- ReadGujarati.com - http://www.readgujarati.com -

ગુજરાતી ભાષા અને સાહિત્ય : આપણી અસ્મિતા – દક્ષા વ્યાસ

[ ગુજરાતી સાહિત્ય પરિષદના 45મા અધિવેશનના સંભારણારૂપે તૈયાર થયેલા પુસ્તક ‘ચાલો ગુજરાતીનું ગૌરવ વધારીએ’ માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

સાહિત્યમાં જીવન ખાતર કલા અને કલા ખાતર કલાનું પલ્લું વારાફરતી નમતું રહ્યું છે. સાહિત્ય શું – કલામાત્રનો જીવન સાથેનો સંબંધ ક્યારેય તૂટી શકે નહીં. ને છતાં સમાજહિતચિંતકોએ વારે વારે ટહેલ નાખવી પડે છે ‘કોશિયો સમજી શકે તેવું સાહિત્ય લખો.’

ગુજરાતી સાહિત્યના સંદર્ભે પ્રશ્ન કરીએ કે પ્રજા શાથી સાહિત્યવિમુખ રહે છે ? મૂળિયાં ખોદવા જઈશું તો ઘણે ઊંડે ઊતરવું પડશે. ઘણા વિસ્તરવું પડશે. સમસ્યાનો પ્રથમદર્શી મુદ્દો એ જ મળશે કે સાહિત્યકારો સાવ અંગત સંવેદનને વાચા આપી રહ્યા છે, સમાજાભિમુખ રહ્યા નથી. એવું પણ તરત કહી શકાય કે મનોરંજક માધ્યમોએ પ્રજા માટે સાહિત્ય પાસે પહોંચવાનો સમય જ રહેવા દીધો નથી. પણ જરા ઝીણું જોવા જઈએ તો એક એવો પણ મુદ્દો દેખાશે કે ભાષાનું જ મૂલ્ય નગણ્ય બની ગયું હોય ત્યાં સાહિત્યની તો વાત જ શી કરવી ?! ગુજરાતી ભાષાની અવજ્ઞાનો પ્રશ્ન સાહિત્ય કરતાં કદાચ વધુ મોટો અને ગંભીર છે. જે ભાષાની અવજ્ઞા થતી હોય તેના સાહિત્યની ગણના થવાનો સંભવ રહેતો નથી. તેથી પ્રથમ ભાષાનો મુદ્દો લઈએ.

સુવિદિત છે કે એક સમયે ‘શું શાં પૈસા ચાર’ની સ્થિતિથી અત્યંત ઉચાટ અનુભવતા કવીશ્વર દલપતરામ ગુજરાતી વાણી રાણીના વકીલ બની મહારાજા ખંડેરાવ ગાયકવાડ પાસે ગયેલા. આ એક અદના સાહિત્યકાર જ હતા જે ગિરાગુર્જરીની મહત્તા સમજ્યા. રાજાને સમજાવી અને સમગ્ર સમાજ સમક્ષ મબલખ સાહિત્ય પીરસીને માતૃભાષાનો વૈભવ ખડકી દીધો. પંડિત યુગે પાંડિત્ય, પૂર્ણતા, ઉચ્ચ આદર્શપરાયણતા વડે મા ગુર્જરીને ગરિમા બક્ષી. સાહિત્ય ઉન્નતશીર્ષ બન્યું. શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં ચાલતું હતું છતાં – સ્નેહલગ્ન, દેહલગ્ન, કજોડાલગ્ન, વિધવાવિવાહ જેવા સમાજવ્યાપી પ્રશ્નોને લીધે જ હશે – ‘ચન્દ્રકાન્ત’, ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાનવલ લોકો રસથી વાંચતા હતા. હવે આગળ શું કરવું જોઈએ તેની ગોવર્ધનરામને સલાહ મળતી હતી. ગાંધીયુગે તો કોશિયો સમજી શકે તેવી ભાષા અને સાહિત્યનો ખૂબ મહિમા કર્યો; પરંતુ પછી સાહિત્ય વ્યક્તિની-સર્જકની અંગત મૂડી જેવું બનવા લાગ્યું. એમાં અંતર્મુખતા અને આત્મકેન્દ્રિતા આવી. શિક્ષણનું માધ્યમ ગુજરાતી આવ્યું, પણ સાહિત્ય સમાજવિમુખ બનતું ચાલ્યું.

