[ ગ્રામ્ય જનજીવન અને ગ્રામ્ય વિસ્તારની ઝાંખી કરાવતા પુસ્તક ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો.]
ગઈ કાલ સુધીના ગામની એક છબિ આંખેથી ઓઝલ થતી નથી. એ છબિ તે પાદરની. ચરોતરમાં પાદરને ભાગોળ કહે છે, પણ અમારા પંચમહાલમાં (તથા દક્ષિણે ભરૂચ સુરત તરફ) ગામના મુખ્ય પ્રવેશને પાદર કહે છે. પાદરેથી જ ગામ પરખાઈ આવે. પાદર એટલે ગામનો ચહેરો-મહોરો. માટેરી, નાળિયેરી બેઢાળિયાં ઘરોવાળાં ગામો…. એનાં મોટાં ફળિયાં…. પ્રત્યેક ઘર પછીતે મોટા વાડા, વાડામાં ખળું, ઘાસનાં કૂંધવાં, નાવાધોવાના પથરા ને પાણીનાં માટલાં તેય પછીતે. ઊતરતે ચોમાસે, શરદના દિવસોમાં સીમ ખળે ઠલવાય ને જોતજોતામાં વાડાઓમાં બધે ડાંગર-મકાઈ-બાજરીના ઘાસનાં કૂંધવાં મંડાઈ જાય. ગામ આવાં કૂંધવા વચ્ચે વસેલું લાગે…. ગામને પાદરે પણ કોઈકના વાડા પડતા હોય ને ત્યાંય ઘાસની ગંજીઓ કે પરાળના મોટા આંગલા મંડાયેલા હોય. લુણાવાડિયા પાટીદારોનાં આવાં ગામડાં આજેય મોકળાશથી વસેલાં લાગે છે.
પંચમહાલમાં પાદર વગરનું ગામ તમને ભાગ્યે જ મળશે. આ પાદર ગામની શોભા…. બધો વટ પડે કે પાડવાનો હોય તે આ પાદરમાં…. ઘણા કહેતા સંભળાય કે ‘વટ પડ્યો વડોદરે ટેસ પડ્યો ટેશને, પણ પોતાનું પાદર તે પોતાનું.’ ઘણે દા’ડે ઘેર વળતો મનેખ પણ પાદરની ધૂળમાં પગલું પાડે કે એના જીવને ટાઢક થાય. મા અને માટી બેઉ અહીં પર્યાય હોય છે.
મોટા પાલ્લાનું પાદર મોકળાશવાળું… ધોરીવાટ ગામ ચીરતી પાદરે આવીને અટકે…. તળાવની પાળે થઈને વહી જાય. પાધરી નાના પાલ્લાની બગલમાં થઈને દૂરનાં ગામે જવા…. બીજા બે ફાંટા અડખેપડખેની સીમમાં જાય…. ઓતરાદો ગાડાં ચાલી મહીસાગર તરફ વળી જાય… મારગ બધો ધૂળિયો… ધૂળ સાફ… આછી કરકરી ને વધારે સુંવાળી…. ગાડાચીલા વધુ રળિયામણા લાગે…. એની ટાઢીહેમ ધૂળમાં હુતુતુ ને ખોખો, લંગડી અને પકડદાવ રમવાનાં…. એ બહાને વાતવાતે બથોબથ પડવાનું…. ખરા લંગોટિયા ‘દોસ્તારો’ તે આ ધૂળમાં જોડે રમીને મોટા થયા હોય તે…. આખા પાદરમાં માફકસરની ધૂળ…. વચ્ચે રમવાના મેદાન કરતાં એટલી બધી જગા…. જૂની રમતો તો ગામને જાણીતી… પણ બાજુના ગામ મધવાસમાં હાઈસ્કૂલ આવી…. એમાં ભણનારા નીકળ્યા…. ને એ વૉલીબોલ લઈ આવ્યા… એમ એ રમવા સાંજે પાદરમાં થાંભલા ખોડીને નેટ બાંધીએ. આખા ગામનાં છોકરાં જોવા ઊમટે…. ખેતરે કામે જતાં-વળતાં લોક ઊભાં રહીને જુએ, અચંબિત થાય…. બાજુમાં વર્ષો જૂનો કૂવો…. કૂવે પાણી ભરવા આવતી સમવયસ્ક કન્યાઓ કે વહુવારુઓ દડો રમતા અમને જુએ એ ‘અવસર’ લાગે ને મનોમન જીવ પોરસાય… રમવા સારું પડાપડી થાય…. લાગવગ લગાડાય…. નેટ-દડાની પૈસાની ઑફરો મુકાય…. પછી તો એવાં બેત્રણ મેદાનો થઈ ગયાં… વડીલો જરા વીફર્યા…. ‘મારાં ઠેહાં ભણવું મેલીને આ દડો કૂટવાનું ચ્યાંથી શીખી લાયાં…. !’
