સરસડાનું ફૂલ – મુકુન્દરાય પારાશર્ય

મારી ઉંમર તેર-ચૌદ વર્ષની હશે. મોટીબા સહિત અમારું કુટુંબ કોટડાસાંગાણી હતું. મારા પિતા રાજકોટ હતા. વચમાં બે દિવસ માટે કોટડે આવેલા. સાંજે અરડોઈના નૃસિંહમંદિરના મહંત પ્રેમદાસજી આવ્યા. તેમની સાથે મારા પિતા સરધારની ટેકરીઓમાં આવેલ બિલેશ્વર મહાદેવે જવા તૈયાર થયા. મને સાથે જવા ઈચ્છા થઈ. પિતા મને સાથે લઈ ગયા. એ મોડી સાંજના પ્રવાસનું કે રાતના મંદિરના વાતાવરણનું આજે સ્મરણ નથી.

વહેલી સવારે ઊઠી જોયું તો નાની નાની ટેકરીઓની વચમાં એક ટેકરી પર ફક્ત શંકરનું એક મંદિર હતું. ફરતી નિર્જનતા હતી. મંદિરની ટેકરીને અથડાઈ બે ફાંટે થઈ એક નાની નદી એ ટેકરી ફરતી વહીને આગળ મળી જતી હતી. નદી ફંટાતી’તી તેની બરાબર સામે પશ્ચિમના ભાગે જ્યાં નદીનો પ્રવાહ વળાંક લેતો’તો ત્યાં નદીનો પટ જરા વિસ્તારવાળો હતો ને પ્રવાહની પશ્ચિમે ટેકરીના લાંબા ઢોળાવમાં આજુબાજુમાં એકીસાથે પચીસ-ત્રીસ ઝાડ હતાં. એ ચૈત્ર વદના દિવસો હતા. તારાઓ ઝાંખા ક્યાંક ક્યાંક હતા. ચંદ્ર ઝાંખો થયેલો છતાં પ્રકાશતો હતો. ઝાડની, મંદિરની, અમારી, આછી થતી છાયા એ પ્રકાશમાં દેખાતી હતી અને નદીના પ્રવાહ પર ઝીણા તરંગની રૂપેરી ઝાંય તરતી’તી. એ સામટાં ઝાડની ઘેરી ઘટા તળે નજીકના પાણીની ભીનાશવાળી સ્થિર હવામાં, ઉપરથી, ન સમજાય તેવી મધુર આછી સુવાસ ઝરતી’તી. એ સરસડાનાં ઝાડોનાં ચૈત્ર માસમાં આવતાં ફૂલોની આછી સુગંધ હવામાં આછરતી’તી. ઊંડે સુધી મેં એને શ્વાસમાં લીધા જ કરી. મારા પિતાએ એ જોયા કર્યું. પ્રેમદાસજીએ અને મારા પિતાએ ક્યારે નદીમાં ઊતરીને નાહી લીધું ને ક્યારે ઝાડ તળે જપ કરવા બેસી ગયા તે મને ખબર ન રહી. ઝાડની ઘટામાંથી દેખાતો ફિક્કો થતો ચંદ્ર, પલ્લવની ઘટાને આચ્છાદીને ઊભરાતાં સરસડાનાં ફૂલના ગુચ્છાઓ અને ભીની હવામાં એની આછી સુવાસમાં હું ક્યાં ખોવાઈ ગયો’તો, મને હજી સમજાતું નથી. હું પણ નાહીને સંધ્યા તથા ગાયત્રીની માળા કરવા બેઠો પણ મારું મન માળામાં લાગ્યું જ નહિ. હું એ સુવાસમાં કેવળ તરતો નહિ, ડૂબેલો રહ્યો.

