બાપુજીને મેં જેવા જોયા, જાણ્યા, અનુભવ્યા…. – સંધ્યા ભટ્ટ

[‘ઉદ્દેશ’ સામાયિક જુલાઈ-2011માંથી સાભાર. આપ સંધ્યાબેનનો આ નંબર પર +91 9825337714 અથવા આ સરનામે sandhyanbhatt@gmail.com સંપર્ક કરી શકો છો. ]

[ડૉ. સ્વાતિ જોશી, 1973થી દિલ્હીની મિરાન્ડા હાઉસ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરે છે. ભારતમાં અંગ્રેજી સાહિત્યના શિક્ષણ પાછળ રહેલાં વૈચારિક પરિબળો વિશેનું પુસ્તક ‘Rethinking English : Essays in Language, Literature and History’, એમણે સંપાદિત કર્યું છે. ઉમાશંકર જોશીનાં અપ્રકાશિત-અગ્રંથસ્થ લખાણોનાં પુસ્તકોનું સંપાદન એમણે કર્યું છે. સાહિત્યના, ખાસ કરીને ગુજરાતી સાહિત્યના સામાજિક ઈતિહાસમાં એમને રસ છે. એ વિશે તેમણે અંગ્રેજીમાં લખ્યું છે. સ્ત્રીઓના તેમજ માનવઅધિકારોના પ્રશ્નોની બાબતમાં તેઓ સચિંત અને સક્રિય હોય છે. છેલ્લાં વીસ વર્ષથી દક્ષિણ ગુજરાતના બારડોલીની કૉલેજમાં અંગ્રેજીનું અધ્યાપન કરતાં સંધ્યા ભટ્ટે ઉમાશંકર જોશીની જન્મશતાબ્દીના ઉપલક્ષ્યમાં એમની સાથે કરેલી આ વાતચીત ઉમાશંકર જોશીના વ્યક્તિત્વને સમજવામાં, કંઈક અંશે મદદરૂપ થશે. સંધ્યાબહેનનો કાવ્યસંગ્રહ ‘સ્પર્શ આકાશનો’ વર્ષ 2006માં પ્રગટ થયો હતો. કવિતા ઉપરાંત સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં પણ તેમનું કામ છે.]

પ્રશ્ન : સ્વાતિબહેન, કવિ ઉમાશંકર જોશીનું જન્મશતાબ્દીનું વર્ષ ઉજવાયું એ અંગે તમારો પ્રતિ-ભાવ ? તમે પોતે કંઈ વિચારેલું ?
ઉત્તર : સંધ્યાબહેન, પહેલાં તો એ અંગે કશો વિચાર કર્યો ન હતો. જન્મજયંતી એ પ્રજાએ ઉજવવાની હોય છે. ઉજવણીના અનેક પ્રસંગોએ એક સાહિત્યકાર તરીકે એમના વિશે ઘણું લખાયું, બોલાયું. આ આનંદની વાત છે. પણ પછી મને લાગ્યું કે માત્ર સાહિત્યકાર તરીકે તેમને યાદ કરવામાં આવે તે પૂરતું નથી. સાહિત્યકાર તરીકે એ રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પ્રત્યે સચિંત હતા. લગભગ અડધી સદી સુધી એમણે ગુજરાત અને દેશના જાહેરજીવનમાં મહત્વની સક્રિય ભૂમિકા ભજવી હતી.

કોઈએ એકવાર તેમને પૂછ્યું કે, તમે કેવી રીતે ઓળખાવાનું પસંદ કરો ? તો એમણે કહેલું કે જાહેરજીવનના પ્રશ્નોમાં રસ લેતી વ્યક્તિ તરીકે જે કવિતા પણ લખતા’તા ને આ પણ લખતા’તા ને બીજું પણ લખતા’તા. એટલે તેમની પોતાની પોતાના વિશેની છબી એક જાહેરજીવનની વ્યક્તિ તરીકેની હતી. સાહિત્ય એમાં પૂરક હતું, એમના સમગ્ર વ્યક્તિત્વનો એક ભાગ હતું. એ વિશે જો આપણે વાત કરીએ તો આજના નાગરિકસમાજને એમના વિચારોનો પરિચય મળે. મને તે જરૂરી લાગ્યું એટલે પછી એ વિષે મેં થોડુંક લખ્યું પણ ખરું. બીજા પણ ઘણા લોકો માનતા હતા કે એમનું સમગ્ર વ્યક્તિત્વ જોવાય. બાપુજીએ ક્યાંક કહ્યું પણ છે કે શતાબ્દીઓ લોકો કેમ ઉજવતા હોય છે ? એ દ્વારા પ્રજા પોતાને નવજીવન આપે છે. પૂર્વે થઈ ગયેલા લોકોના વિચારો અને કાર્યોને જુએ અને મૂલવે છે. તો, આ એક નિમિત્ત છે જે દ્વારા ફરીથી આપણે વિચારોની આપ-લે શરૂ કરીએ અને એક સાહિત્યકારનું પ્રજામાં શું સ્થાન હોઈ શકે એના વિશે વિચારીએ છીએ.

