[‘લગ્નસાગર’ પુસ્તકમાંથી સાભાર.]
અનેક વાર ઉત્સાહી ને આદર્શવાદી યુવાનો (ને યુવતીઓ) પાસેથી એ ઉદ્દગાર સાંભળવા મળ્યો છે : ‘હું લગ્ન કદી કરીશ જ નહિ !’ કોઈ વાર સેવા કરવાના ઉદ્દેશથી, કોઈ વાર જીવનપર્યંત નિર્વિધ્ને અભ્યાસ-સંશોધન ચલાવવાના આશયથી, કોઈ વાર નર્સ થવાના નિર્ણયથી (જાણે નર્સો લગ્ન કરતી ન હોય…), તો કોઈ વાર પ્રેમમાં નિષ્ફળતા મળ્યાના આઘાતથી એ ઉદ્દગાર અનેક યુવાનો ને યુવતીઓના મોંમાંથી નીકળે છે : ‘મારે લગ્ન નથી કરવું.’
બસ.
નિર્ણય લીધો.
બ્રહ્મચર્યનું વ્રત લીધું.
દીક્ષા લીધી.
અને એમની વાત માનીએ તો એ નિર્ણય આખરી ને અફર છે. પરંતુ એ અફર નિર્ણય એ યુવક-યુવતીઓની પાસેથી સાંભળ્યા પછી અનેક વખત (ખરું કહું તો બધી જ વખત) થોડાક મહિના બાદ એમનાં લગ્નની કંકોતરી ટપાલમાં આવે છે. અચૂક ક્રમ છે. ઓચિંતો વૈરાગ્ય, તાત્કાલિક વ્રત અને…. લગ્નની જાહેરાત. ને હું એ લગ્નમાં પણ અચૂક જાઉં છું, અભિનંદન ને આશીર્વાદ આપું છું. પણ વ્રતનો કોઈ પણ ઉલ્લેખ કરતો નથી. રસમાં ભંગ પાડવો એ પણ એક જાતની હિંસા છે ને !
પણ એવા પ્રસંગોએ મને પ્રશ્ન જરૂર ઊઠે છે કે જીવનના અમુક કાળમાં ઘણા યુવાનોને આવો વિચાર કેમ આવતો હશે ? ને એ શું યોગ્ય છે કે અયોગ્ય છે ? કોઈ વાર કોઈ પ્રભાવશાળી ધર્મોપદેશકનો બોધ સાંભળતાં સંસારની પોકળતા સમજાઈ અને યુવાન હૃદયમાં વૈરાગ્ય જાગ્યો. કોઈ વાર કોઈ સાચા પવિત્ર સાધુ-સાધ્વીનું જીવન નજીકથી જોતાં તેમાં અલૌકિક આનંદ ને શાશ્વત શાંતિ જણાયાં અને તેનું અનુકરણ કરવાની પ્રેરણા જાગી. તો કોઈ વાર માણસોની બદમાસી ને અધમતા જોતાં દુનિયાની જાળમાંથી છૂટી જવાની ઈચ્છા થઈ. અને મોંમાંથી ઉદ્દગાર નીકળ્યો ‘હું લગ્ન કરવાનો (કરવાની) નથી !’
એમાં સાચી ભાવના પણ હોઈ શકે ને ખોટો પૂર્વગ્રહ પણ હોઈ શકે. ઘણી વાર યુવાન માણસના મનમાં એવા ઉચ્ચ આદર્શો હોય છે કે લગ્ન જેવી દુન્યવી સંસ્થા તરફ એ અવિશ્વાસની નજરે જુએ છે. લગ્નમાં ઉપભોગ છે, બંધન છે, સ્થૂળ દેહવિલાસ છે, એટલે એ કંઈક ઊતરતી કક્ષાની અવસ્થા લાગે છે. બ્રહ્મચારીના જીવનને શુદ્ધ ને પવિત્ર કહીએ છીએ, માટે લગ્ન કંઈક અશુદ્ધ ને અપવિત્ર હશે એવો ભાસ થાય છે. અને કહેવાઈ પણ જાય છે કે લોકો લગ્ન કરે છે તે લાચાર બનીને કરે છે, બીજો છૂટકો નથી એટલે કરે છે. સંયમ રાખી શકતા નથી એટલે લગ્ન કરે છે, કે વંશવેલો લંબાવવાની કામનાને રોકી શકતા નથી એટલે લગ્ન કરે છે, કે વૃદ્ધાવસ્થામાં આશરો જોઈએ છે એટલે લગ્ન કરે છે અને લગ્ન કરવાં ન હોય ત્યારે પણ સમાજ ને કુટુંબ ને રૂઢિ તે એમની પાસે કરાવે છે. લાચારીનો વિષય છે. પણ ખરું જીવન, મુક્ત જીવન, શુદ્ધ જીવન તો બ્રહ્મચારીનું છે. એમ ઘણા આદર્શવાદી યુવાનો પોતાના જીવનના અમુક કાળમાં સ્પષ્ટ કે અસ્પષ્ટ રીતે માને છે.
