સુપ્રિયાની મજા ને માને સજા – ડૉ. ઊર્મિલા શાહ

[ યુવાન પુત્રીની માતાના મનમાં સ્વાભાવિક રીતે ઉદ્દભવતી ચિંતાઓ વિશેની આ વાર્તા ‘સંબંધોની સૃષ્ટિમાં’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

આજે સુપ્રિયા કૉલેજથી આવી છે ત્યારથી કંઈ ખબર પડતી નથી પણ કંઈક આમતેમ ફર્યાં કરે છે ને આઘીપાછી થયા કરે છે, કોઈ દિવસ નહીં ને રસોડામાં આવીને મને કહેવા લાગી, ‘મમ્મી, તું જા બીજું કામ કર. હું રોટલી ઉતારી દઉં છું. પછી આપણે જમવા બેસી જઈએ.’ ને મને તો ખૂબ નવાઈ લાગી. આજે શું સોનાનો સૂરજ ઊગ્યો છે ? આટલાં વર્ષોમાં સુપ્રિયાએ ક્યારેય આવો પ્રસ્તાવ મૂક્યો નથી. અરે ! હું ગમેતેટલી માંદી ના હોઉં ! થોડી મદદ કરવા કહું તો કહેશે : ‘મારે કૉલેજ જવાનું મોડું થાય છે. મને ટાઈમ નથી. મમ્મી તું ખીચડી મૂકી દેને ! તારે ચાલશે. હું તો કૉલેજથી આવતા થોડુંઘણું બહાર ખાઈ લઈશ.’

હજી સુધી ક્યારેય સુપ્રિયાની વણેલી રોટલી મેં ખાધી નથી. ને હું ય મૂઈ એવી છું ને, ઘણું ય મનમાં નક્કી કરું કે હવે સુપ્રિયા મોટી થઈ છે. એને રસોઈ તો આવડવી જ જોઈએ ને અને એટલે હવે એને કામમાં જોતરવી જ છે. પણ પાછું મારું મન પાછું પડે. બિચારીને સાસરે જઈને તો ભઠિયારો કરવાનો જ છે ને ! તો છો ને અત્યારે બિચારી હરીફરી લેતી. લહેર કરવાના એને માટે આ જ દિવસો છે ને ! ને આમેય છોકરાં ભણતાં હોય ત્યારે ક્યાંથી ટાઈમ કાઢે ? આજકાલ તો ભણવાનું ય કેટલું બધું વધી ગયું છે ?

ત્યાં તો સુપ્રિયાએ બૂમ પાડી, ‘મમ્મી જમવા ચાલ. ટેબલ પર બધું તૈયાર છે.’ ને હું ને સુપ્રિયા જમવા બેઠાં. રોજ સવારની કૉલેજ એટલે બપોરે તો હું ને સુપ્રિયા બે જ ટેબલ પર હોઈએ. જમતાં જમતાં સુપ્રિયાએ ધીરે રહીને વાત શરૂ કરી.
‘મમ્મી, એક વાત પૂછું ?’
‘પૂછને બેટા ! કેમ આજે આવું પૂછે છે ?’
‘ના…. પણ તોય મમ્મી.’
ને હું ચૂપ રહી. ત્યાં તો તેણે શરૂ કર્યું, ‘મમ્મી, અમારી કૉલેજમાંથી પિકનિક જવાની છે, નળસરોવર. શનિવારે સવારે જવાનું છે. કદાચ સાંજે પાછા આવી જઈએ પણ જો બરાબર પક્ષી જોવા ન મળે તો કદાચ રવિવારે પાછા અવાય. હું જાઉં ને મમ્મી ?’ ને એક આંચકા સાથે મારો હાથમાં લીધેલો કોળિયો ત્યાં ને ત્યાં જ અટકી ગયો. હું વિચારમાં પડી ગઈ. ‘શું કહેવું ? આટલા મોટા, કૉલેજમાં જતાં છોકરાઓને શું કહેવું ? ‘ના’ કહીશ તો એ મારે કીધે માનવાની નથી ને ‘હા’ કહું તો મારું મન માનતું નથી. કરવું શું ? ‘દીકરી એટલે સાપનો ભારો’ કહેનારે ખોટું કહ્યું નથી. દીકરીને સાચવવી એ કંઈ સહેલી વાત નથી. મનમાં તો અનેક વિચારોનો વંટોળ જાગ્યો પણ છતાંય પ્રયત્નપૂર્વક સ્વસ્થતા જાળવી મેં પૂછ્યું :
‘બેટા ! તમે લોકો કોણ કોણ જવાનાં છો ? શામાં જવાનાં છો ? સાથે ક્યા પ્રોફેસર આવવાના છે ?’
‘મમ્મી, મારું આખું ય ગ્રુપ જવાનું છે. ફક્ત ચિંતન અને કરિશ્મા નથી આવવાનાં. ચિંતનના કાકાને ત્યાં લગ્ન છે અને એને નથી ફાવે એવું એટલે એણે ના કહી એટલે કરિશ્માએ પણ માંડી વાળ્યું. અમે તો એને ઘણી સમજાવી કે ‘અમે બધાં તો છીએ. તું ચાલને !’ પણ કહે, ‘ચિંતન ન હોય તો મને મઝા ન આવે.’ સાવ ગાંડી નહીં તો !….’

