વિચારબિંદુઓ (ભાગ-4) – મૃગેશ શાહ

[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ પ્રકાશિત (ભાગ-1 થી 3) કર્યા હતા. એ અનુસંધાનમાં આજે થોડાક વધુ વિચારબિંદુઓને મમળાવીએ.]

[1] સમય સમયનો ફેર હોય છે. કોઈ એક સમયે અમુક રસ્તેથી પસાર થતાં આપની નજર મીઠાઈ અને ફરસાણોની દુકાન પર હોય છે. સમયનું ચક્ર ફરતાં એ જ રસ્તેથી ફરી ક્યારેક પસાર થવાનું બને છે ત્યારે આપની નજર હોસ્પિટલ અને દવાની દુકાનો પર હોય છે. આપણી અંદરની જેવી અવસ્થા હોય એવી દુનિયા આપણને બહાર દેખાય છે.

[2] ઘણા લોકો એટલા નોકરીમય થઈ જાય છે કે તેમને બે-ત્રણ દિવસની જાહેર રજાઓ પણ આકરી થઈ પડે છે. તેમને માટે સર્વિસ જ સર્વસ્વ બની જાય છે ! તેમના જીવનમાં બીજી કોઈ અન્ય પ્રવૃત્તિનો તો વિકાસ શક્ય જ નથી હોતો પરંતુ તેઓ જો ટૂંકી રજાઓથી પણ કંટાળી જતાં હોય તો રિટાયર્ડ થયા પછી શું કરશે તે એક મહાપ્રશ્ન બની રહે છે !

[3] આપણા અંતરની બારી (Window) ખોલવા માટે Username છે : ‘શાંતિ’ અને તેનો password છે ‘ધીરજ’. જે લોકો આ રીતે નિયમિત log-in કરે છે તેમના જીવનના Background માં પ્રસન્નતા આપોઆપ Download થતી રહે છે.

[4] આપણે ત્યાં જે વિવિધ સ્વરૂપો જોવા મળે છે તેમાં બહુધા લક્ષ્મીજીનું સ્વરૂપ ઊભેલું જોવા મળે છે અને સરસ્વતી માતા આસન પર બિરાજમાન હોય છે. એનો મતલબ એ કે અર્થની પ્રાપ્તિ માટે ખડે પગે મહેનત કરવાની છે જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ માટે સ્થિર બનીને આસનસ્થ થઈ અંતર્મુખ બનવાની જરૂર છે.

[5] અનેક લોકો જોબ કરતાં હોય અને તેને અનેક નવરા લોકો બેસીને રોજેરોજ જોયા કરે… એનું નામ છે ‘ટીવી સિરિયલ.’

[6] જેણે શુભ વિચારવું છે તેણે એમ સમજવું કે અખબારના બાર પાના ભરીને જે કંઈ છપાય છે, એટલું જ જગતમાં અયોગ્ય થાય છે, એ સિવાયનું બીજું બધું ખૂબ જ સારું થાય છે. એ શુભનું પ્રમાણ એટલું મોટું છે કે એની માટે અખબારના રોજના હજાર પાના પણ ઓછા પડે. જગતમાં શુભ કાર્યોની નોંધ પ્રમાણમાં ઓછી લેવાય છે, તેથી કળિયુગ તો માત્ર સપાટી પર છે, અંદર તો હજીય સતયુગ ચાલી રહ્યો છે.

[7] રોજિંદી વાતચીતમાં કેટલાક વાક્યો માત્ર બોલવા ખાતર બોલાતાં હોય છે જેમ કે ‘હું આપને ફોન કરવાનો જ હતો !’ – ભસતાં કૂતરાં કરડે નહીં એમ કહેનારા કદી ફોન કરે નહીં !…. માત્ર ઔપચારિકતા દાખવનાર વ્યક્તિ સક્રિય આચરણ માટે ક્યારેય પ્રયત્નશીલ બનતો નથી.

[8] જો તમારી પાસે સત્ય આદિ શાશ્વત મૂલ્યો હશે તો જીન્સ પહેરનારી નવી પેઢી પણ તમારી વાત સાંભળશે…. – આ વાક્ય સાર્થક થાય છે શ્રી નારાયણભાઈ દેસાઈની ગાંધીકથામાં. યુવાપેઢી એટલી તન્મયતાથી ગાંધીકથા સાંભળે છે કે આપણે પ્રસન્નતાપૂર્વક કહી શકીએ કે ગાંધીજી આજના યુગમાં અગાઉ કરતાં વધારે પ્રસ્તુત છે.

