- ReadGujarati.com - http://www.readgujarati.com -

મનની અમીરાત – મોહનભાઈ અગ્રાવત

[ પુનઃપ્રકાશિત : રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી મોહનભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ]

કવિઓની કલમે સૌરાષ્ટ્રની ધરાને ‘સોરઠ રતનની ખાણ’ એવી સુંદર ઉપમાઓથી બિરદાવી છે, કારણ…. આ ધરતીમાં અનેક નરરત્નો નીપજ્યાં છે જેના ઉચ્ચ માનવીય મૂલ્યોસભર સંસ્કારોના, દાતારીના, શુરવીરતાના સૌથી વધુ રૂડા પ્રસંગો ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરોએ અમરત્વ પામી, માનવજાતને સદૈવ પ્રેરણાદાયી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં દુષ્કાળના કપરા સમયમાં પણ એક અદના માનવીની મનની અમીરાતના સુંદર દર્શન કરાવે એવો એક પ્રસંગ બનેલો….

સૌરાષ્ટ્રના જેતપુર પરગણામાં આવેલ ખોબા જેવડું રળિયામણું દેરડી નામે ગામ. ગામમાં મોટી વસ્તી આહિર, રાજપૂત, પટેલ, વણકરની, સૌ હળીમળીને સંપીને રહે. એ સમયે સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળના ઓળા ઉતર્યા. માનવીને અન્નના દાણા માટે વલખાં મારવા પડે, ત્યાં માલ ઢોરની તો શી વલે થાય ! દેરડી ગામમાં પૂંજા આહિરનું ખોરડું ખાનદાનીમાં પંકાતું. આહીરની એક દીકરી, નામ એનું હીરબાઈ. એ બાજુના ગામે સાસરે… હીરબાઈનું ઘર ગરીબ, એમાંય પાછો માથે દુષ્કાળ, અન્નનો દાણો પણ ઘરમાં નથી…. રાત-દિવસ એક જ ચિંતા કે આ વરસ કેવી રીતે પાર ઉતરીશું. એવામાં હીરબાઈની નજર એકના એક ફૂલ જેવા દીકરા પર પડી. આ ફૂલ જેવા દીકરા માથે ભૂંડી ભૂખનો ઓછાયો પડશે એ ખ્યાલે મન બેચેન બન્યું. એકાએક વિચાર કર્યો કે લાવ પિયરમાં જઈને ભાઈને કાને વાત નાખું. જો થોડા અનાજ-પાણીનો જોગ થઈ જાય તો આ કપરો કાળ ઉતરવામાં મદદ મળી રહે. હીરબાઈ સવારમાં વહેલી ઊઠી અને પતિની રજા લઈ પિયર જવા તૈયાર થઈ. નાનકડા દીકરાને વહાલથી પૂછ્યું, ‘બેટા, તારે મામાને ઘેર આવવું છે ને ?’ દીકરાએ ખુશ થઈ માથું ધુણાવ્યું. દીકરાના ફાટેલા કપડાંને સાંધી, પહેરાવી, માથું ઓળાવી, કપાળમાં ચાંદલો કરી… મા-દીકરાએ પિયરની વાટ પકડી.

