- ReadGujarati.com - http://www.readgujarati.com -

સરદારની દીકરી – પરાજિત પટેલ

[ રીડગુજરાતીના સર્વર પર થોડું પ્રોગ્રામિંગનું કામ ચાલી રહ્યું હોવાથી આજે આ એક નવા લેખ સાથે અગાઉ પ્રકાશિત થયેલો લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. –તંત્રી.]

[‘છાતીમાં વાવ્યાં છે વહાલ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘શરમ તો જૂઠું બોલવાવાળાને અને બેઈમાની કરવાવાળાને આવે !’
‘પણ આ થીંગડું….’
‘એ થીંગડું તો સચ્ચાઈની શોભા છે. એથી ગરીબી પ્રગટ થાય છે એમ તમે કહો છો ને ? છો પ્રગટ થાય ! હું તો એક જ વાત જાણું કે સચ્ચાઈ અને ઈમાનદારીનું ગળું ક્યારેય ઘોંટાવું ન જોઈએ ! નીતિમત્તા માણસના જીવનને શોભાયમાન કરતી હોય તો, ભલે ને એના દેહ પરનાં વસ્ત્રો પર એક-બે નહિ પણ સત્તર થીંગડાં લાગેલાં હોય !’

મણિબહેનનો આ જવાબ સાંભળીને ત્યાગીજી તો દિગ્મૂઢ જ બની ગયા. એ વાત સાચી હતી કે મણિબહેન સ્વ. સરદાર સાહેબનાં પુત્રી હતાં. ટુકડા ટુકડામાં વહેંચાઈ ગયેલા દેશને એક અખંડ રાષ્ટ્રના નકશામાં પલટી નાખનારા સરદાર પટેલ સાહેબ ખાલી ઈશારો કરે તો દેશના મોંઘામાં મોંઘા સાડી માર્કેટના માંધાતાઓ સાડીઓનો ગંજ ખડકી દે, પણ ભીતરમાં લોખંડી પ્રામાણિકતા અને વજ્ર શી સચ્ચાઈ સાચવીને બેઠેલા સરદાર સાહેબને વસ્ત્ર પર થીંગડાં મંજૂર હતાં, પણ ઈમાનદારી પરનાં થીંગડાં ક્યારેય સ્વીકાર્ય નહોતાં ! ઈમાનદારીને ગીરવે મૂકી દઈને, નૈતિકતાને બારગર્લ્સની જેમ જાહેરમાં દિગંબર બનાવી દઈને, સચ્ચાઈનાં ચીંથરેચીંથરાં ઉડાડી મૂકતા એ ‘છોટે સરદાર’ કે ‘સરદાર નંબર ટુ’ નહોતા ! એ તો સત્યના પુરસ્કર્તા હતા. એક ગરીબ રાષ્ટ્રનો અદનો પ્રતિનિધિ અને એનો પરિવાર વિદેશથી આયાત થયેલાં મોંઘાદાટ વસ્ત્રો પહેરે એ તો સરાસર બેઈમાની છે ! બેઈમાન થઈને જીવવું, નીતિમત્તાનું વેચાણખત કરી નાખીને મહાલવું અને બહાર જઈને ગદ્દારીની ભાષા બોલવી – એ એમને સ્વપ્નમાં ય સ્વીકાર્ય નહોતું ! અને એમનાં જ દીકરી ! મણિબહેન પટેલ ! પિતાનો પડછાયો બનીને પગલે પગલું દબાવનારાં ! એમનું જ લોહી વહેતું હતું મણિબહેનની નસોમાં !

એ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલના શરીરે અસુખ હતું. ઝીણી ઝીણી બરાગર એમને બેચેન બનાવી રહી હતી. ડૉક્ટરે તપાસીને દવા આપી. મણિબહેન તો હોય સતત હાજરાહજૂર ! પિતાની અવસ્થતા જ એમને બેચેન બનાવી ગઈ. પાસે ને પાસે પલંગ પાસે જ એક ખુરશી પર એ બેઠાં હતાં. ગરીબ દેશના મોટા ગજાના માણસની ગરીબ દીકરી ! ન ઠાઠ, ન ઠઠારો ! ન તુમાખી, ન વટ મારવાની વેવલી ઘેલછા ! ગરીબનું ખખડધજ ખોરડું હોય એમ બાપના શરીરની બળતરાએ બળતાં, બાપના દેહની દુર્બળતા જોઈને દાઝતાં ને અંતરમાં ઝાઝેરો ઉચાટ અનુભવતાં મણિબહેને કહ્યું :
‘બાપુજી !’
‘હં…..’
‘લો, આટલી દવા પી લો.’
‘પણ આ તો કડવી છે !’
‘દવા કડવી હોય તો જ કળતર મટાડે. ગળપણ તો ગાભા જેવા કરી નાખે !’
‘મણિ !’
‘કહો, બાપુજી !’
‘તું તો બહુ જબરી છે હોં ! આવી જબરજસ્તી તો મારી માય નહોતી કરતી !’
‘એટલે જ તો એમ કરું છું.’
‘સમજાણું નહિ’
‘લો, હું સમજાવું, મારી મા હોત તો મારે દવા પિવડાવવાની હોય ખરી ? એ ન હોય એટલે જબરજસ્તી ય બેવડાઈ જાય ! સાચું કહો બાપુજી, મારી મા દવા પાતી હોય તો તમે આવી દલીલો કરો ખરા ? બસ ત્યારે. તમે જ કહેતા હતા કે : ‘વહાલાં વખ પાય તો ય મીઠું લાગે !’ મા તો નથી, પણ હું તમને વહાલી કે નહિ ?’
‘ખરી !’
‘તો પછી કડવા-મીઠાની દલીલો કર્યા વગર પી જાવ આ દવા !’

