નિર્ણય પછીનો અફસોસ કે અફસોસ પછીનો નિર્ણય – કાજલ ઓઝા-વૈદ્ય

[‘જનકલ્યાણ’ જુલાઈ-2011 માંથી સાભાર.]

એક રાજાને હાથમાં છરી વાગે છે. એની આંગળી કપાઈ જાય છે. એ વખતે ત્યાં હાજર મંત્રી સ્વાભાવિકપણે કહે છે, ‘જે થાય તે સારા માટે.’ ક્રોધના આવેશમાં રાજા મંત્રીને જેલમાં નખાવે છે. થોડા વખત પછી શિકારે ગયેલો રાજા આદિવાસીઓના હાથમાં સપડાય છે. આદિવાસીઓ રાજવંશી લોહીનો બલિ આપવા તૈયાર થાય છે. બલિની પૂરેપૂરી તૈયારી કર્યા પછી પૂજારીને સમજાય છે કે રાજાને એક આંગળી નથી. ખંડિત શરીરનો બલિ ન અપાય એવી અંધશ્રદ્ધા સાથે રાજાને છોડી મૂકવામાં આવે છે. રાજ્યમાં પાછો ફરીને રાજા હાથ જોડીને મંત્રીની માફી માગે છે.

પંચતંત્રની આ વાર્તા આપણને ઘણું શીખવી જાય છે. જે થાય તે સારા માટે માનીને જીવનારા લોકો પોતાના માટે ઘણી બધી તકલીફો ઘટાડીને શાંતિ ખરીદી લેતા હોય છે. થઈ ગયેલા નુકશાન ઉપર અફસોસ કરવાને બદલે કે આંસુ સારવાને બદલે એ પરિસ્થિતિને ફરી એક વાર મૂલવીને એમાંથી શું શીખવા જેવું છે એનો વિચાર કરનારા સુખી ન થતા હોય તો પણ પ્રમાણમાં ઓછા દુઃખી થાય છે એ તો સત્ય જ છે.

સામાન્ય રીતે માણસમાત્રને બની ગયેલી ઘટનાનું બે રીતે પૃથક્કરણ કરવાની ટેવ હોય છે. એક, જો એ ઘટના પોઝિટિવ હોય, સારી હોય, ફાયદાકારક હોય તો એમાં પોતે કેટલે અંશે જવાબદાર હતા અને પોતે આ ઘટનાને કે કામને પાર પાડવા માટે કેટલી તકલીફ લીધી, કેટલો પ્રયાસ કર્યો એ વિશે એની પાસે એક લાંબુ લિસ્ટ હોય છે. બે, જો ઘટનાથી નુકશાન થયું હોય, ગેરફાયદો થયો હોય, કોઈને દુઃખ પહોંચ્યું હોય તો પોતે એ ઘટનામાં કઈ રીતે જવાબદાર નહોતા અને એમણે આ બનતું અટકાવવા કેટલા પ્રયાસ કર્યા એ વિશેનું એક લિસ્ટ એમની પાસે તૈયાર હોય છે ! ‘જે થયું તે સારા માટે’ એવું આશ્વાસન માણસને દરેક વખતે બની ગયેલી ઘટનાનાં પરિણામોમાંથી બહાર કાઢી શકતું નથી. આર્થિક રીતે, માનસિક રીતે કે સામાજિક રીતે થયેલા નુકશાનને તમે કે હું આસાનીથી ભૂલી શકતા નથી, તેથી એ નુકશાન સાથે જોડાયેલા તમામ માણસોને જવાબદાર ગણીને આપણે ‘એને જિંદગીભર માફ નહીં કરું’ એવું જાતને વચન આપી દઈએ છે.