પ્રશ્ન : બાળપણ અને કિશોરવયનાં ઘણાં સ્મરણો હશે. તમને ખાસ કરીને એમની પાસેથી શું મળ્યું અથવા તો તમે શું મેળવ્યું ?
ઉત્તર : બાળપણની બહુ જ સુખદ સ્મૃતિ છે. બા-બાપુજીએ અમને બન્ને બહેનોને ખૂબ જ પ્રેમ આપ્યો અને અમે ખૂબ આનંદના વાતાવરણમાં ઉછર્યાં. મને યાદ છે, ઘરમાં અમારા ચાર ઉપરાંત હંમેશાં કોઈને કોઈ બીજી વ્યક્તિ તો હોય જ. એટલે પહેલેથી એક બહોળા કુટુંબમાં ઉછર્યાનો આનંદ અમને મળ્યો. બાપુજીને મળવા કેવળ સાહિત્યકારો જ નહિ, અનેક ક્ષેત્રના અને અનેક વર્ગના લોકો આવે. બધાંની સાથે એમને આત્મીયતાનો સંબંધ એટલે એક વિશાળ સમુદાયની વચ્ચે મોટી થઈ હોઉં એવું મને લાગ્યા કર્યું છે. ‘કુટુંબ’ની વ્યાખ્યા જ જાણે જુદી હતી. બીજું એ પણ યાદ આવે છે કે અમે પ્રવાસે બહુ જતાં. હું ચાર વર્ષની હતી ત્યારથી જ ફરવા જતાં હતાં. ગુજરાતમાં સુરતના દરિયાકાંઠે, તીથલ, વલસાડ…. બાપુજી સણોસરા જતા ત્યારે અમે જઈએ. વળી ઉનાળામાં શારદાગ્રામ, આબુ વગેરે સ્થળોએ અમે જતાં. સ્હેજ મોટી થઈ ત્યારે હિમાલયના પ્રવાસે ગયેલાં. પછી તો બાપુજીને ભારતમાં બધે ફરવાનું થતું એટલે એમની સાથેસાથે અમે પણ ખૂબ ફર્યાં. દિલ્હી, ઉત્તર ભારત, ગોવા… બધે જ સાહિત્યકાર મિત્રો મળે, બીજા મિત્રો પણ હોય એટલે એમ અનેક લોકોના પરિચયમાં આવવાનું થાય. કેરાલાની યાત્રા, દક્ષિણ ભારત, ઉત્તર-પૂર્વ ભારત, કાશ્મીર, યુરોપની યાત્રા, ઉત્તર અમેરિકા, કેનેડા… એમની સાથે લગભગ આખી દુનિયાને જોઈ છે. અનેક સંસ્થાઓ અને લોકોના પરિચયમાં આવવાનો અદ્દભુત લ્હાવો મળ્યો છે.

મને યાદ છે અમે દિલ્હી ગયાં’તાં ત્યારે સી.ડી. દેશમુખે ઈન્ડિયા ઈન્ટરનેશનલ સૅન્ટરની સ્થાપના કરી હતી, તે જોવા બાપુજીની સાથે બા અને હું પણ ગયાં હતાં. એમના જાહેરજીવનથી અમે અળગાં ન હતાં. એમના જાહેરજીવનમાં સહભાગી થવાનું થયું એ મારા જીવનનું સદભાગ્ય છે. ત્રીજું, એક પુત્રી તરીકે અંગત જીવનમાં મને જે સ્વતંત્રતા મળી તે ભાગ્યે જ કોઈને, દીકરાઓને પણ, મળે. મારા જીવનનો એક પણ નિર્ણય બાપુજીએ લીધો નથી. સ્ત્રીઓ તરીકે આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં મોટેભાગે તો માતા-પિતાના નિર્ણયોને અનુસરીને જ આપણું જીવનઘડતર થતું હોય છે. મારે અભ્યાસમાં ક્યા વિષયો લેવા, મારે Ph.D. કરવું કે નહિ…. આ બધા જ નિર્ણયો મારા પોતાના હતા. ક્યાં કામ કરવું ? શું કામ કરવું ? લગ્ન…. કોઈ જ આગ્રહો કદી લદાયા નથી. બાપુજીએ મને ક્યારેય આ સારું કે આ ખોટું એવી નાની કે મોટી શિખામણ કે સલાહ આપી નથી.

પ્રશ્ન : એટલે તમને જીવન જીવવામાં એક પ્રકારની મોકળાશ હતી….
ઉત્તર : મોકળાશ કરતાં ય વધારે. સ્વતંત્રતા એ એક બહુ મોટી વસ્તુ છે. સામાન્ય રીતે મા-બાપો છોકરાંઓના જીવનનો નિર્ણય પોતે કરતાં હોય છે. પણ નાની ઉંમરથી જ તમે તમારા નિર્ણયો કરતાં થાવ, તમારી પોતાની આગવી સમજ કેળવો અને તમારા પોતાના વિશે, પોતાના જીવન વિશે વિચારતાં થાવ એ એક અમૂલ્ય ચીજ છે. એ ચીજ મને બાપુજી પાસેથી મળી.

પ્રશ્ન : ‘મોકળાશ’ કરતાં ‘સ્વતંત્રતા’ એ સારો શબ્દ છે.
ઉત્તર : હા, આ તો એક એવી સ્વતંત્રતા કે જ્યાં તમે જ તમારા વિશે વિચારવા પ્રેરાવ અને તમે પોતે જ તમારા જીવનનું ઘડતર કરો. તમારી વસ્તુઓના નિર્ણયો તમે પોતે જ લો. એથી આત્મવિશ્વાસ પણ આવે અને જીવનનો સામનો કરવા તમે તૈયાર પણ જાતે જ થાવ. બીજાના જીવનને પોતાની મેળે વિકસવા દેવું, એમાં દખલગીરી ન કરવી અને બીજાની સ્વતંત્રતાનો આદર કરવો એ બહુ અસામાન્ય વસ્તુ છે. એક દીકરી તરીકે જ નહીં, પરંતુ એક સ્ત્રી તરીકે પણ, બાપુજીની આ વાતથી હું સૌથી પ્રભાવિત થઈ છું.

