જાપાનની હોનારત પછી… – નારાયણ દેસાઈ

[‘ભૂમિપુત્ર’ સામાયિક જુલાઈ-2011માંથી સાભાર.]

પ્યારી પુત્રી કાવુરી (કાઓરી),

તારી સાથે ઓળખાણ હતી એટલે જેવું સાંભળ્યું કે તારો દેશ એક સાથે ત્રણ ત્રણ મોટાં સંકટોમાં ફસાયો છે, તેવું જ મારું મન તારા ભણી દોડી ગયું. મેં જ્યારે તારા ઘરનાં સંબંધીઓ અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેં તો મને એક ગંભીર પ્રશ્ન પૂછીને વિચાર કરતો કરી મૂક્યો. તેં સાવ સહજ મને પૂછ્યું કે જો આજે ગાંધીજી હોત તો જાપાનના લોકોને શું કહેત ? તારે સારુ આ પ્રશ્ન સ્વાભાવિક છે, કારણ તને ગાંધીજીમાં ઊંડો રસ છે અને તું જાણે છે કે હું ગાંધીજીના ખોળામાં રમ્યો છું. પણ મારે માટે આ પ્રશ્ન કઠણ એટલા માટે છે કે : મને એમ થાય છે કે આવા પ્રશ્નનો જવાબ આપવાનો મારો અધિકાર કેટલો ? અને ગાંધી તો નિત્યવિકાસશીલ વ્યક્તિ હતા. એમના ગયાને પણ હવે 64 વર્ષ થયાં. મેં એમને જોયા-જાણ્યા તેને આધારે જવાબ આપું, પણ તેઓ તો આટલાં વર્ષોમાં ક્યાંયના ક્યાંય આગળ વધી ગયા હોત. એટલે મારો જવાબ કદાચ જુનવાણી પણ બની જાય !

પરંતુ તારા પ્રેમને વશ થઈને મારાથી બનતો જવાબ આપું છું. જો તને એનાથી સંતોષ ન થાય તો તેમાં મારો વાંક ગણજે, ગાંધીનો નહીં. અને જો તને થોડું ઘણું પણ સમાધાન થાય તો તું તારી સ્વતંત્ર અને નિર્મળ બુદ્ધિથી આ દિશામાં આગળ વિચારજે. તને અને તારી ઉંમરનાં બીજાં તરુણ-તરુણીઓને કદાચ તારા પ્રશ્નમાંથી જીવનોપયોગી દિશા સૂઝે. ગાંધીજી અત્યારે આપણી વચ્ચે હોત તો તેમનું હૈયું ઊડીને જાપાનીઓની વચ્ચે પહોંચી ગયું હોત. તેઓ કંઈ કરી શકત કે ન કરી શકત એની પરવા કર્યા વિના તેઓ તમારી વચ્ચે ઉપસ્થિત હોત. અને તમારા દુઃખમાં ભાગ પડાવત. તમારાં આંસુ એમનાં આંસુ બન્યાં હોત, જોકે કદાચ તેઓ પોતે આંસુ સારત નહીં. કારણ તેઓ જાણતા હતા કે માત્ર આંસુ સારીને કોઈનાં આંસુ લૂછાય નહીં. પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે દુઃખ વહેંચવાથી તેનો ભાગાકાર થાય છે.

તમારી ભાષામાં તો તેઓ બોલી નહોતા શકતા. પણ તેમની આંખો વિશ્વભાષા બોલતી હતી. એટલે તેમની આંખો જોઈને તમને સૌને સમજાઈ જાત કે જાપાન પર આવી પડેલી આ ત્રેવડી આપત્તિનો તમે લોકોએ જે શિસ્તબદ્ધ રીતે અને જાણે આખો દેશ એક હસ્તી હોય એ રીતે, પોતાની અંગત મુશ્કેલીઓને કોરાણે મૂકીને, બહાદુરીથી સામનો કર્યો અને આજે પણ કરી રહ્યા છો તે જોઈ તેઓ તમને અભિનંદન આપત. પરંતુ, તમે એમની આંખોમાં એ પણ જોઈ શક્યા હોત કે ગાંધી કંઈક ઊંડા વિચારમાં પડી ગયા છે. તેઓ થોડી વાર મૌન રહ્યા હોત. કદાચ તેમણે એકાદ ઉપવાસ પણ કર્યો હોત. ઉપવાસ એ એમની પ્રાર્થના કરવાની એક રીત હતી. અમારી ભાષામાં તો ઉપવાસ શબ્દનો અર્થ જ પરમેશ્વરની સોડમાં જઈને બેસવું એવો થાય છે. તેઓ પોતાના પ્રશ્નો પણ પરમેશ્વરના ચરણોમાં ધરી દેત અને દિલથી ચાહત કે તેમના શબ્દોમાં તેમના પ્રેમ જોડે પરમેશ્વરનું માર્ગદર્શન પણ ભળે. મૌન પ્રાર્થના બાદ તારા જેવા થોડા ઉત્સુક લોકો તેમને સાંભળવા ઈચ્છે છે એમ જોઈ તેમના મુખમાંથી કદાચ આવા કાંઈક શબ્દો નીકળત :

