જો આ હોય મારું અંતિમ પ્રવચન – ધીરુબહેન પટેલ

[ ‘કોફીમેટ્સ’ – ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે 5મી જૂન, 2010ના દિવસે અપાયેલું વ્યાખ્યાન, ‘નવનીત સમર્પણ’ સામાયિક જુલાઈ-2011માંથી સાભાર અહીં પ્રસ્તુત છે.]

કુતૂહલ અને કલ્પનાની બે પાંખો સાથે જ લઈને જન્મી છું. છેક નાનપણથી મને મારી આસપાસના વિશ્વ વિશે અપાર કુતૂહલ. તમામ ઈન્દ્રિયો વડે જે જ્ઞાન પ્રાપ્ત થયું તેને બરાબર સમજવાની સતત અને ઊંડી વૃત્તિ મારામાં હતી અને પ્રશ્નો દ્વારા કે વાચન દ્વારા તે સંતોષાય નહીં ત્યારે કલ્પનાની મદદ લેવામાં મને કશું અજુગતું લાગતું નહીં. એને લીધે છબરડા પણ થતા અને મઝાય ઘણી આવતી.

શબ્દોની મદદ વગર પણ જીવજંતુઓ કે પક્ષીઓ સાથે સંવાદ થઈ શકે છે એવી મારી આગવી શોધ હતી. અલબત્ત, એમાં ઘણે ભાગે ભ્રમણા જ હશે પણ તે વખતે એવું લાગતું નહીં. દાખલા તરીકે એકાદ કીડી પાણીના રેલા ભણી જતી દેખાય ત્યારે હું એને કહું કે, ‘અરે, આ શું કરે છે ? એ બાજુ તો તું ડૂબી જઈશ. એના કરતાં આમ જમણી બાજુ વળ, ત્યાં કોરું છે. ત્યાંથી આગળ જવાનો રસ્તો પણ છે !’ હવે એવું બને કે કાગનું બેસવું ને તાડનું પડવું એ ન્યાયે કેટલીક વાર કીડીબાઈની દોટ અટકી પણ જાય અને સાવ સ્વાભાવિક રીતે એ જમણી બાજુ વળી પણ જાય ત્યારે હું એનો જીવ બચાવ્યાનો આનંદ પણ અનુભવું અને કેટલીક વાર એ સીધેસીધી આગળ વધીને પાણીના રેલામાં તણાઈ પણ જાય ત્યારે મને ઘણો અફસોસ થાય. આ બધા બાળપણના ખેલ કોઈ ને કોઈ સ્વરૂપે પછી પણ ચાલુ રહ્યા એટલે જ હું મારાં પાત્રો સાથે સંવાદ રચી શકી હોઈશ એવું મને હવે સમજાય છે.

જોકે આ જાતની પ્રવૃત્તિમાં આપણા પારસી બંધુઓ કહે છે એમ ભેજું પોચું પડી જવાની શક્યતા ઘણી પણ મારંા એવું ન થયું એનું મુખ્ય કારણ મારાં અત્યંત સ્નેહાળ અને સમજુ માતાપિતા. એમને એટલી તો ખબર પડી કે એમને ત્યાં ઘણું મોડું પધારેલું આ ફરજંદ એકદમ રાબેતા મુજબનું નથી. પણ એમણે મને મારી રીતે વિકસવાની બધી તક આપી છતાં જીવનમાં શિસ્ત અને જવાબદારીનું મહત્વ પણ ઘણું છે એમ સમજાવ્યું. એને લીધે જ હું સ્વાભાવિક બની શકી. આ ક્ષણે એમનો ઋણસ્વીકાર કર્યા વિના હું આગળ ન વધી શકું. જીવનમાં જેટલું મહત્વ બુદ્ધિનું છે તેટલું જ મહત્વ લાગણીનું પણ છે અને એ બન્નેની સમતુલા જાળવીને ક્રિયાશીલ બન્યા વગર કોઈ પણ વ્યક્તિ નાની કે મોટી સિદ્ધિનો સંતોષ મેળવી શકતી નથી એ સત્ય દ્વારા મનમાં ધીરે ધીરે ઊગ્યું અને સ્થિર થયું તે એમના પ્રતાપે.

અત્યારે આ બધી વાત માંડવાનું પ્રયોજન એ છે કે આપણે બાલ્યાવસ્થાનું મહત્વ ઓછું આંકવું ન જોઈએ એ સત્ય મને સાંપડ્યું છે અને એ હું માત્ર આ સભામાં આવેલા મિત્રો અને સ્વજનોને જ નહીં પણ બને એટલા વધારે લોકોને વારંવાર કહેવા ઈચ્છું છું. બોલાયેલા તેમ જ લખાયેલા શબ્દો દ્વારા હજુ તો જેને બોલતાંયે નથી આવડતું એટલું નાનું બાળક પણ લાગણીઓ અનુભવે છે અને પોતાની રીતે વ્યક્ત પણ કરે છે. એ અનંત શક્યતાઓનો ભંડાર છે. કોણ કહી શકે કે એ ભવિષ્યમાં શું થશે અને શું કરશે ? એનું આ ગ્રહ પરનું આગમન માનવજાત માટેનું એક વરદાન પણ હોઈ શકે – એક શાપ પણ હોઈ શકે. આપણે સર્વજ્ઞ નથી પણ આપણે એટલું તો કહી જ શકીએ- એને એની પોતાની રીતે ખીલવાની તક આપી શકીએ, એને આપણો સંપૂર્ણપણે નિરપેક્ષ અને સ્વાભાવિક સ્નેહ આપી શકીએ, આપણા મર્યાદિત અનુભવો અને સમજદારીની દીવાલો એની આસપાસ બાંધી દઈને, એને ગૂંગળાવી ન મારીએ, યોગ્ય અંતર જાળવીને એને જોતા રહીએ, અને એ જ્યારે આપણી તરફ મીટ માંડે ત્યારે એને આપણી નિકટતા અને હૂંફની ખાતરી આપીએ…. બસ, એટલું તો આપણે કરી જ શકીએ અને એટલું આપણે કરવું જ જોઈએ, સમસ્ત માનવજાતની ચિંતા નહીં કરીએ તો ચાલશે, એને જોવાવાળો પણ કોઈક છે, એ એનું કામ કરશે. આપણી સમક્ષ તો આ એક બાળક છે. આપણું પોતાનું, આપણા પરિવારનું, સંબંધીઓનું, પડોશીઓનું કે સદંતર અજાણ્યું. એના પ્રત્યે આપણું કર્તવ્ય છે અને એ કર્તવ્યપાલનનો આનંદ તત્ક્ષણ જ મળે છે અને આપણે માટે કલ્યાણકારી હોય છે એ હું જાણું છું અને તમને સૌને જણાવવા માગું છું.