પાદર અને ગામનીએક ધારે પીપળ નીચે શિવાલય… રમણીક અરાલવાળાની કવિતામાં આવે છે એવું – ખરેખરું ‘શંભુનું જીર્ણ દેરું……’ એને પતરાંની પડાળી… એમાં શીકામાં મૂકેલો ઘડો તે શિવજીની જળાધારી… ટપક્યા કરે…. ખાલી ઘડો અમેય ભરી દઈએ….. એના જીર્ણતૂટ્યા ઓટલે ખમીસ કાઢી આડા પડીએ….. ચોમાસે વરસાદ ખેંચાય ત્યારે શિવજીને પાણીમાં ડુબાડી અકળાવવા આખા ગામના મોટિયારો બપોરે હલ્લો કરીએ…. શિવજી અકળાય અને એકબે દનમાં વાદળાં થાય, પછી વરસાદ પડે…. અમને શિવજીમાં શ્રદ્ધા વધે. પીળી કરેણનાં ફૂલો સિવાય ત્યાં કદી બીજાં ફૂલો ભાળ્યાં નથી…. ગામમાં શિયાળે હજારીગલ થાય કોકના વાડામાં… ક્યાંક મળે બારમાસી…. બાકી ફૂલો તો લકઝરી ગણાય મારા ગામમાં, આજેય ! એ શિવજીની પૂજા કરવા મધવાસથી એક વૃદ્ધ બ્રાહ્મણ સોમવારે આવતા…. ઘી-આટો ઉઘરાવીને પાછા વળી જતા.
પાદરના કૂવા પાસ ચૉરો – એની પડખે બે પાળિયા. લડતાં લડતાં ખપી ગયેલા કોક રાજપૂતની કથા એમાં જોડાયેલી. હોળી-દિવાળીએ આ પાળિયાની પગથારે દીવા મુકાય. બાકી ચૉરે નિશાળેથી નાસી આવેલાં ટાબરિયાં પત્તાં રમવાનું શીખ્યા કરતાં… ઓતરાદી પા નિશાળનું નોંધારું ને નવું મકાન થયેલું. રાવજીની નવલકથાની નાયિકા ‘લલિતા’ બદલી થઈને રાવજીના ગામની નિશાળમાં જાય છે. એ વાંચું ત્યારે લલિતા હંમેશાં મને આ મારા ગામની નિશાળમાં ભળાઈ છે. કેમ કે એમાં એક એવાં શિક્ષિકાબહેને ઘણાં વર્ષો નોકરી કરી છે. જાતે સંસાર મૂકીને શિક્ષણ સ્વીકારેલું. સદાય સફેદ વસ્ત્રોમાં એમને જોયેલાં…. ને ‘મીરાં’ના નામોચ્ચાર ટાણેય મનમાં પાછાં એ જ મૂર્તિમંત થઈ રહે. મારી નિશાળ તો કોઠિયે ને પડસાળે બેઠેલી…. આ તો નવી નિશાળ ! પણ એમાં ઘણી વાર માસ્તરોનાં ચા-પાણી, ડોડા શેકવા, ભજિયાં-નાસ્તાની મહેફિલો વિશેની વાતો થાય…. પાદરની શોભામાં ખસૂસ વધારો કરતી એ નિશાળ આજેય ઉજ્જડ પાદરે નતશિરે અદબથી ઊભી છે. એ દેખાય….! કૂવાની સામે મોટો વડલો. બાજુમાં આઘો ખખડધજ લીમડો. વડ મૂકો ને નાનકડી તળાવડી. વડની બીજી તરફ મકતી જગા. એમાં ફાગણી પૂનમે હોળી પ્રગટે. તળાવડીની સામે પાર બે કોઠીનાં ઝાડ. એ ઝાડ નવા વર્ષે ઝાયણીએ દર્ભની વણેલી તોરણે બંધાય. ગાયો ભડકાવવા લોક ભેગું થાય. હોળી પ્રગટે એ જગાની બાજુમાં બે મોટાં આંબલીનાં ઝાડ, એ ભૂતઆંબલી કહેવાય. રાતે બાર વાગ્યા પછી પાદરમાં ચૉરા પાસે જોગણીઓ રમવા ઊતરે. ગરબાની ઘૂમર મંડાય. જોનારું છળી જાય તો તાવ ચડે ને મરણ થાય એવી વાયકા. પાદરમાં ત્રિભેટે બેડિયાં મુકાય ને ઉતાયણાં (રોગદોગ વળેલાં મંત્રતંત્રનાં પાણી કંટાળાં-ઘડા વગેરે…..) નીકળે. દિવસે કૂવાકાંઠો ખાલી જ ન પડે, રમનારાં છોકરાં, વડ નીચે વાગોળતાં ઢોર, વટેમાર્ગુઓ, પણ રાતે પાદર ભેંકાર, વાતો એવી વહેતી થયેલી કે નબળોપાતળો જીવ એ તરફ સાંજના નવ પછી ડફેર પણ ન મારે….