સરસડાનાં ફૂલ કે ઝાડ મેં અગાઉ નહિ જોયેલાં. તેની છાલને તથા શિંગોને ઓળખતો, તેના વૈદ્યકીય ઉપયોગ જાણતો. એનો નવો પરિચય મારે મન આજ દિવસ સુધી નહિ જોયેલાં સ્વજનોનો નવો પરિચય હતો. એની ઘણી ડાળો માથું ભટકાય તેટલી નીચી હતી. મારી ઈચ્છા થોડાં ફૂલો બહેન માટે ઘેર લઈ જવાની હતી પણ પિતાએ ના કહી. કારણ કે એનાં ફૂલ એટલાં કોમળ હોય છે કે થોડી વારમાં કરમાઈ જાય. ચારપાંચ ફૂલ તોડીને મેં શંકર પર ચડાવ્યાં. એકલ ફૂલની સુવાસ ઘણી આછી પણ ચૈત્રની વહેલી સવારે, હવા ન હોય તે વખતે, ઝાડમાંથી સામટાં ફૂલની આછરતી સુવાસ આછી છતાં શામક તથા સંતર્પક હોય છે. મનને ન સમજાય તેવી શાંત ને પ્રસન્ન કરવાની કોઈ અદ્દભુત માધુરી એમાં રહી છે.

આજે એ અનુભવને લગભગ અરધો સૈકો થવા આવ્યો. ફરી હું ત્યાં ગયો નથી. સાંભળ્યું છે કે હવે ત્યાં એ જગ્યા નથી, એ ઝાડો નથી, ત્યાં તળાવ બંધાયું છે. નહિ તોયે એ ઝાડોને રહેવા દઈએ એવો આ જમાનો નથી. અમસ્તુંયે કાળનો પ્રવાહ કોઈને ટકવા દે તેવો નથી. એ મંદિર, એ નદી, એ ઝાડો, એ કિશોર અવસ્થા આજે કશુંયે નથી પણ હજુયે એ નદીકાંઠે ચૈત્રની ઊઘડતી સવારે, ચાંદનીમાં ભેજવાળી ઠરેલી સ્થિર હવામાં, સરસડાનાં સામટાં ફૂલોની હળવે હળવે ઝરતી આછી સુવાસ મારા અંતરમાં ક્યાંક એવી જગ્યાએ અનુસંધાન લઈ બેઠી છે કે આજના વાતાવરણમાંયે એ ફૂલ જરાયે કરમાયું નથી, એની પ્રસન્નતા જરાયે ઓસરી નથી, સુવાસ વીંખાઈ નથી. ઘણી વાર વહેલી સવારે મારા શ્વાસમાં એનો સંચાર અનુભવું છું – કવિ કાલિદાસના નાટકમાં શકુંતલા કાનમાં સરસડાનું ફૂલ પહેરતી તેનું વર્ણન છે. મને એ વાંચતાં જ ગમી ગયું. એ ફૂલથી શકુંતલા કેવી શોભતી હશે તે કરતાં તેને શા માટે ને કેટલી એ શિરીષ ફૂલની મોહિની લાગી હશે, તે મને સમજાય છે. એ ફૂલનું સૌંદર્ય પણ વિલક્ષણ છે. એને પહોળી પાંખડીઓ નથી, આંખે વળગે એવી રંગની ભભક નથી, સુવાસમાં ઉન્માદકતા નથી, સહેજ પણ ઉગ્રતા નથી. અસંખ્ય ઝીણા રેસાઓનો જાણે એ ગુચ્છ છે. અગ્રભાગે આછી કેસરી ઝાંય, ગર્ભમાં પાંડુર ઝાંયવાળી શુભ્રતા અને સહેજ ચલન થતાં જ સમગ્ર રેસાઓ કંપી ઊઠે એટલી કોમળતા તથા એ સર્વને સાર્થક કરતી એવી અસાધારણ આછી સુવાસ, જાણે પોતાનું ગૌરવ જાણવા છતાં પોતાની પ્રતિષ્ઠા સ્થાપવામાં સ્વાભાવિકપણે સલજ્જ નમ્રતા દાખવતી હોય તેમ પ્રસરવામાં નિરુત્સાહી છે અને હવા જો શાંત હોય તો તેમાં મંદમંદ ગતિ કરે છે. એ સુવાસ એવી વિનમ્ર તથા નિરપેક્ષ છે કે એ સુવાસ નહિ, મારો પ્રાણ એને વળગી રહ્યો છે અને એ સુવાસ પરમ વાત્સલ્યથી મને ગોદમાં સમાવી લે છે.

