સાવ અમસ્તું નાહક નાહક મળ્યા ત્યારે – મીરા ભટ્ટ

[ આપણા જાણીતા ગાંધીયુગના સાહિત્યકાર મીરાબેનના કુટુંબમાં પ્રતિવર્ષ ‘પરિવાર મિલન’ યોજાય છે. આ સંદર્ભમાં આપણે અગાઉ ‘સંગમાં રાજી રાજી’ લેખ માણ્યો હતો. ચાલુ વર્ષે યોજાયેલા આ મિલનની એક ઝાંખી તેમના આ પ્રસ્તુત લેખમાં મળે છે. આ લેખ ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ મીરાબેનનો (વડોદરા) આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો.]

ભાવનગરનાં દુર્ગાબહેન અને આત્મારામભાઈ ભટ્ટનો લાંબોપહોળો વંશવિસ્તાર. પિતાજીના મૃત્યુ બાદ પણ સૌ સહજ રીતે મળતા રહે તે માટે દર વર્ષે કોઈ એક ભાંડરડાને ત્યાં વારાફરતી મળતા રહેવાની વાત વિચારાઈ અને આમ 1983થી દર વર્ષે પરિવાર-મિલનનો દોર શરૂ થયો. યજમાન કોક નદીકાંઠો, સાગરતટ કે પહાડની ગોદ શોધી કાઢે અને કુદરતની ગોદમાં ત્રીસ-પાંત્રીસ જણનો બહોળો પરિવાર પાંચ રાત-દિવસ સાથે વિતાવે.

મિલનનો અવાંતર એવો કોઈ મુદ્દો કે ઍજન્ડા નહીં. ન કોઈ લગ્નપ્રસંગ કે ન કોઈ મરણપ્રસંગ. બસ આમ જ, સાવ અમસ્તું નાહક-નાહક, ખાલી-ખાલી મળતાં રહેવું. બસ સૌ સાથે મળીને ખાય, પીએ, નહાય, ધૂએ, પાણી ભરે, વાસીદાં કાઢે, હસે-રમે, ગીત-નાટક કરે, એકમેકની મૂંઝવણો જાણે-સમજે….. પરિણામે ગૂંચાડાની ગાંઠો ઊકલી જાય તો ઊકલી જાય, મૂંઝાયેલું હૈયું ઠલવાઈ જાય તો ઠલવાઈ જાય, પરંતુ એનો પણ કોઈ ઍજન્ડા નહીં, બધું સહજભાવે થતું રહે.