પ્રશ્ન : તમે એમની પાસે ભણેલાં ? તમારો Ph.D.નો વિષય શું હતો ?
ઉત્તર : ના, બાપુજીએ મને કોઈ દિવસ રીતસર ભણાવી નથી. નિશાળમાંથી આવું ને એ મને લેસન કરાવે એવું નહોતું. હા, મને યાદ છે કે શાળા શરૂ થાય ત્યારે નવી ચોપડીઓ ખરીદવાની, એને પૂંઠાં ચડાવવાનાં, એના પર નામ લખવાનું….. એ બધું હું બાપુજી પાસે કરાવતી. પણ કદી એમણે ભણાવ્યું હોય એવું મને યાદ નથી. કૉલેજમાં વિષય પસંદ કરતાં, ગણિત અને અંગ્રેજીના વિષય વચ્ચે પસંદગીની દ્વિધા હતી. ત્યારે પણ એમણે કહ્યું કે તારે જ નક્કી કરવાનું. પણ એક વખત વિષય નક્કી કર્યો પછી બાપુજીની બહુ મદદ મળતી. એક વખત મારે મડિયામામા (ચુનીલાલ મડિયા)ની એક નવલકથા ભણવાની હતી. તે એમણે પણ વાંચી. પછી તે અંગે વાત થાય, મને સમજ ન પડે તો હું પૂછું કે આ શું છે ? અને તે મને કહે. શિક્ષકની વિભાવના જ સાવ જુદી. એમ નહિ કે એમણે બધું કહેવાનું અને મારે ગ્રહણ કરવાનું. સારો શિક્ષક સહાધ્યાયી છે. એ તમારા વિચારોને ઊગવા દે છે અને તેમાં પૂરક થાય છે. મારે એ વાત ખાસ કહેવી છે કે સાચો શિક્ષક હંમેશાં વિદ્યાર્થીઓને પોતાને વિચારતા કરવામાં મદદરૂપ થાય છે. મને એ પણ યાદ છે જ્યારે હું હાર્વર્ડમાં અભ્યાસ કરતી હતી ત્યારે મેં ટી.એસ. એલિયટ અને ભારતીય ફિલસૂફી પર એક પેપર લખેલું. બાપુજી એ માટે અહીંથી પત્ર દ્વારા મારી સાથે ચર્ચા કરતા. એમણે નંદિનીને પણ પત્રો લખ્યા છે. નંદિનીના Ph.D.ના વિષય માટે ક્યા ક્યા વિષયો કામ આવી શકે એ અંગે એમણે ઝીણવટથી લખેલું. એ કદી કહે નહિ કે આમ કર. પણ એ ઘણા બધા વિકલ્પો આપણી સામે મૂકી આપી જરૂર મદદ કરે.

મેં અમેરિકન કવિ વાલેસ સ્ટીવન્સ પર Ph.D. કર્યું. આ વિષય પસંદ કરવા પાછળનો પણ રસપ્રદ ઈતિહાસ છે. અમારા ઘરની લાયબ્રેરીમાં સ્ટીવન્સના ‘Collected Poems’નું પુસ્તક મેં જોયેલું. તેમનું ગદ્યનું પુસ્તક ‘The Necessary Angel’ પણ હતું. બાપુજી મુંબઈ કે પરદેશ જાય ત્યારે ત્યાંથી ઘણાંબધાં પુસ્તકો સાથે લઈ આવતા. પછી તો આ અઘરા, કહો કે જુદા કવિ પર કામ કરવાનું મન થયું અને પુસ્તકો તો ઘરમાં હતાં જ. બાપુજીએ પણ મારી સાથે થોડું વાંચ્યું. એ વખતે હું એડમન્ડ હુસેર્લ અને માર્ટિંન હાઈડેગરના Phenomenology પરનાં મૂળ લખાણો વાંચતી ત્યારે એક સહાધ્યાયી તરીકે પણ તેઓ મારી સાથે વાંચતા. અમારે ખૂબ ચર્ચાઓ પણ થતી અને મને તેમનો ઘણો ટેકો હતો. હું પોતે શિક્ષક છું એટલે માનું છું કે શિક્ષક નસીબદાર એટલા માટે છે કે એ પોતે વિદ્યાર્થી પણ છે. આપણા વ્યવસાયમાં સૌથી વધારે આનંદની વાત હોય તો તે એ છે કે આપણે જેમ જેમ નવું વાંચીએ છીએ તેમ તેમ નવું નવું શીખવાનું મળે છે. બાપુજીનું વલણ પણ આવું જ હતું. 1986માં સ્ત્રીઓની એક કૉન્ફરન્સમાં ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના સન્દર્ભે વિધવાવિવાહના મુદ્દાને લઈને મેં એક પેપર વાંચેલું. મારે કહેવાનું એ હતું કે એમણે કુમુદને ગુજરાતની પહેલી આધુનિક નારી તરીકે વર્ણવી છે પણ છેવટે નિર્ણય તો એની પાસે વિધવા રહેવાનો જ કરાવ્યો. એટલે એમાં ક્યાંક તો રૂઢિવાદી વલણ આવે જ છે. બાપુજીએ એ અરસામાં ‘સરસ્વતીચંદ્ર’ પર બીજું પેપર લખેલું. એમાં એમણે કહ્યું હતું કે સરસ્વતીચંદ્ર ગુજરાતનો પહેલો ઉદારમતવાદી બૌદ્ધિક છે. કૉન્ફરન્સ પછી તેઓ મારે ત્યાં દિલ્હી આવ્યા ત્યારે મારું પેપર વાંચ્યું. પછી કહે કે તારી વાત બરાબર છે. મારે જ્યારે મઠારવાનું આવે ત્યારે તારી વાતનો ઉલ્લેખ કરું ? – આ વાત દર્શાવે છે કે શિક્ષક વિદ્યાર્થી પણ છે. આપણે ત્યાં એવું છે કે આ શિક્ષક ને આ વિદ્યાર્થી, આ પિતા ને આ પુત્રી. એકે કેવળ આપવાનું અને બીજાએ ગ્રહણ કરવાનું. પણ એમાં વિચારોની આપ-લેની વાત ક્યાં આવી ? વિદ્યાર્થીને સમકક્ષ ગણવા અને સ્વીકારવા એ બહુ મોટી વાત છે. અમારી વચ્ચેનું સમીકરણ કંઈક આવું, જુદી જાતનું હતું.