‘તમારી આ મુસીબતને વખતે તમને એમ કહેવું કે “મેં તો પહેલાં જ કહ્યું હતું” એ અવિવેક ગણાય. પણ જરાય ગર્વ વિના, પૂરી નમ્રતા અને પ્રેમ સાથે હું તમને એ કહેવા માગું છું કે આપણે આ આપત્તિને બીજી વારની ચેતવણી ગણીએ. પહેલી વારની ચેતવણી આપણને – આખી માણસ જાતને – હિરોશીમા અને નાગાસાકીમાં મળી ગઈ હતી. પણ દુનિયા આખીએ આવી તેજાબી ચેતવણી આગળ પણ આંખ આડા કાન કર્યા. ત્યાર પછીના દાયકાઓ સુધી આપણી માણસ જાતે એક બીજાની સામે મોતનાં શસ્ત્રોના ખડકલા જ કર્યે રાખ્યા. અને પાછું એને નામ રૂપાળું આપ્યું – ‘શીત યુદ્ધ !’ વળી પરમાણુ શસ્ત્રો અને પરમાણુ ઊર્જાનો સંબંધ ‘ચોલી દામન’નો હતો. એ આપણે ન સમજ્યા. પરમાણુ શસ્ત્રના શિકાર બનેલા તમારા દુર્ભાગી દેશે એ જ રસ્તો લીધો. ‘શાંતિ માટે અણુ’ એ તો પોતાની લાજ છુપાવવા માટેનું કહેવાતી વિકસિત દુનિયાનું એક મોટું બહાનું જ હતું. હવે તો એ પુરવાર થઈ ચૂકેલી વાત છે કે પરમાણુ ઊર્જા સ્વચ્છ નથી, સસ્તી નથી અને સલામત તો હરગિજ નથી. તમારા દેશે અણુઊર્જા પાછળ દોટ મૂકવાનું સ્વીકાર્યું તેની પાછળ કદાચ નીચેનાં કોઈ કારણો હોઈ શકે :

[1] તમારી પાસે ઊર્જા મેળવવાના બીજા સ્ત્રોતો પ્રમાણમાં ઓછા હતા.
[2] વિકાસ એટલે જરૂરિયાતો વધારવી એ વ્યાખ્યા તમારા નીતિ-નિર્ધારકોને પણ મનમાં વસી ગઈ હતી અને એવા વિકાસની હોડમાં તમારે બને એટલા આગળ રહેવું હતું.
[3] એકને ભોગે બીજાનો વિકાસ એ સાચા અર્થમાં વિકાસ જ નથી, એ વાત આપણે સાવ ભૂલી ગયાં.
[4] આપણી નજર ‘પશ્ચિમ’ ભણી જ રહી. એની આપણે એટલી હદ સુધી હરીફાઈ કરી કે એનાં મૂલ્યો, એની જીવનશૈલી, એની આખી સંસ્કૃતિ જ આપણો આદર્શ બની ગઈ અને આપણે આપણું આગવાપણું વિસારીને પશ્ચિમની નકલમાં લાગી ગયા અને કેટલીક બાબતમાં તો એને આંટી પણ ગયાં.
[5] આપણે એમ જ માનીને ચાલ્યા કે અમારી ટેકનોલોજી તો કદી ભૂલથાપ ખાય જ નહીં. આપણા પહેલાં બીજા એકથી વધારે મોટા દેશોએ પણ આમ જ માન્યું હતું અને ખસૂસ ભૂલો કરી હતી. તોયે આપણે પોતાને કદી ભૂલ ન કરનારા માનતા રહ્યા. ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ એટલી સાધારણ બુદ્ધિને આપણે અળગી જ રાખી.