પણ, એક વાર વિચાર કરો કે જાતને આપેલા આ વચનમાં સૌથી વધુ નુકશાન કોનું થાય છે ? તમે જ્યારે કોઈને ‘માફ’ નહીં કરવાનું નક્કી કરો છો ત્યારે તમે એક નેગેટિવિટીને તમારી અંદર સંઘરી રાખો છો. એ નેગેટિવીટી બીજી નેગેટિવીટીને પોતાની તરફ આકર્ષે છે. તમારી આસપાસ બનેલી, તમને નહીં ગમતી આવી બીજી ઘટના પણ ‘યાદ રહી જવાના વચન’ સાથે તમારા મનમાં દાખલ થઈ જાય છે. ધીમે ધીમે એક મોટો ઢગલો થઈ જાય છે એવી ઘટનાઓનો, એવા માણસોનો, એવી પરિસ્થિતિનો અને એવી સ્મૃતિઓનો જે તમને તકલીફ આપવા, દુઃખ પહોંચાડવા અને કડવાશ ઘૂંટવાનું કામ કરે છે. બગડી ગયેલું ખાવાનું, ફાટી ગયેલાં કપડાં આપણે સંઘરતા નથી…. અરે ! જૂનાં પેપર પણ આપણે (કૂપન કાપીને) પસ્તીમાં આપી દઈએ છીએ, તો પછી બગડી ગયેલા સંબંધો, ચિરાઈ ગયેલી લાગણીઓ અને વીતી ગયેલાં વર્ષોને સંઘરીને આપણે શા માટે મનમાં કચરો ભરીએ છીએ ? જે ક્યારેય કામમાં નથી લાગવાનો એ બધું સંઘરી રાખવા માટે આપણે સાચે જ કામ લાગવાની હોય એવી વાતો, એવા સંબંધો અને એવી લાગણીઓ માટે જગ્યા રહેવા દેતા નથી.

ભૂતકાળમાં બનેલી ઘટનાનો અફસોસ વર્તમાનના આનંદને તમારી અંદર દાખલ થવા માટેની જગ્યા રહેવા દેતો નથી. આજે તમને જે મળી રહ્યું છે એને માણવાને બદલે તમને ગઈ કાલે શું નથી મળ્યું, અથવા નહોતું મળ્યું એ યાદ રાખીને તમારા હાથમાં છલોછલ ભરેલો ગ્લાસ હોવા છતાં તમે ગઈ કાલની તરસના અનુભવને યાદ રાખીને તરસ્યા જ રહી જાઓ છો. બહુ નવાઈની વાત છે, પણ જો નિરાંતે વિચારો તો તમને સમજાશે કે તમારી આસપાસના જેટલા લોકોને તમે ઓળખો છો અથવા જાણો છો, અથવા જેમની સાથે તમારે સંબંધ છે એ દરેક માણસ વિશે તમને કોઈ ને કોઈ ફરિયાદ છે. કોઈકના સ્વભાવ વિશે, કોઈકની આવડત વિશે, કોઈકની સમયપાલન, કોઈકની શિસ્ત તો કોઈકના સમજદારી વિશે…. તમે માનો છો કે એ બધાની સાથે તમે ‘નભાવી’ લો છો. તમારી સાથે ‘નભાવતા’ લોકો વિશે તમે ક્યારેય વિચાર્યું છે ખરું ? તમે તમારી જાત માટે ‘હું તો આવો જ/આવી જ છું. મને આમ જ સ્વીકારી લો’ એ વાત કેટલી સ્વાભાવિકતાથી કહો છો પરંતુ બીજાને સ્વીકારવાની વાત આવે ત્યારે તમારે એનામાં સારા એવા ફેરફાર કરવા હોય છે. સ્વામી વિવેકાનંદે પોતાના એક ભાષણમાં કહ્યું છે કે, ‘મારી અસંખ્ય અણઆવડતો, નાસમજ કે ભૂલો સહિત જો હું મારી જાતને આટલો બધો ચાહી શકતો હોઉં તો બીજાને એમની એકાદ ભૂલ માટે કે થોડી અણઆવડત માટે હું કેવી રીતે ધિક્કારી શકું ?’

