કન્યાદાન – ઉષા રજનીશ શર્મા

[‘અખંડ આનંદ’ જુલાઈ-2011માંથી સાભાર.]

સવારના નવ વાગ્યા નથી ને નાથી શાકવાળીની લારી આવી જ જાય. તેના લાંબા લહેકાથી અમે બધાં શાક માટે નીચે આવી જ જઈએ. શાક માર્કિટ કરતાં રૂપિયો વધારે જ હોય પણ શાક એકદમ તાજું ને લીલું હોય. કોઈ બહેન ભાવની રકઝક કરે તો નાથી તરત જ માની જાય : ‘લો બહેન, તમે બોલ્યાં તે પ્રમાણે જ તોળ્યું છે. આનંદથી ખાશો તો મને યાદ કરશો.’ કહીને લેનારની ઝોળીમાં નાખે.

અમારી સાથે રહેતાં શાંતામાશી પૂછે, ‘કેમ, અલી નાથી, બજારમાંથી લાવીને અમને આપું છું ને ?’
‘ના હો બેન, મારા ઘર પછવાડે મોટો વાડો છે. વાડામાં મેં અને મારા દીકરા જીવાએ કાળી મજૂરી કરીને પકવેલું શાક છે. કૂવામાંથી પાણી સીંચીને શાકભાજીને પાયું છે હોં.’
‘નાથી જીવાને પરણાવ્યો કે નહીં ?’
‘હોં વે ગઈ સાલ જ પરણાવ્યોને. વહુ નર્મદી એના કાકાને ઘેર છે. હજુ આણું આવતે મહિને કરશે ત્યારે મારો દીકરો જઈને લઈ આવશે.’
‘ને પછી તો તું શેઠાણીની માફક બેસીને વહુ પર હુકમ કરતી રહીશ ને ?’ કોઈ બહેને મશ્કરીમાં પૂછ્યું.
‘ના રે બોન, વહુને શું ગદ્ધાવૈતરું કરવા લાવું છું ? એ એને તો હું પેટની દીકરીની માફક રાખીશ. બિચારીને મા-બાપ તો છે નહીં. કાકા-કાકીએ જ ઉછેરી છે. પૂમડા જેવી વહુની ‘મા’ બનીને રહીશ હોં.’ પ્રશ્ન પૂછનારની સામું જોઈ લટકો કરતાં નાથી બોલી.

આજકાલ કરતાં ત્રણ મહિના થઈ ગયા. નાથી આવતી બંધ થઈ ગઈ. અમે ફલૅટવાળાં એની રાહ જોઈ થાકી ગયાં પણ ના દેખાઈ. અમે વિચાર્યું મરી ગઈ હશે ? ક્યાંક ભાગી ગઈ કે શું ? એમની તો એ જ સમસ્યા હોય ને ? ગરમીના દિવસોમાં અચાનક બપોરના બે વાગ્યાના સુમારે ફલેટ આગળ નાથીનો લહેકાબંધ અવાજ સંભળાયો : ‘એ ઈ તાજાં ચીભડાં ટેટી રસદાર તરબૂજ લેજો મારી બેનો, મીઠા મધ જેવાં તરબૂજ લેજો. ગરમીનો દુશ્મન લેજો.’ અને ફટાફટ અમારા ફલૅટોની બારીઓ ઊઘડી ગઈ. ‘અરે નાથી આવી, નાથી આવી…’ કરીને ઘરના દરવાજાને તાળું મારી અમે બધી જ બહેનો લગભગ તેને ઘેરી વળી. ‘અરે અલી, ક્યાં ભાગી ગઈ હતી ?’ શાંતામાસીએ એને પૂછ્યું. એટલે નાથીએ એનો છેડો માથે ખેંચીને લગભગ પોક મૂકીને રડવા માંડ્યું. શાંતામાસી તો છોભીલાં પડી જ ગયાં. અમે પણ અવાચક જેવાં થઈ ગયાં કે કોઈ ભૂલ ભરેલો પ્રશ્ન અમે કર્યો કે શું ?
‘બેન, મારું તો જીવન રોળાઈ ગયું. તમે કહો છો ભગવાન છે. પણ અમારા ગરીબો માટે નહીં તમારા જેવા તાલેવંત માટે જ પ્રભુ છે. નહીં તો બે મહિનાના પરણેતરવાસમાં મારી પૂમડા જેવી નર્મદી વિધવા ના થાય હોં.’
‘અરે શું થયું તારા જીવનમાં ? એવી તે શી ઘટના ઘટી ?’ અમારામાંથી એક શિક્ષિકા બહેને પ્રશ્ન કર્યો. અમે નીચે વાળા ફલૅટના બહેનને ઘેરથી પાણીનો પ્યાલો લાવી એને પાણી પિવડાવ્યું ને નજીકના ઓટલા પાસે દોરી ગયાં. એની જીવનઘટના સાંભળવા બધાં કાન સરવા કરીને બેસી ગયા.