તમારા ઉપર આવી પડેલી ત્રેવડી હોનારત પછી આખો વિચાર નવેસરથી કરવા જેવો નથી લાગતો ? સત્યના એક શોધક તરીકે પહેલી વાત તો મને એ યાદ દેવડાવવાનું મન થાય છે કે પરમાણુ હોનારતથી ફેલાતા વિકિરણના આંકડાઓ છુપાવવાનો જે પ્રયત્ન ચાલે છે એ ભારે મોટું જુઠાણું છે. તમારી પોતાની તેમ જ બીજા દેશોની પ્રજાઓને એ બાબત અંધારામાં રાખવાથી કોને લાભ થવાનો છે ? હા, કદાચ થોડાં મોટાં કોર્પોરેશનો કે એમને છાવરનારા (કે એમના ટેકાથી જીવનારા) થોડા રાજકારણીઓને કદાચ થોડો વખત આ જુઠાણાથી સલામતી લાગે. પણ પ્રજાનો તો તેમાં નકરો દ્રોહ જ થાય છે. વળી આ દ્રોહ માત્ર આપણી જ પેઢીનો નહીં, પણ પેઢી દર પેઢીનો છે એ વાત પણ કેમ ભુલાય ? સત્યને છુપાવવા મથનારા તમામ લોકો વિકિરણની લાંબા ગાળાની અસરો અંગે પૂરા વાકેફ તો છે જ, માત્ર આપણો લોભ આપણને આંધળા બનાવે છે. હિંસા અને અસત્ય બંને પાયાનાં સામાજિક પાપ છે. આપણા બધા પ્રશ્નોને આપને નવેસરથી તપાસવા પડશે. એ 3 પ્રકારમાં વહેંચી શકાય.
[1] વ્યક્તિના પોતાની જાત સાથેના પ્રશ્નો.
[2] વ્યક્તિ-વ્યક્તિ અને જૂથ-જૂથ વચ્ચેના પ્રશ્નો.
[3] માણસના કુદરત સાથેના વ્યવહાર અંગેના પ્રશ્નો.

[1] આપણે સૌએ હવે ઈચ્છાઓને કે વાસનાઓને વધારતા જવાને બદલે પોતાની જાત પર મર્યાદા મૂકી સામાન્ય બુદ્ધિવાળું ને વિવેકપૂર્ણ જીવન જીવવાની રીત શોધવી ઘટે. આપણો વિવેક આપણને સંતોષી જીવન જીવતાં શીખવે. સ્પર્ધાને બદલે આપણે સહકારની મનોવૃત્તિ કેળવીએ. કદી ન ખૂટનાર ભોગને બદલે ‘શેરીંગ’ અને ‘કેરીંગ’થી મળનાર આનંદને માણતા શીખીએ.

[2] આપણા ‘સ્વ’ના વર્તુળને વિસ્તૃત કરતાં કરતાં ‘સર્વ’ સુધી પહોંચવાની પ્રક્રિયા એ આપણી ભાવિ સામાજિકતાનો મુખ્ય આધાર બને.