એ કર્તવ્ય શું છે અને આપણે એ શી રીતે બજાવી શકીએ એનો વિચાર કરતાં તો મોટું ભાષ્ય રચવું પડે પણ આ જમાનો ભાષ્યોનો નથી, સૂત્રોનો છે. ‘આત્મવત સર્વ ભૂતેષુ’ એ નાનકડું સૂત્ર આપણને ક્યાંનું ક્યાં લઈ જાય છે એનો તો જરા વિચાર કરો ! એને અમલમાં મૂકતાં સૌથી પહેલાં તો આપણે આપણી જાતમાંથી બહાર નીકળવું પડશે. બહુ અઘરું છે એ. પણ તે કર્યા સિવાય આપણો છૂટકો નથી. એ કર્યા સિવાય આપણે ‘પરકાયાપ્રવેશ’ શી રીતે કરી શકીશું ? પારકાનાં સુખદુઃખ શી રીતે જાણી શકીશું ? એ જાણ્યા વગર કોઈને સુખી શી રીતે કરી શકીએ અને એને દુઃખ ન થાય એની કાળજી કેવી રીતે લઈ શકીએ ?’ આ બાળક જાણે કે હું જ છું એવું ક્ષણવાર પણ અનુભવ્યા સિવાય આપણને શી રીતે સમજાય કે આપણાથી પાંચ-છ ગણી ઊંચી કદાવર અને બળવાન વ્યક્તિ વડે પરાણે વેગથી ઘસડાવામાં કેટલી તકલીફ થાય છે ? ખાવું ન હોય છતાં બળજબરીથી મોઢામાં ખોસવામાં આવેલા ખાદ્ય પદાર્થ તરફ કેવી ઘૃણા ઉત્પન્ન થાય છે ? આ તો માત્ર બે ઉદાહરણ આપ્યાં, આવાં તો કેટલાંયે પરાક્રમ આપણે બાળકો પર કરતાં હોઈએ છીએ. અને આપણને તો એ ખ્યાલ સુદ્ધાં નથી આવતો કે પોતાનો અણગમો વ્યક્ત કરવાનું એકમાત્ર સાધન-ક્રંદન જ્યારે એ વાપરે ત્યારે આપણે એને કેટલી ઘાતકી રીતે વઢીને ચૂપ કરી દઈએ છીએ. શું ગંદું ને શું ચોખ્ખું એની સ્પષ્ટ વ્યાખ્યા બાળક પાસે નથી હોતી. એ સમજ આપણે એને આપણા વર્તન દ્વારા ઉગ્ર થયા વગર આપવી પડે છે. એને માટેની ધીરજ કે સમય આપણી પાસે છે ? આ દિશામાં એક વાર વિચાર કરતા થશો એટલે મને ખાતરી છે કે મારા કરતાં ઘણા આગળ નીકળી જશો અને આપણી સામાજિક વિસંવાદિતાનાં કારણો તમને જડશે ને સંભવતઃ નિવારણ પણ સૂઝશે. આ વાત વધારે પડતી લાગે છે ? પણ મને કહો જોઈએ, જેનું બાળપણ સુખી અને આનંદી હોય તે વ્યક્તિ આગળ જતાં દુષ્ટ અને પરપીડામાં રાચનારી બને એવી શક્યતા ઓછી નથી ? પછી તો ભાઈ, જીવન અનેક વિલક્ષણતાઓથી ભરપૂર છે. મારી પાસે આપણા બધા કોયડાઓના ઉકેલ નથી, માત્ર કેટલાક વિચારો છે. એવો જ એક વિચાર વિસ્તૃત રૂપ ધરીને મારી પહેલી નવલકથા ‘વડવાનલ’નાં છસો પાનાં બની જાય કે આજની આ સભાની પાંચ-દસ મિનિટ બની જાય, મારે શું ? હું તો ખેડૂત કોમની છું. ચાલતાં ચાલતાંયે મુઠ્ઠી દાણા આ બાજુ અને મુઠ્ઠી દાણા પેલી બાજુ ફેંકતી જાઉં. એમાંથી કયો દાણો ફળદ્રુપ જમીનમાં પડી ને લીલોછમ છોડ બનીને લહેરાશે ને ક્યો દાણો જીવજંતુનો ખોરાક બનશે કે પછી ત્યાં ને ત્યાં કોહવાઈને નાશ પામશે તેની મને કેમ ખબર પડે ? તેની મારે પરવા પણ શા સારુ કરવી જોઈએ ? આપણે તો આપણું કામ કરવાનું. દાણા ફેંકવાના. દા દેવો હરિહાથ છે.