હીરબાઈને પિયરમાં આવતાં હૈયામાં પરમ શાંતિનો અનુભવ થયો. ગામનું એ જ પાદર… એ જ વડલો, એની વડવાઈઓ… એ પનઘટ.. બાલ્યકાળના દિવસો હીરબાઈની સ્મૃતિમાં તાદશ્ય થયા. પાદરમાંથી પસાર થઈ, હીરબાઈ તેના ઘર તરફ સાંકળી શેરીમાં વળી. ત્યાં તો હીરબાઈના ભાઈએ ઓશરીમાં બેઠા બેઠા ડેલીમાંથી જોયું કે બેન ચાલી આવે છે… તરત જ તેની પત્નીને બોલાવીને કહ્યું, ‘જો, બેન આવતા લાગે છે… એક તો દુકાળનું વરસ છે…..અને બેન ક્યાંક દાણા-પાનીની માંગણી કરશે, તો આપણે પણ મુશ્કેલીમાં મુકાઈશું. તો એમ કર ને કે, તુ જ કહી દે જે કે તમારા ભાઈ બહારગામ ગયા છે.’ હીરબાઈએ તો ભાઈને દૂરથી જ જોઈ લીધેલા પરંતુ આ વાતની ભાઈને ખબર નહિ. હીરબાઈ જેવા ડેલીમાં હરખાતા આવ્યા, ભાભીએ લુખ્ખો આવકાર આપ્યો…
‘આવો બેન આવો… સૌ મજામાં તો છે ને…’
હીરબાઈએ કુશળ સમાચાર આપ્યાં પણ ભાઈને ન જોતાં આમતેમ જોયા પછી બોલ્યા, ‘ભાભી, મારા ભાઈ…’
ત્યાં વચ્ચેથી જ તેના ભાભી બોલ્યા, ‘તમારા ભાઈ તો બહારગામ ગયા છે. આઠેક દિવસે આવશે.’
હીરબાઈને તો જાણે કોઈએ ધગધગતો ડામ દઈ દીધો હોય એવી વેદના હૈયામાં થઈ આવી. અરે…રે… મારો માડીજાયો ભાઈ પણ…. દુકાળ સંબંધોનો અને માણસાઈનોય પડી ગયો ? હીરબાઈનું અંતર મન વલોવાઈ ગયું. તેની આંતરડી કકળી ઉઠી… ‘ઠીક ભાભી, આ તો બાજુના ગામે આવ્યાં હતાં તે થયું કે લાવ ભાઈ-ભાભીને મળતી જાઉં. મારા ભાઈ આવે પછી તમે અને મારા ભાઈ એકાદ આંટો દઈ જાજોને.’ આમ કહી હીરબાઈએ વાતને સંભાળી લીધી.
‘ઠીક ત્યારે ભાભી… જે નારાયણ…’ આટલું બોલતાં હીરબાઈને ગળે ડુમો બાઝી ગયો. તે ભાઈની ડેલી બહાર નીકળી ગઈ. આજે આ ડેલી નહી પણ જાણે કોઈ ડુંગરો પાર કર્યો હોય એવો થાક અનુભવ્યો. પગ તળે જાણે ધરતી સરકતી લાગી. નાનકડો ફૂલ જેવો દીકરો ઘડીવારે મા સામે જુએ ને મૂંઝવણ અનુભવે. દીકરાએ કુતૂહલવશ નિર્દોષભાવે સવાલ કર્યો, ‘મા, આપણે મામાને ઘેર રહેવું નથી ?’ હીરબાઈની આંખોમાં આંસુઓનો સમંદર જાણે હમણાં વહી જશે. મન કઠણ કરી, આંખો લૂછી, પણ કાંઈ જવાબ ન આપી શકી. દીકરાને આંગળીએ લઈ પાદરમાંથી નીકળી.

ગામના પાદરમાં જ એક નાનકડું મકાન, ડેલી બહાર આંગણામાં ખાટલા ઉપર એક અડાબીડ સંસ્કારી માનવી વાજસુરભાઈ મહેતા બેઠા છે, એની અનુભવી અને પારખુ નજરે જોયું કે આ બેન હમણાં જ ગઈ અને તરત જ કાં પાછી વળી ? ઘરે કોઈ નહીં હોય ? તરત એણે સાદ દીધો.
‘બેન, જે નારાયણ…’
ધીમે અવાજે હીરબાઈએ ‘જે નારાયણ’ કહીને કુશળતા પૂછી ‘નરવા છો ને ભાઈ ?’
‘હા બેન.’ અને પૂછ્યું ‘તે બેન તરત જ કાં પાછા વળ્યાં ?’
‘એ તો ભાઈ ઘરે નથી એટલે !’
‘તો શું થયું ? અમે નથી ? પણ ભાઈનું ખાસ કામ હતું ? ’ વાજસુર મહેતા બોલ્યાં.
‘ના, ભાઈ એવું તો કાંઈ નથી.’ હીરબાઈ માંડ માંડ બોલી.

પરંતુ દુકાળનો ભયંકર સમય અને હીરબાઈના રડમસ ચહેરાની વેધકતાને નિહાળતા આ સંસ્કારી જીવને પરિસ્થિતિને સમજતાં વાર ન લાગી.. તરત જ અંદર તેમના પત્નીને સાદ કર્યો, ‘એ સાંભળ્યું…?’
અંદરથી તેમના પત્ની સાડીના છેડાથી હાથ લૂછતા બહાર આવ્યા, ‘બોલો’
‘બેન આવ્યા છે.’
જ્યાં બેન આવ્યાં છે શબ્દો સાંભળ્યા ત્યાં તો આ સંસ્કારી નારીએ રૂડો મીઠો આવકાર આપ્યો અને બોલી, ‘અરે…રે.. બેન જેવા મહેમાન આપણા આંગણે ક્યાંથી ? તરત દોડી ઢાલીઓ ઢાળી ઉપર મખમલી ગોદડું પાથરી હીરબાઈને બેસાડ્યા. યથાશક્તિ સત્કાર કર્યો.
વાજસુર મહેતાને પત્નીને કહ્યું, ‘ગાડામાં બાજરો ભરો ને !’ પતિની વાતનો મર્મ પામી એક પણ સવાલ કર્યા વિના આખું ગાડું બાજરાથી છલકાવી દીધું. વળી મહેતાએ કહ્યું, ‘એક સો રૂપિયા આપજો.’ તરત જ ઘરમાં જઈ પટારો ઉઘાડી કલદાર સો રૂપિયા મહેતાના હાથમાં મૂક્યાં. મહેતાએ કહ્યું :
‘લે બેન, ભાઈ ઘરે નથી તો શું થયું. મૂંઝાશો મા. આપણે સૌ સાથે રમ્યા. મોટા થયા. તમે મારા બેન જ છો ને. કાંઈ ચિંતા કરશો નહિ. સૌનો ઠાકર મહારાજ છે ને….’ જાણે ધગધગતા રણમાં કોઈ વાદળીએ અમીધારા વરસાવી હોય એવી ટાઢક હીરબાઈના હૃદયમાં થઈ અને આ અમીરાતભર્યા પરિવારને નીરખી રહી.