[9] સંપ્રદાય શુદ્ધ અને સ્વસ્થ રહે તો એ સારી વાત છે. આજે ઘણા ઉંમરલાયક સંપ્રદાયોને સંકુચિતતાને કારણે એન્જીઓપ્લાસ્ટી કરાવવી પડે તેવી હાલત છે, પરંતુ સવાલ એ છે કે એ બલૂન ફોડે કોણ !?!

[10] માનવજાત પરથી વિશ્વાસ ઊઠી જાય તેવા લોકો વચ્ચે રહીને માનવજાત પર વિશ્વાસ રાખવાનું કાર્ય કરી શકાય તો જ માનવજાત પરનો વિશ્વાસ ટકી રહેશે.

[11] માણસો પોતે નક્કી કરેલી દોડ દોડે એમાં કશો જ વાંધો નથી પરંતુ દુઃખ તો એ વાતનું છે કે સૌ અન્ય લોકોએ નક્કી કરેલી દોડ પોતાની સમજીને દોડ્યા કરે છે ! અભ્યાસથી લઈને નિવૃત્તિ સુધી સૌ કોઈ અન્યોએ નક્કી કરેલા માપદંડોને આધારે જીવન જીવે છે. એ દોડમાં પોતાનો અવાજ સાંભળવાની ફુરસદ કોને છે ?

[12] આપણું વર્તમાન જીવન પર્વતોના વળાંકો જેવું છે. આગળ પર કેવો વળાંક આવશે એનો અંદાજ થઈ શકતો નથી. પરંતુ આ વાંકાચૂકા જીવન વચ્ચે જ આપણને માનવતાના શિખરો જેવા માનવીઓ મળે છે અને ઊંડી ખીણ જેવી નિમ્ન મનોવૃત્તિ ધરાવતા માનવીઓ પણ મળે છે. આપણે બસ, આ બધા વચ્ચેથી પસાર થવાનું છે. આ સૌની વચ્ચે રહીને જ માનવી તેની આંતરિક ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે.

[13] જમીનમાં અનેક જીવજંતુઓ નિવાસ કરે છે. ઋતુ પ્રમાણે તેઓ બહાર નીકળે છે. માણસમાં રહેલી વૃત્તિઓનું પણ એવું છે. માણસને ખબર પણ ન પડે તેમ કેટલીક વૃત્તિઓ માણસના ચિત્તમાં ઊંડે ઊંડે નિવાસ કરે છે. જ્યારે અનુકૂળ સમય સંજોગો ઊભા થાય છે ત્યારે તે તે વૃત્તિઓ માણસમાં આકસ્મિક રીતે પ્રગટ થઈ જાય છે.

[14] કોઈને ત્યાં દીકરી આવે ત્યારે આપણે ત્યાં સહજ એમ બોલાય છે કે ‘લક્ષ્મીજી આવ્યા..’. ભલે આની પાછળ વેપારી માનસ ન હોય પરંતુ જમાના પ્રમાણે થોડું સંશોધન કરીને એક નવો શબ્દ મૂકવો જોઈએ કે ‘સરસ્વતીજી આવ્યા…’ આર્થિક પ્રગતિ હવે ઘણી થઈ ગઈ, થોડીક આંતરિક પ્રગતિ થાય તો કેવું સારું !

[15] એક રીતે જોતાં ભોજન અને ભાષા વચ્ચે ઘણું સામ્ય છે. ભોજનમાં જેમ કડવાશ કરતાં મીઠાશ વધુ જોખમી છે, તેમ ભાષાનું પણ એવું છે. કડવા કારેલાં જેવા બે સીધા શબ્દો સારા પરંતુ બીજાનો ઉપયોગ કરવા માટે ખાંડમાં બોળીને બોલાયેલા મીઠાશભર્યા વચનો વધારે જોખમી છે.