હવે વિજ્ઞાન અને અધ્યાત્મનો સંગમ અનિવાર્ય થઈ ગયો ગણાય. આપણે આપણો દષ્ટિકોણ વૈજ્ઞાનિક બનાવીએ, જે આપણી દિશાને આધ્યાત્મિકતા પૂરી પાડે. જે વ્યક્તિને આંતરિક સમાધાન આપે, સમાજનાં અંગોને સમીપ લાવે અને પ્રકૃતિ સાથે સંવાદિતા સ્થાપવામાં મદદ કરે એવી સતત શોધ કરનાર વૃત્તિ તે વૈજ્ઞાનિક દષ્ટિકોણ. એમાં નિરીક્ષણ, પરીક્ષણ, મૂલ્યાંકન, ખુલ્લા મને ગ્રહણ અને પૃથક્કરણ આવે. અને ભૂલીએ ત્યાંથી ફરીને શરૂ કરવાની તૈયારી પણ આવે. અધ્યાત્મ એટલે આત્મા માત્રની એકતાનો અનુભવ. વળી જડચેતન તમામનો નિયંતા એક જ નિયમ છે તેનું ભાન. કર્તા, કર્મ, કૃતિ વચ્ચે અભેદભાવની અનુભૂતિ. વ્યક્તિથી માંડીને બ્રહ્માંડ સુધીની એકતા, એની સુસંવાદિતાનું ભાન એ અધ્યાત્મ. આ અધ્યાત્મ આપણને દિશા ચીંધશે. વિજ્ઞાન એ તરફ જવાની આવડત અને શક્તિ આપશે. આધુનિક દુનિયાએ સામાજિક-રાજકીય ક્ષેત્રમાં બે પ્રકારનો અનુભવ લીધો છે : નિષ્ઠુર તાનાશાહી, એકાધિપત્યવાદ અને ઉદારીકરણ કે વિશ્વીકરણને નામે સ્વાર્થી બજારીકરણ. બંનેમાં સાધારણ માણસને ભોગે કેટલાક લોકોએ લાભ લીધો છે. તેથી સમાજને નથી મળતી સ્વતંત્રતા કે નથી મળતી સમાનતા. બંને વ્યવસ્થાઓમાં બંધુત્વ તો જાણે કે લોપ જ થઈ ગયું છે. આ બંને પ્રકારની વ્યવસ્થાનો સામાન્ય દોષ કેન્દ્રીકરણ છે. કેન્દ્રીકરણથી માણસ માણસથી દૂર જતો રહે છે. તેમ કરવામાં શાસકો અને શાસિતો તેમ જ શોષકો અને શોષિતો બંને માણસાઈ ખુએ છે. માણસાઈ ભરેલી સમાજવ્યવસ્થા ઊભી કરવી હોય તો આપણે જીવનમાં ધરમૂળથી ફેરફાર કરવા પડશે. એટલે કે સમાજનાં મૂલ્યો બદલવાં પડશે અને સાથે સાથે સમાજનાં માળખાં પણ બદલવાં પડશે.

અમર્યાદ સંપત્તિ, નિરંકુશ સત્તા, અને હદબહારની મહત્વાકાંક્ષા આ ત્રણ આપણા સમાજને નષ્ટ કરનાર ત્રિદોષ છે. એને કાબૂમાં રાખવા માણસે પોતાની મનોવૃત્તિ ફેરવવી પડશે. લોભ, સત્તાકાંક્ષા અને અહંકારને જીતવા આપણે સતત પ્રયત્ન કરતા રહેવો પડશે. સમાજનાં મૂલ્યો બદલવા સારુ છેવટે તો વ્યક્તિની મનોવૃત્તિ જ બદલવાની રહેશે. ઈર્ષા, મહત્વાકાંક્ષા અને યુદ્ધને પ્રેરણા આપનાર સ્પર્ધાને બદલે આપણે પરસ્પર કાળજી રાખતો અને સુખદુઃખ વહેંચતા કેરીંગ અને શેરીંગવાળો સમાજ ઊભો કરવો પડશે. આપણા સમાજના માળખામાં આપણે એવા ફેરફાર કરવા પડશે કે જેથી સમાજના સંચાલનમાં સમાજના દરેક સભ્યની ભાગીદારી થાય. એ ભાગીદારીનો દરેક સભ્ય લાભ પણ ઉઠાવતો હોય અને એને સારુ જરૂરી એવી ફરજ પણ એ અદા કરતો હોય. જ્યાં લોકો એકબીજાને નિકટથી ઓળખતા હોય એવા સમુદાયમાં જ આ શક્ય છે. માટે આપણી નવી સમાજરચનાની ગોઠવણ નાના સમુદાયોવાળી કરવી પડશે. આને માટે ઘણાં સામાજિક નિરીક્ષણો ને પ્રયોગો કરવા પડશે. તમારી નવી પેઢીનું આ કામ છે. અમારી જૂની પેઢી જ્યાં સુધી સમાજને લઈ ગઈ છે, ત્યાંથી આગળ લઈ જવાનું કામ તમારું છે. માણસ જાતના ઈતિહાસમાં તમને આને મળતા કેટલાક દાખલાઓ મળી આવશે. તમારું કામ એનું અધ્યયન કરીને એમની વ્યવસ્થામાંથી સમાજને ટકાવનારાં તત્વો શોધી કાઢીને એને વિકસાવવાનું રહેશે. અલબત્ત આપણે જે નવી વ્યવસ્થા ઊભી કરવી છે તે કોઈ પુરાણી વ્યવસ્થાની નકલ તો નહીં જ હોય. આપણો પ્રયાસ પુરાણી વ્યવસ્થામાંથી સમાજ-પોષક તત્વો શોધી કાઢીને તેની કલમ નવી વ્યવસ્થાના પડકાર સાથે કરવાનો હોવો જોઈએ. તમને કદાચ આ બધું એક સ્વપ્ન સમું લાગે. પણ સ્વપ્ન જોયા વિના સમાજમાં કોઈ મહત્વનું પરિવર્તન થતું ક્યારેય જાણ્યું છે ? મને આ અઘરું નથી લાગતું. કારણ મારા અનુભવે કામ કરવાની મારી રીત વિષે મને શ્રદ્ધા બેઠી છે. એ રીત કંઈક નીચે મુજબની છે.