થોડો સમય લાગ્યું કે સાપ ગયા લિસોટા ભલે રહ્યા…. પણ અંગ્રેજી માધ્યમના ભોરિંગે ફણા ફેલાવ્યે રાખી. ગુલામી ગઈ, પણ ગુલામ માનસિકતા ન ગઈ. ગુજરાતીઓને ઘેલછા લાગી અંગ્રેજી માધ્યમની. ‘માતૃભાષા દ્વારા જ શિક્ષણ’ની શિક્ષણવિદો ભલેને બાંગ પોકાર્યા કરે, દેશ-વિદેશ ખૂંદનારા ભલે કહ્યા કરે કે વિશ્વના અનેક દેશોમાં લોકો પોતાની જ ભાષા બોલે છે, અંગ્રેજીનો ‘અ’ સુદ્ધાં જાણતા નથી ને છતાં ભારત કરતાં વધારે સમૃદ્ધ અને વિકસિત છે. કહેવાય છે કે જેની એક ભાષા – માતૃભાષા પર પકડ મજબૂત હોય તેને કોઈ પણ ભાષા હાથવગી બની શકે. ‘મને ગુજરાતી ફાવતું નથી, બરાબર આવડતું નથી.’ એવું ગૌરવપૂર્વક કહેવાની ગુજરાતીઓમાં ફૅશન વધતી જાય છે. ગુજરાતી સિવાય અન્ય વિષયના શિક્ષકો-પ્રાધ્યાપકો પોતાને જોડણીનું ધ્યાન રાખવાની જરૂર નથી, પોતાને સાચી જોડણી- સારું ગુજરાતી ન આવડે એ જ સ્વાભાવિક છે એમ સમજે છે. ભાષા એક વિષય તરીકે દરેક ભણે છતાં આ માનસિકતા અંગે શું કરવું ?! તેઓ અંગ્રેજી સાચું લખવામાં માને ખરા. આ માનસિકતા વિદ્યાર્થીઓના ચિત્ત પર જોડણીની અતંત્રતાની જ છાપ પાડવાની. એનાં ફળ આજે દેખાય છે. ગુજરાતી ભાષાને ઉગારવા ઊંઝા જોડણીનો પ્રયાસ થઈ રહ્યો છે. ઝાડને રોગ લાગુ પડે એટલે એક એક ડાળી કાપતાં કાપતાં એક સમય એવો આવે કે આખેઆખું વૃક્ષ જ કાપી નાખવું પડે. જોડણીનું સરલીકરણ એ કાંઈ ભાષાને ઉગારવાનો ઉપાય નથી. એ એક નકારાત્મક પગલું છે અને સરલીકરણનો કોઈ અંત નથી. ખરું જોતાં સરલીકરણ એ ભાષાવિકાસની એક સહજ પ્રક્રિયા છે અને કોઈ ઝુંબેશથી અમલી બનાવી શકાય નહીં. વિદેશોનું અનુકરણ કરનારા જાણતા હશે કે અમેરિકામાં રાજ્યવ્યાપી જોડણીસ્પર્ધા યોજાય છે. તો જરૂર છે ભાષાશુદ્ધિ અંગેની વ્યાપક સજાગતાની અને માતૃભાષા માટેના ગૌરવની જનજનના હૃદયમાં સ્થાપનાની. ગુજરાતી ભાષક સમાજના તમામ સ્તરના ભાષકો-શિક્ષકો, પ્રાધ્યાપકો, વક્તાઓ, વિદ્વાનો પણ મોટેભાગે ભ્રષ્ટ ગુજરાતી – અનિવાર્ય ન હોય તેવાં સ્થાનોએ પણ અંગ્રેજી શબ્દપ્રયોગોવાળું ગુજરાતી- સમાન અભાનપણે બોલતા રહેતા હોય છે. આપણે જે ભાષામાં રજૂઆત કરતા હોઈએ તે જ ભાષા અણિશુદ્ધ રીતે કેમ બોલતા નથી ? સમૂહમાધ્યમોમાં, વિશેષ કરીને સિનેમાના સિતારાઓ ખીચડી ભાષાનો પ્રયોગ કરીને કેવા તેજસ્વી લાગે છે ! કેવા પ્રભાવિત કરે છે ! એવી મુગ્ધ માન્યતા સાથે પોતાની વિદ્વત્તાની છાપ પાડવાનો જ એમાં પ્રયાસ નથી દેખાતો ?

