મુગ્ધાવસ્થાનો મોહ – કલ્પના જિતેન્દ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર. આપ કલ્પનાબેનનો આ નંબર પર +91 9427714120 સંપર્ક કરી શકો છો.]

આબુનું સનસેટ પૉઈન્ટ.
અચલ આરામથી પગ લંબાવીને બેઠો હતો. ધીરે ધીરે ગોળ ગોળ ઘૂમીને ક્ષિતિજમાં ડૂબી જતાં, નારંગી રંગના સૂર્યને કૅમેરામાં કેદ કરતો રહ્યો. સૂર્યની વિદાય પછીય ક્યાંય સુધી એની નજર ત્યાં જ ખોડાઈ રહી. અચાનક એને લાગ્યું કે કોઈ એને તાકી રહ્યું છે ! આજુબાજુ નજર ફેરવી, ઘણા લોકો હતા. કોઈ બેઠાં બેઠાં તો કોઈ જગ્યા ન મળવાને કારણે ઊભા રહી પ્રકૃતિના રસમય નજારાને નીરખી રહ્યા હતા. ‘કોણ હશે ?….. છટ, કદાચ ભ્રમ થયો હશે !’ એણે કૅમેરો લોક કરી કવરમાં મૂક્યો ત્યાં જ બૂમ સંભળાઈ, ‘અચલ ?…. અચલ તો નહીં !’

પેન્ટ પર લાગેલી ધૂળ ખંખેરતો એ ઊભો થયો. ત્યાં તો ગળામાં દૂરબીન ને હાથમાં કૅમેરો લઈ એક જાજરમાન સ્ત્રી નજીક આવી. અચલ ઘડીક જોઈ રહ્યો, ને એના મોંઢેથી હર્ષોદગાર સરી પડ્યો : ‘બિની ?…. બિનિતા ?… તું અહીં ??’ ને એકદમ જ બન્નેના હાથ બિડાઈ ગયા !
‘કેટલાં ?…. કેટલાં વર્ષે ?…. લગભગ પચીસ વર્ષ પછી મળીએ છીએ, નહીં ?’ અચલ ભાવુક બન્યો.
શ્વર તો બિનિતાનો પણ રૂંધાયો, ‘ઓહ અચલ ! મને કલ્પના પણ નહીં કે આપણે આમ અચાનક મળી જઈશું. ક્યારનીય મારી નજર તારા પર હતી, ખાતરી થઈ કે તું જ છો એટલે બૂમ મારી.’
‘થેંક ગૉડ ! તો આપણે મળાયું. ચાલો, આ પણ એક યોગાનુયોગ ! આપણી પ્રથમ મુલાકાત પણ આ જ સ્થળે !….. યાદ છે ને ? અચ્છા, એકલી આવી છો ? ક્યાં છે તું ? શું કરે છે તું ?’
‘ઓહ અચલ ! તેં તો એકસાથે કેટલાય પ્રશ્નો પૂછી નાખ્યા ! જોકે આજ પ્રશ્નો મારે પણ તને કરવાના છે…. પણ એ બધું નિરાંતે ! અત્યારે તો હું બૉમ્બેથી કૉલેજના વિદ્યાર્થીઓની ટૂર લઈને ગઈકાલે આવી. હજુ ત્રણ દિવસ અહીં છું. તું પણ છે ને ? નિરાંતે મળીએ…. તારો નંબર આપ તો… ત્યાં સૌ મારી રાહ જુએ છે. મોબાઈલથી મળીએ છીએ.’

બિનિતા ઉતાવળે ઢાળ ઊતરી ગઈ.
જોકે એમને મોબાઈલથી વાત કરવાની જરૂર ન પડી. બીજા દિવસે વહેલી સવારે બન્ને અચલગઢ મળી ગયાં.
‘જો, આમ જ મળવાનું છે ને આપણે ?’ અચલ મલક્યો.
બિનિતાએ વિદ્યાર્થીઓને કહી દીધું, ‘પગમાં તકલીફ છે. આટલાં બધાં પગથિયાં હું નહીં ચડી શકું. તમે સૌ જઈ આવો, હું અહીં બેઠી છું.’
‘મેડમ, તમે એકલા પડી જશો !’ નીકીએ કહ્યું તો ખરું, પણ ઉપરછલ્લું ! વાસ્તવમાં એ સૌ એકલાં પડવા ઈચ્છતા હતાં. મેડમની ગેરહાજરીમાં બિન્દાસ મજાકમસ્તી કરી શકાય ને ? એટલે તો મેડમના જવાબનીય રાહ જોયા વિના સૌ પગથિયાં ચડવા માંડ્યા. બિનિતા સમજી ને હસી પડી. હોય એ તો ! આ ઉંમર છે એમની !

