સાહિત્ય સુવાસ – સંકલિત

[1] બોલે તે બે ખાય – ગિજુભાઈ બધેકા

એક હતો કાકો અને એક હતો ભત્રીજો. બન્ને જણા એકવાર યજમાનને ત્યાં જવા નીકળ્યા. રામપુર જેવું ગામ. યજમાનને ત્યાં ઊતર્યા. યજમાને તો માનપાન દીધા ને ગોર મહારાજને લાડવા કરવાનું કહ્યું. કાકા ભત્રીજાએ ખાખરા શેકીને ચૂરમું કર્યું, ને લાડવા વાળ્યા ત્યારે પાંચ થયા. હવે કાકો ભત્રીજો વિચાર કરવા લાગ્યાં કે ભાગ કેવી રીતે પાડવા ? લાડવો ભાંગીને ભાગ પાડવાનું એકેયને ન ગમ્યું. છેવટે કાકા ભત્રીજાએ એમ ઠરાવ્યું કે આપણે મૂંગા બેસો. બોલે તે બે ખાય અને ન બોલે તે ત્રણ ખાય.

કાકો ભત્રીજો તો બોલ્યા ચાલ્યા વિના લાંબા થઈને સૂતા. યજમાન આવીને જુએ છે તો કોઈ ન બોલે કે ચાલે ! ઘણુંયે બોલાવ્યા, પણ કોઈ જવાબ આપે ત્યારે ને ! કોણ જાણે એરુબેરું કરડ્યો હોય ને મરી ગયા હોય તો ? યજમાન કહે, તો ચાલો, હવે બ્રાહ્મણના દીકરા છે તો એને ઠેકાણે પાડીએ ! બધાય વાતો કરતા હતા ને આ કાકો-ભત્રીજો પડ્યા પડ્યા સાંભળતા હતા. મનમાં કહે, આ તો ભારે થઈ છે ! પણ કોણ બોલે ? બોલે તો બે જ લાડવા મળે ને ? ગામના માણસો ભેગા થયા ને ઠાઠડી તૈયાર કરી. કાકા-ભત્રીજાને કચકચાવીને બાંધ્યા, પણ બેમાંથી એકેય બોલે તો કે ? એ તો જાણે સાચેસાચાં મડદાં ! ‘ઓ….ઓ…..ઓ….’ કરતા બધા એમને સ્મશાને લઈ ગયા. સ્મશાનમાં ચિતા ખડકીને બેઉ જણને સુવાડ્યા. બીજા બધા તો નદીએ નહાવા ગયા હતા, માત્ર પાંચ જણા ત્યાં બાકી હતા. યજમાને બિચારે પૂળો સળગાવ્યોને ‘ઓ..ઓ….’ કરીને ચિતાને આગ મૂકી. કાકો મનમાં વિચારે છે – બળી મરીએ તો કંઈ નહીં, લાડવા બે નથી ખાવા. ખાવા તો ત્રણ ખાવા, નહિતર કાઈ નહીં !

ભત્રીજે વિચાર્યું…. માર્યા ! આ તો ત્રણ લાડવા ખાવા જતા સમૂળગા જીવ ના જઈશું. છેવટે ભત્રીજો બોલ્યો – એલા ભાગજે ! ત્રણ તારા ને બે મારા. એમ બોલી કાકો-ભત્રીજો બંને ચિતામાંથી બેઠા થયા. પેલા પાંચે જણા કહે, ‘ભાગો એલા ! આ તો ભૂત થયા…..’ પાંચે જણા જાય દોડ્યા. કાકો-ભત્રીજો તો દોડતા દોડતા યજમાનના કોઢિયામાં જઈને લાડવા ખાવા બેસી ગયા, ત્રણ કાકાના ને બે ભત્રીજાના ! (‘વિદ્યાસૃષ્ટિ’ સામાયિક (મહુવા)માંથી સાભાર.)