સામાન્ય રીતે આપણને સૌને ‘જે દેખાય છે તે’ જોવાની ટેવ પડી છે. જે નથી દેખાતું તે છે જ નહીં એમ માનીને આપણે બધા જ જીવ્યે જઈએ છીએ. માણસને આપણે જેટલો ઓળખીએ છીએ તેટલું જ એનું વ્યક્તિત્વ છે એમ માનવાથી મોટી બીજી કોઈ ભૂલ જ નથી. ‘તારા પપ્પા/તમારા ભાઈના પ્રેમમાં ન પડી હોત તો મને મિલમાલિકનું માગું હતું !’ કહેતી સ્ત્રીને કદાચ ખબર નથી કે મિલમાલિકનો એ છોકરો એને એના આજના પતિ કરતાં વધુ પ્રેમ કરતો હોત કે નહીં…. સતત બીમાર રહેતી પોતાની પત્નીને જીવની જેમ સાચવતા, એનો મૂડ સમજતા અને પડ્યો બોલ ઝીલતા મધ્યમવર્ગીય પતિને બદલે મિલમાલિકની મર્સિડિસમાં વધુ સુખ હોત એમ માનનારી સ્ત્રી મિલમાલિકને ત્યાં હોત તો પતિ પાસે સમય નથી એ બાબતે બળાપો કાઢતી હોત. ‘તારી મમ્મી મને ક્યારેય સમજી શકી નથી’ કહેતા પિતાને છેલ્લાં 25 વર્ષમાં એકેય વાર બાથરૂમ ખાલી ન હોવાને કારણે, ટિફિન ન ભરાયું હોવાને કારણે કે છોકરાઓને રાખવા માટે ઘરે રહેવું પડે તેથી ઓફિસમાં મોડા પડવાનું બન્યું નથી. દરેક વખતે એની પત્નીએ (તમારી મમ્મીએ) એમના જમવાના ટેસ્ટથી શરૂ કરીને એમના સગાઓને સાચવવા સુધીની બધી જ જવાબદારીઓ પૂરી કરી છે, તેમ છતાં ગુજરાતી સાહિત્ય ન માણી શકતો કે જગજીતની ગઝલોમાં વાહ-વાહ ન કરી શકતી પત્ની વિશે એમને અફસોસ થાય છે. મહેતા કે દેસાઈની પત્ની કદાચ સુગમસંગીતના કાર્યક્રમોમાં ગ્રેસફૂલ કલકત્તી સાડી પહેરીને ‘મરીઝ’થી ‘મિસ્કીન’ સુધીના ગઝલકારો વિશે ધાણી ફૂટે એમ બોલી શકતી હશે, પરંતુ નોકરીએથી પાછી આવીને એ જ પત્ની અઠવાડિયામાં ત્રણ વાર ખીચડી મૂકે છે, જ્યારે બે વાર સવારની ઠંડી રસોઈ મહેતા કે દેસાઈને જાતે માઈક્રોવેવમાં ગરમ કરીને જમવી પડે છે જેની તમને જાણ નથી માટે તમને મહેતા કે દેસાઈની પત્ની કરતા તમારી પત્ની ઊતરતી લાગે છે.

આજની તારીખે તમને તમારી કારકિર્દી વિશે, તમારા લગ્ન વિશે, તમારા તૂટેલા કે બંધાયેલા સંબંધો વિશે અને તમારા બોલાયેલા કે નહીં બોલાયેલા શબ્દો વિશે અફસોસ થાય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આ અફસોસ તમને ‘આજે’ થાય છે, એ પળે નહોતો થયો ! તમે જે તે સમયે, જે તે કંઈ વર્ત્યા અથવા બોલ્યા અથવા નિર્ણય લીધો એ સમયની માગને આધારે લીધો. એના જે કંઈ પરિણામ આવવાનાં હતાં – સારા કે ખરાબ એ પણ આવી ચૂક્યાં. હવે તમે એ નિર્ણય વિશે ગમે તેટલો અફસોસ કરો એ નિર્ણય કે પરિણામ બદલાઈ શકવાનાં નથી. મોટા ભાગે દરેક માણસને લેવાઈ ગયેલા નિર્ણયનો અફસોસ થતો હોય છે. જે તદ્દન અર્થહીન અને નકામો અફસોસ છે. જે વિશે પોતે કશું જ નથી કરી શકવાના એ બાબતને યાદ કરી કરીને ઘા ઉપર જામી ગયેલા પોપડા ઉખાડવાથી પીડા પોતાને જ થવાની છે એટલું ન સમજી શકે તો એનાથી મોટો બેવકૂફ બીજો કોઈ નથી.

