મન અને સમય – પ્રો. એલ. ડી. પટેલ

[‘મનોદર્શન અને મુક્તિ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તૃપ્તિબેન ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘કાળ અનંત બ્રહ્માંડોને ગળી જનારો અને જગતવ્યાપી છે. તે નિર્દય, પથ્થર જેવો કઠિન છે, વાઘ જેવો ક્રૂર, કરવત જેવો કર્કશ, કંગાળ અને અધમ એવો કાળ જેને ગળી જતો નથી એવી કોઈ વસ્તુ આજ સુધી થઈ નથી. એ કાળરૂપ થઈને પાછો ઈદ્ર, બ્રહ્મા, શુક્ર અને કુબેર રૂપ થાય છે અને વળી કોઈ રૂપ નહીં એવો થઈ જાય છે. એ કાળ કોઈ રીતે કાયર થતો નથી. કોઈના પર પ્રેમ કરતો નથી, તે આવતો નથી, જતો નથી અને સેંકડો કલ્પ વીતતા પણ તે અસ્ત કે ઉદય પામતો નથી. આ કાળ દેહાધિકના અધ્યાસવાળા જીવોને સ્વર્ગ તથા નર્ક આદિમાં ઘૂમાવ્યા કરે છે.’ (યોગવાસિષ્ઠ મહારામાયણ)

અશક્ય શબ્દ જેના શબ્દકોશમાં ન હતો તે મહાન વિજેતા નેપોલિયન હાર્યો અને કેદખાનામાં પૂરાયો. વિના વાંકે યહૂદીઓનો કચ્ચરઘાણ કાઢનાર નરાધમ હિટલરે અંતે આપઘાત કર્યો ! ઈશુ જેવાને સ્વહસ્તે ક્રૂસ ઊંચકી, શૂળીએ ચડવાનું બન્યું. ગાંધી જેવા અહિંસાના પૂજારી ગોળીએ વીંધાયા, છો ને પાછળથી પૂજાયા. કહેવાય છે ને કે –

સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન,
કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ, વહી બાન.

ના જાણ્યું જાનકીનાથે (રામે) સવારે શું થવાનું છે ? રાજગાદી કે વનવાસકાળ ! કાળ-સમય શું પ્રાચીન કે શું અર્વાચીન ? ભાતભાતના, ભલભલા ધૂરંધરો કે પામર, સમયના સાનુકૂળ સથવારે કે પ્રતિકૂળ નોધારે રાય મટી રંક અને રંક મટી રાય બન્યાં ! ચામડાં ચૂંથતાં અને કાપડ વણતાં વણતાં રોહિદાસ અને કબીર જેવા કેટલાંય સમયના રહસ્યને પામી, જીવન્મુક્ત થયાં ! ખરેખર સમયની રમત-ગમ્મત, ચંચળતા અને વ્યક્ત-અવ્યક્ત શક્તિ બહુરૂપી નટ અને અલગારી નટરાજ જેવી છે. તેને પકડવા, જકડવા અને સમજવામાં ભૂપતિઓ, પહેલવાનો, ધનકુબેરો અને મુનિવરો પણ થાપ ખાઈ ગયાં છે, તેથી તુલસીદાસે ઠીક જ ગાયું છે –

તુલસી ઈસ સંસારમેં ભાતભાત કે લોગ,
સબસે હિલમિલ ચાલિયો, નદી-નાવ-સંજોગ.

જરા ઊંડાણથી જોઈએ તો છેલછબીલા મન અને સમયને ગૂઢ અને ગાઢ સંબંધ છે. મન માન્યતાઓ, આદર્શો, ભ્રમો, લાગણીઓ અને તેને પાળતાં-પોષતાં અસંખ્ય વિચારોની પીંજણ-કાંતણ અને ગૂંથણ જેવી સ્મૃતિ-વિસ્મૃતિ અને તદ આધારિત વ્યવહારોનાં પ્યાદાઓનો ખેલ છે. સમય તેની શતરંજ છે. ટૂંકમાં જોઈએ તો સમય સ્મૃતિ છે અને સ્મૃતિ સમય છે. સઘળું સાપેક્ષ છે, મનોદશા આધારિત છે. અશાંત મન વિવિધ મનભાવંત ક્રીડા-પીડાની ખાણ છે. સમય અને મન એક સિક્કાની બે બાજુ જેવા છે. અહમ અને બુદ્ધિ તેના રખેવાળ-સાગરિતો છે. જેઓ મન-સમયની યુગલ-જોડીને સંપૂર્ણ રીતે ઓળખી શક્યા તેઓ આનંદસ્વરૂપ-સમયાતીત થઈ ગયાં !

વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ‘સમય’ શબ્દ કાળ, વખત, વેળા, સ્થિતિ-પરિસ્થિતિ વગેરે અનેક સંદર્ભમાં પ્રયોજાય છે. પણ મહદ અંશે તેનો સંબંધ માનવીની મનોદશાને અવશ્ય સ્પર્શે છે. તેથી વિવિધ દષ્ટિકોણથી જોતાં ‘સમય’ માનવજાત માટે રહસ્યમય કોયડો છે. અનેકવિધ રંગી-ઢંગી, કઢંગી ચાલે ચાલતો-નાચતો-કૂદતો અને કવચિત કોકળું વળી જતો સમય માનવ માટે ક્યારે શાપરૂપ કે આશીર્વાદ બની જાય તે કહી-કળી ન શકાય ! ક્યારેક વહેતાં ઝરણાં જેવું મધુર ગીત ગાતો વહે છે અને ક્યારે અડિયલ ટટૂની જેમ રૂઠી જાય અને વળી અણધાર્યા ઝટકા સાથે દોટ મૂકી ગોથું ખવડાવી દે તે કહી ન શકાય. તે સ્મૃતિ-વિસ્મૃતિ અને બુદ્ધિ-અહમની ઊંડી, અનેરી માયાજાળ જેવો છે. માનવજીવનની યાત્રામાં બનતી અનેક નાનીમોટી સુખ-દુઃખદાયક ઘટનાઓના મૂળમાં સમય અનેક સ્વરૂપે છૂપા રૂસ્તમ જેવો મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિની દેશ-કાળ આધારિત મનોદશા અને શારીરિક અવસ્થાભેદે સ્થિર, ગતિશીલ અને ચંચળ અનુભવાય છે. અદશ્ય છતાં અનુભવજન્ય પવનની જેમ વહ્યાં કરતો કે કવચિત થંભી ગયેલો લાગે છે તે મનોભ્રમ છે. તે એક વ્યક્તિને એક વેળા લાંબો લાગે છે તે જ વખતે અન્યને ટૂંકો ! એક જ ઓરડામાં સૂતેલી વ્યક્તિઓને રાત્રિની લંબાઈ ઓછી-વત્તી લાગે છે. જેને ઘસઘસાટ ઊંઘ આવી હોય તેને રાત ટૂંકી અને જેને પેટપીડા ઉપડી હોય તેને રાત લાંબી લાગે છે. ખરેખર તે રાત-સમય એક સરખો જ હતો. ન લાંબો, ન ટૂંકો ! આ સઘળી ચિત્તલક્ષી સમયની રમત છે. મૂળભૂત ભૌતિક ક્રમિક સમયની નહીં, ખરેખર તો શુદ્ધ આનંદની ક્ષણે સમય કેવો અને કેટલો લાગે છે તે સમયનો અદ્વૈતાનુભવ જ તેનું ખરું સ્વરૂપ ગણાય.

કોઈ બે સ્થળ વચ્ચેનું અંતર કાપવામાં સમય એક માપ છે. તન થાક્યું હોય, મન કંટાળ્યું હોય તો અંતર વધારે લાગે છે અને ખુશખુશાલ હોય તો ઓછું. અલબત્ત સમય તેટલો જ હોય છે, છતાં વધારે અનુભવાય છે. પ્રિય વ્યક્તિના મિલનની મહેફિલમાં દિવસ કલાક જેવડો અને અપ્રિયની પડખે કલાક દિવસ જેવડો લાગે છે. જો કે સાધન, સાધનોની ગતિ-વિધિ, વ્યક્તિની મનો-શારીરિક સ્થિતિ, મનોવાંછના અને જરૂરિયાત મુજબ સઘળું પ્રિય-અપ્રિય, લઘુ-ગુરૂ, દૂર-નજીક અનુભવાય છે. એક વેળા લાંબું જીવન ઝંખે છે તે જ વ્યક્તિ અન્ય ક્ષણે આપઘાત કરે છે ! જે સમય સુખની સહેલગાહ કરાવે છે, તે જ સમય દોજખના દરિયામાં ડૂબકાં ખવડાવે છે. કાળની-સમયની માયાવી ગતિ અવિરત બદલ્યા જ કરે છે. તેને સ્થિરભાવે પકડવો એ તેલવાળાં હાથે સમુદ્રમાંથી જીવતાં માછલાં પકડવાં જેવું કઠિન કાર્ય છે. આવી સઘળી ક્રિયા-પ્રક્રિયા અને પ્રતિક્રિયામાં મન મહત્વનો ભાગ ભજવે છે. જો કે સમય અખંડ-અવિરત અતિ મૂલ્યવાન અનુભવાય છે, છતાં શૂન્ય જેવો છે. માનવે તેને ત્રિકાળરૂપ આપી સમજવા ભારે મથામણ કરી છે. અહમ, બુદ્ધિ, તર્ક, કલ્પના, લાગણી, વિચાર, સ્મૃતિ, સંવેદનો વગેરે સમયને સમજવાના, વિભાજિત કરવાના અને માણવાના માધ્યમો છે. ભૂત, ભવિષ્ય, વર્તમાનનું – ત્રિમૂર્તિરૂપ માનવે સમયને સગવડ ખાતર આપ્યું અને તે જ તેનો દાસ બની ગયો !