પણ એ માન્યતા ખોટી છે.
એ ખ્યાલ ભૂલભરેલો છે.
લગ્ન એ લાચારીનો વિષય નથી, બહાદુરીનો છે.
એમાં પડતી નહિ, ઉન્નતિ છે.
સંસાર ભ્રષ્ટ નથી, અપવિત્ર નથી, મિથ્યા નથી.
સંસાર મિથ્યા હોય (ટાગોરની દલીલ છે) તો સંસારનો ત્યાગ પણ મિથ્યા છે. રૂપિયો ખોટો હોય (ટાગોરની ઉપમા છે) તો રૂપિયાનું દાન પણ ખોટું થાય. લગ્ન વ્યર્થ હોય તો લગ્નનો ઈન્કાર પણ વ્યર્થ થાય. સંસારને મિથ્યા અને ઝાંઝવાંનાં જળ કહીને ત્યાગને સહેલો બનાવી દેવામાં સત્ય પણ નથી અને ગૌરવ પણ નથી. જે દેશમાં આપણા રૂપિયા ચાલતા નથી તે દેશમાં અહીંનાં નાણાંનો બોજો જંજાળની પેઠે ધૂળમાં ફેંકી દેવામાં ઉદારતા લગારે નથી. (ટાગોર) લગ્નની નિંદા કરવી એ કુદરતની નિંદા કરવા જેવું છે. લગ્નસંસ્થા તો માતૃસંસ્થા છે, જીવનવાહક સંસ્થા છે, પછી એથી વધુ પવિત્ર શું હોઈ શકે ? નદી પવિત્ર છે, માટે નદીનો સ્ત્રોત પવિત્ર છે. જીવન પવિત્ર છે. માટે જીવનસ્ત્રોત (લગ્નસંસ્થા) પવિત્ર છે. ગંગોત્રી પુણ્ય સ્થળ છે કારણ કે એ ગંગામૈયાનું ઝરણ છે. લગ્નસંસ્થા પણ તીર્થધામ છે કારણ કે એ માનવજીવનનું ઉદ્દભવસ્થાન છે.
લગ્ન પવિત્ર છે.
સંસાર મંગળ છે.
રૂપિયો સાચો જ છે.
