પથદર્શક – મંજરી જાની

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

સુલય અને સુષિર બે ભાઈ. સુલય ધીર, ગંભીર અત્યંત તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતો યુવાન જ્યારે નાનો સુષિર રમતિયાળ અભ્યાસમાં સામાન્ય યુવાન. સુલય એન્જિનિયર થયો કે તરત જ તેને સારા પગારથી નોકરી મળી ગઈ અને સુલયનું લગ્ન અંતરા સાથે ગોઠવાયું. લગ્ન પછી અંતરા સુષિરને મળી ત્યારે તેણે પૂછ્યું :
‘તમે શું કરો છો સુષિરભાઈ ?’
ત્યારે સુષિરે માંડમાંડ અચકાતાં જવાબ આપ્યો : ‘કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું.’

‘સરસ’ ત્યારે તો અંતરાએ આમ કહ્યું પણ થોડા જ સમયમાં તેણે મનોમન નોંધ્યું કે સુષિરને અભ્યાસમાં બહુ રસ પડ્યો નથી. સુષિર પુસ્તક લઈને બેસે છે પણ તેનું ચિત્ત તેમાં જરાયે ચોંટતું નથી. ત્યારે એક દિવસ અંતરાએ સુષિરને પાસે બેસાડીને સ્નેહપૂર્વક અભ્યાસનું મહત્વ સમજાવ્યું.
‘પણ ભાભી, મને આ વિષય સમજાતો જ નથી.’ અંતરાએ પણ એ જ વિષયનો અભ્યાસ કર્યો હોવાથી તેણે સુષિરને કહ્યું : ‘લાવો, તમને શું નથી સમજાતું ? હું તમને સમજાવું.’ આમ અંતરાના માર્ગદર્શન હેઠળ કૉલેજનાં પગથિયાં ચડતાં સુષિર ગ્રેજ્યુએટ થઈ ગયો. સુષિરની આગળ ભણવાની અનિચ્છા હોવાથી તેણે નોકરી મેળવવા માટેના પ્રયત્ન શરૂ કર્યાં.

કંઈક કેટલાય ઈન્ટરવ્યૂ આપ્યા. પણ દરેક ઠેકાણેથી નિરાશાજનક પ્રત્યુત્તર મળતાં તે હતાશ થઈ ગયો. સુષિર થાકી ગયો. આજે પણ એણે ઈન્ટરવ્યૂ આપ્યો પણ ફરી એ જ નકાર, એ જ હતાશા. મોડી સાંજે ઘેર આવ્યો ત્યારે અંતરાએ પૂછ્યું :
‘શું થયું સુષિરભાઈ ?’
‘એ જ ભાભી. હંમેશની જેમ આ નોકરી પણ મને ન મળી.’
‘કાંઈ વાંધો નહીં. સુષિરભાઈ, ક્યારેક ક્યાંક તો તમારી કદર થશે જ.’
‘પણ ભાભી’ ઘેરા નિરાશાભર્યા અવાજે સુષિર બોલવા ગયો ને ત્યાં જ સહસા યાદ આવતાં તેણે કહ્યું : ‘ભાભી, હું ત્યાંથી આવતો હતો ત્યારે મારો મિત્ર સારંગ મળ્યો. એણે કહ્યું કે એક ફેકટરીમાં કામ મળે એમ છે પણ…’ સુષિર અચકાયો.
‘પણ શું સુષિરભાઈ ?’ અંતરાએ અત્યંત ઉત્સુકતાથી પૂછ્યું.
સુષિરે અચકાતાં અચકાતાં કહ્યું : ‘પણ ભાભી કામ બહુ નાનું છે.’
‘જુઓ સુષિરભાઈ, કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. તમે એકવાર કામની શરૂઆત તો કરો. ચીવટથી કામ કરશો તો ફાવટ આવતી જશે અને મને વિશ્વાસ છે કે તમે હોશિયાર તો છો જ. જો ખંત, ધગશથી કામ કરશો તો જરૂર ઘણા આગળ વધશો.’

