધા આપણી જાળમાં તરત જ ફસાવાના !’ શેતાને તેના સાગરીતને કહ્યું.
‘જરા થોભો અને જે બને તે જોયા કરો. તેમને બીજી પ્યાલી ચડાવવા દો. અત્યારે તો તેઓ શિયાળવા જેવા લાગે છે, પૂંછડી પટપટાવતા એકબીજાને છેતરે તેવી જૂઠ્ઠી લસપસતી વાતોમાં પડ્યા છે, પણ એક બીજી પ્યાલી ચડાવતાં તો તેઓ જંગલી વરુ જેવા થઈ જશે.’ ખેડૂતોએ એક બીજી પ્યાલી ચડાવી. હવે તેમનાં મોંમાંથી જંગલી અને હલકટ ભાષા નીકળવા માંડી. જૂઠ્ઠી અને લસપસતી વાતોની જગ્યાએ તેમણે એકબીજા સાથે ફાવે તેમ ગાળાગાળી કરવા માંડી અને એકબીજા પર દાંતિયાં તથા ઘુરકિયાં કરવા માંડ્યાં. બધા અંદરઅંદર લડવા લાગ્યા અને મુક્કાબાજી પર આવી ગયા. તેમના યજમાન પણ લડાઈમાં જોડાયા અને તેને પણ સારી પેઠે માર પડ્યો. આ બધું જોઈ શેતાન ખૂબ રાજી થયો.
‘વાહ ! તેં તો કમાલ કરી !’ તેણે તેના સાગરીતને કહ્યું.
‘અરે સાહેબ, ખરી કમાલ તો હજુ હવે આવશે. સહેજ રાહ જુઓ. તેઓ ત્રીજી પ્યાલી ચડાવે એટલી જ વાર. અત્યારે તેઓ વરુની જેમ અંદરઅંદર લડી રહ્યા છે, એકબીજા પર દાંતિયાં અને ઘુરકિયાં કરી રહ્યા છે, પણ ત્રીજી પ્યાલી ચડાવતાં તો તેઓ જંગલી ભૂંડ જેવા થઈ જશે.’ અને ખેડૂતોએ ત્રીજી પ્યાલી લેતાં તો તેઓ ખરેખર જંગલી પશુ જેવા થઈ ગયા. તેમણે મોટે મોટેથી લવારા કરવા માંડ્યા. કોઈ કોઈની વાત સાંભળતું નહોતું, બધા ફાવે તેમ બક્યે જતા હતા. વધુમાં તેઓ શા માટે આમ કરે છે તેની તેમને ખબર સુદ્ધાં નહોતી.
ત્રણ પ્યાલી ચડાવ્યા બાદ મંડળી વિખેરાવા લાગી. કોઈ એકલું, કોઈ જોડીમાં તો કેટલાક ત્રણ ત્રણની ટોળીમાં લથડિયાં ખાતાં ખાતાં શેરીમાં આવ્યા. તેમનો યજમાન પણ તેમને વળાવવા માટે શેરીના નાકા સુધી આવતો હતો, પણ તે અધવચ્ચે જ લથડિયું ખાઈને ગંદી ગટરમાં ગબડી પડ્યો. તે ગટરમાં પૂરો ખરડાઈ ગયો અને ભૂંડની જેમ આળોટવા લાગ્યો. આ જોઈ શેતાનના આનંદનો પાર ન રહ્યો.
