માર ખાયે સૈયાં હમારો – નિરંજન ત્રિવેદી

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘માર ખાયે સૈયાં હમારો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત હાસ્યલેખને અંતે આપવામાં આવી છે.]

[1] રાઘવજીએ ખાધું મોંઘામાં મોંઘું કેળું !

સત્યનારાયણની કથામાં આવતી કલાવતી કન્યા જેવી જ મોંઘવારી છે. રાતે ન વધે તેટલી દિવસે વધે, અને દિવસે ન વધે તેટલી રાતે વધે. ઈન્દિરાજી પણ છેવટે કંટાળીને બોલ્યાં હતાં કે મોંઘવારી તો વિશ્વવ્યાપી પ્રશ્ન છે. દરેક દેશમાં મોંઘવારી છે જ અને વધે પણ છે. એમણે શબ્દ વાપરેલો ‘વર્લ્ડ ફિનોમીનન’. આ ખરેખર ‘વર્લ્ડ ફિનોમીનન’ જ છે. મારા મિત્ર રાઘવજીની અમેરિકન યાત્રાની વાત યાદ આવે છે. એ મને કહે, ‘ત્રિવેદી, તને ખબર છે આ મોંઘવારી તો બેસુમાર છે !’
‘હા, એ તો છે જ. બીજી તારીખથી જ લોકો પહેલી તારીખની રાહ જોતા હોય છે.’
‘અમેરિકામાં પણ ઘણી મોંઘવારી છે. ત્રિવેદી, ત્યાં કેળાં પણ ઘણાં મોંઘાં છે.’ પછી કેળાં કેવાં મોંઘાં પડ્યાં તેની વાત કરી, મિત્રો એ વાત તમને હું જણાવું.

આપણે અહીંયાં અમદાવાદમાં કેળાં બાર રૂપિયે ડઝન ગણીએ તોપણ એક કેળાની કિંમત એક રૂપિયો થાય. ક્યારેક સવા રૂપિયો તો અધધધ થઈ ગયું કહેવાય. પણ રાઘવજીનું અમેરિકાનું કેળું પણ કહેવું પડે. અધધધ… થઈ ગયું મારાથી. રાઘવજી એમના મિત્ર મહેતાને મળવા અમેરિકા ગયા હતા. બંને જણા ફરવા નીકળ્યા. સ્ટેટ હાઈવે ઉપર સડસડાટ પસાર થતા હતા. ઠેરઠેર ટોલ-ટેક્સ બૂથ આવતાં હતાં. એ જોઈને રાઘવજી કહે આ તો ટાલ પાડે તેવા ટોલટેક્સ બૂથ છે. અમારે ત્યાં આવું હોય તો અમે આંદોલન કરીએ.