અચ્છા, પણ એ નાનકડી ટોપલીમાં દાણા આવ્યા ક્યાંથી ? વિદ્વજ્જનોના સહવાસમાંથી, વાંચવાનું શીખ્યા પછી અનેકાનેક લેખકોનાં પુસ્તકોમાંથી, નાનામોટા અનુભવોમાંથી, આસપાસની જીવંત સૃષ્ટિના નિરીક્ષણમાંથી, સમવયસ્કોના વર્તનમાંથી, જાતજાતના વક્તાઓનાં ભાષણોમાંથી, ચર્ચાસભાઓમાંથી કે નિયમ તરીકે બોલાતાં કે ગવાતાં ભજનોમાંથી ને સંસ્કૃત શ્લોકોમાંથી ? ક્યાંથી ? વિચારનાં મૂળ શોધવાં અઘરાં છે. હું નાની હતી ત્યારે ગાંધીજીનો જમાનો હતો. એમનો પ્રભાવ સર્વવ્યાપી અને ઊંડો હતો. અમારે માટે એ રાષ્ટ્રપિતા કે મહાત્મા ગાંધી નહોતા. બાપુ કે બાપુજી જ હતા. મારાં બા એમના નિકટના અનુયાયીઓમાંનાં એક, એટલે ઘણી નાની ઉંમરે એમને નિકટથી જોવાનો, એમની વાતો સાંભળવાનો, એમનું ફુલ્લપ્રફુલ્લ હાસ્ય માણવાનો લહાવો મળેલો. એમની અસર મારા પર કેટલી ઊંડી હશે એના બે દાખલા આપું. મારાં બાને સૌથી પહેલી વાર જેલ થઈ ત્યારે મને ચોથું વર્ષ ચાલતું હતું. વાંદરાની કોર્ટમાં એમનો કેસ ચાલેલો. ન્યાયાસને કોઈ અંગ્રેજ હતો. જ્યારે સજા ફરમાવવામાં આવી અને એમને પોલીસ પહેરા હેઠળ અદાલતના ખંડમાંથી લઈ જવામાં આવ્યાં ત્યારે મારા પપ્પાજી અને ભાઈઓ સાથે હું પણ ત્યાં જ ઊભી હતી. મારી પાસેથી પસાર થતાં જનેતાનું નૈસર્ગિક વાત્સલ્ય ઊભરાયું અને એમણે મને ઊંચકવા હાથ લાંબા કર્યા. પોલીસે કડકાઈથી એમને વાર્યાં અને આગળ ચાલવાનો હુકમ કર્યો. તરત ન્યાયાસનેથી અવાજ આવ્યો ‘ડોન્ટ બી ઈન્હ્યુમન, લેટ હર ફૉન્ડલ હર ચાઈલ્ડ !’

બાએ જ્યારે મને તેડી લીધી ત્યારે એમની આંખમાં ઝળઝળિયાં હતાં પણ એમની આ દીકરીના મનમાં પોતાના કે બાના કરતાં પણ ગાંધીજીની ચિંતા વધારે એટલે એમને ગળે વળગીને મેં એમના કાનમાં આસ્તેથી કહ્યું, ‘બા ! બધાના દેખતાં રડશો નહીં. નહીંતર આપણા ગાંધીજીનું માનાપમાન થશે.’ નાને મોંએ મોટી વાત ! બાએ તરત મને વહાલથી દાબી દીધી અને પછી નીચે ઉતારી દઈને સ્વસ્થતાથી આગળ ચાલ્યાં. આ પ્રસંગ અત્યારે કહેવાનું કારણ એટલું જ કે બાલમાનસ પર ગાંધીજી અને એમની લડતનો કેવો ઊંડો પ્રભાવ હશે કે માતૃવિયોગનું દુઃખ દબાઈ ગયું અને ગાંધીજીનું ખોટું ન દેખાય એની ચિંતા વધારે થઈ ! વળી ‘માનાપમાન’ જેવો શબ્દ ક્યાંથી મોઢે ચડ્યો હશે ? એકલું અપમાન કહ્યું હોત તો ન ચાલત ? પણ મારા શબ્દરાગનાં મૂળિયાં ઘણાં ઊંડાં, એટલું તો નક્કી.

લખતાં આવડ્યું ત્યારથી એક એકદમ ખાનગી અનિયતકાલિક ડાયરી લખવામાં આવતી. અમારા વહાલા બાપુને ઉપવાસનો શોખ ઘણો તે વારેવારે ઉપવાસ પર ઊતરે અને અમારા જીવ અદ્ધર કરી દે. તે દિવસે ઘણા ભાગે મારી વરસગાંઠ હતી પણ મેં લખ્યું શું ? ‘29-5-1933નું પ્રભાત ઊગ્યું ને ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. આખું જગત હસ્યું કે હાશ ! ગાંધીજીએ ઉપવાસ છોડ્યા.’ આખી જિંદગી ખાદી પહેરવા સિવાય બીજું તો મેં કંઈ કર્યું નથી જેથી મને ગાંધીવાદીનું લેબલ લગાડી શકાય પણ ગાંધીજીના વ્યક્તિત્વની અસર મારા પર કેટલી ઊંડી હશે તે મને મારી એ ડાયરી પરથી સમજાય છે. એમનાં ક્યાં વિચારબીજ મારા મનમાં ક્યા સ્વરૂપે પ્રગટ્યાં હશે તેની ખબર નથી પણ એટલું તો નક્કી કે એમનું ઋણ સ્વીકારવું પડે. એમની સાયંપ્રાર્થનામાં સ્થિતપ્રજ્ઞના શ્લોકો આવે તે જરાયે અર્થ જાણ્યા વગર બાની સાથે સાથે બોલવાની ટેવને લીધે મોંએ થઈ ગયેલા. એ મને પાછળથી બહુ કામ લાગ્યા. અનાયાસે સંસ્કૃત ભાષાનો પણ પરિચય થયો એ પણ એક મોટી વાત બની.