ભાષાનું ગૌરવ વધશે તો આપોઆપ સાહિત્યનું ગૌરવ વધવાનું. અલબત્ત ભાષાને જીવતી રાખવામાં એને સમૃદ્ધિ બક્ષવામાં સાહિત્ય સૌથી મોટી ભૂમિકા ભજવી શકે. કોશિયો સમજી શકે એવા સાહિત્યની વારંવાર હિમાયત થાય છે. પણ કોશિયાને સમજાવવામાં શબ્દકોશ નાનો ને નાનો થતો જાય છે એવું નથી ? આજે સાહિત્યમાં અને બોલચાલમાં વપરાતા ગુજરાતી શબ્દો કેટલા ? રૂઢિપ્રયોગો અને કહેવતોની સંખ્યા કેટલી ? કોશિયાને યાદ કરીને સાવ નીચે ઊતરી જવાની જરૂર નથી. લોકો સારું માગે છે. પોતાના બાળક માટે સારામાં સારું નવું નામ ગોતે છે. કંકોત્રી આલંકારિક ભાષામાં લખાવવા ઈચ્છે છે. મહીં કાવ્યપંક્તિઓ આવે તે તેમને ગમે છે. મરણ શ્રદ્ધાંજલિની જાહેરાતમાં પણ કવિતા લખાવે છે ! અમેરિકામાં વસતા થોડા ગુજરાતીઓ શિશુભારતી જેવી શિક્ષણ સંસ્થા ચલાવે છે અને ગુજરાતી બાળકોને રજાના દિવસે ગુજરાતી ભાષા ભણાવે છે.

સાહિત્યને જેટલી નિસબત જીવન સાથે છે તેટલી કલા સાથે પણ હોવાની જ. તેને લીધે તો કૃતિ સાહિત્ય બને છે. એટલે સમાજાભિમુખતાની વાત આવે છે ત્યારે કલાત્મકતાનો છેદ ઉડાવવાનો નથી. મુદ્દો છે સંવેદનાના વ્યાપનો. જીવનના દરેક ક્ષેત્રમાં થયેલું મૂલ્યોનું ધોવાણ, વસ્તુમાત્રનું બજારીકરણ, ક્ષણિક સુખ-ભોગ-વૈભવ-ખૂની ભભકાની દુનિયાનું આકર્ષણ, જાતીયતા, હિંસા, ગુંડાગીરીનું વ્યાપક પ્રચલન, સંસ્કૃતિ સંરક્ષણને નામે થતી ઉજવણીઓમાં વ્યક્ત થતો ઉન્માદ, નશાખોરીની વધતી જતી સુવિધાઓએ સર્જેલો બિહામણો માહોલ, નિર્લજ્જ સત્તાખોરી અને સટ્ટાખોરી…. જનજીવન આવી અગણિત સમસ્યાઓથી ઘેરાયેલું છે. સર્જક પણ એક સામાજિક છે ને તેની આ સમસ્યાઓને વેઠે છે. તથાપિ એની ચેતના એ બધાથી કેમ હાલી ઊઠતી નથી ? એ વિચલિત કેમ થતો નથી ? કવિ-મનીષી તો આર્ષદ્રષ્ટા કહેવાયો છે. તો આ વિષમ પરિસ્થિતિની આરપાર એ કેમ જોઈ શકતો નથી ? એ કેમ એના આલેખન માટે અવશ બનતો નથી ? એ શાથી હાથવગી કલ્પના અને રંગદર્શી છટકબારીઓ વચ્ચે રમ્યા કરે છે ? એ કેમ રુસો, રસ્કિન પેઠે પોતાના સમાજને પલટી નાખવાનું દર્શન દાખવતો નથી ? સાંપ્રત સમયમાં દલિતસાહિત્ય, નારીવાદી સાહિત્ય વગેરે દ્વારા સાહિત્યે જીવનાભિમુખતા બતાવી છે ખરી, પરંતુ ભાવક ભીતરથી હાલી ઊઠે એવું સાહિત્ય કેટલું ? સમસ્યાઓને ઊંડળમાં લઈને ઠોસ વાસ્તવને આલેખતું અનુભૂતિની સચ્ચાઈથી રણકતું સાહિત્ય કેટલું ? પ્રજા સાહિત્યવિમુખ છે તેનું એક કારણ એ તો નથી કે એને એમાં પોતાની સંવેદનાઓનું પ્રતિબિંબ મળતું નથી ? કે પછી પ્રજાને આપણે અન્ય સમૂહમાધ્યમોની જેમ લોકપ્રિયતાને નામે સસ્તું મનોરંજન આપતા સાહિત્યની ટેવ પાડી, જીવનની નક્કર વાસ્તવિકતાઓનો સામનો કરવા માટે તૈયાર કરવાને બદલે ભાગેડુ બનાવી રહ્યા છીએ ? સમાજાભિમુખ એટલે લોકરંજક નહીં, લોકની સંવેદનાને વાચા આપનારું. ગુજરાતી સર્જક સુંવાળો બની ગયો છે, રંગરાગી પ્રેમની મનઘડંત કહાનીઓ-કવિતા કરવામાં રચ્યોપચ્યો રહે છે, જીવનના નક્કર વાસ્તવ સાથે અથડામણમાં આવવાનું ટાળે છે, વાસ્તવની વાત કરે છે ત્યારે પણ તીરે બેસીને તમાશો જોતો હોય તેમ કરે છે, મરજીવો બનીને પેટાળમાં ડૂબકી મારતો નથી, મૂળિયાં સુધી પહોંચવાનો શ્રમ લેતો નથી એટલે કોઈ પણ વિષય-વસ્તુનું સાહિત્ય જીવનમાંથી નહીં, વિચારમાંથી – કલ્પનામાંથી આવે છે. એવું તો નથી ને ? ચિત્તાની કવિતા કરવા માટે રિલ્કે કલાકો સુધી તેની સામે બેઠો – તેની ક્ષણેક્ષણને અનુભવી. વસ્તુનું સમગ્રતાથી આકલન કરવાની ક્ષમતા-દષ્ટિ-વૃત્તિ આપણા મોટાભાગના સાહિત્યમાં શાથી પ્રતિબિંબિત થતી નથી ? આ સર્જકે અને સમાજે બંનેએ પોતાને પૂછવાનો પ્રશ્ન છે, કેમકે બંને પરસ્પરને એકબીજાથી અળગા સમજે છે. એક સામાજિક હોવાને નાતે સર્જક સમાજ પ્રત્યે પ્રતિબદ્ધ છે અને એક સર્જક હોવાને નાતે સમાજની તેને પ્રોત્સાહિત કરવાની – ઉમળકાથી વધાવવાની જવાબદારી છે કેમકે સર્જકમાં સંસ્કૃતિનું જતન-સંવર્ધન કરવાની, સમાજને પ્રેરવાની અસાધારણ ક્ષમતા હોય છે એ પુરવાર થયેલી હકીકત છે.