આમ જો એ યુવાનોની ભાવનાના મૂળમાં લગ્નસંસ્થાનો અનાદર ને અવિશ્વાસ હોય (અને કોઈ વાર છે) તો એ ખોટું કહેવાય. જે વૈરાગ્યનો પાયો તિરસ્કાર હોય એ વૈરાગ્ય પુણ્યમાં નહિ ખપે. તોય સાચા વૈરાગ્યને હજુ અવકાશ છે. વસ્તુ સારી હોય તોય હજુ કોઈ ઉમદા પ્રેરણાથી એનો ત્યાગ કરી શકાય. લગ્નસંસ્થા સારી છે ને તેની પાછળની ભાવના ઉન્નત છે, તોપણ હજી કોઈ ઉચ્ચતર ભાવનાથી એના લાભ જતા કરી શકાય. એ ઉચ્ચતર ભાવના ભગવાનને આખું જીવન, અખંડ હૃદય અર્પણ કરવાની છે. માણસનો પ્રેમ સાચો, અને લગ્નમાં એની ખિલવણી સાચી. પણ એની સામે ભગવાનનો પ્રેમ આવે, ભક્તિનો ઊભરો આવે, સમર્પણનો ઉમળકો આવે તો એ પણ સાચો – અનેકગણો સાચો. મીરાંબાઈનો ઉદ્દગાર છે : ‘મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ’ એમાં બ્રહ્મચર્યવ્રતનું ખરું રહસ્ય છે. પ્રેમ સાચો ને લગ્ન સાચું, પણ માનવહૃદયમાં જે ઉત્કૃષ્ટ લાગણી છે એ જો સાચા ઉમળકાથી, પૂર્ણ શ્રદ્ધાથી, અનન્ય ભક્તિથી ભગવાનને અર્પણ કરી શકે તો જ મીરાંબાઈનો એ ધન્ય ગુરુમંત્ર એ પૂરા દિલથી બોલી શકે. ‘દૂસરા ન કોઈ’નો અર્થ સંસારી માટે જુદો ને બ્રહ્મચારી માટે જુદો. અને એ દિલનો ઉદ્દગાર એ સાચા અર્થમાં બોલવાનો અધિકાર પ્રાપ્ત કરવા માણસ અખંડ બ્રહ્મચર્ય હર્ષથી સ્વીકારે છે. એમ કરવાથી એક લાભનો ભોગ આપ્યો, પણ બીજો લાભ આવ્યો. હૃદયનાં દ્વાર બંધ રાખ્યાં – પણ અંદર ભગવાન નિર્વિધ્ને પધારી શકે એટલા માટે. ઘર ખાલી કર્યું – પણ એ દિવ્ય મહેમાનનો સત્કાર કરવા માટે. દિલની એકલતા સ્વીકારી – પણ એ અનુપમ સખાનું સતત સાંનિધ્ય મળે એ માટે. ત્યાગ કર્યો – પણ પૂર્ણ થવા માટે. એ ત્યાગ યોગ્ય છે, શુભ છે, હિતકારક છે. એ બ્રહ્મચર્ય ઉજ્જડ નથી, વાંઝિયું નથી, શૂન્યકારક નથી. એ ત્યાગથી જીવન સમૃદ્ધ બને છે, એ ભોગથી હૃદય ભરાય છે. રૂપિયાનું દાન આપ્યું (સાચા રૂપિયાનું દાન આપ્યું), પણ બદલામાં લક્ષ્મીજીના અખૂટ ધનના ભાગીદાર અત્યારથી બન્યા.
આમ લગ્નયે સાચું ને બ્રહ્મચર્યયે સાચું.
દિલનું આકર્ષણ, ધર્મના સંસ્કારો અને બહારના સંજોગો દરેકને પોતાનો રસ્તો બતાવશે. બંનેમાં પુણ્ય છે. બંનેમાં સાર્થકતા છે. અને એકની યોગ્ય કદર કરીને બીજાની પસંદગી કરવામાં આવે તો અમુક અંશે બંનેના લાભ પણ મળે. બ્રહ્મચારીને તો પ્રેમ (ઉત્કૃષ્ટ સ્વરૂપમાં) મળે છે. સાથ મળે છે. અને દેહનાં સંતાનો નહિ તો મનના શિષ્યો ને મિત્રો ને ભક્તોય મળે છે જે તેના જીવનની પ્રેરણા પામે છે અને તેનો સાચો વારસો સાચવે છે. એટલે એક આશ્રમના લાભ સાથે બીજા આશ્રમના લાભ પણ એને સાચા અર્થમાં મળે છે.
અને સંસારીનું શું ?