‘વાહ ! તેં એક નંબરના પીણાની શોધ કરી છે. ખેડૂતનો રોટલો ચોરી લઈ તેને ચીડવવાની જે ભૂલ કરેલી તે તેં હવે સુધારી લીધી છે. પણ તેં આ પીણું શી રીતે બનાવ્યું તે મારે જાણવું છે. હું માનું છું તેં પહેલાં શિયાળનું લોહી લીધું હશેઃ જેનાથી ખેડૂતો એકબીજાને જૂઠ્ઠી વાતો કહેતાં અને છેતરતાં શીખ્યા. પછી, મારા ખ્યાલ પ્રમાણે તેં તેમાં વરુનું લોહી ઉમેર્યું હશેઃ તેણે તેમને વરુ જેવા બનાવી મૂક્યા. અને છેલ્લે તેં ભૂંડનું લોહી નાખ્યું હશે જેથી તેઓ છેવટે ભૂંડની જેમ લથડિયાં ખાતા અને આળોટતા થઈ જાય.’ શેતાને કહ્યું.
‘ના માલિક ! મેં એવી રીતે આ પીણું નથી બનાવ્યું, ‘સાગરીતે જવાબ આપતાં કહ્યું, ‘મેં તો માત્ર ખેડૂત પાસે તેના ખપ કરતાં વધારે અનાજ ભેગું થાય તેવી ગોઠવણ કરી. દરેક માણસના લોહીમાં પશુના લોહીનો અંશ પડેલો જ હોય છે, પણ જ્યાં સુધી તેને ખપ પૂરતું જ ખાવા મળે ત્યાં સુધી તે દેખા દેતો નથી. જ્યારે ખેડૂત પાસે ખપ પૂરતું જ અનાજ હતું ત્યારે તેનો લૂખોસૂકો રોટલો ચોરી જનારનુંય તેણે ભૂંડું નહોતું ઈચ્છયું. પણ જ્યારે તેની પાસે જરૂરિયાત કરતાં વધારે અનાજ થયું ત્યારે તેણે એ વધારાના અનાજનો ઉપયોગ કરી તેમાંથી મોજ કેમ માણી શકાય તેનો વિચાર કરવા માંડ્યો. અને સાહેબ, મેં તેને રસ્તો બતાવ્યો – દારૂ બનાવીને પીવાનો ! અને જ્યારે તેણે ધરતીમાતાએ આપેલી ધાન્યની કીમતી ભેટને પોતાના આનંદ માટે દારૂમાં ફેરવવા માંડી, ત્યારે તેના લોહીમાં પડેલું શિયાળનું, વરુનું તથા જંગલી ભૂંડનું લોહી આપોઆપ બહાર આવ્યું. અને હવે જો તે દારૂ પીવાનું ચાલુ રાખશે, તો તે હંમેશને માટે પશુ જેવો થઈ જશે.’
સાગરીતની વાત સાંભળી શેતાને તેને ખૂબ ધન્યવાદ આપ્યા. તેની અગાઉની ભૂલ માફ કરી અને બઢતી આપી ઊંચી પદવી પર તેની નિમણૂંક કરી દીધી.
[ ટૉલ્સ્ટૉયની વાર્તાઓ ખૂબ સાંકેતિક અને ઊંડો વિચાર માંગી લે તે પ્રકારની હોય છે. એનું કથાવસ્તુ સામાન્ય હોય છે પરંતુ એની પાછળ રહેલું વાસ્તવિકતાનું કડવું ચિત્ર સામાન્ય નથી હોતું. આ શેતાન અને તેના સાગરીતો આજે પણ ફરે છે. તેઓ ઈચ્છે છે કે આપણી જરૂરિયાતો કેમ કરીને સતત વધતી રહે. એ માટે તેઓ બમણા અનાજની જેમ બમણા પગાર-પૅકેજની પણ વ્યવસ્થા કરી આપે છે. તેઓ જાણે છે કે એમ કરીને જ તેઓ આપણને પોતાની પકડમાં રાખી શકશે. એ જ રીતે બમણો પગાર આપીને તેઓ જુદો ફલેટ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણી વાસનાના પશુઓ સતત જાગતા રહે તે માટે તેઓ અખબાર, સામાયિકો કે ફિલ્મો મારફતે એવા દ્રશ્યો સતત પીરસતા રહે છે. અંતે માણસ નિમ્નકક્ષાના મનોરંજનમાં આળોટતો રહે છે અને થાકી-હારીને પોતાની જિંદગી પૂરી કરે છે. આ બધા વચ્ચે શેતાનને તો ઊંચી પદવીઓ સતત મળ્યા જ કરે છે. – તંત્રી.]