છતાં બધું જ સાહિત્ય પ્રજાવિમુખ છે કે પ્રજા પૂર્ણપણે સાહિત્યવિમુખ છે એમ કહી શકાશે નહીં. રાવજીનું પ્રતીક કલ્પનખચિત ‘આભાસી મૃત્યુનું ગીત’, ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ લોકો સુધી પહોંચ્યું. હરીન્દ્રનું ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ – નો રિંગટોન યુવાનોના સેલફોનમાં સંભળાય છે, પણ ‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ જેવું વનવાસીનું ગીત કોશિયા સુધી પહોંચ્યું નહીં. કૌવત ત્રણેમાં છે, પણ પ્રથમ બેને અવિસ્મરણીય સંગીત અને કંઠ મળ્યાં, ત્રીજાને તે ન મળ્યું, તો સાહિત્યને લોકો સુધી પહોંચાડવા માટે બીજી કળાઓનો – દશ્યશ્રાવ્ય માધ્યમોનો વધુમાં વધુ સાથ લેવો પડશે. સાહિત્યને રજૂઆતની કલા બનાવવા પરિશ્રમ કરવો પડશે, એને પ્લૅટફૉર્મ પૂરું પાડવું પડશે. જનમાનસની અભિરુચિ કેળવાય, એ વધુ ને વધુ સફાઈદાર બનતી જાય તે માટે એને સારું સાહિત્ય પીરસવું પડશે, એને એના પ્રત્યે આકર્ષવું પડશે. વિદ્યાર્થીઓ અને જનસામાન્ય સૌને આવરી લેતું લોકજાગૃતિ અભિયાન કરવું પડશે. સાહિત્યિક કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધારવા માટે શિક્ષણસંસ્થા, સમાજ, સરકાર, સાહિત્યકાર – સૌએ પુરુષાર્થ કરવાનો રહેશે. તે માટે મામકાઃ વૃત્તિ, સાંકડા સ્વાર્થમાંથી બહાર નીકળવાનું રહેશે. બાકી ભાષાને ગુમાવવી એટલે મૂળમાંથી ઊખડી જવું – પોતાની અસ્મિતાને ગુમાવવી.

[કુલ પાન : 313. કિંમત રૂ. 250. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર સામે, ગાંધીરોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921]