સમયની તમામ ગતિ-અવધિ આંતરબાહ્ય મનોશારીરિક અવસ્થા-ભાવના પર આધારિત છે, સાપેક્ષ છે. એક જ ઘટના વિવિધ સ્થળે ઊભેલી કે એક જ સ્થળે ઊભેલી કે તે ઘટના સાથે સતત રહેલી વ્યક્તિ માટે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં અનુભવાય છે. એક જ માર્ગે ગતિશીલ બસનું દર્શન સ્થાનભેદે અલગ અલગ કાળમાં લાગે છે અને બસમાં બેઠેલા માટે બસ સતત વર્તમાનકાળમાં ગતિશીલ અનુભવાય છે. જે જે સઘળું મનોદૈહિક સ્થિતિ પર આધારિત છે, સાપેક્ષ છે. તેથી વિશાળ અર્થ અને પરિપ્રેક્ષમાં વિશ્વ-બ્રહ્માંડની ગહન રચના અને પદાર્થો-જીવોના સંદર્ભમાં કાળ-સમય એક રહસ્યમય ઉલઝન બની જાય છે. સમગ્ર કોયડાના ઉકેલ-ગૂંચમાં માનવીનું મન મહત્વનો ભાગ ભજવે છે. સમજણયુક્ત શાંત મન સમયાતીત દશાને પામવા સક્ષમ હોય છે.

સમય બે પ્રકારનો છે : એક વાસ્તવિક-ભૌતિક અમાપ, પણ માનવે વ્યવહાર અર્થે માપવા ઢાળ્યો તે. જેને નક્ષત્રો, સૂર્ય-ચંદ્ર, પૃથ્વી વગેરેની ગણતરી કરી ઘડિયાળની ડબ્બીમાં પૂર્યો-માપ્યો. જે સહજ, સરળ અને વ્યવહાર માટે જરૂરી છે. બીજો મનની દશા સાથે જોડાઈને ચિત્તલક્ષી બને છે તે કે જે માનવને અનેક સ્વરૂપે સુખ-દુઃખની અનુભૂતિ કરાવે છે. જે સંસારમાં માનવને અશ્વ-શ્વાન-મર્કટ કે મયૂર જેવો નચાવે-કૂદાવે અને રમાડે-રડાવે છે તે. જો કે કોઈ જ્ઞાનસ્વરૂપ સંત કે નિર્દોષ બાળક માટે તો તે જે છે તે જ છે. વળી, યુવાવસ્થામાં તે હરણફાળે અને વાર્ધક્યટાણે ગોકળગાયની ગતિએ વહેતો અનુભવાય તો ના નહીં ! તેથી માનવ માટે ચિત્તલક્ષી સમય એક સમસ્યા છે ! નવજાત શિશુને સમયનો ભાર લાગતો નથી. રાત્રિ-દિવસ, ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળનું ભૂત-તૂત, આવાગમન તેને પીડતું નથી. બસ, માત્ર વર્તમાન અને તેનું હોવું કે જે સમયની સંગ સંગ જ હોય છે ! મા-બાપ ફરિયાદ કરે છે કે તે રાત્રે જાગે છે, રમે છે અને દિવસે ઊંઘે છે, અમને ઉજાગરા કરાવે છે ! ખરેખર બાળક તો અજ્ઞાતભાવે તેની મનોદૈહિક-સહજ જરૂરિયાતો મુજબ વર્તે છે. તેને તેના પરિણામ કે અન્યને શું લાગશે વગેરે વિચારો આવતા નથી. બાળક ચિત્તલક્ષી સમયના આચાર-વિચાર કે તેના આઘાત-પ્રત્યાઘાતથી ઊપજતાં ભય-લાલચથી પર હોય છે. ધીમે ધીમે વર્તન-વ્યવહારના ચોક્કસ ઢાંચામાં ઢાળવાની મા-બાપ અને સમાજની કેળવણી-ખેવના, સૂચન અને અનુકરણ વગેરે તેને સમયભાન કરાવવા મથે છે. આગ્રહો, નીતિ-નિયમો, રીત-રિવાજો, આદર્શો, મૂલ્યો, માન્યતાઓ અને સંસ્કૃતિ, ધર્મથી તેનું મન સંસ્કારમય છે. સઘળું લાગણી, તર્ક, બુદ્ધિ, અહંકાર અને વિચાર-સ્વરૂપોના પ્રતીકો સાથે સ્મૃતિ-વિસ્મૃતિના સહારે મન-મગજના ભંડારમાં ભંડારાવા લાગે છે. પદ, પૈસો, પ્રતિષ્ઠા, પરમેશ્વર, જીવન-મૃત્યુ ઈત્યાદિની પળોજણ-પીંજણમાં પીંખાઈ-ગંઠાઈને ‘હું’ ભોક્તા-ભોગ્ય-ભાગ્ય-પુરુષાર્થના ખ્યાલોથી જ્યારે અહમના વિકાસ-વિસ્તાર અને વિહારના રવાડે ચડે છે, ત્યારે સમયનો અઠંગ ખેલ શરૂ થાય છે. જ્ઞાત-અજ્ઞાત ભાવાવેશ વૃત્તિ આધીન ક્રિયા-પ્રતિક્રિયાયુક્ત અનેક રંગ-ઢંગી સુખ-દુખના દશ્યો-ભાવો, સમય સાથે, મહદ અંશે ચિત્તલક્ષી સમયને સથવારે ભવ્ય માયાજાળ રચે છે ! માનવ કરોળિયા જેવી દશાને પામી જીવનભર ગોથાં ખાય છે, મુક્ત બની સમયાતીત આનંદ માટે અનહદ તલસે-મથે છે, પણ જવલ્લે જ મુક્ત થઈ રહી શકે છે !