ઘેર વળતાં પ્રેમદાસજીએ મને કહ્યું : ‘જે ફૂલમાં છે તે તારામાં છે. શોધી કાઢ.’ હું કંઈ સમજ્યો નહિ, નવાઈથી જોઈ રહ્યો. એટલે એમણે કહ્યું : ‘નવાઈ લાગે છે ને ? એ જ વાત છે. જે છે તે સમજાતું નથી, ઓળખાતું નથી, પણ નથી સમજાતું એવી સમજણ હશે તો શોધતાં શોધતાં સમજાશે.’ ઘેર આવી આ આખી વાત મેં મારાં મોટીબાને મારી રીતે કહી, હું જે સમજાવી નહિ શકેલો તે મારા પિતાએ કહી. મારાં મોટીબાએ ત્યારે જે જવાબ આપ્યો તે જવાબ તેમણે જુદે જુદે પ્રસંગે પછીથી પણ મને સમજાવેલો. હું તે જે રીતે સમજ્યો તેનો સારભાગ મારા આજના શબ્દોમાં રજૂ કરું છું.

તેમણે કહ્યું : ‘જે ફૂલમાં છે તે તારામાં છે. ફક્ત ફૂલમાં નહિ, જે જે કંઈ છે તેમાં તેમાં તેનું તેનું જે હોવાપણારૂપ છે, તે તારામાં છે. ફૂલમાંથી કે કોઈ વસ્તુમાંથી, પ્રાણીપંખીમાંથી કે માણસમાંથી કે આપણા જ વિચારભાવમાંથી આપણને આનંદ કેમ આવે છે, તેના પર મન દઈ વિચાર કર. સંતો સમજાવે છે કે, ફૂલ કે કોઈ પણ વસ્તુ, એ જેણે બનાવેલ છે તેણે જ તેમાંથી આનંદ લઈ શકે તેવું મન બનાવ્યું છે અને પછી એ બધામાં આનંદ આપનાર ને આનંદ લેનાર તરીકે એ પોતે રહે છે. જે ફૂલના રંગમાં બેઠો છે તે તારી આંખમાં બેઠો છે. જે એની સુવાસમાં છે તે તારા શ્વાસમાં બેઠો છે, નાકમાં બેઠો છે. જે એની પાંદડીની કુમાશમાં છે તે તારી ચામડીમાં છે. આનંદ ઊભો કરે તેવું જે કંઈ એ ફૂલની અંદર છે તે પોતે જ આનંદ માણનાર તત્વ તરીકે તારા મનમાં છે. આટલી બધી વસ્તુઓ, પ્રાણીઓ, વિચારો, એ બધા જ વિષયોમાં આનંદ દેનાર તરીકે અને બધા જીવમાં આનંદ માણનાર રૂપે એ જ રહ્યો છે. એનો ખ્યાલ કર. તો બીજોયે ખ્યાલ આવશે કે જો એ ફૂલમાં હોય, તેની સુવાસમાં હોય, સુવાસ લાવનાર હવામાં હોય, નાકમાં હોય, આપણા મનમાં હોય, ને વરસો જાય તોયે સ્મરણમાં હોય તો એ બધે વ્યાપક જ હોય, સનાતન હોય. આ આનંદનું હોવાપણું બધે જ છે. આપણું પોતાનું હોવાપણું પણ એ જ છે. એ આખીયે લીલા સમજવાની છે. એ સમજાયા પછી, એ એક ફૂલનો આનંદ નહિ, જે કંઈ છે તે બધાંનો સહિયારો આનંદ, જાતે આનંદ થઈને અનુભવાય છે. પછી આનંદ માણનાર આનંદ દેનારથી કે આનંદથી જુદો નથી રહેતો. આનંદ સર્વવ્યાપક છે. વ્યાપકનું રૂપ જોઈ ન શકાય, એને પકડી ન શકાય પણ એને અનુભવી શકાય, એમાં જીવી શકાય. એ વ્યાપકને જીવી શકાય. એનું નામ જીવન જીવ્યું કહેવાય, નહિ તો દેહ ભોગવ્યો કહેવાય. એ સર્વવ્યાપક હોવાથી જ એને ખરેખર ઓળખવા-મેળવવા મથીએ તો બહુ મહેનત નથી પડતી. એ મળે જ, સહેલું છે, પણ એ કરવું જોઈએ. કરી જો.’