સંસ્કૃત ભલે દેવ ભાષા હોય કે ન હોય, કમ્પ્યુટર ભાષા હોય કે ન હોય- મારે દેવો સાથે કોઈ અંગત પરિચય નથી, કમ્પ્યુટર સાથે તો એથીયે ઓછો છે. પણ હું એટલું તો બરાબર જાણું છું કે મુસાફરીએ નીકળતા સંતાનને મા છેલ્લી ઘડીએ થોડુંક ભાથું બંધાવી આપે તેના જેટલી તો આપણા જીવનમાં સંસ્કૃતની કિંમત છે છે ને છે જ. અડીઓપટીની વેળાએ જ એની ખરી કિંમત સમજાય. એ ભાષા આપણે સમૂળગી ન જાણતા હોઈએ ત્યારે આપણું બીજું બધું જ્ઞાન ગમે તેટલું હોય તોયે આપણને કશીક ઊણપ વરતાય છે. મૂંઝવણને વખતે કોણ આપણને હળવેકથી કાનમાં કહેશે ‘મનઃપૂતં સમાચરેત્’ ? કોઈનો છેડો પકડીને ભવસાગર તરી જાઓ એવું કહેવાને બદલે ઋષિ આપણને કહે છે- થોભ, આંધળૂકિયાં ન કર. જે આચરણ તું કરવા માગે છે તેનો શાંતિથી, મનના ઊંડાણમાં જઈને વિચાર કર. જો તને તે યોગ્ય લાગે તો જ કર, અન્યથા નહીં. મન વડે એટલે કે મનન વડે સારી રીતે તપાસી લીધા પછી એ તને પવિત્ર લાગે, શુદ્ધ લાગે તો બેધડક ઝંપલાવ. કોઈની પરવા ન કર. માત્ર બે શબ્દોમાં- સંસ્કૃતના બે શબ્દોમાં આપણને કેટલી મોટી વાત કહેવામાં આવી ?

શાસ્ત્રોનું અધ્યયન તો થવાનું હોય ત્યારે થાય, સંસ્કૃતનાં સુભાષિતો અને સૂત્રો તો ઠેરઠેર વેરાયેલાં, વીખરાયેલાં પડ્યાં છે. એમની ચમક કીમતી રત્નોની છે. એ કાલગ્રસ્ત થતાં નથી, કારણ કે માનવજીવન, માનવસ્વભાવ, માનવવર્તનના ઊંડા અભ્યાસની એ નીપજ છે. પુસ્તકસ્થાતુ યા વિદ્યા, પરહસ્તગતં ધનમ; કાર્યકાલે સમુત્પન્ને, ન સા વિદ્યા, ન તદ્ધનમ્’ એ ઉક્તિમાં રહેલા ડાહપણનો અનુભવ આપણને કેટલી બધી વાર થાય છે ? યોગ્ય પુસ્તક અથવા કમ્પ્યુટરની માલિકીના અભાવે આપણને ખરે વખતે જોઈતી માહિતી નથી મળતી ત્યારે આપણી કેવી હાલત થાય છે ? તેવી જ રીતે આપણા હોવા છતાં આપણા કાબૂમાં ન હોય એવા પૈસા આપણને ખરે વખતે કામ ન લાગે ત્યારે આપણે કેવી લાચારી અનુભવીએ છીએ ? ચાલો, જવા દઈએ આ વાત નહીંતર આ કલાક પણ આપણને ઓછો પડશે. મારું કહેવાનું ફક્ત એટલું જ છે કે સંસ્કૃતનું અજ્ઞાન કે અવગણના આપણને પોસાય એમ નથી. એને લીધે આપણે સાહિત્યની સમજ, ધર્મશાસ્ત્રોનું જ્ઞાન, ભાષાનું લાલિત્ય અને સમૃદ્ધિ, એવું તો ઘણું ઘણું પામી શકીએ છીએ એટલું જ નહીં, પણ મોટા ભાગની ભારતીય ભાષાઓ સાથે પણ પરિચય કેળવી શકીએ છીએ. એક જ પ્રાંતની સંસ્કૃતિ પૂરતો આપણો પરિચય સીમિત રહે તે આ જમનામાં આપણને કેવી રીતે પોસાય ? એટલે સો વાતની એક વાત- સંસ્કૃત આપણે થોડુંઘણું તો જાણવું જ જોઈએ. જેમ પશ્ચિમની દુનિયાના રાહઘાટ સમજવા માટે થોડુંઘણું અંગ્રેજી જાણવું જ જોઈએ-એમ !