ચિત્તલક્ષી સમયની ભ્રમજાળ ભલભલાને ભૂ પાય, ભોં ભેગા કરી દેવામાં સક્ષમ છે. ભાગ્યે જ કોઈ મહાવીર તેના આંતરબાહ્ય રહસ્યને પામી શકે છે. મન અને સમયની સર્વાંગ રમતગમતને જે વ્યક્તિ સર્વતોમુખી સંદર્ભમાં, તટસ્થભાવે અવલોકી, નિર્લેપભાવે વિતરાગ-જાગૃત રહે તે વ્યક્તિનું મન ધીમે ધીમે સંવેદનો, વિચારો, સ્મૃતિ, બુદ્ધિ અને અહમના મૂળને જોઈ-સમજી અંતે આ સઘળાંની ગહન ભ્રમજાળના ભ્રમર અવિરત પ્રવાહને પામી-ભેદી, આંદોલનરહિત બનતું જાય છે. ઈચ્છા-મહેચ્છા, યત્ન અને તાણ મુરઝાવા લાગે છે. ઊંડા-સૂક્ષ્મ અહમ-વિસર્જનનો પ્રારંભ થવા લાગે છે. સમયના સથવારે પોતે કાંઈક બનવાની કે અન્યને બનાવવાની મિટાવવાની નિરર્થકતા સમજાય છે. સઘળાં સ્વીકાર-અસ્વીકારનો ભાર ઘટવા-ઊતરવા નષ્ટ થવા લાગે છે. સંકલ્પ-વિકલ્પની ગુલાંટો બંધ થઈ જાય છે. સમય પસાર કરવાના અનેક કૃત્રિમ સાધનો-માધ્યમોની જરૂરિયાત-ગુલામી રહેતી નથી. ચિત્તલક્ષી-સમયાધીન દોડધામ ચીમળાવા લાગે છે અને અંતે નિર્મૂળ થઈ જાય છે. સમયાધીન ભોક્તા-ભોગ્ય, દશ્ય-દર્શન-દષ્ટા વગેરે દ્વૈતભાવનું વિસર્જન થતાં સમયાતીત આનંદદશા-અવસ્થા પામી વ્યક્તિ માત્ર સમય સાથે ‘હોવું’ થઈ જાય છે. અલબત્ત, વ્યવહાર રહે પણ વળગણ-અટકણમુક્ત ! ત્યારે વ્યક્તિ સહજ-સર્વાંગ સાદગીયુક્ત પુષ્પ જેવો બની જાય તો આશ્ચર્ય નહીં ! કદાચ આને જ શાસ્ત્રો મોક્ષ, નિર્વાણ, કેવળ જ્ઞાની કે જીવન્મુક્ત-મનોમુક્ત વગેરે શબ્દો દ્વારા બિરદાવતા હોય !

[કુલ પાન : 136. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : શ્રીમતી ભારતીબહેન લક્ષ્મણભાઈ પટેલ. ડી/303 ‘ગુરૂપ્રસાદ એપાર્ટમેન્ટ’, ટેલિફોન ઑફિસ પાછળ, રાજકોટ. ફોન : +91 281 2237758.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “મન અને સમય – પ્રો. એલ. ડી. પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.