[16] માણસનું જીવન ત્રિઅંકી નાટક જેવું છે. એનો પહેલો અંક માતાપિતાની સાથે ભજવાય છે. બીજો અંક દાંપત્યજીવનમાં પસાર થાય છે અને છેલ્લો અંક સંતાનોની સાથે વીતે છે. ત્રણેય અંકમાં ઘણી ઉથલપાથલો આવે છે પરંતુ અંતે પડદો પડે તે પહેલાં તમામ રાગ-દ્વેષ ભૂલીને અંદરની પ્રસન્નતાથી ‘ખાધું પીધું ને મોજ કરી’ની સ્થિતિ આવી જાય તો આ નાટક સફળ !

[17] નિર્મળ, સજ્જન, ઉદાર અને ઉદાત્ત વૃત્તિવાળા વિવેકશીલ મનુષ્યો એ ઈશ્વરના હાથની કલમ છે. ઈશ્વરને જે કંઈ કહેવું છે તે આવા મનુષ્યોના જીવન મારફતે આપણને કહે છે. જો આપણે તેઓને સાંભળી અને સમજી શકીએ તો એક જ જન્મમાં અનેક જન્મો જેટલું પામી શકીએ.

[18] નાના બાળકોનું કલ્પનાજગત અદ્દભુત હોય છે. એક શિક્ષિકાબેને બાળકને પૂછ્યું : ‘નાના બાળકોને કેમ વધુ ઊંઘ આવે છે ?’ બાળકે તેની ભાષામાં જવાબ આપ્યો : ‘કારણ કે તેઓ દૂર…દૂર…. ઈશ્વરના દેશમાંથી આવે છે. કોઈ આટલી મુસાફરી કરીને આવે તો પછી થાક તો લાગે ને ? એટલે જ નાના બાળકો ખૂબ ઊંઘ્યા કરે છે !’

[19] આપણી આસપાસ રહેલી વ્યક્તિઓના સ્વભાવની વિચિત્રતાઓ જાણવા છતાં તેનો સ્વીકાર કરવો એ ઘણી મોટી વાત છે. સંયુક્ત કુટુંબ પદ્ધતિ આપણને સંબંધોની માવજત કરતાં શીખવે છે. એકવીસમી સદીની સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈને કોઈની જોડે વધુ સમય ફાવતું નથી ! સ્વીકાર કરવામાં અહમ આડે આવે છે. પરિણામે ઘણા લોકોને ‘એકલતા’ નામના મહારોગનો ભોગ બનવું પડે છે !

[20] વધારે પડતું વજન હોય તો જેમ શરીર બેડોળ લાગે છે તેમ વધારે પડતી બુદ્ધિથી માણસનું મન અશાંત બને છે. તર્ક એના મનમાં સાગરના મોજાંની જેમ હિલોળા લે છે ! આપણે ત્યાં વજન ઉતારવાની જેમ પદ્ધતિઓ છે એમ બુદ્ધિની પાર જવાની પણ પદ્ધતિ છે. એનું નામ છે : ‘કલા.’ નૃત્ય, સંગીત, સાહિત્યની કોઈ પણ કલા બુદ્ધિરૂપી મેદને ધીમે ધીમે ઉતારે છે. કલાના સંગથી માણસ સહૃદયી બને છે.

[21] સ્મશાનમાં બાંકડા ગોઠવીને તેને નિયમિત સાયં વિહાર કરવાનું સ્થળ બનાવવામાં આવે તો ત્યાંના દ્રશ્યો જોઈને જગતમાં થોડો ઘણો પ્રમાણિકતા, નીતિ, સત્ય વગેરે જેવા સદગુણોનો વિકાસ થાય એવી શક્યતાઓ છે !

[22] આ જગતમાં બાળકોની સેવા નોંધપાત્ર છે. તેઓ કિલ્લોલ કરીને સૂકા ઘરને લીલુંછમ બનાવી મૂકે છે. પોતાની કાલીઘેલી ભાષાથી તેઓ કેટલાયના મન પ્રસન્નતાથી ભરી દે છે. એ રીતે અજાણતાં જ તેઓ સૌના બ્લડપ્રેશરને કાબૂમાં લાવી દે છે ! નિર્દોષ પ્રવૃત્તિઓને અત્યંત રસપૂર્વક કરતાં કરતાં ફળની આશા રાખ્યા વિના કર્મ કરવાનો સંદેશો આપે છે. સામેની વ્યક્તિમાં હજાર દૂર્ગુણો હોવા છતાં એને પ્રેમ દ્વારા પોતાનાં કરી લે છે ! આ કંઈ જેવી તેવી સિદ્ધિ થોડી છે ?