અત્યારે મારે એક મજા છે. આ ચર્ચાસભા નથી. મારું પ્રવચન છે. એટલે મારે જે કહેવું હોય તે નિશ્ચિંતપણે તમને કહી શકું. તમે મારી સાથે સંમત થાઓ કે ન થાઓ, તમારે સાંભળવું તો પડે જ ! કેવું સરસ ! આ પરિસ્થિતિનો લાભ લઈને હું તમને ફરી ફરીને કહીશ, સંસ્કૃતની અવગણના ન કરો. તે સાથે તમારી માતૃભાષાને પણ પ્રેમથી અપનાવો, એ માત્ર ભાષા નથી, તમને તમારા સાંસ્કૃતિક વારસા સાથે જોડતી કડી છે. એની ઉપેક્ષા કરીને ફેંકી દેવાથી તમે જીવનમાં શું ગુમાવી રહ્યા છો એનો તમને ખ્યાલ નથી. એટલું તો સમજો કે મૂળિયાં વગરના માણસની કોઈ કિંમત નથી. અરે, એ પોતે પણ વતનની અને માતૃભાષાની હૂંફ અને આત્મીયતાને આધારે જ સ્વસ્થ જીવન જીવી શકે છે એ વાતનીયે એને ખબર નથી નહીંતર પોતાનાં સંતાનોને શૈશવથી જ માતૃભાષાવિહોણાં રાખવાનું પાપ એ આચરી જ ન શકે. પણ આ મૂલ્યપરિવર્તન અથવા મૂલ્યહ્રાસનો જમાનો છે. શું કીમતી છે અને જાળવવા લાયક છે અને શું નકામું અને ફેંકી દેવા લાયક છે એ વિશેનો નિર્ણય આપણે કહી શકતા નથી. પહેલાં જેમ બાપદાદા કરતા આવ્યા હોય તે જ કરવા લાયક, અને તે જ કરવું જોઈએ એવી માનસિક આળસ આપણામાં હતી તે હજુ ગઈ નથી. માત્ર બાપદાદાની જગ્યા પાડોશીઓએ કે ઝડઝમકવાળા ‘પેજ થ્રી’ પર શોભતા નામાંકિત લોકોએ લીધી છે. જાતે વિચાર કરવો, જિંદગીનો રાહઘાટ નક્કી કરવો અને વિધ્નોની પરવા કર્યા વગર તેને વળગી રહેવું એવો પરિશ્રમ આપણને પસંદ નથી. અને આ આળસુ વૃત્તિને આપણી જાહેરખબરો પંપાળે છે ને બહેકાવે છે. હું જાણું છું કે આ જાહેરખબરિયા યુગમાં આવી વાતો કરીએ તો આપણે જુનવાણી અને પછાત વિચારવાળા ગણાઈએ પણ એ જોખમ ખેડીને પણ હું એટલું તો કહીશ કે મારું જીવન મારું પોતાનું જીવન છે અને એના પર કાબૂ ધરાવવાનો ને મારી એકએક વાતમાં દખલ કરવાનો હક હું કોઈને આપતી નથી. કેવી પથારીમાં સૂવું ને ક્યાં ઓશીકાં વાપરવાં ત્યાંથી માંડીને મારા દાંત, વાળ, ચામડી, તંદુરસ્તી, પ્રવાસ, મનોરંજન, રહેઠાણ, ખોરાક, ચીજવસ્તુઓ, વાહન, પૈસાની ગોઠવણ- એકએક બાબતમાં કોઈ મને શા માટે સલાહ આપે અને એ સલાહ મારે શા માટે માનવી જોઈએ ? પરંતુ આ લોકોની પકડમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. આપણે પાષાણયુગમાં તો પાછા જઈ શકતા નથી અને આ યુગમાં ગાડરિયા પ્રવાહથી છૂટા પડવા જઈએ તો ચક્રમ ગણાવાનો અને જૂથની બહાર ફેંકાઈ જવાનો પૂરેપૂરો સંભવ છે. એ જોખમ ખેડવા આપણે તૈયાર નથી એટલે મૂંગે મોંએ આ ઓશિયાળી જિંદગી જીવ્યા કરીએ છીએ અને ક્યારેક થોડી બડબડ કરી લઈને સંતોષ મેળવીએ છીએ કે આપણે આપણો મત જાહેર કર્યો. પણ એનો અર્થ શો ? એવો અર્થબર્થ શોધવાની આપણને ફુરસદ પણ નથી અને જરૂર પણ નથી. ખરું કે નહીં ? આપણા મુનશીજીએ- કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મને એક વાર કહેલું કે, ‘ધીરુ, વ્હેનેવર યુ ફેઈસ અ પ્રોબ્લેમ આઈધર મેન્ડ ઈટ ઔર એન્ડ ઈટ બટ ડોન્ટ ગ્રમ્બલ અબાઉટ ઈટ !’ કેવી લાખ ટકાની વાત કહી હતી એમણે ? આવા વંધ્ય કકળાટથી આપણે આપણી જાતને જ નુકશાન કરીએ છીએ- પામતા તો કશું જ નથી.

પરંતુ વિચાર કરવો- આપણે આપણી મેળે સ્વતંત્ર રીતે વિચાર કરવો અને તેને અમલમાં મૂકવો એ કંઈ સહેલી વાત નથી. વજ્જરની છાતી જોઈએ અને ગમે તે પરિણામ આવે તે વેઠી લેવાની માનસિક તૈયારી જોઈએ. એવું સાહસ ખેડવું શા માટે ? મોટા લોકો બેઠા છે, એમને બધી ખબર છે, એ કહે એ પ્રમાણે ઊંધું ઘાલીને કર્યા ન કરીએ ને નિરાંત ન ભોગવીએ તે આ બધા જખંડામાં પડીએ ? આપણે સૌ મોટે ભાગે આવી મનોવૃત્તિ ધરાવીએ છીએ અને તે આપણને સદી ગઈ છે. એ તરફ સહેજ અંગુલિનિર્દેશ કર્યો બાકી ઉપદેશક થવાની કે મારા એક પ્રવચનથી તમારી જીવનપદ્ધતિ બદલી નાખવાની મને કોઈ મહત્વકાંક્ષા નથી- નથી એવી કોઈ લોકોત્તર લાયકાત, પણ આ બાબત ઘણી વાર જીવ ચચણ્યા કરે છે તે આજે લાગ મળ્યો એટલે તમને કહી નાખ્યું- બસ એટલું જ ! તમે પણ પછી શાંતિથી જોશો ત્યારે મારી આ વાત ખોટી નહીં લાગે એટલું જ નહીં, પણ તમને કદાચ એ પણ સમજાશે કે ચીલો ચાતરીને ચાલવાની તો આપણામાં હિંમત છે જ નહીં, પણ જેમનામાં છે તેમની કદર કરવાની, કે સાચા અનુયાયી બની રહેવાની શક્તિ પણ નથી. ખરે વખતે પાણીમાં બેસી જવાની કે જ્યુડાસની પેઠે ‘કોણ જીસસ ? એને તો હું ઓળખતો પણ નથી !’ એવું કહેવાની નબળાઈ પણ આપણા સૌમાં ઓછાવત્તા અંશે છે એટલું કબૂલ કરવાની સચ્ચાઈ પણ આપણામાં નથી. પરંતુ દુનિયા આપણા જેવા સામાન્ય માણસોથી ભરેલી છે. એમાં કાળા વાદળની રૂપેરી કોર હોય તો ફક્ત એટલી કે આપણી આ નબળાઈ પણ કાયમી નથી. વચ્ચે વચ્ચે એનો પડદો ઊંચકાય છે અને આપણામાં રહેલા તેજસ્વી આત્માનાં ક્ષણભર દર્શન થાય છેય ખરાં. એ દર્શન ક્ષણજીવીને બદલે કાયમી બની રહે એવો કીમિયો ક્યારેક તો શોધાશે એવું મને લાગે છે. આપણે નહીં તો આપણા પછીની પેઢી, તેના પછીની પેઢી ક્યારેક તો માનવજાતને આ નબળાઈના લાંછનમાંથી ઉગારશે જ.