ને હું વાત પામી ગઈ કે આમાં એકબીજા સાથે ગોઠવાયેલાં છોકરા છોકરીઓ જ સામેલ હશે. મને સુપ્રિયાએ ક્યારેય આ અંગે કશી વાત કરી નથી. પણ મને ય મનમાં પ્રશ્ન ઊભો થયો. એણે કોને પસંદ કર્યો હશે ? પણ ઉંમરલાયક અને આવા નાજુક તબક્કામાં, એને પૂછવું કેવી રીતે ? મનમાં અપાર મૂંઝવણ હતી.
‘સાથે પ્રોફેસર કોણ કોણ છે ?’ મેં ફરી પૂછ્યું.
અને એટલે સુપ્રિયા જરા છેડાઈ પડી, ‘મમ્મી, તું તો જાણે હું નાની કીકી હોઉં એવી જ રીતે વાત કરે છે. સ્કૂલમાંથી મને પિકનિક પર મોકલતી ત્યારે હંમેશાં પૂછવા આવતી કે ‘ક્યા ટીચર સાથે જવાનાં છે ?’ ને પછી જ તું મને પિકનિકમાં જવા દેતી. પણ હવે તો હું મોટી થઈ છું. ક્યા પ્રોફેસર આવે ને કદાચ આવે કે ન આવે મને શું ફેર પડે છે ? હવે હું કંઈ નાની ઓછી જ છું કે મને સાચવવી પડે ! તું ‘હા’ કહે કે ‘ના’ કહે હું તો જવાની છું.’ એમ કહેતાં તો તે ટેબલ પરથી ઊભી થઈ ગઈ. સુલભાબહેનનું હજી જમવાનું પૂરું તો થયું ન હતું પણ આ બધું સાંભળી તેમના ગળે કોળિયો ઊતરતો બંધ થઈ ગયો. ભાણું એમનું એમ મૂકી તે રૂમમાં આવ્યાં. પથારીમાં પડ્યાં પડ્યાં મગજમાં ઊમટેલાં પ્રલય ધમસાણમાં ઊંડાં ઊતરી ગયાં.

સુપ્રિયા જન્મી ત્યારે હું ને અતુલ કેવાં ઘેલાંઘેલાં થઈ ગયાં હતાં ! પહેલાં ખોળાની દીકરી એટલે તો લક્ષ્મી જ ને ! અને એટલે અમે એના પેંડા વહેંચ્યા હતા. ને એના ઉછેર પાછળ મેં રાતદિવસ ટાઢતડકો કે ભૂખ-તરસ કશું જ જોયું નથી. જીવથી ય અધિક એનું મેં જતન કર્યું છે. અરે ! સુપ્રિયાનું સહેજ આંખ-માથું દુઃખે તો મારો ને અતુલનો જીવ જાણે તાળવે ચોંટી જતો. એને માટે મેં શું શું નથી કર્યું ? ડાન્સિંગ કલાસ, ચિત્ર કલાસ, સંગીત કલાસ, સ્કેટીંગ…. ક્યાંય કશું જ બાકી રાખ્યું છે ? કેટકેટલી દોડ કાઢી છે તેની પાછળ ? મનમાં સતત એક જ રટણ હતું. મારી સુપ્રિયા લાખોમાં એક હોય તેમ જુદી તરી આવવી જોઈએ. આવડતમાં તો તે ક્યાંય પાછી પડે તેવી નથી. ને ભણવામાં ય ભલે હંમેશાં પહેલી નથી આવી પણ પહેલા પાંચમાં તો હોય જ અને એટલે જ તો કૉલેજમાં અત્યારે એ પાંચમાં પુછાય છે ને ! ને ઈશ્વરે ભલે એને રૂપ ખોબલે ને ખોબલે નથી આપ્યું, વાને ભલે જરા શામળી છે પણ એનો બાંધો, એનો ચહેરો, એની આંખો, કેવું પ્રભાવશાળી એનું વ્યક્તિત્વ છે ! ક્યાંય જઈને ઊભી રહે તો જાણે સામા માણસને તેની પ્રતિભાથી આંજી દે તેવો એનો પ્રભાવ છે. સ્કૂલમાં હતી ત્યાં સુધી તો હું એને માટે ગર્વથી માથું ઊંચું રાખી ચાર વચ્ચે એનાં વખાણ કરતાં થાકતી ન હતી. પણ સુપ્રિયા જ્યારથી કૉલેજમાં આવી છે ત્યારથી જાણે કે એનું વર્તન જ બદલાઈ ગયું છે. મન ફાવે એમ જ વર્તવું ને મન ફાવે એમ જ કરવું. મને કે અતુલને ‘શું ગમશે’ કે ‘શું નહીં ગમે’ તેનો જરાય વિચાર જ નહીં કરવાનો. ક્યારેક તો જાણે મારાથી કહેવાતું ય નથી ને સહેવાતું ય નથી.