કાર સ્ટિરિયોમાં કોઈ જૂની ફિલ્મનું મધઝરતું ગીત વાગી રહ્યું હતું. ડાબી બાજુ બેઠેલા કાર ડ્રાઈવ કરતા મહેતાએ કહ્યું : ‘કેળું ખાવું હોય તો ત્યાં જ પડ્યું છે.’ જૂની ફિલ્મના ગીતની મસ્તીમાં રાઘવજીએ કેળું ઉપાડ્યું અને કેળું છોલતાં છોલતાં, આ કેળું અહીંયાં કેટલામાં પડે એની આર્થિક ચર્ચા શરૂ થઈ. કેળું ખાવાની અને ગીતની મસ્તીમાં રાઘવજીએ કેળું પેટમાં પધરાવ્યું અને છાલ રસ્તા ઉપર નાખી (ન જાણે ક્યા શુકનમાં.) રાઘવજીને ખબર ન હતી કે ગુજરાતી કહેવત ‘છીંડે ચડ્યો તે ચોર’નો તેમને જીવંત અનુભવ થશે. થોડી જ વારમાં હાઈવે-પોલીસની ગાડી પ્રગટ થઈ ગઈ અને તેમની ગાડી અટકાવી. ‘કેળાની છાલ રસ્તા ઉપર કેમ નાખી ?’ એમ પોલીસે પૂછ્યું. અમેરિકન ઉચ્ચારો સાથેનો પોલીસનો પ્રશ્ન રાઘવજી, મહેતાની મદદથી સમજ્યા પણ તેમને આશ્ચર્ય થયું, ‘છાલ કેમ રસ્તામાં નાખી એટલે ? શું અમેરિકનો કેળાની સાથે છાલ પણ પેટમાં નાખે છે ?’ એમણે પ્રતિ પ્રશ્ન કર્યો. પોલીસવાળાને આ વાત ‘ચોરી ઉપર શિરજોરી’ જેવી લાગી. એમણે કહ્યું, ‘તમારે દંડ ભરવો પડશે.’ રાઘવજીને નવાઈ લાગી. કેળાની છાલ રસ્તા ઉપર નાખવા માટે દંડ ? આવું ભારતમાં થાય તો પ્રજાનો પગાર દંડમાં જ વપરાઈ જાય.
એણે પોલીસને કહ્યું : ‘શ્રીમાન, આ કેળું મારું, તેની છાલ પણ મારી, આ ગાડી પણ મારી, કેળાની છાલ હું ગમે ત્યાં ફેંકું તેમાં શું ? ચોરી તો નથી કરીને ? તો હંગામા ક્યૂં હૈ ?’
પોલીસે કહ્યું : ‘ગાડી, કેળું, છાલ બધું તમારું જ છે પણ આ રસ્તા અમેરિકન છે. એની ઉપર તમે છાલ નથી ફેંકી શકતા, એ કૃત્ય માટે તમને ત્રણસો ડૉલરનો દંડ થઈ શકે છે ! સમજ્યા ?’
‘પણ…. પણ….’ રાઘવજી ત્રણસો ડૉલર શબ્દ સાંભળી થોથવાઈ ગયા. રાજકપૂરની એક ફિલ્મમાં હીરો પોતે જ પોતાની ફેંકેલી કેળાની છાલ ઉપરથી લપસી પડે છે. રાઘવજીને થયું કે એનું પણ એવું જ થયું છે. એણે જ ફેંકેલા કેળાની છાલ ઉપરથી એ લપસી પડ્યા છે. રાઘવજીએ મિત્રને પૂછ્યું, ‘આમાં કોઈ રસ્તો નીકળે ? પોલીસને સમજવાનું કહીએ. દસ-પંદર ડૉલર આપી દઈએ.’
મહેતાએ કહ્યું : ‘તમે બિહાર જેવી વાત ન કરો. આ પોલીસ ત્યાંથી નથી આવી. અમેરિકન પ્રમુખની પુત્રી પર પણ આ લોકોએ કાગળિયાં કર્યાં છે, ત્યારે ભઈ, આપણે તો કઈ વાડીના મૂળા ?’ પેલા પોલીસો પણ દલીલબાજીથી કંટાળ્યા હતા. તેઓ જનમટીપને બદલે ફાંસી આપવાના મૂડમાં હતા. મતલબ કે ઓછામાં ઓછો નહીં પણ વધુમાં વધુ દંડ કરવાના મૂડમાં આવી ગયા. તેમણે ત્રણસો ડૉલરનો દંડ ફટકારી દીધો.

હસતે મોઢે નહીં પણ વીલે મોઢે રાઘવજીએ ત્રણસો ડૉલરનો દંડ ચૂકવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કદાચ જગતમાં મોંઘામાં મોઘું કેળું ખાવાનો વિક્રમ તેમણે તોડ્યો છે. ગિનીસ બૂકમાં આ ઘટના આવી શકે તેમ હતી. ભારતમાં રાઘવજીએ બાર રૂપિયે ડઝન કેળા ખાધાં હતાં. જ્યારે અમેરિકામાં તેમણે ખાધેલું કેળું દોઢ લાખ રૂપિયે ડઝન ભાવનું હતું. ખરેખર મોંઘવારી વધી ગઈ છે.
.

