- ReadGujarati.com - http://www.readgujarati.com -

આપો તો આટલું આપો રે ! – રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. જુગતરામ દવે)

ભીડું મારી ભાંગો એવી કંઈ
કે હું તો જાચના જાચું નહીં !
આપો તો આટલું આપો રે (2)
કદી હું ભીડથી બીઉં નહીં !

દુઃખોની લાયમાં ટાઢક દઈ
દિલાસો ના દો તો કંઈ નહીં;
આપો તો આટલું આપો રે (2)
દુઃખોને જીતું સહી લઈ……

તમે મને તારજો તારણહાર !
કે એવી જાચના જાચું નહીં;
આપો તો આટલું આપો રે (2)
તરું પણ થાકે ના મારી દેહી !

ભારો મારો હળવો કરી દઈ,
દિલાસો ના દો તો કંઈ નહીં;
આપો તો આટલું આપો રે (2)
બધોયે ભાર શકું હું વહી.

હશે જ્યારે સુખનો ઉજ્જ્વળ દિન,
લળી લળી નીરખીશ તારું વદન;
દુઃખની જ્યારે રાત થશે ને
………. ભૂલશે સકળ મહી;
………. તે વારે આટલું આપો રે,
………. આપો તો આટલું આપો રે,
………. તમો પર આસ્થા તૂટે નહીં !