પ્રશ્ન : તેમની પાસે તેમના વિદ્યાર્થીઓ અને નવોદિત સર્જકો આવતા રહેતા હશે. તમારાં એ વિશેનાં સ્મરણો કહેશો ?
ઉત્તર : બાપુજી 1954માં ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાભવનમાં ગુજરાતીના પ્રોફેસર થયા ત્યારથી વર્ષને અંતે આખો વર્ગ અમારે ઘેર આવે. બા નાસ્તો બનાવે, આઈસ્ક્રીમ પણ હોય એવું સ્મરણ છે. પછી બધાં પિકનીક પર પણ જતાં. સાથે અમે પણ હોઈએ. જયંત પંડ્યા પહેલી બૅચમાં હતા, લાભશંકર ઠાકર પણ હતા. જયંતભાઈ સાથે હું દાંડિયા રમું છું એવો મારો એક ફોટો પણ છે. વિદ્યાર્થીઓ પણ અમારા વિશાળ કુટુંબના એક ભાગરૂપ હતા. આ ઉપરાંત પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ પણ ઘણું આવતા. રમણલાલ જોશી તો અચૂક હોય જ. સાથે એમનાં કુટુંબીજનો પણ આવે. બધાં સાથે અમારો બધાંનો ઘરનો સંબંધ. ભૃગુરાય અંજારિયા મુંબઈથી રહેવા આવે, સુધાબહેન અને એમની બે દીકરીઓ ક્ષિતિ અને શિવાની પણ આવે. બધાં જમીએ, રમીએ. વિદ્યાર્થીઓ શિક્ષક પાસે આવ્યા છે કે કુટુંબીઓ મળવા આવ્યાં છે એવો કોઈ ભેદ જ નહિ. એ વિદ્યાર્થીઓ પણ કેવા કે જે મિત્રો વધારે હતા. નિરંજન ભગત પણ એમના Ph.D.ના વિદ્યાર્થી. એ તો ઘરના સદસ્ય જ હતા. એમના આ બધા વિદ્યાર્થીઓમાં સર્જકો-લેખકો પણ હોય. ‘સંસ્કૃતિ’ ચલાવતા ત્યારે કોઈની કવિતા છાપી હોય કે કોઈએ પત્ર લખ્યો હોય તો એની ચર્ચા થાય….

પ્રશ્ન : નંદિનીબહેનના કાર્યક્ષેત્ર વિશે કહેશો ?
ઉત્તર : નંદિનીએ હાર્વડમાં અર્થશાસ્ત્રના વિષય સાથે પી.એચ.ડી. કર્યું. પરંતુ પછીથી એ ગાંધીજી તરફ વળી. થોડોક વખત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદમાં કામ કર્યું. એને લાગ્યું કે ખાદીથી દેશનું સમગ્ર આર્થિક જીવન બદલી શકાય તેમ છે. ખાદીની પ્રસ્તુતતા વિશે એણે ઘણા બધા વિચારો કરેલા. અમદાવાદની વસ્તીમાં એ જતી. જાતે રેંટિયો પૂણી બનાવવાનું, કાંતવાનું, વણકરો પાસે જવાનું વગેરે તે કરતી અને બીજાને શિખવાડતી. તે કહેતી કે ખોરાક અને વસ્ત્ર આપણી જરૂરિયાત છે. ખોરાક તો જાતે ઉત્પન્ન કરી ન શકાય પણ વસ્ત્રો જાતે બનાવીને આત્મનિર્ભર બની શકાય. એના વિચારો બહુ જ ક્રાંતિકારી હતા. એ વિશે એ લખતી પણ ખરી. એનાં પુસ્તકો પણ બહાર પડ્યાં છે. એના આ વિચારોના ચાહકો પણ ઘણા હતા. આજના સમયમાં ગાંધીજીની પ્રસ્તુતતા વિશે ઘણી વાતો થાય છે પણ એણે એક અર્થશાસ્ત્રીની દષ્ટિથી આ જોયું હતું. તેમાં એની સંપૂર્ણ પ્રતિબદ્ધતા હતી. એ ઘણી વહેલી ચાલી ગઈ. આ કામ જે તેના જીવનનું એક ધ્યેય હતું તેને કરવાની તેની ખૂબ ઈચ્છા હતી.

પ્રશ્ન : હા, સાંભળ્યું છે કે ‘જન્મભૂમિ’માં ‘વ્યથા અને વિકલ્પ’ એ શીર્ષક હેઠળ એ તેમના વિચારો વિશે લખતાં પણ ખરાં. તમારે પછી દિલ્હી જવાનું કેવી રીતે થયું ?
ઉત્તર : ‘અંગ્રેજી સાહિત્યના વિષય સાથે મેં એમ.એ. કર્યું. એ પછી મને ભણવાની ખૂબ ઈચ્છા હતી. બાપુજી એ વખતે રાજ્યસભાના સભ્ય હતા એટલે એમને દિલ્હી વારંવાર જવાનું થાય. એમની સાથે હું પણ જતી થઈ અને મને લાગવા માંડ્યું કે દિલ્હી ભણવા-ભણાવવા માટેનું ઉત્તમ સ્થળ હતું. મને ત્યાં સરસ વિદ્યાર્થીઓ મળ્યા. એમની પાસેથી શીખવાનું પણ ઘણું મળ્યું. એ એક ઉત્તમ અનુભવ રહ્યો.