[કુલ પાન : 372. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : નવજીવન મુદ્રણાલય. અમદાવાદ. અથવા સંપર્ક કરો : http://navajivantrust.org/ ]
38 thoughts on “શેતાનની શોધ – લિયો ટૉલ્સ્ટૉય”
ખુબ જ સુંદર અને વિચાર કરવા પ્રેરે તેવી વાર્તા…
વાહ….મસ્ત વાર્તા.
વાર્તા તો વિચારપ્રેરક છે જ , સાથે તંત્રીશ્રી ની કોમેન્ટ પણ ખૂબ સરસ
સુંદર વાર્તા
ખુબ સરસ વાર્તા……
ખુબજ સરસ વાર્તા…
સત્ય ચ્હે કે દારુ એ સમાજ્ ને બહુજ ખોટા માર્ગ પર લઈ જાય છએ.બધુજ પાચ્ત્ય નુ અનુકરન ન કર્વુ જોઇ યે
લિયોની આ વાર્તા અને તેને સંમતિ આપતા તંત્રીશ્રીનાં વિચારો સારા છે….પણ માત્ર ખપ પૂરતું કમાનાર શેતાનને તાબે નહી થાય તેની કોઈ ખાત્રી ન આપી શકાય. જો એમ જ હોત તો ઝુંપડપટ્ટીઓમાં જીવતો દરેક માણસ સાધુ હોત. “સુદામા તેમની જગ્યા એ મહાન છે પણ સુદામાઓનો સમાજ ન બનાવી શકાય”. આ ઊપરાંત માણસનાં “ખપ”ની વ્યાખ્યા કરવી પણ મુશ્કેલ છે. સામ્યવાદે એવું કરવાની કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યો. વધતી જરૂરીયાતો પણ વ્યક્તિ અને સમાજ માટે કલ્યાણકારી હોય શકે. જરૂર છે વ્યવસ્થા અને વિવેકનો વિકાસ કરવાની. બૌધ્ધ ધર્મનું સુત્ર અહી યાદ આવે છે….. “શીલ, સમાધિ અને પ્રજ્ઞા” અને આ પ્રજ્ઞાનો વિકાસ જ વિવેક ને જન્મ આપે છે. અને આ પ્રકારનાં વાંચનો પણ પ્રજ્ઞાનાં વિકાસનું કારણ બની શકે.
બિલકુલ સાચી વાત છે. શાસ્ત્રોમાં આવી જરૂર પુરતી જ ચીજો ખરીદવી એવી અઢી વાતો લખી છે પણ એનું બરાબર મૂલ્યાંકન થયું નથી. ફક્ત એ વાતોને વળગી રહો તો સમાજમાં પરાગતી જ ના થાય.
શ્રી જગતભાઈ,
આમ તો આપની વાત “માત્ર ખપ પૂરતું કમાનાર શેતાનને તાબે નહીં થાય તેની કોઈ ખાત્રી ન આપી શકાય.” સાચી છે, પરંતુ સુદામાઓના સમાજ હોતા નથી. અને તેવી કોઈ જરુર પણ નથી. વ્યક્તિએ સુદામા સમાજ માટે નહીં, પોતાના શ્રેયાર્થે જ બનવાનું હોય છે. વ્યક્તિએ પોતે જ નક્કી કરવાનું હોય છે કે ભૌતિક જરુરીયાતો વધારતા રહી સુખના ઝાંઝીયા પાછળ દોડ્યા કરવું કે પછી સુદામા બનવાનો પ્રયત્ન કરવો.
Tolstoy is great man. His story is good for fulfill our life.