કેટલો યત્ન કર્યો ને હું શું પામ્યો એ ચર્ચા અહીં અસ્થાને છે. મને મળેલ વિચારભાવનો વારસો અહીં નોંધ્યો છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગોઠવું છું – જગદીશ વ્યાસ
ફળ – જિતેન્દ્ર પટેલ Next »   

9 પ્રતિભાવો : સરસડાનું ફૂલ – મુકુન્દરાય પારાશર્ય

 1. Harsh says:

  ફરી હું ત્યાં ગયો નથી. સાંભળ્યું છે કે હવે ત્યાં એ જગ્યા નથી, એ ઝાડો નથી, ત્યાં તળાવ બંધાયું છે. નહિ તોયે એ ઝાડોને રહેવા દઈએ એવો આ જમાનો નથી.

  માણસ કેટલા વ્રુક્ષોનુ કાપશે ?
  કયારે અટક્શે આ વિનાશ……………

 2. k says:

  બહુ સરલ અને તોય અત્યન્ત ગહન્..બિલ્કુલ ઇશ્વર નિ જેમ્…ખુબ સરસ્..સવાર પાવન થઈ ઃ)

 3. Das. . . says:

  જો એ ફૂલમાં હોય, તેની સુવાસમાં હોય, સુવાસ લાવનાર હવામાં હોય, નાકમાં હોય, આપણા મનમાં હોય, ને વરસો જાય તોયે સ્મરણમાં હોય તો એ બધે વ્યાપક જ હોય, સનાતન હોય. આ આનંદનું હોવાપણું બધે જ છે. આપણું પોતાનું હોવાપણું પણ એ જ છે. એ આખીયે લીલા સમજવાની છે. એસમજાયા પછી, એ એક ફૂલનો આનંદ નહિ, જે કંઈ છે તે બધાંનો સહિયારો આનંદ, જાતે આનંદ થઈને અનુભવાય છે. પછી આનંદ માણનાર આનંદદેનારથી કે આનંદથી જુદો નથી રહેતો. આનંદ સર્વવ્યાપક છે. વ્યાપકનું રૂપ જોઈ ન શકાય, એને પકડી ન શકાય પણ એને અનુભવી શકાય, એમાં જીવી શકાય. એ વ્યાપકને જીવી શકાય. એનું નામ જીવનજીવ્યું કહેવાય, નહિ તો દેહ ભોગવ્યો કહેવાય.

 4. Nikunj kalariya says:

  nice

 5. nitin says:

  khub saras lekh vanhyo.kudarat na saudarya na varanan khub rasprad rahyu,ane atit ma pahochi gayo.aa jangle yug ma vraksho,hariali badhu akashkusumvat thai gayu chhe.chhele temna motiba sathe ni vat,khubsaras.badhe jparmatma chhe

 6. Paresh says:

  ખુબ જ સુંદર. આભાર

 7. Kumi Pandya says:

  બહુ જ સરસ લેખ – મોરબીમા અમારા બગિચામા શિરિષનુ ઝાડ હતુ તે યાદ આવી ગયુ – અહિ અમેરિકામા આછા ગુલાબી રન્ગના શિરિષના ફૂલ જોઉ છુ ત્યારે મન અજાણતામાં જ પ્રફુલ્લિત થઇ જાય છે

 8. Bharat c Dalal says:

  Well written.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.