પ્રશ્ન : પણ એ પહેલાં 1957માં તમે ‘સેતુ’માં આવ્યાં. અહીંના માહોલ વિશે કંઈક કહેશો ?
ઉત્તર : ‘સેતુ’માં આવ્યાં એ પહેલાં અમે પંચવટીમાં ‘ચોકસી નિવાસ’માં ભાડાના ઘરમાં રહેતાં હતાં. એ સ્થળ બાપુજીની બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. તે વખતે હું બહુ નાની હતી. બાપુજી ત્યારે મને મૂકવા સી.એન.માં આવતા. ત્યાં નગીનકાકા આવે, ઝીણાદાદા આવે. પરદેશથી પણ કોઈ કોઈ આવે. સાંજે લૉ ગાર્ડન ફરવા જઈએ. ત્યાં ડૉ. સુમન મહેતા અને શારદાબહેન મહેતા પણ આવતાં. તેઓ અમદાવાદની બહુ મોટી વ્યક્તિઓ હતાં. બધાં બાંકડા પર બેસીએ અને વાતો થાય. અમારી એ અનૌપચારિક ‘કલબ’ હતી જેની હું સૌથી નાની વયની સભ્ય હતી. એ અમારાં સૌથી સુંદર વર્ષો હતાં એવું બાપુજીએ એક પત્રમાં કહ્યું છે. પછી અમે ‘સેતુ’ આવ્યાં. અહીં પણ સૌની આવન-જાવન રહેતી. કુટુંબીજનો ઉપરાંત ચાવડાકાકા (કિશનસિંહ ચાવડા) અને સાવિત્રીકાકી વડોદરાથી આવે. સણોસરાથી મનુભાઈ પંચોળી અને વિજયાબહેન આવે. સ્વામી આનંદ, મહેન્દ્ર મેઘાણી… કેટકેટલાં નામો યાદ કરું ? ઘરનાં કોણ અને બહારનાં કોણ ? વાતો થાય, સવારના નિરાંતે બે-ત્રણ કપ ચા પીવાય અને આખી દુનિયાની વાતો થાય. કાકાસાહેબ કાલેલકર અમારે ત્યાં બહુ રહેતા. આપણે બેઠાં છીએ તે રૂમને અમે કાકાદાદાનો રૂમ કહેતાં.

પ્રશ્ન : તમારાં બા જ્યોત્સનાબહેન વિશે પણ ઘણું સાંભળ્યું છે. તમે કહેશો ?
ઉત્તર : બાનો જન્મ અને ઉછેર 19મી સદીના સુધારાના કુટુંબોમાંથી એકમાં થયો હતો. લગ્ન પહેલાં તે બી.એ. થયાં હતાં. બા અને બાપુજીના સંબંધમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેનો ભેદભાવ મેં ક્યારેય જોયો નથી. બાનું જીવન બાપુજીથી જૂદું હોય એવું ન હતું. બાપુજીના જાહેરજીવનનાં બા અમુક અંશે સહભાગી હતાં. ‘સંસ્કૃતિ’ શરૂ કરવામાં બાનો ઘણો મોટો ફાળો. ગંગોત્રી ટ્રસ્ટ પણ બા અને બાપુજીએ સાથે શરૂ કર્યું હતું. હા, રસોઈ બા કરે પણ સ્ત્રીઓની બેઠક જૂદી ચાલતી હોય અને પુરુષ સભ્યો અલગ વાતો કર્યા કરતા હોય એવું મેં ક્યારેય જોયું નથી. બધાં સાથે જ આનંદ કરીએ. એમના જાહેરજીવનમાં અમને પણ એટલો જ રસ. આજે, સંધ્યાબહેન, એવું થઈ ગયું છે કે અંગતજીવન અને જાહેરજીવન બહુ જૂદાં થઈ ગયાં છે. તમારા સહકાર્યકરો તમારા ઘરનાંને ન મળ્યા હોય એવું પણ બને. અમારે ત્યાં દલાલકાકા (જયંતિ દલાલ) આવે ત્યારે રંજનમાસી પણ સાથે હોય. ઝીણાદાદા સાથે વિજયાદાદી હોય. સ્ત્રીઓની દુનિયા અલગ અને પુરુષોની દુનિયા અલગ એવું કદી મેં જોયું નથી.

પ્રશ્ન : બાપુજીની આનંદની પળોનાં તમે સાક્ષી હશો. આવી કોઈ મહત્તમ આનંદની પળ….
ઉત્તર : આનંદ એ એમની પ્રકૃતિ હતી. આનંદ એમને મન ક્ષણેક્ષણ અનુભવવાની ચીજ હતી. ક્યારેક કંટાળો આવવા જેવી લાગણી થઈ હોય કે મનદુઃખનો પ્રસંગ બન્યો હોય કે ઉદ્વેગ થાય તો તે હંમેશાં મને આ સંસ્કૃત વાક્ય કહેતા, ‘नात्मानं अवसादयेत’, આત્માને ક્યારેય અવસાદ ન પહોંચાડવો. વિષમમાં વિષમ પરિસ્થિતિમાં પણ આત્માને અવસાદ (દુઃખ) આપવું ન જોઈએ. જે પરિસ્થિતિ મળી છે તેમાં આનંદ લેવો. આ બધું તેમની જીવનદષ્ટિના ભાગરૂપ હતું. આનંદ એક બહુ મોટા સન્દર્ભમાં સમજવાની અને અનુભવવાની વસ્તુ છે. મને યાદ છે, એમના છેલ્લા દિવસો. તે મુંબઈની તાતા હૉસ્પિટલમાં હતા. ગંભીર સ્થિતિ હતી અને ફેફસાંના કૅન્સરનું ઑપરેશન કરવાનું હતું. તેમને ઘણા લોકો મળવા આવ્યે જતા હતા. બધા વિક્ષુબ્ધ હતા… ને બાપુજીને ફેફસાંની કસરત કરવાની હતી. બધાંને ગંભીર જોઈ બોલવા લાગ્યા…. દેખને કા દામ નહિ મહેરબાન… અને બધાંની સામે કસરત કરતાં સૌને એટલાં હસાવ્યાં કે આખું વાતાવરણ બદલાઈ ગયું. એમનામાં હાસ્યની સહજ સૂઝ હતી.

પ્રશ્ન : તેમના અંતિમ દિવસો અંગે…
ઉત્તર : તેમને ફેફસાંનું કૅન્સર હતું પણ તે બહુ મોડું પકડાયું. ઝીણો તાવ રહેતો હતો અને અશક્તિ વધતી જતી હતી. કૅન્સર છે કે નહિ તે વિશે પણ મતમતાંતરો હતાં. પણ બાપુજીને મેં ક્યારેય પથારીવશ જોયા નથી. પોતે સેવા કરી છે પણ તેમણે પોતે ક્યારેય કોઈની પાસે સેવા કરાવી નથી. મારી તો અનેકવારની માંદગી વખતે તેમણે સેવા કરી છે.

