ફળ – જિતેન્દ્ર પટેલ

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

વરંડો બહુ મોટો નહોતો. તોયે અમે એમાં નાનું એવું જામફળિયું ઊભું કર્યું. ઈલાએ તેની માવજતમાં પાછું વળીને ન જોયું. અમારી મહેનત ફળી. જામફળીને મબલખ ફાલ આવ્યો. અમે જાતજાતની ગણતરીઓ કરવા માંડી. પણ ફળ હજુ પૂરાં બેઠાંય નહોતાં ત્યાં સૂડાઓએ ત્રાસ વરતાવવા માંડ્યો. સવારે ઊઠીને જોઈએ તો ફળિયું આખું કાચાં ફળથી ભરાઈ ગયું હોય. ભૂખ્યા સૂડાઓ એના પાકવાની ધીરજ નહોતા ધરી શકતાં પણ કાચા ફળનો સ્વાદ મધુરો ન લાગતાં ચાંચ બેસાડેલાં ફળ એવાં ને એવાં નીચે ફેંકી દેતા.

ઊઠતાંની સાથે ઈલા સૌથી પહેલું કામ આ કાચાં ફળને ટોપલામાં ભરવાનું કરતી. દુકાને જતાં રસ્તામાં આવતી શાકમાર્કેટના દરવાજા પાસે હરાયાં ઢોર બેઠાં હોય તેના મોં સામે કાચાં ફળનો ટોપલો ઠાલવી હું પુણ્ય કર્યાનો આનંદ મેળવતો. પણ મારો ભત્રીજો ઉમંગ કાચાં ફળનો આગ્રહી. પાકાં ફળમાં જીવાંત હોય એના કરતાં કાચાં સારાં એમ કહી એની કાકીએ ભરેલા ટોપલામાંથી વધારે ચાંચ ન બેસાડેલાં થોડાં ફળ અલગ તારવી લેતો. આ કાચાં ફળ ખાવાં એ એટલો બધો અધીરો થતો કે બ્રશ કર્યા વગર બેચાર આરોગી જતો. બાકીના એની ફિયાન્સી માટે લઈ જતો. મને નવાઈ લાગતી. આ તે કાંઈ લઈ જવા જેવી ચીજ છે !

એની સગાઈ કર્યાનો માંડ મહિનો થયો હશે. પણ આટલા ટૂંકાગાળામાં બન્ને યુગોયુગોના પ્રેમી હોય એમ એકબીજામય બની ગયાં હતાં. ઉમંગ પાસે કોઈ વસ્તુ આવે કે તરત એ રીતુ સુધી પહોંચી જાય. રીતુની માંગ માટે એ કુરબાન થઈ જતો. ફોન પરની વાત વિશે તો શું કહેવું ? ગયા મહિને એના ફોનનું બિલ અમારા ઘરખર્ચ કરતાં વધારે આવેલું. ઈલા આ બધી ઘટનાઓની સાક્ષી હતી. એટલે એ મારી પાસે રોજ એકનું એક ગીત ગાયા કરતી :
‘એ લોકો કેવો પ્રેમ કરે છે !’
‘તને અદેખાઈ આવે છે ?’
‘અદેખાઈ નહિ, પણ અફસોસ થાય છે. આપણે તો ક્યાંય હર્યાંફર્યાં જ નહિ.’
‘આપણો જમાનો ને અત્યારનો જમાનો સરખા છે ?’
‘ત્યારેય કાંઈ એટલી બધી બંધી નહોતી.’ ઈલા તિરસ્કારપૂર્વક મને જોઈ રહી, ‘તમે તો સાવ જૂનવાણી જ રહ્યા.’ ઈલા આવું બોલતી ત્યારે મને ખીજ ચડતી. છતાં હું મન મનાવતો. આવા લાગણીવેડા જોઈને ઈલાને જ નહિ, હરકોઈને અકળામણ થયા વગર ન રહે. સવારે ઊઠતાંની સાથે ઉમંગ કરાગ્રે વસ્તે…. ને બદલે રીતુને એસ.એમ.એસ. કરે. પોતે સ્વપ્નમાંયે ઈલાને યાદ કરી છે ? સાંજે રીતુનો ફોન આવ્યા પછી જ ઉમંગ જમવા બેસે. પોતે ઈલા દૂધ ગરમ કરી રહે એટલી વારેય રાહ જોઈ છે ?