હવે આજે પિકનિકની રઢ લઈને બેઠી છે પણ છોકરાં-છોકરીઓ આમ એકલાં આવી રીતે જાય એ મને તો બિલકુલ ગમતું નથી. આ બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડના જમાનાએ તો સત્યનાશ વાળ્યું છે. આ ઉંમર એટલે યૌવનનો ઉન્માદ તો હોય જ. ને એમાં વળી મળે એકાંત. સાથે કોઈ વડીલ હોય નહીં. ને એમાં ક્યાંક મર્યાદાની પાળ તૂટી ને લક્ષ્મણરેખા ચૂકી ગયાં તો ! આ તો છોકરીની જાત છે. એક વખત ડાઘ લાગે પછી કંઈ ભૂંસી ઓછો જ શકાય છે ! જિંદગી ધૂળધાણી ન થઈ જાય ? પણ સમજે એને ને ! આપણો તો સમાજે ય કેવો છે ? નથી ને કંઈ થયું તો મારે તો ઝેર ઘોળવા વારો આવે. લોકોને મોં શું દેખાડું ? લોકો તો મને ચૂંટી જ ખાય ને કે એની માએ શું ધ્યાન રાખ્યું ? આટલી જુવાનજોધ દીકરીને આવી છૂટ જ કેમ અપાય ? દીકરીની જાત છે. બધું શીખવવું ન જોઈએ ? શું માની જવાબદારી નથી ? પણ ભલા આ બધું શીખવવું કેવી રીતે ? ઘણીય વાર વાતવાતમાં તો કહું છું કે આપણો સ્ત્રીઓનો અવતાર બહુ ખોટો છે. લાખ જવાબદારીઓ ઈશ્વરે આપણે માથે નાંખી છે. પુરુષને છે કશી જવાબદારી ? આપણો તો સહેજ પગ અવળો પડ્યો કે આખું ગામ જાણે. ને ગઈ નવરાત્રિ પછી એની જ કલાસની પેલી છોકરીને મીસકેરેજ કરાવવું પડ્યું તેમ તે કહેતી નહોતી ! ને ત્યારે મેં તેને કહેલું કે બેટા ! આપણી જાતને સાચવવી એ આપણા હાથમાં છે. પુરુષો તો બધા નર્યા ભમરા જ હોય. ફૂલે ફૂલે મધ ચૂસવા ભટક્યા કરે. એમને નહીં નાહવું ને નહીં નીચોવવું, જે છે એ બધી ચિંતા તો આપણે જ છે. ને તોય એ ભમરા આપણી સહેજ ખુશામત કરે. પ્રશંસા કરે એટલે આપણે જાણે ફૂલ્યાંફાલ્યાં થઈ જઈએ. ને જાણે ઘડી વારમાં તો જાત ન્યોછાવર કરી દઈએ. ને એમાં જ તો આ બધી રામાયણ ઊભી થાય છે ને !’

ને હજી હું આમ કહું ત્યાં તો જાણે એ ઊભી થઈ ફટ દઈને બારણું પછાડતીક ને રૂમ બહાર ચાલી ગઈ. હવેનાં છોકરાંઓને તો જાણે કશું જ કહેવાતું નથી. તો પછી ચાર શબ્દો શિખામણના આપવાની તો વાત જ ક્યાં ? એમાં ય આ ટી.વી. અને પિકચરોએ તો સત્યાનાશ વાળ્યું છે. એક બાજુ યુવાનીનો ઉન્માદ ને બીજી બાજુ ચારે બાજુ વૃત્તિઓને બહેકાવે એવાં દશ્યો. નાનપણથી ગમે તેટલા પ્રયત્નો કરી સંસ્કાર રેડ્યા હોય પણ આટલાં બધાં પ્રદૂષણ વચ્ચે અચળ બની ટકી રહેવું તે કંઈ સહેલી વાત છે ? ને તેમાં વળી આવી પિકનિકોનું આયોજન થાય એટલે તો પછી આ બધા પર ક્યાંય કાબૂ જ ક્યાંથી રહે ? જિંદગીની મોજ માણી લેવાનો જાણે એમને નશો ચડ્યો ન હોય, પણ હું એને કેમ કરીને સમજાવું કે, ‘તમારી મઝા એ અમારી સજા છે.’ યુવાનીના ઉંબરે સુપ્રિયાએ પગ મૂક્યો છે ત્યારથી એની આ માની તો ઊંઘ હરામ થઈ ગઈ છે. કોને કહું ? શું કરું ?

[કુલ પાન : 252. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “સુપ્રિયાની મજા ને માને સજા – ડૉ. ઊર્મિલા શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.