ત્યાં મહેતાએ તેની પત્નીને પૂછ્યું : ‘ભાઈ (એટલે એનો દીકરો) ક્યાં ગયો ?’
પત્નીએ કહ્યું : ‘બજારે ગયો છે. બોલાવું ?’
‘હા’
એટલામાં તો એમનો દીકરો આવ્યો.
‘હા બાપુ. બોલો શું કામ છે ?’
‘તે તુ જાને, આ ફઈબાને એમના ગામ મૂકી આવ.’
‘ભલે બાપુ.’ દીકરો બોલ્યો.
‘લ્યો બેન ઝટ ગાડે બેસી જાઓ. પાછું મોડું થશે.’ મહેતા બોલ્યા.
હીરબાઈ ગાડે બેસી, દીકરાને ખોળામાં લીધો. અમીનેષ નજરે અંતરના આશિષ આપતી, પાછું વળી વળીને જોતી જાય.. થોડીવારમાં ગાડુ ધૂળની ડમરીઓમાં અદશ્ય થયું.

આ તરફ મહેતાએ પત્ની સામે જોયું તો એની આંખમાંથી દડ દડ આંસુડાની ધાર વહેતી જોઈ. મહેતાને આશ્ચર્ય થયું એટલે પૂછ્યું, ‘કેમ બેનને આ બધું આપ્યું ઈ તને ગમ્યું નહિ ?’
પત્ની બોલી : ‘તમારી સાથે ચોરીના ચાર ફેરા ફરીને આવી ને આટલો વખત આપણે સાથે રહ્યાં તોય તમે મને જાણી ન શક્યા ? મને તો દુ:ખ એ વાતનું થાય છે કે આપણો દીકરો બેનને મૂકવા ગયો છે તે જો બેનને કંઈ આપ્યા વિના પાછો ફરશે તો મારા સંસ્કાર લજવાશે.. આપણે આપણી શક્તિ મુજબ બેનને જે કાંઈ આપ્યું એનાથી સવાયું આપણો દીકરો બેનને આપીને આવે તો જ મારી કૂખ ઉજાગર કરી જાણું.’
મહેતા તો ઘડીભર પત્ની સામે જોઈ રહ્યાં ! મનમાં એક આનંદની લહેરખી ઉઠી. ‘વાહ ઠાકર મહારાજ…ઘરનું માણસ પણ તે આપ્યું છે ને કાંઈ….’ પ્રભુને મનોમન વંદન કર્યાં.

સાંજ સુધી આ દંપતિ એ દિશામાં રાહ જોઈને બેઠા છે. એવામાં દૂરથી દીકરાને આવતો જોયો. બળદને બાંધવાની રાશ (દોરી) ઉલાળતો ઉલાળતો ચાલ્યો આવે છે. એ જોઈને આ બંનેના આનંદનો પાર નથી. પત્નીએ તો દોડીને દીકરાને વ્હાલથી માથે હાથ પસરાવ્યો છે. મહેતાએ પૂછ્યું : ‘બેટા, ચાલીને આવ્યો? આપણું ગાડું ક્યાં ?’
…પણ જેના મા-બાપ સંસ્કારનો સમંદર હોય એમના સંતાનોમાં કંઈ કહેવાનું હોય ?
દીકરો બોલ્યો, ‘બાપુ, એમાં એવું થયું કે ફઈબાને આંગણે મેં જોયું કે એક પન માલ-ઢોર હતા નહિ એટલે મને વિચાર આવ્યો કે કાલ સવારે વરસાદ થાશે તો ફઈબા ખેતી કેમ કરશે ? એટલે પછી ફઈબાને ગાડુ ને બળદ હું તો આપતો આવ્યો…’ આટલું સાંભળતા તો બંને પતિ-પત્નીની આંખમાંથી હર્ષના આંસુડની હેલી ઉભરાણી…!

આ પ્રસંગને તો આજે વર્ષોના વર્ષો થઈ ગયા…. પરંતુ તેમાં ધરબાયેલી એક અદના માનવીના મનની અમીરાત – આપણને ઈશ્વરે જે કાંઈ આપ્યું હોય – સત્તા, સંપત્તિ કે શક્તિ, તેના માધ્યમ થકી જરૂરીયાતમંદને ઉપયોગી થવાની શીખ આપી, ઉચ્ચ માનવીય મૂલ્યોના દર્શન કરાવી જાય છે.