સગાઈ થઈ ત્યારે એવી કલ્પનાયે નહોતી કરી. હકીકતે તો ઉમંગ રીતુની પસંદગી બાબતે અવઢવમાં હતો. રીતુ જરા નીચી પડતી હતી. જોકે પછી એની મેળે માની ગયેલો. રીતુનો અભ્યાસ હજુ ચાલુ હતો. કૉલેજ જતાં એને અમારી દુકાન પાસેથી નીકળવાનું થતું. પાછા ફરતાં એ અચૂક દુકાનની મુલાકાત લેતી. એ આવતી એવી ઉમંગ એને લઈ સ્કૂટર કમાટીબાગ તરફ હંકારી મૂકતો. ગ્રાહકો મારે એકલાએ સાચવવાના થતા. છતાં એ લોકો અહીંથી જતાં રહેતાં એ મને ગમતું. ઉમંગને મન મારી સહેજે મર્યાદા નહિ. એક વાર તો એ બોલી પણ ગયેલો. ‘કાકાની શી આમન્યા ? અદા હો તો વળી વિચારવું પડે.’ શક્ય ત્યાં સુધી એ લોકો બેઠાં હોય ત્યાં જવાનું જ ટાળું. ભૂલેચૂકે ત્યાં જઈ ચડાયું તો શરમાવું આપણે પડે. એમણે આબુમાં પડાવેલા ફોટા કેમેય મારાથી પૂરા જોઈ ન શકાયા.

એક દિવસ સવારના પહોરમાં રીતુનો ફોન આવ્યો. આમ તો સવારે ભાગ્યે જ એનો ફોન આવતો. ફળિયામાં કાચાં ફળને ટોપલામાં ભરતી ઈલા રીંગ સાંભળી ગઈ તે હું બ્રશ કરતો હતો ત્યાં આવી ચડી, ‘સાંભળી રીંગ ? કંઈક નવાજૂની લાગે છે.’
‘તને ખબર છે ? ઉમંગ હજુ ઊઠ્યો નથી. એનો એસ.એમ.એસ. નથી ગયો એનો આ ફોન છે.’
‘એમ છે ત્યારે.’ ઈલા પછી કામે વળગી પણ ચેન ન પડ્યું એટલે ફરી મારી પાસે આવી, ‘આ લોકોને અત્યારથી આટલો બધો પ્રેમ છે તે એમનું દામ્પત્યજીવન કેટલું સુખી જશે ! બળ્યું આપણે તો…..’
‘બોલ ઈલા, આ વખતે એકેય જામફળ પાકવાનું નથી.’
‘મેં તમને કીધું એ સાંભળ્યું ?’ ઈલા ઉશ્કેરાઈ ગઈ : ‘તમે વાંકમાં આવતા હોય એવી વાત નીકળે કે તરત ઉડાવી દેવાની કાં ?’
‘પહેલાં મારી વાતનો જવાબ દે. તને લાગે છે આ વખતે એકેય ફળ પાકશે એવું ?’
‘કેમ નહિ પાકે ? પાણી નથી પાયું ?’
‘અરે, સૂડા એકેય કાચું ફળ રહેવા દેશે તો પાકશે ને ? ઓછા ટોપલા ભરે છે તું ?’
‘તો પછી બેસી જાવ સૂડા ઉડાડવા.’
‘હું તો ગોફણ લઈને એક કલાકમાં પૂરું કરી દઉં, પણ તું જીવદયાવાળી…’ ખરેખર તો ગોફણની વાતનો ઈલા કરતાંય ઉમંગ વધારે વિરોધ કરતો, ‘કાકા, તમને શું વાંધો છે ? આપણા ગામડાની પથરાળ જમીનમાં થતાં આવળ-બાવળ ઉપર કાગડા સિવાય બીજું શું બેસે છે ? મજાનો આવો કિલ્લોલ ક્યાં સાંભળવા મળશે ? સૂડા વળી જામફળ બગાડી બગાડીને કેટલાં બગાડશે ?’