માણસમાત્રને બેઝિકલી સુખ શોધવું હોય છે ! એનો દરેક પ્રયત્ન સ્વાભાવિક રીતે જ વધુ સુખ અને વધુ સગવડ મેળવવા માટેનો હોય છે. એક બેડરૂમમાંથી બે બેડરૂમમાં શિફટ થવું કે નાનામાંથી મોટી ગાડી લેવી જેટલું સ્વાભાવિક છે એટલું જ સ્વાભાવિક છે વીતી ગયેલા દિવસોને વિસારે પાડી આજની જિંદગી જીવવા માટે તૈયાર થવું. તમારી પાસે બધું જ હોય અને તેમ છતાં જો તમને વીતી ગયેલા અભાવોના અફસોસ ઘેરી વળતા હોય તો એ તમારી કમનસીબી છે. સૌથી અગત્યની બાબત છે તમે જે તે વખતે લીધેલા નિર્ણયમાં એ સમયના સંજોગો, પરિસ્થિતિ અને તમારી એ સમયની સમજદારીએ ભજવેલો ભાગ. જ્યારે તમે 18 વર્ષના હતા ત્યારે તમે જે રીતે વર્ત્યા એનો અફસોસ આજે કરવાનો કોઈ અર્થ નથી. પણ હા, જો તમે આજે 40 વર્ષના હો અને 18 વર્ષના યુવાનની જેમ વર્તો તો તમને એટલો અફસોસ જરૂર થવો જોઈએ કે વીતેલા બે દાયકાએ તમારી જિંદગીમાં કોઈ ઉમેરો કર્યો નથી. તમે કશું જ શીખ્યા નથી. તમે તમારી જિંદગીની એ પળમાં ફ્રીઝ થઈ ગયા જે પળને તમે તમારી જિંદગીની સૌથી અગત્યની ભૂલ માનો છો.

આજે જિંદગીના એક-બે દાયકા કે અમુક સમય વીતી ગયા પછી તમને એવું લાગતું હોય કે જે તે સમયે લેવાયેલો નિર્ણય ખોટો હતો. આજે તમને એવું લાગતું હોય કે એ સમયે તમારામાં અક્ક્લ નહોતી તો એમાં કોઈ અફસોસ રાખવાની જરૂર નથી. તમે આજે એવું ન કરો એનાં બે કારણો છે : એક, તમારી સમજ વધી છે અને બીજું, એ વખતે નિર્ણય લીધા પછીનાં પરિણામો તમે ભોગવી ચૂક્યા છો ! ખરેખર તો જિંદગીમાં જે કંઈ બની ચૂક્યું છે તે એ જ રીતે બનવાનું નક્કી હતું ! અત્યારે તમને લાગે કે તમે આમ નહીં ને તેમ કર્યું હોત, પેલું નહીં ને એને બદલે અમુક રીતે વર્ત્યા હોત, પણ સાચું પૂછો તો આ બધા વિચારો તમને પાછળથી આવ્યા છે. જે તે સમયે તમે જે રીતે વર્ત્યા એ સમયનું સત્ય એટલું જ હતું. કોઈને બદલે તમે નિર્ણય લો કે કોઈ તમારે બદલે નિર્ણય લે એ પરિસ્થિતિમાં અફસોસ જરૂર થવો જોઈએ. ‘હું એની જગ્યાએ હોઉં તો આમ ન કરું’ અથવા ‘હું એની જગ્યાએ હોઉં તો આમ જ કહી દઉં કે આમ જ કરું’ કહેતા માણસોને એટલી સાદી સમજ નથી કે એ ‘પેલી વ્યક્તિ’ની જગ્યાએ નથી ! આપણે સૌ પોતપોતાના ભાગની જિંદગી જીવતા હોઈએ છીએ, પોતપોતાના સમય-સંજોગો અને સમજદારીને આધારે પોતપોતાના નિર્ણયો લેતા હોઈએ છીએ અને આપણે ભાગે આવેલાં એનાં પરિણામો પણ ભોગવતા હોઈએ છીએ !