સુષિર ઘડીભર વિચાર કરતો રહ્યો અને પછી સારંગને મળવા દોડી ગયો. સુષિરે બીજા જ દિવસથી કામ પર જવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં તે કંટાળી જતો. ભાંગી પડતો પણ ત્યારે અંતરા તેને સમજાવતી. પ્રોત્સાહક શબ્દો કહેતી : ‘સુષિરભાઈ, તમે તળેટીથી શરૂઆત કરી છે. મને તમારી કાબેલિયત પર પૂર્ણ વિશ્વાસ છે. તમે એક એક પગથિયું ચડતા જઈ શિખર પર પહોંચશો જ.’ અંતરાનો આ વિશ્વાસ સાચો ઠેરવવા સુષિર વધુ ઉત્સાહ, મહેનત અને લગનથી કામ કરવા લાગ્યો. ધીરે ધીરે સુષિર ટેવાતો ગયો. એની નિરીક્ષણ શક્તિ બહુ સારી હોવાથી એ ઝડપથી બધું શીખતો ગયો. અંતરાએ સુષિરમાં મૂકેલો વિશ્વાસ સાર્થક ઠેરવતો હોય તેમ એક દિવસ આત્મવિશ્વાસથી છલકાતા સ્વરે સુષિરે કહ્યું :
‘ભાભી, મને લાગે છે કે હું મારી ફેકટરી શરૂ કરી શકીશ.’
‘હા, જરૂર અને મને શ્રદ્ધા છે કે તમે જરૂર સફળ થશો જ.’ અત્યંત હરખાતા હૈયે અંતરા બોલી ઊઠી.

સુષિરે લોન લઈને નાના પાયે ફેકટરીની શરૂઆત કરી. જેનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. જોકે નાની-મોટી તકલીફો, વિધ્નો આવતાં રહ્યાં ત્યારે સુષિર ક્યારેક અકળાઈ જતો. ક્યારેક ખિજાઈ જતો ત્યારે અંતરા એને ધીરજ રાખવા સમજાવતી અને એકદમ શાંત ચિત્તે વિચારીને મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા કહેતી. સુષિરનું રિયા સાથે લગ્ન થયું ત્યારે અંતરા ખુશ ખુશ થઈ ઊઠી. રિયાના સ્વરૂપમાં એને મીઠડી દેરાણી, વહાલી નાની બહેન અને પ્રિય સખી ઉપરાંત અંતરાનાં બે બાળકોને પ્રિય કાકી મળ્યાં હોય એમ લાગ્યું. રિયા પણ મીઠાશથી સહુ સાથે ભળી ગઈ. પણ એક દિવસ ન રહેવાતાં તેણે સુષિરને પૂછી જ લીધું :
‘તમે અંતરાભાભીને આટલું બધું માન મહત્વ કેમ આપો છો ?’ રિયાના સ્વરમાં સહજ ઈર્ષ્યા પણ ભળેલી હતી.
સુષિર મલકાયો.
‘રિયા, સાચું કહું તો ભાભી મારાં માત્ર ભાભી નથી, પરંતુ પથદર્શક ગુરુ, મિત્ર છે. હું અભ્યાસમાં એટલો તેજસ્વી નહીં. ભણવાનું મને ગમે જ નહીં. ત્યારે ભાભીએ જ મને અભ્યાસમાં રસ લેતો કર્યો. દિવસભર ઘરના કામકાજમાંથી સમય કાઢીને મને ભણાવ્યો, ગણાવ્યો. માતાના મૃત્યુના થોડા સમય બાદ ઘરમાં આવેલાં ભાભીએ ઘર, વહેવાર તો સુપેરે સંભાળી લીધાં, પણ મનેય વેરવિખેર થતો બચાવી લીધો. સંભાળી લીધો. આજે હું જે કાંઈ છું, મેં જે કાંઈ મેળવ્યું છે તેમાં મારી મહેનત ઉપરાંત ભાભીએ ચીંધેલ રસ્તો, તેમનાં ઉત્સાહપ્રેરક વાક્યો અને મારામાં મૂકેલ વિશ્વાસનો ફાળો બહુ મોટો છે.’
‘હા, ખરેખર ભાભી તમારાં પથદર્શક છે.’ કહેતા રિયા મીઠું મલકાઈ. હવે એના સ્વરમાં ઈર્ષ્યાનો અંશ નહીં પણ લાગણી છવાઈ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “પથદર્શક – મંજરી જાની”

Copy Protected by Chetan's WP-Copyprotect.