ખુબ સરસ અને બોધ પ્રેરક
ખુબ જ સુંદર અને વિચાર કરવા પ્રેરે તેવી વાર્તા
ખુબ જ પ્રેરણાદાયક વાર્તા….
ટોલ્સ્ટોયની વાર્તાઓ બોધપ્રદ હોય છે પણ એથી યે વધુ તો તેમનું જીવન ચરિત્ર પ્રેરણાદાયક છે. એક ધનાઢ્ય વ્યક્તિ જીવનના જે ચઢાવ ઉતાર જુએ છે અને તે વાસ્તવિક અનુભવોને આધારે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે તેમની વાર્તાઓમાં છલકાય છે.
જગતભાઈની વાત પણ એટલી જ સાચી છે. જરૂરીયાત નહિં સંતોષાય તો જરૂરિયાત પુરી કરવા ગુન્હાખોરી થશે. મુળ આવશ્યકતા સંતોષ, પુરુષાર્થ અને સાથે સાથે વિવેકબુદ્ધિના વિકાસની છે.
ખુબ સુંદર વાર્તા લખી છે. ટૉલ્સટૉયની દરેક વાર્તાઓમાંથી સારી પ્રેરણાઓ મળતી જ રહે છે. દશરથ
જગત દવેની વાત સાથે સમ્મત થવા જેવુ છે.
Now india goverment is also doing the same thing –first it collects it from farmers at supportive price –much lesser than market price –then there is no place in godowns to store and do not distribute it properly –then says so many tonnes of grain have been spoiled –finally the same is auctioned to wine manufacturers at much lesser price and loss is to bear by indian public and the wine manufacturers sell at good price to same public —
Now can any explain this theory which is repeated since 40 years is in favour of indian public –even supreme court has told that this should be distributed free to below poverty line ( BPL ) people
But here ppl are telling mera bharat mahan
and if told this they tell you are only sings in favour of west ???? what to do??????
simply superb…
પેસીમિઝમ પર આધારિત વાર્તા સમાજ માટે કંઈક સંદેશો આપશે તે વિષે શંકા છે.
અંગ્રેજીમાં એક કહેવત છે…..નેસેસીટી ઈઝ ધ મધર ઑફ ઈન્વેન્શન.
અર્થાત જરૂરિયાત એ શોધની જન્મદાતા છે. જગતમાં બધા જ માનવીઓ સંતોષનો ઓડકાર ખાઈને
સંતુષ્ઠ થઈ જાય તો આજનું જગત જે નિહાળીએ છીએ તે શક્ય ના બન્યું હોત. આ બ્લોગ ના હોત અને ગુજરાતીમાં
વિચારો વ્યક્ત કરવાની સુવિધા પણ શક્ય ના હોત.
સગવડોને વિવેક રૂપી બુધ્ધિથી નાથીએ તો જીવન આસાન થઈ જાય.
વિજ્ઞાનની શોધના ફળ રૂપે મળેલ સગવડોના ગુલામ ના થવું પણ આપણા હાથમાં જ છે.
સગવડોને વિવેક રૂપી બુધ્ધિથી નાથીએ તો જીવન આસાન થઈ જાય!
ખરેખર સાચુ છે! અતિ સર્વત્ર વર્જયેત મુજબ!
જો ખેડુતને એટલો વિવેક હોત કે આ વધનું અનાજ સદાવ્રતમાં આપી આવું તો કદાચ એમ ન થાત આ વાર્તામાંથી જો કોઇ બોધપાઠ લેવો જ હોય તો મારા ઘરમાં લખેલું આ વાક્ય છે – ભગવાન જ્યારે તમને તમારી જરુરિયાત કરતાં વધારે આપે છે ત્યારે યાદ રાખો કે તમે માત્ર એક ચૂંટેલ માધ્યમ છો! આજે સવારે જ એક અજનબી સાથે થયેલી વાતચીત પરથી …
Even oxygen can kill you, if you have only oxygen. No lunch is made only of one ingredient. So is love for money.