મણિબહેન દવા પિવડાવી રહ્યાં હતાં. થોડીક દવા હોઠની આસપાસ રેલાઈ રહી. મણિબહેને સાડીના છેડા વડે સરદાર સાહેબના હોઠ લૂછી નાખ્યા : ‘બાપુજી, તમે ય નાના છોકરા જેવા છો !’
‘કેમ ?’
‘કેટલી બધી ઢોળાઈ ગઈ ! આપણા જેવા ગરીબ દેશમાં દવાનો આવો બગાડ પોસાય ?’ આ સાંભળીને નહોતું હસવું તો ય સરદાર સાહેબથી હસી પડાયું :
‘મણિ, તું ય પોલિટિશ્યન જેવું બોલતાં શીખી ગઈ છે !’
‘દીકરી કોની ?’
‘સરદાર પટેલની !’

-અને બાપ-દીકરાનો આ સંવાદ ચાલતો હતો ત્યાં જ ત્યાગીજી એટલે કે મહાવીર ત્યાગી અંદર પ્રવેશ્યા. એમણે સંવાદ તો સાંભળ્યો, બાપ-દીકરીની વાતથી હરખાયા પણ ખરા, પણ સરદારપુત્રીનાં વસ્ત્રો પર નજર પડતાં જ એમણે થોડોક વિષાદયુક્ત આંચકો અનુભવ્યો. મણિબહેનની સાવ સુતરાઉ સાડી પર મોટું મસ થીંગડું ! એમનાથી રહેવાયું નહિ : ‘મણિબહેન.’
‘બોલો ત્યાગીજી !’
‘આ હું શું જોઉં છું.’
‘શું ?’
‘તમારી સાડી પર આવડું મોટું થીંગડું ? બાપ રે, શરમ ન આવે ! જેણે આ દેશમાં માત્ર એક જ વર્ષમાં અખંડ ચક્રવર્તી રાજ્ય સ્થાપી દીધું એમનાં તમે દીકરી ! એવડું મોટું રાજ્ય તો નહોતું ભગવાન રામચંદ્રનું, નહોતું કૃષ્ણચંદ્રજીનું, નહોતું અશોકનું કે નહોતું અકબરનું ! આવું આર્યાવર્તના ઈતિહાસમાં પ્રથમવાર જ કાર્ય કરી બતાવનાર સરદાર સાહેબનાં દીકરીની સાડી પર આવડું મોટું થીંગડું હોય ખરું ? શરમ ન આવે ?’
પણ સામે મણિબહેનનો જવાબ શરમને ય શરમાવી નાખે તેવો હતો : ‘એમાં શાની શરમ ? શરમ તો બેઈમાનીની હોય ! શરમ તો દુરાચારની હોય ! શરમ તો જૂઠની હોય ! શરમ તો અનીતિની હોય !’
‘તમારી વાત સાચી છે, મણિબહેન ! પણ વસ્ત્રોનોય એક આગવો પ્રભાવ હોય છે ! તમને કહું ? આ સાડી પહેરીને તમે અમારા દહેરા ગામમાં નીકળો તો શું બને ખબર છે ?’
‘શું બને ?’
‘લોકો તમારી પાસે આવે ને તમારા હાથમાં આનો-બે આના મૂકે. એમ સમજીને કે ગામમાં થઈને આ કોઈ ભિખારણ જઈ રહી છે !’
‘ભલે ને સમજે.’
‘તમને શરમ નથી આવતી કે આવી થીંગડાવાળી સાડી પહેરો છો ?’ ત્યાગીજી તો હળવાશના મૂડમાં હતા. ક્યારેક તેઓ આવી હળવી મજાકો કરી લેતા. રમૂજ ખાતર બોલી રહ્યા હતા.