આ મિલન છે, મેળો નહીં. મેળામાં ભાગ લેનારા પોતપોતાના રસનું માધ્યમ પોતે જ શોધી લે. અહીં એક-એક સભ્ય સાથે સૌકોઈની નિસબત. એટલે બાળકો પણ ઉવેખાય નહીં, વૃદ્ધો-વડીલોને પણ કોઈ ખૂણે ધકેલી ન દેવાય. જીવનની તમામ ઉંમરનું અહીં પ્રતિનિધિત્વ સાંપડે. સૌના અંતરની ભૂખ સંતોષવાનો પ્રયત્ન થાય. અમારા આ મિલનમાં બાળકોની ઉપસ્થિતિનો પણ પૂરેપૂરો વિચાર થાય છે. બાળક પૂછી પાડે કે…. ‘પણ પ્રાર્થના શા માટે ?’ તો એનો પ્રત્યુત્તર પણ જુદી જુદી વ્યક્તિઓ દ્વારા નિરનિરાળો મળે છે. બેઠકોમાં પ્રશ્ન રજૂ થાય કે – છેલ્લા વર્ષમાં કયું નવું કૌશલ્ય પ્રાપ્ત કર્યું ? તો વિવિધ જવાબો મળે. કોઈને તરતાં આવડ્યું હોય તો કોઈને કૂવામાંથી પાણી સિંચતા પણ આવડ્યું હોય ! બેઠકના આરંભે ગીત ગવાયું હોય… ‘બા મને ચપટી વગાડતાં આવડી ગઈ !’ એટલે બધી આવડતો પોતપોતાના વિશિષ્ટ દરબાર સાથે હાજર થાય. કોઈનો કૉમ્પ્યુટર પર હાથ બેસી જાય તો કોઈની કોદાળી ખેતર પર કામ કરતી થઈ ગઈ હોય. કોઈને અથાણાં કરતાં આવડ્યાં, તો કોઈકને લાઈટ-ફિટિંગ કરતાં, તો કોઈને નળ-ફિટિંગ કરતાં શીખવાનું મળ્યું, કારણ કે પોતાનું જ મકાન બંધાતું હતું તો તેને પણ ‘શાળા’ બનાવી, શક્ય તેટલું જાતે જ કરી લેવાનો ઉપક્રમ દાખવ્યો. ત્રીસેક જણના જવાબોમાં તો અવનવાં અનેક કૌશલ્યોની હારમાળા ખડી થઈ જાય, તો વળી મારા જેવા કોઈ વયોધર્મી એવું પણ કહી દે કે- હવે હું જીવનના એવા તબક્કામાં છું, જ્યાં નવાં કૌશલ્યો કેળવવામાં નહીં, શીખેલાં કૌશલ્યોને ભૂલવાનું, અનલર્નિંગ કરવાનું કૌશલ્ય પ્રાપ્ત કરવું પડે. જે રીતે પ્રભાતે પોતાનાં કિરણોને પ્રસારવાનું કૌશલ્ય સૂર્ય દાખવે છે, પરંતુ સમી સાંજે એ જ કિરણોને સંકેલવાનું કૌશલ્ય ભગવાન સૂર્યનારાયણ પ્રગટ કરે છે, એવી આ સંકેલો કરવાનું કૌશલ્ય કેળવવાની વાત છે.

ગયા વર્ષમાં કરેલા પ્રવાસના વિવિધ અનુભવોની લહાણી પણ થાય. પ્રવાસ એટલે માત્ર સ્થૂળ દર્શનીય સ્થાનોની માહિતી જ નહીં, પ્રવાસનાં અંતરંગ પર ઝિલાયેલાં પ્રતિબિંબો પણ પ્રગટ થાય, પરંતુ આ બધું વર્ણન શબ્દો દ્વારા નહીં, ચિત્ર દ્વારા અભિવ્યક્ત થાય અને પરસ્પરની પ્રશ્નોત્તરી દ્વારા એ વર્ણનની રંગપુરવણી થાય. પાંચ દિવસમાં એકાદો નાનકડો પ્રવાસ પણ ગોઠવાય, જેમાં પ્રકૃતિની ગોદમાં સૌને પોતપોતાનું બાળપણ પાછું આવી મળે. નવું કૌશલ્ય, નવો પ્રવાસ એ રીતે ગત વર્ષે ગમી ગયેલા કોઈ પુસ્તકની વાત પણ રજૂ થાય. આ વર્ષે સૌથી વધારે પ્રિય વાચક ધ્રુવભાઈ ભટ્ટના ‘અકૂપાર’ને મળ્યા, તેમ છતાંય રજૂ થયેલાં પ્રત્યેક પુસ્તકનું રસદર્શન તો રજૂ થયું જ. વગર વાંચે જે લાભ થાય તે તો થાય જ, તદુપરાંત જિજ્ઞાસા જાગે તો નવું પુસ્તક વાંચવાની પ્રેરણા પણ મળે. ચર્ચામાં સૌ કોઈ ભાગ લે. કોઈ એકાદ શબ્દમાં પોતાની વાત રજૂ કરી દે, તો કોઈને વળી ટૂંકાવવાનો ઈશારો પણ કરવો પડે. વાત રજૂ કરવાની બાબતમાં એક સભ્યે તો રજૂઆતની વ્યાખ્યા કરી આપતાં કહ્યું કે – ‘કથનની ‘વ્યાસ’ શૈલી પણ હોય અને ‘સમાસ’ શૈલી પણ હોય. વિગતવાર વિસ્તારપૂર્વક વાત મુકાય તે ‘વ્યાસ’ શૈલી અને પોતાના તમામ મુદ્દાઓનું રાસાયણિક સંયોજન કરી એક શબ્દમાં રજૂ કરાય તે ‘સમાસ’ શૈલી.’