ઉમંગના પપ્પાને ગામડે સો વીઘાનું ખેતર હતું પણ ઉમંગ ખેતીમાં કાંઈ ઉકાળશે નહિ એવું લાગતાં એને મારી પાસે મોકલી આપેલો. એ અહીં ધંધામાં બરાબર ગોઠવાઈ ગયો હતો. ગામડાનું આવરણ એણે એકી ઝાટકે દૂર કરી દીધું હતું. મોટાભાઈની ઈચ્છા ઉમંગના લગ્ન બાજુના ગામની એક છોકરી સાથે કરાવવાની હતી. પણ ઉમંગે ઘસીને ના પાડી હતી, ‘આપણને ગામડાની છોકરી બિલકુલ ન ચાલે. મારે તો ઈંગ્લિશ બોલતી જોઈએ.’ અંતે એનું ધાર્યું કરીને જ રહ્યો. આથી જ એને જે પ્રકારની છોકરી પસંદ કરી એની સાથે મોટાભાઈ ભળી શકશે કે કેમ એ વિચાર આવતાં હું હચમચી જતો. ઉમંગના ફૅમિલી બેકગ્રાઉન્ડ વિશે મારે એને ઘણું યાદ અપાવવું હતું. પણ એ રીતુમાંથી નવરો પડે તો ને ? એટલે જ પરમ દિવસે એણે રીતુ સાથે પિક્ચર જોવા જવાની વાત કરી કે મારી સહનશક્તિની હદ આવી ગઈ.
‘ના, મોડી રાત સુધી હું તમને જ્યાં ત્યાં નહિ રખડવા દઉં.’
‘તમે એને ના પાડવાવાળા કોણ ?’ ઈલા વચ્ચે પડી.
‘ગમે તેમ…. એને હવે હું વધારે છૂટ નહિ આપું. લગ્ન પછી એને ગમે ત્યાં ફરવું હોય ત્યાં ફરે. અત્યારે આ બધું સમાજમાં સારું ન લાગે.’
‘રહો હવે, કોઈ તમારા દાંત કાઢશે. ક્યા યુગમાં જીવો છો ?’ ઈલા કદાચ વચ્ચે ન પડી હોત તો પણ ઉમંગ મારો રોક્યો રોકાવાનો નહોતો. ઊલટાનું એ રાતે એણે વધારે મોડું કર્યું.

સવારે દુકાને જવા નીકળ્યો ત્યારે ઈલાએ સ્કૂટરમાં કાચાં જામફળનો ટોપલો મૂક્યો કે ના પાડી દીધી.
‘તું જઈને ઠાલવી આવ. હું નથી લઈ જતો.’
‘કેમ ?’
‘તને જીવમાત્ર પ્રત્યે દયા છે ને ? તે તું જ પુણ્ય મેળવને !’
બે દિવસ પહેલાં માર્કેટ પાસે કાચાં ફળનો ટોપલો ઠાલવતો હતો ત્યાં મણિકાકા જોઈ ગયા તે પૂછી બેઠા, ‘કેમ અનુ, રોજનાં આટલાં બધાં કાચાં જામફળ પડે છે ?’
‘શું કરીએ ? સૂડા ગાંઠતા નથી. ઘરવાળી ગોફણની ના પાડે છે.’
‘ઘરધણી આપણે કે એ ?’
ઘેર આવીને ઈલાને પૂછ્યા વગર ગોફણ લઈને જામફળી નીચે બેસી ગયો. ખબર પડી કે ઈલાએ મને છંછેડવા માંડ્યો : ‘સૂડા ભાળશો તો એને મારશો ને ?’
‘જામફળ રહ્યાં હોય તો સૂડા ભળાય ને ? રહેવા દીધું છે એકેય જામફળ ?’
‘છોને, બચાડા એ તો ખાઈને રાજી થયા ને !’
‘ધૂળ ખાધી હશે કાચા ફળમાં ?’ મારાથી મોટેથી બોલાઈ ગયું. પણ ઈલા હવે ત્યાં ઊભી ન રહી. ત્યાં ઉમંગ આવી ચડ્યો. મને થયું, મારા હાથમાં ગોફણ જોઈને એ કહેશે કે, ‘કાકા, રહેવા દોને, હવે.’ પણ એ ચૂપચાપ અંદર જતો રહ્યો. મેં ય ‘કેમ આજ વહેલો દુકાનેથી આવતો રહ્યો’ એમ ન પૂછ્યું. હમણાંથી અમારી વચ્ચે વાતચીત બિલકુલ થતી નહોતી. મારું કાંઈ કામ હોય તો પણ એની કાકી દ્વારા મને કહેવડાવતો. દુકાને પણ સૂનમૂન બેઠો રહેતો. મારાથી આટલો નારાજ કેમ થઈ ગયો છે એ મને સમજાતું નહોતું. પછી તો મેં મનોમન નક્કી કરી નાખ્યું કે એને ને રીતુને જ્યાં ફરવું હોય ત્યાં ફરે. આપણે શું ? આમેય કહ્યું માનતો નથી, ખોટી એની નારાજગી જ વહોરવી છે ને !