સંસારી પણ અનેક રીતે બ્રહ્મચારીનું પુણ્ય મેળવી શકે છે. એક તો બધાને માટે બ્રહ્મચર્યાશ્રમની સાધના છે. કામચલાઉ દીક્ષા છે. હંગામી વૈરાગ્ય છે. પણ તે ભારે મુશ્કેલ હોય છે. માટે એમાં ઓછી સિદ્ધિ નથી. પછી છોકરો પરણ્યો ને કૉલેજમાં આવ્યો તો કંઈ નહિ તો વરસમાં આઠ મહિનાનો વિયોગ. અને અમેરિકા ગયો તો વરસો સુધી છૂટાં. ને આગળ ઉપર પણ કુદરત અનેક રીતે ને અનેક પ્રસંગે પતિપત્નીને માટે બ્રહ્મચર્યધર્મ ઊભો કરશે. ને કોઈ વાર બ્રહ્મચર્ય કરતાં લગ્નની સાધનામાં વફાદારી ને પતિ-પત્નીવ્રત ને કુટુંબનું પાલનપોષણ વધારે અઘરું હોઈ શકે છે (માટે એનું પુણ્ય પણ વધારે હોઈ શકે છે) એ પણ હકીકત છે. આમ નિષ્ઠાથી વર્તીને, પોતાની ફરજો ઉદારતાથી બજાવીને, અને પ્રસંગ આવે ત્યારે લાચારીથી નહિ પણ હર્ષથી કુદરતની મર્યાદાઓ સ્વીકારીને સંસારી પણ બે લોકના આશીર્વાદનો અધિકારી બની શકે છે.
એટલા માટે જ જ્યારે એવાં યુવાનો ને યુવતીઓના મોંમાંથી ‘મારે કદી પરણવું નથી’ એ ઉદ્દગાર સાંભળીએ છીએ અને થોડાક સમય પછી એમને પરણતાં જોઈએ છીએ ત્યારે મનમાં એવું થાય છે કે કંઈ વાંધો નહિ, કશું ખોટું થયું નથી; જો એ આદર્શ સાચો હતો તો હજી તેઓ અનેક રીતે (કદાચ પોતાને પણ ખબર ન પડે એ રીતે) તેની સાચી ભાવના બીજા સ્વરૂપમાં સાચવશે, તેની સાચી સાધના બીજા આશ્રમમાં કરશે. પોતાની કૌટુંબિક ફરજોની સાથે ત્યાગની એ ઉમદા દષ્ટિ રાખશે અને એના બમણા આશીર્વાદ તેમના જીવનમાં ફળશે.
12 thoughts on “બે લોકના આશીર્વાદ – ફાધર વાલેસ”
Excellent
ખુબ સરસ…
very very nice…..
Father Wallace stayed in Gujarat for very long time and he is a native of Spain. Being a professor of mathematics, his command of Gujarati language is unique. He has written several books in gujarati. Grasp of subject matter is praise worthy.
ખુબ જ સરસ….. નિબન્ધ માટે રિડગુજરાતીનો આભાર……
સરસ ……. ખુબ સરસ ……
કોઈને પણ લગ્નોત્સુક કરી દે તેવો સરસ લેખ.
પરંતુ, ખરી અને કપરી કસોટી લગ્ન પછી તેને ટકાવી રાખવામાં અને સફળ કરવામાં છે.
very useful
5 minutes of nice moments of my life..
Thanks…..
મોજ પડે તેવો લેખ્. આભાર જય વસાવડા સાહેબ નો કે આ link આપી…
લગ્ન સાગરમા વાઁચેલો લેખ તથા આખેી લગ્નસાગરમા વર્ણવેલ પ્રસઁગોનેી યાદ ફ્લેશબેક થઈ.ખુ………બ સરસ લેખો ફાધરે લ્ખ્યા છે. સાચે જ સમાજદર્શી અને સમજ્ણ આપતાં લેખ ગુજરાતી ભાષા-સાહિત્યમાં સરસ યોગદાન આપ્યુ છે.
આભાર,
સલામ ફાધર વાલેસ સાહેબ. ખૂબ જ વિદ્વતાપૂર્વક સંસાર-જીવન સમજાવતો લેખ આપ્યો. આભાર. ખરેખર તો જે કુદરતી છે તેને સ્વીકારીને નિષ્ઠાપૂર્વક લગ્નજીવન જીવતાં-માણતાં ઈશભક્તિ કરતા રહીએ , એ જ ઉત્તમ જીવન છે. પ્રભુકૃપા {પ્રભુ દર્શન} પણ સંસારીને જ મળતી હોય છે, સન્યાસીને પ્રભુ દર્શન થતાં નથી !
કાલિદાસ વ.પટેલ {વાગોસણા}