શીખવાનું માત્ર એટલું જ છે કે જ્યારે આપણે દુઃખી હોઈએ, ઘેરાયેલા હોઈએ, લમણે પરિણામની પિસ્તોલ તાકવામાં આવી હોય ત્યારે કોઈ નિર્ણય ન લેવા ! અને, લેવા જ પડે કે લઈ જ લેવાય તો વર્ષો વીત્યાં પછી એ નિર્ણયનો અફસોસ ન કરવો !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પથદર્શક – મંજરી જાની
મન અને સમય – પ્રો. એલ. ડી. પટેલ Next »   

21 પ્રતિભાવો : નિર્ણય પછીનો અફસોસ કે અફસોસ પછીનો નિર્ણય – કાજલ ઓઝા-વૈદ્ય

 1. વાત ખુબ સરસ છે. અને ખૂબી એ છે કે ખુબ સરસ રીતે રજુ કરવામાં આવી છે. વાતની બધી બાબતો સાથે સહમત.

  અંગ્રેજીમાં એક શબ્દ છે: એસેર્તીવનેસ. એને મૂળભૂત રીતે સમજીએ તો એવો છુપો અર્થ નીકળે કે તમે તમારી જાતને સ્વીકારો અને એ તમે જેવા છો એવા સ્વીકારીને ચાલો. દરેક જણ એના જીવનમાં સમાજમાં હીરો થવા માટે (સમાજની દ્રષ્ટિએ) હીરો થવા માટે નથી સર્જાયો. એટલે એનો બોજો માથે રાખીને ના જ્વવું જોઈએ.

  આજની વાત બીજાને પણ સ્વીકારો, પરિસ્થતિને પણ સ્વીકારો એવું કહે છે.

  છતાંયે એક મુદ્દો રહી ગયો છે, પુરેપુરો રહી ગયો છે. ડૂબતા માણસની વ્યથા ફક્ત ડૂબતો માણસ જ જાણે. આ બધી વાતો કહેવી સારી છે. સુષ્ટુ સુષ્ટુ બોલવાનું ઘણું જ રૂપાળું લાગે. એવી વાતો સંભાળીને એક વાર જોમ પણ ચડી જાય. પણ એ વાતો જયારે અમલમાં મુકવાની આવે ત્યારે એનો ખુબ જ તનાવ ઉભો થાય.

  ગુરુજી એમ કહે કે બેટા સંપત્તિની જરૂર નથી, અત્યારે જ એનો ત્યાગ કર. પણ ગુરુજી એ તો સંસારનો ત્યાગ કરેલો છે. એમને પત્ની કે બાળકો નથી. એમને તો ફૂલ ટાઈમ જોબ જ ઉપદેશ આપવાની છે. ગુરુજીને ક્યારે ય છોકરાના પરિણામની ચિંતા ના હોય, એમને ક્યારે ઈલેક્ટ્રીસિટીના બિલ ભરવાની ચિંતા ના હોય…એમનો જીવન જોવાનો દ્રષ્ટિકોણ જ અલગ હોય. તો એ ત્યાગ કરવનું કહે એ આપણા જીવનમાં ફીટ કેમનું થઇ શકે?

  (એક આડ વાત: અમારે ત્યાં આહી ઓસ્ટીનમાં એક ગુરુજી તો અડપલા કરતા પણ ઝડપાઈ ગયા. ત્યારે એમને શિષ્યોએ ૧ મિલિયન ડોલરના જમીન આપીને છોડાવ્યા!)

  એટલે રૂપાળી અને સુંદર વાતો કરી નાખવી, સમાજમાં લોકોને ઉપદેશ આપી દેવો સરળ છે. એમ કહેવું સરળ છે કે આમાં આવું કરો. તમારે થોડું કરવાનું છે? ના થાય તો કઈ નહિ. આપણે ત્યાં તો વોરેન બુફેતને ધંધો કેમ કરવો એની સલાહ આપતા લોકો જોવા મળી જાય ખરા.