અચલે બિનિતા પાસે પગથિયાં પર જ જમાવ્યું.
‘જો આ પણ કેવો યોગાનુયોગ ! આપણે અહીં જ મળતાં ને પગથિયાં પર જ બેસતાં યાદ છે ને ?’
‘ને આમ જ કૉલેજમાંથી આઠ દિવસની શિબિરમાં આવેલાં પચ્ચીસ વર્ષ પહેલાં. ખરું ને ?’
‘હા, બહુ મજા કરી આપણે. ત્યારે એકાંત પણ ઘણું મળતું. આજે તો માણસો ઊભરાય છે, જ્યાં ને ત્યાં ! અચલે આમતેમ નજર ફેરવતાં કહ્યું…. ‘અહીં, આપણે લીંબુપાણી પીતાં, એ જ માત્ર મળતું…. ને વળતાં પેલા ધાબામાં દાલ-બાટી ખાતાં, યાદ છે ને ?’
‘હા, યાદ છે રજેરજ ! જિંદગીના ઉગમોગમ દિવસો કેમ વીસરાય ? એ તો હૃદયમાં જડાઈ ગયા છે કાયમને માટે !’ ભીના અવાજે કહેતાં બિનિતા મલકી.
‘પણ, એ પછીનો સમય ?… કેમ આવું બન્યું ? ક્યાં ઊણાં ઊતર્યાં આપણે ?…. અચલે બિનીની આંખમાં નજર નોંધી, ‘હું ઘણીવાર વિચારું છું, કાંઈ સમજાતું નથી…. એક સમયે આપણે ભાગી જઈ, લગ્ન કરી લેવા તૈયાર હતાં બરાબરને ? તો પછી ?’
‘હા પણ, ત્યારે આપણે હજુ અભ્યાસ કરતાં હતાં, સંસાર માંડવા જેટલાં મેચ્યોર નહોતાં…. સાચું કહું ? મને તો હવે બધું જ સમજાઈ ગયું છે ને સાચું સમજાયું છે.’
‘શું સમજાયું છે એ કહો તો મેડમ !’ આછું મલકતાં અચલે કહ્યું ને એકદમ નજીક સરક્યો. બિનિતા સહેજ દૂર ખસી ગઈ. અચલ ઝંખવાયો. પણ બિનિતાએ જોયું ન જોયું કરી વાત સાંધી :
‘કે આપણાં માતાપિતાનો નિર્ણય યોગ્ય હતો.’