માણસ જ્યાં જાય ત્યાં પેટ તો સાથે જ હોય, એટલે પરિવાર મિલનમાં પણ ‘રસોઈ-શૉ’ હોય જ. લગ્નપ્રસંગે રસોઈ માટે મહારાજને તેડું જાય, એવું આમાં નહીં. સૌ બહેનો સાથે મળીને રોજ નવીનવી વાનગી રાંધે. ક્યારેક ભાઈઓ પણ રસોડું સંભાળે, પરંતુ મોટા ભાગે એ પરિઘ પર હોય. શાક સમારવામાં, રસ કાઢવામાં અને આઈસ્ક્રીમ માટે કોઠી પર હાથ ચલાવવામાં મોટા ભાગે ભાઈઓ જ હોય. પરંતુ સાંજના રમતમેદાનમાં ભાઈઓ-બહેનો હાથમાં હાથ પરોવી વિવિધ ખેલો ખેલે. ચર્ચાગોષ્ઠિ વખતે જાણે ઘરમાં કોઈ નથી એવી શાંતિ અનુભવાય તો સાંજની રમતગમતમાં આખું આકાશ ગાજી ઊઠે. માત્ર નારગોલ ખેલનારી ટોળકી જ નહીં, પાનાં રમનારી ટુકડી પણ જીતે ત્યારે દેકારા-પડકારા કરે ! સવારનો નાસ્તો ખુલ્લા ચોકમાં થાય ત્યારે પોતપોતાની ડીશ લઈ એકમેક સાથે હળવા-મળવાનો સહજ કાર્યક્રમ થાય. કોઈ ઘાય નહીં, કોઈ ઘંટ નહીં, છતાંય વિવિધ કાર્યો એકમેકની સાંકળમાં પરોવાતાં પૂરાં થતાં રહે. પ્રભાતની પ્રાર્થનાથી આદરાતા નિત્યક્રમની પૂર્ણાહુતિ પણ મંગળ વાતાવરણમાં જ નિષ્પન્ન થાય. રાતનું ભોજન પરવારી, રસોડું વગેરે સંકેલી આખો સમૂહ વળી પાછો ભેળો થાય અને સહજ વાતો અથવા તો સહજ ગાન રજૂ થતાં રહે. ક્યારેક સામૂહિક ગીતો પણ ગવાય. વરસાદનું ટાણું હોય એટલે વર્ષાગીતો તો હોય જ. વિશેષ જાણકારો નવાં ગીતો રજૂ કરે. આ વખતે મિત્રની એક દીકરી સાથેના સિતારવાદન સાથે અમારી ક્ષિતિએ શાસ્ત્રીય રાગો ગાઈ સંભળાવ્યાં.

આ વર્ષે બીજી બે વસ્તુ પણ ઉમેરાઈ. શિક્ષણ અંગેની ચર્ચામાં ‘તારે જમીં પર’ અને ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મની વાત વારંવાર થતી રહી, એટલે ફિલ્મ જોવામાં ચૂકી ગયેલા સભ્યો માટે ‘થ્રી ઈડિયટ્સ’ની ડી.વી.ડી. પણ બતાવાઈ અને સૌ પેટ ભરીને હસતાં હસતાં જીવનનો ગંભીર મુદ્દો સમજતા થાય તે માટે ‘બાએ મારી બાઉન્ડ્રી’ નાટકની ડી.વી.ડી. પણ બતાવાઈ ! શક્ય હોય ત્યાં સુધી મનોરંજન કે હળવાશભર્યું વાતાવરણ પ્રવર્તે તે માટે બાહ્ય સાધનોનું અવલંબન ઓછું લેવાતું રહ્યું છે. મુખ્ય પ્રયાસ આ જ રહે કે અંતરમાંથી જ પ્રસન્નતાની સરવાણી ફૂટે તેવું કશુંક અનાયાસ સહજ થતું રહે અને આ સહજ પ્રસન્નતા નાટક-સિનેમા જોવામાં કે ગીતો-રમતમાં જ નહીં, દિવસ દરમિયાન થતાં ગૃહકાર્યોમાં પણ એટલી જ અનુભવાય. પાણીનો સમય સાચવવો પડે, તો બેઉ હાથમાં ભરેલી ડોલો કોઠીઓમાં ઠાલવતાં પણ એ જ પ્રસન્નતા અનુભવાતી લાગે. બાવીસ વર્ષો બાદ આખી એક પેઢી બદલાઈ રહી છે ત્યારે વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા સભ્યો જાતે પોતાનાં ઠામ-કપડાં સાફ ન કરી શકે એટલે મદદ માટે ઠામ-વાસણ તથા કપડાં સાફ કરવા બાઈની મદદ લેવાય, પરંતુ બાકીનાં તમામ ગૃહકાર્યો સૌ સાથે મળીને જ કરે !