પ્રશ્ન : એમણે મૂલ્યનિષ્ઠ જીવનનો પુરસ્કાર હંમેશાં કર્યો. તમે એમને ખૂબ નજીકથી જોયા છે. આ વિશે કંઈ કહેશો ?
ઉત્તર : તે ઉદારમતવાદી હતા. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય, સત્ય, બિનસાંપ્રદાયિકતા આ બધાં મૂલ્યો તેમના જીવન સાથે વણાઈ ગયાં હતાં. જ્યાં પણ તેમણે આ મૂલ્યો જોખમાતાં જોયાં ત્યાં ત્યાં તેમણે એ વિશે સ્પષ્ટતાથી કહ્યું અને લડાઈ પણ આપી. ક્યારેય આ માટે તેમણે નમતું જોખ્યું નથી. તેઓ હંમેશાં કહેતા કે આ માટે જાત આપવી પડે તો પણ પાછળ ન હઠવું. આજે પણ તે સામાન્ય લોકોમાં જાણીતા હોય તો તે કદાચ આ કારણે. તેઓ જે કંઈ બોલતા, કરતા તે બધું લોકોને ખબર હશે કે કેમ પણ મૂલ્યો માટેની એમની લડત લોકો સુધી પહોંચી હતી એમ મને લાગે છે.

પ્રશ્ન : જુદાં જુદાં ક્ષેત્રોમાં તેમની ઊંચાઈ સ્વયંસ્ફૂરિત હતી કે એની પાછળ કોઈ પરિબળોને તમે જુઓ છો ?
ઉત્તર : સામાજિક નિસ્બત તો ગામડાના ઉછેરમાંથી અને તેઓ સત્યાગ્રહમાં જોડાયા એટલે આવી. એ ગુજરાત કૉલેજમાં આવ્યા ને 1929માં સાયમન કમિશન સામે દેખાવોમાં જોડાવા બદલ વિદ્યાર્થીઓને કરેલી સજાના વિરોધમાં થયેલી વિદ્યાર્થીઓની હડતાલમાં જોડાયા. સત્યાગ્રહમાં એ એમનો પ્રવેશ હતો. પછી તો એ ચળવળમાં જોડાયા, વીરમગામની છાવણીમાં રહ્યા, પત્રિકાઓ લખતા હતા. હમણાં હું જે વાંચું છું તે ઈતિહાસકાર પ્રો. બિપનચંદ્રએ 1985માં સ્વાતંત્ર્યની ચળવળમાં એમની ભૂમિકા વિશે ઈન્ટરવ્યૂ લીધો હતો. તેની લગભગ 200 પાનાંની ટ્રાન્સ્ક્રીપ્ટ છે. 1930 અને ’32ના ગાળામાં તે જેલમાં ગયા અને ચળવળમાં જોડાયા. એ એમના આખા જીવનકાર્ય અને સમગ્ર સર્જનનો પાયો છે. આ ઊંચાઈ માત્ર સ્વયંસ્ફૂરિત છે એમ કહેવું બરાબર નથી. બધું સમાજમાંથી, આસપાસમાં જીવાતા જીવનમાંથી આવે છે. ગાંધીજીના વિચારોની એમના પર અસર પડી, જેલમાં એમણે માર્કસ વાંચ્યા, મોટા પાયા પર પશ્ચિમના સાહિત્યનું પણ સેવન કર્યું. આ બધાં પરિબળોને કારણે હું માનું છું કે તેમની જીવનદષ્ટિએ એક આકાર મળ્યો.

પ્રશ્ન : વિશ્વભારતી યુનિવર્સિટીમાં તેઓ કુલપતિ થાય એ વિશે કંઈ કહેશો ?
ઉત્તર : કુલપતિ નહિ, કુલાધિપતિ, જેને તેઓ ‘આચાર્ય’ કહે છે. તેઓ ‘ચાન્સેલર’ થયેલા. વિશ્વભારતી યુનિવર્સિટીના બંધારણ પ્રમાણે તેના આચાર્યપદે વડાપ્રધાન હોય છે. બાપુજી માટે તેમણે અપવાદ કરેલો. તેઓ બંગાળમાં પણ ખૂબ પ્રિય હતા. જો કે આ અંગે મને બીજી કશી ખાસ સ્મૃતિ નથી.

પ્રશ્ન : પારિતોષિકો માટે એમનો કેવો પ્રતિભાવ રહેતો ?
ઉત્તર : એ પારિતોષિકો પર આધાર રાખે છે. એમણે ગુજરાત સાહિત્ય અકાદમીનું સન્માન નહોતું સ્વીકાર્યું. અકાદમી સ્વાયત્ત બને એ માટે તેમણે અવાજ ઊઠાવેલો. ભારત સરકાર તરફથી મળતા ‘પદ્મવિભૂષણ’નો પણ એમણે અસ્વીકાર કરેલો. રાજ્યને આધીન સન્માન તેમણે સ્વીકાર્યાં ન હતાં. સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા મળેલાં સન્માનો એમણે સ્વીકાર્યાં છે પણ પારિતોષિકોથી એમને બહુ ફેર પડતો ન હતો એવું હું માનું છું. ‘નિશીથ’ માટે મળેલા જ્ઞાનપીઠના પુરસ્કારમાંથી તેમણે અનુવાદની શ્રેણી ‘નિશીથ પુરસ્કાર ગ્રંથમાળા’ શરૂ કરી હતી.