‘કેવી વાત કરે છે તું ? માતાપિતાની અસંમતિના કારણે તો આપણે પરણી ન શક્યાં ! એ નિર્ણયને તું ઉચિત ગણે છે ? સાચું કહે, તેં ક્યારેય મને મિસ નથી કર્યો ? સંતુષ્ટ છે તારી જિંદગીથી ?…. મારા વિનાની તારી જિંદગીથી ?’ અચલે છેલ્લા શબ્દો પર ખાસ ભાર મૂક્યો.
‘હા, સંતુષ્ટ છું, સુખી છું મારી જિંદગીથી….. તને કદાચ આવું સાંભળવું નહીં ગમે, પણ આ હકીકત છે. એકસાથે બંને સત્ય છે. તને વારંવાર મિસ પણ કર્યો છે… ને છતાંય, હું સુખી છું મારા માળામાં ! હા, મારો પતિ બિઝનેસમૅન છે. એ મારો મિત્ર નથી બની શક્યો, પણ એ મારો પતિ છે, મારાં બાળકોનો પિતા છે. મને અત્યંત ચાહે છે. હું પણ ચાહું છું એને ! મારાં બાળકોને ! મારા સંસારને ! અત્યંત જતનથી મેં મારો માળો ગૂંથ્યો છે.’
‘માળો તો આપણે બન્ને પણ ગૂંથી શકત !’
‘ના !…. આવો માળો ન ગૂંથી શકાત. માઠું ન લગાડીશ, પણ સાચું કહું ? આપણો પ્રેમ મુગ્ધાવસ્થાનો હતો. એમાં પ્રેમ કરતાં મોહ વિશેષ હતો. વિજાતીય આકર્ષણની એ ઉંમર હતી. આપણે છૂટાં પડ્યાં ત્યારે શરૂઆતમાં ખૂબ દુઃખ થયું, પણ પાછળથી ધીરે ધીરે સમજાયું કે ત્યારે લગ્ન કરીને ઘર ચલાવવા જેટલાં આપણે મેચ્યોર નહોતાં. જો સમજાવું તને !… હું અત્યારે કૉલેજમાં અધ્યાપિકા છું. મોટો દીકરો અમેરિકા સ્થાયી થયો છે. નાનો કૅનેડા અભ્યાસ કરે છે. તારાં સંતાનો શું કરે છે ?’
‘મોટી દીકરી ડૉકટર થઈ, નાનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સારું કમાય છે ને મારો બિઝનેસ પણ સારો ચાલે છે.’
‘વાહ ! તો પછી ?…. ખ્યાલ આવે છે તને ? કૉલેજનો અભ્યાસ અધૂરો મૂકી આપણે પરણી ગયાં હોત તો તું કદાચ અત્યારે માત્ર કલાર્ક હોત !…. ને હું તો માંડ-માંડ ચાર છેડા સાંધતી સીધીસાદી ગૃહિણી બની ગઈ હોત !…. ને અભાવો સાથેની જિંદગી વેંઢારતા આપણો પ્રેમ તો ક્યાંય હવાઈ જાત !… કદાચ તદ્દન એવું ન બનત… પણ એટલું તો ચોક્કસ કે આપણે કશા જ આયોજન વિના ઉતાવળે પરણી ગયાં હોત તો આજે જેટલી સ્થિરતા, સમૃદ્ધિ બન્ને પક્ષે છે એ ન હોત ! આપણો વ્યવસાય, બાળકોનો ઉચ્ચ અભ્યાસ આ બધાને કારણે સમાજમાં મળતું માન-સન્માન એ પણ ન હોત !

કાચી વયે લગ્ન નહીં કરવાનો નિર્ણય યોગ્ય જ હતો. જોકે એ નિર્ણય વડીલોનો હતો ને ત્યારે તો આપણને જરાય ગમ્યો નહોતો !…. પણ પાછળથી સમજાયું કે એમનો નિર્ણય વ્યવહારુ હતો. સમજપૂર્વકનો હતો. આપણી વચ્ચે ત્યારે પણ પ્રેમ હતો ને હજુ પણ છે જ. પ્રેમને હું અહીં વિશાળ અર્થમાં લઉં છું. શારીરિક આકર્ષણથી પર પણ પ્રેમ હોય છે ! પહેલાં તને જોઈને હું અત્યંત રોમાંચિત થઈ જતી, તારા સ્પર્શ માત્રથી મારું રોમ-રોમ ઝંકૃત થઈ ઊઠતું હતું. તને પામવા, તારામાં સમાઈ જવા હું આતુર રહેતી !…. એવું નથી કે આજે તને મળવા આતુર નથી, પણ તને પામવા કે તારામાં સમાઈ જવાની ઝંખના હવે નથી રહી. ચોક્કસ આજે પણ મારા હૃદયમાં તારું એક નિશ્ચિત સ્થાન છે, પણ એક ગાઢ મિત્ર તરીકે ! આજે, આટલાં વર્ષે તને મળીને મારી આંખમાં આંસુ ઊમટે છે એ વ્યથાના નથી, હર્ષાશ્રુ છે.’

અચલનો મૂરઝાયેલો ચહેરો ક્રાંતિથી ચમકી ઊઠ્યો, ‘થેંક્સ બિની, તેં આજે મને સત્ય સમજાવી એક મૂંઝવણમાંથી ઉગારી લીધો છે. તારા જેવી સહૃદય મિત્ર મેળવવા બદલ હું અત્યંત ગર્વ અનુભવું છું.’
‘થેંક્સ અચલ, આપણે જિંદગીભર અરસપરસ એક મિત્ર તરીકે ચાહ્યા કરીશું. બન્ને એકબીજાનાં ઘરે સારા-માઠા પ્રસંગે મળતાં રહીશું. પતિ-પત્ની, બાળકોને કૉલેજના પુરાણા મિત્ર તરીકે પરિચય કરાવીશું. એકબીજાની હૂંફ ને ઓથ મેળવતાં રહીશું. બીજું શું જોઈએ જિંદગીમાં ?’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

50 thoughts on “મુગ્ધાવસ્થાનો મોહ – કલ્પના જિતેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.