પાદર પ્રસંગે ટાણે ઘરઆંગણું. પરણવા ઊઘલીને આવતી જાનનો મુકામ પાદરના વડ નીચે. કન્યાવિદાયની ભીની ક્ષણો તળાવની પાળેથી વિખૂટી પડે. સીમંતવાળી વહુવારુ શિવજીને પગે લાગવા આવે ને પાળિયાઓનાં દર્શન કરે. વરને ગાનારીઓ અહીં પાછી ધારો રમે. ગામના પરણવા ચઢેલા યુવાનોનાં ફૂલેકાં પાદર ચંપાઈને પાછાં વળે. એમાં પ્રેમીઓનાં આંખ-મન મળ્યાંના લહાવા ભળે. હોળીના ઢોલ પણ અહીં ઢબૂકે. સાઠ વર્ષના કણબી એવે ટાણે તાનમાં આવી દાંડિયા રમે. પગી-બારિયા ઢોલ સાથે વેશ કાઢી રમવા આવે. ચાર ચાર ગામના ઢોલ ભેગાં થાય. ગામો ઊમટે, યૌવન રમણે ચઢે. જોનારાંથી ઝાલ્યાં ન રહેવાય એવા થનકારા થાય. હોળીએ શ્રીફળ ચારવા નવા પરણેલા મોટિયાર આવે ને પહેલી વાર દીકરાના બાપ બનેલા ફરજિયાત આવે. નારિયેળની બાધા થાય. દીકરાને પગે લગાડાય. વહુદીકરીઓ ઘૂમર માંડીને ગાય :
‘ઊંડો કૂવો તે માદળ સાંકડો રે…
અલ્યા સરખી સાહેલીની જોડ્ય મારા વાલા….’
ફાગણી પૂનમની ચાંદનીમાં પાદર પલળી જાય. સૌ નિરાંતે બેસે, વાતે ચઢે. ક્યાંક નવી આવેલી વહુવારુઓ ધૂળ ઉડાડી ધૂળેટીનો આરંભ કરે. કોક દિયરિયો ભાભીના ઓરતા પુરાય કરે. ધીમે ધીમે હોળી ઠરે. ટાઢ લઈને શિયાળો નદીકાંઠે ચાલ્યો જાય. ઉનાળાના બાકળા ભૂતઆંબલીએ વેરીને લોક ઘેર જાય, હોળીનો ચોકીદાર રહે – એ જ જાણે ઉનાળો !