પ્રશ્ન : બામણા ગામ અને ઈડરમાં રહેતા ત્યારે સાબરકાંઠાનું સૌન્દર્ય તેમની કવિતાનું પ્રેરક બળ હોય એવું તમને લાગે છે ?
ઉત્તર : કુદરતી સૌન્દર્ય તો છે જ પણ એ કોઈ અલગ વસ્તુ ન હોઈ શકે. ઈડરમાં ભણતા તેમના ભાઈઓને તેમણે એક પત્ર લખ્યો છે. લખ્યું છે : ‘તમે નદીમાં રમતા હશો… મને તમારી ઈર્ષ્યા આવે છે… પેલા વ્હેળાને યાદ કહેજો’ પણ પછી કહે છે, ‘તમે એ વ્હેળાને બંધ કેમ કરી નાખ્યો ?’ ત્યાંના યુવકો એક સામાયિક ચલાવતા હતા. તેના સંદેશામાં તેમણે લખેલું કે ઈડરના પ્રદેશમાં અખૂટ કુદરત છે, પણ ગામડાંઓ એ ગૂમડાં જેવાં છે. કુદરતને, તમે ત્યાં જીવાતા જીવનથી આંખો ફેરવીને જોઈ શકતા નથી. ગામડાંઓના કુરિવાજો વગેરેને કારણે તેની પર લાગેલા ડાઘને તે જુએ છે. તેમનાં નાટકો અને વાર્તાઓમાં તેમણે આ વિશે લખ્યું છે. સૌન્દર્યના આલેખનની સાથોસાથ સામાજિક નિસ્બત પણ છે. કોઈની જીવનદષ્ટિ આપોઆપ કેળવાતી નથી. એ તો દરેકના પોતાના અનુભવોને આધારે જ ઘડાય છે. કેટલાક લોકો તેમને ગાંધીવાદી કહે છે પણ ગાંધીજીનું સીધું સાદુ અનુકરણ તેમણે ક્યારેય કર્યું નથી. ‘ ’31માં ડોકિયું’ વાંચીએ તો ખબર પડે કે નેહરુ, ધર્માનંદ કોસામ્બી વગેરે સાથે વિચારોનું વલોણું ચાલે છે. કોસામ્બી ગાંધીજીના ટીકાકાર હતા અને કહેતા હતા કે જ્યાં સુધી સમાજવ્યવસ્થા બદલાશે નહિ ત્યાં સુધી સ્વરાજ્યનો કોઈ અર્થ સરવાનો નથી. સૌને આ પ્રશ્નો મૂંઝવે છે : સામાજિક પરિવર્તન માટે હિંસાની જરૂર ખરી ? હિંસા વગર પરિવર્તન આવી શકે ?

તમારા વિચારોનું, સર્જનનું એક ચોક્કસ ક્ષેત્ર (Site) હોય છે, તે આ છે. ‘વિશ્વશાંતિ’માં અહિંસાની, ઈતિહાસની વાત આવે છે. તેમાં એમણે છેક આરંભથી શરૂ કરીને ફ્રેન્ચ ક્રાંતિ, રશિયન ક્રાંતિ, બધાંની વાત કરી છે અને સામાજિક પરિવર્તનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોયું છે. 1947 પછી નિર્ભ્રમની અવસ્થા આવે છે. જે વચનો આપેલાં તે પૂરાં થતાં નથી. ‘છિન્નભિન્ન છું’ કેમ ? તો, એનાં આ બધાં કારણો છે. આપણે તેને ‘આધુનિક’ કહીને અટકી જઈએ તો એના સ્વરૂપની જ ચર્ચા કરીએ છીએ. એક કવિનું સંધાન તેના આખા સમય સાથે હોય છે. એ તમે અવગણી શકો નહિ.

પ્રશ્ન : આજની પરિસ્થિતિમાં એમણે શું કર્યું હોત ?
ઉત્તર : એ જરૂર બોલ્યા હોત. એમણે જરૂર અવાજ ઉઠાવ્યો હોત. એ કોમવાદ વિશે બોલ્યા હોત, એ ભ્રષ્ટાચાર સામે બોલ્યા હોત. એ શિક્ષણની સંસ્થાઓની સ્વાયત્તામાં માનતા હતા, જે અત્યારે બિલકુલ રહી નથી. એના વિશે પણ બોલ્યા હોત. સમાજજીવનની ઝીણી ઝીણી વાતો તરફ એમની દષ્ટિ રહેતી. ગુજરાતમાં ઘણા પ્રશ્નો છે. ખેડૂતોની જમીનનો પ્રશ્ન છે. ફી વધારાનો પ્રશ્ન છે. એક બુદ્ધિજીવી કે સાહિત્યકાર તરીકે તમારું આ એક મોટું કર્તવ્ય છે કારણ કે શબ્દ એ શક્તિ છે. તમે જ્યારે ચૂપ રહો છો ત્યારે જે કંઈ પણ બની રહ્યું છે તેનો તમે આડકતરી રીતે સ્વીકાર કરો છો. સાહિત્યને સમાજ કે રાજકારણ સાથે સંબંધ નથી એમ કહી કર્તવ્યપાલનમાંથી છૂટી ન શકાય.

પ્રશ્ન : તમારા પોતાના કર્મશીલ વ્યક્તિત્વ અંગે શું કહેશો ?
ઉત્તર : હું જ્યારે 1970માં હાર્વર્ડમાં હતી ત્યારે વિયેટનામના યુદ્ધના વિરોધમાં વર્ષના અંતે લેવાતી લાંબી લેખિત પરીક્ષાનો અમે વિરોધ કરેલો. અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં 1970માં અમેરિકાના કમ્બોડિયા પર થયેલા હુમલાના વિરોધમાં દેખાવો થયેલા પણ હાર્વર્ડમાં આવું સામાન્ય રીતે થાય નહિ. અમે જો કે કર્યું. એ મારો પહેલો અનુભવ. 1975માં દિલ્હીમાં જયપ્રકાશ નારાયણના નેતૃત્વ નીચે સરકાર સામે એક અતિ વિશાળ રેલી નીકળેલી. ત્યારે બાપુજી પણ એમાં હતા. હું પણ મારા દિલ્હી યુનિવર્સિટીના સાથીઓ સાથે એમાં સ્વતંત્ર રીતે સામેલ થયેલી. આ ઉપરાંત, પી.યુ.ડી.આર. (પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટીક રાઈટ્સ) નામના માનવ અધિકાર સંગઠન તરફથી અમે Inside the Family નામનો એક રિપોર્ટ તૈયાર કરેલો. આ રિપોર્ટ સ્ત્રીઓના ઘરની અંદર થતા સૂક્ષ્મ આર્થિક શોષણ અંગેનો હતો. આ નિમિત્તે સ્ત્રીઓના પ્રશ્નો વિશે એક જુદા જ પરિપ્રેક્ષ્યથી જોવાની તક મળી. 1980ના દાયકામાં દિલ્હીમાં દહેજપ્રથાને કારણે થતાં સ્ત્રીઓનાં મૃત્યુ, સ્ત્રીઓ પર થતી અનેક પ્રકારની હિંસા અને સતીપ્રથાના વિરોધમાં ચર્ચાઓ અને દેખાવો થતા, એમાં જોડાવાનું બન્યું. પી.યુ.ડી.આર.ની પ્રવૃત્તિઓમાં સક્રિય બની. દિલ્હી યુનિવર્સિટીના પ્રશ્નોમાં પણ સક્રિય ભાગ લીધો. કૉલેજમાં પણ સ્થાપિત હિતો સામે જરૂર પડ્યે બોલવાનું બન્યું છે. 1992માં બાબરી મસ્જિદ તૂટી ત્યારે દિલ્હી યુનિવર્સિટીમાં અમે કેટલાક સાથીઓએ ‘ફોરમ ફોર ડેમોક્રેસી’ શરૂ કરેલું. 2002માં ગુજરાતમાં જનસંહાર થયો ત્યારે ગુજરાત આવી છ મહિના રહી અને અમે ગામે ગામે ફર્યાં હતાં અને પી.યુ.ડી.આર તરફથી ત્રણ રિપોર્ટ તૈયાર કર્યા હતા. અધ્યાપનકાર્યના આખા સમયમાં activism સાથે ને સાથે જ રહ્યું છે.