મનામણાંના ભાગરૂપે એકવાર તો મેં સામેથી કહ્યું, ‘જા, આજ રવિવાર છે તે રીતુને લઈને પિક્ચર જોઈ આવ.’ પણ હું કોઈ બીજી વ્યક્તિને કહેતો હોય એમ કશું બોલ્યા વગર ત્યાંથી જતો રહ્યો. ખબર નહિ. હમણાંથી રીતુનો પણ ફોન આવતો નથી. આણે મને ભૂંડો ચીતર્યો હશે. ‘ફોન કરતી નહિ, કાકાને નથી ગમતું.’ હવે એને પરણીને આવ્યા પછી મારા પ્રત્યે ક્યાંથી માન ઉપજવાનું ? ઈલાને મેં રીતુના ફોન ન આવવા વિશે પૂછ્યું તો એણેય મારો જ વાંક કાઢ્યો. જામફળિયાની માયા હવે સાવ છૂટી ગઈ હતી. મૂવાં સૂડા ને જામફળ ! ક્યાં મારે એકલાને ખાવાં છે ? શાકમાર્કેટે કાચાં ફળનો ટોપલો ઠાલવવાનું પણ ઈલા ઉપર જ નાખી દીધું હતું. ઉમંગનું મન હજુ ઠેકાણે નહોતું આવ્યું. હું મારી જાતને દોષી માન્યા વગર નહોતો રહી શકતો. જમાનાનો સ્વીકાર ન કરી શક્યો એ મારી ભૂલ. હજુ તો મારા અંકિતને પરણાવવાનો વખત આવશે ત્યારે યુગ કેટલો બદલાઈ ગયો હશે ? આપણે ચૂપચાપ જોતાં રહીએ એ જ ઈષ્ટ છે.

પણ મારો આ માનસિક તણાવ વધારે દિવસ ન ચાલ્યો. એક સાંજે દુકાનેથી ઘેર આવ્યો કે ઈલાએ મને આશ્ચર્યજનક સમાચાર આપ્યા :
‘હવે ખબર પડી. રીતુનો ફોન કેમ નથી આવતો એની.’
‘કેમ ? મારા વિશે ઉમંગ કંઈ કહેતો હતો ?’
‘એવું નથી. વાત જુદી જ છે. એ બન્ને વચ્ચે મનદુઃખ થયું હોય એવું લાગે છે.’
‘હોય નહિ.’ મેં પાણીનો ગ્લાસ નીચે મૂકી દીધો.
‘ઉમંગ કહેતો હતો કે રીતુનો સ્વભાવ બહુ વિચિત્ર છે.’
‘બસ ને, થઈ ગયાં ને લગ્ન પહેલાં જ જૂનાં ?’ મારાથી ટિપોઈ પર જોરથી હાથ પછડાઈ ગયો. વાત એટલેથી ન પતી. બીજે દિવસે સવારે જામફળી નીચે બેઠો છાપું વાંચતો હતો ત્યાં રીતુના પપ્પા આવી ચડ્યા. એમનું આમ એકાએક આવવું મને આશ્ચર્ય આપી ગયું. મારા કેટલાય આગ્રહ પછી એમણે સામેની ખુરશીમાં બેઠક લીધી. હું કાંઈ પૂછું એ પહેલાં તો એમણે બેગમાંથી ચૂંદડી ને નાળિયેર કાઢી મારી સામે ધરી દીધા.
‘કેમ ?’ મને આ વિધિનું કારણ ન સમજાયું.
‘તમને થોડું માઠું લાગશે. પણ આ જ રસ્તો ઉત્તમ છે.’
‘પણ થયું છે શું ?’
‘છ મહિનામાં રીતુ અને ઉમંગે એકબીજાંને પૂરેપૂરાં ઓળખી લીધાં છે. રીતુનું કહેવું છે કે ઉમંગનો સ્વભાવ જોતાં એની સાથે જિંદગી કાઢવી…..’ અચાનક ઉપરથી કાચું ફળ માથે પડ્યું. તમ્મર આવી ગયાં. રીતુના પપ્પા હજુયે બોલી રહ્યા હતા. એમને છોડી હું ઈલા પાસે ગયો અને મારા માથે હાથ ઘસવા કહ્યું !

[ સગાઈ એ કાચું ફળ છે અને લગ્ન એ પાકું. ફળ કાચું હોય ત્યારે કારણ વગરનો વધારે પડતો ચંચુપાત ફળને ખેરવી નાખે છે. સમય પહેલાં એકમેકનું બધું જ સમજી લેવાની ઉતાવળ સંબંધોનું તાત્કાલિક પૂર્ણવિરામ લાવી દે છે. આજના સમયમાં સગાઈ બાદ ફોન, ઈન્ટરનેટ, એસ.એમ.એસ. દ્વારા સતત સંપર્કમાં રહેવાની ટેવ જોખમી પુરવાર થઈ શકે છે. ફળને પાકવામાં સમય લાગે છે. સંબંધોની યોગ્ય માવજત થાય એ માટે એક પ્રામાણિક અંતર જરૂરી છે – એ વાત તરફ અંગુલિનિર્દેશ કરતી આ કથા વર્તમાન સમયની એક અગત્યની સમસ્યા પર પ્રકાશ પાડે છે. – તંત્રી.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

33 thoughts on “ફળ – જિતેન્દ્ર પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.