[23] અખબારો પણ ક્યારેક ગજબ કરે છે ! ‘અશ્લીલતા સમાજનું દૂષણ છે’ એવા શીર્ષક હેઠળના લેખમાં જ અશ્લીલ ફોટા મૂકવામાં આવે છે ! એક સમયે સાચી જોડણી માટે અખબારનો આધાર લેવામાં આવતો, પરંતુ હવે અખબારમાં જ એટલી જોડણીભૂલો હોય છે કે તેને જો સંગ્રહિત કરવામાં આવે તો આર્ટ-ગેલેરીમાં ‘જોડણી-ભૂલો’નું એક સરસ મજાનું પ્રદર્શન યોજી શકાય !

[24] આપણે એટલા બધા બિલોથી ઘેરાઈ ગયા છીએ કે રોજેરોજ કોઈને કોઈ બિલની છેલ્લી તારીખ હોય છે. આથી, આપણા બેડરૂમની દિવાલ પર એક પ્રચલિત ભજનને હવે આ રીતે લખવાની જરૂર ઊભી થઈ છે :

ભૂલો ભલે બીજું બધું, બિલ ભરવાનું ભૂલશો નહિ,
તારીખ છે છેલ્લી આજે, પેનલ્ટી ચૂકવશો નહિ.

[25] માનવીની બુદ્ધિ સાથે તેની હૃદયની પણ કેળવણી થવી જોઈએ. હૃદયની કેળવણી એટલે પ્રેમ-ભાવની કેળવણી. વિનોબાજી એમ કહેતા કે જો મનુષ્યની ફક્ત બુદ્ધિનો વિકાસ કરવામાં આવશે તો જાણે નાનકડા બોરની ઉપર તડબૂચ મૂક્યું હોય એવું લાગશે ! બુદ્ધિ તડબૂચ જેવી મોટી અને હૃદય બોર જેવું સંકીર્ણ ! શું આને આપણે વિકાસ કહીશું ?

[26] જો આપના સંતાનો આખો દિવસ મોબાઈલ સાથે વ્યસ્ત રહેતા હોય, વારંવાર SMS થતા હોય, કારણ વગર ‘Call History’ ડિલીટ કરવામાં આવતી હોય, જે નંબર પર સૌથી વધુ વાતચીત થતી હોય તે નંબર Save કરેલો ન હોય તો તમારે ટૂંકમાં ઘણું બધું સમજી લેવાની જરૂર છે. માતાપિતા અને સંતાનો વચ્ચે એટલી બધી પ્રાઈવસી ન હોવી જોઈએ કે સ્વતંત્રતાનો સતત દૂરઉપયોગ થતો રહે !

[27] શાંત અને સ્થિર પાણીમાં જેમ બધી જ અશુદ્ધિઓ નીચે બેસી જાય છે તેમ કેળવાયેલા શાંત અને સ્થિર મનમાં વ્યક્તિના તમામ દુર્ગુણો મંદ પડી જાય છે અને તેને સ્વાભાવિક જ અસ્તિત્વ તરફથી શુભ વિચારો પ્રાપ્ત થતા રહે છે. આવો માનવી અંદરથી ખૂબ ભર્યો ભર્યો રહે છે. આ પ્રમાણે જીવવું એ માનવીય મનઃસ્થિતિનું સવોત્તમ શિખર છે.

[28] ભીનાશ અને મીઠાશ એ બે જુદી વસ્તુ છે. ઘણાની વાણીમાં મીઠાશ ખૂબ હોય છે પરંતુ એ પોતાનું કામ કઢાવવા માટે હોઈ શકે ! વાણીમાં ભીનાશ હોવી એ હૃદયનો ગુણ છે. એમાં સામેની વ્યક્તિને આંજી દેવાનો કે પ્રભાવિત કરવાનો કોઈ ભાવ નથી. મીઠાશ સ્વાર્થપ્રેરિત હોઈ શકે, વાણીમાં ભીનાશ તો કેવળ પરમાર્થ માટે જ પ્રગટતી હોય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “વિચારબિંદુઓ (ભાગ-4) – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.