બેસતા વર્ષનો દા’ડો તે ઝાયણી. દેશદેશાવર – અમદાવાદ, વડોદરે કે સુરત કમાવવા ગયેલા માટિયારો, કારખાનેદારો, માસ્તરો ને મહેતીઓ દિવાળી ઉપર અચૂક ઘેર આવે. ઝાયણીની સાંજે બધાં ભેગાં થાય પાદરમાં. ગોવાળ દર્ભઘાસના ભારા લાવ્યા હોય, એમાંથી જાણતલ વડીલો સાત પૂતળીઓવાળી ઝાડી તોરણ વણે. નોકરિયાતોનાં ઊજળાં ને નવાં કપડાં ઘેર રહેનારાં કુતૂહલથી જોઈ રહે, કોક ભાવ પૂછે. અચંબાથી આંખો પહોળી કરે. સૂતળી બૉમ્બ ફૂટે, પરદેશી હવાઈ ને બલૂન લાવ્યા હોય તે ચઢે. ગાયો તોરણ ચઢાવવા માટે ભડકાવીને લાવે. લક્ષ્મી છાપ જાડા ફટાકડા ફૂટે. ગાયો ભડકે ને દોડે, જેની ગાય તોરણ નીચેથી પહેલી પસાર થાય તેને ઘેર ગોળધાણા ખવાય. તારામંડળ સળગે ને સૌ લોક બબ્બેની લાઈનમાં થઈને ખભેખભો મિલાવી, ‘રામરામ’ બોલતાં બોલતાં ભેટે-મળે. આખા વર્ષનાં વેરઝેર ભૂલીને મળે ને થોડી વારમાં પાછું પાદર અંધારું ઓઢીને એકલું થઈ જાય. નવું વર્ષ ઘેર ઘેર દાળભાત કંસારમાં પડે. એ જ મીઠાઈ ને એ જ મેવા. વાત પાછી વર્ષને ઓથે પડે. ગંભીર વડ બધી વાતનો સાક્ષી બની રહે.
આ પાદરે જતીવળતી જાનના વિસામા થાય. હાથીવાળા બાવાઓ પડાવ નાખે. દોરડે ચાલનારા નટના ખેલ થાય. ભવાઈના વેશ અને અમે કરેલાં એવાં નવા જમાનાનાં નાટકો થાય તેય આ પાદરમાં. લવારિયા ગાડાંના પૈડે વાટો ચઢાવવા આવે, જિપ્સીઓના ડેરા પડે. માગનારા રાવળિયા પણ પાદરે ઊતરે. ગામમાં મરણ ટાણે કાણે-મોંકાણે આવનારાં બૈરાં પાદરે પહેલું મ્હોંવાળે ! આદમી ત્યાં એકઠા થઈને પછી આગળ વધે. વળતાં બધાં પાદરેથી વિખરાય. છાનાંછપનાં મળનારાં કાઠી છાતી રાખીને રાતે પાદરમાં ખૂણેખાંચરે મળે, ભૂતપ્રેત એમને કાંઈ ન કરે. સીમના રખોપિયા અધમધરાતેય પાદર પાર કરી જાય – આવે. મરણ પામનારની નનામી પાદર થઈને પહોંચે મહીકાંઠના મસાણે. સૌભાગ્યવતીના ચૂડા ફૂટે પાદર તળાવની પાળે. રોન ફરનારા પાદરેથી દિશા વહેંચીને નીકળી પડે. પાદરેથી ગાડાં જોડાય પરગામ જવા ને પરગામીનાં ગાડાં છૂટે આ પાદરે.
મધવાસ ને મુવાડાનાં મનેખ પાદરને ‘ગુંદરો’ કહે, એટલે કે ગોંદરો. એવાં ગામોમાં પાદરે મંદિર હોય, ડેરી કે પંચાયતઘર હોય, નાની હોટેલ-હાટડી કે એકાદ પાનનો ગલ્લો મળી આવે. નવો જમાનો બેઠો છે – હવે પાદરે ચહેરો બદલાવી લીધો છે. બસ સ્ટેન્ડોએ પાદરને વરવાં કે વિકૃત કરી નાખ્યાં છે. નબળાં લોકના અડ્ડા બની ગયાં છે પાદર તો. મારા ગામનું પાદર ઊજડી ગયું છે. ’73માં પૂર ગામમાં ફરી વળેલાં. નીચી ફળી ને લુહારવાડો જમીનદોસ્ત થઈ જતાં ગામ અડધું નવી વસાહતે વહી ગયું. હવે શિવાલય નથી રહ્યું. શિવજીને નાની દેરીમાં જેલવાસ અપાયો છે. ચોતરો પડી ગયો છે, પાળિયા પથરાને ટેકે ઊભા છે. કૂવાની વંડીઓ તૂટી ગઈ છે. લીમડો કપાઈ ગયો છે. વડ પાંખો પડી ગયો છે. તળાવડી દબાણોમાં ચાલી ગઈ છે. ભૂતઆમલીને ભૂતાં ખાઈ ગયાં છે. એકલીઅટૂલી નિશાળ નિરાશામાં ગરક છે. ઊબડખાબડ પાદરે હવે હોળી-ઝાયણી ઝાંખાં પડીને ભૂંસાવા માંડ્યાં છે. પાકી સડકના સ્ટેન્ડે ગામ વળી જતાં પાદર ‘પાધર’ થઈ ગયું છે, પણ મારા મનમાં પાદર હજી અકબંધ છે.