Sure, money is the root of all evil, but you must live your perfect blend of love, health, prosperity, faith etc..
Money is just a tool, and tool can never be more important than purpose, what is your purpose of life? If you can achieve without money, quit the job, and go for it!
વાર્તા અદભુ ત્
khub adbhut vichar chhe.
manas ne vichar karta muki de tevo chhe.
ખૂબ જ સુંદર વાર્તા. મને આ વાર્તાની ગહનતા પૂરેપુરી સમજાય એટલી સમજણ નથી. તેથી તંત્રીશ્રીની કોમેન્ટ કે અન્ય વાચકોના મંતવ્ય પર કોઈ ટિપ્પણી નથી કરવી.
જો આ વાર્તામાં દર્શાવેલી દારૂની બદી વિશે પણ વિચારીએ તો ઘણુ. યાદવાસ્થળી મદિરાપાન પછી જ થઈ હતી ને. ઘણા હિંદી અને અંગ્રેજી મૂવીઝ જોયા છે જેમને એન્ટિ-આલ્કોહોલ કે એન્ટિ-ડ્રગ મૂવી કહી શકાય. સારો અને સાચો માણસ પણ નશાની અસરમાં ઘડીભર માટે ભાન ભૂલીને એવી ગફલત કરી બેસે છે કે પછી આખી જિદંગી પસ્તાવુ પડે. (કદાચ, સલમાન ખાન)
દારૂ પીધા પછી મગજ પરનો કાબૂ જતો રહે છે. મારો કાબૂ તો એમ પણ મારા મગજ પર નથી રહેતો, દારૂ પીધા પછી શું થશે એ ખ્યાલે જ થથરી જવાય છે. દારૂને તો દૂરથી જ રામરામ.
આભાર,
નયન
સરસ વાર્તા…….. આ જગત મા શેતાનો ઘના… તો સમજદાર પણ ઘના…….જરુરિયાત થી વધારે મળવા થી માણસ ખોવાઈ જાય .
ખોવાઈ ગયેલો માણસ નો શુ ભરોશો ?
Excellent……why..tols toy….is master in short story…this is best…….proof…i inspire..for writing…..
Nice story but if it is taken on alcoholism then it is fine but on the backdrop of socialism is just not right. Socialism has proved one of the most popular and persistent political and economic philosophies of the last hundred-odd years. But the pity is that it has never worked.
Ashish Dave
very very very good story its msg for the peple who dont know about the bad result of drinking habits
સુન્દર………………
સરસ
સરસ અને અત્યારના સમયમાં લોકોના જીવન જીવવામાં ઉપયોગી થાય તેવી વાર્તા છે.
very good story
ખુબ જ સરસ વાર્તા ……….આજના જમાનાને અનુરુપ અને પ્રેરનાદાયિ કહેવાય તેવી…………………….
Superb Story… Dont have words to say…
Superb but not realistic,we should match us with world.
khub j srl ane shjta thi tolstoy e gdusmjavi didhu
માનવિય અન્તરભાવના નુ સરળ રીતે સચોટ રજુઆત સાથે નહિવત શબ્દો નો પ્રયોગ કરી અસરકારક ચિત્રણ અને ટૉલ્સટોય આ વિલકક્ષણ ખાસિયત ને “યથાસ્થિતિ” ગુજરાતી ભાષા મા અવતરીત કરવાનુ કાર્ય ઘણુ જવાબદારી વાળુ, જહેમત ભર્યુ અને જોખમ યુક્ત છે. આના માટે શ્રી શ્રી જીતેન્દ્ર ભાઈ ને પ્રતિભાવ મા માત્ર “આભાર” શબ્દ નો જે અર્થ થાય તેનાથી વધુ શબ્દો *.*
વધારે સમ્પતિ વધુ વિખવાદ કરાવે.