[1] આપણું ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ. સત્યની શોધ એ મને મારું ધ્યેય લાગે છે અને તમે પણ આ બાબત મારી જોડે સહશોધક બનો એવી મને આશા છે. મારા સત્યની શોધ મને વ્યક્તિગત ક્ષેત્રમાં સમતુલા તરફ, સામાજિક ક્ષેત્રમાં સમતા તરફ અને સૃષ્ટિ સાથેના સંબંધોમાં સંવાદિતા તરફ લઈ જાય છે. સત્યને હું ઈશ્વરની શ્રેષ્ઠ ઓળખ સમજું છું. મને એવું દર્શન ભલે પૂર્ણપણે ન થયું હોય, પણ મને એવો અનુભવ એટલો થયો છે કે મારી આ વિષેની શ્રદ્ધા પાકી બની છે.

[2] ઈશ્વર પર શ્રદ્ધા રાખીને હું મારા પ્રયોગોને મારી જાતથી શરૂ કરવામાં માનું છું.
[3] તરતો તરત પરિણામોની આશા રાખ્યા વિના ‘મારે એક ડગલું બસ થાય’ એ વૃત્તિથી હું ચાલું છું.

[4] આપણા કાર્યનાં બધાં ફળ આપણા હાથમાં નથી હોતાં. ફળની આશા રાખ્યા વિના કર્મ કર્યે જવું એ કદાચ સૌથી સુરક્ષિત અને નક્કર કાર્યપદ્ધતિ છે.

[5] મારા સેવા ક્ષેત્રને અને મારા પ્રેમ ક્ષેત્રના કુંડાળાને ક્રમશઃ વિસ્તૃત કરવા જવામાં હું માનું છું.

[6] મારી દરેક પ્રવૃત્તિ બાબત સાધન-શુદ્ધિનો મારો આગ્રહ છે. કદાચ એમ પણ કહી શકાય કે સાધન-શુદ્ધિ એ જ મારા એકમાત્ર આગ્રહનો વિષય છે. બીજી બધી બાબતે તડજોડ કરવા તૈયાર છું. સાધન-શુદ્ધિ એટલે કામ કરવાનો એવો માર્ગ કે જેનું દરેક પગલું લક્ષ તરફ લઈ જતું હોય, આડું અવળું ફંટાતું ન હોય.

[7] કામ ભલે થોડું કે નાનું હોય, પણ તે સતત થતું રહેવું જોઈએ. સાતત્ય કામને જે શક્તિ આપે છે તેવી શક્તિ કેટલીક વાર આંદોલનો પણ નથી આપી શકતાં.

[8] ધ્યેય ઊંચું રાખવું, પણ આંખો સામે નાનાં, પણ સિદ્ધ થાય એવાં લક્ષો રાખવાં.

આજની જટિલ પરિસ્થિતિનો વિચાર કરતાં સમૂળગું પરિવર્તન કરવાની વાત સાવ સહેલી નથી, એ હું સ્વીકારું છું. પણ આદર્શ તો એવો જ હોય ને કે જે પહોંચમાં હોય, પણ પકડમાં ન હોય ! તો જ એને સારુ પરાક્રમ કરવાની પ્રેરણા થાય. આપણી વ્યક્તિગત સજ્જતા મેં તને ઉપર જણાવ્યા તે મુદ્દાઓ મુજબ સાધી, એની સાથે સાથે જ સમાજ પરિવર્તન સારુ નીચેના રસ્તાઓ લેવા જોઈએ એમ મને લાગે છે :

[1] સૌથી પહેલાં તો આજની પરિસ્થિતિમાં રહેલાં એવાં તત્વો કે જે નૈતિક, સાંસ્કૃતિક કે અન્ય વિષયોમાં જીવન-મરણની કટોકટી ઊભી કરે છે, અને ભવિષ્યમાં કરી શકે એમ છે, તે બાબત ખૂબ મોટા પ્રમાણમાં લોકજાગરણ થવું જોઈએ. આ કામ વ્યાપક લોકશિક્ષણ દ્વારા જ થઈ શકે. એને સારુ પ્રચાર અને માધ્યમોનો પણ ઉપયોગ થઈ શકે. અને લોકજાગરણનાં નવાં વૈકલ્પિક માધ્યમોની શોધ પણ થવી જોઈએ. સમાજનો વિવેક જાગવો એ પરિવર્તનનું પહેલું પગલું છે.