[કુલ પાન : 176. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : બાબુભાઈ એચ. શાહ. પાર્શ્વ પબ્લિકેશન. નિશા પોળ, ઝવેરી વાડ, રીલિફ રોડ, અમદાવાદ-380001.]
17 thoughts on “પાદર – મણિલાલ હ. પટેલ”
ખરેખર ખુબ સુન્દર વાત..
ગામડાની તો વાત જ નિરાળી છે,…….
મારા ગામ વિશે આપની નિંબધ માં સમાવેશ કરેલ તે બાબતે મણીકાકા ને આભાર. હુ પણ મધવાસ ગામ નો વતની છું ને જે રીતે વણૅન કરેલ છે. તે એક અદભુત ને આહલાદક છે.
હું વષૅ માં બે વાર જાવું છું દીવાળી ને ઉનાળા ના વેકેશન માં પણ એક વાત તો ચોક્ક્સ છે કે દીવાળી તો મારા અમદાવાદ કરતા મને મધવાસ ગામ ની જ કરવી ગમે છે. કારણ કે કોઈપણ ગામની વ્યક્તિ અન્ય શહેર માં રહેતા હોય પણ દીવાળી માં તેઓ ગામ માં કરતા હોય છે. પરઢોયે ૬.૦૦ – ૭.૦૦ વાગે ગામના પાદરે મહાલક્ષ્મી, ને ૫૦૦ વષૅ શિવજી નું મંદિર છે. ત્યાં એકઠા થતા હોય છે. ને રામ કરી ને ભગવાન ન દશૅન કરી આખુ વષૅ મંગલદાયી નીવડે તેમ કરી છુટા પડીએ ને પછી ગામ મા એકબીજા ને ત્યાં મળવા જાઈએ છે.
આવું ક્યા શહેર માં જોવા મળે મિત્રો.
આભાર ફરી એકવાર મ્રુગેશ ભાઈને ને મણિલા કાકાને
કૌશલ પારેખ
૯૯૨૪૯૮૨૦૦૪
મોસાળ યાદ આવી ગયુ. જ્યા બાળપણના શરૂઆતન પાંચ વર્ષ વિતાવ્યા છે. મને તેની ઝાખી હજુ પણ યાદ છે. ક્યારેક વિચાર આવ છે કે મારા બાળકને આ બધું જોવા નહી મળે ત્યારે એમ વિચારીને મન મનાવી લઉં છું કે, એ જ્યારે એની યુવાવસ્થામાં પ્રવેશશે ત્યાર નો વખત એવો હશે કે મારી જેમ અને પણ એનાં સંભારણા હશે.
લેખ વાંચતા આપણાં વતન ની યાદ તાજી થઈ ગઈ. આ લેખ માટે મણીભાઈ નો ખૂબ-ખૂબ આભાર.
અહી લેખકે કરેલ ગામના પાદર નું વર્ણન એટલું બધું આત્મીયતા , કે ના પૂછો વાત, હું પણ ગામ મજ રહું છુ , પણ લેખક ને હું નસીબવાળા ગણીશ કે એમને આવા પાદર નો સહવાસ માનેલો છે . આવું સુંદર વર્ણન કરવા બદલ આભાર.
મુ.વ. મણીલાલભાઈ
આપ માત્ર લેખક જ નહિં, શબ્દ ચિત્રકાર પણ છો. એમ કહું તો પણ ખોટું નથી કે અમો ગ્રામ્ય જીવનથી દુર્ભાગ્યે જોજન દુર રહ્યા છીએ. આપના શબ્દોમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મીત્રો દ્વારા થતી વાતચીત પરથી સચિત્ર લેખ વાંચી-જોવા મ/યાનો આનંદ થયો. આજના કહેવાતા ૨૧મી સદીના ભૌતિક સુખો કરતા અઢારમી સદીના શબ્દો ચિત્રો જીવન જીવવા બળ પુરૂં પાડે તેવા છે તેટલું જ નહિં સાથોસાથ પરમાત્મા સમક્ષ આપશ્રી દ્વારા ખડું કરેલ વાસ્તવિક શબ્દ ચિત્ર ફરી ભાવી પેઢી માટે મૂર્તિમંત થાય તેવી પ્રાર્થના – અભ્યર્થના કરવી અઘટતી નહીં જણાય.