આ વાત મેં અત્યારે કહી એનું એક કારણ છે. મરાઠી બંધુઓનો શબ્દપ્રયોગ અપનાવીને કહું તો હું ‘ભયંકર’ આશાવાદી છું. છેક છેલ્લી ઘડી લગી, છેલ્લી પળ લગી મને થાય કે હજુ કોઈક ચમત્કાર થશે, ભગવાન નહીં કરે તો માણસ કરશે, માણસ નહીં કરે તો ભગવાન કરશે- કોઈક તો કરશે જ. આવી માન્યતા પાછળનાં કોઈ તર્કબદ્ધ કારણો મારી પાસે નથી. ફક્ત શ્રદ્ધા છે. એ મારામાં જન્મથી જ હતી કે ધીરે ધીરે ઊગી અને દઢ થઈ તેની મને બરાબર ખબર નથી. કદાચ મારા ‘વિનાશના પંથે’ નાટકમાં એનો ચિતાર છે પણ આજેય એટલું તો હું માનું જ છું કે શ્રદ્ધા વગર જીવન શક્ય નથી. બીજું બધું તો જવા દો, આ બહાર કાઢેલો શ્વાસ પાછો અંદર જશે જ એની કોઈ ખાતરી છે ? છતાં આપણે એવું માની લઈએ છીએ અને લહેરથી જીવીએ છીએ. મનમાં ઊંડે ઊંડે એવી નિરાંત ન હોય તો આપણે કશું પણ સુંદર અને ચિરસ્થાયી રચવામાં વર્ષોનાં વર્ષો ગાળી શકત ? આ જેવી છે તેવી માનવસંસ્કૃતિ આપણી પાસે હોત ? અથાગ મહેનત અને ખંતથી મચ્યા રહેતા અનેક નામી અને અનામી વૈજ્ઞાનિકો વિના આજની આપણી અનેક આશ્ચર્યકારક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોત કે ?

શ્રદ્ધા જેવું જ બીજું બળ છે પ્રેમ. એને વિશે અનેક ભાષાઓમાં હજારો ને લાખો શબ્દો લખાયા છતાં હજી કોઈ એની સંપૂર્ણ અને અંતિમ વ્યાખ્યા બાંધી શક્યું નથી. ઊંડા સાગરની જલપરી જેવો એ ક્યારેક દેખા દે છે અને પાછો અદશ્ય થઈ જાય છે. આ પ્રેમ તે નરનારી વચ્ચેનો જ નહીં, માતાપિતા ને બાળક વચ્ચેનો જ નહીં, પોતાના ધર્મ કે રાષ્ટ્ર માટે જીવન ન્યોછાવર કરી દેતા શૂરવીરોનો, પોતાની માન્યતા માટેનો જ નહીં પણ એક સ્વચ્છ અને સુંદર સ્વયંભૂ પ્રેમ જે ગમે ત્યારે ગમે તેના હૃદયમાં પ્રગટે- કોઈ માણસ માટે કે પશુપંખી અથવા વનસ્પતિ માટે પણ, કોઈ નદી માટે કે પર્વત માટે, કોઈ મંદિરના દેવ માટે, કોઈ સંત માટે, કોઈ રંક માટે, કોઈ પીડાગ્રસ્ત કે જીવનથી હારી ગયેલી વ્યક્તિ માટે. એ પ્રેમ કારણોથી પર છે, પવિત્ર છે અને એની શક્તિ અપાર છે. આવું બધું હું તમને ધડાધડ કહી નાખું છું એટલે એની કિંમત ઓછી ન આંકશો. ખરું જોતાં આ શબ્દોમાં બંધાય એવી વાત જ નથી. એને સમજવા માટે જોઈએ એકાંત, અંદર જરા ઊંડા ઊતરવાની વૃત્તિ, કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે બંધનોથી રહિત એવું મોકળું મન. શ્રદ્ધા અને પ્રેમ જીવનમાં કેવાં મહત્વનાં ચાલક બળ છે તે તમે પોતે જ સમજી શકશો અને કદાચ એ વાત મને સમજાવવા આવવાનું તમને મન થશે. ત્યારે મારું તમને સ્વાગત હશે, એ મારું સદભાગ્ય હશે. પણ તો પછી દુનિયામાં આ આટલી બધી મારામારી, વૈમનસ્ય અને કુત્સિતતા દેખાય છે તે શાથી ? એનું કારણ પણ શોધવું તો પડશેને ? મને તો લાગે છે કે આ બધાનું મૂળ છે માણસની અતિશય સંકુચિત અહંવૃત્તિ. હું એટલે હું અને બીજા બધા પર એવા બે પક્ષ પાડી દીધા પછી તો બને એટલું બધું હસ્તગત કરવાની વૃત્તિ જાગે જને ? એમાં આડે આવતાં વિદ્વાનોને કોઈ પણ ભોગે હટાવી જ દેવાં પડેને ? મારાં સુખદુઃખ તે જ મહત્વનાં, બીજા બધાનાં સુખદુઃખ તે નકામાં. એ તરફ મારે દષ્ટિ પણ શા સારું કરવી જોઈએ ? ગાયબળદ ઘરડાં થાય એટલે મારા માટે નકામાં- શા સારું મારે એમને જિવાડવાં જોઈએ ? જે માણસો મારી ધ્યેયપૂર્તિ માટે કામનાં ન રહ્યા તેમની હવે મારે શા માટે દરકાર કરવી જોઈએ ? આવી વિચારસરણીનો ભોગ બનીને માણસ અનેક અનિષ્ટો આચરે છે અને અંતે પોતે પણ એમાં સપડાય છે.