[2] આકસ્મિક ધનલાભ યોગ

જિતેન્દ્ર સાથી. મારા સાથી તો નહીં પણ મારા મિત્ર ખરા. એમની એક ખાસિયત, એમના પાકીટમાં એમની જન્મકુંડળી હોય. હંમેશાં હોય. માસની આખર તારીખ હોય, એવા સંજોગોમાં ક્યારેક પાકીટમાં પૈસા ન હોય પણ એમની જન્મકુંડળી તો જરૂર હોય. એનું એક કારણ, એક જ્યોતિષીએ એમની કુંડળી જોઈને કહ્યું, ‘સાહેબ, તમને આકસ્મિક ધનલાભ છે.’ ખુશ થઈ ગયેલા જિતેન્દ્રે પેલા જ્યોતિષને તુરત નાનકડો ધનલાભ કરી આપ્યો હતો. પણ ત્યારથી એમણે પાકીટમાં કુંડળીની નકલ રાખવા માંડી હતી. જે કોઈ જ્યોતિષી મળે તેને તે કુંડળી બતાવે. સંજોગે મોટા ભાગના જ્યોતિષીઓએ એમને આકસ્મિક ધનલાભની વાત કરી હતી. ત્યારથી એ ખુશ હતા. એકાદ વાર આકસ્મિક રીતે ધનલાભ થઈ જશે તે વાત તેમને ઠસી ગઈ હતી. સાહિર લુધિયાન્વીએ કહ્યું હતું, ‘વો સુબહ કભી તો આયેંગી….’ જિતેન્દ્ર સાથી પણ સાહિર લુધિયાન્વીની જેમ જ બેસબરીથી એ સુબહનો ઈંતેઝાર કરતા હતા, જ્યારે એમને આકસ્મિક ધનલાભ થઈ જાય.

જિતેન્દ્રે યાદી બનાવવા માંડી કે આકસ્મિક રીતે ધનલાભ ક્યાંથી થઈ શકે ? કોઈકે કહ્યું તમારા સસરા માલદાર હોય, અચાનક તે ઢળી જાય, એમની સંપત્તિમાં તમને હિસ્સો મળી જાય. જિતેન્દ્રે કહ્યું, એ તો શક્ય નથી. સસરાની કોઈ સંપત્તિ મળે તેમ નથી. એમણે તો એમની લાયેબિલિટી-જવાબદારી મને સોંપી છે. મતલબ કે તેમની દીકરી ! આકસ્મિક ધનલાભ યોગનું ફળ પ્રાપ્ત કરવા પછી જિતેન્દ્ર સાથીએ વિવિધ રાજ્યોની લોટરીની ટિકિટો ખરીદવા માંડી. આપણા દેશમાં અનેક રાજ્યો છે. ઈશ્વરકૃપાથી…. સોરી, નેતાઓની કૃપાથી હજુ વધુ રાજ્યો બની શકે તેમ છે. એ રાજ્યો તમને ધનાઢ્ય બનાવવાના શુભ આશયથી લોટરીની ટિકિટો બહાર પાડે છે. સિક્કીમ, કર્ણાટક, નાગાલેન્ડ અનેક રાજ્યોની લોટરીની ટિકિટો જિતેન્દ્રે ખરીદવા માંડી. એક વાર જિતેન્દ્ર કહેતો હતો નાગાલેન્ડની એટલી બધી લોટરીની ટિકિટો લીધી છે કે હવે કપડાં લેવાનું બજેટ નથી રહ્યું. જોકે જ્યોતિષી ખોટા હતા એમ ન કહી શકાય. જિતેન્દ્રને કેટલીક લોટરીની ટિકિટો ઉપર ઈનામો લાગતાં હતાં. પણ એ બધાં ઈનામો પચાસ રૂપિયા કે સો રૂપિયાની આસપાસ જ હતાં. જિતેન્દ્રની પત્ની ઘણા વખતથી કહેતાં હતાં કે એક વોશિંગમશીન અને એક ઘરઘંટી તો લાવવાં જોઈએ. જિતેન્દ્ર કહેતો એક વાર આકસ્મિક ધનલાભ થવા દે પછી તું કહે છે તેથી વધુ વસ્તુઓ ઘરમાં આવી જશે.