[2] ત્યાર બાદ લોકોની શક્તિ સંગઠિત થવી જોઈએ. સંગઠન સત્તા કબજે કરવા સારુ નહીં. સત્તા કબજે કરીને પરિવર્તન પ્રયત્ન એ સાચો ક્રાંતિકારી પ્રયત્ન નથી. મોટેભાગે તો આવા પ્રયાસથી ચાલુ વ્યવસ્થા જ વધુ મજબૂત થતી હોય છે. નવું અને નક્કર સંગઠન તો નીચેથી ઉપર, નાના નાના સમુદાયોમાં, ગામડાંઓમાં અને મહોલ્લાઓમાં ઊભું થશે.

[3] વ્યવસ્થાને બદલવા જતાં ઠેક ઠેકાણે એનો સ્થાપિત હિતો દ્વારા વિરોધ થશે. એમને તો દુનિયા સામે ગમે તેવું સંકટ આવીને ઊભું હોય, તો પણ તેમાંથી પોતાનું હિત જ સાધવું હોય છે. એમની સામે શીંગડાં માંડવા જનારે એ વાસ્તવિકતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે સ્થાપિત હિતો સંખ્યામાં ભલે નાનાં હોય, પણ તે સંપત્તિવાન છે, સત્તાવાન છે અને સંચારનાં ઘણાંખરાં માધ્યમો પર તેમનો અંકુશ છે. સંઘર્ષ કઠણ અને લાંબો થઈ શકે છે. આ બાજુ પરિવર્તન ઈચ્છનારાઓની મોટામાં મોટી શક્તિ લોકશક્તિ છે. એ શક્તિ લાંબાગાળાના સંઘર્ષમાં છેવટ લગી તો જ ટકી રહે કે જો (અ) એમનામાં ફાટફૂટ ન પડે (બ) એ શુદ્ધ સાધનોનો ઉપયોગ કરવાના આગ્રહમાં તે મક્કમ હોય અને (ક) એને શુદ્ધ ચારિત્ર્યવાળું અને કુશળ નેતૃત્વ મળે. મને વિશ્વાસ છે કે તમારી સુસંસ્કારી, શિસ્તબદ્ધ અને ટકી રહેનારી પ્રજામાંથી જ આવું નેતૃત્વ તમને મળી રહેશે.

[4] ભલેને ખૂબ નાના પાયા પર હોય, પણ ઠેર ઠેર આપણે જેવી શાણી અને સ્વસ્થ સમાજરચના ઊભી કરવા માગીએ છીએ, તેના સંખ્યાબંધ નમૂનાઓ ઊભા થવા જોઈએ. આ નમૂનાનાં કેન્દ્રો આપણા આંદોલનની કરોડરજ્જુ બની રહેશે.’

બહેન, તારા નાના પ્રશ્નનો મેં, બાપુને નામે, લાંબો જવાબ આપ્યો, ક્ષમા કરજે. સાચો જવાબ તો તારા જેવા તરુણ-તરુણીઓએ શોધવાનો છે. એની પાછળ અખૂટ શ્રદ્ધા અને વિલક્ષણ કાર્યક્ષમતા જોઈશે. તમારી વાદ-મુક્ત બુદ્ધિ અને વિકારશુદ્ધ હૃદય તમને જવાબ શોધવામાં જરૂર કામ લાગશે. કાળે આપણી સામે કટોકટી ખડી કરી છે. એ કટોકટી જ આપણને વિચાર કરવા પ્રેરશે અને છેવટે સર્વમંગળકારી શક્તિ જ આપણને પુરુષાર્થ કરવા પણ પ્રેરશે, એવી શ્રદ્ધા સાથે.

તારામાં માનવીનું ભાવિ ભાળતો
તારો દાદાજી

(નારાયણ દેસાઈ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “જાપાનની હોનારત પછી… – નારાયણ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.