સરદાર સાહેબ પલંગ પર પડ્યા પડ્યા સંવાદ સાંભળી રહ્યા હતા ! ત્યાગીજીના શબ્દો અને દીકરીનું થીંગડું જોઈને એય હસતા હતા. મૂંગા મૂંગા નજર ઘુમાવતા હતા. પણ ત્યાગીજીનાં છેલ્લાં વાક્યોએ તો એમને હસાવી જ દીધા, એય ખડખડાટ.
‘તમે હસો છો સરદાર સાહેબ ?’
‘હસવા જેવું છે એટલે તો હસું છું.’
‘હસવા જેવું શું છે ?’
‘મણિનું થીંગડું અને તમારા દેહરા ગામની વાત ! મણિના હાથમાં ભિખારણ સમજીને ગામના લોકો આનો-બે આના મૂકી દે એ તો બહુ સરસ વાત કહેવાય !’
‘કેમ ?’
‘જુઓ, બજારમાં કેટલાય લોકો ફરતા હશે. અને આ રીતે મણિની સાડીનું થીંગડું જોઈને આનો-બે આના મૂકતા જાય તો ઘણા બધા રૂપિયા એકઠા થઈ શકે ! ત્યાગીજી, તમે તો મને નવો આઈડિયા આપ્યો !’
ત્યાગી ચૂપ.

ત્યાં જ સુશીલા નાયર પ્રવેશ્યાં. અંદર આવીને એમણે ત્યાગીજીને કહ્યું : ‘ત્યાગીજી, કોની વાત કરો છો ?’
‘આ મણિબહેનની.’
‘શું છે એમનું ?’
‘એમની સાડી તો જુઓ !’
‘જોઈ. થીંગડું છે એ જ ને !’
‘હા.’
‘મણિબહેન આખો દહાડો ઊભે પગે રહે છે. સરદાસ સાહેબની ચાકરી કરે છે. દીકરી છે એમનાં ! કામ વગર એ રહી શકતાં નથી. પિતાની સેવાચાકરી એ એમનું લક્ષ્ય છે. પગ વાળીને બેઠેલાં તમે એમને કદી જોયાં ? પાછાં રોજ રોજ ડાયરી પણ લખે છે…. રોજ નિયમિત ચરખો પણ કાંતવાનો. એમાંથી જે સૂતર બને છે, તેનાં સરદાર સાહેબનાં ઝભ્ભા અને ધોતિયાં બને છે ! ત્યાગીજી, તમારી જેમ સરદાર સાહેબ ખાદી ભંડારમાંથી વસ્ત્રો ખરીદતા નથી ! અહીં તો જાતમહેનત ઝિંદાબાદ ! અને વાત રહી મણિબહેનનાં ફાટેલાં વસ્ત્રોની….’
‘હા, તે હું એ જ કહું છું.’
‘સરદાર સાહેબનાં કપડાં ફાટી જાય ત્યારે મણિબહેન એમાંથી પોતાનાં કપડાં બનાવી લે છે. એમનાં ફાટેલા ધોતિયામાંથી એમની સાડી બની જાય ને ફાટેલા ઝભ્ભામાંથી એમનું બ્લાઉઝ બની જાય !’

ત્યાગીજી તો જોઈ જ રહ્યા મણિબહેન સામે ! સામે જ ઊભેલી દેવી સામે ! અવાક થઈ ગયા ! એમની પાસે કશું પણ કહેવા માટે શબ્દો જ બચ્યા નહોતા !
શું બોલે ?
ક્યા શબ્દો વાપરે ?
વાચા જ હરાઈ ગઈ હતી જાણે ત્યાગીજીની ! આવાં દેવીને તો હોય માત્ર વંદન ! હોય માત્ર નમન ! સુશીલા નાયરે સચ્ચાઈ રજૂ કરી દીધી હતી ! મણિબહેનની સાડીએ થીંગડું હતું ! મસમોટું થીંગડું ! ત્યાગીજી અપલક જોઈ રહ્યા હતા : થીંગડું મોટું ને મોટું થતું જતું હતું. અવનવા વળાંકો ધારણ કરતું હતું ! અરે આ શું ? થીંગડું આ ગરીબ રાષ્ટ્રનો ઈમાનદાર નકશો બની ગયું હતું.
‘મણિબહેન ! આઈ એમ સૉરી.’
‘અરે ત્યાગીજી ! તમે સૉરી શા માટે કહો છો ?’ વચ્ચે જ સરદાર સાહેબ બોલી ઊઠ્યા. પટેલભૈની કુહાડાછાપ ભાષામાં છેલ્લો જડબેસલાક ઝાટકો મારતા હોય કે પછી સંવાદના ખેતરમાં છેલ્લો ચાસ પાડતા હોય એમ એમણે કહ્યું, ‘ત્યાગીજી ! સાંભળો મારી વાત. મણિ ગરીબ દેશના ગરીબમાં ગરીબ માણસની દીકરી છે. ક્યાંથી સારા કપડાં લાવે ? એનો બાપ ક્યાં કશું કમાય છે ?’ આટલું કહીને સરદાર પટેલે એમનાં ચશ્માંનું ખોખું ત્યાગીજીને બતાવ્યું, જે વીસ વર્ષ જૂનું હતું ! ત્રીસ વર્ષ જૂની એક ઘડિયાળ બતાવી ! એક દાંડીવાળાં ચશ્માં બતાવ્યાં, જેની બીજી બાજુએ દોરી બાંધેલી હતી : ‘છું ને સાવ ગરીબ ?’

[કુલ પાન : 280. (પાકું પૂઠું). કિંમત રૂ. 170. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]