જિતેન્દ્ર પણ વિચારતો કે એકાદ બાઈક તો નવું લેવું પડે તેમ છે. એની પાસે જે સ્કૂટર હતું તે હડપ્પન સંસ્કૃતિનું હોય તેવું હતું. દીકરો ટપુ નાનો હતો છતાં તે કહેતો કે આવું ડબલા જેવું ટીવી કાઢી નવું લેવું છે. ‘બેટા, નવા ટીવીનો ખરચ શા માટે ? સહેવાગ સિક્સર મારે છે ત્યારે નવા ટીવીમાં પણ છ રન જ હશે અને આ ટીવીમાં પણ છ રન હોય છે.’ અલબત્ત જિતેન્દ્રને ખાતરી હતી કે એકાદવાર આકસ્મિક ધનલાભ થઈ જાય પછી બધી જ માગણીઓ પૂરી થઈ શકશે. પણ ‘વો સુબહ કબ આયેગી….’ થોડા દિવસ પછી ખબર પડી કે જિતેન્દ્રને અકસ્માત થયો છે. તેમનો પગ ભાંગી ગયો છે. જિતેન્દ્રને તો આકસ્મિક ધનયોગની ઈચ્છા હતી. એને બદલે અકસ્માત યોગ આવી ગયો !! હું ખબર કાઢવા ગયો ત્યારે જિતેન્દ્ર ગમગીન ચહેરે સૂતો હતો.
‘ત્રિવેદી, આકસ્મિક ધનલાભ તો ન થયો પણ અકસ્માત થયો. પગમાં સળિયો નાંખ્યો છે.’

થોડા વખત પછી ખબર પડી કે જિતેન્દ્રના ઘરમાં નવી રોશની દેખાવા માંડી છે. જિતેન્દ્રને ઘેર લાવી દીધો હતો. હું ગયો ત્યારે તે એની જન્મકુંડળી તપાસી રહ્યો હતો. મેં કહ્યું, ‘જિતેન્દ્ર, મને એમ કે તારા હાથમાં એક્સ-રેના ફોટા હશે તેના બદલે તું જન્મકુંડળીમાં હજુ ધનયોગ ખોળી રહ્યો છે.’
‘મિત્ર, આ ગ્રહોની ગતિ ન્યારી છે, એને તપાસવા માટે પણ એક્સ-રે, કોપી જોવી પડે, તો જ ખબર પડે કે શું છપાયું છે ?’
‘શી વાત છે ? અને ઘરમાં નવું વોશિંગમશીન, નવી ઘરઘંટી દેખાઈ રહ્યાં છે.’
‘ત્રિવેદી, ઘરઘંટી કે વોશિંગમશીન જ નહીં પણ ઘણું નવું છે, જો મોટા સ્ક્રીનવાળો ટીવી આવ્યો છે. પાણી ચડાવવા માટે નવો ટનાટન ઈલેક્ટ્રિક પમ્પ મૂક્યો છે. રસોડામાં જઈને જો નવું ફ્રીજ અને એક ઓવન ખરીદ્યું છે.’
‘શી વાત છે ?’
‘અરે, કમ્પાઉન્ડમાં નવી બાઈક જોઈ ને ? એ પણ હમણાં જ લીધી.’
‘આ બધું એકદમ !!’
‘હા. આકસ્મિક ધનયોગ અચાનક પ્રગટ થયો….’
‘એ કઈ રીતે ?’
એણે પ્લાસ્ટરવાળો પગ બતાવ્યો…. ‘ત્રિવેદી, પગ તૂટ્યો અને નસીબ આગળનું પાંદડું ખસ્યું. મારો ખાસ મિત્ર દેવેન્દ્ર મને પચાસ હજાર રૂપિયા આપી ગયો. અકસ્માતની સારવાર પેટે….. મારા સાળા અભિજિતને ખબર પડી કે પચાસ હજાર રૂપિયા આપી ગયો. મારો માસીનો દીકરો કલકત્તાથી આવ્યો હતો. તેણે કલકત્તા જઈ ત્રીસ હજારનો ડ્રાફટ મોકલી આપ્યો. બધાને થયું કે જિતેન્દ્રને અત્યારે જ પૈસાની જરૂર છે. બીજા ત્રીસ-ચાલીસ હજાર આવ્યા છે. બોલ શું કરું ? મારે તો મેડીકલેઈમ છે એટલે ખર્ચો પણ મજરે મળશે. એટલે આ બધા જ પૈસાથી વર્ષોથી જે હું ઝંખતો હતો તે સાધનો મેં ખરીદ્યાં. આખરે મારી કુંડળીમાં આકસ્મિક ધનયોગ હતો ને ! એટલે અકસ્માત થયો ને પૈસા મળ્યા. સવાલ કુંડળીના ફળકથનને સમજવાનો છે…. ઈન્ટરપ્રીટેશન !!’

[કુલ પાન : 152. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “માર ખાયે સૈયાં હમારો – નિરંજન ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.