પિયુષના પ્રણામ.
આભાર મ્રુગેશભાઈ, આપ આવા જિવન્ત લેખોદ્વારા ગામડાને જેને ગામડુ જોયુ પણ નથી તેવાઓના હ્રુદયમા ધબકતુ રાખો છો.
આજેતો મોટાભાગના લોકોનો ગામડા સાથે સમ્પર્ક તોૂટ્જ ગયો છે. મને લાગેછેકે અત્યાર્સુધિ લોકો શહેર જોવા આવતા પણ કાળક્ર્મે
લોકોને ગામડુ જોવા જવુ પડશે અને એ લ્હાવો તેમના માટે એક પિક્નિકથિ જરાય ઓછો નહિ હોય.
લેખકે ગામડાનુ આબેહૂબ વર્ણન તેમનિ પોતાની શૈઇલીમા, તળ્પદા શબ્દોનો ઉઅપ્યોગ અને અસલ લઠણમા , સ્વભાવિક્તિ
અલન્કારનો ઉપયોગ કરિને આપણિ પાસે તાદ્રુશ્ય ખડુ કરિ દિધુ છે. ગામડા કદાચ તુઉટશે તોય લેખકોના આવા વર્ણનો અને સાહિત્ય
દ્વારાતો જીવન્ત સદાકાળ માટે રહેશે જ રહેશે…આભાર મણિભાઈ.
એક્દમ ગામ ને પાદરે આવિ ગયા હોય તેવુ લાગ્યુ. એક દમ અદભુત નિરુપન્. લેખક તથા મ્રુગેશભાઈ ને અભિનન્દન
KETLU JIVANT SHABDACHITRA CHHE.VANCHINE MARAMANO NANO BALAK JAGI GAYO.MOSAL MA RAHINE
AA SUKH MANYU CHHE.Have to badhu j paltai gayu chhe.
nice
i like very much
thnx 4 that
ખરેખર ગ।મની ભ।ઞૉળે જ ઉભ। હૉય અવુ લ।ગ્યુ.
પાદર એટલે પાદર
પાદર કોઇ પણ ગામનુ હોય
મારા ગામમાથી હુ ૧૯૮૨થી નોકરી માટે બહાર રહુ છુ
……પણ ગામના પાદરના આ વર્ણન વાઁચતા મને મારા ગામનુ પાદર સાભળી આવે છે
એ પાદર…પનીહારીઓની આવન જાવન…ઢોરનુ ધણ….પાદરની નિશાળ્……..પાળીયા…………વડનો ઓટો
.પાદરનુ મદીર…………કેટ કેટ્લી વાતુ તથા બનાવનુ સાક્ષી હોય છે પાદર…………..વાહ મણીકાકા વાહ……….
જી.જી.હેરમા
ગાધીનગર્
(વતનઃ બજરગપુરા તા. લખતર જી સુરેનન્દ્રનગર્)
બહુ મજા આવિ, પાલ્લા યાદ આવિ ગયુ
અમારાં ગામનું “પાદર” યાદ આવી ગયું ! ખુબ મજા પડી.
મુ.મણિલાલભાઈ.
સુંદર વર્ણન કર્યું પાદરનું. અમને વતન વાગોસણાનું પાદર યાદ આવી ગયું. … પણ હવે, આ સઘળાં પાદર મટી પાધર થયાં … તેનું દુઃખ કોને કહેવું ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
મુ.મણિલાલભાઈ.
આપના ઘણા લેખો વાચિઆ. આજે પણ તમારુ નામ પડે ને વાચવ્વા બેસી જાવ. આ લેખ પણ બસ અનયસ વાચવા મળ્ય , સુંદર વર્ણન કર્યું પાદરનું. મને વતન ઊદવાડનું પાદર યાદ આવી ગયું. લાગે બધા ગામના પાદર એક સે… મુ.કાલિદાસ વ. પટેલ ની વાતે સમ્મત થતા હવે, આ સઘળાં પાદર મટી પાધર થયાં … તેનું દુઃખ કોને કહેવું ? વાત સાચી પણ સ્વીકારવી રહી. આભારસહ્….. અમૃત પટેલ
વાહ મારા ગામની યાદ આવી ગઈ. આ બુક ઓનલાઈન ક્યાય મળે છે ?