પરિવાર-મિલનના પ્રયોગને વધાવવામાં થોડીક અતિશયોક્તિ પણ થઈ, કારણ કે અમે પણ માણસ છીએ, ભૈ, માણસ છીએ. અમે પણ ક્યારેક અથડાઈ પડીએ, અમને પણ ક્યારેક કોઈ ભિન્ન કે વિરોધી મત પચાવતાં મુશ્કેલી પડે. આખરે અમારી પણ મથામણ કરનારા લોકોની જમાત છે. માનવજિંદગી સાથે અમારી મથામણ ચાલે છે અને આ મનુષ્યજીવન સાગરમંથન સમું જ મિશ્રિત છે. એમાંથી ક્યારેક અમૃતકુંભ સાંપડે તો ક્યારેક હળાહળ વિષ પણ નીકળે. હરહંમેશ, બધું જ રૂડુંરૂપાળું ન પણ હોય, સારું-નરસું બન્ને પ્રગટ થાય, તેને ઝીલવાની શક્તિ વધે અને જે કાંઈ નરસું પ્રગટ થાય, તેના અવળા પ્રત્યાઘાતના ડંખ મોળા પડે તેવો પ્રયાસ અનાયાસ થતો રહે છે. છેલ્લાં ત્રેવીસ વર્ષમાં અમે ઘણુંબધું શીખ્યા છીએ અને એ શીખ જ અમારાં સ્મરણીય બા-બાપુજીનાં ચરણોનું તર્પણ છે.

આખરે પારિવારિક જીવન એ માનવજીવનનું પૂર્ણવિરામ તો નથી. એ અલ્પવિરામ છે. ત્યાંથી પાઠ શીખીને જીવનરેખાને આગળ વધારવાની છે. પરિવારથી પારાવાર સુધી પહોંચવાનું છે. આપણા નાનકડા આલિંગનમાં સમસ્ત જગતને સમાવવાનું છે. ઈશ્વરના દરબારમાં કોઈ એકલા-અટૂલા માણસને કદીય પ્રવેશ નથી મળ્યો, પોતાના હૈયામાં સમસ્ત વિશ્વને સંઘરનારા વિશ્વમાનવને જ ‘મહાજીવન’ની સોગાદ પ્રાપ્ત થાય છે, પરંતુ યાત્રા ભલે ગમે તેટલી લાંબી હોય, વચ્ચે વચ્ચે આવી મળતા સુંદર મુકામોનું મહત્વ પણ જરીકે ઊણું નથી. એટલે જ ઈચ્છા થાય કે પ્રત્યેક પરિવારને વર્ષે એકાદ વાર પણ ‘પરિવારમિલન’ ગોઠવવાની ચળ ઊપડે ! યાદ રહે, મેળો નહીં, મિલન ! અને જો એ શક્ય ન બને તો પેલા ગીતની જેમ :

મિલન હજુ નથી થયું તમારું,
એના ભણકારા,
રહેજો અંતરમાં મારા !’

[સમાપ્ત]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સાવ અમસ્તું નાહક નાહક મળ્યા ત્યારે – મીરા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.