‘બેન, જીવો નર્મદીને એના કાકાને ઘેરથી લઈ આવ્યો. જીવો ને નર્મદી આનંદથી રહેતાં હતાં. મારી આંખ પણ રૂપાળી વહુને જોઈને ઠરતી હતી. વહુ પણ કેવી ગુલાબના ગોટા જેવી. કામઢી પણ એટલી જ. ત્યાં કાળ સામો આવ્યો. એક દાડો જીવો ખેતરેથી આવતો હતો ને હડકાયા કૂતરાએ બચકું ભર્યું. તે ઘેર આવ્યો તો ખરો પણ કૂતરાનું ઝેર એવું શરીરમાં ફેલાઈ ગયું કે જીવો થોડી જ વારમાં ભૂરો થઈ ગયો. વૈદને બોલાવીને બતાવ્યું તો કહે કૂતરાનું ઝેર ઓછું હોત તો હડકવા લાગત પણ કૂતરાનું ઝેર ઘણા પ્રમાણમાં શરીરમાં ફેલાઈ ગયું છે. તેથી મરણ થયું. નર્મદા સામું તો મારાથી જોવાતું નોતું. કાળા ગવન પહેરવાનાં, ચાંલ્લા વિનાનું કપાળ ને લાલ બંગડી વિનાના ધોકા જેવા હાથ જોઈ મારું હૈયું ફાટી જતું પણ શું કરું ? જ્યાં ભગવાન જ રૂઠ્યો ત્યાં મારો તો બધામાંથી રસ ઊડી ગયો. વાડો ને શાકભાજી તો ભુલાઈ ગયાં.

ત્યાં ડૂબતાને તરણું મળે તેમ એક દા’ડો મારી માશીની દીકરી ગોદાવરી મારે ઘેર આવી. બોલી, નાથી આમ ને આમ નર્મદીને આખી જિંદગી અડવી રાખવી છે કે એના જીવતરનો વિચાર કરવો છે ? મેં કહ્યું, ગોદાવરી, પણ આ મારી નર્મદીનો હાથ કોણ ઝાલે ? ને એમાં વળી નાતવાળા ધમાલ કરશે, જો મેં નર્મદીનું કોઈ ઠેકાણું પાડ્યું તો. મારી બહેન ગોદાવરી છે આમ તો હિંમતવાળી. કહે કે નાતવાળા ગયા ચૂલામાં. આ છોડી છે હજુ બાળક અને ગામનો ઉતાર કોઈ કાળુ કરશે તો એનું જીવન તો નરક બનશે ને ? મેં પૂછ્યું કે તો બહેન શું કરું ? મારો જુવાન દીકરો ફાટી પડ્યો. મારી તો બુદ્ધિ જ બેર મારી ગઈ છે. ગોદાવરી બોલી- જો નાથી, એક છોકરો છે મારી નજરમાં. મારી જેઠાણીનો ભાઈ. શહેરમાં પોસ્ટ ખાતામાં છે. ભણેલો છે. માબાપ વગર ઊછર્યો છે. સરકારી નોકરી છે. નર્મદીનું હું ત્યાં ગોઠવી આપું પણ તારી મરજી હોય તો. પછી નર્મદાને પૂછીશું. બોલ શું જવાબ છે ? મેં કહ્યું : ‘હા બોન ! ચાલો ને હું તૈયાર છું. ક્યાં જવાનું છે ?

બીજે દિવસે હું ને ગોદાવરી શહેરમાં જવાની બસમાં બેસી ગયાં અને અરજણભાઈને ઘેર ગયાં. અરજણ તે વખતે ઘરમાં જ હતો. મારી બેને એની સાથે ઓળખાણ કાઢી ને વાતો કરવા માંડી. વચ્ચે વચ્ચે એના લગ્નના ઈશારા પણ કરતી. અરજણને છેલ્લે સીધો પ્રશ્ન પૂછીને જાણી લીધું કે અરજણને પરણવાનો વિચાર છે. પણ કોઈ કન્યાનું માગું હજુ સુધી આવ્યું નથી. મારી ગોદાવરીને એ જ જોઈતું હતું, એણે તો સીધું જ પૂછ્યું, બોલ ભાઈ અરજાણ, એક કન્યા છે. તારાં ઘડિયાં લગ્ન લઈએ પણ એ મહિનો લગ્નસુખમાં રહી હવે વિધવા થઈ છે. જો તારી મરજી હોય તો હા બોલ નહીં તો ના બોલ. આ મારી નાની બેન નાથીની જ વહુ નર્મદા છે. તારી મરજી હોય તો જ, પરાણે નહીં હોં. અરજણે હસીને કહ્યું, ‘માશી, તમે ગોઠવશો તે વાત ચોક્કસ જ હશે એમાં મને શંકા નથી. ને બેનો, હું તમને કહું, મારી ગોદાવરી દસ દાડામાં તો શહેરમાં મને ને નર્મદાને લઈ ગઈ અને શંકરના મંદિરમાં અરજણ અને નર્મદાને મીંઢળ પણ બંધાવ્યાં. શંકરપાર્વતીની જોડીને એમના ઘરમાં મૂકી ને અમે બન્ને બેનો પાછી ગામમાં આવી. બેન, મારી પાસે બે તોલાનો અછોડો હતો તે નર્મદાને કન્યાદાનમાં દઈ દીધો અને અરજણ ને ઘડિયાળ લાવી દીધું. મારે તો દીકરીને વળાવી એવું જ માનવાનું. મારે દીકરી નો’તી તે ભગવાને મને જીવાની વહુને મારી દીકરી બનાવી દીધી.’

નાથીની વાતથી અમને કોઈ સામાજિક ચિત્ર જોતાં હોઈએ તેવો ભાસ થયો. દરેકની આંખોમાં આંસું આવી ગયાં. એ નર્મદાના લગ્નનાં હતાં કે પછી નાથીના દુઃખના ભાગીદાર તરીકે હતાં તેની તો મને ખબર નથી. અંતે મને લાગ્યું કે નાથીનું તો એ સાચું જ ‘કન્યાદાન’ કહેવાય !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

47 thoughts on “કન્યાદાન – ઉષા રજનીશ શર્મા”

Copy Protected by Chetan's WP-Copyprotect.