એને બદલે જો એ પોતાને એક વિશાળ ચૈતન્યપ્રવાહનો એક અંશ માને- માની શકે તો આ બધી હુંસાતુંસી ને સંગ્રહની લોલુપતા એની મેળે નાશ ન પામે ? હું સર્વસત્તાધીશ થાઉં એવી વૃત્તિ જ ક્યાંથી જાગે- જો એ પોતાને અને બીજા બધાને જુદાં જુદાં ચોકઠામાં ન ગોઠવતો હોય તો ? બહુ હાથવગો દાખલો પૈસાનો છે. લક્ષ્મી સૌને પ્રિય છે. થોડીક વધારે હોય તો બધાને ગમે. પણ વધારે એટલે કેટલી વધારે એનો કોઈ માપદંડ છે ? મને યાદ છે. દિવાળીના દિવસોમાં એક વખત બહુ નાની ઉંમરે મારે ધનની પૂજા કરવાનો પ્રસંગ આવેલો. હું બહુ ગભરાઈ ગયેલી. એટલી તો મને ખબર હતી કે આપણો બધો વ્યવહાર પૈસાથી જ ચાલે છે એટલે પૈસા તો જોઈશે જ. પણ કેટલા તે કંઈ સમજાય નહીં. કોઈની સાથે વાત કરીને ઉકેલ શોધવાની હિંમત નહીં એટલે મેં મારી મેળે શોધી કાઢ્યું અને વિધિસર પૂજા કરી લીધા પછી બે હાથ જોડીને મનોમન કહ્યું, ‘હે માતાજી, તમે એટલાં ઓછાં ન આવતાં કે અમે દુઃખી થઈએ. અને એટલાં વધારે પણ ન આવતાં કે અમે બગડી જઈએ. અને મહેરબાની કરીને એકલાં ન આવતાં. જ્યારે આવો ત્યારે તમારા વર સાથે જ આવજો જેથી અમારું કલ્યાણ થાય.’ આવી પ્રાર્થના સાતેક વરસની ઉંમરે કરેલી, આજે પંચ્યાશી થયાં પણ એમાં ખાસ સુધારાવધારા કરવાનં. મને સૂઝતું નથી. કદાચ શબ્દો વધારે સારા વાપરી શકું પણ મૂળ ભાવ એનો એ જ રહે. ચાલો, એક સંસ્કૃત સંવાદાત્મક શ્લોક યાદ આવ્યો, કહી નાખું ? કોઈ રાજા ભોજ જેવો દાનેશ્વરી રાજા હશે તે યાચકોને સંતોષ થાય એટલું ધન રોજ આપી દે. એના પ્રધાનને ચિંતા થઈ. બિચારો વફાદાર હશે એટલે એણે રાજાના દાનપ્રવાહને બ્રેક મારી અને જણાવ્યું, ‘આપદર્થે ધનમ રક્ષેત’ રાજાને આ વાત ન ગમી. એણે સામું પૂછ્યું કે ‘શ્રીમતાં કુત આપદઃ’ શ્રીમંત માણસોને વળી શાની આફત આવે ? પ્રધાને કહ્યું, ‘કદાપિ કુપ્યતે દૈવઃ’ ધારો કે નસીબ રૂઠ્યું. રાજા કંઈ ગાંજ્યો જાય એવો નહોતો. એણે તરત જવાબ દીધો ‘રક્ષિતોપિ વિનશ્યતિ’ અલ્યા, નસીબ જ જો રૂઠ્યું હશે તો આ બચાવેલું પણ ક્યાંથી રહેવાનું છે ? – પણ મુશ્કેલ છે, અતિ મુશ્કેલ છે આ બધું. ધનલાલસા એવી ચીજ છે કે ભલભલા એમાં સપડાઈ જાય છે અને જીવવાનું ભૂલી જાય છે. જોકે આપણા શાસ્ત્રકારો ઘણા શાણા છે. ધનને સદંતર અનિષ્ટ માનતા નથી. એ તો ઊલટાના કહે છે, ‘પ્રથમે વયસિ નાધીતમ, દ્વિતીયે નોપાર્જિતમ ધનમ, તૃતીયે ન તપસ્તપ્તમ ચતુર્થે કિમ કરિષ્યતિ ?’

સો વરસની જિંદગીના ચાર ભાગ કરી નાખો ને પહેલા ભાગમાં એટલે પચીસ વર્ષ લગી ભણો. જે આ ઉંમરમાં ભણે નહીં, ત્યાર પછીનાં પચીસ વર્ષમાં ધન ન કમાય, ત્યાર પછીનાં પચીસ વર્ષમાં તપશ્ચર્યા ન કરે તે વળી છેલ્લા ચોથા ભાગની જિંદગીમાં એટલે કે પંચોતેર વરસ પછી શું કરવાનો જ હતો ?’ આ ડહાપણભરેલી વાત પરથી મને આજકાલની એક મોટી સમસ્યા યાદ આવી. એ છે જુવાનો અને વૃદ્ધો વચ્ચેનો સૂક્ષ્મ વિગ્રહ. કુટુંબકલહનું આ પણ એક મોટું કારણ છે. પોતે મહેનત કરીને કમાયા હોય તેના પરનો માલિકીહક છોડી દેવો તે કંઈ કાચાપોચાનું કામ છે ? શાસ્ત્રો તો વાનપ્રસ્થાશ્રમની વાત કરે છે. પચાસ પછી અરણ્યવાસ કરો. હવે આપણાં પરાક્રમોને કારણે અરણ્યો તો ઝાઝાં રહ્યાં નથી. ત્યાં જઈને વસવાટ કરવામાં કેટલીયે જાતના કાયદાકાનૂન નડે એટલે ખરેખરા વનમાં જઈને રહેવાનું તો મુશ્કેલ પણ એવી મનોવૃત્તિ કેળવીને ઘરમાં રહી શકાય ? પોતાના પુત્રને ગૃહપતિ માની શકાય ? એનું આતિથ્ય સ્વીકારીને આનંદથી દહાડા કાઢી શકાય ? સામે પક્ષે દીકરાઓ પણ માતાપિતાના અનંત ઉપકારો યાદ રાખીને તેમના પ્રત્યે માનભર્યું વર્તન રાખી શકે ? બહુ મુશ્કેલ લાગે છે આ બધું, એટલે આપણે તોડ કાઢ્યો- વૃદ્ધાશ્રમ-ઘરડાં ઢોરને માટે જેમ પાંજરાપોળ તેમ ઘરડાં માબાપ ને વડીલો માટે વૃદ્ધાશ્રમ. પૈસા ભરી દેવાના, સમય મળે ત્યારે એકાદ આંટો મારી આવવાનો- વાત પતી ! વૃદ્ધોને પણ ઘરમાં દબાઈ ચંપાઈને રહેવાનું, વાતવાતમાં ઠપકો ખાવાનો અને પ્રાથમિક જરૂરિયાતો માટે ઓશિયાળાપણું વેઠવાનું તેના કરતાં પહોંચી જાઓ વૃદ્ધાશ્રમમાં, વાત પતી !