[2] બાળક સવાલ પૂછે ત્યારે – વત્સલા મહેતા

19મી સદીનો વિખ્યાત અંગ્રેજ કવિ રોબર્ટ બ્રાઉનિંગ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે એક દિવસ એના પિતા કાંઈક વાંચતા હતા. ‘શું વાંચો છો, ડેડી ?’ નાના રોબર્ટે પૂછ્યું. આ ‘ઈલિયડ’ પુસ્તકમાંથી ટ્રોયના ઘેરા વિશે વાંચું છું.’ પિતા બોલ્યા.
‘ટ્રોય શું છે ?’ બાળકે ફરીથી પૂછ્યું.
બીજા કોઈ પિતાએ કહ્યું હોત કે ટ્રોય એક શહેરનું નામ છે અને પછી ઉમેર્યું હોત કે, ‘જા હવે બહાર રમવા જા અને મને વાંચવા દે !’

પણ રોબર્ટના પિતાએ તો ઉભા થઈને ત્યાં દીવાનખાનામાં જ ટેબલ-ખુરશીઓને ગોઠવીને જાણે કે નાનું સરખું શહેર બનાવ્યું અને એક મોટી ખુરશી પર એ નાના છોકરાને બેસાડ્યો. ‘જો, હવે આ બધું ટ્રોય નગર છે અને તું એનો રાજા પ્રાયમ છે…. અને હા, આ રહી તારી સુંદર મજાની રાણી હેલન !’ એટલું બોલીને પિતાએ રોબર્ટની પાળેલી બિલાડીને ઊંચકી. ‘અને બહાર પેલા જંગલી કૂતરાઓ છે ને – જે હંમેશાં તારી બિલાડીની પાછળ પડે છે ને ? તે જ રાજા એગ્મેન અને રાજા મેનેલેઅસ, જેમણે હેલનનું હરણ કરી જવા ટ્રોય ઉપર ચડાઈ કરેલી.’ આ પ્રમાણે પિતાએ નાના રોબર્ટને સરળ રીતે વાર્તા સમજાવી. પછી જ્યારે એ સાત-આઠ વરસનો થયો ત્યારે પિતાએ એને ‘ઈલિયડ’ પુસ્તક વાંચવા આપ્યું…. અને થોડાં વરસો પછી રોબર્ટને મૂળ ગ્રીક ભાષામાં ‘ઈલિયડ’ વાંચતાં શીખવ્યું. માતા-પિતા તરીકે આપણે હંમેશા બાળકોને કાંઈ ને કાંઈ શીખવતા જ હોઈએ છીએ, પછી ભલે શીખવવાનો આપણો ઈરાદો ન પણ હોય. આપણે આપણાં બાળકોને લાડ કરીએ કે મારીએ, તેમની ચિંતા કરીએ કે ઉપેક્ષા કરીએ – દરેક વર્તન મારફત એમને કાંઈ ને કાંઈ શીખવીએ જ છીએ. (‘અરધી સદીની વાચનયાત્રા-1’ તેમજ ‘સંપર્ક’ સામાયિક (કલોલ)માંથી સાભાર.)

[3] વિચાર-કણિકા – કાકા કાલેલકર

(3.1) ઝટઝટ ત્યાગી બની જવાની ઉતાવળ ન કરશો. પણ જેટલું તજો એ ઉત્સાહથી તજજો અને એ ત્યાગ શોભાવજો. ત્યાગ કરવા કરતાં ત્યાગને લાયક બનવું ઘણું કઠણ છે.

(3.2) દુનિયા આપણે માનીએ છીએ એટલી સાવ ખરાબ કે દુષ્ટ નથી. એ છે ત્યાંથી જલદી બહુ ઊંચે આવતી નથી, એટલી જ દુઃખની વાત છે.

(3.3) કુટુંબ સંસ્થા બંધાઈ એની પાછળ હજારો વર્ષોનો મહાપ્રયત્ન, સતત તપશ્ચર્યા અને કરોડો લોકોનો આપભોગ પડેલાં છે.

(3.4) સારું શું અને ખોટું શું એનો કંઈક સ્થૂળ ખ્યાલ, કોણ જાણે કઈ રીતે પણ, માણસને બહુ વહેલો મળે છે.

(3.5) આપણે ગમે તે વસ્તુની ગમે તેટલી ચર્ચા કરીએ, પણ આખરે એટલું તો ધ્યાનમાં રહેવું જોઈએ કે ચર્ચાને અંતે કંઈક ચોક્કસ કામ કરવું છે. (‘વાચનયાત્રા’માંથી સાભાર.)