  ક્રિકેટ વખતે તો આવી સલાહોનો અતિરેક થઇ જાય. ક્રિકેટની સીઝનમાં દરેક જણની પ્રતિક્રિયા એવી કે જો એમને તેન્ડુલકરની જગા એ રમવા મોકલ્યા હોય તો જ ભારત જીતી શકે. કારણ કે તેન્દુલકર હવે ક્રિકેટ રમવાનું ભૂલી ગયો છે. સહુ પહેલા એને આ પાન ખાતા ભાઈ જે ટીવીમાં મેચ જુવે છે એમની પાસેથી કોચિંગ લેવાનું છે અને પછી એ જે ટેકનીક બતાવે એ રીતે રમે તો કદાચ ૧-૨ વર્ષ પછી ભારત કોઈ નાનીશી મેચમાં જીતી પડે ખરું. અને એ ભાઈ પોતે રમવા જાય તો ક્રિકેટના પિતામહો ડોન બ્રેડમેન જેવા એમના પગે પડીને કહી શકે: તમે અત્યાર સુધી ક્યાં છુપાયા હતા? વિશ્વને તમારી આ અજાયબીથી વંચિત કેમ રાખ્યું?

  “આપણા આ મોદી છેને એને હવે ઘણી ભૂલો કરી છે. આ દિવાળી જુવે તો જુવે. ખરી રીતે અત્યારે જે સંગઠન ચાલ્યું છે એ જોતા આજે જુઓ, આમની સરકાર પાક્કી. બોલો કેટલાની લગાવવી છે?” નોસ્ત્રદેમાંસને પરસેવો વળી જાય એનાથી ભવ્ય આગાહીઓ આપણે ત્યાં ચા પીતાં પીતાં અધિકારીઓ કરી પાડે. પછી મોદીજીને સરકાર કેમ ચલાવવી એની સલાહો ચાલુ થાય. છેવટે અઠવાડિયા બાદ ગમે તે પરિણામ આવ્યું હોય, આ ભાઈનો એક જ શબ્દ હોય: “જો, હું નાતો કહેતો?” અને હકીકતે એમને બધું જ કહી પાડ્યું હોય. કહેવામાં શું જાય છે?

  એક માનનીય લેખક “નતી ભટ્ટ” ઘણી યે વાર ધીરુભાઈને સલાહ આપવા ચડી બેસે છે. કે પછી બર્માના રાજા એ શું સ્ટેપ લેવા જોઈએ એની વાત પણ લખી પાડી હોય, અને ઘણી વાર તો એવું લાગે કે હવે તો ભાઈ શું કામ આટલો અત્યાચાર કરી નાખો છો? એમને લખવામાં શું વાંધો? એમને ક્યાં નફા-નુકસાનનો વિચાર કરવાનો છે? ધીરુભાઈ એમની સલાહ માને તો ફાયદો થાય કે નુકસાન થાય એ તો ધીરુભૈનું ને? નતી ભટ્ટને એમાં ક્યાં ઘરના પૈસા જોડાવાના છે? લાખો ને ભાઈ, ઝીંકે રાખો તમ તમારે….

 2. mala says:

  ખરેખર સારો લેખ છે,,,,,,,,,,,,,,,,,, પણ જીવનમાં બધુ બધા ને મલતું નથી…………..
  જીવનમાં જો બધુ બધાને મળી જાય તો , ભગવાનને કોઇ યાદ જ ન કરે………..

  આ લેખમાં ખૂબ સરસ રીતે સાચી વાત કરી છે પણ બધું જાણવા છતાં આપણે તેમ વર્તી શકતા નથી ……………

 3. trupti says:

  લેખ તો સરસ જ પણ સાથે સાથે વિરેન ભાઈ નો લેખ પર નો પ્રતિભાવ પણ ખુબજ સરસ અને સમજવા લાયક.

 4. મસ્ત says:

  વ્યવહારુ ઉદાહરણ આપી બહુસ ઉમદા રીતે લખાય લો લેખ.