પણ વાત ખરેખર પતતી નથી. ઘવાયેલી લાગણીઓ અને નિષ્ઠુર વર્તનનો પશ્ચાત્તાપ ગમે તેવા ખૂણામાં હડસેલો તોયે ડોકિયાં કરે જ છે. ચાર આશ્રમનો જેણે વિચાર કર્યો હશે તેને ધન્ય છે. ત્રીજા આશ્રમમાં જ આસક્તિનો ત્યાગ કરતાં શીખો તો ચોથા આશ્રમમાં સંન્યાસી થઈ શકશો અને ચાર પુરુષાર્થમાંનો છેલ્લો-મોક્ષ-સુલભ બનશે. બહુ કડવું ઔષધ છે આ, હિંમત હોય તો પીઓ, નહીંતર બનાવનારની બુદ્ધિને દાદ તો દો ! જમાનો બદલાય તેમ ઔષધો બદલાય એ વાત જુદી છે પણ મૂળમાં વ્યાધિની પરખ તો સાચી જ છે ને ? તમારી મેળે વિચારો ને બને તો નવી ચિકિત્સા શોધી કાઢો. કદાચ નવું નિદાન પણ કરી શકો. પ્રયત્ન કરવામાં શું જાય છે ?

બાકી હું તો માનું છું કે આનંદ મારો જન્મસિદ્ધ હક છે. દરેક અવસ્થાએ આનંદની સુખની વ્યાખ્યા બદલાય એ વાત સાચી. નાનપણમાં એક ને બદલે બે પીપરમીટ મળે તો કેટલો બધો આનંદ થતો હતો ! જુવાનીમાં આખી પીપરમીટની બરણી સહેલાઈથી ખરીદી શકાય છતાં કોઈ ખરીદતું નથી એનું કારણ શું ? આનંદે હવે સ્થાન બદલ્યું છે. યૌવનમાં જે વસ્તુઓ આનંદદાયક લાગતી હતી તે ઘડપણમાં નથી લાગતી, કારણ કે આનંદે ફરી સ્થાન બદલ્યું છે. જીવનની દરેક અવસ્થાનું સુખ નિરનિરાળું હોય છે છતાં માણસને તે પ્રાપ્ત કરવાનું મન હોય છે જ અને પ્રાપ્તિમાં આનંદ મળે છે. એ બધી જાતના આનંદ જાણવા અને માણવા માટે માણસે દીર્ઘાયુષ્ય ઈચ્છવું જોઈએ. તે મેળવવા માટે શરીર સાથે સંવાદ રચવો જોઈએ. આ આપણું શરીર એક અજબ કરામત છે કુદરતની. એને સાચવીને વાપરો તો ટકે, નીરોગી રહે અને ધાર્યું કામ આપે. જાણીને પણ અજાણ્યા થાઓ અને બેફામ વર્તન કરો તો વહેલેમોડે બળવો પોકાર્યા વિના ન રહે. આયુષ્ય હોય તો પડી રહો ખાટલામાં નહીંતર પહોંચી જાઓ ઉપર, પણ વૃદ્ધાવસ્થાનો આનંદ કેવો હશે એ તો જાણ્યા વગરના જ રહી જાઓને ! એટલે શરીરને જાળવો, એ તમારી ફરજા છે. પણ શરીર તે જ તમે નથી. એ સત્ય પણ જાણવાનો પ્રયત્ન જરૂર કરજો. એમાં સફળ થશો ત્યારે માંદગીનો અને મોતનો ડર જતો રહેશે. ‘દેહિતોસ્મિન યથા દેહે કૌમારં યૌવનં જરા તથા દેહાંતર પ્રાપ્તિસ્ધીરઃ તત્ર ન મુહ્યતિ !’ એ ગીતાવાક્ય તદ્દન સાચું લાગશે, ડરામણું નહીં પણ આશ્વાસક લાગશે. એટલે બધે લગી ન પહોંચવું હોય તોયે કશો વાંધો નહીં. કોઈ અજાણ્યા બાળકના સ્મિતમાં, ઓચિંતી આવીને ભેટી પડતી પવનની લહરીમાં, તાજા ખીલેલા ફૂલની સુગંધમાં, સંગીતની નવી તરજમાં, તારુણ્યાવસ્થાના સૌંદર્યમાં, નભની મેઘલીલામાં- અરે જ્યાં જુઓ ત્યાં આનંદ જ આનંદ છે, એને માણવામાં વૃદ્ધાવસ્થા ક્યાં આડી આવે છે ? આ એક શાંત અને રમણીય સમય છે. જ્યારે મોટા ભાગના સંઘર્ષો શમી ગયા હોય છે, કશી ધમાલ નથી, કશી અપેક્ષા નથી, કોઈની સાથે હરીફાઈ નથી, મૈત્રી ઘણા બધા સાથે હોય છે, પુરોગામી વિદ્વાનો સાથે પણ ગોઠડી માંડી શકાય છે અને સૌથી મોટી વાત તો એ કે ધર્મ અથવા દેવીદેવતામાં ન માનતા હો તો પણ એક અંતર્યામીનું અસ્તિત્વ દિવસે દિવસે વધારે પ્રબળ અને આનંદદાયક થતું જાય છે. એની સાથેની નિકટતા, એની સાથેનો સંવાદ જીવનને સાર્થકતા ને મધુરતાથી ભરી દે છે. ક્યાં છે એકલતા ? ક્યાં છે ભૂતકાળની કડવી યાદો ? એ બધું તો ક્યારનુંયે ઝરી ગયું. વહી ગયું આ અસીમ આનંદના મહાસાગરમાં. એની એક છાલક તમારા સૌ પર છાંટીને આજે મને અહીં બોલાવીને મારી વાત સાંભળી તે બદલ આભાર વ્યક્ત કરું છું, આયોજકોનો અને સહનશીલ શ્રોતાઓનો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “જો આ હોય મારું અંતિમ પ્રવચન – ધીરુબહેન પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.