[4] અસાધારણ પરદેશી – આર. એલ. સ્ટીવન્સન (અનુ. ચિન્મય જાની)

એક વખત આ પૃથ્વી ઉપર એક પડોશી ગ્રહ પરથી એક પરદેશી મુલાકાતી આવ્યો. એ જ્યાં ઊતરેલો ત્યાં એક દાર્શનિક (તત્વજ્ઞાની) તેને મળ્યો. અને તે તેને આખી ધરતી બતાવવા માંગતો હતો. સૌથી પહેલાં તેઓ જંગલમાંથી પસાર થયા અને પેલો પરદેશી વૃક્ષો સામે જોઈ રહ્યો.
‘આ બધા કોણ છે ?’ તેણે પૂછ્યું.
‘તે તો માત્ર શાકભાજી છે.’ દાર્શનિક બોલ્યો, ‘તેઓ જીવંત છે. પણ રસ પેદા કરી શકતા નથી.’
‘હું તેમના વિષે કશું જાણતો નથી.’ પરદેશી બોલ્યો, ‘પણ તેમની રીતભાત ખરેખર સારી છે. તેઓ કદી બોલતા જ નથી ?’
‘તે જ તેમની ખામી છે.’ દાર્શનિકે જવાબ આપ્યો.
‘પણ હું તો તેમને ગાતાં સાંભળી શકું છું.’ પેલો બોલ્યો.
‘એ તો પાંદડામાં થઈને પવન આવે છે તેનો અવાજ છે.’ દાર્શનિક બોલ્યો, ‘હું તમને આ પવનનો સિદ્ધાંત સમજાવીશ. તે ખૂબ રસપ્રદ છે.’
‘સારું.’ પરદેશી બોલ્યો, ‘પણ તેઓ શું વિચારે છે તે જાણવાની મારી ઈચ્છા છે.’
‘તેઓ વિચારી શકતા નથી.’ દાર્શનિકે જવાબ આપ્યો.
‘હું એ બાબતમાં કંઈ જાણતો નથી.’ પરદેશી બોલ્યો અને એક ખડ ઉપર હાથ મૂકીને આગળ બોલ્યો, ‘આ લોકો મને ગમે છે.’
‘તેઓ લોકો નથી.’ દાર્શનિકે કહ્યું, ‘ચાલ મારી સાથે.’

પછી તેઓ એક મેદાનમાંથી પસાર થયા. ત્યાં કેટલીક ગાયો હતી.
‘આ તો બહુ ગંદા લોકો છે.’ પરદેશી બોલ્યો.
‘તેઓ લોકો નથી.’ દાર્શનિકે ખુલાસો કર્યો અને કહ્યું કે, ‘વૈજ્ઞાનિક રીતે ગાયને શું કહેવાય તે હું ભૂલી ગયો છું.’
‘એ બધું એકનું એક જ’ પરદેશીએ કહ્યું, ‘પણ તેઓ કેમ ઉપર જોઈ શકતા નથી ?’
‘કારણ કે, તેઓ ઘાસખાઉં છે અને ઘાસ ઉપર જ જીવે છે. ઘાસ બહુ પોષણપ્રદ નથી, તેથી તેઓ પોતાની પ્રવૃત્તિ પર એટલું બધું ધ્યાન રાખે છે કે તેમની પાસે વિચારવાનો, બોલવાનો કે સુંદર દશ્યો જોવાનો તેમજ પોતાની જાતને સ્વચ્છ રાખવાનો સમય જ હોતો નથી.’
‘સાચે જ.’ પરદેશી બોલ્યો, ‘તે પણ જીવવાની એક રીત છે. એમાં શંકાને સ્થાન નથી. પણ લીલાં માથાંવાળા લોકો મને વધારે ગમે છે.’
પછી તેઓ એક શહેરમાં આવ્યા. નગરની શેરીઓ માણસો, પુરુષો અને સ્ત્રીઓથી ઊભરાતી હતી.
‘આ તો બહુ વિચિત્ર લોકો દેખાય છે.’ પરદેશી બોલ્યો.
‘તેઓ ખરેખર તો આ ધરતી પરના મોટામાં મોટા રાષ્ટ્રના નાગરિકો છે.’ દાર્શનિક બોલ્યો.
‘સાચે જ ?’ પરદેશી આશ્ચર્ય પામ્યો, ‘તેઓ એવા દેખાતા તો નથી.’ (‘કુમાર’ સામાયિકમાંથી સાભાર.)