પ્રશ્ન : બાપુજીનું કોઈ કામ બાકી રહી ગયું હોય અને તે તમે હવે કરવાનાં હો તો…
ઉત્તર : ના, બાપુજીએ કંઈ શરૂ કર્યું હોય અને તે બીજું કોઈ ઉપાડે એવું તે માનતા ન હતા. મને યાદ છે ‘સંસ્કૃતિ’ બંધ થયું ત્યારે કોઈકે કહ્યું કે તે બીજું કોઈ ચલાવે. પણ એમણે કહ્યું કે ના. બીજું ચલાવે તે બીજું જ હોય. વૈચારિક વારસો પણ એમ આપ્યો અપાતો નથી.

પ્રશ્ન : નિવૃત્તિ પછી શું વિચાર્યું છે ?
ઉત્તર : ક્યાં કામ કરવું એ વિચારવાનું છે, પણ મારા જે રસના વિષયો છે તે તો ચાલુ જ રહેવાના છે. માનવઅધિકાર અંગેના અનેક પ્રશ્નો છે. ગુજરાતમાં કામ કરવાની હવે મને ઈચ્છા છે. મારો એક બીજો રસનો વિષય, જેના વિશે આપણે વાત નથી કરી, તે છે Social History of Literaure. આ વિશે મેં ઓછું લખ્યું છે. અને લખ્યું છે તે પણ અંગ્રેજીમાં. મને 19મી સદીના ગુજરાતી સાહિત્યમાં રસ છે. સાહિત્ય એ માત્ર સમાજનું પ્રતિબિંબ જ નથી. એ સમાજ, લોકોની માન્યતાઓ અને વિચારોને ઘડે પણ છે. 19મી સદીમાં સાહિત્યમાં સ્ત્રીઓ, ધર્મ, રાષ્ટ્ર, સમાજ વગેરે વિશે કેવા વિચારો રજૂ થયા ? આપણી આજને સમજવા ગઈકાલને સમજવાની જરૂર છે. બાપુજીની વાત પણ હું એ સન્દર્ભમાં કરવા માગું છું કે વીસમી સદીમાં એમણે શું કર્યું જે આજે પ્રસ્તુત છે ? એમના વિચારોની શી મર્યાદા છે ? વર્તમાનને સમજવા માટે ભૂતકાળને સમજવો જ પડશે. પ્રશ્નોના સામાજિક, ઐતિહાસિક સંદર્ભ વિશે આપણને માહિતી હોય અને સમજણ હોય તો એ માટે લડવાની પ્રતિબદ્ધતા પણ વધુ કેળવાય છે. કામો તો ઘણાં કરવાનાં છે સંધ્યાબહેન, અને તેથી જ નિવૃત્તિમાં પણ હું કોઈ પ્રકારનો ‘બદલાવ’ નથી જોતી. જો કે ભણાવવાનું હવે નહિ થઈ શકે પણ હવે શું એવો પ્રશ્ન તો છે જ નહિ.

પ્રશ્ન : હજુ તેમનાં અગ્રંથસ્થ લખાણો હશે. એના પ્રકાશનનું કામ તમે કેવી રીતે કરવા માગો છો ?
ઉત્તર : એમનું મોટાભાગનું લખાણ ગ્રંથસ્થ થઈ ગયું છે. હમણાં પત્રો ભાગ-2 અને ભાગ-3ના પ્રકાશનનું કામ ચાલે છે. એમના પત્રોના સંપાદનનું કામ નંદિનીએ શરૂ કર્યું હતું. એમની અગ્રંથસ્થ કવિતાઓનું એક પુસ્તક શ્રી નિરંજન ભગત કરી રહ્યા છે. અગ્રંથસ્થ નાટકો અને વાર્તાઓનાં પુસ્તકો પણ પ્રેસમાં છે. એમનું અન્ય છૂટક લખાણ છે. એનું પુસ્તક પણ લગભગ તૈયાર છે. બસ, ત્યારપછી એમનું કોઈપણ ગુજરાતી લખાણ અગ્રંથસ્થ રહેશે નહિ. એમનાં અંગ્રેજી અને હિન્દી લેખોના પ્રકાશનનું કામ બાકી રહેશે. પ્રો. બિપનચંદ્ર સાથેનો ઈન્ટરવ્યૂ પણ એ જ સ્વરૂપમાં છાપવાનો ખ્યાલ છે.

[સમાપ્ત]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “બાપુજીને મેં જેવા જોયા, જાણ્યા, અનુભવ્યા…. – સંધ્યા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.