 5. મસ્ત says:

  દરેક માણસ વિશે તમને કોઈ ને કોઈ ફરિયાદ છે. કોઈકના સ્વભાવ વિશે, કોઈકની આવડત વિશે, કોઈકની સમયપાલન, કોઈકની શિસ્ત તો કોઈકના સમજદારી વિશે…. તમે માનો છો કે એ બધાની સાથે તમે ‘નભાવી’ લો છો. તમારી સાથે ‘નભાવતા’ લોકો વિશે તમે ક્યારેય વિચાર્યું છે ખરું ? તમે તમારી જાત માટે ‘હું તો આવો જ/આવી જ છું. મને આમ જ સ્વીકારી લો’ એ વાત કેટલી સ્વાભાવિકતાથી કહો છો પરંતુ બીજાને સ્વીકારવાની વાત આવે ત્યારે તમારે એનામાં સારા એવા ફેરફાર કરવા હોય છે.

  સમાજ ની સાચી હકીકત……..

 6. Fazul Chenai Y says:

  રાજ્યમાં પાછો ફરીને રાજા હાથ જોડીને મંત્રીની માફી માગે છે.
  Morality
  Prisoner, I had the safe life because on your place, I would have been chosen as the sacrifice.
  ‘જે થાય તે સારા માટે.’

 7. Pinky says:

  Very good, Both Kajalben & Virenbhai

 8. Ami Patel says:

  Virenvbhai:

  Very nice.Jakkas!

  No words for Kajalben..Blunt Truth always from hers. Either love it or hate it. She is the person after Bakshi to write the words that feels sharper than sword.

 9. JyoTs says:

  I liked the article….Have learned something good from it….Thanx…

 10. nayan panchal says:

  ખૂબ જ સુંદર, હ્રદયથી લખાયેલો લેખ. આવો લેખ જેણે પોતે કરેલી ભૂલોને અને તેના પરિણામોને ખૂબ અનુભવ્યા હોય તે જ લખી શકે અને સમજી શકે.

  મને પોતાને ઘણી વાર થાય કે અમુક ભૂલો મેં ન કરી હોત તો સારું થાત. પરંતુ હું જે શીખ્યો છું તેના પાયામાં તો એ ભૂલ જ છે. દરેક ભૂલમાંથી મળેલો બોધપાઠ જીવનની જિગ્સો પઝલનો એક ટુકડો છે, એમ લાગે છે. ભગવાનને ભૂલ કેમ કરવા દીધી તેની ફરિયાદ કરવા કરતા, ભૂલના પરિણામને સહન કરવાની શક્તિ અને તેમાં છૂપાયેલો બોધપાઠ સમજવાની સમજ આપવાની પ્રાર્થના કરવુ વધુ હિતાવહ છે.

  કાજલબેનનો આભાર,
  નયન

 11. કાજલબેન ઓઝા-વૈદ્યનો આ લેખ વાંચી મને ૧૯૯૭ની આસપાસ મુંબઈ સમાચારની ગુડમોર્નિંગ કૉલમમાં વાંચેલો સૌરભ શાહનો આવાજ શિર્ષક વાળો એક લેખ યાદ આવી ગયો જે પછીથી તેમના પુસ્તકોમાં પણ પ્રસિદ્ધ થયો હતો નિર્ણયો પછીના અફસોસ – સૌરભ શાહ

 12. bhoomi says:

  khub j saras lekh!!!!mara bhabhi ne bahuj gamyo n i love your all articles!!!
  keep posting!!!

 13. devina says:

  very good article, to be followed by all to give away their past and live in present.

 14. Ashutosh says:

  Very good article. I re-realized few mistakes I did in the past.

 15. gopal says:

  ખુબ સરસ લેખ !

 16. shweta makwana says:

  very good article.

 17. Arvind Patel says:

  હારી ઈચ્છા બળવાન, આવી કહેવત છે. આ મુજબ જીવવા માં કશું જ ખોટું નથી. આમાં એવું નથી કે આપણે આળસ કરીએ છીએ. જે પણ પરિસ્થિતિ જેવી હૈ તેવી સ્વીકારી લેવી. આની પણ એક અલગ મઝા છે. પણ સંપુર્ણ પ્રયત્નો કાર્ય બાદ જ. પ્રયત્નો માં કચાસ બિલકુલ નહિ. પરિણામ જે આવે તે સ્વીકારવું.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.