[5] મરમ ગહરા – સં. રાજુ દવે

નગરમાં એક સાધુ મંદિરને ઓટલે પડ્યો રહેતો. ભૂખ લાગે એટલે જે ઘરે તે પહેલાં પહોંચે ત્યાં જઈ ભિક્ષા લાવે. મંદિર આવે. ભગવાનને ભિક્ષા ધરે. પછી જમી લે. મંદિરે દર્શન કરવા આવતા-જતા લોકો તેને જુએ. વાત કરવા પ્રયત્ન કરે, પણ સાધુ મૌન રહે. કોઈને જવાબ ન આપે. લોકોમાં તેની છાપ તરંગી અને અતડા સાધુની હતી. સમય વીત્યો છતાં સાધુની દિનચર્યામાં કોઈ ફરક ન પડ્યો. ભિક્ષા ન મળે તે દિવસે ભૂખ્યો મંદિરના ઓટલે પડ્યો રહે. લોકોમાં તેના વિશે જાત જાતની અટકળો થતી. નગરશેઠની સવારી એક દિવસ મંદિરે આવી. નગરશેઠે ભગવાનનાં દર્શન કરી, દાન-દક્ષિણા દેવી શરૂ કરી. ભિક્ષુકોનું ટોળું તેમને ઘેરી વળ્યું. પેલો સાધુ તો મસ્તરામની માફક ઓટલે બેસી રહ્યો. તેણે તે તરફ જોયું સુદ્ધાં નહીં. નગરશેઠે પણ ઘરનાઓ અને ગામના લોકો પાસેથી તે તરંગી સાધુ વિશે વાત સાંભળી હતી. તેણે જોયું કે આ મારી પાસે માગવા નથી આવ્યો. સાધુ છે અને હું ગૃહસ્થ છું. ભગવા વસ્ત્રધારીને સાચવવાની ગૃહસ્થની ફરજ પણ છે અને ધર્મ પણ છે.

નગરશેઠ સાધુ બેઠો હતો તેની નજીક આવ્યો. પ્રણામ કર્યા. કહ્યું, ‘મહારાજ, આપના વિશે મેં સાંભળ્યું છે, આપ કોઈ સાથે વાત નથી કરતા. પણ મારી પ્રાર્થના છે કે આપ મારું દાન સ્વીકારો. હું તમારી કાયમી વ્યવસ્થા કરવા માગું છું. રોજ જુદે જુદે ઠેકાણેથી તમારે ભિક્ષા માગવાની જરૂર નથી, સ્વીકારશો ?’
સાધુએ જવાબ આપ્યો : ‘ભલે મને વાંધો નથી, પણ મારા પ્રશ્નોના જો તું જવાબ આપે તો જ.’
નગરશેઠ કહે : ‘ભલે…. ફરમાવો…’

સાધુએ કહ્યું : ‘પહેલાં તો તને એ ખબર છે કે તારા ધનના ભંડાર કાયમી ભરેલા રહેશે ? બીજું, તેં આપેલું ધન મારી પાસેથી કોઈ ચોરી જશે તો ? ત્રીજું, તું મને કંઈ આપે પછી હું તેનો મારી મરજી મુજબ ગમે ત્યાં ખર્ચ કરું ત્યારે તને પસ્તાવો ન થવો જોઈએ. ચોથું, આજે નહીં ને ભવિષ્યમાં તને મારામાં કોઈ ખામી દેખાય અને તું મારા માટે કરેલી વ્યવસ્થા બંધ કરી દે તો ? અને છેલ્લે તું જો અચાનક મરી જાય અને હું નિરાધાર ન બની જાઉં એની ખાતરી તને હોય તો તું ચોક્કસ મારી વ્યવસ્થા કર, મને વાંધો નથી…. હું જન્મોજન્મથી જેના આશરે પડ્યો છું એનાથી મોટો જો તું હોય તો બોલ….’ નગરશેઠ સાધુને ચરણે મસ્તક નમાવી ત્યાંથી વિદાય થઈ ગયા. (‘નવનીત સમર્પણ’માંથી સાભાર.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “સાહિત્ય સુવાસ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.